Download this page in

નિરંજન ભગતનાં લઘુકાવ્યો

અનુગાંધીયુગ સમયકાળની દ્રષ્ટિએ સૌથી ટૂંકો યુગ છે પરંતુ આ યુગમાં થયેલા કવિઓ ગુજરાતી સાહિત્યમાં એક અનેરી છાપ છોડી ગયા છે. એમાં ‘નિરંજન ભગત’ એ અનુગાંધીયુગનાં યુગપ્રર્વતક કવિ છે. આથી આ યુગને ‘રાજેન્દ્ર – નિરંજનયુગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં નિરંજન ભગત કવિ, વિવેચક, અનુવાદક અને સંપાદક તરીકેની પ્રવૃતિઓ કરી છે. એમાં કવિતા એમનો રસનો વિષય. એમણે ઈ.સ.૧૯૪૩ થી ઈ.સ. ૧૯૫૮ સુધી કવિતાઓ લખી. ઈ.સ.૧૯૪૯માં પ્રથમ કાવ્ય સંગ્રહ ‘છંદોલય’ પ્રગટ થયો ત્યાર બાદ ઈ.સ. ૧૯૫૦માં ‘કિન્નરી’, ઈ.સ.૧૯૫૪માં ‘અલ્પવિરામ’, ઈ.સ. ૧૯૫૭માં ‘બૃહદ છંદોલય’, ઈ.સ. ૧૯૫૮માં ‘૩૩ કાવ્યો’ પ્રકાશિત થયા અને ઈ.સ.૧૯૭૪માં ‘પ્રવાલદ્વીપ’ ના કાવ્યો સાથે સમગ્ર નિરંજન ભગતના કાવ્યોનો સંગ્રહ ‘છંદોલય’ પ્રકાશિત થયો. ‘સુરેશ દલાલ’ આ સંગ્રહ વિષે કહે છે કે “હું છંદોલયને ગુજરાતી કવિતાનું બાઇબલ કહું છું, ત્યારે મારા મનમાં એક જ વાત હોય છે કે કોઈ પણ શિખાવ કવિએ છંદ અને લયનું સ્વરૂપ પામવું હોય અને એ દ્વારા કવિતાનો સાક્ષાત્કાર કરવો હોય તો એણે ‘છંદોલય’નો અભ્યાસ કરવો અને અભ્યાસ પછી નિરંજનની છટાના વલણ અને વણગણ માંથી છૂટીને પોતાનો અવાજ પ્રગટ કરવો. નવા કવિને રિયાઝ માટે ‘છંદોલય’જેવો કોઈ ગ્રંથ નથી.”

છંદોલય કાવ્યસંગ્રહનું પોત વિધ-વિધ સ્વરૂપોથી ઘડાયું છે, જેમાં ગીત, સોનેટ, દીર્ઘકાવ્ય, મુક્તકો અને લઘુકાવ્યો વગેરે સ્વરૂપોમાં કાવ્યો પ્રકાશિત થયાં છે. એમાં મુક્તકો અને લઘુકાવ્યો સારા પ્રમાણમાં ખેડયા છે. નિરંજન ભગત પહેલા દલપતરામ, રમણભાઈ નીલકંઠ, બ. ક. ઠાકોર પછી ગાંધીયુગમાં રમણભાઈ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ જેવા કવિઓએ આ સ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ‘મુક્તક’ એ ‘હાઈકુ’ પછીનો સૌથી નાનો લઘુકાવ્ય પ્રકાર છે. મુક્તક એટલે કાવ્યમોતી. તે એક જ શ્લોકનું હોય, છંદ પ્રમાણે બે ચાર પંક્તિમાં હોય, અર્થની દ્રષ્ટિએ સ્વતંત્ર હોય, આત્મનિર્ભર હોય, એક વિચાર એમાં રજૂ થયો હોય. ઉમાશંકર જોશી ‘મુક્તક’ વિષે કહે છે;- “આવા એક શ્લોકમાં પણ જીવનનો કોઈ એવો અનુભવ રજૂ થયું હોય કે સાભળનારની સાથે એ શ્લોક મનમાં રમી રહે એટલુ જ નહિ, જીવનમાં અમુલ્ય ભાથારૂપ બની રહે”

નિરંજન ભગતે એમના કાવ્ય સંગ્રહમાં ‘કિન્નરી’ને બાદ કરતાં બધા સંગ્રહો માંથી ૩૮ જેટલા મુક્તકો અને લઘુકાવ્યો મળે છે. એમાં પણ નિરંજન ભગતે પ્રયોગો કર્યા છે, બે પંક્તિથી લઈ ને સાત-આઠ, નવ-દસ પંક્તિઓમાં વિષય વૈવિધ્ય, છંદોબદ્ધ રીતે લઘુકાવ્યો લખ્યા છે. એમાં બે થી ત્રણ પંક્તિઓમાં ‘કોને?’, ‘આશ્લેષમાં’, ‘હું ને’, ‘વીર નર્મદને એમના વારસા વિષે’ જેવા મુક્તકો એમની પાસેથી મળે છે. એમાં શિખરણી છંદમાં લખાયેલું ‘કોને?’ મુકતકમાં નાયક પોતાની પ્રિયાને ચાહવી કે પોતાના સ્વપ્નમાં પ્રિયાને ચાહવી એવા પ્રશ્નાર્થ રૂપે રજૂ થાય છે.-
“તને કે સ્વપનોને
કહે, હું તે કોને
ચાહું, સ્વપ્ને તુ ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં?” ( પૃ.૯ )

એમનું બીજું જાણીતું મુક્તક ‘આશ્લેષમાં’ મા કવિ કહે છે -
“હે મૃત્યુ મારી પ્રેયસીના વેષમાં
તું આવ, તો ધરું તનેય એ જ આ આશ્લેષમાં” (પૃ.૨૭)

આ મુકતકમાં કવિએ મૃત્યુને પણ પ્રેયસીના રૂપમાં આવવાનું કહે છે. પ્રિયતમાને પ્રેમ કરતાં આલિંગે છે તેમ મૃત્યુને પણ બાહોસમાં ભરવા માંગે છે. મૃત્યના એકમકતાનો અનુભવ થાય છે. નર્મદને ઉદ્દેશીને ‘વીર નર્મદને એના વારસા વિષે’ માં આજની પેઢી પ્રત્યે કરેલી કટાક્ષ છે.

પરંપરાગત ચાર પંક્તિમાં રચાયેલા મુક્તકોમાં ‘જલધીના આરે’, ‘કાવ્યો’, ‘તંત્રીને પ્રત્યુત્તર’, ‘અભ્ર’, ‘પૂર્ણાક’, ‘પુનઃશ્ચ’, ‘નિન્દુ ન હું’, ‘કાફેમાં’, ‘ફોકલેંડ રોડ’, ‘ફ્લોરા ફાઉંન્ડ’, ‘આ હાથ’, જેવા મુક્તકો મળે છે. આ મુક્તકો એમની સુદઢતા અને સુશ્લિષ્ટતા માટે તેમજ નગરસંવેદને રાજુ કર્તા મુક્તકો પણ ધ્યાનપાત્ર છે. ‘જલધિને આરે, માં કવિ પોતાની જાતને કહે છે કે આ જનહીન એવા સાગરના કિનારે ભલે જાય, સંભાળશે તારી અધૂરી વ્યથાને અને પછી ગંભીર રીતે પીડા આપશે. તો ‘તંત્રીને પ્રત્યુત્તર’ માં એક સનાતન સત્ય રજૂ કરતાં કવિ કહે છે -
“તમેય સમજો જ છો, કહું શું સુજ્ઞને હું બહું ,
છતાંય કહું: કાળનો વિજય કળથી થાઈ છે.” (પૃ.૧૫૮)

‘અભ્ર’ મુકતકમાં કલ્પનોથી સંયોજાઈને બનેલું છે. આકાશને સમુદ્ર અને અભલાને સઢ કહીને સ્વરૂપાંતર કરી એ માંથી ઊભુ થતું સમગ્ર દ્રશ્ય શાંત, સ્તબ્ધ અને કલાંત ભાવવિશ્વ પ્રગટાવતી પદાવલી છે. તો ‘પૂર્ણાક’ મા કવિએ ગાણિતિક ભાષામાં પ્રેમની વાત કરી છે.-
“અપૂર્ણાકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો,
અને કોઈનુંયે હ્રદય નહિ એ પૂર્ણ ગણાતો;
પછી તો બીજાને નિજ હ્રદય પોતેજ ધરવું !
નહી તો જીતી લૈ અવરજનનું પૂર્ણ કરવું!” (પૃ.૨૪૮)

‘ભણતો-ગણાતો’, ‘ધરવું –કરવું’ જેવા પ્રાસો યોજી કવિએ ગાણિતિક ભાષામાં બરાબર રીતે રચનાને કવિચાતુરીમાં મૂકી છે. તો ‘પુનઃશ્ચ’ એ વરવધૂને ઉદ્દેશીને લખાયેલું એમને અભિનંદન આપતું કાવ્ય છે. તો ‘નિન્દુ ન હું’ માં કવિ કાટાને નિંદા કરવાની ના પાડે છે કારણ કે કવિ ફૂલોથી ઘવાયેલા છે. ‘આ હાથ’ મુકતકમાં કવિનો હાથ મૃત્યુને વર્યો હતો પરંતુ પ્રિયતમના સ્પર્શથી એ હાથને અમૃત મળ્યું હોય એવું સંવેદન કવિએ આ રચનામાં પ્રગટ કરી છે.-
“ આ હાથ મારો પ્રિય મૃત્યુને વર્યો !
પરંતુ એજ ક્ષણથી તને ગમ્યો
તારા વળી હાથ વિષે રહી રમ્યો
રે ત્યારથી તો નિત આમૃત ને ભર્યો ” (પૃ.૨૭૧)

નિરંજન ભગતે નગરસંવેદનાને રજૂ કરતાં કાવ્યો ‘પ્રવાલદ્વીપ’ સંગ્રહમાં આપ્યા છે. એમાં ‘કાફેમાં’, ‘ફોકલેન્ડ રોડ’, ‘ફ્લોરા રાઉન્ડ’, જેવી રચનાઓ નગર સંસ્કૃતિની સંવેદના રજૂ કરતા મુક્તકોનો સમાવેશ કર્યો છે’. કાફેમાં’ એ ઉપજાતિ છંદમાં રચાયેલું ચાર વેધક પંક્તિઓમાં માનવ જીવનની વ્યથાને વાચા આપતી રચના છે.-
“કાફે મહિ મંદ પ્રવેશતી યથા
સમુદ્રના રુદ્ર તુફાન સૌ સહી
કો ભગ્ન નૌકા તટ નાગરી રહી
કોફી નહિ, ત્યાં કપમાં હતી વ્યથા” (પૃ.૨૦૭)

‘યથા-વ્યથા’, સહી-રહી’ જેવા પ્રાસોયુક્ત આ રચનામાં સુંદર અને ગૌરવ ભર્યું, બાહ્ય દેખાવ અને સમૃદ્ધિ ધરાવતા વ્યક્તિઓના હ્રદયમાં પણ કેટલી વેદનાઓ હોય છે. એ છેલ્લી પંક્તિમાં કોફીની જગ્યાએ પોતાની વ્યથા પીતા એવો અકથ્ય વિચાર મૂક્યો છે. તો ‘ફોકલેંન્ડ રોડ’ માં મુંબઈમાં આજના કહેવાતા સ્નેહલગ્ન કેટલા પોકળ છે એના નગ્ન સ્વરૂપ ઉપર કટાક્ષ અને અક્રોશ અહી વ્યક્ત કર્યો છે. છેલ્લી બે પંક્તિઓમાં વેશ્યા પ્રત્યેની સહાનુભૂતિ અને બંને ની સમાનતાનું ચિત્ર રજૂ કરતાં કવિ કહે છે-
“ના દેવ કોઈ, નહિ કોઈ દાનવી
આ લોક ને તો સહુ માત્ર માનવી.” (પૃ. ૨૦૮)

નિરંજન ભગતે છ પંક્તિઓમાં પણ મુક્તકો લખ્યા છે. પરંપરાગત ઊર્મિકાવ્યોથી સહેજ નાની રચનાઓ કરી છે. એમાં ‘કવિ’, ‘એકસુરીલું’, ‘સ્વજનોને’, ‘અજાણ્યું એકેના’, એ છ પંક્તિના લઘુકાવ્યો છે. ‘કવિ’ લઘુકાવ્યમાં નિરંજન ભગતે કવિના કાવ્યોનું રહસ્ય સમજાવ્યું છે. કવિને મૃત્યુ ગણી સ્મશાને લઈ જાય, ચિતા પર સુવડાવાય, આગ લગાવાય, વંટોળીઓ થાઈ ને ડાઘુ પણ અલોપ થઈ જાય ને તે વખતે બેઠો થઈ જગતમાં પાછો ફરે તે કવિ છે. છેલ્લી પંક્તિના છેલ્લા શબ્દમાં ઘટના સ્ફોટ કરી કહે છે કે એ ‘કવિ’ છે. –
“બેઠો થઈ એ ક્ષણમાં જ માનવી
પાછો ફર્યો આ જાગમા, હતો કવિ ,” (પૃ.૧૩૪)

કવિ કહે છે કે કળા કે કવિતા એ સંજીવની છે. એ મૃત:પ્રાયને પણ નવચેતન અર્પે છે. ’એકસૂરીલું’ નિરંજન ભગતનું ખૂબ પોકાયેલું મુક્તક છે. બ.ક.ઠાકરે પ્રચલિત કરેલો ‘ગુલબંકી’છંદ માં આ લઘુકાવ્ય રચ્યું છે. ઓછા શબ્દો અને એક ના એક શબ્દોનું પુનરાવર્તનથી કાવ્યમાં ચમત્કારિકતા સર્જાય છે.-
“ એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા ” (પૃ ૧૫૬ )

કાવ્યનું શીર્ષક જ ‘એકસૂરીલું’ છે. એક સૂરમાં રચાયેલું કાવ્યમાં જીવનમાં માણસને એ તેજ મળે, એજ ભેજ મળે, અને જ સેજ મળે છે અને એ પામનારા આ બે પગના માનવીઓ પણ એ જ છે. મનુષ્યના જીવનનું એક સૂરીલતાનું આ મુકતકમાં જોવા મળે છે. ‘સ્વજનોને’લઘુકાવ્ય એ સ્વજનોને સંબોધીને લખાયેલ રચના છે. તો ‘અજાણ્યું એકે ના’ કાવ્યમાં આ પૃથ્વી લોક પર માનવજીવન બધે સરખું છે એ અર્થબોધ આપતું કાવ્ય છે.

નિરંજન ભગતે એ શિવાય આઠ-નવ પંક્તિઓમાં લઘુકાવ્યો રચ્યા છે. એમાં પ્રણયભાવ અને ચિંતનભાવની રચનાઓ વધુ જોવા મળે છે. પ્રણયભાવના લઘુકાવ્યોમાં પ્રેમનો ભાવ, ઉદાશીનતાનો ભાવ, મૌનનો ભાવ જોવા મળે છે. એમાં ‘પરિચય’, ‘સજ્જા’, ‘ધ્રુવતારા’, ‘સુધામય વરુણી’, ‘હે કૃષ્ણા’, ‘મન’, ‘છાયા’, ‘અનિદ્ર નયને’, સ્પદવું’, જેવી રચનાઓમાં પ્રણયભાવ વ્યક્ત કરતી લઘુ રચનાઓ છે. ‘પરિચય’ કાવ્યમાં કવિ પ્રિયાની કીકીમાં પોતાનો પ્રતિબિંબ જુએ છે અને કહે છે-
“નિહાળું છુ છાની
પ્રિયની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા! ” (પૃ.૧૦)

તો ‘સજ્જા’ લઘુકાવ્યમાં પ્રિયાનું સકળ સૌદર્ય હોય પણ લજ્જાના હોય તો એ સજાવટ નકામી છે એમ કવિ કહે છે ‘ધ્રુવતારા’ લઘુકાવ્યમાં કવિને પ્રિયતમના નયનરૂપી બે ધ્રુવતારા જોયા પછી સૌ પ્યારા બની ગયા છે. –
“એ જ આભે એ જ ધારા,
એ જ સૌની એની એ જ છે તેજધારા
ને છતાં લાગી રહ્યા છે આજ સૌના રૂપ ન્યારા!” ( પૃ.૧૨)

‘સુધામય વરુણી’માં પ્રણયની અનુભૂતિની તીવ્રતનું લઘુકાવ્ય છે. નાયક પ્રિયતમાને ચુંબન કરી જાણે સ્વર્ગની સુધા (અમૃત)નો અનુભવ કર્યાની લાગણી અનુભવે છે. ‘મન’એ કવિનુ સુંદર લઘુકાવ્ય છે. એમાં કવિએ હ્રદયની વેદના અને વ્યથાને ઝૂલણા છંદમાં વાચા આપી છે.-
“અંતરે આસુના નીરના કૈ ઝરા
તે છતાં મૌન છે કેટલા ક્રંદનો” ( પૃ.૪૦)

કવિ કહે છે કે અંતરમાં આસુઓના કેટલાક ઝરણા છે એ બહાર નથી આવતા આથી રુદન અથવા ક્રંદન જે છે એ મૌન છે. ‘અનિદ્ર નયને’ પણ કવિએ હ્રદયની વ્યથા વર્ણવી છે. આ લઘુકાવ્યમાં શૂન્યતા અને એકલતાના મનોભાવો વ્યક્ત કર્યા છે. તો ‘સ્પદવું’ કાવ્યમાં પણ આજ ભાવ વ્યક્ત કર્યો છે. –
“ ઉરમહિ જે વ્યથા
સહેવી, સહેવાયના;
સુરમહીં જે કથા
કહવી , કહેવાય ના;
ને છતાં હ્રદયને સ્પદવું!” ( પૃ.૫૦)

બીજા કેટલાક ચિંતનાત્મક લઘુકાવ્યો પણ મળે છે. એમાં ‘પંથ વંકાઈ’, ‘શુષ્ક પર્ણ’, ‘બે કૌસ વચ્ચે’, ‘સ્વતંત્ર છો’ જેવા લઘુકાવ્યો મળે છે. ‘પંથ વાંકાય’ કાવ્યમાં પથ અને પથિકનો જે અમેળ છે તે કાવ્યમાં સૂચવ્યો છે. તો ‘ શુષ્ક પર્ણ’ માં કવિ પોતે પીત વર્ણનો થઈ પછી સુકાઈ ગયો છે. કોઈ એવી અવસ્થામાં નાયક પોતાની જાતની પીત અને શુષ્ક એવા પર્ણ રૂપે વર્ણવી છે.-
“ નહીં રૂપ, નહીં રંગ
નહીં વસંત નો સંગ
શીત અંગે અંગ
રે હું પીત વર્ણ” ( પૃ.૪૯)

‘ બે કૌસ વચ્ચે’ માં ગાણિતિક પરિભાષાનો ઉયાયોગ કર્યો છે. જન્મ અને મૃત્યુ ને બે કૌસ ની વચ્ચે મૂકી દર્શાવે છે આ બે કૌસની વચ્ચે મનુષ્યની જિંદગી વહી રહી છે.-
“ જન્મ અને મૃત્યુ કૌસ બે
વચ્ચે વહે આ જિંદગી” (પૃ.૨૫૬)

કવિ કહે છે કે વ્યાકરણમા કૌસમાં મૂકાયેલું વાક્ય જે કાર્ય કરે છે તે માનવીની જિંદગીનું કાર્ય કરે છે પણ એ કાર્યનો સમગ્ર જિંદગી સાથે સબંધ બંધાય ત્યાં સુધી કોઈ અર્થ પ્રગટ થતો નથી . આમ, વ્યાકરણ અને ગણિત જેવા વિષયોની પરિભાષામાં સાર્થક કાવ્ય રચ્યું છે.

આમ, નિરંજન ભગતે એમના લઘુકાવ્યોમાં વિષય વૈવિધ્ય, નિરૂપણ રીતિ, ભાષા સજ્જતા તેમજ ચોટદાર શૈલીમાં કાવ્યો રજૂ કર્યા છે. એનમે ગીત કવિતા કે સોનેટ કાવ્યોમાં જેટલી સફળતા મળી છે એટલી લઘુકાવ્યોમાં મળી નથી છતાં આ લઘુકાવ્યો બીજા સ્વરૂપના કાવ્યો સાથે બંધબેસતા જણાય છે અને અને નિરંજન ભગતની કાવ્યબાનીમાં આભના તારલાની જેમ ચમકે છે.

પાદટીપ::
(૧) કવિપરિચય, સુરેશ દલાલ, પૃ ૧૬૧
(૨) શૈલી અને સ્વરૂપ, ઉમાશંકર જોશી, પૃ.૧૪૬
(૩) છંદોલાય , નિરંજન ભગત, દ્વિતીય આવ્રુતિ ૧૯૯૭,ગુર્જર પ્રકાશન

ગામીત યોગેશભાઇ ઠાકોરભાઇ, પીએચ.ડી. સ્કોલર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. મો.૯૬૮૭૦૧૯૭૦૦ Email:yogugamit@gmail.com