Download this page in

‘ધાડ’ એક ટાઈમલેસ બ્યુટી

‘આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો માર્ગ એક જ છે. માથાભારે થવું...તાકાત ખપે દોસ્ત ! આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બતાવવી અને એને નીચો નમાવવો’

ડૉ. જયંત ખત્રીની વાર્તાઓ જેમ અનોખી છે એમ એના પાત્રો પણ કાયમ યાદ રહી જાય એવા વિલક્ષણ છે. દરિયાની રેતીના ઢૂવા પરથી ચેરિયાના ઝાડ પાસે ચરતા ઊંટ પરથી કેમેરાની ફ્રેમ પોર્ટની ચોકી કરતા સુપરવાઈઝર પર અટકે અને આપણા દિલોદિમાગ પર ‘ધાડ’ પકડ જમાવી લે. ઘેલો અને પ્રાણીયો (પ્રાણજીવન) તેમજ તેની મિત્રતા વચ્ચેના સામાન્ય રીતે જોવા મળે એવો વિરોધાભાસી બન્નેનો સ્વભા. બેકાર બનેલો પ્રાણજીવન ખભે કોથળો લઈને પુસ્તકિયું જ્ઞાન અને જીવનનો મેળ બેસાડવા મથ્યા કરે છે અને બરછટ, ઊંચો, કદાવર અને તીક્ષ્ણ આંખોવાળો ઘેલો ચેરિયાનું ઉદાહરણ આપીને સમજાવી દે છે જીવનના ગૂઢ રહસ્યો....!

લગ્ન બાદ સમય વીતતાં ધનબાઈ બાળકની ઝંખનામાં જાનુમા નામની દાયણ પાસે તાવીજ અને દવા લેતી હોય ત્યારે ઘેલા સાથેનું તેનું દામ્પત્ય અને તેનું માધુર્ય દર્શનીય છે. આ દ્રશ્ય જોવાય ત્યારે જરૂરથી ડૉ. જયંત ખત્રીની પ્રતિકાત્મક ભાષા માટે આદરભાવ થઈ આવે...! ઘેલો સૂકી વેરાન જાકારા દેતી ધરતી પર કાબેલિયતથી કે માથાભારે થઈને જીવવાનો ડોળ કરે છે. નિ: સંતાન હોવાની તેની વેદના જ એકસામટી થઈને પક્ષઘાતનો હુમલો બની જાય. આમ, સતત ભંડારી રાખેલી વેદનાને અચાનક જ પરાકાષ્ઠાએ એક ડૉક્ટર એવા લેખક જ લાવી શકે. કે.કે.મેનન જેવા ખમતીધર કલાકારની અદાકારીમાં ઘેલાનું પાત્ર સોળે કળાએ નિખર્યું છે. પક્ષઘાતનો હુમલો થવો એ પહેલાંનો ચોક્કસ, સખત, કટારી જેવી આંખોવાળો ઊંચો, કદાવર માથાભારે ઘેલો અને પક્ષઘાતનો હુમલો થયા બાદ પંગુતામાં ઘેરાયેલો, નિ:સહાય ઘેલો આ બન્નેનું સંતુલન જાળવીને ફિલ્મમાં તેનું દ્રશ્યાંકન સંવેદનશીલતાથી થયું છે.

‘ધાડ’ ફિલ્મમાં કચ્છનો રણ પ્રદેશ, ધૂળ, વંટોળિયા, તડકો, કાંટા, ઝાંખરા અને નિ:સીમ મેદાનો કેવળ પશ્ચાદબૂ પર નથી પાડતાં પણ તે જાણે સ્વયં જ વાર્તાનું પાત્ર બનીને ઉભરે છે. વળી, ફિલ્મમાં કચ્છી કલાકારો એસ્માઈલ પારા, અમીના મીર, લાલ રાંભિયાના કંઠ સાથે વનરાજ ભાઅટેયાનું કામણગારું સંગીત પ્રસંગોચિત્ત લાગે છે. મોંઘી અને તેની બહેનપણીઓના રાસ જોતાં જોતાં સતત વિચારતું મન પણ એક ઘડી સ્તબ્ધ બનીને રહી જાય એવું અનુપમ દ્રશ્ય કેમેરાએ કંડાર્યું છે.

લેખક વીનેશ અંતાણીનું ‘ધાડ’ વાર્તાનું ફિલ્મ પટકથા રૂપે વિસ્તરણ અને જાણીતા સર્જક પરેશ નાયકનું દિગ્દર્શન અદભૂત છે. સામાન્ય રીતે ફિલ્મ નિર્માણમાં વર્ષો નીકળે ત્યારે ત્રણ ભયસ્થાનો સામાન્ય લાગે છે, એક તો વાર્તા ચવાઈ ગઈ હોય, બીજું લોકેશન જુના થઈ જાય અને ત્રીજું એ સમયના હીરો ફિલ્મ રીલીઝ સમયે બીજા સ્વરૂપે જોવા મળતા હોય. ‘ધાડ’માં એથી બધું લગ જ બન્યું છે. એક ડૉ. ખત્રીની વાર્તા ક્યારેય જુની હોય એવું લાગતું જ નથી, બીજું કચ્છના લોકેશનમાં અદભૂત તાકાત છે. એ ક્યારેય જુના થતાં જ નથી તેમાં પણ ‘ધાડ’ના લોકેશન તો સમયે વિતવા સાથે પણ મહદઅંશે એવાજ રહ્યાં છે અને ત્રીજી વાત આ ફિલ્મના કલાકારો તો 17 વર્ષના ગાળામાં ઘણી ઊંચાઈ સર કરી ગયા છે. કે.કે.મેનન આ ગાળામાં પોતાની અભિનય તાકાત દર્શાવી ખુદ બિગબી સામે મુખ્ય વિલન બન્યા છે, તો નંદિતાદાસ પણ તે પછી અભિનયના બળે ફાયર જેવી અદભૂત ફિલ્મ કરીને જાણીતી બની બીજી સ્મિતા પાટિલનું બિરુદ પણ મેળવી ગઈ. સુજાતા મહેતા પણ લોકોની પ્રશંસા મેળવી ચૂકી છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ફિલ્મ 17 વર્ષ પછી પણ તાજી જ લાગે છે. અને વર્ષો પછી પણ એટલી જ ફ્રેશ રહેશે એટલે કહી શકાય આ ફિલ્મ એક ‘ટાઈમલેસ બ્યુટી’ છે.

‘અમારું તો સ્વપ્ન સાકાર થયું...’ એવી નિર્માતા કીર્તિભાઈની લાગણી સ્વયં સ્પષ્ટ છે. ખરેખર ફિલ્મ બનાવીને રિલીઝ કરતા સત્તર વર્ષના ગાળા વિતી જાય છતાં પણ કચ્છી માડુ હિંમત હાર્યા વગર 35 એમ.એમ. કેમેરામાં કંડારાયેલા ફિલ્મનું ડિઝિટેલ સંસ્કરણ લાલ રાંભિયા, બુદ્ધિચંદ મારૂ અને વિશનજીભાઈના સહયોગથી કરે, તો સિનેમેટોગ્રાફર રાવજી સોંદરવા એક એક ફ્રેમને લેન્ડસ્કેપ બનાવીને રૂપેરી પડદે આલેખે છે. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ અને ગુજરાત ખનિજ વિકાસ નિગમનો આર્થિક સહયોગ તો ખરો જ.

હા, સત્તર વર્ષે ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે નોંધવા જેવું એ છે કે કચ્છી-ગુજરાતી (કુગુજરાતી) ફિલ્મના ઇતિહાસમાં આ એક માઈલસ્ટોન છે. સમગ્ર કચ્છ અને ગુજરાત માટે આ ઘટના ગૌરવ લેવા જેવી છે. કવિ ‘તેજ’ની પંક્તિઓ અહીં યાદ આવ્યા વગર ન રહે...

‘મૂડસે જે હિન મુલકમેં, હિંમત આય હૈયે જો હીર,
કચ્છી માડૂ ત્રેસે પધરા, ખાંખત, ખંત, ખમીર...!

અંતે, ડૉ.જયંત ખત્રીની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘ધાડ’ તેની વિષયવસ્તુ પરની પકડ, ઘટના, ગુંથણીની કલાત્મકતા, પ્રકૃતિ નિરૂપણ અને તેના પ્રતિકાત્મક ઉપયોગથી અને વાર્તાના વિસ્મયકારક અંતને કારણે હંમેશા યાદગાર રહેશે.

ડૉ. કાશ્મીરા મહેતા અધ્યક્ષા અંગ્રેજી વિભાગ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ-કચ્છ, 370001