Download this page in

‘સુંદરમ્’ના કાવ્યોમાં શ્રી અરવિંદનું દર્શન

ભારતની ધારાને અનેકવિધ વિભૂતિઓના સંસ્પર્શનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તેની તેજસ્વી આધ્યાત્મ પરંપરામાં વધુ એક ઝળહળતું શિખર એટલે ઈ. સ. ૧૮૭૨માં કલકત્તાની ભૂમિ પર અવતરણ પામેલા મહર્ષિ શ્રી અરવિંદ. પશ્ચિમના વિદ્યાસંસ્કાર મેળવ્યા હોવા છતા હૃદમાં પાંગરેલું ભારતીય સંસ્કૃતિનું પોત તેમને ભારત લઈ આવે છે. ગુજરાતમાં રહી અધ્યાપક, ક્રાંતિકારી તરીકે સક્રિય રહ્યા બાદ પોતાનું અવતરણ જે કાર્ય અર્થે થયું છે તે સત્યને પામી ભારતીય સંસ્કૃતિના ચિંતન સાથે પોંડીચેરીમાં આશ્રમ સ્થાપી મનવજીવનના ઉત્કર્ષ ખાતર યોગસાધના કરે છે. જેને પગલે દિવ્યશક્તિનું અવતરણ થાય છે. શ્રી અરવિંદની એ સઘળી તાત્વિક વિચારધારા એકાધિક ગ્રંથોમાં વહે છે. તેમાં મહાકાવ્ય તરીકે ‘સાવિત્રી’ અવિસ્મરણીય છે. મા મીરાનો પરિચય આપતું ‘મા’(The Mother) પુસ્તક પણ આગવું છે.

અધ્યાત્મપથના ઊંડા આરાધક શ્રી અરવિંદનું આધ્યાત્મચિંતન માનવજાતને ઘણે અંશે સ્પર્શનારું છે. વિશ્વમાં જે કંઈ પણ બની રહ્યું છે તેમાં પ્રભુનાં દિવ્ય તેજનું તત્વ પડેલું છે, એ બાબતનો તેઓ મહિમા કરે છે. ઉપરાંત માનવતાનું દિવ્યતામાં રૂપાંતરણ થાય એ માટે તેઓ ત્રણ મહાતપ ‘અભીપ્સા’(Aspiration), ‘પરિત્યાગ’(Rejection) અને ‘સમર્પણ’(Surrender)ને મહત્વનાં ગણાવે છે. અભીપ્સા એટલે મનની સંકલ્પશક્તિ અને કશુક મેળવવા માટેની હૃદયની તીવ્ર તૃષા. પરિત્યાગ દ્વારા સર્વ નિમ્નભાવો અને પૂર્વગ્રહોને છોડવાનો સંકેત છે. જ્યારે સમર્પણ વડે પોતાની જાતના ચેતનાના એકે એક સ્તરનું, ક્રિયાનું સર્વાંગી સમર્પણ સાધવાનું છે. આ ભાવના અને શ્રી અરવિંદની પ્રખર યોગસાધનાના બળે પૃથ્વી પર દિવ્યચેતનાનું અવતરણ થયું. શ્રી અરવિંદ એ દિવ્યશક્તિને અતિમનસ (Supramental) તરીકે ઓળખાવે છે. આ શક્તિનો સંચાર થવાથી સમગ્ર માનવજીવનનું દિવ્યજીવનમાં રૂપાંતર(Transformation) થઈ રહ્યું છે. ચિદ્વ્યાપારનું કેન્દ્ર ગણાતા ‘ચિત્તપુરુષ’(Psychic)ને શ્રી અરવિંદ પ્રભુમાંથી આવેલો સ્ફુલ્લિંગ કહી તેને સતત વિકાસ પામતો અને હૃદયનાં ઊંડાણમાં રહેલો ગણાવે છે. દિવ્યજીવનની ઉચ્ચતમ અવસ્થાને સત્-ચિત્-આનંદનાં સંયોગે અભિવ્યક્ત કરે છે. આ તત્વચિંતનને જોતાં જણાય છે કે પૂર્ણયોગી શ્રી અરવિંદનું અધ્યાત્મદર્શન પાયાનું અને અનુભવતપ્ત છે.

શ્રી અરવિંદની યોગસાધના અને વિચારધારાનો ઘેરો પ્રભાવ પડ્યો છે. પરિણામે શ્રી માતાજી(મા મીરા)ની જેમ ઘણાં તેજપૂંજો તેમની તરફ વળ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં દૃષ્ટિ કરતાં જણાય છે કે ગાંધીયુગના સમર્થ સાહિત્યકાર કવિ ‘સુંદરમ્’-(ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર) પણ શ્રી અરવિંદનાં પ્રભાવને ઝીલે છે. મૂળ ભરુચ જિલ્લાના અને શિક્ષક-અધ્યાપકનો વ્યવસાય કર્યા પછી ઈ.સ. ૧૯૪૫થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડીચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસી બનીને સાધનામાં જોડાય છે. પોંડીચેરીના આધ્યાત્મિક વાતાવરણનો તેમના પર પ્રભાવ પડતાં અનાયાસે તેમની કવિતામાં અધ્યાત્મતત્વ આવે છે. કવિ તરીકે ‘કોયાભગતની કડવીવાણી અને ગરીબોના ગીતો’(૧૯૩૩)થી શરૂ થતી તેમની કાવ્યયાત્રા ‘કાવ્યમંગલા’(૧૯૩૩), ‘રંગ રંગ વાદળિયાં’(૧૯૩૯) ‘વસુધા’(૧૯૩૯), ‘યાત્રા’(૧૯૫૧), ‘વરદા’(૧૯૯૨), ‘મુદિતા’(૧૯૯૨), ‘ઉત્કંઠા’(૧૯૯૨), ‘અનાગતા’(૧૯૯૩), ‘પલ્લવિતા’(૧૯૯૫), ‘પ્રિયાંકા’(૧૯૯૭), ‘નયા પૈસા’(૧૯૯૮), ‘દક્ષિણા’ ૧-૨(૨૦૦૨), ‘ધ્રુવયાત્રા’(૨૦૦૩) વગેરે કાવ્યસંગ્રહો સુધી વિસ્તરે છે. યુવાન વયમાં સાવ નાસ્તિક એવા ‘સુંદરમ્’ ‘કોયા ભગતની કડવી વાણી’માં ‘હવે હરિ વૈકુંઠ જાવો’ એમ કહેતા જણાય છે. વળી થોડું શ્રધ્ધાબળ વધતાં ‘તને નમું, પત્થરનેય હું નમું’ (‘વસુધા’-૧૯૩૯) એમ કહે છે. પોંડીચેરી નિવાસ અને શ્રી અરવિંદ આશ્રમના આધ્યાત્મિક વાતાવરણને પગલે તેમની પ્રભુઆસ્થા દૃઢ બને છે. તેનો સબળ પુરાવો ‘યાત્રા’(૧૯૫૧)માં વર્તાય છે.

પણ ‘વસુધા’(૧૯૩૯) કાવ્યસંગ્રહથી સુંદરમ્ ઈશ્વરની વધુ નજીક પહોંચવા લાગે છે, કહી શકાય કે ઈશ્વર સાથે તેમનો નાતો જોડાય જાય છે. ‘જ્યોત જગાવો’ અને ‘વિરાટની પગલી’ આ બાબતની સાક્ષી પૂરે છે :
“જીવન-જ્યોત જગાવો
પ્રભુ હે, જીવનજ્યોત જગાવો
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો ,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો”(વસુધા : ‘જ્યોત જગાવો’)

પ્રભુનાં સન્નિધ્યની અનુભૂતિને પ્રગટ કરતું ‘વિરાટની પગલી’ કાવ્ય પણ નોંધપાત્ર છે :
“પેલી મૂર્તિ વિરાટ મટી અંગુલ શી સાવ થઈ,
સરી અંતરને આગાર ઝળાહળા જ્યોત રહી.
મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે,
મારા અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.”(વસુધા : ‘વિરાટની પગલી’)

પરંતુ આગળ નોધ્યું તેમ સુંદરમનું પ્રખર આત્મતેજ ‘યાત્રા’માં નજરે ચડે છે. અભીપ્સાનાં ઉચ્ચતમ શિખર પર બેસી સુંદરમની સમર્પણ-‘યાત્રા’ આમ ખીલે છે :
“ઉચ્છવાસે નિ:શ્વાસે મારી એક જ રટના હો,
તું મુજમાં તુજ ધામ રચીજા, એ શુભ ઘટના હો.”(યાત્રા : ‘એક જ રટણા’)

ઈશ્વરમાં ભળી જવાની કવિની તીવ્રતમ ગહનતા આપણને સ્પર્શી જાય તેમ છે. આ ઘટના રચાવી એ કોઈ સામાન્ય યોગ નથી. તેના માટે આત્મતત્વની શુદ્ધતા પણ અનિવાર્ય છે. હૃદયમંદિરને પવિત્ર રાખવું પડે છે. માટે કવિ પોતાના હૃદયને સંબોધે છે :
“સમર્પણં...
સમર્પણં...
એક એક રટ મંત્ર હૃદય હે,
રટો મંત્ર અમ દેહ-ચિત્ત અમ,
આત્મા મુદિત બનો.”(પ્રભુપદ : ‘સમર્પણં’)

પોતાના આત્મતત્વથી ઈશ્વર પ્રતિનું આરોહણ સુંદરમમાં ઘેરું બનતું જણાય છે. શ્રી અરવિંદનાં સહયોગિની શ્રીમાતાજી (મા મીરા) પ્રત્યે પણ તેમનું સહજ-સુંદર, સમર્પણકારી નિવેદન રજૂ થાય છે :
“અમને રાખ સદા તવ ચરણે,
મધુમય કમલ સમા તવ ચરણે.”(યાત્રા : ‘તવ ચરણે’)

ઈશ્વર પ્રત્યેનું સુંદરમનું આ પ્રકારનું સત્વશીલ સ્નેહતત્વ એ દિવ્યજીવન પ્રતિનું સભાન ડગ છે. પોતાની જાતનું અર્પણ અહીં સર્વાંગી સમર્પણની ભૂમિકાએ સજીવ થતું જણાય છે. કવિજીવનમાં રહેલી ઈશ્વર પ્રાપ્તિની ‘ઉત્કંઠા’ વિકસતી લાગે છે. સુંદરમના ‘યાત્રા’ કાવ્યસંગ્રહની આ ઉપલબ્ધિ છે. માટે તો રમણલાલ જોશીએ કહ્યું છે કે, “ખરેખર ‘યાત્રા’નો કાવ્યસંગ્રહ આપણા સાહિત્યમાં કોક નવી જ હવા લઈ આવે છે !...દિવ્યજીવન માટે કવિનું હૈયું કેવું તલસી રહ્યું છે એ આ સંગ્રહના ઘણાં પૃષ્ઠ વારેવારે કહ્યાં કરે છે.”[1]

‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહમાં પ્રગટતી સુંદરમની ઈશ્વરાનુભૂતિની સાચી મહેક પણ આસ્વાદવા જેવી છે :
“તું હૃદયે વસનારી
ઘટ ઘટ ભીતર નરતનહારી, તું...
તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા,
તવ હૃદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા !”(ઉત્કંઠા : ‘તું’)

જીવનનું સઘળું કર્મ જાણે પ્રભુના જ પરિચાલકબળનું પરિણામ ! શ્રી અરવિંદ કથિત સમર્પણભાવની સાધનાને સુંદરમ આમ અવિનાભાવી સંબંધે સાધે છે. આ સમર્પણના સથવારે કવિની અભીપ્સાવૃત્તિ પણ અધ્યાત્મચિંતનનો પહેરો ભરતી રહે છે અને ક્યારેક એ અભીપ્સા પ્રશ્નરૂપે પ્રગટે છે :
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?(વસુધા : ‘કોણ?’)

આ પ્રશ્નથી ઉઠતા, કોઈ અગોચર તત્વને પામવાના રહસ્યમય સંવેદનમાં સુંદરમનું વૈચારિક દર્શન વ્યક્ત થાય છે. પુષ્પની પાંદડી આડશે છુપાયેલા અવિરોધ્ય હાસ્યને શોધવા કરતાં તેની ભાળ મળી જ ગઈ છે બસ, હવે તેને પામી લેવું છે એવી ભાવના સમજી શકાય છે. આ થઈ ઈશ્વરના અસ્તિત્વના હકારની વાત. કવિ તો પ્રણયપુષ્પથી પણ પ્રભુને આરાધી ચૂક્યા છે :
“મેરે પિયા મૈં કછું નહીં જાનું,
મૈં તો ચુપચુપ ચાહ રહી”(યાત્રા : ‘મેરે પિયા’)

છુપાઈ છુપાઈને ખીલી રહેલું આ ચાહનાનું પુષ્પ એકદમ અજ્ઞાત અવસ્થામાં મઘમઘી રહ્યું છે. અહીં કવિની ઈશ્વર પ્રતિની શ્રદ્ધા(Faith) ઉત્કટ છે.

ઈશ્વરમાં એકમેક થવાનો માર્ગ તો નિશ્ચિત જ છે અને કોઈ વખત એમ બને કે દૈવીય સંકેત વર્તાય ત્યારે કેટલી ‘ગઠરિયાં’ બાંધવાની હોય? બસ, ચાલી જ નિકળવાનું હોય અને એ પણ કેવી સ્થિતિમાં-
“સુન્ના ન લિયા, રૂપા ન લિયા,
ન લિયા સંગ જવાહર રી,
ખાખ ભભૂત કી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી”(વસુધા : ‘ગઠરિયાં’)

એક ક્ષણે લાગે કે અહીં મીરાંબાઈનો સૂર સંભળાય છે પણ આપણે કહી શકીએ કે કશાયની પરવા કર્યા વિના કેવળ એક અણસાર માત્રથી આરંભયેલી આ ભસ્મયાત્રામાં શ્રી અરવિંદની પરિત્યાગની વિચારણા અંકુરિત થાય છે. પરિત્યાગથી પ્રગટેલી કવિસહજ અનુભૂતિ પણ આસ્વાદવા જેવી છે :
“એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી
કોકિલની લઈ બંસી
પરાગની પાવડીએ આવી
કોણ ગયું ઉર પેસી?(વસુધા : ‘એક સવારે’)

કવિ સુંદરમની પરિશુદ્ધ બનેલી શ્રાદ્ધાનું અહીં સામર્થ્ય જોઈ શકાય છે. પ્રભુની હાજરીની સાંકેતિક રજૂઆત પ્રકૃતિના તત્વો દ્વારા મૂર્ત થાય છે. કવિના હૃદયમાં જાણે પ્રભુવાસ થઈ ચૂક્યો છે. ‘કોણ?’માં રહેલી સંશયની રહસ્યમય ગૂંચ હવે નથી રહી. માટે તો ચંદ્રકાંત શેઠ પણ કહે છે કે “કવિ સુંદરમની કવિતામાં સંશયથી શ્રદ્ધા પ્રતિની ગતિ જોઈ શકાય છે.’[2] શ્રદ્ધા પૂર્ણ સ્વરૂપ પામતા પૂર્વે સતત પરમ સત્યની ખોજમાં અભિવ્યંજિત થતી રહી છે. આ સંદર્ભે ‘યાત્રા’ સંગ્રહને ફરી જોય શકાય-
“આ હવા અહીં મર્મરતી,
કો મંત્ર મધુર નિર્ઝરતી.”(યાત્રા : ‘આ હવા અહીં’)

અને પ્રભુ જાણે કવિની પ્રેયસી ન હોય તેમ કવિ ખંડ શિખરિણીમાં મુક્તક સ્વરૂપે ગાય છે :
‘તને મેં ઝંખી છે,
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી’ (વસુધા : ‘તને મેં’)

સુંદરમના કાવ્યોમાં શ્રી અરવિંદનું દર્શન ઉતરવા સાથે કવિનો નિજી કવિભાવ પણ કાવ્યોમાં ડોકાય છે. આના ઉપલક્ષયમાં સુધાબહેન પંડ્યા તેમના સંપાદનમાં જણાવે છે કે, “યાત્રા’ સંગ્રહનાં ગીતો ‘આભનો ખેડૈયો’, ‘એક પંખણી’માં તો શ્રી અરવિંદ અને શ્રી માતાજીને સૂક્ષ્મરૂપે આવેલાં કલ્પે છે.”[3] –આ કવિની અનુભૂતિએ પ્રગટેલું સ્વદર્શન છે.

આ સર્વેમાં આખરે તો સંસારસાગરમાંથી જીવનનૌકાને પાર ઉતારવાની વાત છે. ઈશ્વરનું આહ્વાન એટલે કરવાનું છે કે તેઓ જીવનવીણાના સૂતેલા તારને ઝંકૃત કરે. કવિની એ ભાવનાને વ્યક્ત કરતું હૃદયગાન આ મુજબનું છે :
“મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જ.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પીયા,
કાનના કમાડ મારાં ઢાંઢોળી જા. (વસુધા : ‘હંકારી જા’)

કવિની આ રજૂઆત સ્વઉત્કર્ષ માટે ખરી પણ પ્રત્યેકને ઊંડે સુધી સ્પર્શી જનારી છે. કોઈ વાર કવિ સીધી રીતે જ મનુષ્યને સાવધ રહી હરિગુણ ગાવા તરફ સંકેત કરે છે. વળી તેમનો અંતિમવાદી હેતુ તો પ્રભુગુણ ગાઈ હરખાતા રહેવાનો જ છે :
“સૂન શિખર પર બેઠા હરિહર, પલપલ મુરલી બાજે,
એ સુંદરના દરસ મિલે તો, હરખ હરખ જસ ગઈયો.”(અનાગતા : ‘મનવા’)

‘કાવ્યમંગલા’માં સુંદરમની એક શોધ જાગેલી છે, ‘ધ્રુવપદ’ની શોધ. આ ધ્રુવપદ કવિતાનું ધ્રુવપદ નથી પરંતુ ખરા અર્થમાં તો શીશુ સમા આત્માના ધ્રુવપદની ખોજ છે. કવિને આત્માનું ધ્રુવપદ પ્રાપ્ત થાય છે શ્રી અરવિંદનાં સંસ્પર્શથી અને તેમણે ગાયું છે :
“માથે સદ્ગુરુ એ હાથ રૂડો મૂકિયો,
‘હું’ જી ચરણે પધરાવિયો ભલી ભાત...
‘હું’ જી પછી ‘હું’ જી ન રહ્યો પળ વાર,
એનો થયો રે બેડો પૂરો પાર.
‘હું’ જી હરિમાં સમાવ્યો ભલી ભાત.” (દક્ષિણા-૧ : ‘હું’ જી’)

સદ્ગુરુના સાંનિધ્યમાં કવિએ મેળવેલી શાતા અહીં અભિવ્યક્ત થઈ છે. કહી શકાય કે સુંદરમનું પ્રભુપુકાર અને ઈશ્વરાનુભૂતિનું કેન્દ્રસ્થાન અંતે તો શ્રી અરવિંદનાં સત્-ચિદ્-આનંદનાં પરિપ્રેક્ષ્યમાં અંકિત થયેલું છે. આ ઉપરાંત શ્રી માતાજી પ્રત્યે પણ તેઓ ગાઢ સ્નેહ ધરાવે છે અને તેમનું આહ્વાન કરતો મધુર નાદ-ધ્વનિ શબ્દોમાં વ્યક્ત કરે છે :
“ઓમ...
તું આવ.
તું આવ અહો!
આનંદમયિ, ચૈતન્યમયિ, સત્યમયિ પરમે
આનંદમયિ, આનંદમયિ, આનંદમયિ!

આ રીતે કવિ સુંદરમના કાવ્યોનો અભ્યાસ કરતાં જણાય છે કે સુંદરમ સમર્પણના સર્વાંગીપણાને વરી પ્રભુમિલનની અભીપ્સાના પ્રદેશમાં પ્રવેશે છે અને યથાશક્ય પરિત્યાગ કરી પૂર્ણ શ્રદ્ધાબળ વડે પ્રભુપ્રાપ્તિની આનંદસાધનામાં વિહાર કરે છે. આ માર્ગમાં ચાલતા તેમણે શ્રી અરવિંદની તાત્વિક વિચારણાઓનું પીઠબળ મળ્યું છે. આ બાબતે ડૉ. પરમ પાઠકનું વિધાન પણ ટાંકવા લાયક છે :
“શ્રી અરવિંદનો પ્રભાવ સુંદરમ માટે સર્વાશ્લેશી છે. કવિતા, ટૂંકીવાર્તા, સાહિત્ય-વિવેચન જેવી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં એ પ્રમાણી શકાય છે. માત્ર સાહિત્યિક ક્ષેત્રે જ નહીં પરંતુ જીવન સમગ્રના રૂપાંતરણ માટેના શ્રી અરવિંદનાં યોગદર્શનના સુંદરમ એક પુરસ્કર્તા બની રહે છે.”[4]

સુંદરમની કાવ્યલબ્ધિ એ તેમનું ઈશ્વરાભિમુખ વલણ છે અને તેઓ સાત્વિક ભાવે જીવનપંથનાં સત્યને પામે છે. અંતે એટલું કહી શકાય કે આ ભક્તિયોગ તેમના માટે સૌંદર્યબોધ છે. માટે તો તેમણે ગાયું છે :
“હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
ને જે અસુંદર રહી તેહ સર્વને ;
મૂકું કરી સુંદર ચાહી ચાહી.”(વસુધા : ‘હું ચાહું છું’)

:: સંદર્ભસૂચિ ::
૧. સં. જોશી રમણલાલ, ‘સુંદરમના કાવ્યો’, પૃ.-૧૭
૨. સં. શેઠ ચંદ્રકાંત, ‘ચૂંટેલી કવિતા -સુંદરમ’, પૃ.-૭
૩. સં. પંડ્યા સુધા નિરંજન, ‘સુંદરમના ગીતો’, પૃ.-૧૪
૪. સં. પંડ્યા સુધા અને ઓઝા મફત, ‘શબ્દયોગ’, પૃ.-૪૩

રજનીકુમાર જયંતિભાઈ પરમાર, પીએચ.ડી.(જે.આર.એફ.), અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦ મો. ૯૭૩૭૩૧૪૬૩૨ ઈ-મેઈલ : rajni.parmar16@gmail.com