ભાષા અંગેનું શિક્ષણ ફિલ્મ દ્વારા- એક અભ્યાસ
(‘સંતુ રંગીલી’ અને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મ દ્વારા )
ભાષા એ માણસને કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ છે. માણસ અન્ય પ્રાણીઓની જેમ પ્રાણી જ છે. પરંતુ એ સમાજમાં રહે છે અને એની પાસે વિશિષ્ટ ભાષા છે. જે બીજા પ્રાણીઓ પાસે નથી. આ રીતે ભાષા દ્વારા જ માણસ અન્ય પ્રાણીઓથી અલગ તરી આવે છે ને એ સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે. જીવનના રોજબરોજના વ્યવહાર માટે તેને ભાષા શીખવાની જરૂર રહેતી નથી તે તો સમાજમાં રહીને આપોઆપ સાહજિક રીતે શીખાય છે. આ અર્થમાં ભાષા એ માણસને કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પરંતુ ભાષાનો વ્યવસ્થિત અભ્યાસ કરવા, એને જાણવા-માણવા કે પછી એનું લેખન કરવા માટે જે–તે ભાષાનો વ્યવસ્થિત અને પદ્ધતિસરનો અભ્યાસ જરૂરી છે. ભાષાના અભ્યાસ વગર એનું જ્ઞાન મેળવી શકાતું નથી એ હકીકત છે.
ભાષાનું શિક્ષણ પરંપરાગત પધ્ધતિથી આપણી શિક્ષણ સંસ્થાઓ વર્ષોથી આપ્યે જાય છે. પરંતુ આજનાં યુગમાં દરેક ક્ષેત્રમાં નવી શોધો થઈ છે. તેમ ભાષા શિક્ષણનાં ક્ષેત્રમાં પણ નવી શોધો- પધ્ધતિઓનો વિકાસ થયો છે. સાહિત્ય, વ્યાકરણ, અનુવાદ, એનિમેશન- ફિલ્મ, નાટક, સંગીત, લોકશિક્ષણ, ફિલ્મ વગેરે પઘ્ધતિઓથી ભાષાનું શિક્ષણ આજની પેઢીને નવી રીતે આપી શકાય તેમ છે. આજની પેઢીનું બાળક પણ હવે જૂની પધ્ધતિઓથી કંઈક અલગ માગે છે. કેમ કે આજનો સમાજ યંત્રયુગીન છે ને એ એમાં જીવે છે. એની આ માંગને ભાષા શિક્ષણની નવી-નવી ટેકનિકથી સંતોષી શકાય તેમ છે. આ નવી ટેકનિકોમાંથી ફિલ્મ દ્વારા આજના બાળકને-આજની પેઢીને ભાષા શિક્ષણ કેવી રીતે આપી શકાય ? એને ભાષા શિક્ષણ પ્રત્યે રસ કેવી રીતે કેળવી શકાય ? પોતાની ભાષા પ્રત્યેની સભાનતા અને એનું ગૌરવ કેવી રીતે વધારી શકાય ? એ વિષય ઉપર મારું શોધપત્ર રજુ કરીશ.
ફિલ્મ (ચલચિત્ર) એ નાટકની જેમ ર્દશ્ય-શ્રાવ્ય કળા છે. એમાં અભિનય છે. એના સંવાદો પણ સહજ, સરળ, અર્થસભર અને પ્રત્યાયનક્ષમ હોય છે. આવા અનેક કારણોને લીધે ફિલ્મ પ્રત્યે બાળકોનું ધ્યાન વધુ જાય છે. એના દ્વારા બાળકને સરળતાથી શીખવી શકાય છે. અને એના પ્રમાણભૂત નમૂના વર્ષોથી આપણી પાસે છે. ભવાઈ જેવું લોકનાટ્ય એ મધ્યકાળમાં લોકશિક્ષણનું કાર્ય કરેલું જ છે. આજનું બાળક ટી.વી. વધુ જુએ છે. અને એમાંય એને એનિમેશન (કાર્ટુન)ની ચેનલો વધુ પસંદ છે. આથી આજના સમયમાં એનિમેશન દ્વારા શિક્ષણ કાર્ય શરુ કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કેટલાક શાળા કક્ષાના પ્રકાશનો (નવનીત પ્રકાશન) પણ હવે એનિમેશન ફિલ્મો બનાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યાં છે. આ સિવાય આપણે સિનેમાં જગતમાં નજર કરીએ તો ભાષા શિક્ષણ નિરૂપતિ અનેક ફિલ્મો દરેક ભાષામાં મળી આવે છે. જેમાં જે-તે ભાષાનું ગૌરવ નિરુપાયું હોય છે. ગુજરાતીમાં ‘સંતુ રંગીલી’, હિન્દીમાં ‘મનપસંદ’ અને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, મરાઠીમાં ‘એ ફુલ રાતે વારી’, અંગ્રેજીમાં ‘પિગ્મિલિયન’ (નાટક પરથી ફિલ્મ બની છે.) વગેરે જેવી ફિલ્મો મળે છે. અહીં ‘સંતુ રંગીલી’ અને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મો દ્વારા બાળકોને ભાષાનું શિક્ષણ કેવી રીતે આપી શકાય એ બાબત પર મારી વાતને રજૂ કરીશ. આ બંને ફિલ્મોમાં ભાષા શિક્ષણની આખી પ્રોસેસ નિરૂપવામાં આવી છે.
‘સંતુ રંગીલી’ એ મધુ રાયનું નાટક છે. બર્નાર્ડ શૉના ‘પિગ્મિલિયન’ નાટકનું અનુસર્જન છે. ‘પિગ્મિલિયન’ એ ગ્રીક મિથ છે. જેમાં શિલ્પિ પથ્થરમાંથી ટાંકી ટાંકીને સુંદર કલાકૃતિનું નિર્માણ કરે છે. અને કલાકાર પોતાના ગુણગાન ગાય છે ત્યારે કલાકૃતિ કહે છે કે મારામાં કશુંક સત્વ હતું માટે તે મારું સર્જન કર્યું. આમ કલાકાર અને કલાકૃતિ વચ્યે સંઘર્ષ નિરૂપાય છે. ફિલ્મની વાર્તાઓના મૂળમાં આ મિથનો સંઘર્ષ છે. ‘પિગ્મિલિયન’ નામના મિથ પરથી બર્નાર્ડ શૉએ ‘પિગ્મિલિયન’ નાટક અંગ્રેજીમાં લખ્યું. અને ત્યાર પછી વિશ્વની મોટાભાગની ભાષાઓમાં જે-તે ભાષાને કેન્દ્રમાં રાખીને આ નાટક લખાયું. ગુજરાતીમાં મધુ રાયે ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને ‘સંતુ રંગીલી’ નામક નાટક લખ્યું છે. ગુજરાતી ભાષા દ્વારા એક સામાન્ય ફૂલવાળી છોકરી કેવી સુંદર રાજકુવરી બને છે એનું આ નાટક છે. બોલી દ્વારા ગંદી-ગોબરી અને તુચ્છ લાગતી આ છોકરીને ભાષાનું શિક્ષણ આપતા એ રાજકુવરી સુધીની સફર કરે છે. આ ફિલ્મમાં ભાષા શિક્ષણની પ્રોસેસ, સંતુમાંથી રાજકુવરીમાં થતું પરિવર્તન દર્શાવ્યું છે. ભાષાની સભાનતાને કારણે માણસ સિધ્ધિઓના ઉચ્ચતમ શિખરો સર કરે છે. મધુ રાયે સંતુ રંગીલી નાટકના નિવેદનમાં પણ આ વાતનો નિર્દેશ કર્યો છે. –
“એમાં મને ગુજરાતી ભાષાની વિવિધ રૂપછટાઓને સ્પર્શવાનો અવકાશ અને અવસર મળે, કારણ કે નાટકનો મદાર ભાષા પર છે.’’ (સંતુ રંગીલી, પૃ. 5)
ભાષાની આવી વિશિષ્ટતાઓને નિરૂપતા નાટક પરથી ગુજરાતીમાં ‘સંતુ રંગીલી’ નામે ફિલ્મ બની છે. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ પ્રોફેસરનો અને અરુણા ઇરાનીએ ફૂલવાળીનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં મૂળ નાટકમાંથી ઘણા ફેરફારો દિગદર્શકે કર્યા છે. પણ એ આપણો અત્યારે વિષય નથી. આપણે આગળ જોયું તેમ આખી ફિલ્મ જ ભાષા શિક્ષણ પર છે. તેમ છતાં તેમાંથી ભાષા શિક્ષણ અંગેના મહત્વના ચાર- પાંચ પ્રસંગોને મૂકી શકાય.
‘સંતુ રંગીલી’ ફિલ્મની શરુઆત ફૂલવાળી બાઈ સંતુના સંવાદોથી થાય છે. એના સંવાદોમાં એની તળપદી બોલી સ્પષ્ટ તરી આવે છે. એમાંથી ફૂલવાળી બાઈની બોલીનો લય, લહેંકો, લઢણ અને એનું અણઘણપણું પ્રગટી ઉઠે છે. ફિલ્મમાં આવતું આ શરૂઆતનું ર્દશ્ય એની ખાત્રી પુરે છે. અને એના (ફિલ્મમાં શરૂઆતનું સંતુનું પાત્ર) દ્વારા જુદી જુદી બોલીનો પરિચય બાળકોને કરાવી શકાય છે. ફિલ્મનું ર્દષ્ટાંત જુઓ- https://youtu.be/djI74qX9lPs
ફિલ્મમાં સંતુ રંગીલી લોકોને ફૂલ લેવા માટે સાદ કરે છે ત્યારે એક બાજુ ઊભા-ઊભા પ્રોફેસર કશુંક લખે છે. એવામાં કોઈ માણસ આ પ્રોફેસરને પોલીસવાળો ગણાવે છે. અને સંતુ પોતે કોઈ ગુનો નથી કર્યો, નિર્દોષ છે એવી આજીજી પ્રોફેસર સમક્ષ કરે છે. આ સમયે જુદા જુદા લોકો ત્યાં ભેગા થાય છે. ત્યારે પ્રોફેસર એ બધાને એમની બોલી પરથી એમના પ્રદેશને ઓળખી કાઢે છે. નાટકનો સંવાદ અને ફિલ્મનું ર્દશ્ય જુઓ- https://youtu.be/Q1G8UAhoRs4
એક જણઃ અરે આમે આમે વાંહે લાયગો છે. પોલીસબોલીસ કેવો ? એના જોડે જોવો ને. હસે મારો બેટો, સુધારાવાળો કોક.
હિમાદ્રિઃ (મધુરતાથી) કેમ, અમરેલીમાં કેમ છે બધા ?
એક જણઃ (વહેમાઈને) હૅ ? તમને કોણે કહ્યું હું અમરેલીનો છું ?
હિમાદ્રિઃ છો કે નહીં ? અને ફૂલવાળી તું તો ખંભાળિયાની ને ? આંહી મુંબઈમાં ક્યાંથી ફુલ વેચવા આવી ચડી ?
ફુલવાળીઃ (અસહાયતાથી) તી ઈ કંઈ ગુનો છે ? ખંભારિયાથી મુંબઈ આવી’તી કોઈનો ટાંટીઓ વાઢી લીધો છ મેં ? ખંભારિયામાં ડાયટું છ હું મોટું, મુંબઈમાં ફૂલ વેંચવા આવી એમાં તારું હું બગાયડું ?
વ્યક્તિઃ (વ્યંગ્યથી) હા, પાલી હિલ રહેવું તો ત્યાં રહે, કેમ ? ને મારે રહેવું છે મલબાર હિલના બંગલામાં હં...હં...જ્યાં રહેવું હોય ત્યાં રહે દૈ જોણ.
વ્યક્તિઃ (હિમાદ્રિને ચેલેંજથી) ને મારઉ ગામ કયું ?
હિમાદ્રિઃ (તરત) ધર્મજ. (એજન પૃ.5-6)
આ સંવાદમાંથી ખ્યાલ આવે છે કે પ્રદેશે પ્રદેશે બોલી જુદી છે. વ્યક્તિની બોલી પરથી એના મૂળ પ્રદેશનો ખ્યાલ આવે છે. જે-તે વ્યક્તિની બોલીમાં પ્રદેશગત બોલીની છાંટ, એનાં લક્ષણો સ્પષ્ટ તરી આવે છે. આ રીતે આપણે બાળકોને બોલીઓનું શિક્ષણ ફિલ્મ દ્વારા આપી શકીએ છીએ.
આપણે ત્યાં કહેવત છે કે ‘બાર ગાઉ એ બોલી બદલાય’ એ અનુસાર જે-તે પ્રદેશમાં ય પણ કેટલાય બોલી ભેદો હોય છે. આપણે તો સ્વર અને વ્યંજનો ભેગા મળીને ચોવીસ જ જાણીએ છીએ પણ માત્ર ‘અ’ સ્વરના જ એકસો બત્રીસ ઉચ્ચારો હોય છે એનો નિર્દેશ નાટકમાંથી મળે છે તો એક જ પ્રદેશમાં જુદા-જુદા સ્તરની બોલીઓનું શિક્ષણ આ દ્વારા બાળકોને આપી શકાય છે.
ફિલ્મમાં ફૂલવાળી સંતુ રંગીલીને ભાષાના શિક્ષણ દ્વારા રાજકુમારી બનાવવાની વાત પ્રોફેરસ કરે છે. અને સંતુમાં રાજકુમારી બનવાના અભરખા જાગે છે ને એ શિક્ષણ લેવા માટે પ્રોફેરસ પાસે જાય છે. ત્યારે પ્રોફેસર સંતુને શિક્ષણ આપે છે તે સંવાદોમાં ભાષાવિજ્ઞાનનું – ભાષાનું શિક્ષણ અખુટ છે. બાળકને આ સંવાદો દ્વારા એનું પુરેપુરું જ્ઞાન આપી શકાય છે. નાટક કરતાં ફિલ્મમાં આ સંવાદો થોડાં જુદાં છે. જુઓ- https://youtu.be/RR9yHkdeGYg પણ એમાં શિક્ષણનો જે હાર્દ છે તે યથાર્થ છે. જુઓ આ નાટકના સંવાદો-
હિમાદ્રિઃ નામ બોલ તારું.
સંતુઃ મારું?
હિમાદ્રિઃ હા, તારું નામ.
સંતુઃ કાં તને ખબર નથી, વાઈડા !
હિમાદ્રિઃ તને બોલતા શીખવવું છે, વાઈડી !
બુવારિયાઃ હિમાદ્રિ!
સંતુઃ કાં તી અમને અમારું નામે બોલતાં નૈ આવડતું હોઈ !
હિમાદ્રિઃ બોલે છે કે-
સંતુઃ હંતુ રંગીલી.
હિમાદ્રિઃ સં... સં... હન્તુ નહીં, સન્તુ – બોલ
સંતુઃ હં –
હિમાદ્રિઃ સં...
સંતુઃ હં...
હિમાદ્રિઃ સં! સં! જીભ બહાર કાઢ એનું ટેરવું દાંતમાં પકડ-
સંતુઃ હં...
હિમાદ્રિઃ જીભ બહાર કાઢ !
સંતુઃ (અસ્પષ્ટ અવાજ કરે છે જીભ બહાર સાથે) હહા –
(આમ પાંચ સાત સંવાદ ચાલે.)
હિમાદ્રિઃ (પાસે જઈ એની જીભ બહાર કાઢી ચમચીથી ટેરવાને અડી) આને દાંતની અંદરની બાજુ ચમચીઅડાડી) અહીંયાં અડકાડી બોલ.
સંતુઃ હં! હં!
હિમાદ્રિઃ ફૂંક મારી બોલ સં
સંતુઃ (બોલતાં થૂંક ઊડે છે) થંન...
હિમાદ્રિઃ (એકદમ વિકરાળ) સં
સંતુઃ (એકદમ વીજળીની ઝડપે, અભાન રીતે નકલ) સં
હિમાદ્રિઃ (હરખથી) શાબાશ સંતુ રંગીલી
સંતુઃ (અચાનક) સંતુ રંગીલી
હિમાદ્રિઃ (ઉત્સાહથી) કક્કો આવડે છ
ે
સંતુઃ નઈ આવડતો હોય હાવ અભણ હમજછ
હિમાદ્રિઃ બોલ
સંતુઃ કા કબૂતરનો કા ખા કાદિ-
હિમાદ્રિઃ ચૂપ ક-ખ-ગ-ધ-ડ
સંતુઃ કા-ખા-ગા-ધા-આંગા (રડમસ)
બુવારિયાઃ સંતુબહેન, ગભરાશો નહીં, ધીમે ધીમે. (એજન, પૃ.-37-38)
આમ, ભાષા વિજ્ઞાનનું શિક્ષણ સંવાદાત્મક રીતે આ ફિલ્મ દ્વારા આપી શકાય. કોઈપણ ભાષામાં- બોલીમાં કેટલી બધી વેરીએશન (વૈવિધ્યતા) હોય છે. એનો પરિચય આપણને આ ફિલ્મમાં મળે છે. કોઈપણ વ્યક્તિને આપણે ભાષા દ્વારા સુસંસ્કૃત કરી શકીએ છીએ. પણ બોલીમાં જે છટા, સાહજીકતા અને જીવંતતા હોય છે તે ભાષામાં લાવી શકાતા નથી એ પણ એક હકીકત છે.
‘ઇંગ્લિશ વિંગ્લિશ’ હિન્દી ફિલ્મમાં અંગ્રેજીનું ભાષા શિક્ષણ નિરૂપાયું છે. ફિલ્મની વસ્તુ જોઈએ તો નાયિકા શ્રીદેવી એ ગામડા ગામની યુવતી છે. એના લગ્ન શહેરમાં કંપનીના માલિક એવા ધનિક કુટુંબમાં થયા છે. આ બંને પાત્રોની જીવનશૈલી અલગ છે. એનો પતિ અને એનાં બાળકો અંગ્રેજી જાણે છે, એમાં વાતચીત પણ કરે છે. અને એનાં બાળકો તો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ પણ કરે છે. પરંતુ નાયિકા ગામડાની હોવાથી એને અંગ્રેજી આવડતું નથી. એના કારણે રોજબરોજના જીવનમાં એને ઘણા અપમાનો પતિ અને બાળકો દ્વારા સહન કરવા પડે છે. એવામાં એને એની બહેનની દિકરીના લગ્ન માટે વિદેશ જવાનું થાય છે. અને ત્યાં પણ એને અનેક જગ્યાએ અંગ્રેજી નહી આવડવાના કારણે અત્યંત ક્ષોભભરી પરિસ્થિતિમાં મુકાવવું પડે છે. અને છેવટે એ અંગ્રેજી શીખવા માટે સ્પોકન ક્લાસિસમાં જાય છે. ને અંગ્રેજીનું ભાષા શિક્ષણ મેળવે છે. ફિલ્મનાં અંતે નાયિકા પતિ, બાળકો અને સમાજમાં પોતાનું માન વધારે છે. અને સાબિત કરે છે કે શીખવાથી બધુ આવડી જાય છે ને શીખવાની કોઈ ઉંમર હોતી નથી. દુનિયામાં કશું અશ્કય નથી.
નાયિકાને અંગ્રેજી આવડતું નથી. એટલે એને પોતાના બાળકોના અપમાનો સહન કરવા પડે છે. આનાથી મોટી ધટના એક મા માટે બીજી શી હોઈ શકે ? એની દિકરી ભણવાના બહાને એના મિત્રો સાથે રોજ ફરવા જાય છે. આ વાતની એને ખબર પડે છે ને આ વાત એની દિકરીને કહે છે ત્યારે એની દિકરી કેવો અપમાનજનક જવાબ આપે છે કે તુ મને ભણાવીશ, ઇંગ્લિશ લિટરેચર ? ફિલ્મનું ર્દશ્ય જુઓ- https://youtu.be/BGOBJByV34A (આ લિંક ઉપર) એટલે આ વાત સરળતાથી સમજાશે.
નાયિકા અંગ્રેજીનું શિક્ષણ મેળવવા સ્પોકન ઇંગ્લિશના ક્લાસિસમાં જાય છે એ આખું ર્દશ્ય ભાષા શિક્ષણનું ઉત્તમ ર્દષ્ટાંત છે. એના દ્વારા આપણે બાળકોને અંગ્રેજી ભાષા શિક્ષણ પ્રત્યે સભાનતા કેળવી શકીએ છીએ. ફિલ્મનું ર્દશ્ય જુઓ- https://youtu.be/70540pZs578
નાયિકા ફિલ્મની અંતમાં અંગ્રેજી થોડું ઘણું શીખી ગઈ છે. અને એની બહેનની દિકરીના લગ્ન થઈ ગયા છે. ને બધા એને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવે છે ત્યારે નાયિકાને લગ્ન વિશે કશું કહેવાનું કહેવામાં આવે છે. પણ એને અંગ્રેજી આવડતું નથી એમ એનો પતિ કહેવા ઊભો થાય છે ત્યાં જ નાયિકા એને પકડીને પોતે અંગ્રેજીમાં બોલવાનું શરું કરે છે. ત્યારે બધાની નજરમાં નાયિકાનું માન વધી જાય છે. એનું સ્વમાન પતિ અને બાળકોની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ફિલ્મનું ર્દશ્ય- https://youtu.be/9PY3xJQwFP8
ટૂંકમાં ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મ સમાંજમાં અને જીવનમાં અંગ્રેજી ભાષા શિક્ષણનું મહત્વ આંકી આપે છે. અંગ્રેજીના શિક્ષણ વગર જીવનમાં પોતાના જ વ્યક્તિઓ પાસેથી કેવા અપમાનો સહન કરવા પડે છે તે દર્શાવી આપ્યું છે.
આમ, ‘સંતુ રંગીલી’ અને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ આ બંને ફિલ્મો દ્વારા આપણે બાળકોને ભાષાનું શિક્ષણ આપી શકીએ છીએ. ‘સંતુ રંગીલી’ દ્વારા ગુજરાતી ભાષાનું મહત્વ, એનું ભાષા શિક્ષણ બાળકોને આપી શકીએ. અને ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ દ્વારા અંગ્રેજી ભાષાનું મહત્વ, એનું ભાષા શિક્ષણ બાળકોને આપી શકીએ. આમ ભાષા શિક્ષણની આ નવી ટેકનિકનો વર્ગખંડમાં વિનિયોગ કરીશું તો ચોક્કસ આપણે બાળકને કશુંક નવું શીખવ્યાનો આત્મસંતોષ મેળવી શકીશું.
સંદર્ભગ્રંથો:
1. ‘સંતુ રંગીલી’- મધુ રાય (નાટક) પ્રકા. અસાઈત સાહિત્યસભા, પ્ર.આ.- 2014
2. ‘સંતુ રંગીલી’- દિગદર્શકઃ મનહર રસકપુર, પ્રોડક્શનઃ હાઉસ ઑફ નડિયાદવાળા -1986 (ફિલ્મ- ગુજરાતી)
3. ‘ઇંગ્લિશ વિંગ્લિશ’- દિગદર્શકઃ ગુરુ સિન્ધે, પ્રોડક્શનઃ રાકેશ ઝુનઝુનવાલા -2012 (ફિલ્મ- હિન્દી) https://youtu.be/q3TPOGGi-P8 (ફિલ્મ લિંક)
(નોંધઃ ‘સંતુ રંગીલી’ ફિલ્મના સંવાદના ર્દષ્ટાંત મધુ રાયના નાટક સંતુ રંગીલીમાંથી લીધા છે.)