Download this page in

 રાજ્યતંત્ર અને સમાજજીવનની જડબેસલાક વ્યવસ્થા : 'લાઈન' (ચન્દ્રકાન્ત શેઠ કૃત એકાંકી)

ચન્દ્રકાન્ત શેઠ રચિત 'લાઈન' ગુજરાતી ભાષાનું એક વિશિષ્ટ એકાંકી છે. આમ તો, ગુજરાતી સાહિત્ય જગતમાં ચંદ્રકાન્ત શેઠ કવિ તરીકે જાણીતાં છે. 'નંદ સામવેદી'ના નિબંધકાર તરીકે પણ તેમને ગુજરાતી નિબંધપ્રેમી ભાવકોનો સમભાવ આદરપૂર્વક મળ્યો છે. વિવેચક, સંપાદક, સંશોધક, અનુવાદક અને ખાસ તો અભ્યાસુ અધ્યાપક તરીકે ચંદ્રકાંત શેઠને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર સ્થાન મળ્યું છે. પરંતુ નાટ્યક્ષેત્રે એમાંય 'લાઈન' જેવું એકાંકી લઈને આ કવિ ઉપસ્થિત થાય ત્યારે સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. આઝાદી પછીના બીજા-ત્રીજા દાયકામાં જયારે ગુજરાતી નાટ્યકલા પર પશ્ચિમનો વાયરો બરાબરનો પ્રભાવી બન્યો હતો ત્યારે abusurd અને improvisation ના નામે આપણે ત્યાં ગુજરાતીમાં અનેક નાટ્યપ્રયોગો થયા. જેમાં તરંગ કે કલ્પનોથ વિચારોને રંગમંચ પર મૂર્તિમંત કરવાના પ્રયાસો થયા. જે પૈકી કેટલાંક સબળ અને સફળ ગુજરાતી નાટક/એકાંકીનું સન્માન પામ્યાં છે. 'આકંઠ સાબરમતી' જેવી લીલાનાટ્યના પ્રયોગો કરનારી કાર્યશાળાઓ અને તેમાં ઘડાઈને નાટ્ય સર્જન કરતાં ગુજરાતી સર્જકોએ આધુનિક ગુજરાતી રંગમંચનું સર્જન કર્યું. 'લાઈન ' કવિ-નિબંધકાર ચન્દ્રકાન્ત શેઠનું આધુનિક સમવેદનને મંચસ્થ કરતું એક મહત્ત્વપૂર્ણ એકાંકી છે. આ એકાંકીમાં સર્જકે રાજ્યતંત્ર અને સમાજજીવનની એક નિષ્ઠુર વ્યવસ્થાને રંગમંચીય રૂપ આપ્યું છે. કવિ ખલીલ ધનતેજવીએ લખ્યું છે,
अब में राशनकी कतारोंमें नजर आता हूँ
अपने खेतोसे बिछड़ने की सजा पाता हूँ

કંઈક આવી જ કતાર-હરોળ, લાઈનની વાત લઈને અહીં નાટ્યકાર ઉપસ્થિત થયા છે. પ્રસ્તુત શોધપ્રપત્રમાં આધુનિક સમવેદનને વ્યક્ત કરતાં એકાંકી તરીકે 'લાઈન'ની થોડી ચર્ચા કરવાનો આશય છે.

ભારતીય પુરાણોએ જીવના લાખચોર્યાશી ફેરાની વાત કરી છે. જન્મ અને મૃત્યુંના નિરંતર ચક્રની કથાઓ પણ આપણે ત્યાં ખૂબ પ્રસિદ્ધ છે. ભગવાનના પૃથ્વીઅવતારોની ઘણી રમણીય કથાઓ છે. આપણી પાસે છે. 'લાઈન' એકાંકીમાં નારદ અને વિષ્ણુ પરિચિત પાત્રોને લઈને સર્જકે એક રહસ્યમય સંકુલ નાટ્યક્ષણનું નિર્માણ કર્યું છે. એકાંકીમાં કુલ આઠ પાત્રો છે. જેનાં દેખાવ, વય, જાતિ, વર્ગ ઈત્યાદિના સંકેતો

આરંભમાં જ રંગસુચનમાં આપી દેવામાં આવ્યા છે જે ભજવનારાઓ માટે ઉપકારક બને તેમ છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ એમ બે પાત્રો પહેરવેશથી અને તેના મિજાજથી ઓળખી શકાય તેમ છે તો એક વૃદ્ધ અને એક સ્ત્રી પાત્ર દેખાવ પરથી ખબર પડે તેમ છે. આ સિવાયના પાત્રોને નામ આપવાને બદલે સર્જકે 'અ' 'બ' 'ક' અને 'ડ' એમ સૂચવ્યા છે. જે પૈકી 'અ' વિષ્ણુ બને અને 'બ' નારદ બને તેવી સર્જકની રંગસૂચનાને અભિનેતાઓએ અનુસરવાનું છે. રંગમંચ પર પડદો ઉપદે ત્યારે સર્પાકારે આઠ વ્યક્તિઓ લાઈનમાં ઊભી હોય, જાત જાતના અવાજો, ધક્કામુક્કી-ઘોંઘાટ, વિવિધ ચેષ્ટાઓ વગેરેનો અભિનય દર્શાવ્યા બાદ કાળા સૂટ-બૂટમાં સજ્જ ગૌર વ્યક્તિ 'અ' ના સંવાદથી નાટક ઊઘડે છે :
અ : અરે નારદ ! આ લાઈન શેની છે ?
( ઝભ્ભા-ધોતીવાળી ગૌર વ્યક્તિ બ જવાબ આપે છે.)
બ : ધીમે, ભગવન્, ધીમે...કોઈ સાંભળી જશે કે આ નારદ ને વિષ્ણુ છે છૂપા વેશમાં તો દેકારો બોલી જશે. આવી બનશે આપણું !

એકાંકીના આરંભના સંવાદોથી જ વિષયવસ્તુ અને મુખ્ય પાત્રોની ભૂમિકાનો સંકેત મળી રહે છે. ગુપ્ત વેશમાં નારદ અને વિષ્ણુનું આવવું એકાંકી માટે અનિવાર્ય એવું રહસ્યમય રચે છે, સંઘર્ષનું બીજ રોપાય છે. દેવલોકમાંથી પૃથ્વીલોક પર મનુષ્યજાતિના ખબરઅંતર જાણવા આવ્યાં હોય તેમ લાઈનમાં ઊભેલાં લોકોને જોઇને અ એટલે કે વિષ્ણુ લાઈન વિશે નારદને પૃચ્છા કરે છે. સૃષ્ટિનો સર્જનહાર આ નવસર્જન-નવી વ્યવસ્થાથી અજાણ હોવાનું આશ્ચર્ય અનુભવે છે. લાઈનમાં ઊભેલું લોક આ બંનેને લાઈનમાં રહેવા અને વચ્ચે ન ઘૂસવા ધમકાવે છે. અપમાન કરે છે. અવહેલના કરે છે. ગાળો આપે છે. પોતે ક્યારના ય આ લાઈનમય પરિસ્થિતિને સહન કરી રહ્યાની વેદના પણ પ્રગટ કરે છે. અ અને બ ત્યાંથી જવા કરે છે. થોડાં વ્યંગ્ય-ખીજવતા અવાજો સાથે એ દૃશ્ય પુરું થાય છે અને લાઈનમાં ઊભેલામાંથી બે જણ એક પોલીસ અને બીજો પોલીસ ઇન્સ્પેકટર બની તપાસની અદામાં અ અને બ ને રોકીને પૂછે છે,
પો.ઈ. : (અ અને બ- ને) એ...ય ! ક્યાં જાવ છો તમે?
નારદ : અમારે જવું છે ત્યાં...
પોલીસ: એય ! સાહેબને સરખો જવાબ નથી અપાતો?

આ દૃશ્યમાં લાઈનમાં ઊભેલી વ્યક્તિઓ અ અને બ વિશે ફરિયાદ કરે છે. લાઈનમાં ઘૂસવાની.દાદાગીરી કરવાની. પોલીસ પણ અ અને બ ને ગુનેગાર ગણી ધમકાવે છે. લાઈનમાં ઘૂસણખોરી કરવાના અપરાધી ગણે છે. દરમિયાન પડદા પાછળથી જાતજાતના અવાજો અને ધમાચકડી મચી હોય તેવું દૃશ્ય. પોલીસ વ્હિસલ મારતી, ડંડા ઉગામતી, ટોળાને શાંત રહેવાનો અભિનય કરતી પડદા પાછળ સારી જાય છે. અ અને બ કિંકર્તવ્યમૂઢ બની ઊભા રહે છે. તેમને કંઈ સમજાતું નથી કે શું બની રહ્યું છે. લાઈનમાં રહેલો વૃદ્ધ, વિષ્ણુ અને નારદને લાઈનમાં આવી જવાનું કહે છે. વિષ્ણુ ઇન્સ્પેક્ટરને યાદ કરી અટકે છે. પણ વૃદ્ધ અને નારદના આગ્રહથી લાઈનમાં ગોઠવાઈ જાય છે. એ પછી વિષ્ણુ અને નારદ જે સંવાદ કરે છે તે ખૂબ જ સૂચક છે.
અ : ( અ બ- ને) આપણે આમ લાઈનમાં ઘૂસી, તે બહાર નીકળતાં મુસીબત નહિ પડે ?
બ : મુસીબત ? બહાર નીકળતાં ? આપણને તો બહાર રહીનેય મુસીબત જ હતીને ?

એકાંકીકારે સહજ ભાષામાં તંત્રની અંદર રહીએ કે બહાર રહીએ છેવટે તો મુસીબત જ છે એવો વ્યંગ ધારદાર રીતે ઉપસાવ્યો છે.

એકાંકીમાં ધીમે ધીમે વસ્તુ અને સંઘર્ષ ઊઘડતાં આવે છે. નારદ અને વિષ્ણુ ગુપ્તવેશે હોવાથી કોઈ ઓળખી શકતું નથી પણ તે બંને પૃથ્વીલોકની તેમાંય ભારતીય રાજ્યતંત્ર અને સમાજતંત્રની જડબેસલાક વ્યવસ્થાના સકંજામાં આવી જાય છે. તંત્રની સંવેદનહીનતા અને નિષ્ઠુરતાને એ પછીના દૃશ્યમાં એકાંકીકારે પ્રત્યક્ષ કરી છે. લાઈનમાં જ ઊભેલી એક સ્ત્રીને બાળક જન્મે છે. તેના વિશે જે સંવાદો થાય છે, તે નાટકના કેન્દ્રવર્તી વિચારને પ્રગટ કરે છે. લાઈનમાં રહેલા લોકો ભગવાનને દોષ આપે છે. નારદ આ સાંભળી અકળાય છે. ભગવાનનું અપમાન સહન નથી કરી શકતો અને બોલાચાલી કરવા લાગે છે. બરાબર એ જ સમય પેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ પાછા આવે છે કોઈને શોધતા હોય તેમ લાઈનમાં ઊભેલાની તપાસ કરે છે અને ઇશારાથી ડ અને ક –ને લાઈન બહાર બોલાવી દોરડાથી બાંધી મોટેથી જાહેરાત કરે છે.

પો.ઈ. : યોર એટેન્શન પ્લીઝ ! આથી લાઈનમાં હાજર તમામ શખસોને માલુમ થાય કે નામદાર સરકાર લાઈન બહાર રહેનાર કોઈનોય ગુનો હરગિજ ચલાવી લેશે નહિ. હમણાં જલીન બહાર માલુમ પડેલ આ બે શખસોનીની સામે નામદાર સરકાર સખત પગલાં ભરશે, જેથી આજ પછી કોઈ ક્યારેય મજકુર ઇસમના રાહેગુ નાઈત કામમાં સંડોવાય નહિ. થેન્ક્સ !

પોલીસ ઇન્સ્પેક્ટરના આ સંવાદમાંથી તંત્રના સકંજાનો ઓથાર અનુભવાય છે. નારદ અને વિષ્ણુ આ અંગે ખાનગીમાં ચર્ચા કરતાં હોય છે તે જોઈ–સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર ગુસ્સે થાય છે. ડ અને ક ની કોઈપણ વિંનતી કે વાત સાંભળ્યા વિના પોલીસ તેમને ગુનેગાર ગણી લે છે. વિષ્ણુ આ વાતનો વિરોધ કરી 'લાઈનની બહાર તો હું અને આ મારો મિત્ર હતા ' એમ કહ છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડ અને ક ની સાથે અ અને બ એટલેકે વિષ્ણુ અને નારદ પણ પકડીને થાણે લઈ લેવાનો આદેશ કરે છે. નારદની દલીલોના બદલામાં દંડાથી માર મારે છે. ક અને ડ પાસે બળજબરી કબૂલ કરાવે છે કે તેમણે ગુનો કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટરના ભયથી લાઈનમાં બધાં જ નીચું મોઢું કરી ઊભા રહે છે ત્યાં દૃશ્ય પુરું થાય છે.

એકાંકીનું એ પછીનું દૃશ્ય જેલની કોટડીનું છે. નારદ અને વિષ્ણુ વચ્ચે સંવાદ ચાલે છે. ખૂબ માર પડવાને લીધે નારદ દર્દથી વિષ્ણુને અસલ રૂપ બતાવી 'તમે નામદર સરકારનીય નામદાર સરકાર છો' એમ કહી પારખું કરવાનું કહે છે. પણ વિષ્ણુ આ નવી વ્યવસ્થા જોઈ અનુભવી નિભ્રાંત થઈ ચૂક્યા છે. નારદ સ્વર્ગમાં પાછા જવાનું કહે ત્યારે વિષ્ણુ કહે છે :
અ: નારદ સ્વર્ગ વળી હતું જ ક્યારે? લાઈનમાં જન્મ્યા છીએ તું અને હું – આપણે બેય ! આપણું સ્વર્ગ લાઈનમાં રહીને હસીએ એટલો વખત ! ભૂલી જા કે તું નારદ છે ને હું વિષ્ણુ છું... આપણે ક્યારેય લાઈનની બહાર હતા જ નહિ ! 'નારદ' અને ' વિષ્ણુ', 'લક્ષ્મી' ને 'સ્વર્ગ' બધું જ મિથ્યા. બધી ધરખમ બનાવટ!

નારદ વિશ્રાંતિ લેવાનું કહે છે. પરંતુ વિષ્ણુ કહે છે :
અ : વિશ્રાંતિ ? હવે બીજી કઈ વાત બનવાની છે ? બનવાનું બની જ ગયું છે ! એના સ્વીકારનો જ પ્રશ્ન છે! કદાચ ને હું ....
એમ કહે વિષ્ણુ અટકી જાય છે. નારદ ઢંઢોળીને જગાડવાનો પ્રયત્ન કરે છે. નારદની ચીસ સાંભળી દારોગો કોટડીમાં આવી જૂએ છે. તેણે વિષ્ણુ ઢોંગ કરતો લાગે છે એટલે ચાબખા મારી જગાડવાનો પ્રયાસ કરે છે. તેમાં નિષ્ફળ જતા નજીક જઈ અ-નું શરીર તપાસે છે અને મરી ગયાનો અભિનય દર્શાવી ભયભીત બની ફાનસ ઓલવી નાસી જાય છે. રંગમંચ પર અન્ધકાર સાથે એ દૃશ્ય પુરું થાય છે.

નાટકનું અંતિમ દૃશ્ય માંડ ચાર-પાંચ મિનિટ છે. મંચ પર સંપૂર્ણ અંધકાર છે. બધા જ પાત્રો હાથમાં બેટરીઓ લઈને દોડધામ કરે છે. પોલીસઇન્સ્પેક્ટર વ્હિસલ મારતો ' આ બાજુ... પેલી બાજુ...' બોલતો શોધવાનો અભિનય દર્શાવે છે, આદેશ કરે છે. પ્રકાશ થાય છે ત્યારે સૌ કોટડીમાં છે. અ અને બ-ની પથારી ઊંચી નીચી કરી શોધ કરે છે પણ કશો પત્તો મળતો નથી. દારાગો અડીખમ ચોકીદાર હોવાનો દાવો કરે છે પણ કોટડીમાંથી નારદ અને વિષ્ણુ ગાયબ છે એ વાત આશ્ચર્ય જ્ન્માવે છે.

અ-બ : અમને પણ એ જ આશ્ચર્ય છે ! કીડીએ આ જડબેસલાક વ્યવસ્થામાંથી પર નીકળી ન શકે તો આ સાડા પાંચ ફૂટની લાશો ! માનો ન માનો પણ કંઈક .......
ક-ડ : કઇંક ભેદી વાત બની છે !

પોલીસ ઇન્સ્પેક્ટર કશું ભેદી ન હોવાનું કહી વાત પર પડદો પડવાનું કરે છે. બધાં લાઈનમાં જ છે. બધું બરાબર જ છે. સલામત જ છે એવું આશ્વાસન લે છે. નાટકના અંતે આવતાં સંવાદો આશ્ચર્યજનક ચોટ આપે છે.
અ : હા. હા. લાઈન બહાર નીકળનાર પણ લાઈનમાં જ હોય છે આમ જુઓ તો !
બ : તમારી વાત ન સમજાઈ !
અ : અનુભવની વાત !
પો.ઈ. : નામદાર સરકારની વ્યવસ્થા જ એવી છે કે આપણે જેને ઘોર ગેરવ્યવસ્થા માનીને ગભરાઈ તે પણ હોય તો વ્યવસ્થા જ ....જડબેસલાક વ્યવસ્થા !

અન્ધકાર ....સાથે નાટકના આરંભનું દૃશ્ય બરોબર એ જ વિગતો સાથે દેખાય છે. આરંભે આવતો સંવાદ એ જ રીતે બોલાય છે. :
અ : અરે! નારદ ! આ લાઈન શેની ?

આ સાથે એકાંકીનો અંત આવે છે. પરંતુ પ્રેક્ષકોના ચિત્તમાં તે કેટલાય અર્થવલયો સર્જી જાય છે.
'લાઈન' એક પ્રયોગશીલ એકાંકી છે. જે તે સમયની રાજકીય-સામજિક પરિસ્થિતિ પર કટાક્ષ કરતું નાટક છે. રંગમંચની લગભગ બધી જ અનિવાર્ય શરતોનું પાલન કરતું આ એક પ્રેક્ષણીય નાટક છે. મર્યાદિત પાત્રો અને સંયમિત સન્નિવેશ સાથે આ નાટકમાં ભજવણીની તમામ શક્યતાઓ રહેલી છે. રાજ્યતંત્ર અને સમાજતંત્ર પ્રત્યેનો રોષ અહીં નાટકના માધ્યમે રજૂ થયો છે. વિષ્ણુ અને નારદ જેવા પરિચિત પાત્રોને મંચ પર લાવી તેની સાથે પ્રવર્તમાન સમસ્યાનું સંયોજન કરી સર્જકે એકાંકીને સબળ અને પ્રભાવક બનાવ્યું છે. સંવાદોમાં રહેલું લાઘવ અને તિર્યકતા ધ્યાનાકર્ષક બન્યા છે. આ નાટક 'વ્યવસ્થા' સામેના વિદ્રોહનું છે. પરંતુ આ વિદ્રોહની વાત વક્ર રીતે કહેવાઈ છે. લાઈનમાં જ માનવજીવનનનાં જન્મ અને મૃત્યુંનું સમીકરણ વણી લઈને સર્જકે આ એકાંકીમાં અસરકારક નાટ્યગુણ રચી આપ્યો છે. અલબત્ત આ નાટકમાં જે પરિસ્થિતિને નાટ્ય રૂપ આપવામાં આવ્યું છે તે આમ જોવા જઈએ તો સર્વકાલીન છે. કોઈપણ સમાજમાં, પ્રદેશમાં, સમયમાં તંત્રની જોહૂકમી અને 'કહેવાતી વ્યવસ્થાની' પ્રશસ્તિની વાત એક સમસ્યા બનીને જ વકરતી હોય છે. એવે વખતે સર્જક એ પરિસ્થિતનો સામનો કલાના ધર્મથી કરતો હોય છે. ચન્દ્રકાન્ત શેઠ રચિત 'લાઈન' આવું જ રાજ્યતંત્ર અને સમાજજીવનની જડબેસલાક વ્યવસ્થા પર વેધક કટાક્ષ કરતું ગુજરાતી ભાષાનું નોંધપાત્ર એકાંકી છે.

ડૉ.વિપુલ પુરોહિત, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી અનુસ્નાતક વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી email : v13purohit@gmail.com