Download this page in

‘શિખંડી’ ભીષ્મ-શિખંડીની મનોવ્યથા રજૂ કરતું ખંડકાવ્ય

વિનોદ જોશી સાંમ્પ્રત ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કવિઓમાં મોટા ગજાના કવિ છે. તેમની પાસેથી ‘પરંતુ’, ‘શિખંડી’, ‘તુંડીલ તુંડિકા’, ‘ઝાલર વાગે જૂઠડી’ જેવા કાવ્ય સંગ્રહો ગુજરાતી સાહિત્યને મળ્યા છે. ‘શિખંડી’ ઇ.સ. ૧૯૮૫ માં પ્રગટ થયેલ તેમનું પ્રસંશનીય ખંડકાવ્ય છે. તેના વિશે વિદ્વાનો દ્વારા તે ‘વૃત્તબદ્ધ દીર્ઘકાવ્ય’, ‘પદ્યબદ્ધ કથાકાવ્ય’ છે જેવા વિધાનો પણ થયેલા છે. અહી આપણે તેને ખંડકાવ્ય તરીકે જ ગણના કરીશું.

‘મહાભારત’ના ‘ઉદ્યોગપર્વ’માં આવતા ‘અંબોપાખ્યાન’ના કથાનકનો આધાર લઇ કવિએ શિખંડી(પૂર્વ જન્મની અમ્બા) અને ભીષ્મની માનવ્ય ભાવછવિ અને મનોવ્યથા આ કાવ્યમાં રજૂ કરી છે. વ્યાસ રચિત ‘મહાભારત’માં આવતા સુખ્યાત શિખંડી ભીષ્મના કથાનકમાં સ્વાયત્ત ઉમેરણ પણ તેમણે કર્યુ છે. કાવ્ય કુલ ત્રણ ખંડમાં વિભાજીત કર્યુ છે. ત્રણેય ખંડનો આરંભ અને અંત પ્રવક્તાથી થયો છે. કાવ્યમાં એક રાત્રિની ઘટના ખપમાં લીધી છે. સ્થળ-કાળ વર્ણન દ્વારા વસ્તુને પોષક વાતાવરણ પણ સર્જકે દર્શાવ્યું છે. કાવ્યારંભે આવતી પંક્તિઓ જુઓ
વિજીત શ્લથ સૂર્યને ક્ષિતિજદાહ દિધા પછી
છકેલ અભિસારિકા સમ પરિસરે ચંદ્રિકા;
પ્રશાન્ત નભમાં પડી કણસતી હજી ક્યાંક લૂં,
ઝબૂક હસી તારિકા ધન વિભીષિકા ચિરતી.

અહીં સૂર્યાસ્તના વાતાવરણનું નિરૂપણ વ્યંજનાઓથી સૂચિત છે. અહીં સ્થળવર્ણનની સાથે વિષયવસ્તુ નિરૂપણ કરી કવિએ પોતાની સિદ્ધહસ્ત કવિ તરીકેની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. અહીં આપેલ ‘શ્લથ સુર્ય’માં પરાજિત ભીષ્મ અને ‘છકેલ અભિસારિકા જેવી ચંદ્રિકા’માં વિજયમાં ચકનાચૂર શિખંડીનો પણ પરિચય થાય છે. સુર્યાસ્ત બાદ વધતા અંધારાનું વર્ણન જાણે કે ચિત્ર આંખ સમક્ષ ઉપસી આવતું હોય તેવું દ્રશ્યાત્મક રીતે કર્યું છે. તેને વધારે અસરકારક બનાવવા ઘુવડ જેવા નિશાચરનો ઉલ્લેખ કરી પ્રકૃતિના ઘટકોનો યથોચિત વિનિયોગ કર્યો છે.
કુરુક્ષેત્રે પડી આજ કાળરાત્રિ કરાલ, છે
થયો પૂરો સદસદ્ ના સંગ્રામે દસમો દિન

અહિં ઘટના જે સ્થળની છે તેનું વર્ણન કવિએ કર્યુ છે. ત્યારબાદ કુરુક્ષેત્રના સંગ્રામના દસમા દિવસની રાતને આરંભે શરશાયિત મૃત્યુની સામે ઊભેલા ભીષ્મ સમક્ષ ઉપસ્થિત શિખંડી પોતાના મનોભાવો અભિવ્યક્ત કરે છે. પ્રવક્તાના નિવેદન બાદ શિખંડીની રજુઆત ખંડકાવ્યની વિષયમાંડણી માટે અતિમહત્વની બની રહે છે.
જાણું છું, ભીષ્મ! જાણું છું, તમારા કર્મની ગતિ,
તમે ય જ્ઞાત છો એ હું અંબા, કાશીનરેશને.

કાશીરાજની પુત્રી અંબાને ભીષ્મની અનુજ્ઞા અને શાલ્વનો અસ્વિકાર છેવટે ફરી ભીષ્મ પાસે જવા મજબૂર કરે છે. આથી તે પોતાના વેરભાવને પોષવા માટે શંકરને પ્રસન્ન કરી બીજા જન્મમાં દ્રુપદ રાજાને ત્યાં પુત્રીરૂપે જન્મે છે. ત્યાં સ્થૂણાકર્ણ યક્ષ તેને પૌરુષ બક્ષે છે અને શિખંડી નામે તે કુરુક્ષેત્રમાં ભીષ્મને પરાસ્ત કરે છે. ત્યારે ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કવિએ શિખંડીના મનોભાવો રજૂ કર્યા છે.

અહીં શિખંડી જાણે છે કે ભીષ્મ તેમની પ્રતિજ્ઞાના કારણે તેનો સ્વિકાર કરી શક્યા ન હતા. છતાં પોતાની જે સ્થિતિ થઇ હતી તે માટે તેઓ જ જવાબદાર હતા તેમ ગણી તે પોતાનો બદલો લીધાનો સંતોષ અનુભવે છે. આ વખતે સ્ત્રી સહજ ભાવો રજૂ કરતાં તે પોતાના જે પતિ થવાનો હતો તે શાલ્વને પણ જણાવે છે કે તેણે આજે પોતાનો બદલો લઇ લીધો છે. ભીષ્મને બાણશય્યા પર અસહ્ય પીડામાં જોઇ ને તે જણાવે છે કે;
છટકવા તફડી સપડાઇને,
શિથિલ તોય ન બંધન થાય એ;
રથગતિ દ્રુત, અશ્વ હણેણતા,
સતત, મૂર્ચ્છિત હું અબળા હતી.

પોતે જ્યારે ભીષ્મએ અપહરણ કર્યુ ત્યારે છટકવા કરેલી કાકલૂદી અને તેને થયેલી પીડા ભીષ્મને કહે છે. તે વખતે ભીષ્મનો વિજય થયો હતો અને પોતે લાચારી વશ ભીષ્મને તાબે થઇ હતી. ત્યારબાદ ત્યાંથી ત્યજાયેલી પોતે શાલ્વ પાસે ગઇ હતી. શાલ્વ પણ તેનો સ્વીકાર કરતો નથી. તેથી તે રઝળપાટ કરતી હતી. આમ, બધાથી ત્યજાયેલી તે ચંદ્રમૌલીની કૃપાથી પ્રાણ ત્યજી દે છે તે વખતની તેની દુ:ખદ સ્થિતિ માટે તે ભીષ્મને જવાબદાર ગણે છે. આજે ભીષ્મને હરાવી પોતાની વેદના શમી હોય તેવો તે ભાવ અનુભવે છે. અને આજે જ મારો જન્મ સાર્થક થયો તેમ જણાવતાં કહે છે કે;
શમ્યા આકર્ણ પ્રત્યંચાના ટંકારો ભયાનક,
થયું મારું શિખંડીત્વ જાણે આજે જ સાર્થક!

શિખંડીના વિજયને સૂચવવા કવિ તેના આંટા મારવાની ક્રિયા સૂચવી છે. ત્યારબાદ તેનો વિજય થયો તેના પુરાવારૂપે તેમનો કેમેરો રણમેદાન ઊપર થયેલ વિનાશ ઉપર ફરે છે.
રુધિરનો પટ રક્તિમ ખુંદતો,
ડગ-સગર્વ પ્રસન્ન- ઉપાડતો
રઝળતાં મડદાં ટપતો જતો,
સમીપ ભીષ્મ તણી જઇને ઉભો.

આખું રણમેદાન લોહી ભરેલું છે અને યોદ્ધાઓની લાશો પડલી છે. તેને કૂદતો-કૂદતો તે મરણશય્યા પર સૂતા ભીષ્મની નજીક જાય છે તે સાથે રાત્રિ પણ પોતાનું કામ કરતા આગળ વધી રહી છે. અહીં પ્રથમ સર્ગમાં શિખંડીની પ્રતિશોધની ઝંખના તિવ્રપણે દર્શાવી છે તેને અનુરૂપ સ્થળ-કાળ વર્ણન પણ સર્જક દાખવી શક્યા છે.

બીજા સર્ગમાં મરણોન્મુખ ભીષ્મ પોતાની લાચારી, બેબસીનો એકરાર શિખંડી સામે કરે છે તેનું નિરૂપણ છે. અહીં માત્ર એકક્ષણને પકડી કાવ્યત્વ સિદ્ધ કરવાની કાન્તની શૈલીનાં દર્શન થાય છે. ભીષ્મ થોડી-થોડી વારે આંખો ખોલે છે ત્યાં તેને શિખંડી જ દેખાય છે. તેને જોઈને ભીષ્મ ભૂતકાળમાં સરી પડે છે તે
સડસડાટ પસાર થઇ જતી,
મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં;
સ્મરણની લઇ ટેકણલાકડી,
સુદર ભીષ્મ સરે ભૂતકાળ માં

ભીષ્મને પણ એ ક્ષણ યાદ આવે છે જે ક્ષણે અંબાને તેણે તરછોડી હતી. તેની આખો સમક્ષ અંબાના અપહરણનો એ બનાવ ઉપસ્થિત થાય છે.
આવે એ ક્ષણ યાદ એ અપહ્યતા અંબા જ અસ્વીકૃતા
ને ઉન્મૂલિત–છેવટે અદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’

ભીષ્મ શિખંડીને પોતાની પાસે બોલાવી તેને જણાવે છે કે મને આ યુદ્ધ, ઘા, વહેતું લોહી, અર્જુનનું ગાંડીવ જે શારીરિક પીડા આપી શકે છે તેનાથી મને સહેજ પણ પીડા થતી નથી પણ હું તેને અપનાવી ન શક્યો એ ક્ષણની મજબૂરી મને અસહ્ય પીડા આપે છે. તે પોતે અજાણતાં પોતાની પ્રતિજ્ઞા પાળવાને કારણે અબાળા નારીને અસહ્ય પીડામાં નાખ્યાનો તે અફસોસ વ્યક્ત કરે છે. પોતે અધમ, નીચ છે એમ વિચારે છે. તે શિખંડીને કહે છે કે ઘણીવાર મેં મારી પ્રતિજ્ઞાને વિસારે પાડીને તને ચાહી છે તે તું જાણતી નથી. તારા અપહરણ વખતે તારા દેહલાલિત્યથી હું તારા પ્રેમમાં પડ્યો હતો. જ્યારે તે મને અપનાવી લેવા વિનંતી કરી ત્યારે હું સર્વસ્વ ભૂલી તને સ્વીકારવાનો જ હતો ત્યાં જ પ્રતિજ્ઞા યાદ આવી ગઇ અને તારી સાથે મારી પણ જિંદગી રોળાઇ ગઇ હતી. તે ક્ષણનું વર્ણન કવિએ સુંદર રીતે કર્યું છે જુઓ,
રહ્યું ન કશું ભાનસાન પ્રિયા ડૂબતો હું ગયો,
સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર,’ગ્રહો મને, ભીષ્મ હે!’
ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા! તને,
ચડી સ્મરણમાં અચાનક અરે! પ્રતિજ્ઞા મને.

આ પ્રતિજ્ઞા પણ પોતે અનિચ્છા હોવા છતાં લીધી હતી તેમ તે જણાવે છે. પિતાના સુખ માટે મે મારા દેહ ઉપર દમન કરી કાબૂ મેળવ્યો હતો. એ વખતની ભૂલથી હું આખી જિંદગી સુખ મેળવી શક્યો નથી. અરે! હું પણ માણસ છું મારી પણ ઇચ્છાઓ હોય તેવો અનુભવ મને તારા અપહરણ વખતે જ થયો હતો.
હું ય મનુજ છું, મારી છોડી શકું ક્યમ પ્રકૃતિ?

મરણોન્મુખ ભીષ્મ શિખંડીને પોતે તને ગ્રહવા તૈયાર હતો તેમ જણાવ્યા પછી તેને ઠપકો આપતાં કહે છે કે મારા હાથનું બંધન તને પીડા આપતુ હતું પણ તે મારી આંખોમાં આંખો નાખીને કેમ ન જોયું? આથી તારી પણ ભુલ જ છે. તારું અપહરણ મારી પ્રતિજ્ઞા ખાતર મારુ શરીર કરતું હતુ પણ હું હ્રદયથી તને ચાહતો હતો. એ ક્ષણનું વર્ણન પણ કવિએ તાર્દશ્ય રીતે કર્યુ છે જુઓ,
ર્દગ પરોવી ર્દગે નવ જોયું તે,
ન મુજ ભાવ કળી શકી બંધને;
પ્રથમ સ્પર્શ તણી ક્ષણ એ હતી,
પ્રથમ એ ક્ષણ કામ્ય તને ગણી

તરછોડાયેલી અંબા એમ જાણતી હતી કે હું હારી અને ભીષ્મ જીત્યો છે પણ હું ખરેખર જિંદગીના ખેલમાં હારી ગયો હતો. મારી આ પ્રતિજ્ઞાના કારણે હું જીવનમાં કંઇ જ કરી શક્યો નથી. છેવટે પશ્ચાતાપમાં જ મેં મારું જીવન વિતાવ્યું છે.
સદભાગ્ય! આજ મુજ સન્મુખ તેં ઉભીને
આ યુદ્ધ એક પછી એક મને જ તાક્યાં;
એક્કેક બાણ તુજ ચુંબન જેમ ઝીલ્યાં,
એક્કેક ઘાવ ફૂલ જેમ પ્રપૂર્ણ ખીલ્યાં!

આખા જીવતરની કમનસિબી આજે તારા બાણથી વિંધાઇને દૂર થઈ છે. તારા એકેએક બાણ મને કષ્ટ આપતા ન હતા. તારા બધા જ બાણ મને ચુંબન સમાન લાગતા હતા. તે બાણથી પડેલા ઘા મારા શરીર પર ફૂલની જેમ શોભી રહ્યા છે. અહી ભીષ્મ આખા જીવનભરની વેદના શિખંડી સમક્ષ રજૂ કરી પોતાની વિડંબના જણાવે છે. તે જણાવે છે કે હું ઇચ્છામૃત્યુને વરેલો હોવા છતાં મારા આયુષ્યનો કોઈ જ મતલબ નથી. પછી આગળ જણાવે છે કે
નિકટ બેસી પસાર લલાટ ,
ર્દગ પરોવી ર્દગે દુખ જોઈ લે ;
સળગતા કુરુક્ષેત્રની સાક્ષીએ
કર અનુગ્રહ શીતળતા ભર્યો !

ભીષ્મે આગળ જણાવેલી પોતાની વિડંબનામાં પોતાની આખોમાં પ્રેમ ન જોઇ શકેલી અંબાને આંખમાં આંખ પરોવીને દુખ જોઈ લેવા જણાવે છે. તે વધારે અનુનય કરતાં શિખંડીને પોતાની નજીક આવીને તેના કપાળ ઉપર હાથ ફેરવી મારા જીવનભરની બળબળતી આગ બુજાવી દેવા આજીજી કરે છે.

આ સર્ગમાં ભીષ્મની માનસિકતા છતી થતી જણાય છે. તેની પૂર્વ જન્મની અંબાના સાનિધ્યમાં જન્મેલા તીવ્ર કામાવેગની સ્મૃતિઓ તાજી થાય છે. આ સમયે તીવ્ર યૌવનસંવેદનાની સામે પ્રતિજ્ઞા પાલનથી વેઠવી પડતી પરાણે પકડાવી દીધેલી સંયમિતતાથી જીવન નિરર્થક બન્યાની લાગણી તે અનુભવે છે અને તેનો એકરાર તે શિખંડી સમક્ષ કરે છે. આ એકરાર સાંભળ્યા પછી શિખંડીની બદલો લેવાની માનસિકતા બદલાઈ જાય છે. તે માનોમન અફસોસ વ્યક્ત કરે છે. આ પર્વમાં ભીષ્મના આ દુખ ભર્યા કથનથી ખંડકાવ્ય એની ચરમસીમાએ પહોચે છે.

ભીષ્મની વ્યથા સાંભળી કાવ્યની શરૂઆતમાં જે શિખંડી પોતાની જીતથી ઉત્સાહિત હતો તે હતોત્સાહી બની દુખમાં ગરકાવ થઈ જાય છે. અહી ભાવાવેગમાં આવતું પરિવર્તન પણ સૂચક છે. શિખંડીની મનોવ્યથાની સાથે ચોપાસ પથરાયેલી નિરવ શાંતિ કાવ્યના ભાવને પોષક પરિસ્થિતિ પેદા કરતી જોવા મળે છે. આ પરિસ્થિતિનું કથન પ્રવક્તાના મુખે કરાવી શિખંડીના દુખદ મનોભાવો કવીએ વ્યક્ત કર્યા છે. શિખંડી પોતે અણજાણતા મોટો ગુનો કર્યો છે તેનો પાશ્ચાતાપ તે કરે છે. જે ભીષ્મને તે દુશ્મન સમજતી હતી તેના માટે તેને લાગણી પેદા થાય છે. પોતે આજ સુધી ભ્રાંતિમાં જીવતો હતો એવું એને જણાય છે.
કલ્પી શકું ક્ષણ અનુભવી જે તમે એ ,
હું કામ્ય તોય નવ ગ્રાહ્ય , પરિસ્થિતિ એ !

શિખંડી ભીષ્મને કહે છે કે જે રીતે તમે જીવનની વિડંબનાઓમાં સપડાયા હતા તે સમયની તમારી વ્યથાને હું સમજું છું. પોતે ભીષ્મની હત્યા કરી બદલો લેવાના કરેલા પ્રણથી પસ્તાય છે. અહી આપણને અગાઉના સર્ગમાં ભીષ્મની જે દુખદ સ્થિતિ હતી તેવી જ સ્થિતિ શિખંડીની થતી જોવા મળે છે. આથી માનવજીવન પર એક ક્ષણ કેટલી અસરકારક રીતે શિકંજો કશી શકે છે તેનું નિરૂપણ કરી સર્જક ખંડકાવ્યને પૂરતો ન્યાય આપી શક્યા છે. આ સર્ગના અંત ભાગમાં ભીષ્મ શિખંડીને વીતી ગયેલી વાતનો અફસોસ ન કરવા જણાવે છે. મારા–તારા ઉપર જે વીતી છે એતો વિધિની વક્રતા હતી એને કોઈ ટાળી શકે નહીં. મારો આત્મા તને આટલી નજીક જોઈ સંતોષ પામ્યો છે. આ તારી સામે બાણોથી ચાણણી થઈ જે પડ્યું છે તે શરીર વૃથા છે પણ મારા આત્માની તૃપ્તિ તારા નજીકના દર્શન માત્રથી થઈ છે. આ વિપત્તિ કાળનું પરિણામ છે એમ સમજાવી શિખંડીના મનનું સમાધાન કરે છે. અંતે બંને ના હૃદયની પીડા ઓછી થાય છે. ભીષ્મની સંમતિ મળતા શિખંડી મરણસન્ન ભીષ્મની ચરણરજ લઈ પોતાની છાવણીમાં પરત જાય છે. અંતે કવિ પ્રવક્તા દ્વારા યુદ્ધના આગિયારમા દિવસનું પ્રભાત ઉઘડતું બતાવી કાવ્યનો યોગ્ય અંત લાવી શક્યા છે.

છંદયલટાઓ ભાવને અનુરૂપ છે. વાતાવરણ નિર્માણ કરવામાં પણ છંદોનો વિનિયોગ અસરકારક રીતે કર્યો છે. ખંડકાવ્યની ભાષારચના પણ વિષયાનુરૂપ છે. કાવ્યમાં રવાનુકારી કે દ્વિરુક્ત પ્રયોગોનો વિનિયોગ પણ ધ્યાનપાત્ર છે. ભરત મહેતાએ આ વિશે નોંધ્યં છે કે ‘ઝીણુંઝીણું’, ‘મંદ-મંદ’, ‘સ્પંદ-સ્પંદ’, ‘ટમક-ટમક’,‘જાણું છું જાણું છું’, ‘ઘડી ઘડી’, ‘સગ-સગર્વ’, વગેરે તો ‘ક્ષિતિજદાહ’ કે ‘અપુર્વ પર્વ’, ‘ભાગ્ય આરસી’ જેવા શબ્દો પણ સર્જકતાના જ ચિન્હ છે.”

આ કાવ્યમાં પ્રવક્તા શૈલીનો વિનિયોગ પણ ધ્યાન ખેંચનારો છે. આ પ્રયુક્તિથી તેમણે વસ્તુને અનુરૂપ વાતાવરણ નિર્માણ કરવાની અને ભાવકના કૂતુહલને પોષવાનું કામ સારી પેઠે પાર પાડ્યું છે. દરેક સર્ગમાં પ્રવક્તા – શિખંડી – ભીષ્મના સંવાદોની ગૂંથણી પણ કવિની કાવ્યરચનાની હથોટીને સુપેરે વ્યક્ત કરે છે.

આમ, ‘શિખંડી’ ખંડકાવ્યમાં અંબા(શિખંડી) અને ભીષ્મના માનસિક સંચલનોના, ભાવપલટાઓ, એમના વ્યક્તિત્વની છાપ ઉપસાવવામાં કવિ સફળ નીવડ્યા છે. માનવીય હૃદયપલટાઓ સાથે સ્થળકાળ નિરૂપણ અને યોગ્ય વાતાવરણ નિર્માણ કરતી એક અનવદ્ય સાહિત્યકૃતિ ગુજરાતી સાહિત્યને સાંપડી છે.

સંદર્ભ પુસ્તકો :
૧. ‘શિખંડી’, વિનોદ જોશી પ્ર. આ. ૧૯૮૫
૨. અનુઆધુનિક ગુજરાતી સાહિત્યકોશ , સંપાદક, ચંદ્રકાંત શેઠ
૩ . ‘પરબ’, જુલાઇ-૧૯૯૬ શિલ્પીન થાનકીનો લેખ, પૃ.૫૨
૪ ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’, સંપાદક, સતિશ વ્યાસ

અરવિંદકુમાર ડી. ઠાકોર, નિશાળવાળું ફળિયું, મુ-બોર, પો-બાર, તા-વીરપુર, જિ- મહીસાગર પિન નં.- ૩૮૮૨૬૫ મો. નં . ૯૬૮૭૯૧૧૪૨૦ Email-arvindthakor420@gmail.com