‘અમરકોશ’ના અનુવાદક: કે.કા. શાસ્ત્રી
‘કે.કા.શાસ્ત્રી’ કે ‘શાસ્ત્રીજી’ના હુલામણા નામે દેશભરમાં જાણીતા કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા) દાયકાઓ સુધી સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’, ‘મહામહિમોપાધ્યાય’ ‘ભારત-ભારતી રત્ન’, ‘બ્રહ્મર્ષિ’, ‘વિદ્યાવિભૂષણ’ જેવા અનેક માન- સન્માનથી વિભૂષિત ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના આ પ્રખર પંડિતની સર્જનયાત્રા તેમના દીર્ઘાયુ જેટલી માતબર અને અમૂલ્ય રહી છે. સંશોધક- સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા અને અનુવાદક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર કે.કા. શાસ્ત્રીજી પાસેથી લગભગ 240 જેટલાં પુસ્તકો અને 1500થી વધુ લેખ મળે છે.
કે.કા. શાસ્ત્રીજી પાસેથી સંશોધન- સંપાદન- વિવેચનની સાથે અનુવાદના ગ્રંથો પણ મળે છે. પોતાના વતન માંગરોળમાં પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ દરમિયાન શાસ્ત્રીજીએ અનુવાદ કરવાનો પ્રારંભ કરેલો. આમ કિશોરવયથી શાળેય- અભ્યાસની જોડાજોડ એમની અનુવાદ પ્રવૃત્તિ ચાલુ રહી છે. મુખ્યત્વે સંસ્કૃત નાટકો, કોશ અને અંગ્રેજી ભાષાશાસ્ત્રના ગ્રંથોના અનુવાદ તેમણે કર્યા છે. જેમ કે, ભાસ્કર કવિકૃત ‘ઉન્મત રાઘવ’ (1929), કાલિદાસ કૃત ‘માલવિકાગ્નિમિત્ર’નો સમશ્લોકી અનુવાદ ‘પ્રેમની પ્રસાદી’ (1932), ‘કાલિદાસનાં ત્રણ નાટકો’ (1949), રામચન્દ્રાચાર્ય કૃત ‘નિર્ભયભીમવ્યાયોગ’, ‘સંક્ષિપ્ત ભરતનાટ્યશાસ્ત્ર’ (1958), ‘ભાસનાટક ચક્ર’ ‘સંસ્કૃત કારિકાબદ્ધ અમરકોશ’ (1975) , ‘હરિવંશ- સંક્ષેપ’ (1981) , જ્યોર્જ એ. ગ્રિયર્સન કૃત ‘લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા’ નામક અંગ્રેજી ગ્રંથના એક વિભાગનું ‘ભારતીય ભાષાઓની સમીક્ષા’ (1941), સી. એલ. ટર્નર કૃત ‘ગુજરાતી ફોનોલોજી’ ઉપરથી ‘ ગુજરાતી સ્વર- વ્યંજન પ્રક્રિયા’ (1943), તેસ્સિતોરી કૃત ‘નોટ ઓન ગ્રામર ઓફ ધ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની’ ઉપરથી ‘જૂની પશ્ચિમી રાજસ્થાની વ્યાકરણનું ટીપ્પણ’ (1964) વગેરે .
કે.કા. શાસ્ત્રીએ કરેલ અમરસિંહ રચિત ‘નામ- લિંગાનુંશાસન કિંવા અમરકોશ’ના અનુવાદનો ઇતિહાસ રસપ્રદ છે. શાસ્ત્રીજી ઇ.સ. 1922માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા ઊર્ત્તીણ કરી નોકરી અર્થે મુંબઈ જાય છે. ત્યાં સં. હસ્તલિખિત ગ્રંથો ઉપરથી પ્રેસ-કોપી બનાવવી અને પ્રુફ-વાચનનું કામ શીખે છે. પરંતુ ત્યાં તેમને મેલેરીયા લાગુ પડતાં વતન માંગરોળ પાછા આવી જાય છે. આ પ્રસંગ પહેલાં શાસ્ત્રીજીએ અનુવાદનું કામ આરંભેલું. તેઓ વતન માંગરોળમાં પાંચેક માસના આરામ બાદ અધ્યયન – અધ્યાપન સાથે અનુવાદનું કાર્ય શરૂ કરે છે. ‘અમરકોશ’ના અનુવાદ કાર્યના ઉદ્દેશ વિશે કે.કા. શાસ્ત્રીજી નોંધે છે: “એમના (સહાધ્યાયી, સત્યનારાયણ મંદિરના મહંત ગોમતીદાસજીના) ઉત્સાહનો ચેપ મને લાગ્યો. કાંઈક નવું કરી બતાવવું એ ભાવ એમનો અને મારો પણ જાગ્યો. ગુજરાતી ભાષામાં ‘અમરકોશ’નો એક અનુવાદ તો અમદાવાદમાંથી પ્રસિદ્ધ થયેલો હતો, પણ ‘અનુવાદમાં સંસ્કૃતના પર્યાયોની જેમ ગુજરાતી પણ યાવત્પ્રાપ્ય પર્યાયો ત્યાં ત્યાં આપવા એ પ્રકારનો અનુવાદ આપણે કરીએ’ એવા વિચારથી એમણે સાથે મળી અનુવાદ સાધવાનો વિચાર આપી મને કહે: ‘શરૂ કર’ અને મેં શરૂ કર્યો અને છએક માસમાં એ કરી પાડ્યો.” ( પૃષ્ઠ: ૪, ‘પ્રાસ્તાવિક (પ્રથમ આવૃતિ)’ ) આમ, 18-19 વર્ષની નવયુવા વયે ‘અમરકોશ’ના અનુવાદનું કામ તેઓ પૂર્ણ કરે છે.
તેઓ નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરે છે. પરંતુ આવડા મોટા ગ્રંથનું પ્રકાશન કેટલીક મુશ્કેલીઓને કારણે લગભગ અડધી સદી સુધી અટકી પડ્યું. એકવાર આક્મિક રીતે ‘અમરકોશ’ની વાત નીકળતાં યુનિ. ગ્રંથનિર્માણ બોડના એ વખતના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલે તેના પ્રકાશનની ઇચ્છા જણાવી, પ્રો. જમિયતરામ જે. પંડ્યાએ કે. કા. શાસ્ત્રીજીની અનુવાદપ્રતને ચકાસી તેના પ્રકાશન માટે લીલી ઝંડી આપી. પરંતુ અઠંગ વિદ્વાન- અભ્યાસી શાસ્ત્રીજીને ‘અડધી સદી ઉપર કરેલા અનુવાદ એમને એમ છાપવો યોગ્ય લાગ્યું નહિ.’ (પૃષ્ઠ: ૪, ‘પ્રાસ્તાવિક (પ્રથમ આવૃતિ) પરિણામે તેમણે નવેસરથી આ ગ્રંથનો અનુવાદ કર્યો. આમ,શાસ્ત્રીજીના વિશાળ જ્ઞાન- અનુભવનો બેવડો લાભ આ અનુવાદને મળ્યો છે. અનુવાદક અને આપણું સદભાગ્ય કે પ્રથમ અનુવાદ પછી આ ગ્રંથ સાડા બાવન વર્ષ પછી ઈ.સ. 1975માં પ્રકાશિત થાય છે. અને સુધારેલી બીજી આવૃતિ ઈ.સ. 1998માં પ્રસિદ્ધ થાય છે.
સંસ્કૃતકોશમાં ‘અમરકોશ’ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. તેના કર્તા અમરસિંહ વિશે વિદ્વાનોમાં મતભેદ છે કેટલાકના મતે તે વિક્ર્માદિત્યના દરબારમાં નવ રત્નોમાંનો એક હતો અને કેટલાક તેને જૈન હોવાનું બતાવે છે, તો કેટલાકના મતે તે ચંદ્રગુપ્ત બીજાના (ચોથી સદી ) નવ રત્નોમાં નો એક હતો. તેના સમય વિશે પણ જુદાજુદા મત છે. પરંતુ આગિયારમાં સૈકામાં થયેલ મમ્મટના ‘કાવ્યપ્રકાશ’માં અમરસિંહના ઉલ્લેખથી તેને અગિયારમી સદીમાં થયાનું યોગ્ય માનવામાં આવે છે. અમરકોશમાં લગભગ દસ હજાર જેટલાં નામો છે. જેમાં બધા મળીને લગભગ 1544 શ્લોક છે. આ આખો કોશ ત્રણ કાંડમાં વિભાજિત છે: 1. સ્વર્ગાદિકાંડમ 2. ભૂવર્ગાદિકાંડમ 3. સામાન્યાદિકાંડમ. કે.કા. શાસ્ત્રીએ ભાનુજી દીક્ષિતની સંસ્કૃત ટીકાનો આધાર લઈ ‘અમરકોશ’નો અનુવાદ કર્યો છે. આ અનુવાદ પણ ત્રણ કાંડમાં વિભાજિત છે. તેના નામ આપવામાં આવ્યાં . નથી પરંતુ દરેક કાંડના પેટાવિભાગો પાડી નામ આવ્યા છે, જેમ કે, પ્રથમ કાંડમાં: 1.‘સ્વર્ગવર્ગ’, 2.‘આકાશવર્ગ’, 3. ‘દિશાનો વર્ગ’, 4. ‘કાલવર્ગ’, 5. ‘બુદ્ધિવર્ગ’, 6. ‘શબ્દાદિવર્ગ’, 7.‘નાટ્યવર્ગ’, 8.‘પાતાલભોગિવર્ગ’ વગેરે જેવા દસ વિભાગો પાડવામાં આવ્યા છે અને જે-તે વર્ગના શબ્દોના અર્થ આપ્યા છે, તો બીજા કાંડમાં દસ વિભાગોમાં ‘ભૂમિવર્ગ’, ‘પુરવર્ગ’, ‘પર્વતનો વર્ગ’, ‘વનસ્પતિનો વર્ગ’, ‘સિંહ વગેરેનો વર્ગ’, ‘મનુષ્ય વર્ગ’ વગેરે અને ત્રીજા કાંડમાં પાંચ વિભાગોમાં ‘વિશેષણોનો વર્ગ’, ‘સંકીર્ણ વર્ગ’, ‘અનેકાર્થ વર્ગ’, ‘અવ્યય વર્ગ’ અને ‘લિંગોનો સંગ્રહ’ના નામ- સંજ્ઞા અર્થ આપ્યા છે. અંતે પરિશિષ્ટ અને સંસ્કૃત શબ્દોની અનુક્રમણિકા આપી છે. આખો ગ્રંથ 688 પૃષ્ઠથી સભર છે.
અનુવાદક કે.કા. શાસ્ત્રી સંસ્કૃતની જેમ ગુજરાતી શબ્દોના પર્યાયો આપવાનો પ્રયત્ન કર્યો છે જરૂર પડી ત્યાં નવા શબ્દો પણ રચ્યા છે. ખાસ કરીને વનસ્પતિ અને ઔષધિઓના સંસ્કૃત નામોના ગુજરાતી નામો- પર્યાયો આપવા કઠિન બાબત છે, કે.કા. શાસ્ત્રીના વનૌષધિયના અનેક ગ્રંથોના અભ્યાસ અને બાપાલાલ ગ. શાહ જેવા જાણીતા વૈદ્યના પરામર્શના પરિપાક રૂપ વનસ્પતિ અને ઔષધિઓના ગુજરાતી નામો આપે છે. જે આજના વૈદ્યરાજોને ખૂબ જ ઉપયોગી બને તેમ છે. આ અનુવાદના સુફળ રૂપે કે.કા. શાસ્ત્રી પાસેથી ‘વનૌષધિ- કોશ’ મળે છે.
‘અમરકોશ’ના અનુવાદમાં કે.કા. શાસ્ત્રી અનુવાદક તરીકેની વિશેષતાઓ તરત ધ્યાન ખેંચે છે. એક તો સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ. તેના કારણે ગુજરાતી અને સંસ્કૃત વચ્ચે સેતુબંધ બાંધવાનું કામ કરે છે. આ કોશમાં સંસ્કૃત પર્યાય કે પર્યાયો આપવામાં ‘લિંગ’ (જાતિ)ની ખૂબ જ ચીવટ રાખે છે. તે જ રીતે ગુજરાતી શબ્દોનાં પણ લિંગ –જાતિ અચૂક આપ્યાં છે. અનુવાદક શાસ્ત્રીજીએ સંસ્કૃત શબ્દોના શક્ય હોય તેટલા યા યાદ હોય એટલા પર્યાયો આપવાનો યત્ન કર્યો છે તો ક્યાંક શબ્દ વિશે, તેની વ્યુત્પત્તિ, અર્થભેદનો વિકાસ કે કંઈક ‘વિશેષ’ બાબત હોય તો તે પર પ્રકાશ પાડ્યો છે. એક ઉદાહરણ જોઈએ: ‘માતુલપુત્રક:’ એટલે ધતુરાનું ફળ વિશે નોંધતાં લખે છે: “ એનું ફળ તે ‘માતુલપુત્રક:’ (પું.)- ‘ધંતુરાનો ડોડવો’- ‘ધતૂરાનો ડોડો’ (પું.) – ‘ધંતૂરાનું જીંડવું’- ‘ધતૂરાનું જીંડવું’ (ન.). [ બા. ગ. વૈદ્ય અહીં ગરબડ થઈ માને છે. મને લાગે છે કે ‘ગાંજા’ને અમરસિંહે ધતૂરાના ડોડવાની પેદાશ માની લીધી હોય. ધંતૂરાનાં અંગ ફૂંકી પિવાતાં હશે જ, કારણ કે ગાંજો ફૂંકવાની ‘ચૂંગી’નું નામ ‘ધતૂરી’ પણ છે જ.] ( પૃ. 136) ગુજરાતી ભાષામાં સંસ્કૃત શબ્દનો સીધા પર્યાય ના મળે તો તે માટે શબ્દ સમૂહ આપે છે. જેમ કે ‘કાનીન’ માટે ‘કુંવારી સ્રીનો પુત્ર તે કાનીન’(પૃ. 180) ‘ગોલક’ માટે “ધણી મરી ગયા પછી બીજાથી ઉત્પન્ન થયેલો પુત્ર તે ‘ગોલક’ (પૃ. 184) વગેરે.
સંસ્કૃત ભાષાના વાચક – અભ્યાસી માટે આ ‘અમરકોશ’ પાયારૂપ ગણાય છે. કોશનિષ્ણાત કે.કા.શાસ્ત્રીએ અત્યંત ખંત અને ચીવટથી કરેલ અનુવાદ સર્વજન માટે સુલભ બન્યો છે. આ કોશમાંથી પસાર થતાં ‘કશુક’ નવું જ પામ્યાનો, માણ્યાનો અનુભવ થાય છે.
સન્દર્ભ ગ્રંથો :
1. ‘અમરસિંહ- વિરચિત નામ- લિંગાનુંશાસન કિંવા અમરકોશ’, અનુવાદક: ક.કા. શાસ્ત્રી , પ્રકાશક: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, દ્વિતીય આવૃતિ: ૧૯૯૮
2. ‘ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ: ૬’ પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, બીજી આવૃતિ: ૨૦૧૧
3. ‘પાયાનો સંસ્કૃત-ગુજરાતી શબ્દકોશ’ સંપા: કે.કા. શાસ્ત્રી, પ્રકાશક: આદર્શ પ્રકાશન, અમદાવાદ, ચોથી આવૃતિ: 2013