Download this page in

‘દેશ’ કાવ્યસંગ્રહમાં પ્રગટ થતી સામાજિક પ્રતિબદ્ધતા

‘ધરતીના વચન’ ૨૦૧૬ પછી આપણને સર્જક પાસેથી 'દેશ' (૨૦૧૮) કાવ્યસંગ્રહ મળે છે. જે એમના અન્ય કાવ્યસંગ્રહોથી અલગ પડે છે. એમાં નીતર્યા નીર જેવી સામાજિક પ્રતિબદ્ધતા નજરે પડે છે.

ગુજરાતી સાહિત્યમાં દલીતપીડીતની સંવેદનાનું નિરૂપણ વાર્તા, કવિતા, નવલકથા, આત્મકથા, નારક સુધી આલેખન પામ્યું એટલુ આદિવાસી કે વિચરતી વિમુક્ત જાતિનું સંવેદન, એના પ્રશ્નો, એની વેદના વ્યક્ત થયા નથી. કાનજી પટેલ અંગ્રેજી સાહિત્યના અધ્યાપક રહીને પણ ગુજરાતી સાહિત્ય અને એમાય આદીવાસી સાહિત્યમાં આગવું પ્રદાન કરે છે. 'જનપદ', 'ડુંગરદેવ', 'ધરતીનાં વચન' કાવ્યસંગ્રહોમાં રહેલાં સાંસ્કૃતિક વલણો 'દેશ' કાવ્યસંગ્રહમાં સંપૂર્ણપણે ખૂલીને પ્રગટ થાય છે. આ સંગ્રહ સંપૂર્ણ લોકબોલી અને લોકલયમાં છે. ગુજરાતી સાહિત્યને એક આગવા દેશનું દર્શન કરાવે છે. અછાંદસ કવિતાની ભાષા વડે આદિવાસી જગતના સંવેદની તીવ્ર ધાર કાઢે છે. જે દેશ ક્યાંય ચોપડે નોંધાયો નથી એ દેશ આ કવિતામાં એના તંતેતંતથી ભાષા વડે ઉઘાડ પામે છે. કવિની આગવી શૈલીમાં તળપદનાં પ્રતીકો-કલ્પનો રચાયા છે. જેમ જેમ એને ઊકેલતા જઈએ તેમ તેમ આ જુદા જ જીવનમાં ભાવકને રસ પડે છે. એની પીડા સ્પર્શી જાય છે. સંવેદનો અડી જાય છે. ભાષાના બળકટ માધ્યમથી એ ઝીલાયા છે. સંગ્રહની પંચાવન જેટલી કવિતાઓ આગવા દેશના અંધારને અજવાળે છે. નવું કશું જ દેખાડે છે. સાંસ્કૃતિક બદલાવમાંથી આવતી આ કવિતાઓને લેખકના ‘બે બોલ’ શિર્ષક હેઠળ મૂકી છે. એ અવતરણ જોઈએ,
"કવિતાના રસકસ લોક અને એમના પરિવેશમાંથી આવે છે. અભાવોને પણ શક્તિમાં ફેરવી જીવી જાણનારા લોકનું અજબપણું કેવી રીતે સમજાવશે... રાજમાર્ગો, રાજધાનિઓ, મહાનગરો, ચપળ શહેરો બનાવવામાં બધી શક્તિ ખર્ચાય છે. ખેતીની જમીન ઉજ્જડ થતી જાય છે. સિમેન્ટ કોંક્રીટ આગળ હરિયાળી મરતી જાય છે. સવાલ છે કે ગગનચુંબી મકાનો અને કૃત્રીમ બુદ્ધિ વધશે પણ ધાન કોણ પકવશે?.... ભોંય, વસ્તુ કે મહેનત બોલતાં નથી ને બોલવા દેતા નથી. એમ જગતનો પાયો ખવાઈ જાય છે. ગુણીજનો એ ખોટને જોઈ રડે છે..." (દેશ, પૃ. ૭)

આ પ્રકારની તળની મૂળની વેદનાને શબ્દસ્થ કરતા આ સંગ્રહના પાના ઉથલાવીએ તો ઠેરે ઠેર નવા જ પ્રકારના જીવનની ઝાંખી થાય છે. જુઓ,
"હું બોલું
બોર ચાવું
વહેળો ચોપગે પીઉં
મહુડે જીવું
મને જીવવા દે" (દેશ, પૃ. ૧૧)

પંક્તિઓમાં પ્રકૃતિના ખોળે જીવવા મથતા માનવની વાત પણ કોઈ આમ જીવવા ય નથી દેતું એની વેદનાની વાત છે, ચિત્કાર છે.

રાઠવી પીઠોરાની કથામાંથી મળેલ બીજથી લખાયેલ કવિતા જુઓ,
"પાતાળના નાગ પાસે
ધરતીનાં બીજ છે
એમાંથી માછલી, કાચબો, મગર, દેડકો,
સાપ, ઉંદર ને નોળિયો થયાં" (દેશ, પૃ. ૧૪)

"ભગવાન દરિયાના પેટાળમાં સૂઈ ગયો
એ પછી ધરતીના પટ પર
ફટોફટ ઝાડવા પેદા થવા લાગ્યાં
નાગની વચલી ફેણમાંથી
આ ઝાડવા થયેલાં છે
એટલી ખબર રાખજો તમે
ભેરવા ને મનખા
ધરતીનાં રોમ છે ઝાડ
અને મનખાંના રોગનું ઓસડ અથી.
એ ટપોટપ જવાનાં." (દેશ, પૃ. ૧૫)

આ ધરતીના અને જીવોના ઉદભવની કથા અનેકાનેક કથાઓ લોકોલોકે જુદી જુદી છે. કવિ વિચરતી જાતિઓમાં ભટકીને એ કથાઓના ઈતિહાસો લખે છે. એમાંથી મળેલું આ બીજ. જેમાં પ્રકૃતિ મહાન છે. પેલો સર્જક પણ સૂતો છે. મનુષ્ય મહાન નથી અને એનો નાશ નક્કી છે. પ્રાકૃતિક તત્ત્વોને એ ખાઈ જશે તો તત્ત્વો એમને ખાઈ જશે. આ કવિએ સાચું જ ભાખ્યું છે,
"મારી બોલી કાદવિયા
પાણી માટીની ગોઠવણ
તુ કોરેકોરો
ગમે કાદવ તો આવજ
ે સોનાં ખાઈને આવજે" (દેશ, પૃ. ૧૭)

ધરતીની ભોંયની સાથે રહેનારા મનુષ્યના શબ્દોમાં-શ્વાસમાં જમીન હોય, માટીની મહેક હોય, એને મહેલાતો ના ગમે, મહેલાતો વાળાને આ ગમે. અને એટલે તળમાં જવું પડે.
"ઘર ખેતર વગડે શેલિયાના સાથમાં
ભલે વધે ભૂખ ને તરસ
અહીંથી જાઉં ત્યારે શાહી સાથે આવશે" (દેશ, પૃ. ૨૦)

આ કવિતામાં ગોંડી છૂંદણાની પરંપરા છે. જેમાં એ વંશના લોકોના એ છૂંદણા હોય જ એ એક પરંપરા છે, એ એક ઓળખ છે માનો કે એ જ આઇડેન્ટિ કાર્ડ, એ જ આધારકાર્ડ, રેશનકાર્ડ જે જન્મથી અને સ્વર્ગમાંયે એક ઓળખ બને. આવી પરંપરાનું પ્રતિક છૂંદણા કવિતા છે.
"મારે તો આ બે ટાંટિયાની ગાડી સે
વાટેય હેંડે ને ના વાટેયે હેંડે" (દેશ, પૃ. ૨૧)

"આટલો મોટો તો દીવો સૅ ઉપર
ઊં તો આ હેંડ્યો એના અજવાળે
કહીને એણે ઊભો ડુંગરઓ
માપવા માંડ્યો." (દેશ, પૃ. ૨૧)

કવિતામાં પોતાના બાવડાના બળે આગળ વધતા, જીવતા ને ઝઝૂમતા લોકોનો સંઘર્ષ નિરૂપણ પામ્યો છે.
"તારી બોલી બોલ
તું માંસી, માંસી ઈમ કેમનો બોલે?
તું મારું બોલવા મડ્યો ઈમ?
તમું ઊજળાં લૂગડાંળાં મનેખ
અમું ભીલને હું હમજાં?
અમણાં સૂટી જ્યો ને
તો નાહતે નીં આવડે." (દેશ, પૃ. ૨૨)

આ કવિતામાં બોલીની મઝા છે. ભીલની અલગ બોલીને એની ચાલે ચાલનારા નગરવાસીથી ભડકે છે ને વિદ્રોહ કરી બેસે છે. વિદ્રોહ પણ બોલીમાં નિરૂપણ પામ્યાની મઝા છે.

'બાવો જીભ માંગે' કવિતામાં જે નદિમાં આનંદ આનંદ હતો, જેને સહારે જીવતા બધુ મળતું એ નદિને બંધાયેલો બંધ સૂકાયેલી નદી ને એમાં ભૂખ ભાગવા કરેલી મજૂરીની મઝા છે.
"લવારાના ભાગનું
દૂધ મારાથી પિવાય?" (દેશ, પૃ. ૨૭)

ભૂખના માર્યા જીવ ઝુંટવીને ખાય પણ જંગલમાં જીવતો માણસ આજેય આ પાળે છે. તે પ્રકૃતિનું, પ્રાણીનું, પંખી-પશુનું કશું વધારાનું લઈ લેતો નથી. આપે છે.
"વાટે આવે છે
એક નાની-શી આંબલી
એના કાતરા ખાજો રે
એને વાઢશો નહિ...

મારા રસબસ ડુંગરા
એમાં ઠરજો રે
એને દોહશો નહિ" (દેશ, પૃ. ૨૯)

આ રીતે પ્રકૃતિને જે આપે છે એ નિરાંત, એ આનંદ, એ ફળ લેવાની વાત છે, પણ એનો નાશ કરવાની કથક ના પાડે છે.
"બોડા ડુંગરા, ખાલી નદીઓ ને જળાશયો
એક વાર જ રોપાય ને એક વાર જ ઊગે
એક વાર લણાય એવાં ધાન રોપ્યાં
ગંજાવર કારખાનાંમાં ભોંય ખોઈ બેઠાં" (દેશ, પૃ. ૩૩)

ખેડૂતના તાત કહેતા એની જમીનોમાં ઊભેલા રાક્ષસી કારખાના અને હવે કરવી પડતિ મજૂરી, સાંસ્કૃતિક બદલાવની કાળી કથા આ કવિતામાં મળે છે.

'કણબીનો મરસિયો' કવિતામાં પણ ધરતી છીનવાઈ ગયેલા ખેડૂતની વેદના છે. પહેલા ધોળા અને પછી કાલા અંગ્રેજો દ્વારા થયેલા શોષણનો આખો ઈતિહાસ આ કવિતામાં મળે છે.
'ભોંયની હાય' ગીત છે. ગીતનો સરસ લય છે.
"ખેતીમાં કાયમી ઉબાળા ઓ રાજવાળા
દનરાત હૈયે ઉકાળા...
ભોંયની હાય લેનારા ઓ રાજવાળા
તાતનિ હાય લેનારા" (દેશ, પૃ. ૪૧)

'આધાર' એક વ્યંગ્યાત્મક કવિતા છે. વડતળે ભેગા થયેલા લોકે રાજ ગૂંથ્યો છે. સિંહાસન આપ્યું છે. પછી રાજા કહે છે,
"આ હરિયાળી હું જ ભોગવું
આ નજરે ચઢે તે મારું
રાજના કોઠાર ભરો" (દેશ, પૃ. ૪૪)

અને આખરે રહેવા માટે રહેવાનો આધાર માંગે છે, ત્યારે જેને રાજા બનાવ્યો હતો તે પ્રજા કહે છે - અમે તારો આધાર નથી? તેથી જ 'તો તને કહું' કવિતામાં આ પ્રકૃતિ વચ્ચેના જીવ કહે છે કે,
"આકાશ પર વાયરા પર
વેર નાખે તો તને કહું:
તારી માનો ધાવેલો" (દેશ, પૃ. ૪૫)

આ વેદના ખેડૂતના તાતની પીડા આગળની કવિતાઓમાં પણ વિસ્તરે છે.
- જૂના બી અમારાં ખોયાં અમે
- ખાડા, ટેકરા વન મેદાન પર દોરડી મૂકી
રાજાએ વેરા નાખ્યા ભોંય પર, ધાન પર
- ચક્કર ભમ્મર ફરતો દડૂલો પીંખાઈ રહ્યો છે.
-વાયરે વીંઝાઈ રહ્યો છે.
-જળ ખોવાઈ રહ્યું છે.

એક સંસ્કૃતિ પર બીજી સંસ્કૃતિનું આક્રમણ થાય છે. એની નીચે પરંપરાઓ કચડાય છે. રહેણીકરણી કચડાય છે. માનવ રિબાય છે, પ્રકૃતિ છેદાય છે, એની આ કવિતાઓ છે.

'તમે ખાઈને બેઠા' માં મધ પ્રતીક છે, જે પરંપરા છે, એને કશું નથી મળતું નવો જમાનો ખાય છે, અને આખરે આવુ બને છે.
"ગાડીમાં પીલાઈ ગયાં
જીભ ખોવાઈ ગઈ
હોઠ સિવાઈ ગયાં." (દેશ, પૃ. ૫૨)

સામે વિદ્રોહ કરી શકાતો નથી એટલે કવિ પરંપરામાંથી એક ઉખાણું કવિતામાં મૂકે છે.
- કીડી કીડી તાર ઘરમાં ચોર પેઠો
લાકડી લઈને આવજે (દેશ, પૃ. ૫૩)

- ક્રિયાને દેશવટો છે
અત્યારે ક્રિયાપદ ચાલે છે. (દેશ, પૃ. ૫૪)

વર્તન નહિં માત્ર વાતની વાત છે, માત્ર ભાષા છે. પ્રવૃત્તિ નથી એવો વ્યંગ છે.
- મલક ખાવા ધાય છે
કીનારે માછલા કીડીને ખાય છે. (દેશ, પૃ. ૫૬)

પ્રકૃતિના નાના નાના પ્રતીકોમાંથી મોટૉ વાતો શોષણની શોષકની કવિએ વણી લીધી છે, પણ પ્રાકૃતિક તત્વો વચ્ચે રહેતા આ માનવનો વ્યવહાર તો જુઓ.
"ચકલાંને દાણા
કીડીને લોટ..
લટકતી ઠીબમાં પાણી...
જિવડાં, પાણી પીવો" (દેશ, પૃ. ૫૭)

'ઢેફાભાઈ અને દગડબે'ન' કવિતામાં ફિનિક્સ પંખીની જેમ ઊભી થતી ભૂખ જુઓ,
"રાખથી
ફરી બધુ જાગે છે
વારતા વળી મંડાય છે" (દેશ, પૃ. ૬૦)

અને આખરે એ માનવ પ્રકૃતિને ખોળે આશરો શોધે છે.
"એક આ પથરો બચ્યો છે
એ મારું ઢાંકણ
લાજનું રખવાળું" (દેશ, પૃ. ૭૨)

'અઘોરીની વાત' માં મનુષ્યનો રઝળપાટ છે અને આખરે એ પોતાને ખોરડે પહોંચે છે. કહે છે,
"મારે ધરતીમાં ઓગળવું છે
શ્રમ અને કુદરતનો ક્રમ મને બોલાવે."

'દેશ' કવિતાનો સૂર પણ આ ભૂમિમાં રહેલા દેશના સાંસ્કૃતિક મૂળીયાની વાત છે.
"શિખર ઊભું છે
ડુંગરના પાયે ને
ડુંગરામાં લાવા ઊકળે છે." (દેશ, પૃ. ૮૬)

આ રીતે આ કવિતાઓમાં અલગ આગવો દેશ છે, જેના મૂળીયા, જે પંખી, વૃક્ષ, હવા, કિડી, માછલી, ભૂમિ, ખેતર, હળ, હોકો, બળદ, ઘૂઘરા, ગાડાં, લોઢું, ઢેફુ, સૂરજ, ચંદર, ડુંગર વગેરે આવે છે. એનો આગવો અસબાબ રચાય છે. હરો ગાળવો, ડુંગર ચઢવા, નદિઓ ઓળંગવી, પવન લાગવો, રાત પાડવી, હાક પાડવી, કૂઊઊઊક રમવુ, ભણવુ, વાયરો વાવો, ધૂંધકાટ હોવો, બોલી બોલવી, વેલો વાઢવો, વાટ બોલવી, હાય લાગવી, પગદંડીએ પડવુ વગેરે ક્રિયારુપોમાં મનુષ્યનો ભાવ પ્રગટે છે. એ કચડાયેલા, પીંખાયેલા ભાવોની આ વાત છે. સંસ્કૃતિનો બદલાવ, કચડાટ કવિતાના શબ્દે શબ્દમાં પ્રગટે છે. બધું મળીને કવિતાનો આગવો દેહ રચે છે. ન જોયેલો એવો તળમૂળમાંથી પ્રગટતો ભાષાસમેતનો 'દેશ' કાનજી પટેલની કલમે પ્રગટે છે.

ડૉ. રાજેશ વણકર, મુ. રામપુરા જોડકા,તા. ગોધરા,જિ. પંચમહાલ પિન. ૩૮૯૩૪૦ મો. ૯૯૦૯૪૫૭૦૬૪ email- drrajeshvankar@gmail.com