ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના કવિઓની કાવ્યબાની
કવિતાક્ષેત્રે મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતીમાં ક્રમશઃ વિકાસ સધાયો. સુધારકયુગ અને પંડિતયુગીન પ્રતિભાઓએ નવા કામણ સાથે તેના વિષય અને સ્વરૂપને ન્યાય આપ્યો. ભાવ-ભાષા-અનુભૂતિનો રણકો જુદી જુદી રીતે સંભળાયો. એક લાંબા સમયપટ પર દૃષ્ટિ કરીએ તો હવે ૧૯ મી સદીનો અંત આવવાની સાથે અંગ્રેજોનું સામ્રાજ્ય સ્થિર થઇ ચૂકેલું. આ તબક્કે ભારતના વિચારક્ષેત્ર અને કાર્યક્ષેત્રમાં ગાંધીજીનું આગમન મહત્વનો બનાવ છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ બાદ ઇ.સ. ૧૯૧૫માં ગાંધીજી સ્વદેશ આવ્યા ત્યારથી માંડીને ૧૯૪૦ સુધીના તબક્કાને ગુજરાતીમાં ખાસ કરીને સાહિત્ય તેમજ વિધ-વિધ ક્ષેત્રમાં વ્યાપક પ્રભાવ ઊભો થયો. ગાંધીજીના પ્રભાવને કારણે તેઓ પોતાનું મોટાભાગનું કાર્ય ગુજરાતી ભાષામાં થયેલું છે તેને કારણે સાહિત્ય અને કવિતામાં પણ ભાષાની પકડ મજબૂત બને છે. "કોશિયો સમજી શકે તેવી સીધી-સાદી, સરળ ભાષા"ને સાહિત્યમાં સ્થાન મળ્યું અને લોકબોલીનો ઉદય થયો. કવિતાક્ષેત્રે પણ નવાં પરિમાણો ઊભા થવા લાગ્યા. દલિત, શોષિત, પીડિતની વ્યથાને ઉજાગર કરવાનું કામ ભાષા-સાહિત્ય-કવિતા દ્વારા જ થયું. પોતાના શબ્દો-બોલી-ભાષાને જુદા-જુદા લોકમિજાજથી અને કવિતાજન્ય ઉદ્દગારથી કાવ્યમાં પ્રયોજ્યા. પશ્ચિમી કવિતાની અસર પણ ઠીક-ઠીક ઝીલાણી. વર્ડઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન, કોલરિજ, ટેનિસન આદિના કૌતુકરાગી આંદોલનનો પ્રભાવ તથા કાવ્યભાવના પણ છંદ, કલ્પના, અલંકરણથી પરિશુદ્ધ બની.
ગાંધીયુગના કવિઓના કાવ્યસર્જન પર વિષય, નિરૂપણરીતિ, કાવ્યબાની, પ્રયોગશીલતા અને નવીનતાનાં દર્શન થાય છે. સામયિકો અને પાક્ષિકો, વર્તમાનપત્રો, સાહિત્યિક સંસ્થાઓનો ફાળો પણ તેમાં વિશેષ નોંધપાત્ર છે. આ યુગના મહત્વના કવિઓમાં ઉમાશંકર જોશી, સુંદરમ્, મેઘાણી, રા.વિ. પાઠક. સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઇ, હરિચન્દ્ર ભટ્ટ. મનસુખલાલ ઝવેરી, કૃષ્ણલાલ શ્રીધરાણીને ગણી શકાય. તેમની કવિતામાં પોતાની સિદ્ધિને અભિવ્યક્ત કરવા પોતપોતાની રીતોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. પણ આપણે જેને સીમાસ્તંભ ગણી શકીએ તેમાં ઉમાશંકરની કાવ્યપ્રતિભા નિત્ય નિરાળા અંદાજ સાથે રજૂ થાય છે.
ઉમાશંકર જોશી ઉત્તર ગુજરાતના તળગામમાંથી આવતા તેમની ભાષા અને લોકબોલીનો રણકો તેમજ પરંપરાનો વારસો કવિને અનવદ્ય રૂપોમાં વિહાર કરાવે છે. તેમની કવિતા અરવલ્લીની ગિરીમાળની દક્ષિણ તળેટીથી આવે છે. વહેળાઓ, નદીઓ, જંગલ, ડુંગરોની વનરાજીમાંથી શબ્દ પાંગરે છે.
"સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે"
આ વિરલ કાવ્યપંક્તિ ધ્યાનમંત્ર સાબિત થાય છે. ‘ઉરઝરણ’ જેવો શબ્દ કવિતાને રમણીય બનાવે છે. ઉમાશંકર કહે છે તેમ-
"ગર્ભમાં રહેલ બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે ?"
-આ પ્રશ્નમાં કવિ કવિતા સાથે કેટલા ઓતપ્રોત છે તે જોઇ શકાય છે. કેટલું સુંદર કલ્પનાસભર કલ્પન કવિની કાવ્યમુદ્રાની ચાડી ખાય છે. ગીત, છાંદસ, અછાંદસ, દીર્ઘકાવ્ય, ઊર્મિકવિતા, સૉનેટ, લઘુકાવ્યોના વિધવિધ પ્રકારોમાં તેમણે પ્રણય, પ્રકૃતિ. ચિંતન, લોકભાવનાને રજૂ કરતા કાવ્યો આપ્યા છે.
"નિશીથ હે ! નર્તક રુદ્રરમ્ય
સ્વરગંગનો સોહત હાર કંઠે "
ભાવકને પ્રભાવિત કરનાર નિશીથને સંબોધન અને તેનું વર્ણન કવિની ભાષાનો ઉત્તમ નમૂનો છે. નિશીથનાં નર્તકનું શબ્દદેહી વર્ણન ભાવનાસભર નિરૂપણ અને કલ્પનોની આભા કાવ્યને બળ પૂરુ પાડે છે. "વિશ્વશાંતિ"ની કવિતા જુઓઃ
"ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો !
શતાબ્દીઓના ચિર શાંત ઘુમ્મટો
ગજવતો ચેતનમંત્ર આવતો"
ગાંધી મહાત્મ્યનું ગાન, કાવ્યમાં પ્રજાઓની ક્રાંતિ-ઉત્ક્રાન્તિ, એના અવરોધો, યુગપુરુષ આગમન, સંઘર્ષ અને ઉરસ્નેહલીલાનું પ્રવર્તન કલ્પાયું છે. ‘દૂર’ દ્વારા નજર કરીને ‘ચેતન મંત્ર’ના આગમનની રાહ જોતા કવિની દૃષ્ટિનો પરિચય મળી રહે છે. તેમના-
"અમે સુતા ઝરણાને જગાડ્યુ ઉછીનું માગ્યુ
કે ગીત અમે ગોત્યુ ગોત્યુને ક્યાય ના જડ્યું"
‘ગીત’ ગોતવાની ક્રિયા અને કઇ કઇ જગ્યાએથી એમને એ ‘ગીત’ સાંપડ્યુ તેનું આલેખન ‘નકાર’માં કેવી સુંદર રીતે ઉપસવી આપે છે, પૂરાકલ્પનનો વિનિયોગ પણ કવિ ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ના કાવ્યોમાં કરે છે. ‘સપ્તપદી’ પણ વિશેષ અને વિશિષ્ઠ કવિતાનો સંગ્રહ છે. પ્રકૃતિનું ગાન તેઓ જુદા જુદા ભાવોના આવિર્ભાવથી કરે છે.
"ફાગણ ફૂલ્યો ફૂલડે, રાગે સુહાગી ફાગ
કંઠે આવી ઊછળે, હૃદયભર્યો જે રાગ"
-માં ફાગણ ઋતુનો મહિમા કરીને ફાગણ ફૂલ્યો ફૂલડે-‘ફાગ’ દ્વારા વર્ણસગાઇનું અનાયાસ આરોપણ કાવ્યની ચમત્કૃતિને વિશેષ તાકે છે. ‘ગિરિવરના મૌન શિખરો’ની વાત સહજ ઉદ્દગારમાં કવિ કરીને પર્વતને ખોલતા કલ્પવાનું કામણ અને તેની મૌનની વેદના-સંવેદનાને વાચા આપે છે. તેમનું એક મુક્તક જુઓઃ
" ત્રણ વાનાં મુજને મળ્યા, હેયુ, મસ્તક, હાથ
બહુ દઇ દીધા નાથ ! જા ચોથું નહી માગવું,"
-માં ત્રણ વસ્તુથી આત્મસંતોષ અને તેમાં બધુંજ આવી જાય છે. આમ ‘હાથ’, ‘નાથ’માં પ્રાસ‘મળ્યા, માંગવું’ નો પ્રાસ કવિત્વશક્તિનો પરિચય કરાવે છે.
ઉપરાંત કવિ પરંપરા સાથે જોડાઇને આધુનિકતાના પ્રવાહ, સાથે તેમની ઉત્તર રચનાઓ ખાસ કરીને ‘છિન્નભિન્ન છું’માં તેનો ઘોષ સંભળાય છે. ગાંધીયુગીન કવિની વેદનાને વાચા ફૂટે છે. તેમ તેમ કાવ્યનું ગૌરવ અને રમણીય પદાવલિ તેમજ અનુગાંધીયુગ અને સુરેશ જોશી સુધીમાં આવતા તેમની કવિતાની ભાષાની અંગ-ભંગિઓ જુદી જુદી રીતે અભિવ્યક્ત થાય છે.
ગાંધીયુગના અન્ય સમર્થ કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ એ કાવ્યની શરૂઆત ગાંધીપ્રભાવ તળે કરી. તેનો વિષય દીન-દલિતો પ્રત્યેની સહાનુકંપાને ગણાવી શકાય. ત્યારબાદ વાસ્તવદર્શી કાવ્યો અને સાથે સાથે પ્રણય, પ્રકૃતિ અને ચિન્તનાત્મક કાવ્યો પણ રહ્યાં છે. તેમની કાવ્યપ્રવૃત્તિ આધ્યાત્મની છે. શરૂઆતના કાવ્યોમાં અધ્યાત્મ વિકાસ જોઈ શકાય છે.
“એક અનંત ઉચાટે
વિચરું ભવભવને ઘાટે
ક્ષિતિજ કિનારે પાંખ પછાડ
ું
દિગન્તને ઉંબર ડગ માંડું
સૂર્ય તણી પરકમ્મા કોટિ
આદરું તુજ માટે..... વિચરું...”
-ની ચમત્કૃતિ પણ તેના ઉચાટે, ઘાટે, પછાડું, માંડુંનો અન્ત્યાનુપ્રાસ તેમજ ‘દિગન્તને ઉંબર ડગ માંડું’ ની કલ્પનાશીલતા સહજ સાધ્ય છે. તેમજ પ્રિયમિલનની ઉત્કટતા પ્રગટ કરતું ગીત જુઓ. કેવું નાવીન્ય ભાષાના માધ્યમથી પ્રગટાવે છે.
“મેરે પિયા મેં કુછ નહીં જાનું
મૈં તો ચુપચુપ ચાહ રહી
મેરે પિયા તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મૈં તો ચુપચુપ નાહ રહી”
-માં વ્રજ-ગુજરાતી મિશ્રિત પદાવલિ અને મધ્યકાલીન મીરાંનો ભાવ ઉજાગર થાય છે. ‘ચુપચુપ ચાહ રહી’ અને ચુપચુપ નાહ રહીનો પ્રાસ અને ‘ચુપચુપ’ની ચુપકીદી ધ્યાનાર્હ છે. ‘જિમ’ ‘મેહા’ ‘સાવન’ વગેરે શબ્દો કાવ્યકળાના દ્યોતક બને છે. પ્રભુપ્રીતિની ઉત્કટતા તેમની અન્ય કવિતામાં જુઓઃ
“એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી !
વસંતની ફુલમાળા પ્હેરી
કોકિલની લઈ બંસી
પરાગની પાવડીએ આવી
કોણ ગયું ઉર પેસી ?”
-માં તીવ્ર અભીપ્સ ભક્તજનને પ્રભુ પોતાનો અણસાર આપે છે. ‘કોણ’ નો પ્રશ્ન સહજ છે. પણ કવિકર્મ, ‘વસંતની ફૂલમાળ’, ‘કોકિલની બંસી’ અને ‘પરાગની પાવડી’માં સિદ્ધ થાય છે.
‘મારી બંસીમાં બોલ બે વગાડી તું જા’ માં પ્રભુ પ્રત્યેનો ભક્તનો આર્તભાવ વ્યક્ત થાય છે. વ્યંજનાપૂર્ણ કાવ્યમાં ‘વછોડી’ જેવો તળ શબ્દપ્રયોગ અને ‘મનના માલિક’ જેવું સંબોધન ભક્તિપ્રિતીનો ભાવ વધુ ઘેરો બનાવે છે.
સુંદરમ્ ના કેટલાંક કાવ્યો શ્રીમાતાજી અને શ્રીઅરવિંદ વિષયક છે. તેમાં સમર્પણયુક્ત ભક્તિ અને એમાંથી જન્મતી અજાર-અનુભૂતિ ઉત્તમ રીતે મૂર્તિમંત થાય છે. તેમણે સૉનેટ, મુક્તક અને દીર્ઘ ચિંતનાત્મક કાવ્યો આપ્યા છે. ભાવની ગહનતા, અભિવ્યક્તિની સરળ ચારુતા, અભૂતપૂર્વ છંદપ્રભુત્વ, બાનીની અભિનવ છટાઓનું નિરૂપણ તેમની કવિતાને આસ્વાદ્ય બનાવે છે. તેમના શબ્દો ભૌતિક વિશ્વની ગંજાવરતા અને માનવીયતાની નિઃસીમતાનો ભાર સહજભાવે ઉઠાવી શકે છે. ગાંધીયુગીન ભાષાથી કસાયેલી ઘડાયેલી ભવ્યમુદ્રા તેમની કવિપ્રતિભાનો વિશેષ છે.
આ સમયગાળાના લોકકવિ જેને કહી શકીએ તે ઝવેરચંદ મેઘાણીનું પ્રદાન અનન્ય રહ્યું છે. સૌરાષ્ટ્રના તળગામડામાંથી ગુંજતો અવાજ કવિતા સ્વરૂપે મેઘાણીમાં પ્રાગટતો ભાવ અનુભવાય છે. સૌરાષ્ટ્રના પહાડી પ્રદેશની દોહા-સોરઠાની લયાન્વિનતા, કલાપીની ઊર્મિછલકાતી કવિતા, બંગાળી બાઉલ-ભજનો, રવીન્દ્ર કવિતાનો પરિચય અને લોકસાહિત્યના ઊંડા અભ્યાસથી તેમની કવિતાનો પિંડ ઘડાયો છે. ગાંધી ભાવનાનો રંગ, લોકગીતોનો લય-ભાવ, સરળ સુગમ પદાવલિ, બંગાળી, જાપાની, અંગ્રેજી કવિતાની છાપ મેઘાણીમાં ઝીલાઈ છે. ‘ચારણકન્યા’ જેવું કાવ્ય આજે પણ ગુજરાતના નેસમાંથી ઊભી થયેલી કન્યાની વીરતાનું શબ્દમઢ્યું આલેખન ગૂંજતું રહ્યું છે.
“ચૌદ વર્ષની ચારણ કન્યા
ચૂંદડિયાની ચારણકન્યા”
-માં કેવી છે ‘ચારણકન્યા’ તેનું વર્ણન કવિ ચિત્રાત્મક શૈલીથી કરી શકયા છે. તેમની કવિતામાં વિસ્મય, બોધ, વીરતા, કલ્પન, પ્રતિરૂપોની તાજગીસભર અભિવ્યક્તિ કવિતાને રમણીય બનાવે છે.
"નીંદરભરી રે ગુલાલેભરી
બે’ની બાની આંખડી નીંદરભરી"
નીંદરભરી આંખને ગુલાલભરી બતાવવાની એ બેનીબાની મુગ્ધતાનું આલેખન સુરમ્ય બને છે. તેમની કવિતામાં‘ શિવાજીનું હાલરડું’ જુઓઃ
“આભમાં ઊગેલ ચાંદલોને જીજીબાઈને આવ્યાં બાળ
બાલુડાને માત હીંચોળે,
ધણણણા ડુંગરા બોલે !
શિવાજીને નીંદરું નાવે,
માતા જીજીબાઈ ઝુલાવે.”
-કે પછી
“અષાઢી સાંજના અંબર ગાજે
અંબર ગાજે ને મેઘાડંબર ગાજે ”
તથા
“ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે-
ઓતરાદા વાયરા, ઊઠો !
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી
ઓતરાદા વાયરા, ઊઠો !
-માં આવતું વર્ણન પ્રકૃતિની મનોહર શોભા અને ગીતનો ઉપાડ તથા બાળક અને માતા વચ્ચેનો ઊર્મિ સંબંધ કેન્દ્રમાં રહ્યો છે. કેટલીક પંક્તિઓ ઈન્દ્રિયસંતર્પક બની રહે છે. લોકબોલીના શબ્દોને સહજ કવિતાઘાટ મળે. છે. ‘બાલુડા’, ‘નીંદર’, ‘કંદરા’, ‘સોડ’, ‘વાયરા’ વગેરેમાં ભાવનું આરોપણ અને ડુંગરાને બોલતા કરવા અને તેમાં ‘ધણણણ’ અવાજ સજીવારોપણને બળવત્તર બનાવે છે. કવિ કસુંબીના રંગને ઘૂંટીને અવનવા ભાવો ઉત્પન્ન કરે છે અને ‘કસુંબીનો રંગ’ જેવી સેન્દ્રિયતા અને કેફી લયથી ગીતનો ઉપાડ ગીતની સમૃદ્ધિ છે.
‘લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ’
‘ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ’માં કસુંબી રંગનું પાન કવિ કરાવે છે. ઉપરાંત કથાગીતો, ચારણી સાહિત્યની છાંટવાળી કવિતા, ગાંધીને ઉદ્દેશીને લખાયેલી કવિતા કે ‘તરુણોનું મનોરાજ્ય’ ‘ઘણ રે બોલે ને..’ ‘છેલ્લો કટોરો’ જેવી રચનાઓ તેમના કાવ્યભાવને વધુ દૃઢ અને તેજસ્વી બનાવે છે. લોકહૃદયમાં સ્થાન પામેલી મેઘાણીની કવિતાનો આરંભ અને અંત લોકહૃદય જ રહ્યું છે. શબ્દપસંદગીની લીલા અને લોકમિજાજની નાડ પારખીને કવિતાની અભિવ્યક્તિને ધારદાર બનાવવાનું કામ મેઘાણી કરી શક્યા છે.
ગાંધીયુગના આ જ અરસામાં ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની કવિતા પરંપરાગત અને પ્રયોગશીલ રહી છે. ગાંધીવિચારનો પ્રભાવ તો રહ્યો જ પણ પ્રકૃતિ, ન્હાનાલાલની કલ્પનાશીલ ભાષા તથા વાસ્તવનું ખેંચાણ અનુભવતી તેમની કવિતા સર્વકાલીન બની છે.
“છલ છલ છલકે તે તેજનો ભવ્ય સિન્ધુ,
ત્રિભુવન ભરી જાણે ખેલતા કોટિ ઈન્દુ
અગણિત રવિ જન્મી ઘૂમતા તેજ ફાળે,
ગ્રહ ઉપગ્રહ જાગી ઝૂલતા વિશ્વકાળે”
-ની કલ્પના કવિનો વિસ્તાર ચિંધે છે. સિન્ધુ-ઈન્દુનો પ્રાસ, ઉત્પ્રેક્ષા અલંકારથી દૃઢ પકડ અને ‘છલ છલ છલકે’માં છલકાવવાનો રવાનુકારી અને વર્ણસગાઈ ધ્યાન ખેંચે છે. ‘અગણિત રવિ’નું કલ્પન હૃદ્ય બને છે. તેમની પ્રાસ્તાદિકતા જુઓ:
"ઓઢી તારક-ચીર, શશી-ટીલી ભાલ,
કરે મેઘ મૃદંગ, ગળે દ્યુતિ-માળ,
શરદ સુહાસે જુઓ જગ ભરે!”
-ભાષાના આવિર્ભાવની કલ્પનાને ગતિશીલ બનાવે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સ્નેહરશ્મિની પૂર્વાર્ધની કવિતા વિશે કરેલું વિધાન જુઓ. “સ્નેહરશ્મિ સંવેદનોની કોમળતામાં અને વાસ્તવદર્શનમાં ઉમાશંકરની વધુ નજીક પણ એમનું વિષમતા-દર્શન સ્નેહરશ્મિમાં નથી, તેમ સુન્દરમનો ભાષાવૈભવ પણ નથી, પણ છેલ્લાં પચાસ વર્ષના કવિઓમાં એમનામાં યુગનો અસ્તિવાચક જીવ સ્પષ્ટ ઓળખાય છે. વસ્તુ સ્થિતિ અને ભાવના સત્ય તેઓ કદાપિ છોડતા નથી.” ગીત, સૉનેટ, હાઈકુ વગેરે કાવ્ય પ્રકારોમાં કવિની મુદ્રા ઉપસી છે.
"હું તો ડુંગર ચડું ને આભ ઉતરું રે,
એના પગલાં જડે નહીં કયાંય રે !"
-માં ડુંગર ચડીને આભ ઉતરવાની ક્રિયા તથા આગળ ગીતમાં વીણા વગાડું, દીવા કરુ, વીઝે ઝૂલું, અને છેલ્લે જુઓ
“હું તો ચાંદા સૂરજ ઊગું, આથમું રે,
એના ઉગમણા તેજ ના ભળાય રે !”
-માં કલ્પના અને ભાષાની સહજ ભીનાશ ઉજાગર થાય છે. ‘પળ સફરની’ સૉનેટમાં પણ તાજગી અને કવિતાનું નાવીન્ય દૃષ્ટિગોચર થાય છે.
"હવે આવી પહોંચી પળ સફરની, સાથ ન કશો,
હું જે કૈં પાસે વીસરી બધુ તે છોડી સઘળું
જવાનું કયાં તેયે સ્મરણપટમાં આંકી જરીના
બધા સંબંધોથી વિમુખ બનવું, સદ્ય પળવું ”
આ કવિનું દીર્ઘદર્શન જોઈ શકાય છે. છંદોબદ્ધ રચનામાં તેમની પકડ જોવા મળે છે. ઉપરાંત હાઈકુ જેવી જાપાની રચનાને ગુજરાતીમાં વિસ્તારવાનું સ્નેહરશ્મિ વિશેષતઃ કરી આપે છે. ખાસ કરીને તેમાં વૈયક્તિતા પ્રવેશે છે. પણ તેમાં શબ્દો-ભાવ-ભાષાની રંગત નીખરે છે. ગુજરાતી કવિતામાં હાઈકુના સ્વરૂપ વિઘાયક બનવાનું સ્નેહરશ્મિને ફાળે જાય છે.
"ફરતી પીંછી
અંધકારની : દીપ
નદી રંગાય"
-ક
ે
"નવવધૂએ
દીપ હોલવ્યો : રાત
રૂપની વેલ"
"સૂકેલી ડાળે
પોપટ બેઠો : પાન
ચોગમ લીલા"
-માં કવિની કલ્પના સૂઝ વિશેષ બળવત્તર બની છે. સૂકેલી ડાળે પોપટ અને લીલા પાનનું ઐક્ય રચાય છે તો દીપની સામે અંધકાર મૂકીને અને એક બાજુ દીપ હોલવ્યો અને રાત રૂપની વેલ થઈ આમ આવા કવિના કામણ, ભાવની મસ્તી જુદા જુદા સ્વરૂપો દ્વારા સ્નેહરશ્મિએ ઉજાગર કરી છે.
કવિ સુંદરજી બેટાઈ પ્રકૃતિએ ચિંતનશીલ છે. કવિતાનો મોટો ભાગ, સ્વસ્થ ચિંતન અને ગંભીર જીવનદર્શનથી સંપૃક્ત છે. તેઓ સંવાદ અને સમાધાનમાં આસ્થા ધરાવે છે. તેમની પાસેથી ખંડકાવ્યો અને દીર્ઘકાવ્યો ઉપરાંત સૉનેટ, ગીત અને મુક્તકો મળે છે. છંદોબદ્ધ રચના કરતાં ગીતમાં તેમની કલમ ખીલી છે.
“પાંજે વતનજી ગાલ્યું,
અનેરી પાંજે વતનજી ગાલ્યું
દુંદાળા દાદાજી જેવા એ ડુંગરા,
ઉજ્જડ છો દેખાવે ભૂંડાને ભૂખરા
બાળપણું ખૂંદી ત્યાં ગાળ્યું"
-માં ભાષાની પકડ, અલંકારોની તાજગી અને શબ્દોની નજાકતતા જોવા મળે છે. તેમની કવિતામાં સંસ્કૃત શબ્દો અને સમાસોનું પ્રાચુર્ય જોવા મળે છે.
હરિશ્ચન્દ્ર ભટ્ટ પણ ગાંધીયુગના મુખ્યત્વે ઊર્મિ કવિ છે. પ્રણય, પ્રકૃતિ અને ચિંતનમાં તેમની સર્જક ચેતના રમમાણ રહી છે. છતાં કવિ પાસેથી પ્રણય કાવ્યો વિશેષ મળે છે. મુક્તકો અને લઘુકાવ્યોમાં પણ પ્રણય સંવેદન સવિશેષ જોવા મળે છે. દીર્ઘકાવ્યોમાં નારીનાં અન્ય રૂપો આકાર પામે છે.
“નિર્દોશ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણી,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો ?”
-માં નવયૌવના, મુગ્ધ્યાના ભાવોની તાજગીની ગહન છાપ ઉપસે છે.
મનસુખલાલ ઝવેરી પ્રશિષ્ટ પરંપરાના કવિ છે. સુશ્લિષ્ટ પદ્યરચના અને સંસ્કૃત શૈલીનાં પ્રકૃતિ વર્ણનો એમની કવિતાની લાક્ષણિકતા છે. સૉનેટ, ગીત, મુક્તક અને દીર્ઘકાવ્યો તેમણે રચ્યા છે. તેમની કુરુક્ષેત્ર વિષયક રચનાઓમાં કવિની સર્ગશક્તિનો પરિચય થાય છે.
“આવો કૃષ્ણ ! મુરારિ! લો આ તજું શસ્ત્ર માહરા
મધુસુદન ! ચક્રેથી છેદીને શીર્ષ માહરુ
મારો વિજય સ્વીકારો, આટલું બસ પ્રાર્થુ હું ”
-નો લલિત અનુષ્ટુપ અને ભીષ્મનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ અને યૌદ્ધા તરીકેનું ગૌરવ પ્રગટ થાય છે. ‘અભિમન્યુનું મૃત્યુ’ કાવ્યમાં અભિમન્યુની વીરતાને વીરરસ પ્રધાન રીતે મૂકી આપે છે. તેમના મૃત્યુને કાવ્યના અંતે આ રીતે મૂકી આપે છે.
“સૂર્યમંડળ ભેદીને, વીરનો જયોતિ આત્મનો,
બ્રહ્મમાં ભળતાં, વિશ્વે શોકોદધિ ફળી વાળ્યો.”
પ્રણયકાવ્યોમાં પ્રિયતમા માટેનો ઝુરાપો, એની વિભિન્ન મનોદશાનું નિરૂપણ કરે છે.
"ગુલાબ લઉં ? ના, કપોલ તુજ રમ્ય એથી ઘણા !
મૃણાલ ? નહિ, એથી ઝાઝી સુકુમાર તારી ભુજા !”
-માં પ્રિયાનું સ્વાગત કેવી રીતે કરવું તેની મથામણ શબ્દો અને ભાવપ્રતીકો દ્વારા કરે છે. ‘શિખરુ ઊંચા’ ગીત જુઓઃ
“શિખરું ઊંચાને મારગ આકરા
નહિ કોઈ સાથ કે સંગાથ
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં”
-માં એકલતાને વ્યક્ત કરવાની રીત, આકરા ‘મારગ’નું આકરાપણું, ‘શિખરું’, જેવો ભાવાત્મક શબ્દપ્રયોગ ગીતને લલિત કોમળ બનાવે છે. સાથ-સંગાથ, કેડી-વાટના નકાર દ્વારા ‘તસુ તસુ’ની ગતિ-સ્થિતિનું નિરૂપણ કવિ કરે છે. કેટલાંક વ્યક્તિ ચિત્રો પણ કવિ પાસેથી મળે છે. તેમાં બોલચાલની લઢણ, રસાળતા, અનૌપચારિક શૈલીને કારણે નોંધપાત્ર રહ્યા છે. બૌદ્ધિક સજ્જતા, કલ્પનાશીલતા, છંદપ્રભુત્વ, સુરેખ વર્ણનો, શિષ્ટ સંસ્કૃત લહેકાવાળી કાવ્યબાની, સ્વસ્થતા અને વિચારશીલતા દ્વારા તેમની કવિતા આસ્વાધ્ય બની છે.
કૃષ્ણલાલ શ્રીધરાણી પર પણ ગાંધીપ્રભાવ વ્યાપક અને સઘનતાથી છવાયેલો રહ્યો છે. તેમણે પ્રસંગકાવ્યો, સૉનેટ, દીર્ઘકાવ્યો, વ્યક્તિચિત્રો, ગીત પ્રકારની રચનાઓ આપી છે. તેઓ આત્મા-પરમાત્માની લીલાનું નિરૂપણ કરવા શૃંગારની પરિભાષાનો પ્રયોગ કરે છે. તેમના ‘કોડિયા’નાં કાવ્યોમાં કાવ્ય કાવ્યએ કલ્પન જોવા મળે છે દૃશ્ય,શ્રાવ્ય, સ્પર્શ અને શ્વસનના કલ્પનોની સમૃદ્ધિ છે. પ્રકૃતિતત્ત્વોમાંથી તારક, સમુદ્ર, સમીર, પુષ્પ, ઝાકળ, કપોલ વિશેના કલ્પનો પ્રયોજે છે.
“પતંગિયુને ચંબેલી
એક થયાંને બની પરી”
તથા ‘પાપી’ કાવ્યનો ભાવ કવિની કવિ પ્રતિભાનું બળકટ ઉદાહરણ છે.
"કોટિ કોટિ નિહારિકા ઘૂમે,
કોટિ પ્રકાશના ગોળ,
કોટિ પ્રકાશના ગોળ
નવલખ તારલા લોકવાણીના,
સૂરજ રાતા ચોળ
એવું અંતરિખ તણાયું,
અનન્તનું ગેબ ચણાયું!"
-માં ‘કોટિ’ શબ્દનો પ્રયોગ, નિહારિકાનું દૃશ્યકલ્પન, ‘નવલખ તારલા’ ‘સૂરજ રાતા ચોળ’, ‘પ્રકાશના ગોળ’ સાથેનો પ્રાસ તથા તણાયું-ચણાયું’ નો અન્ત્યાનુપ્રાસ ગીતના લય-નાદને ઉજાગર કરે છે. આધુનિક ગુજરાતી કવિતામાં પદ્યમુક્તિનો પુરાવો ‘બારી અનંત પરે’માં તેમની મથામણ જોવા મળે છે.
“કાંચન જંઘાની જાંઘ ,રે
એક ગામડામાં એક ખોરડું છ
એ ખોરડામાં એક ઓરડો છે.
એક બારી ખરી એ ઓરડામાં,
સાંકડી બારીમાં દૃશ્ય મઢયું વિરાટ તણું”
વિરાટના દૃશ્યને બતાવવાની મથામણ અને ‘ડ’ના થડકારા અનુભવાતા અનુભવાતા વિરાટ દૃશ્યની છાયા કાંચનજાંઘાની શોભાને ઉપસાવી આવે છે. ગામડામાં ખોરડું, ખોરડામાં ઓરડો, ઓરડામાં બારી ખરી’ કહીને બારી બહારની નજાકતને ભાષાના માધ્યમથી અંદર લઈ આવે છે. ભાષાપ્રયોગ સંબંધે કવિનું વલણ અરૂઢ બને છે. સોરઠી બોલીના લયલહેકા, રંગને જાળવીને કયાંક અંગ્રેજી પદપ્રયોગ કરી લે છે. ‘આઠમું દિલ્હી’, ‘કાઠિયાવાડ’, ‘હાથરસનો હાથી’ વગેરે દીર્ઘકાવ્યોની એકતા સૂક્ષ્મ મર્મનર્મ દ્વારા સધાતી જાય છે.
ગાંધીયુગના ‘શેષ’ના કાવ્યો તરીકે અભિવ્યક્તિ અને ભાવનાને વ્યક્ત કરનાર રા.વિ.પાઠકની કવિતા સમૃદ્ધિમાં દીર્ઘકાવ્ય, ઊર્મિકવિતા, સૉનેટ, ખંડકાવ્ય, મુક્તક, ગીતો, ભજનો, ગરબા, સોરઠા જેવા અનેક કાવ્યપ્રકારો, અક્ષરમેળ, માત્રા મેળ અને મિશ્ર પ્રકારના પ્રયોગો તેમની પાસેથી મળે છે. ગુજરાતી પ્રકૃતિ કવિતાને સમૃદ્ધ કરી છે. એમના પ્રાર્થના કાવ્યોમાં નાદબ્રહ્મ અને જીવનદેવતાની જિંદાદિલી અને સત્વનિષ્ઠા જોવા મળે છે. ઉપરાંત આ યુગને કવિતાભાવનાથી પોષક બનાવનાર ખબરદાર અને બોટાદકરની કવિતાઓ પણ નવા ભાવ ઊભા કરી આપે છે. કવિતાની નજાકતતા અને રમણીય પદાવલિની સુરેખ ગતિમા વહેણ કાવ્યોએ આ યુગનું ઘરેણું છે. આમ ઉમાશંકર, સુંદરમ્, મેઘાણી અને પૂરોગામી કવિની પરપંરાને વધુ જીવંત અને ગતિ આપવાનું કાર્ય ગાંધીયુગીન કવિતા કરી આપે છે.
સંદર્ભગ્રંથઃ :
1. સમગ્ર કવિતા - ઉમાશંકર જોષી
2. કાવ્યમંગલા - સુંદરમ્
3. સ્નેહરશ્મિ - ધીરેન્દ્ર મહેતા
4. કૃષ્ણલાલ શ્રીધરાણી - રમણ સોની
5. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસઃ ગ્રંથઃ 5 ગુજરાતી સાહિત્ય પરિષદ