લઘુકથા
સૂરજમુખી
એ બહાર જતા ત્યારે મન કપાઈ જતું. એમની નોકરી જ એવી. એકાદ-બે દિવસ ઘરે એટલે કે સીટીમાં હોય ને અઠવાડિયું-દસ દિવસ બહાર- આઉટ ઓફ ડીસ્ટ્રીક હોય.
એ હોય તો ધરપત રહેતી. બાળકો, સાસુ, સસરા કોળી ઉઠતા. નિર્જીવ વસ્તુઓય એમના હાથને પામે ને હું અવકાશી પંખી બની રહેતી.
અમને હું બસ સ્ટેશન મુકવા જાઉં ત્યારે મન ઉપર હિમશીલાઓ જામવા માંડે. મન થાય કે રોકી લઉં અમને. જવા જ ના દઉં. મારી સાથે જ રાખું. ‘ટાટા’ કરતી વખતે તો હૈયું વંટોળમાં ફસાઈ પડતું.
મને ભાવનગર જોબ મળી છે. બાળકો, સાસુ, સસરા, અને અમને ત્યાં અમારા શહેરમાં છોડી દઈ અહી આવવું પડ્યું છે. હવે એ મને બસ સ્ટેન્ડ છોડવા માટે આવે છે ને ‘ટાટા’ કરે છે. હૈયું મંદ મંદ કાબુમાં રહે છે. મન થાય છે કે રોકી લઉં. જવા જ ના દઉં ને મારી સાથે જ રાખી લઉં.