મનખાભૂખ્યો માણસ
ઉતાવળમાં ઝડપથી પગલાં ભરતાં શાળામાં પગ મૂક્યો કે તરત સ્કૂલનો મુખ્ય દરવાજો જાણે ડોળા ફાડતો તાકી રહ્યો. લીમડા અને આસોપાલવના ખરી પડેલા પાન પણ ખડખડ ખખડતાં શાંત થઇ ગયાં. અગિયાર ને વીસ મિનિટ થઇ છે. પ્રાર્થના પૂરી થતા બાળકો કલાસરૂમ તરફ જવા લાગ્યાં. કેટલાક મારા તરફ તાકી રહ્યાં, જાણે તેની આંખોથી મને સ્કેન કરી રહ્યા હોય!
હું એ કારણે જ શર્ટની બાંય લાંબી રખાવું છું, છતાં હાથની આંગળીઓ પણ મારી ભીતર છુપાયેલા એ અદિ-માનવની ચાડી ખાવા તત્પર જ રહે છે. શું કરું? એમાંય આજ તો ઉતાવળમાં બૂટ પહેરવાનું પડતું મૂકી સેંડલ પહેરીને જ આવી ગયો- જયારે-જયારે આ રીતે ઉતાવળમાં સેંડલ પહેરીને આવ્યો છું, સૌથી વધારે શર્મનાક મેં મારી જાતને અનુભવી છે.
પેલા દૂર ઉભેલા ટીખળી છોકરાં તો ઠીક, આ અણસમજુ છોકરાં ય આજ તો એની નજરથી મને ખોતરી રહ્યા છે! પેલા શર્મ વિનાના તો જુઓ, જાણે આંખો મારી શર્ટની નીચે ખોસી દીધી હોય એમ જોઈ રહ્યા છે! પાસેના ત્રણેક છોકરાની નજર મારા સેન્ડલની ડિઝાઇનમાં વચ્ચે રહેલી ખુલ્લી જગ્યામાં પેસતી ને ઊંડી-ઊંડી ઉતરી જતી જોઈ શકું છું.
ઝડપથી પગ ઉપાડી સ્ટાફરૂમ સુધી પહોંચ્યો અને મારા ટેબલ પર ટિફિન મૂકી બેસી ગયો.
મારા સહાયક શિક્ષકમિત્રોના ટેબલ ખુલ્લા છે. મેં મારા ખર્ચે નવું ટેબલ મુકાવ્યું છે, જેમાં માત્ર મારા પગ અંદર રહે એ જગા ખુલ્લી છે, બાકી બધું પેક... રાખવું પડે.બીજું કરવું ય શું? જાતને છૂપાવવા મેં શું નથી કર્યું? કેટકેટલાં ડોક્ટરોને મળ્યો છું, વિદેશી ડોક્ટરોની ટ્રીટમેન્ટ પણ નિષ્ફળ નીવડી... કોઈ અસર જ દેખાઈ નથી. દેશી ઓસડિયાનાંય લેપ કરી જોયાં, પણ આ તો પેલું "પગલે પગલે પાવક જાગે" એવું થયું. જંગલને જેમ-જેમ કાપવાનો પ્રયત્ન કર્યો છે, તેમ-તેમ એ તો દસગણી ઝડપે વધતું જ રહ્યું છે. એક ઝાડ કાપો તો ત્રણ ઝાડ ઊગે...
મારા ખુદના ઘરમાં ય કેટલું સાવચેત રહેવું પડે છે! માત્ર ગંજી પહેરીને બેસવું હોય તો ભોં ભારે થઇ જાય! મારો ટુવાલ મારે જ જાટકીને સાફ કરવો પડે. મારો સાબુ ન્હાઈને બ્રશથી ઘસવો પડે! ક્યારે કોણ ટપકી પડે શું ખબર! મહેમાન આવે, ન્હાવા જાય ને અચાનક મારો સાબુ એનાં હાથમાં લાગી ગયો તો?...મોઢું ક્યાં સંતાડવું?
એક વાતે મને સંતોષ છે : માધવી સાથે આજે અઢી વર્ષનું દામ્પત્ય ભોગવ્યું છે, ઈશ્વરકૃપાથી તો નહીં કહું, મારી જ ચાલાકીથી માધવીને જાણ થવા દીધી નથી.બલકે શંકા તો એને પણ ગઈ જ છે, પણ મેં મારા ચાતુર્યથી એની એ વાતોને સરળતાથી શૂન્યવકાશમાં ફેંકી દીધાનો સંતોષ આનંદ આપે છે.
હા, માધવી ઘરમાં એકલી જ હોય છે.હું સાડાદસે નીકળું, સાંજે સાડાપાંચે ઘરે પહોંચું.અમારા પડોસી કામલાબેન એના પતિ નોકરીએ નીકળે પછી અમારે ત્યાં આવીને બેસે.એ જીવનાં બહુ સારા છે. માધવીને દરેક કામમાં મદદ કરાવે. તમારી સામે એ પણ સ્વીકારું શકું કે માધવી કમલાબેનને વાતોમાં ચગાવી ઘણા કામ કરાવી લે છે.પણ એનાથી એક વાર તો હું જ સંકટમાં આવી પડ્યો :
પાંચ વાગે ઘરે પહોંચ્યો એટલે માધવી સફાઈ પડતી મૂકી ચા બનાવવા કિચનમાં જતી રહી.જતી-જતી બાજુમાં બેઠેલા કમલાબેનને કહેતી ગઈ: લ્યો ને, જરાક સંજવારી લ્યો એટલામાં હું તમારી સારું ચા બનાવતી આવું.
કમલાબેન સફાઈ કરતા-કરતા મારા કમ્પ્યુટર તરફ વળ્યાં,જ્યાં બેઠા-બેઠા મેં રાતોની રાતોનાં અસંખ્ય તિમિરકાળનાં ઘૂંટડા ભર્યા છે! સંજવારી લેતાં સાવરણી સાથે કાળાશ બાઝવા લાગી! તે ધીમેથી બબડી ઉઠ્યાં, "આ ખૂણો તો કોઈ તાંત્રિકનો લાગે છે! જયારે જુઓ ત્યારે જટિયાં...."
મેં ઊભાં થઇને હસતાં-હસતાં તેના હાથમાંથી સાવરણી લેતા કહ્યું, "રહેવા દ્યો, મચ્છર માટેના કાગળ સળગાવીને હું ત્યાં જ મૂકું છું, એટલે..." હા...શ એવો ઊંડો નિશ્વાસ નીકળી આવે, જયારે કમલાબેનનું ધ્યાન ત્યાંથી ઉઠી બીજે સ્થિર થાય! અમારા સહચારની એ રાત્રીઓ... એ મૂક્ત મને મ્હાલવાની અદભૂત અવિસ્મરણીય ક્ષણો... રંગોભર્યા સ્પંદનો ઉઠેલા લગ્ન પહેલા તો, પણ લગ્ન પછી આ એક વાત, જેણે મારું લગ્નજીવન છિન્નભિન્ન કરી નાખ્યું. ખૂલીને સુઈ શક્યો નથી. મને તો આશ્ચર્ય થાય છે કે પૂર્ણ ઊંઘના બદલે તંદ્રામાં મેં આ બે વર્ષની સાતસો ને ત્રીસેક રાત્રીઓની સેકંડો કેમ વિતાવી?મહાયોદ્ધાને પણ ઝુકાવી દેનારા ઉન્માદનાં વંટોળમાં પણ મેં મુલાયમ ચાદરને વેગળી નથી કરી. અલબત્ત બધી ક્ષણોને માણી છે,પણ આડશ કરીને.ચાદરના ઓથાર હેઠળ મેં એ અંધકારને માણ્યો છે!
કેટલીકવાર માધવી કહી ઊઠતી,"કોઈ વહુઘેલા થાય, તમે ચાદરઘેલા બની ગયા છો!" હું શિયાળો હોય તો ઠંડીની, ગરમી હોય તો મચ્છરની ને કાં તો શાસ્ત્રોક્ત વાણી જેવી મારી જ ઘડી કાઢેલી દંતકથા સંભળાવી દેતો! એ મારી પીઠ પર હાથ ફેરવતી, તો હાથ ક્યાંક ફસાતાં તો ખરા, પણ ઉન્માદનો ઢોંગ રચીને હું ચાદરની ઓથાર લઈ લેતો!
બાળકોનાં આંટાફેરા બંધ થયાં. શિક્ષકમિત્રો સૌ-સૌના ક્લાસમાં જતાં રહ્યાં. હું એકલો બેઠો.દસેક મિનિટ પસાર થઇ.ક્લાસમાં જવાનું મન નહોતું છતાં હિમ્મત કરીને પગ ઉપાડ્યાં.ક્લાસમાં જેવો પગ પડ્યો કે તરત વિદ્યાર્થીઓ મારા તરફ ફરીને જોવા લાગ્યાં. કેટલાક વ્યવસ્થિત બેસી ગયાં તો કેટલાક મારી ગરદનની આસપાસ નજર ફેરવવા લાગ્યાં.
મારી નજર બ્લેકબોર્ડ તરફ ગઈ. ભૂંસાયેલા ચોકનાં આછા લસરકા પાછળ એક કાર્ટૂન શો માનવ આકાર અને તેના શરીર પર ફેરવાયેલા ચોકનાં લીસોટા મને સ્પષ્ટ દેખાઈ આવ્યાં. ચોકનાં સફેદ ધાબાને ભૂંસવા મેં ડસ્ટર ફેરવ્યું, પણ... માનસપટ પર તો એ ચિત્ર વધારે ઝળકી ઊઠ્યું. ઓહ ભગવાન!
બે છોકરા ચુપચાપ એકબીજાની સામે આંગળી અને અંગૂઠા વાળીને , રાક્ષસાકાર બનાવી હસવા લાગ્યાં. મેં સી...સ કરી ક્લાસની દોરી પકડી. હું હાજરી પૂરતાં મારી ફિકરમાં કેટલાક નંબર ભૂલી જાઉં. બાળકો હસીને મારા માનસિક સંતુલન વિષે બાજુનાને જણાવવા લાગ્યા...
આખી દુનિયા - મારી માધવીને બાદ કરતા મારી શત્રુ હોય એવાં અભાસમાં વર્ગખંડની દીવાલો પણ મારી હાંસી ઉડાડતી હોય એમ વિદ્યાર્થીઓએ પેન્સિલથી દોરેલા આછા કાળાશભર્યા ચિત્રો કહી ઉઠતાં હતા. બાળકો ઈશ્વરનું રૂપ કહેવાય છે, પણ જુઓ તો ખરાં, આ બધાં પણ મારાથી કંઇક સિદ્ધ કરવા મંડી પડ્યા છે. મને ખુલ્લો પાડવા મથી રહ્યા છે.
શિક્ષકમિત્રો પણ મારી ગેરહાજરીમાં મારા વિષય પર જ મનોરંજન માણતા. આ તે કેવા બુદ્ધિજીવી લોકો છે કે એક સહકર્મચારીને એની સમસ્યામાં મદદરૂપ થવાને બદલે મારી શારીરિક વિટમ્બણા પર લખલૂટ આનંદ ઉડાવે છે ! પણ એમાં એમનો ય શો દોષ...
દોષ તો ઈશ્વરનો છે...
પાંચ વાગ્યાનો લાંબો બેલ વાગે ને મારા પગલાં સળવળવાં માંદે. પ્રતિદિન હું બુટ, મોજાં, મારી કોલર, બાંય...બધું વ્યવસ્થિત તૈયાર કરીને એક હાથમાં બેગ અને બીજા હાથમાં માત્ર દેખાડા પૂરતો પરસેવો પોચવા હાથરૂમાલ રાખીને નીકળી પડું છું. શેરીઓ શિકારી વરુ માફક તાકી રહે, ક્યારેક મારા પર પડતી લોકની નજર જાણે કોઈએ મને બાણ વડે વીંધ્યો હોય એવો આભાસ કરાવે. કોઈ પરિચિત રસ્તે મળે તો "કામમાં છું, મળીએ પછી" કહીને નીકળી જવું પડે. અરે કોઈને ઘરે ચા પીવા આમંત્રણ આપવાનું કે સ્વીકારવાનું થાય ત્યારે સો વાર વિચાર કરવા પડે ! આજે તો ઘરે મહેમાન આવવાના છે એવું ખોટ્ટુ બહાનું બનાવીને જાતને સાચવતો નીકળી પડ્યો. સવા પાંચના સુમારે મારા પર સંશોધન કરનારા મારી પ્રતીક્ષા કરતા હોય છે ! આજ અઘરા ટોપિક માફક એમનાથી છટકી જવાનો સરસ કીમિયો મળ્યો છે !
ઘર આગળ પહોંચ્યો ને ઝડપથી ઘરમાં પેસી ઉંચા ચડેલ શ્વાસને પંપાળવા માંડયો. ઘરમાં ચોતરફ નજર ફેરવી
'અત્યારે... ક્યાં ગઈ હશે માધવી ? શાકભાજી લેવા... અથવા તો કમલાબેનને ત્યાં... આવશે. મારે શાંતિ ને...'
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આજના કડવા પ્રસંગને યાદ કરતાં હું તો ઠીક મારા અસ્તિત્વથી બહાર નીકળેલ વિષાદે આખા ઘરને ભરી દીધું. કંટાળાથી જીવાતી જિંદગીને આટોપી લેવાના અનેક વાર આવતા વિચારો આજે પણ ચકરાવા લાગ્યા. શું કરું આવી જિંદગી જીવીને...? કોના માટે જીવવું ?
...... માધવી....
એનું કોણ??? મારી જિંદગી આ એક જ નામ પર આવીને અટકે છે. હે ભગવાન શું કરું !
હમણાં હમણાં જ મેડ ઇન સ્વિત્ઝરલેન્ડની દવા મંગાવીને ઈલાજ શરૂ કરેલો. કેવું પરિણામ મળ્યું છે ! જરાક જોઉં તો ખરો.
મારા ઓરડાના બારણાને સહેજ હડસેલી બાંયના બટન ખોલ્યા.ધીરે ધીરે... શર્ટના બટન ખુલતા ગયા ને એક જંગલી રીંછ જેવું માનવ શરીર સામેના કાચ પર અસ્તિત્વ પામતું ગયું.
એક પછી એક... વસ્ત્રના પડદા ખુલતા ગયા અને મારા મનમાં અજંપો ઢગલે-ઢગલે ઠલવાતો ગયો. અનાવૃત શરીર અરીસા સામે આવતા હું જ સંદેહમાં ઢંકાઈ ગયો કે ચિમપાનજીમાં તો હું નથી ફેરવાતો ને ? મારાથી માનવવંશની પુનરગતિ તો શરુ નથી થઈ ને ? શું વાનરથી માનવ સુધી પહોંચેલી સભ્યતા મારા વાટે અટકી ગઈ કે શું ? હવે પાછી માનવથી વાનર સુધી જવાની પરમ્પરા તો નથી ઉદભવી ને ? અને ઉદભવી જ હોય તો પણ મારાથી કેમ ? શા માટે હું આદ્ય ?
"હે ઈશ્વરીય શક્તિ, તું કોઈ પણ હો, મેં કયો અપરાધ કર્યો કે તેં મને આવો જંગલી બનાવ્યો ? તારી આ તે કેવી લીલા ? હટ્ટ ભગવાન ! તારી જેવો મારો દુશમન કોણ હશે ?"
સામે પડેલી મૂર્તિ ઊંચી કરી હું બરાડ્યો, "તું જ ભગવાન...તું જ ! મારી જિંદગી ખેદાન-મેદાન કરનાર તું જ છે ! હવે જ્યાં હું ત્યાં તું નહિ અને જ્યાં તું ત્યાં હું નહિ. નહિ રહેવા દઉં તારું અસ્તિત્વ મારા આ મંદિરમાં ! ખરેખર તો તું રાક્ષસ છે !"
અને ઊંચકેલી મૂર્તિ જોરથી પછાડીને એક પછી એક ઈશ્વરના એંધાણ ઘરમાંથી નાબૂદ કરતો ગયો. ફરી અરીસા સામે ગયો. જોયું. સહેજ નીચે ઉતરેલો આવેશનો પારો ફરી ઉંચકાયો. હજુ એ રાક્ષસી દેહ...જંગલી શરીર... અરીસામાં ઉભું હતું. અરીસાની ફ્રેમ ખેંચીને હાથમાં લઈ જોરથી પછાડ્યો... આખું ય ઘર જાણે ચોર-લૂંટારાએ પીંખી નાખ્યું હોય એમ અવદશામાં સપડાયું હતું.
હું દીવાલોને તાકતો નિરાવૃત ઊભો હતો એવામાં પગરવ સંભળાયો. માધવી આવી હશે.. હું મારી સ્થિતિથી બિલકુલ અજાણ હતો.નહોતી ખબર કે શું બની ગયું ! હું પગરવ તરફ... દરવાજા તરફ ચાલ્યો. માધવીને ચાલી આવતી જોઈ... બાજુમાં ...!!!
" કોણ છે એ ?! "
માધવીના ખભે એક અજાણ્યા આગંતુક પુરુષનો હાથ... અને બંને વચ્ચેની વાતનો માધવીના મુખેથી નીકળેલો એક રણકો, "નથી જીવાતું હવે એ જટિયાળા સાથે.."
હું અવાચક ઊભો હતો...એકદમ દંગ... "મારી માધવી"એ બીજાને ખભે હાથ ખોસી ઊંચી નજર કરી કે ત્યાં જ મારી કેશવન શી માનવદેહની એક રાક્ષસાકાર પડછંદ આકૃતિ જોઈ અને ત્યાં જ ઢળી પડી ! આગંતુક મને જોઈ માધવીને સાંભળવાને બદલે દરવાજા તરફ દોડી પલાયન.... હું મારી માધવી તરફ તાકી રહ્યો...