Download this page in

વાર્તાકાર કિરીટ દૂધાતની વાર્તાઓમાં પ્રગટ વિષય-વૈવિધ્ય

કિરીટ દૂધાતનો જન્મ ૧-૧-૧૯૬૧માં અમરેલી જિલ્લાના મોટા આંકડિયામાં થયો હતો. તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું મોટા કલકોટ. (‘ગૂર્જર અદ્યતન નવલિકાચયન’.પૃ.૨૬૧)

વાર્તાકાર કિરીટ દૂધાતના બે વાર્તાસંગ્રહો (૧) ‘બાપાની પીંપર’ (૧૯૯૮) અને (૨) ‘આમ થાકી જવું’(૨૦૦૮) માં કુલ મળીને ૧૭ વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં પ્રગટ વિષય-વૈવિધ્ય અંગે જોવા-તપાસવાનો ઉપક્રમ છે.

‘બાપાની પીંપર’ (૧૯૯૮) લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ. આ સંગ્રહમાં કુલ અગિયાર વાર્તાઓ છે. જેમાંની મોટાભાગની વાર્તાઓ ગ્રામકેન્દ્રી છે જે તળપદ સમાજને લક્ષે છે. તેમ જ વાર્તાકારે અહીં અમરેલી પંથકના પરિવેશને ખપમાં લીધો છે. પ્રથમ સંગ્રહ હોય ગ્રામીણ જીવન, ગ્રામ્ય પરિવેશ, તળપદબાની વિશેષ ધ્યાનાકર્ષક બની રહે છે. સંગ્રહની ‘લીલ’ જેવી એકાદ વાર્તાને બાદ કરતાં ગ્રામ્યજીવન પ્રત્યેનો દેખીતો પક્ષપાત જોઈ શકાય છે.વાર્તાઓમાંથી સળંગ પસાર થતાં ‘બાપાની પીંપર’ વાર્તાસંગ્રહની ‘મૂંઝારો’ જેવી એકાદ વાર્તાને બાદ કરતાં વાર્તાઓમાં વાર્તાકથક તથા વાર્તાનાયકરૂપે કાળુનું પાત્ર છે

‘બાપાની પીંપર’ પછી કિરીટ દૂધાત પૂરા દશ વર્ષે ૨૦૦૮ માં બીજો વાર્તાસંગ્રહ ‘આમ થાકી જવું’ આપે છે. “આ સંગ્રહમાં કુલ છ વાર્તાઓ છે. રજનીકુમાર પંડ્યા, મોહમ્મદ માંકડ અને નાનાભાઈ જેબલિયાને સંગ્રહ અર્પણ કરીને ફરી એકવાર વાર્તાકારે પોતાનો વાર્તાઝોક સૂચિત કર્યો છે.” (શબ્દસૃષ્ટિ.પૃ.૭૨) જેમાં છ વાર્તાઓ પૈકીની ‘વીંટી’ અને ‘આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો’ માં ‘બાપાની પીંપર’ની વાર્તાઓનું, કથક કાળુના વિવિધ આયામોનું અને કાઠિયાવાડી પરિવેશનું અનુસંધાન જોવા મળે છે. અન્ય ચાર વાર્તાઓમાં નૂતન અભિગમ જોવા મળે છે. આ “બીજી ચાર વાર્તાઓમાંથી ત્રણ વાર્તાનું પ્રધાનપાત્ર સરકારી અધિકારીનું છે. ‘પ્રવાસ’, ‘ઉઝરડો’ અને તું આવજે ને ! આ ત્રણેય વાર્તાના પાત્રની મૂળભૂત સંવેદનશીલતા સમાન સ્તરની છે ! સરકારી અધિકારી વિશેની રૂઢ અને યાંત્રિક છાપોને ખોટી ઠેરવતાં પાત્રોની આંતરિક સજીવતામાં જીવનની પ્રાણમય ઊર્જા ધબકે છે’’. (શબ્દસૃષ્ટિ.પૃ.૭૨)

લગ્નેતર સંબંધના જાતીય સંવેગો અને જાતીય સંબંધો :

‘બાપાની પીંપર’, ‘ડચૂરો’, ‘લીલ’ (બાપાની પીંપર), ‘તું આવજે ને !’, ‘આમ થાકી જવું’ (આમ થાકી જવું) વગેરે વાર્તાઓમાં લગ્નેતર સંબંધના જાતીય સંવેગો અને જાતીય સંબંધોની વાત કરી છે.

‘બાપાની પીંપર’ વાર્તામાં નાગજીબાપા આધેડ ઉંમરે પોતાની ઉંમરથી અડધી ઉંમરથી પણ નાની વહુને પરણ્યા છે. નાગજીબાપાએ માંડેલા નવા ઘરસંસારમાં રસ લઈ રહેલા જેંતી અને પરભુ’દાની વાતોમાં પરભુ’દામાં જાગેલાં જાતીય સંવેગોના સંકેત મળે છે. પરભુદા’ પરણવાની ઉંમર વટાવી ચૂક્યો હોવા છતાં હજી એનું ક્યાંય ગોઠવાયું નથી. પરભુ’દાએ જેંતીને કહેલું – ‘ કાકીને જોવ છું ને રુદિયામાં કાંઈક કાંઈક થઈ જાય છે. નાગજીબાપા ય આ ઉંમરે આવી પદમણી જેવી બાઈ ક્યાંથી લાવ્યા હશે હેં ?’ (દૂધાત.પૃ.૨) અહીં આ પાત્રમાં રહેલી તીવ્ર કામુકવૃત્તિના દર્શન થાય છે.

‘ભાય’ વાર્તામાં કથાનાયક ભોળો ત્રણે ભાઈઓમાં નાનો હોવાં છતાં હંમેશા પિતાજીના હાથનો માર અને લગ્ન તેમ જ બાળકનો પિતા બન્યા પછી પણ પૂરા પરિવારનો ઠપકો અને ઓરમાયું વર્તન સહન કરતો આવ્યો છે. સસરા અને પુત્રવધૂના અવૈધ સંબંધના કેટલાક સંકેતો મળી રહે છે. “ભોળો દીકરાને રમાડે છે ત્યારે ‘ભાય’, ‘ભાય’ કહ્યા કરે છે. વિમળા એનાં હાથમાંથી દીકરો ઝુંટવી લે અને ટપુબાપા એને ઠપકારે: ‘દુકાને જા, મોટો ભાયવાળો ભાળ્યો નો હોય...’ ભોળા સાથે શરૂ થયેલા અજૂગતા વર્તનનો તાળો કાળુને જંતીની વાતમાંથી મળે છે. ભોળાના છોકરાનો અણસાર ટપુબાપાના મોં સાથે મળતો આવે છે તેવું રહસ્ય ખૂલે છે. વાર્તાનો અંત પ્રતીતિકર લાગે છે.” (‘અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ’.પૃ.૧૬૯)

‘ડચૂરો’ વાર્તામાં વાર્તાનાયક કાળુ અને પ્રભાભાભીના લગ્નેતર જાતીય સંવેગોની વાત કરી છે. જીવરાજભાઈને પરણીને આવેલા પ્રભાભાભીને જોતા પ્રથમ દૃષ્ટિએ કાળુ તેમના મોહક વ્યક્તિત્વથી આકર્ષિત થાય છે. અવાર-નવાર કાળુ પ્રભાભાભીના ઘેર આવે છે. “પછી તો ઘણું બનેલું. અને એ પછી ઘણું બનેલું” (દૂધાત.પૃ.૨૭) કાળુના આ સંવાદમાં તેના જાતીય સંવેગના દર્શન થાય છે. પ્રભાભાભી પણ નાવા બેસે છે ત્યારે ટકોર કરતાં કહે છે : “જો જો પાછા ઊભા નો થાતા, હું પાણીયારામાં નાવા બેસું છું.” (દૂધાત.પૃ.૨૮) અહીં કાકુવૈશિષ્ટયનો સારો પ્રયોગ કર્યો છે.

‘લીલ’ વાર્તામાં હ્રદયના વાલ્વની બીમારીથી પીડાતા “રુગ્ણ કાળુની કામના સતત વાર્તાનાયિકાના ઉપભોગ માટે તરસી હતી. તેના સંકેતો વાર્તાનાયિકા કાળુની આંખોના ભાવો દ્વારા અનુભવે છે. પોતાના લગ્નની કંકોતરી આપવા આવેલી વાર્તાનાયિકા કાળુની ઈચ્છાને વશ શરીર-સમાગમ કરે છે.” (પ્રત્યક્ષ.પૃ.૭) અહીં “નાયક કાળુને જેની સાથે દેહ-સંબંધ થઈ ગયો છે, ને પછી જેને બીજે પરણાવી છે તેવી નવોઢા દ્વારા કહેવાયેલી આ વાર્તાનો નજર સામે ચાલતો લીલ પરણાવવાનો વિધિ ને નજીકના ભૂતકાળનાં સંસ્મરણો સાંકળ રચે છે, કાળુનાં લીલ પરણાવવાની જરૂર નથી, ને વિધિ ચાલે છે !” (‘અદ્યતન ગૂર્જર નવલિકાચયન’. પૃ.૨૬૧)

‘મૂંઝારો’ વાર્તામાં કાકા પ્રૌઢાવસ્થાએ પહોંચવા છતાં અપરિણીત છે. કાકા મોટાભાઈની દુકાને બીડી વાળવા બેસતા. દુકાને આવતી કોળણ્ય અને કાકા વચ્ચે સંબંધ બંધાય છે. તો કાકાના મોટાભાઈ અને વજુભાઈના પત્ની સમરથભાભી વચ્ચે પણ અનૈતિક-લગ્નેતર સંબંધ હોવાના સંકેત મળે છે.

‘તું આવજે ને!’ વાર્તામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને તેમની ઑફિસમાં નોકરી કરતી સુમી ગામીતના સહજ સંબંધો ધીરે-ધીરે આગળ ધપે છે. “સાહેબ અને સુમી વચ્ચે ધીમે ધીમે આત્મીયતા વધે છે તે અંતે પ્રેમમાં પરિણમે છે. સુમી સાહેબના આંતરબાહ્ય જીવનમાં સૌંદર્ય પાથરતી રહે છે. તેના માદક હોઠથી સાહેબને તૃપ્તિની અનુભૂતિ કરાવે છે. પરંતુ સાહેબની બદલી થતાં બંને વચ્ચે વિચ્છેદ થાય છે.” (શબ્દસૃષ્ટિ.પૃ.૭૨) એ પૂર્વે કામાવેગને વશ સુમી છેવટે પોતાનું ચારિત્ર્ય પોતાનું સર્વસ્વ સાહેબને સમર્પિત કરી દે છે. અહીં લગ્નેતર સંબંધના જાતીય સંવેગો અને જાતીય સંબંધોનું આલેખન થયું છે.

‘આમ થાકી જવું’ વાર્તામાં વાર્તાનાયકનું માનસ સતત વિચારશીલ જણાય છે. તે સતત મૂંઝવણ-દ્વિધા અનુભવે છે. તે સતત પત્ની જયા અને પ્રેમિકા નેહા વચ્ચે અટવાયા કરે છે. તે જયાને ચાહી શકતો નથી અને નેહાને છોડી શકતો નથી. આ બે સ્ત્રી પાત્રો વચ્ચે વાર્તાકથક સતત ખેંચતાણ અનુભવે છે. અહીં વાર્તાકથકના નેહા સાથેના લગ્નેતર સંબંધોની વાત કરી છે.

પાત્રમાનસની સંકુલતા તથા આંતરછબિ :

‘ભાય’, ‘લીલ’, ‘બાયું’, ‘વી.એમ.’, ‘પાવય’, ‘મૂંઝારો’ (બાપાની પીંપર), ‘તું આવજે ને!’, ‘આમ થાકી જવું’ (આમ થાકી જવું) વગેરે વાર્તાઓમાં પાત્રમાનસની સંકુલતા તથા આંતરછબિનું દર્શન થાય છે.

‘ભાય’ વાર્તામાં નમાયા ભોળાની આંતરછબિ પ્રગટ થઈ છે. શહેરમાં ભણવા ગયેલો કાળુ લાંબા સમયે રજાઓમાં ગામડે પાછો આવે છે. ભોળો પોતાનું હ્રદય મિત્ર કાળુ સિવાય અન્ય કોઈ પાસે ખોલી શકતો નથી. લગ્ન અને એક છોકરાનો બાપ બન્યા પછી પણ પિતાજી અને બંને મોટા ભાઈઓનું ઓરમાયું વર્તન સહન કરતાં આવેલાં ભોળાના માનસની સંકુલતા અને નિ:સહાયતા આ શબ્દોમાં પ્રગટ થાય છે : ‘તું સમજ કાળુ, તું સમજ્ય, તારા જેવો ભણેલો માણસનો સમજે તો પછી થઈ ર્યું ને. ત્યાં ગાડી આવી ભોળાએ નિસાસો નાખીને કહ્યું, ઠીક તંય ભાય, બીજું શું ? (દૂધાત.પૃ.૨૫)

‘લીલ’ વાર્તામાં સ્મૃતિવ્યાપારની પદ્ધતિએ લગ્નપૂર્વે પ્રેમી કાળુ સાથે પ્રણયાનુભવથી જોડાયેલી વાર્તાનાયિકાના માનસની સંકુલતા પ્રગટ થઈ છે. પ્રણયસંબંધ પરિણયમાં પરિણમે એ પૂર્વે કરુણતા સર્જાય છે કે વાલ્વની બીમારીના કારણે એ સંબંધ થઈ શકતો નથી. કાળુની વાલ્વની બિમારીની ખબર પડતા વાર્તાનાયિકા રડે છે ત્યારે ભાભી કડવાશથી બોલ્યાં: ‘તમારાં કયાં રૂપિયો-નાળિયર આપી દીધેલાં તે રોવા બેઠાં છો ?’ (દૂધાત. પૃ.૩૭) અહીં નાયિકાના આંતરમનની છબિ પ્રગટ થાય છે. જે ભાવકહ્રદયને પણ કરુણાર્દ્ર બનાવે છે.

‘બાયું’માં મંજુની સગાઈ દિનેશ સાથે થયેલી. દિનેશને કોઈએ ઠસાવેલું કે મંજુને સાથળ પર કોઢ છે. આથી તે ખાતરી કરવા મંજુલાને દવાખાને મોકલવા કહે છે. દવાખાને જતાં રસ્તામાં મંજુએ રડતાં રડતાં જાદવમામાને કહ્યું: ‘ભાઈ, હજી ગાડું પાછું વાળી લે ને.’ (દૂધાત. પૃ.૪૯) અહીં મંજુલાના આંતરમનની સંકુલતાના દર્શન થાય છે. “મંજુની એકસરખી આનાકાની, એકસરખું રુદન, ચંચળમાનો આક્રોશ- આ સૂચવે છે કે દવાખાનામાં જરૂર કાંઈ અજૂગતું બન્યું છે. દવાખાનામાં શું બને છે એ અધ્યાહાર રહી શકે છે. ચંચળમાના પ્રચંડ આક્રોશમાં વિદ્રોહનાં બીજ વરતાય છે.’’ (‘ગુજરાતી વાર્તાસંચય-૨’.પૃ.૨૯) તેમ જ આ વાર્તામાં સ્ત્રી-સંવેદનાની સર્જકગત અનુભૂતિ સબળ આલેખન પામી છે. કોશા આચાર્ય નોંધે છે: “ ‘બાયું’માં પુરુષવર્ગ સામેનો સ્ત્રીઓનો વાંઝિયો વિરોધ ધારદાર અભિવ્યક્તિ પામ્યો છે.” (શબ્દસૃષ્ટિ.પૃ.૧૬૨)

‘વી.એમ.’ વાર્તામાં વાર્તાકથક કાળુના પ્રણયભગ્ન આર્તસ્વરને સંવેદનશીલ ભાવક સાંભળી શકે છે. સાથે નાયકની પ્રણય વૈફ્લ્યની એકલતાને અનુભવી શકે છે. તરુણાવસ્થાના ઉંબરે “ ‘વી.એમ.’ તરફ આકર્ષાયેલો કાળુ વી.એમ. તથા ફકીરાને સંભોગપૂર્વેની દશામાં જુએ છે એ તેને માટે આઘાતક ક્ષણ છે”. (પ્રત્યક્ષ.પૃ.૬) કાળુ પોતાના સાચા પ્રેમ સામે વી.એમ.ના પ્રેમની વરવી વાસ્તવિકતા નજરે જોયા પછી ભાંગી પડે છે. “‘વી.એમ.’ અને ફકીરો નાસી જાય છે પણ કાળુના મનમાં સૂનકાર વ્યાપી જાય છે. એનો પ્રેમ જ ભંગ નહોતો થયો, વી.એમ. પ્રત્યેનો એનો વિશ્વાસ પણ તૂટયો હતો. છેવટે તો એ હજી કિશોર છે. દાઢીમૂછ પણ ઊગ્યાં નથી. અત્યંત નિરાશાની ક્ષણોમાં એ પોતાની મૂળ ઊંમરે પહોંચી જાય છે.” (‘ગુજરાતી નવલિકાચયન’ ૧૯૯૪-૯૫.પૃ.૧૨) નિર્ભ્રાંત અવસ્થામાં કાળુ જે વિચારે છે તેમાં તેના માનસની સંકુલતા અને આંતરછબિ પ્રગટ થાય છે કે : “મોટાંબા આવે તો તેની સાથે જાઉં તેનો વાર્તામાં આવતો નિર્દેશ અપરિચિત વાસ્તવને સંવેદનાત્મક આધાર પૂરો પાડે છે. કથાનાયકના બાળમાનસને લાગેલો આઘાત ખાળવા માટે મોટાંબા સાથે જવાનું એનું વલણ કોઈનો સહારો-સધિયારો ઝંખી રહ્યો હોવાનું પ્રતીત થાય છે. મોટાંબાની રાહ જોવાનું આ આશ્વાસન નાનુસૂનું તો નથી જ.” (‘૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ’.પૃ.૧૪)

‘પાવય’ વાર્તામાં જન્મજાત શારીરિક ખામીને કારણે જ સમાજજીવનથી બહિષ્કૃત થતાં નિર્દોષ ‘ગોરધન પાવય’ અન્યાયનો ભોગ બને છે. આપણી અન્યાયી સમાજરચનાની ભીતર રહેલી વિસંગતિ એ છે કે અશક્ત પર જ સમાજ જુલ્મ કરતો આવ્યો છે. તેની હદપારી બાદ ભેંકાર પડેલી સુની કોઢ્યનું વાતાવરણ એની જીર્ણ જિંદગીનો સંકેત બને છે. તેમ જ તેની નિર્દોષ જિંદગીના ખાલીપાને અને પાત્રમાનસની એકલતા- સંકુલતાને ચીંધે છે.

‘મૂંઝારો’ વાર્તામાં પ્રૌઢાવસ્થા વટાવી ચૂકેલા અપરિણીત કાકાની નિ:સહાયતા-લાચારી આપણા હ્રદયને સ્પર્શે છે. અપરિણીત કાકાને પ્રૌઢ ઉંમરે ભત્રીજા હિંમતના આધારે જીવવું પડે છે. એટલે નિઃસહાયતા, નિરાધારપણાની વેદનાથી પીડાય છે. અપરિણીત હોવાથી હિંમત સિવાય રોટલા કોણ આપે ? પરંતુ ભત્રીજો હિંમત વાતે વાતે કાકાને ઉતારી પાડે છે. અહીં કાકાના આ શબ્દોમાં તેમની આંતરછબિ પ્રગટ થાય છે : ‘કૂતરાને હાડયહાડય કરે ઈ રીત્યે બે-ત્રણ વાર ધ્રુત્કારે નૈ ત્યાં સુધી હખ નો વળે.’ (દૂધાત.પૃ.૧૦૧)

‘તું આવજે ને!’ વાર્તામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબની ઑફિસમાં નોકરી કરતી નિખાલસ-ચંચળ સુમી અને સાહેબના સહજ સંબંધો પ્રણયમાં પરિણમે છે. “અચાનક બદલી થતાં નાયક-નાયિકાની આખરી પણ વાર્તાની કેન્દ્રવર્તી મુલાકાત-મિલનની ક્ષણોને લેખકે સૂઝપૂર્વક આલેખી છે. વિક્ષિપ્ત થયેલો નાયક જે બોલે છે અને સુમી જે વર્તે છે તેમાં બંનેની નિર્ભ્રાંત અવદશાનું ચિત્ર આબાદ ઝીલાયું છે.” (શબ્દસૃષ્ટિ.પૃ.૧૩૮) પ્રેમસાગરમાં ડૂબેલી સુમી પાસે સાહેબ પ્રેમની ખાતરી માગે છે. ત્યારે અવાજમાં ભારોભાર લાચારી સાથે સુમી જે બોલે છે તેમાં તેના મનની સંકુલતા આંતરછબિનું દર્શન થાય છે. : ‘ચાલ અત્યારે જ તને મારું શરીર સોંપી દઉં. પછી બહાર બડાશ મારતો ફરજે કે તેં મને આમ, આમ ને આમ ભોગવી છે. બેઠો છે કેમ ? ઊભો થા ને ખાતરી કરી લે !’ (દૂધાત.પૃ.૭૧) આ સંબંધ લગ્નમાં નહિ પરિણમવાની ખાતરી હોવા છતાં તેનો આ આવેગ પ્રણયસંબંધની નિષ્ફળતાને સૂચવે છે. અંતે સુમીની પીડા એકાકી જ રહી જાય છે.

‘આમ થાકી જવું’ વાર્તામાં પરિણીત કથાનાયક ઝૂલતા ઝૂલાની જેમ સતત પત્ની જયા અને પ્રેમિકા નેહા વચ્ચે ઝૂલતો રહે છે. ત્રિશંકુની વેદના અનુભવતો કથાનાયક નથી પત્ની જયાને છોડી શકતો કે નથી પ્રેમિકા નેહાને અપનાવી શકતો. અહીં પાત્રમાનસની સંકુલતાનું દર્શન થાય છે. તો બીજી બાજુ નેહા પણ એક પરિણીત પુરુષને પ્રેમ કરવાના કારણે આંસુ સારતી એકાકી જ રહી જાય છે. અહીં “વાર્તાકારે અસ્તિત્વને ત્રિશંકુ દશામાં મૂકનાર સંબંધને કારણે વેઠવા પડતા થાકનું જ નિરૂપણ કર્યું છે. એ થાક ઉકેલહીન પરિસ્થિતિનું પરિણામ છે.” (શબ્દસૃષ્ટિ.પૃ.૭૫)

પ્રણયસંબંધનું માધુર્ય :

‘ભાય’, ‘લીલ’, ‘વી.એમ.(બાપાની પીંપર)’, ‘તું આવજે ને!’, ‘વીંટી’ (આમ થાકી જવું) જેવી કિરીટ દૂધાતની વાર્તાઓમાં પ્રણયસંબંધનું માધુર્ય જોવા મળે છે.

‘ભાય’ વાર્તામાં વાર્તાકથક કાળુના મિત્ર ભોળાની સગાઇ થયા પછી વિમુભાભીના ‘લવલેટર’ માં તેમનો ભોળા પ્રત્યેનો પ્રણયાનુરાગ જોઈ શકાય છે. તો સામે પક્ષે ભોળો પણ વિમુભાભીને એવો જ પ્રેમભર્યો પત્ર લખે છે. અહીં વાર્તાકથકના મિત્ર ભોળા અને વિમળા વચ્ચેના પ્રણય માધુર્યનું દર્શન થાય છે.

‘લીલ’ વાર્તામાં નાયિકાને અગિયારમાં ધોરણમાં સહાધ્યાયી કાળુ સાથે પ્રેમસંબંધ બંધાય છે. એ પૂર્વે કાળુ તો તેનાથી આકર્ષિત થયેલો જ હોય છે. આથી તે જીદ કરીને, કથાનાયિકાની સોસાયટીમાં, એમની સામેનું મકાન લેવડાવે છે. આથી જ કાળુની બીમારીની ખબર પડતા પ્રેમસંબંધને કારણે કથાનાયિકાને રડવું આવે છે. તો કાળુ પણ થોડી તબિયત સારી થતા લે-વેચનો ધંધો શરૂ કરે છે અને પ્રથમ સોદાના નફામાંથી ઘણી ના પાડવા છતાં પરાણે કથાનાયિકાને ચોપડા અને નવનીતની ગાઈડો લઇ આપે છે. અહીં કિશોર-કિશોરીના પ્રણયસંબંધનું માધુર્ય જોવા મળે છે.

‘વી.એમ.’ વાર્તામાં વાર્તાકથક કાળુ મામાના ગામમાં ભણતો હતો ત્યારે કાળુને વી.એમ. માટે કૂણી લાગણી હોય છે. શરૂ-શરૂમાં વી.એમ. પણ કાળુને પ્રણયનો એવો જ પ્રતિસાદ આપે છે. હજી આ સંબંધ વિશે કાચી સમજ ધરાવતાં બંને પાત્રો એક-બીજાથી આકર્ષિત હોય છે. ‘વી.એમ.’ વાર્તામાં અધકચરી વયના આ બે પાત્રો વચ્ચેના આકર્ષણ સંબંધ વિશે સં.મણિલાલ પટેલ અને દક્ષેશ ઠાકર નોંધે છે કે : “વયસન્ધિ વટાવતાં કિશોર-કિશોરીના રતિભાવોની કથા છે. પ્રેમ કે રતિ બંને વિષે અધકચરી જાણકારી ધરાવતાંને હજી હમણા જ જન્મતી એવી વૃત્તિઓની ખેંચતાણમાં જાતીયતા માટે લોલુપ બનતાં કિશોરવયનાં છોકરા-છોકરીના રતિલક્ષી વ્યવહારોનું આલેખન ‘વી.એમ’ વાર્તામાં છે.” (‘રતિરાગની વાર્તાઓ’.પૃ.૧૭)

‘તું આવજે ને!’ વાર્તામાં વાર્તાકથક તાલુકા વિકાસ અધિકારી અને સુમી ગામીત વચ્ચે આરંભના મૈત્રીસંબંધો ધીરે-ધીરે પ્રણયમાં પરિવર્તિત થાય છે. આરંભે કોઈને કોઈ બહાને સુમી કથાનાયકને વારંવાર મળે છે. આથી બંને વચ્ચે સહજ આકર્ષણ જન્મે છે. પછી તો દર રવિવારે સુમી ઑફિસકામનુ બહાનું કરી સાહેબ સાથે ફરવા નીકળી જાય છે. અહીં સુમી અને સાહેબ વચ્ચેના પ્રણયમાધુર્યનું દર્શન થાય છે.

‘વીંટી’ વાર્તામાં વાર્તાકથક ભાણો ઉર્ફે કાળુના મામા રતિમામાનાં મંગેતર કૈલાસ મામી સાથેના પ્રણયાનુરાગનું આલેખન થયું છે. હૉસ્પિટલમાં આવેલા ભાણાને રતિમામા કૈલાસમામી સાથે પડાવેલો ફોટો બતાવતા કહે છે : “જો કોણ છે ? કૈલાસ ! તારી મામી”. (દૂધાત.પૃ.૮૯) અહીં રતિમામાના પ્રણયાનુરાગનું ચિત્ર મળે છે.

આર્થિક સંકડામણ અને પાત્રગત મન:સંચલનો :

‘એક બપોરે’, ‘દીકરો’, ‘ભૂત’ (બાપાની પીંપર), ‘આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો’ (આમ થાકી જવું)માં આર્થિક સંકડામણ અને પાત્રગત મન:સંચલનોનું આલેખન થયું છે.

‘એક બપોરે’ વાર્તામાં વાર્તાકથક કાળુ, જંતી અને લાલકો લખોટી માટે ઝઘડે છે. લખોટી જેવી સામાન્ય વસ્તુ ખરીદવાના પણ તેમની પાસે પૈસા નથી. બાળકથાનાયક કાળુને વેપારીએ બાપાનું ખેતર બતાવવા માટે બે રૂપિયા આપવાનું કહ્યું ત્યારે કાળુ આનંદમાં આવી જાય છે. ‘બે રૂપિયા ! બાપા તો ક્યારેય પાંચિયા-દસિયાથી વધારે પકડાવતા નહોતા.’ (દૂધાત.પૃ.૫૪) કાપડના પૈસા બાકી હોય આથી વેપારી જયારે વાઘજીબાપા પાસે પૈસાનું ઊઘરાણું કરવા આવે છે ત્યારે બાપા કરગરતા સ્વરે- ‘આ વરહે ઉઘરાણી ખાસ પતી નથી, ઘઉંના ભાવેય ખાસ જોરમાં નથી. એટલે હજી ચાર-પાંચ મૈના જાળવી જાવ તો હારું !’ (દૂધાત.પૃ.૫૬)

‘દીકરો’ વાર્તામાં મામાના ઘેર નવમા ધોરણમાં અભ્યાસ કરતાં કાળુને પટ્ટાવાળો લેંઘો પહેરવાની ચીડ છે. સવિતામાસી અને ગોદાવરીમાસી ચીડવે છે કે ‘એલા, પાછો આ પટ્ટાવાળો લેંઘો ચડાવ્યો ? પાછી ગોઠણે અને કૂલે બબ્બે બતીયું મૂકી છે.’ (દૂધાત.પૃ.૮૮)

‘ભૂત’ વાર્તામાં વાર્તાકથક કાળુના નરસીમામાની આર્થિક સ્થિતિ નબળી હોય ઉપરાંત વર્ષ પણ એક પછી એક સારા ન આવતા હોય આથી બેનની ખેતપેદાશ પર આધાર રાખવો પડતો હોય ત્યારે બનેવી ટેકો આપવાના બદલે હડધૂત કરે છે. આ “વાર્તા પ્રધાનપાત્ર નરસીમામાની મૂંગા મોંએ ઉપેક્ષા સહન કરી લેવાની વિવશતા પર કેન્દ્રિત છે. મજ્જાવાળું વ્યક્તિત્વ સગાઓના ટાઢાબોળ વ્યવહારો સંબંધની શૂન્યતા વર્ણવે છે.” (પ્રત્યક્ષ.પૃ.૮) અહીં મૂંગા મોંએ ઉપેક્ષા સહન કરતા નરસીમામાની વ્યથા-કથા રજૂ થઈ છે.

‘આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો’ વાર્તામાં વાર્તાકથક કાળુના મોટાંબાનાં પિયરિયાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં હ્રદયની ઉદારતાનું ચિત્ર આપ્યું છે. તેમનો જીવનનિર્વાહ ખેતીની આવકનો ચોથો ભાગ અને મથુરમામાની દીકરીના હીરા ઘસવાના કામથી ચાલે છે. “મૂલ્યોનો ઝડપથી થઈ રહેલો હ્રાસ, એ સાંપ્રત સમયની ચિંતનપ્રેરક સમસ્યા છે ત્યારે નૈતિક મૂલ્યોનું જતન કરતી પાંચ-પાંચ પેઢીની ગતિવિધિને કલાકીય અભિગમથી વાર્તામાં કંડારવાનો કિરીટ દૂધાતનો પ્રયત્ન પ્રશસ્ય છે. પૈસે ટકે દુ:ખી દેખાતી સંજય મથુર સવજી શામજી બચુની પેઢી આપખુમારીથી સુખી છે. એવું સંપાદિત કરવામાં કિરીટ દૂધાતને વધારે આયાસ કરવાની જરૂર પડી નથી.” (શબ્દસૃષ્ટિ.પૃ.૬૯)

ગણાતા સુશિક્ષિતોની ફરજના કામમાં અપ્રામાણિકતા :

‘પ્રવાસ’, ‘તું આવજે ને!’ જેવી વાર્તાઓમાં ગણાતા સુશિક્ષિતોની ફરજના કામમાં અપ્રામાણિકતાનું ચિત્ર આપ્યું છે.

‘પ્રવાસ’ વાર્તામાં વાર્તાકથક મામલતદારના પાત્ર દ્વારા હોદ્દાવાળી સરકારી નોકરીમાં નીતિમત્તા કોરાણે રહી જતી હોવાનું ચિત્ર આપ્યું છે. પોતાને કામ માટે મળવા આવેલા બહાર બેઠેલા અરજદારો વિષે સાહેબ પટાવાળાને કહે છે : ‘જુઓ, એમને કંઈક બહાનું કાઢીને નસાડી મૂકો.’ (દૂધાત.પૃ.૦૧) થોભળા ગામના ત્રણ કોળી પટેલો આવકના ખોટા દાખલા કઢાવી ગયેલા એ ગુનાની સજા રૂપે સાહેબ કહે છે : ‘બસ તો પછી, જ્યાં સુધી આવકના એ ખોટા દાખલા પરત ન આવે ત્યાં સુધી તાલુકામાં કોઈને પણ આવકનો દાખલો કાઢી આપવાનો નથી.’ (દૂધાત.પૃ.૩)

‘તું આવજે ને!’ વાર્તામાં તાલુકા વિકાસ અધિકારીની ઑફિસમાં નોકરી કરતા વસંતબેનના જણાવવા મુજબ- ‘આ વિસ્તારમાં કોઈ-કોઈ તાલુકા વિકાસ અધિકારી એવા આવે છે કે આંગણવાડીની કાર્યકરો અને મધ્યાહ્નભોજનની સંચાલિકાઓનો પરસેવો જ સૂંઘ્યા કરે.’ (દૂધાત.પૃ.૫૨)

સંદર્ભગ્રંથ ::
૧) દૂધાત,કિરીટ.ડિસેમ્બર ૧૯૯૮. ‘બાપાની પીંપર’, અમદાવાદ : નવભારત સાહિત્ય મંદિર.
૨) દૂધાત,કિરીટ.જૂન ૨૦૦૮. ‘આમ થાકી જવું’, અમદાવાદ : ઈમેજ પબ્લિકેશન.
૩) ચૌધરી,રઘુવીર. પાઠક,હરિકૃષ્ણ.સં.૧૯૯૮. “કર્તા-કૃતિ પરિચય”. ‘ગુર્જર અદ્યતન નવલિકાચયન’, અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૨૪૭-૨૬૨.
૪) પરમાર મોહન “આસ્વાદ નોંધ”. ‘અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ’,૧૬૯.
૫) પારેખ,જયંત.પચાલ,શિરીષ.સં. ૧૯૯૯. “ગુજરાતી ટૂંકી વાર્તા-ઉત્તરાર્ધ:” શિરીષ પંચાલ. ‘ગુજરાતી વાર્તાસંચય’ : ૨, મુંબઈ : ગુજરાતી વિભાગ, મુંબઈ યુનિવર્સિટી. ૮-૨૯.
૬) અંતાણી,વીનેશ.૧૯૯૮. “ ૧૯૯૪ અને ૧૯૯૫ની શ્રેષ્ઠ વાર્તાઓ”.’ગુજરાતી નવલિકાચયન’૧૯૯૪ -૧૯૯૫,અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ.૪-૩૦.
૭) પરમાર,મોહન.સં.ફેબ્રુઆરી ૧૯૯૫.“ટૂંકી વાર્તાની વિસ્તરતી દિશાઓ”. ‘૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ’,મુંબઈ : આર.આર.શેઠની કંપની.૭-૫૦.
૮) પટેલ,મણિલાલ.હ.ઠાકર,દક્ષેશ.સં.૧૯૯૯.“રતિ અને રાગનું સાયુજ્ય”. ‘રતિરાગની વાર્તાઓ’,અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન.૧૭-૧૮.

સામયિક : :
૧) ભોગાયતા, જયેશ. ઓગસ્ટ ૨૦૦૯. “ગુજરાતી ટૂંકી વાર્તાની ‘ઈમેજ’ શ્રેણી”. ‘શબ્દસૃષ્ટિ’,૬૭-૭૬.
૨) ભોગાયતા, જયેશ. ૨૦૦૦. “સંવેદનબધિર વિશ્વ તરફનો વ્યથાપૂર્ણ સૂર”. ‘પ્રત્યક્ષ’,૫-૯.
૩) આચાર્ય, કોશા. નવેમ્બર ૨૦૧૫. “અનુઆધુનિક દાર્શનિકતા ગુજરાતી ટૂંકીવાર્તાના સંદર્ભે”. ‘શબ્દસૃષ્ટિ’ , ૩૨(૧૨) : ૧૫૩-૧૬૫.
૪) મકવાણા, કેસર.ડિસેમ્બર૨૦૧૩.”ભ્રમનિરસનની પ્રેમકથા ‘તું આવજે ને !’ ”. ‘શબ્દસૃષ્ટિ’,૧૩૪-૧૩૮.

પ્રા.શર્મિલા કેહરભાઈ પરાલિયા, આસિ.અધ્યાપક, ગુજરાતી વિભાગ, કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ બોટાદ. તા-જિ: બોટાદ ઈ-મેઈલ : sharmilaparaliya1@gmail.com મો. ૯૯૭૯૧૬૪૯૦૨