‘દેવોની ઘાટી’ ભ્રમણવૃત્ત નિમિત્તે ડૉ. ભોળાભાઈ પટેલનું સ્મરણ
૧
ડૉ. ભોળાભાઈ પટેલ આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્યના એવા મહત્વના સર્જક છે કે એમના ઉલ્લેખ વિના ગુજરાતી નિબંધ, ભ્રમણવૃત્તની વિકાસ-યાત્રાની વાત થઈ જ ન શકે. ભોળાભાઈ પટેલે આધુનિક ગુજરાતી ગદ્યને માત્ર સમૃદ્ધ જ નથી કર્યું, પરન્તુ એ ક્ષેત્રે એમણે પોતાની વિશેષ ઓળખ પણ ઉભી કરી. ભાષા અને સાહિત્યના સંસ્કારોમાં તેઓ એક બાજુ ’ગુર્જર-ભારતી’ હતા તો બીજી બાજુ ’વિશ્વભારતી’. ગુજરાતી ભોળાભાઈની માતૃભાષા હતી અને તેઓ હિન્દીના પ્રોફેસર હતા. આધુનિક ગુજરાતી સાહિત્ય સંસ્કારની આ સ્વસ્થ અને સામાસિક પરંપરાને પોતાની લગન અને અભ્યાસ વડે અર્જિત કરી અને ઉપરાંત તેઓ બંગાળી, અસમિયા, ઉડિયા, મરાઠી જેવી આધુનિક ભારતીય ભાષાઓ શીખ્યા અને એટલું જ નહીં અનુવાદના માધ્યમથી ગુજરાતી ભાષાને પણ તેનો લાભ અપાવ્યો. સંસ્કૃત ભાષાના ભોળાભાઈ માત્ર જાણકાર નહોતા બલ્કે તેની ક્લાસિક કૃતિઓના તેઓ મોટા પ્રેમી હતા. તેમણે અંગ્રેજી સાથે પણ એમ.એ. કર્યું હતું અને અંગ્રેજીના માધ્યમે યૂરોપની ઘણી ભાષાઓની શ્રેષ્ઠ કૃતિઓના તેઓ મોટા ગજાના આસ્વાદક અને પ્રશંસક હતા. પોતાના સાહિત્ય સંસ્કારોમાં ગુર્જર-ભારતી અને વિશ્વભારતી હોવાના કારણે તેમનું સર્જક વ્યક્તિત્વ નખશિખ આ જ રંગોમાં રંગાયેલું હતું. પોતાના આ જ સાહિત્ય સંસ્કારોનું પાલન પોષણ કરતાં કરતાં ભોળાભાઈ પટેલ ઉચ્ચ કોટિના ગદ્ય સર્જક, અનુવાદક, સંપાદક, વિવેચક, તુલનાત્મક સાહિત્યના અભ્યાસી જેવી સાહિત્યકાર તરીકેની ઘણી ભૂમિકાઓનું સારી રીતે નિર્વાહ કરી શક્યા.
ડૉ. ભોળાભાઈ પટેલનું મોટા ભાગનું સાહિત્યિક કર્મ તેમની માતૃભાષા ગુજરાતીમાં છે અને તેનો એક ભાગ (સંશોધન સંબંધિત) હિન્દીમાં છે. સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા ગુજરાતના રાષ્ટ્રીય નેતાઓ, સાહિત્યકારો પાસેથી સહજ રીતે ભોળાભાઈને રાષ્ટ્રભાષા હિન્દી પ્રત્યે આસ્થા અને સેવાના સંસ્કાર મળ્યા હતા. માટે જ હિન્દી તેમના માટે માત્ર આજીવિકાની ભાષા ન હતી. તેમણે પ્રયત્ન કર્યો હોત તો તેઓ ગુજરાતી અને અંગ્રેજીના પણ અધ્યાપક બની શક્યા હોત, પરન્તુ રાષ્ટ્રભાષા પ્રેમ અને સેવાના સંસ્કારના કારણે તેમણે હિન્દીના અધ્યાપક બનવાનું પસંદ કર્યું અને આગળ જતાં તેમાં જ પીએચ. ડી.ની ઉપાધિ પણ મેળવી. તેમનો મહાશોધ નિબંધ ’અજ્ઞેય એક અધ્યયન’ પોતાના સમયનો એક નમૂના રૂપ મહાશોધ નિબંધ ગણાય છે અને તે આજે પણ અજ્ઞેય સાહિત્યના વિશેષ અભ્યાસીઓ માટે દીવાદાંડી રૂપ ગ્રંથ છે. કે. કે. બિરલા ફાઉન્ડેશન, દિલ્હી થકી તેમણે તુલનાત્મક સાહિત્ય ક્ષેત્રે હિન્દીમાં મહત્વપૂર્ણ સંશોધન કાર્ય કર્યું છે અને તે પુસ્તક રૂપે પ્રકાશિત પણ થયું છે. એ સંશોધન ગ્રંથનું નામ છે- ’ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’.
મેં અગાઉ કહ્યું તેમ ભોળાભાઈ પટેલનું વિપુલ સાહિત્યિક કાર્ય તેમની માતૃભાષા ગુજરાતીમાં છે. ગુજરાતીમાં તેમની વિશેષ ખ્યાતિ નિબંધ, ભ્રમણવૃત્ત (પ્રવાસ નિબંધ) અને અનુવાદ ક્ષેત્રે છે. ’વિદિશા’ (૧૯૮૦), ’કાંચનજંઘા’ (૧૯૮૫), ’બોલે ઝીણા મોર’ (૧૯૯૨), ’શાલ ભંજિકા’ (૧૯૯૨), ’ચૈતર ચમકે ચાંદની’ (૧૯૯૬), ’ચિત્રકૂટના ઘાટ પર’ (૨૦૦૧) વગેરે તેમના પ્રવાસ અનુભવો પર આધારિત નિબંધ સંગ્રહો છે. ’પૂર્વોત્તર’ (૧૯૮૧), ’રાધે તારા ડુંગરિયા પર’ (૧૯૮૭), ’દેવોની ઘાટી’ (૧૯૮૯), ’દેવાત્મા હિમાલય’ (૧૯૯૦), ’દૃશ્યાવલી’ (૨૦૦૦) વગેરે તેના ભ્રમણવૃત્ત સંગ્રહો છે. જો કે ભોળાભાઈ ગુજરાતીના મોટા ગજાના વિવેચક ન હતા પરન્તુ વિવેચન ક્ષેત્રે પણ એમની રૂચિ હતી. અધુના, કાલપુરુષ, સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, આધુનિકતા અને ગુજરાતી કવિતા જેવા તેમના વિવેચનના પુસ્તકો ગુજરાતી વિવેચનમાં તેમના હસ્તક્ષેપના પ્રમાણ છે. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ’પરબ’નું લગભગ ત્રણ દાયકા સુધી (૧૯૭૪-૨૦૦૧) કુશળ સંપાદન કર્યું અને સાહિત્ય અકાદમી, દિલ્હીના આગ્રહથી ’ભારતીય ટૂંકી વાર્તા’ના સંપાદનની જવાબદારી પણ નિભાવી.
ડૉ. ભોળાભાઈ પટેલને અનુવાદ કાર્ય બહુ પ્રિય હતું અને તેમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી હતી. હકીકતમાં ભોળાભાઈ પટેલ અનુવાદને ભારતીય ભાષાઓ અને સાહિત્યને જોડનારો સૌથી મજબૂત ભાવાત્મક સેતુ પણ માનતા હતા અને તેને ભારતીય ભાષાઓને પરસ્પર સમૃદ્ધ કરનારો સૌથી સારો અને કારગત હથિયાર પણ માનતા હતા. તેમણે પોતાના આ સદ સંસ્કાર પોતાના પ્રિય વિદ્યાર્થીઓ ડૉ. વીરેન્દ્રનારાયણસિંહ, ડૉ. મૃદુલા પારીક, ડૉ. બિન્દુ ભટ્ટ, ડૉ. રંજના અરગડેને પણ આપ્યા. ભોળાભાઈ પટેલે એક તરફ હિન્દીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કર્યો તો બીજી તરફ બંગાળી, અસમિયા ભાષાનાં મોટા રચનાકારોની કૃતિઓનો પણ ગુજરાતીમાં અનુવાદ કર્યો. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત સુમિત્રાનંદન પંતની કાવ્ય રચના ’ચિદમ્બરા’નો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો તો ગુજરાતીના પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીની કાવ્ય કૃતિ ’નિશીથ’નો અનુવાદ હિન્દીમાં કર્યો. રવીન્દ્રનાથ ટાગોર, સુનીલ ગંગોપાધ્યાય(બંગાળી), વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય (અસમિયા)ની નવલકથાઓ અને જીવનાનંદ દાસ (બંગાળી)ની કવિતાઓને અનુવાદના માધ્યમથી ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવી આપી.
ભોળાભાઈ પટેલ ઘણી બધી રાજ્ય સ્તરની, રાષ્ટ્રીય (સરકારી અને બિન સરકારી) સાહિત્યિક સંસ્થાઓ સાથે આજીવન જોડાયેલા પણ રહ્યા અને તેમની ગતિવિધિઓમાં ખૂબ ઉત્સાહપૂર્વક સહયોગ પણ આપતા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, સાહિત્ય અકાદમી, દિલ્હી, કે. કે. બિરલા ફાઉન્ડેશન, દિલ્હી જેવી સંસ્થાઓમાં તેમની મોટી સકારાત્મક ભૂમિકા રહી છે. એમની બહુવિધ સાહિત્યિક સક્રિયતાનું સન્માન આ સંસ્થાઓએ તેમના જીવનકાળમાં કર્યું પણ છે. વર્ષ ૧૯૮૯માં ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન, લખનૌએ સૌથી પહેલાં તેમને ’સૌહાર્દ પુરસ્કાર’થી નવાજ્યા હતા અને ૧૯૯૨માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ઉત્કૃષ્ટ સાહિત્યિક સર્જન માટે ભોળાભાઈ પટેલના ભ્રમણવૃત્ત ’દેવોની ઘાટી’ને અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો અને ડૉ. મૃદુલા પારીક દ્વારા તેનો ખૂબ જ સુન્દર હિન્દી અનુવાદ કરાવીને અકાદમી દ્વારા જ પ્રકાશિત પણ કર્યો. ગુજરાતી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે તેઓ વર્ષ ૧૯૯૫માં ’રણજિતરામ સુવર્ણચંદ્રક’થી વિભૂષિત થયા. વર્ષ ૧૯૯૮માં સાહિત્ય અકાદમી દિલ્હીએ વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યની નવલકથા ’ઈયારુ ઈયંગમ’ના ગુજરાતી અનુવાદને શ્રેષ્ઠ અનુવાદ તરીકેનો પુરસ્કાર અર્પણ કર્યો. વર્ષ ૨૦૦૮માં તેમની આજીવન સાહિત્ય સેવાને ધ્યાને લઈને ભારત સરકારે ભોળાભાઈ પટેલને ’પદ્મશ્રી’ પુરસ્કાથી સન્માનિત કર્યા. હવે ડૉ. ભોળાભાઈ પટેલ આપણી વચ્ચે નથી પરન્તુ તેમની બહુવિધ સાહિત્યિક સેવા અને વિપુલ સાહિત્ય સર્જન આપણી વચ્ચે એક સદેહ ધરોહર તરીકે છે અને ભવિષ્યમાં પણ પોતાના ખાસ મિજાજના કારણે ગુજરાતી-હિન્દી સાહિત્યમાં તેની મહત્તા બની રહેશે.
૨
ડૉ. ભોળાભાઈ પટેલના ભ્રમણવૃત્ત સર્જન પહેલાં ગુજરાતી યાત્રાવૃત્ત લેખનની ફળદ્રૂપ જમાન તૈયાર થઈ ચૂકી હતી. ભોળાભાઈ પોતે એનાથી વાકેફ હતા. તેમણે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ’ગુજરાતી ભાષામાં ભ્રમણવૃત્તની ખૂબ જ સમૃદ્ધ પરંપરા છે. ૧૯મી સદીમાં હજી ગદ્યની શરૂઆત હતી, ત્યારથી ભ્રમણવૃત્ત લેખનનો આરંભ થઈ ગયો હતો. તે સમયે દરિયો પાર કરવા પર પ્રતિબંધ હતો, પરન્તુ એની પરવા કર્યા વિના , સમાજથી બહાર મૂકાયા હોવા છતાં મહિપતરામ નિલકંઠે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો અને ’ઈંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન’ નામે ભ્રમણવૃત્ત ૧૮૬૨માં પ્રગટ કરાવ્યું. જો કે તેમનાં પહેલાં પણ પારસી સાહિત્યકારોએ ગુજરાતીમાં ભ્રમણવૃત્ત લખવાની શરૂઆત કરી દીધી હતી.....ત્યાર પછી સૌ વર્ષમાં ઘણા ભ્રમણવૃત્ત ગુજરાતીમાં લખાયા છે.’ (દેવોની ઘાટી – પ્રસ્તાવના-પૃષ્ઠ-૬) વીસમી સદીમાં કાકા કાલેલકરનાં ’હિમાલયનો પ્રવાસ’, ’લોકમાતા’, ઉમાશંકર જોશીનાં ’ઈશાન ભારત અને આંદમાનમાં ટહુક્યા મોર’, ’યૂરોપ યાત્રા’ જેવા ભ્રમણવૃત્તોએ ગુજરાતીમાં ધૂમ મચાવી હતી. ભોળાભાઈ પટેલના ભ્રમણવૃત્ત વીસમી સદીના ઉત્તરાર્દ્ધના ગુજરાતી ભ્રમણવૃત્ત લેખનની એવી અતૂટ કડી છે કે તેના વગર ગુજરાતી ભ્રમણવૃત્ત લેખનનો ઈતિહાસ અધૂરો રહી જાય છે. ભોળાભાઈ પટેલે ગુજરાતી ભ્રમણવૃત્ત પરંપરાને આગળ પણ વધારી છે તો પોતાના સર્જનાત્મક વ્યક્તિત્વ થકી તેના પર એક અમિટ છાપ પણ છોડી છે.
ભોળાભાઈ પટેલ પોતાના નિબંધો, નિબંધ સંગ્રહો, ભ્રમણવૃત્ત સંગ્રહોની પ્રસ્તાવના, નિવેદનો અને રૂબરૂ મુલાકાતોમાં એ વાતનો ખુલાસો કરે છે કે તેઓ કેમ વારંવાર ઘરથી બહાર યાત્રાઓ પર જાય છે. તેઓ પોતાના પ્રથમ નિબંધ સંગ્રહ ’વિદિશા’ (૧૯૮૦)ના એક નિબંધ ’તેષાં દિક્ષુ’માં લખે છે કે ’મારા ગામમાં નદીય નથી, ડુંગરેય નથી અને જંગલ પણ. એ અભાવ તો ખરો, પણ મારા એ ગામ વિશે કશુંય કાવ્યાત્માક પણ ના મળે. કશુંય અસાધારણત્વ નહીં. મારું ગામ એક સાધારણ ગામ છે’. (વિદિશા, પૃષ્ઠ-૧૮૦) સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા તૈયાર થયેલા લઘુવૃત્ત ચિત્ર માટે આપેલી રૂબરૂ મુલાકાતમાં પણ તેઓ પોતાના ગામની આ ઉણપનો સ્વીકાર કરે છે. એમના ગામથી બહાર અને એનાથી જુદી એક ખૂબ મોટી દુનિયા છે. એને નજીકથી જોવાની, જાણવાની અને અનુભવવાની વૃત્તિ ભોળાભાઈ પટેલને વારંવાર ઘરની બહાર જવા માટે ઉશ્કેરે છે, પોતાના ઘર-ગામ-શહેરથી બહાર ભારતના બીજા પ્રાન્તોમાં, ભારતથી બહાર વિદેશોમાં, ન જોયેલાને જોવાની અને અનુભવવાની પ્રબળ ઈચ્છા અને તડપ ભોળાભાઈની રખડપટ્ટીનું મૂળ કારણ છે. તેઓ રવીન્દ્રનાથ ટાગોરનો આધાર લઈને ’દેવોની ઘાટી’ની પ્રસ્તાવનામાં પોતાના આજીવન રમતારામનું રહસ્ય ખોલતાં કહે છે કે ’રવીન્દ્રનાથ કહે છે કે ન તો એકલા ઘરથી કામ ચાલે છે અને ન એકલા પથથી. દરેક માણસ થોડો ’ઘર’ હોય છે, થોડો ’પથ’ હોય છે. મારામાં કદાચ પથની માત્રા વધારે છે, જે મને વારંવાર ઘરથી પથ પર લાવી દે છે. ઘરમાં રહેતાં વારંવાર આ અનુભવ થતો રહે છે, ’હેથા નય, અન્ય કોથા, અન્ય કોથા, અન્ય કોન ખાને’. – અહીં નહીં, બીજે ક્યાંક, બીજે ક્યાંક. બીજે કોઈ ઠેકાણે. આ વિચારધારા મને પોતાના ગામ-ઘર, નગરથી દેશ દુનિયાના અનેક ગામો, નગરો સુધી લઈ ગઈ.’ (દેવોની ઘાટી- પ્રસ્તાવના-પૃષ્ઠ-૫) ભોળાભાઈ પટેલની સર્જનાત્મક પ્રતિભા વિવિધ સ્થળોના જુદા-જુદા પ્રવાસ અનુભવો અને વ્યાપક સાહિત્યિક સંસ્કારો થકી એક બાજુ એમની પાસે ભ્રમણવૃત્ત લખાવતી રહી તો બીજી બાજુ પ્રવાસ નિબંધોનું સર્જન પણ કરાવતી રહી.
ભોળાભાઈ પટેલના પ્રવાસોનું નિમિત્ત સામાન્ય રીતે કોઈ ને કોઈ એકેડેમિક કાર્ય બનતું રહ્યું છે, જેમ કે કોઈ સેમીનાર, કોઈ કાર્યશાળા કે કોઈ લેખક શિબિર. પરન્તુ તેઓ જેમ-તેમ આ કાર્યને પતાવીને ઉતાવળે ઘરનો રસ્તો લઈ લેનારા માણસ ન હતા. તેઓ આવા કાર્યો વચ્ચે પણ તક શોધી લેતા હતા અને આવા કાર્યો પૂરા કરીને પણ પ્રવાસો કરતા રહેતા હતા. ભોળાભાઈની ભ્રમણ લાલસા તેમને થોડા સમય માટે ઘર અને એકેડેમિક કાર્યોથી મુક્ત કરતી રહે છે. તેમની ચેતનાની આ મુક્તિ વ્યક્તિગતની સાથે ગહન સામાજિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને અન્તર્રાષ્ટ્રીય આશય ધરાવે છે. તેઓ લખે છે કે ’ઘરથી પથ પર આવતાં જ આપણી ચેતના ઉન્મુક્ત થઈ જાય છે. કેવાં કેવાં અને કેટલાં અનુભવ. અગણિત વ્યક્તિઓ સાથે પરિચય, કેટલાં નગર, નગ અને નદીઓથી સંવાદ. કેટલાં ઉગતાં પ્રભાતો, સુરમાઈ અને એકાકી સંધ્યાઓ સાથે પરિચય. ક્યારેક કુદરતી સૌન્દર્ય દર્શનનો પરમ આનંદ, ક્યારેક અસુવિધાઓ અને અનિશ્ચિતતાઓનો થાક- પરન્તુ માર્ગ પર ચાલતાં જ પ્રત્યેક ક્ષણે આપણે નવા થઈ જઈએ છીએ- એવું અનુભવાય છે અને એટલે કવિ ઉમાશંકર જોશીના શબ્દોમાં ભ્રમણ એક પ્રકારની અન્તર્યાત્રા પણ છે. અમુક કાલખંડમાં અમુક ભૂભાગમાં આપણું શરીર ફરીને આવી જાય તેનું નામ ભ્રમણ કે પ્રવાસ માત્ર નથી. એ વ્યક્તિ જીવનની, રાષ્ટ્ર જીવનની આંતરિક યાત્રા પણ છે. એ અર્થમાં પ્રવાસી પોતાના ઘરથી ભાગેલો ભાગેડું લાગતો હોવા છતાં પણ તેનો પ્રયત્ન પોતાના મુકામ પર પહોંચવાનો હોય છે.’ (દેવોના ઘાટી- પ્રસ્તાવના- ૫)
૩
’દેવોની ઘાટી’ ભોળાભાઈ પટેલનું પ્રસિદ્ધ ભ્રમણવૃત્ત છે. એમાં વર્ષ ૧૯૮૭ના ઉત્તરાર્દ્ધ એટલે કે જૂનથી નવેમ્બર વચ્ચે ભારતના ઉત્તર-દક્ષિણ રાજ્યોમાં કરવામાં આવેલા વિવિધ પ્રવાસોનું મનોરમ અને કલાત્મક આલેખન છે. ભોળાભાઈએ આ યાત્રાઓને ચાર ભાગોમાં વહેંચી છે. પહેલા બે ભાગ ’સિમલાની ડાયરી’, ’દેવોની ઘાટી’ – ઉત્તર ભારતની(હિમાચલપ્રદેશ અને ચંદીગઢ) ૨૧ જૂન ૧૯૮૭થી લઈને ૩ જુલાઈ ૧૯૮૭ના ગાળામાં કરેલી યાત્રાઓ વિશે છે. ઉત્તરાર્દ્ધના બે ભાગ ’કેરલપત્રમ’, ’કૂડલ સંગમદેવ’ ૨૪ ઓક્ટોબરથી નવેમ્બર ૧૯૮૭ વચ્ચે કરવામાં આવેલી દક્ષિણ ભારતની (કેરળ અને કર્ણાટક) યાત્રાઓ અંગે છે. ભોળાભાઈ પટેલે પોતાના ભ્રમણવૃત્તના પૂર્વાર્દ્ધ એટલે કે ઉત્તર ભારત વાળા ભાગને ’ડાયરી શૈલી’માં અને દક્ષિણ ભારત વાળા ભાગને ’પત્ર શૈલી’માં લખ્યો છે. ઉત્તર ભારત વાળા ભ્રમણવૃત્ત કરતાં દક્ષિણ ભારત વાળો ભ્રમણવૃત્ત આકારમાં ખૂબ મોટો છે અને તેનું રચનાત્મક ઔચિત્ય પણ છે. ઉત્તર ભારતની યાત્રા કરતાં દક્ષિણ ભારતની યાત્રા વખતે તેમની પાસે સમય વધારે હતો, એટલે ત્યાં ફરવા માટે સમય પણ વધારે હતો. ડાયરી શૈલીના ભ્રમણવૃત્તને ભોળાભાઈ પટેલે બરાબર સ્થળ, તારીખ અને વર્ષ સાથે ટાક્યું છે, પરન્તુ પત્ર શૈલી વાળા ભ્રમણવૃત્તમાં આરંભિક બે ભ્રમણવૃત્તોને બાદ કરતાં તેમણે સ્થળ, તારીખ લખવાનો આગ્રહ છોડી દીધો છે. પત્ર શૈલીના ભ્રમણવૃત્ત વધુ આત્મીય અને ઘરેલૂ છે અને આ યાત્રાઓ જ પત્રોની માળામાં પરોવાઈ છે. આરંભિક બે ભાગોમાં ડાયરી શૈલીની વૈયક્તિકતા પછીના બે ભાગોમાં પત્ર શૈલીનું રૂપ ધારણ કરીને પ્રિય અને પ્રિયતમા વચ્ચેના આત્મીય, અનૌપચારિક સંવાદમાં બદલાઈ જાય છે. ભોળાભાઈના પત્ર શૈલી વાળા ભ્રમણવૃત્તોથી વારંવાર પ્રતીતિ થાય છે કે પત્ર લેખનની મર્યાદા ભ્રમણવૃત્તની અભિવ્યક્તિને ઓછી મોકળાશ આપે છે. આ કારણે જ ભોળાભાઈએ પોતાના ઘણા પત્રોને પત્રની મર્યાદા ઓળંગીને ’ખતૂત’ બનાવી દીધા છે.
ભોળાભાઈ પટેલે ’સિમલાની ડાયરી’માં સમર હિલ, સ્કૈન્ડલ પૉઈન્ટ, સૂર્યોદય-સૂર્યાસ્ત, સ્નૈપ શૉટ્સ, કુફરી, વાઈલ્ડ ફ્લાવર હાઉસ, ત્યાંની રાધા વગેરેના અનુભવોનું વર્ણન કર્યું છે અને એમાં જ પોતાના સેમીનાર અને સહભાગી મિત્રોની બેઠકોનો અહેવાલ પણ આપ્યો છે. ’દેવોની ઘાટી’માં તેમણે સિમલા-મનાલી માર્ગ, વિપાશા, રોહતાંગ પાસ, કુલ્લૂઘાટી, ત્યાંના અધિષ્ઠાતા દેવતા અને અધિષ્ઠાત્રી દેવી હિડિંબા, નગ્ગર, ચંદીગઢ નગર નિર્માણ અને રોક ગાર્ડન વિશેના અનુભવોને શબ્દબદ્ધ કર્યા છે. ’કેરલપત્રમ’માં તેમણે બાર્ટન હિલ, વિવેકાનંદ રૉક, કન્યાકુમારી, પદ્મનાભ વિષ્ણુ, કેરળના ત્રિવેન્દ્રમ, કોવલમ, થુમ્બા, બેલી સાગર તટ, લગૂન, પેરિયાર નદી અને પેરિયાર સરોવર, કાલડી વગેરેની સાથે અનુવાદ કાર્યશાળાના અનુભવોને પત્ર શૈલીમાં ઢાળ્યા છે. ’કૂડલ સંગમદેવ’માં તેમણે ત્રિવેન્દ્રમથી બેંગ્લોર માર્ગ, કોચીન, કેરળની સંસ્કૃતિ, મૈસૂર નગર, ચામુન્ડેશ્વરી દેવી, આદિરંગમ, ચન્દ્રગિરિ-ગોમ્મટેશ્વર, કાવેરી, શ્રીરંગપટ્ટનમ, હેલેબીડ, વેલૂરના મંદિર, મદનિકાઓ અને હમ્પીના ખંડરોના અનુભવોને ભ્રમણવૃત્તનું રૂપ આપ્યું છે.
’દેવોની ઘાટી’ ભ્રમણવૃત્ત ભોળાભાઈ પટેલની સર્જનાત્મક પ્રતિભાની એક ઉત્કૃષ્ટ સાહિત્યિક ઉપલબ્ધિ છે. એમાં એમના સર્જક વ્યક્તિત્વના અનેક સંશ્લિષ્ટ રેશા અને રંગ છે. ક્યાંક એમાં આમ ભારતીય કિસાન સંસ્કારોના આંસુ છે, તો ક્યાંક એક ઉદાર આસ્તિક હિન્દુના સંસ્કારોની તાસીર. ક્યાંક એમાં એમની સ્વચ્છંદ કલ્પનાશીલ રોમેન્ટિક પ્રકૃતિની છાપ ઉપસે છે તો ક્યાંક એમની આધુનિક બૌદ્ધિક દૃષ્ટિ સક્રિય થઈ જાય છે. ક્યાંક એમાં એમની ભારતીય પ્રકૃતિ સૌન્દર્ય પ્રેમીની છબિ ઉપસે છે તો ક્યાંક ભારતીય સંસ્કૃતિ પ્રેમીની. ક્યાંક એમાં એમનો ભારતીય ભાષા અને સાહિત્ય પ્રેમીનો ચહેરો સામે આવે છે તો ક્યાંક ભારતીય લલિત કલા પ્રેમીનો. ક્યાંક તેઓ પોતાના યાત્રા અનુભવોને કથા રસ સાથે રજૂ કરે છે તો ક્યાંક વર્ણનાત્મક રૂપે. ક્યાંક તેઓ સૂચનાત્મક વિધિ અપનાવે છે તો ક્યાંક તુલનાત્મક વિધિ. ક્યાંક તેઓ પોતાના યાત્રા સ્થળોના વર્તમાન છેડેથી તેમના વૈદિક-પૌરાણિક-ઐતિહાસિક-ભૌગોલિક સૂત્ર શોધે છે અને ઉકેલે છે તો ક્યાંક વિનોદી અંદાજમાં એના પર આધુનિક બૌદ્ધિક તરીકે ટિપ્પણીઓ કરે છે, ક્યાંક એમનામાં અધ્યાપકીય ચેતના સક્રિય થઈ જાય છે તો ક્યાંક સાહિત્યિક બહુજ્ઞતા અને ભારતીય ભાષાબોધ. ’દેવોની ઘાટી’માં પાંડિત્યનો આતંક નથી, પણ સહજતા, રોચકતા અને પઠનીયતા છે. માહિતી અને જાણકારી પણ ઘણી છે પરન્તુ એનાથી વધુ સાહિત્યિકતા છે. નગરીય બોધ, અભિજાત રૂચિ કરતાં વધુ આરણ્યક સ્પર્શ, લોક સમ્પૃક્તિ અને સાધારણમાં અસાધારણનું દર્શન છે. માટે જ ’દેવોની ઘાટી’ માહિતી અને જાણકારી માટે લખાયેલું કોઈ નીરસ ભ્રમણવૃત્ત નથી બલ્કે એક ઉચ્ચ કોટિની સાહિત્યિક કૃતિ છે. અને તે સાહિત્ય પ્રેમી ભાવકો માટે છે, મોજ મસ્તી માટે ફરનારા પર્યટકો માટે નથી. ડાયરી અને પત્ર શૈલીમાં લખાયેલા આ ભ્રમણવૃત્તની અંગત સંપતિને ભોળાભાઈ પટેલ પોતાના ભાવકો માટે સાર્વજનિક કરે છે અને સાથે સાથે ઉત્તર-દક્ષિણ ભારતની બાહ્ય અને આંતરિક યાત્રા કરાવતાં તે ધરોહરના સંરક્ષણ અને પ્રેમનું દાયિત્વ પણ તેમને સોંપે છે. વાસ્તવમાં ’દેવોની ઘાટી’ ભારતના ઉત્તર-દક્ષિણના સામાન્ય રીતે મનોહર અને મધુર રૂપની ઝાંખી તો છે જ, પણ બાળ સુલભ આતુરતા, શ્રદ્ધા અને અહોભાવ સાથે ભારત અને ભારતમાતાની અર્ચના અને વંદના પણ છે.
ભોળાભાઈ પટેલ નિસર્ગ, પ્રકૃતિના અનન્ય પ્રેમી અને આરાધક છે. તેમના માટે પ્રકૃતિ સૌન્દર્યની ઉપલબ્ધિ પ્રકૃતિનો અનુગ્રહ છે. પ્રકૃતિ સૌન્દર્યની ઉપલબ્ધિમાં આધુનિક સભ્યતાની કોઈ પણ પ્રકારની દખલ કે ખલેલ એમને ગમતી નથી. તેઓ એવા સ્થળો પર પર્યટકોના નકામા ટોળાં અને ઘોંઘાટને પણ પસંદ નથી કરતા અને એમના દ્વારા ફેલાતી ગંદકીને પણ. તેઓ લગૂનના સ્થિર જળની શાંતિને ભંગ કરતી સ્ટીમરના ધડઘડ અવાજને પસંદ નથી કરતા. તેઓ સૌન્દર્ય દર્શનમાં અડચણ ઉભી કરનારી મારધાડ અને શોર બકોર વાળી વિડિયો ફિલ્મને પણ પસંદ નથી કરતા. સિમલાથી મનાલીની બસ યાત્રાના અનુભવના આધારે તેમની પ્રકૃતિ સંબંધિત દૃષ્ટિને સારી રીતે સમજી શકાય છે- ’પછી તો શરૂ થયો રમણીય પહાડી માર્ગ અને આસપાસનો બંધુર હરિયાળો વિસ્તાર. ત્યાં તો બસ કંડક્ટરે વિડિયો ફિલ્મ શરૂ કરી. મનમાં એટલો બધો ક્લેશ થયો, પણ ઘોંઘાટ સહન કરવો જ રહ્યો. આસપાસ કેટલી સમૃદ્ધ નિસર્ગશ્રી પસાર થાય છે, પણ બારી બહાર જોવાને બદલે સૌ પ્રવાસીઓ મારામારીની કોઈ ફિલ્મ જોવામાં વધારે રસ ધરાવતા લાગ્યા. વળી આ રોજબરોજનાં પેસેન્જરો નહોતાં..... પ્રકૃતિનો અનુગ્રહ પામ્યા વિના પ્રકૃતિને પણ પામી શકાતી નથી. પ્રકૃતિના વિવિધ રૂપોથી હિમાલય પ્રદેશ આંખોને ધન્ય કરી દેનારો છે, એવું મને તો લાગતું રહ્યું છે, પણ આ બસના પ્રવાસીઓ ધન્ય થવા નહોતા માંગતા.’ (’દેવોની ઘાટી’ –સિમલાની ડાયરી પૃષ્ઠ-૩૪)
પ્રકૃતિનો અનુગ્રહ અને સાનિધ્ય પામવા ભોળાભાઈ પોતાના ભણતરનો બોજ અને અધ્યાપકીય અંચળો ઉતારીને ક્યારેક બાળક તો ક્યારેક સામાન્ય માણસ બની જાય છે. ન જોયેલી પ્રકૃતિને જોવાની લાલસા અને ઉત્સુકતા એમનામાં બાળકો જેવી જ છે. પ્રકૃતિના સતત સાનિધ્યમાં રહેવા માટે મુસાફરી દરમ્યાન અને રહેવા માટેના રૂમમાં તેઓ બારી પાસેની જગ્યા પસંદ કરે છે. તેઓ સવારની પ્રકૃતિનો નજારો જોવા કોઈ જોશે તોની પરવા કર્યા વિના રૂમની બારીમાંથી કૂદીને અગાસી પર જઈ શકે છે. ચાલતાં ચાલતાં જાહેર નળ પરથી પાણી પીવામાં એમને સહેજ પણ સંકોચ નથી થતો. ત્યાં સુધી કે જાહેર નળ પર વાસણ ધોવાવાળી અજાણી સ્ત્રીના હાથે પાણી પીને આનંદિત થઈ ઉઠતાં ભોળાભાઈ એ સ્ત્રીના પ્રેમાળ વ્યવહારથી ગદગદિત પણ થઈ જાય છે. તેઓ ફળોની લારી પરથી ફળ ખરીદીને ફળ ખાતાં ખાતાં ચાલવામાં શરમાતાં નથી. આભિજાત્યને ડિક્કો દેખાડતાં તેઓ એક આંતર વસ્ત્ર પહેરીને વહેતી પેરિયારની ધારામાં ડૂબકી લગાવી શકે છે અને પહેરેલે કપડે ગયા હોય તો પણ ભરતીથી ઉછળતાં સાગરના મોજાં વચ્ચે અભય બનીને કૂદી શકે છે.
ભોળાભાઈ પટેલને ઉત્તર અને દક્ષિણના પર્વતો જેવા કે મનાલી, સમરહિલ, કૂલ્લૂ, રોહતાંગ પાસ, પશ્ચિમી ઘાટ, બાર્ટન હિલ, ચંદ્રગિરિ, કિષ્કિંધા વગેરે શિખરો, ઢોળાવો, ઉતાર-ચઢાવ, ત્યાંનો હરિયાળો પટ્ટો, બરફનો પટ્ટો, ઝાડપાન વગરના બોડા પહાડી પટ્ટા આ બધું જ ગમે છે. તેમનો રંગબોધ ગજબનો છે. તેઓ ઉત્તર ભારતની દેવદારૂ શ્યામલા, બંગાળની શસ્ય શ્યામલા અને કેરળની નારિયેળ શ્યામલા ધરતીનું સૂક્ષ્મ અંતર ઓળખે છે. તેમને ઉત્તર ભારતના પર્વતો તોડીને ફૂંફાડા મારતી તીવ્રગામી ઘૂઘવાટા કરતી વિપાશા, શતલજ, ચંન્દ્રભાગા ગમે તો છે જ અને દક્ષિણ ભારતના પશ્ચિમી ઘાટથી નીકળતી કાવેરી, પેરિયાર, તુંગભદ્રા, એમના ટાપુ અને સરોવરો વગેરે પણ એટલા જ ગમે છે. ભારત એમની દૃષ્ટિએ નદીપૂજક દેશ છે અને ભારતની નદીઓ લોકમાતાઓ છે. કાવેરીના સંદર્ભે તેઓ કહે છે કે ’આ નદીઓ માત્ર નવદમ્પતનું જ નહીં, સમગ્ર દેશનું કલ્યાણ કરનારી લોકમાતાઓ છે.’ (’દેવોની ઘાટી’ –કૂડલ સંગમદેવ-પૃ-૧૩૭) પર્વતો અને પર્વતોથી નીકળનારી નદીઓની સાથે દક્ષિણ ભારતના સમુદ્રો, સમુદ્ર તટ અને સમુદ્રથી અલગ થઈને બનેલા લગૂન એમને ખૂબ પ્રિય છે. હિન્દીમાં અજ્ઞેયને એ જેટલા પ્રિય છે ગુજરાતીમાં એટલા જ ભોળાભાઈ પટેલને. માટે જ આની સાથે સંકળાયેલાં અજ્ઞેયના સંદર્ભોને તેઓ વારંવાર અને સર્વાધિક યાદ કરે છે. તેઓ લખે છે કે, ’દરિયાની વાત ક્યારેય પૂરી થતી નથી. એની વાત ચાલ્યા કરે. દરિયો નજર સામેથી હટી જાય, પણ કાનોમાં રણઝણતો રહે......દરિયાનું હિમાલય જેવું જ છે. હિમાલયની વાત પણ કર્યા કરવાની ગમે. અહીં છેક દક્ષિણ છવાડે આવ્યા પછી હિમાલય વધારે યાદ આવે છે.’ (’દેવોની ઘાટી’ – કેરલપત્રમ-પૃ. ૧૦૩) સાગરનું ખુલ્લાપણું, એની ભવ્યતા, ગર્વભંજન કરીને વિનમ્ર બનાવતી સાગરની ફિણોટાતી ગરજતી લહેરો, સાગર તટ પર માઈલો સુધી ફેલાયેલી રેતી અને તેનું એકાંત આ બધું જ તેમને આકર્ષિત કરે છે. પર્વત અને સાગરના સૂર્યોદય અને સૂર્યાસ્ત એમને ખૂબ જ પ્રિય છે. ખુલ્લું આકાશ, વાદળોથી ઘેરાયેલું આકાશ, વૃક્ષો-છોડવાં પર ખીલી ઉઠેલો તડકો, ઘાસ પર પથરાયેલો તડકો, વરસાદ, ઈન્દ્રધનુષ, ચાંદની, તારાંકિત આકાશ, પવન, પશુ-પક્ષી અને તેમના જુદા-જુદા અવાજો આ બધું જ ભોળાભાઈને વહાલું છે. આ બધાનું સંશ્લિષ્ટ રૂપ તેમને સર્વાધિક પ્રિય છે.
ભોળાભાઈ પટેલ વ્યવસાયે અધ્યાપક છે અને ખૂબ વાંચનારાં-લખનારાં અધ્યાપક છે. તેમની સ્મૃતિ પણ ઘણી સમૃદ્ધ છે. પરન્તુ તેઓ એક ખેડૂત અધ્યાપકના દિકરા છે. એટલે જ એમના પૈતૃક સંસ્કાર પશુપાલન-કૃષિ અને શ્રમ સંસ્કૃતિના છે. આ બન્નેની તાસીર ’દેવોની ઘાટી’ ભ્રમણવૃત્તમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. ’સિમલાની ડાયરી’ ખંડમાં તેઓ ભારતીય ઉચ્ચ અધ્યયન સંસ્થાન, સિમલા જવાનાં કારણો , ત્યાં આયોજિત તુલનાત્મક સાહિત્યનો સેમીનાર, પ્રતિભાગી, સાહિત્ય રસિકોની સાંજ, કે રાતની બેઠકોની ગતિવિધિઓનો વિસ્તૃત અહેવાલ રજૂ કરે છે. આ જ પ્રકારે તેઓ દક્ષિણ ભારતમાં કેરળની યાત્રાનો ઉદ્દેશ્ય, ત્રણ અઠવાડિયાની અનુવાદ કાર્યશાળાની પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપતાં જાય છે. ભોળાભાઈ પોતાની માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સિન્ધી, મરાઠી, બંગાળી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાઓના સાહિત્યના પણ અભ્યાસી છે. તેઓ અંગ્રેજી દ્વારા એક બાજુ સ્પેનિશ, ફ્રેન્ચ જેવી યૂરોપીય ભાષાઓના સાહિત્યને તથા એવી જ રીતે ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીના માધ્યમે મલયાલમ, કન્નડ ભાષા સાહિત્ય સાથે પણ ઘરોબો ધરાવે છે. ક્યારેક તો તેઓ એ ભાષાઓની મૂળ કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દો અને કાવ્ય-પંક્તિઓ ટાંકે છે અને ગુજરાતીમાં એનો અનુવાદ પણ કરે છે. ’દેવોની ઘાટી’ એક સર્જનાત્મક કૃતિ છે, ભ્રમણવૃત્ત છે. એટલે એમાં આંખન દેખી કથા મુખ્ય છે અને કાગદ લેખી અનુભવો ગૌણ છે. આ સંદર્ભે એમણે જે સાહિત્યકારોને યાદ કર્યા છે તેઓ પ્રાસંગિક છે, સહયોગી છે પરન્તુ ભ્રમણવૃત્તના અનુગામી છે. તેઓ આંખન દેખી (ભ્રમણવૃત્ત) અને કાગદ લેખી (સાહિત્ય અનુભવ) વચ્ચે ખૂબ જ આત્મીય અને વિશ્વસનીય સેતુ રચે છે. વ્યવસાયે અધ્યાપક હોવા છતાં એમનામાં પશુપાલન-ખેતી-શ્રમ સંસ્કૃતિના સંસ્કાર જળવાયા છે. નગરમાં ભણાવવાની અને રહેવાની નિયતિ છતાં એ સંસ્કારો બચેલાં છે અને ’દેવોની ઘાટી’ના ભ્રમણવૃત્તોમાં આ સંસ્કારો વારંવાર પોતાની ઝલક દેખાડે છે. ભોળાભાઈને એક તરફ હિમાલયના પગથિયાં જેવાં ખેતરોમાં ફેલાયેલી ડાંગરની હરિયાળી અને ઘઉંનાં પાકેલાં સોનેરી ડૂંડા ગમે છે, ઘેટાં-બકરાં ચરાવનારાં ભરવાડ, ખભે હળ મૂકીને જતો ખેડૂત ગમે છે, પહાડી લોકોના સફરજન, આલૂબુખારા, ખુબાની, ચેરીના બગીચા અને ફળ ગમે છે તો બીજી બાજુ કેરળમાં કેડેથી વાંકી વળીને ડાંગર રોપતી સ્ત્રીઓનું દૃશ્ય એમને કાવ્યાત્મક લાગે છે. ડાંગરની ખેતી સાથે જોડાયેલ દરેક કાર્ય તેમને ગમે છે. કેરળની પ્રજાએ ઉગાડેલાં નાળિયેર, કેળાં-ચાના બગીચા, કોફીના ખેતરો, કાળામરી, એલચી-લવિંગની વેલો, નાળિયેર ગૃહ ઉદ્યોગ આ બધાને તેઓ પસંદ કરે છે. એમની દૃષ્ટિએ ’નાળિયેરી કેરળ પ્રજાનું કલ્પવૃક્ષ લાગે છે. ઉપયોગી તો ખરી, પણ એ આખી ભૂમિનો અલંકાર છે. કેરળની સ્કાયલાઈન ઊંચી ઈમારતોથી નહીં, ઊંચી નાળિયેરીઓથી રચાય છે.’ (’દેવોની ઘાટી’- કેરલપત્રમ- પૃ. ૧૨૫) આ જ પ્રકારે કર્ણાટકના હજારો એકર ખેતરમાં ઉગાડેલાં સુરજમુખીના ફૂલોનો પીળો રંગ ભોળાભાઈની આંખોનું આંજણ બની જાય છે.
’દેવોની ઘાટી’માં વર્તમાન નિરીક્ષણના બીજા છેડે ભોળાભાઈનો પુરાણકથા, જનશ્રુતિ, ઈતિહાસ-ભૂગોળ, સંસ્કૃતિ-ધર્મ, સાહિત્ય-કળા આધુનિક તુલનાત્મક બોધ એક સાથે સંશ્લિષ્ટ અને સર્જનાત્મક રૂપમાં સક્રિય થાય છે. તેઓ એક ખાસ પ્રકારના ગુર્જર ભારતી પ્રવાસી છે. એથી તેઓ પ્રવાસ સ્થળોના સ્થાનિક સંદર્ભને પોતાની તુલનાત્મક દૃષ્ટિથી ગુજરાત અને ભારત અને ક્યારેક તો વિશ્વના વિવિધ સંદર્ભો સાથે જોડતા રહે છે. તેઓ પોતાના સાંસ્કૃતિક-ધાર્મિક સંસ્કારોમાં ઉદાર દિલના આસ્થાવાન દિન્દુ છે. ભારતના બધા જ રાજ્યોને તેનું અભિન્ન અંગ માનીને તેમની સાંસ્કૃતિક-સાહિત્યિક-ભાષાકીય ઓળખ અને ભિન્નતાના ભોળાભાઈ સમર્થક છે. તેઓ ભારતના (પછી ઉત્તર હોય કે દક્ષિણ) બધા જ રાજ્યોની સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય-કળાને ચાહે છે અને તેનો આદર પણ કરે છે. તેમનાં માટે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કોઈ પણની ભારતીય સાંસ્કૃતિક-સાહિત્યિક ઉપલબ્ધિ વર્જિત નથી. તેઓ બધા જ ધર્મોની કળા-ઉપલબ્ધિને ચાહે છે, તેને બિરદાવે પણ છે. તેમને સિમલાની સુંદર પહાડી સમર હિલ પર અંગ્રેજો દ્વારા બનાવાયેલી ભવ્ય અને શાલીન ઈમારત તો સારી લાગે જ છે. કેરળના ત્રિવેન્દ્રમની સુંદર પહાડી પર આવેલી વાર્ટન હિલ પણ ગમે છે. એના માટે તેઓ અંગ્રેજોની સૌન્દર્ય દૃષ્ટિને વખાણે છે. ટીપુ સુલતાનને હરાવ્યા બાદ તેના દરિયા બાગ, તેનો મહેલ અને ચીજોને સુરક્ષિત રાખવા બદલ તેઓ અંગ્રેજી કોમની પ્રશંસા કરે છે. ભોળાભાઈને અંગ્રેજ શિલ્પી કાર્બુસિયે દ્વારા બનાવેલું ચંદીગઢ નગર, તેની શાંતિ, શાલીનતા, તેની મોકળાશ ગમે છે તો બીજી તરફ પંજાબના આતંકવાદના કારણે એ ચિંતા પણ થાય છે કે શું કાર્બુસિયેનું અદ્વિતીય ચંદીગઢ નષ્ટ થવાથી બચી શકશે ? હિમાલયના ચિત્રાંકન માટે વિશ્વ પ્રસિદ્ધ રશિયન ચિત્રકાર નિકોલસ રોરિક ભોળાભાઈની ઉદાર દૃષ્ટિએ મહર્ષિ છે. તેમને રોરિકની ચિત્રકલા તો અભિભૂત કરે જ છે, કુલ્લૂના નગ્ગરમાં તેમનું નિવાસસ્થાન પણ ધન્યતાનો અનુભવ કરાવે છે.
ભોળાભાઈ પટેલને શ્રીરંગપટ્ટનમમાં ટીપુ સુલતાનના દરિયા દોલત બાગનો વિશાળ ઉદ્યાન, એમાં લીલા રંગનો ભવ્ય મહેલ, એનું ઉત્કૃષ્ટ શિલ્પ અને એની ઝીણી ચિત્રકારી મુગ્ધ કરે છે. ત્યાં સુધી કે ટીપુ-હૈદરના મકબરાના ગુંબજનો ક્રિમ રંગ અને એના દરવાજાની સૂક્ષ્મ કારીગરી પણ પસંદ આવે છે અને તેનાથી વિપરીત મુસ્લિમ વિધર્મીઓ દ્વારા વિજયનગરની (હંપી) સાંસ્કૃતિક સમૃદ્ધિને કાટમાળમાં ફેરવી દેવાતાં તેમને ચિંતા સાથે ઊંડુ દુખ પણ થાય છે.
ભોળાભાઈ પટેલ એક આસ્થાવાન હિન્દુ છે. તેથી તેમને વિવેકાનંદ રૉક, કન્યાકુમારી, પદ્મનાભ વિષ્ણુ અને સપ્રસ્વર મંદિર, શુચીન્દ્રમ અને ત્યાંનું સંગીત સ્તંભ, કર્ણાટકના કૂડલ સંગમદેવ, ચામુન્ડેશ્વરી દેવીના મંદિરની બહાર આવેલી નંદીની વિરાટ પ્રતિમા, બેલૂરના મંદિરમાં દેહોત્સવનું મહાકાવ્ય રચતી મદનીકાઓ, વિરાટ ગોમ્મટેશ્વરનો પાવનકારી નયનોત્સવ, કેરળનું કથકલી નૃત્ય, રાજા રવિ વર્માના પૌરાણિક ચિત્રો આ બધું જ મુગ્ધ કરે છે. તેમની સાંસ્કૃતિક અભિરૂચિ શિષ્ટ છે અને લોકાભિમુખ પણ છે. તેમની શિષ્ટ અભિરૂચિમાં મૈસૂર, રાજસ્થાનના રાજાઓ-રાણીઓના પ્રાચીન વૈભવનું પ્રદર્શન કરતાં તેમના રાજમહેલ અને હમામ સામેલ નથી. તેમને સતત દોડતા રહેતા અને ઘોંઘાટીયા મુમ્બઈ જેવા મહાનગરો પસંદ નથી પરન્તુ મૈસૂર, ચંદીગઢ જેવા શહેરોની મોકળાશ અને શાંતિ ખૂબ પસંદ છે. એક બાજુ તેમને નાગર અભિરૂચિનું નગર ચંદીગઢ, દેહોત્સવનું મહાકાવ્ય રચતી મદનીકાઓ, ખજૂરાહોના મંદિર પ્રિય છે તો બીજી બાજુ રોક ગાર્ડનના સર્જક નેકચંદ, હેલેવીડના સર્જક અનામ, સામાન્ય શિલ્પીઓની ઉત્કૃષ્ટ અને અદભૂત કલા સિદ્ધિઓ તેમને વધારે પ્રિય છે. એમના પ્રત્યે ભોળાભાઈના મનમાં વિશેષ આદર અને માન છે.
ભોળાભાઈ પટેલની દૃષ્ટિ-અભિરૂચિ લોકાભિમુખ પણ છે અને આસ્થાવાદી હિન્દુની પણ છે. પેરિયાર, વિપાશા, કાવેરી જેવી નદીઓ એમના માટે માત્ર નદીઓ નથી પરન્તુ લોકમાતાઓ છે. માટે જ ખૂબ જ શ્રદ્ધાથી અને પૂજ્ય ભાવથી એ નદીઓનું પાણી તેઓ પોતાના માથે ચઢાવે છે. અને ’કાવેરી સરયૂ મહેન્દ્ર તનયા’ જેવી સ્તુતિ રચનારા બ્રાહ્મણને નમન પણ કરે છે. આર્યાંબા માત્ર શંકરાચાર્યની માતા નથી, ભોળાભાઈના મતે લોકમાતા છે. એટલે જ ગદગદિત થઈને એમની સમાધિને વારંવાર પ્રણામ કરે છે. એ સમાધિ સ્થળ પર શંકરાચાર્ય દ્વારા રચિત ’સૌન્દર્ય લહરી’નું સ્ત્રીઓના મધુર કંઠે ગાન સાંભળીને ધન્ય થઈ ઉઠે છે. ભોળાભાઈ કુલ્લૂઘાટીની અધિષ્ઠાત્રી દેવી હિડિંબાના દર્શને જતી વખતે સૂર્યોદય જોઈને ભાવવિભોર થઈ જાય છે. અને ગાયત્રી મંત્ર ઉચ્ચારે છે. તેમજ કાલડીમાં સરસ્વતીની મૂર્તિની વંદના પણ કરે છે. તેઓ કુલ્લૂઘાટીના અધિષ્ઠા દેવતા રઘુનાથ ના મંદિરે જતી વખતે રસ્તામાં બળતી ચિતાને પ્રણામ કરે છે અને એક ક્ષણ માટે અમંગળની આશંકાથી ધ્રુજી ઉઠે છે. એક તરફ શ્રીરંગમના કાવેરી ઘાટ પર શ્રદ્ધાળુઓ દ્વારા ફેલાવવામાં આવેલી ગંદકીથી તેમનું મન દુખી થઈ જાય છે તો બીજી તરફ પદ્મનાભ મંદિરમાં બિન હિન્દુઓના પ્રવેશ નિષેધને લઈને તેમનું મન ક્રોધિત થઈ જાય છે. કન્યાકુમારી મંદિરમાં પ્રવેશ માટે સ્ત્રી અને પુરુષનો પહેરવેશ ભેદ તેમને ખૂંચે છે.
ભોળાભાઈ પટેલ પાસે અત્યંત સમૃદ્ધ અને સૂક્ષ્મ તુલનાત્મક દૃષ્ટિ છે. અને તે માત્ર સાહિત્ય સુધી સીમિત નથી પરન્તુ તેનો વિસ્તાર ’દેવોની ઘાટી’ ભ્રમણવૃત્તના આરંભથી લઈને અંત સુધી છે. આમ તો, તેઓ ભ્રમણવૃત્તમાં આવનારી ઘણી વસ્તુઓમાં તુલનાના સૂત્ર શોધી લે છે પરન્તુ વાસ્તુ શિલ્પમાં(નગર, મંદિર, અને મૂર્તિ નિર્માણ) તેમની આ તુલનાત્મક દૃષ્ટિ વધુ નિખરે છે. તેઓ ચંદીગઢ નગરના શિલ્પી કાર્બુસિયે અને રોક ગાર્ડનના શિલ્પી નેકચંદની ખૂબ જ વિસ્તારથી તુલના કરે છે અને લખે છે કે રોક ગાર્ડન કાર્બુસિયેની કલ્પના બહારની વસ્તુ છે. ’ચંદીગઢના કોઈ પ્લાનમાં આવો કોઈ ગાર્ડન નહોતો. એ માત્ર નેકચંદનું નિર્માણ છે......કાર્બુસિયે કહ્યું હતું કે, કોઈ પણ નગરના નિર્માણ માટે આકાશ, અંતરિક્ષ, વૃક્ષ, સ્ટીલ અને સિમેન્ટ આ પાંચની આવશ્યકતા છે. નેકચંદનો રોક ગાર્ડન એક આગવી સૃષ્ટિ છે, જેના નિર્માણમાં તદ્દન અનુપયોગી, લોકોએ ફેંકી દીધેલી, નર્યો કચરો કહેવાય એવી ભંગાર ચીજ વસ્તુઓ છે...... અને એક અદભૂત સૃષ્ટિ ઉભી કરી છે, જે કાર્બુસિયેનાં સોફિસ્ટિકેટેડ નગર નિર્માણની બિલકુલ વિપરીત દિશામાં છે.’ (દેવોની ઘાટી-પૃષ્ઠ-૬૯-૭૦) તેમને નેકચંદનું નિર્માણ ખૂબ જ મુશ્કેલ અને એટલું આશ્ચર્યજનક લાગે છે કે શું એક એકલો સામાન્ય માણસ આટલું બધું કરી શકે છે ?
આ જ પ્રકારે તેઓ ઈલોરાના કૈલાસ મંદિર અને ચંદ્રગિરિના ગોમ્મટેશ્વરના નિર્માણની તુલના કરતાં લખે છે કે ’ઈલોરાના કૈલાસ મંદિરની કલ્પના કરનાર સ્થપતિ શિલ્પીનું નામ આપણે જાણતા નથી, પણ દુનિયાના મહાન કલ્પનાશીલ કલાકારોમાં એ આગળની પંક્તિમાં હોઈ શકે. કૈલાસ મંદિરના સ્થપતિએ પહાડીમાં મંદિર જોઈ લીધું અને પછી ઉપરથી કોરતાં કોરતાં વધારાનો ભાગ હટાવી દીધો. ગોમ્મટેશ્વરના સ્થપતિએ પણ. પણ ગોમ્મટેશ્વરમાં મંદિરની દીવાલો નથી- અહીં દિશાઓ એ જ દીવાલો અને આકાશ એ જ છત.’ ( દેવોની ઘાટી- કૂડલ સંગમદેવ પૃ. ૧૪૮) આ ભ્રમણવૃત્તના બીજા પાને તેઓ ભારતીય અને યૂરોપીય નગ્નતાના શિલ્પની તુલના કરતાં કહે છે કે ’મને માઈકેલ અને એન્જેલોએ કરેલાં નગ્ન ચિત્રો-શિલ્પો યાદ આવ્યા. પણ ગ્રીક કે રોમન નગ્નતાનું શિલ્પાંકન અને આ નગ્નતાનું શિલ્પાંકન બન્ને જુદી દૃષ્ટિઓની નીપજ છે. અહીં હૂબહૂ સ્નાયવિક નગ્નતા નથી. કલામાં પરિણત નગ્નતા છે. આ વિરાટ મૂર્તિ એવી કંડારાયેલી છે કે મૃદુતા અને મુલાયમતાનો પણ બોધ થાય.’ ( એ જ પૃ. ૧૪૯-૧૫૦)
ભોળાભાઈ પટેલનો સર્જક ખૂબ જ સૌન્દર્ય પ્રેમી છે. તે ઉચ્ચ કોટિનો રોમેન્ટિક છે, પરન્તુ એનામાં કોઈ પણ પ્રકારે સેક્સટેબૂ નથી, બલ્કે તેનામાં અત્યંત ખુલ્લાપણું છે. બીજી વાત, તે સૌન્દર્ય પ્રત્યે આસ્તિક અને સાત્વિક છે. તેની પાસે સૌન્દર્ય વર્ણનની અદભૂત કલા પણ છે. તેમ છતાં ભોળાભાઈના ભ્રમણવૃત્ત સર્જકે સૌન્દર્ય પર કરેલી જ્યાં ત્યાં ટિપ્પ્ણીઓ એક આધુનિક પ્રૌઢ બૌદ્ધિક એટલે કે અરોમેન્ટિક છે અને તેના મિજાજમાં પણ વિવિધતા છે. આવી ટિપ્પણીઓ ક્યારેક કટાક્ષ રૂપે છે તો ક્યારેક વિનોદ રૂપે છે. યાત્રા દરમ્યાન મળનાર સુંદર વ્યક્તિ, સુંદર પ્રકૃતિ, મનુષ્ય નિર્મિત સુંદર શિલ્પ અને ચિત્ર ભોળાભાઈની સૌન્દર્ય ચેતનાને બહાર તો લાવે જ છે, ક્યારેક તો તે એમને કલ્પનાશીલ પણ બનાવી દે છે. કુલ્લૂની યાત્રા દરમ્યાન સ્થાનિક બસમાં ચઢેલી એક સુંદર છોકરી કઈ રીતે ભોળાભાઈની સૌન્દર્ય ચેતનાને આકાર આપે છે તે જુઓ ’બસમાં ભરત ભરેલી ઘણી કુલ્લૂ ટોપીઓ હતી. એટલામાં એક કન્યાએ પ્રવેશ કર્યો. ગૌર વર્ણ. ચહેરાની કેવી તો સુંદર કાન્તિ ! ચહેરાને જોઆ રહેવાનું જ મન થાય. ઘણી ટોપીઓ એ દિશામાં સ્થિર થઈ, માંડ પાછી ફરી હશે. કુલ્લૂ સૌન્દર્યનો પરચો મળી ગયો.... આ બધું જોઈએ અને જેવી બસમાં નજર આવે કે પેલી કન્યાના નિરાગસ ચહેરા પર જઈ ઠરે. ત્યાં કટરાઈ ગામ આવતાં એ કિશોરી ઉતરી ગઈ. બસ જાણે ખાલી થઈ ગઈ. એ કિશોરીનું નામ હું મનાલી રાખું તો ? એ નામથી એને સ્મરણમાળામાં ગૂઁથી રાખી શકીશ.’ (દેવોની ઘાટી- દેવોની ઘાટી ખંડ- પૃ.૪૭)
હાડ-માંસની સુંદર કન્યા, વિપાશા નદીના પાણીની તીવ્ર ગતિ-ધ્વનિ અને સંધ્યાકાળનું સૌન્દર્ય ભોળાભાઈના મનને બાધી લે છે તો બીજી તરફ એને કલ્પનાશીલ બનાવીને તેને વૈદિક સંદર્ભ સાથે પણ જોડી દે છે. સામે વહેતી વિપાશાની વિપુલ જલરાશિની સામે ગુજરાતની સાબરમતી અને સરસ્વતી જેવી નદીઓમાં પાણીની અલ્પતા અને અભાવ જોઈ એમને એવું પણ થાય છે કે હિમાલયની આટલી બધી નદીઓમાંથી આ વિપાશાને શું ગુજરાતમાં વહેતી ન કરી શકાય ? ભોળાભાઈની સૌન્દર્ય ચેતના વિપાશાના સંધ્યા રૂપ, કેરળના સમુદ્રી લગૂન અને પેરિયાર સરોવરના શાન્ત જળ માટે રોમેન્ટિક ઉપમાનો પસંદ કરે છે. બે પહાડો વચ્ચે બંધાયેલું પેરિયારનું સ્થિર જળ તેમને સ્વચ્છંદ રમણીનું ગૃહિણી બનવા જેવું લાગે છે.
સ્થિર વાસ્તુ કલાના ઉત્કૃષ્ટ શિલ્પો, એ પછી સમરહિલની ભવ્ય ઈમારત હોય, કે પછી કેરળના પદ્મનાભ અનંતશયનમ હોય, કે પછી શુચીન્દ્રમના સંગીત સ્તંભ હોય, કે પછી કર્ણાટકના ટીપુ-હૈદરના મકબરા અને દરિયા દૌલત બાગ હોય, કે પછી હોયસલ શૈલીના મંદિરો હોય, કે પછી બેલૂર મંદિરની મદનીકાઓ હોય, કે પછી પર્વતો-સાગર અને ત્યાંનો સૂર્યોદય હોય- આ બધું જ ભોળાભાઈની સૌન્દર્ય ચેતનાને ઝંકૃત કરે છે. તેઓ ક્યારેક ક્યારેક એની પર બિલકુલ ગૈર રોમેન્ટિક ટિપ્પણીઓ પણ કરે છે. હૈદર-ટીપુની કબરનો રંગ અને દીવાલોની ઝીણી ચિત્રકારી ભોળાભાઈને આકર્ષે છે પરન્તુ એના પર એમની ટિપ્પણી ધ્યાનમાં લેવા જેવી છે. ’હૈદર-ટીપુના મકબરાનું સ્થાપત્ય મૃત્યુનું મહાત્મય વધારે છે.’ મદનીકાઓની મૂર્તિઓ સંમોહનકારી છે પરન્તુ એ ’પુરુષ મનની એષણા છે અને પવનની જેમ દુષ્પ્રાપ્ય છે’. આ જ પ્રકારે હોયસલ શૈલીના મંદિર અને મૂર્તિઓ ખૂબ જ સુંદર છે પરન્તુ એમનામાં અલંકરણની વિશેષ પ્રવૃત્તિ કલાના પતનની નિશાની છે. ભોળાભાઈએ તિરૂવનંતપુરમના અધિષ્ઠાતા દેવતા પદ્મનાભ અનંતશયનમની વિરાટ મૂર્તિનાં દર્શન ત્રણ દરવાજાઓથી કર્યા. પરન્તુ ત્યાર પછી તેમણે પદ્મનાભ પર જે નર્મ મર્મ યુક્ત ટિપ્પણી કરી છે એને તમે પણ વાંચો અને સમજો- ’શાંત ભાવે ભગવાન યોગ નિદ્રામાં સૂતા છે. તને થશે- ભગવાન આમ કેવી રીતે સૂઈ શકે ? એવું અમને પણ થયું. બહાર વિશ્વમાં કેટલી અંધાધુંધી છે, અને ભગવાન યોગ નિદ્રામાં સૂતા છે ? ભલે સૌ એમની પૂજા કરતાં હોય, પણ અહીં આ અંધારા ખંડમાં એમને કંટાળો પણ નહીં આવતો હોય ? ક્યારેય ભાગી જવાનું મન નહીં થતું હોય ? એક દિવસે મંદિરના દ્વાર ઉઘડે, અને અનંતશયનમ હોય જ નહીં તો ?’ ( દેવોની ઘાટી- કેરલપત્રમ- પૃ. ૯૫)
ડૉ. ભોળાભાઈ પટેલ હવે આપણી વચ્ચે નથી પરન્તુ તેઓ જીવંત વારસા રૂપે ’દેવોની ઘાટી’ સહિત અનેક ભ્રમણવૃત્ત અને પ્રવાસ નિબંધના પુસ્તકો આપણને સોંપતા ગયા છે. એ પુસ્તકોની આપણે હાર-તોરા પહેરાવીને પૂજા કરવાની નથી પરન્તુ ખુલ્લા મન, સ્વસ્થ હ્રદય અને સ્વસ્થ ચિત્તે અર્જિત કરવાનાં છે. આપણે ભોળાભાઈની સર્જનાત્મકતાનો આસ્વાદ માણવાનો છે, તેમજ તેમની સર્જનાત્મક પ્રતિભા અને ખૂબીઓ એક એક કરીને ઉઘાડવાની છે. એક દિવંગત સાહિત્યકારના સ્મરણનો સાચો માર્ગ એની સર્જનાત્મક કૃતિઓના અંદરથી પસાર થાય છે, એ કૃતિઓની બહારથી નહીં.