'પરબીડિયામાં હવા મોકલી છે...' - આગવા મિજાજની ગઝલકૃતિ
સાંપ્રત સમયમાં ગઝલક્ષેત્રે કેટલાક કવિઓની ગઝલ સારા પ્રમાણમાં લખાતી - ઘડાતી જોવા મળી છે. કેટલાંક કવિઓનાં નામ આંખે ઉડીને વળગે તેવા છે. જેમકે, રઈશ મણિયાર, સ્નેહી પરમાર, હિમલ પંડ્યા, લતા હિરાણી, પારુખ ખખ્ખર, ગૌરાંગ ઠાકર, ભરત ભટ્ટ, અનિલ ચાવડા, ચંદ્રેશ 'નારાજ', જિતેન્દ્ર પ્રજાપતિ, પીયૂષ ચાવડા, હરજીવન દાફડા, સુરેન્દ્ર કડીયા, શૈલેષ પંડ્યા 'ભીનાશ', હરદ્વાર ગોસ્વામી, અશોક ચાવડા, રાજેશ વ્યાસ 'મિસ્કીન', ભરત વિઝુંડા, સ્નેહલ જોશી, લક્ષ્મી ડોબરીયા, મુકેશ દવે, અરવિંદ ભટ્ટ, સંજુવાળા, હેમંત ધોરડા, ભાવિન ગોપાણી, શિવજી રૂખડા... વગેરે આ ગઝલકારોની રચનાઓમાંથી અવાર - નવાર પસાર થવાનું થયું જ છે. આજના વોટસ-અપ, ફેસબુકના જમાનામાં સાહિત્યનો સંદર્ભ સરસ રીતે મોકળાશથી આસ્વાદન કરવા મળે છે. તેને ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કહી શકાય. સાંપ્રત સમયમાં ધીમી અને ઉત્સાહી ગતિએ ગઝલ રચના લખતાં, ઉગતા અને વિસ્તરતા ઘણાં કવિઓનાં નામ જીભે ચડી આવે તેવા છે. આ જોતાં ગઝલનો રંગ દિવસે ને દિવસે નીખરતો જાય છે. >
ઘણાં કવિઓની ગઝલો ઉત્તમ છે. ઘણાં એવા પણ છે જેમાં ઉત્સાહ છે, શેરિયત છે પણ છંદ ખૂટે છે. તો છંદમાં લખતાં ગઝલકારોમાં સૌંદર્ય કે મિજાજ પણ ઘડાવાની જરૂર જણાય છે. આ સંદર્ભમાં કવિ જિતેન્દ્ર પ્રજાપતિ રચિત 'પરબીડિયામાં હવા મોકલી છે' સંગ્રહ મને મનભાવન લાગ્યો. તેમનો પ્રથમ સંગ્રહ 'હું હવે કાગળ ઉપર' પ્રકશિત થયા પછીનો વર્ષ ૨૦૧૬માં બીજો ગઝલ સંગ્રહ 'પરબીડિયામાં હવા મોકલી છે' કૃતિ તેમની ગઝલ નિસ્બત અને સ્વ-મિજાજની ધારદાર અસર દાખવે તેવો છે. ગઝલનાં આંતર - બાહ્ય સ્વરૂપકીય માળખાને પરીચિત કરતા લક્ષણો જેવા કે, અનુભૂતિ જેમા ભાવ કે વિચારનું સૌંદર્ય, મિજાજ કે શેરિયત, અભિવ્યક્તિમાં કલ્પન, પ્રતીક, અલંકાર, રદ્દીફ - કાફિયા, છંદ, દીર્ધલયમાં ઢળતી ગઝલો પણ સંગ્રહની વિશેષ લાક્ષણિકતા તરીકે આંકી શકાય.>
કવિ જિતેન્દ્ર પ્રજાપતિ ઋજુ હૃદયના સૌમ્ય પ્રકૃતિના કવિ છે. વ્યવસાયે શિક્ષક અને વતનથી દૂર હોવાને લીધે માતૃભૂમિ અને 'મા' બન્નેનો ઝૂરાપો સતત કવિને સાલે છે. 'મા' વિશેના કેટલાંક શેર તથા બે-ત્રણ મુસલસલ ગઝલ 'મા' વિશેની વાત્સલ્ય અનુભૂતિનો આસ્વાદન કરાવે છે. આ ઉપરાંત પાનખર, વરસાદ, પાંદડું, દીવો, જ્યોત, હવા, ભીંત, પીડા, ઘર ઈત્યાદિનો પ્રયોગ ગઝલનાં ભાવવિશ્વમાં વિશેષ રીતે ઉઘડ્યુ છે. વતનથી દૂર ઝૂરતા કવિને પ્રકૃતિ પ્રત્યે અભિન્નતા હોય તે સ્વાભાવિક છે. તેથી ભાવપ્રતીકો દ્વારા કવિનું આંતર જગત સચોટ રીતે ગઝલમાં વિસ્તર્યુ છે. ગઝલમાં આલેખિત વિચાર, ભાવ, ઉર્મિમાંથી પ્રગટતો કવિમિજાજ પણ એટલો જ આહલાદક અને કાબીલે દાદ છે. જેમ કે, ''પ્રથમ થઈ ગઈ છટા, એ બાદ જાણે કે છરી થઈ ગઈ,>
તમારી યાદ હદથી વિસ્તરી તો શાયરી થઈ ગઈ'' (પૃ. ૭૩)>
કોઈકની 'યાદ' છટા, છરી અને શાયરી થઈ જાય એ પ્રણયની કેટલી ગહનતા અને ઉંચો વિચાર અથવા સૌંદર્ય દર્શાવે છે તે આ શેર પરથી કહી શકાય. દરેક માણસની ભીતર સતત સુખ-દુઃખની લાગણી થાય છે તો કવિ એથી જુદુ વિચારીને 'પીડા-આનંદ'ની વાત કરે છે. પીડા અને આનંદની ગતિ તેનું જ નામ જિંદગી. પીડા પ્યારી લાગે તેનું કારણ 'પ્રેમ' છે. તો જ કવિ કહી શકે ને !>
''ફરી નખ જોતરી પાછી તમે પીડા વધારી છે,
કર્યો ઘા ખોતરી પાછી તમે પીડા વધારી છે. '' (પૃ. ૪૨)
કોણ જાણે કવિઓને જખ્મો કેમ પ્યારા લાગતા હશે ! સામાન્ય માણસ દુઃખનાં 'રોદણા' રુએ ને કવિ એ દુઃખોને સર્જનમાં ઓગાળી વ્યાપક ભાવવિશ્વ સર્જે છે જેમ કે,
''જખ્મો મળ્યાં છે દેહને કૌ ધારદાર - આજ,
કામે ચડી ગઈ છે ફરી સારવાર આજ'' (પૃ. ૨૦)
જખ્મો, ઘાવ, પીડા, ઠોકર... સરવાળે તો જિંદગી જીવતા શીખવાનો પાઠ છે. એટલે જ કવિ કહે છે,
''ડગ ભરું ઘર બ્હારને ઠોકર મળે
આમ અનુભવ સૌ સમજથી પર મળે'' (પૃ. ૬)
ઘાવ પર ઘાવ આપવાની જિંદગીની ગતિને કવિ 'દાવ' કહીને 'આયખું' ગઝલ રચે છે, મત્લા છે,
'' ઘાવ ઉપર ઘાવ આપે છે હજી,
જિંદગી ક્યાં દાવ આપે છે હજી. '' (પૃ. ૩૮)
ભાવનું ઉંડાણ એ કવિની અનુભૂતિની વિશેષ લાક્ષણિકતા રહી છે. ભાવના ઉંડાણને અતિક્રમી જતી ગઝલ 'ઝળઝળિયાની ટોચે' ગઝલનો શેર કેવો અદભૂત છે,
''જળના તાણાવાણા જળમાં એમ હવે ગૂંથાયા હોજી,
પરપોટાના તળીયે મ્હોર્યા પાણીના પડછાયા હોજી''. (પૃ.૧૧)
પરપોટાના તળિયે પાણીના પછડાયા જોનાર કવિ લોકગીતનો લહેકો લઈને ગઝલમાં નવીનતા દાખવે છે. જીવનની વાસ્તવિકતા, માનવ સંબંધો, લાગણીઓ કેટલીક ગઝલમાં નખશિખ આલેખાયા છે. જેમ કે માણસજાતની ઓળખ કરાવતો આ શેર જુઓ.
'' શાંત પાણી સમ ઘણાં છે માણસો,
કાંકરી પડતાં તરત બળવો કરે. ''
બીજી તરફ માણસ - માણસ વચ્ચે હૂંફ, એકતા, પ્રેમ જળવાય તેય જરૂરી છે જેમ કે,
''ધર્મગ્રંથો ખોળવાથી કૈં જ વળવાનું નથી,
એકબીજાનો અહીં બસ હાથ ઝાલી જોઈએ'' (પૃ. ૩૫)
માણસ અને જિંદગીને કવિ વહેતાં જળમાં જીવતાં મત્સ્ય તરીકે જુએ છે. જેમ કે,
''મત્સ્ય સમ જીવન અને વહેતો સમય,
આમ તરફડવું અને રહેવું સજળ'' (પૃ. ૪૮)
'ઈશ્વર' વિશેનું મનન, સંવાદ કે ચિંતન કવિનો વિષય રહ્યો છે. ક્યારેક કવિને ઈશ્વર પર અથાગ શ્રદ્ધા જન્મે છે. તો ક્યારેક ઈશ્વરને પડકારતા કવિ ઉદાસ પણ થાય છે જેમ કે,
'રંકનું લૂંટાય જ્યારે ઘર અહીં, જાય છે ક્યાં એ ક્ષણે ઈશ્વર અહી?' (પૃ. ૧૭)
જોઈ લઈએ ઓણ મોલ ઉતરે છે કેવો, મંદિરના પથ્થરમાં મેં ઈશ્વર વાવ્યા છે ! (પૃ. ૩૭)
પથ્થરમાં ઈશ્વરને શોધતો માણસ ક્યારેક અજ્ઞાની હોઈ શકે પણ માણસમાં ઈશ્વર શોધે તેને શું આત્મજ્ઞાની ન કહી શકાય ! એવો એક શેર કવિનો -
'મંદિરોની વાત તો જૂની થઈ, ક્યાંક માણસમાં મને ઈશ્વર મળે' (પૃ. ૬૭)
ઈશ્વરની જેમ 'મા' એ કવિને સતત વાગોળવો ગમતો સમાધિમય થઈ જવો ગમતો વિષય છે. 'મા' પ્રત્યેની તીવ્ર વેદના - સંવેદના, વાત્સલ્ય ઝંખતા ઝૂરાપાની વેદના કેટલાક શેરમાં અનુભવાય છે. 'અને મા યાદ આવી' ગદ્યલ સાદ્યંત 'મા' વિશેની મુસલસલ ગઝલ છે. 'મા' નું ઘેરું સંવેદન જ્યારે કવિની સ્મૃતિમાં ઉભરાઈ જાય છે ત્યારે કુદરતીપણે આ શેર કવિની કલમથી ટપકી પડે છે,
‘હૃદયને સાંપડી ઠોકર અને મા યાદ આવી, થયાં જ્યાં અશ્રુઓ પગભર અને મા યાદ આવી’. (પૃ. ૪)
‘પ્રસંગોપાત સાંભરતી રહી એની છવિ કાયમ, વળાવી બેન પિયુ ઘર અને મા યાદ આવી’. (પૃ. ૪)
'પડછાયાની આકૃતિ' ગઝલનાં ચોથા શેરમાં મા-દિકરાની સંવેદના ઘૂંટાઈ છે,
'એક ટંકનું પેટ ઠારવા ક્યારેક તો એવું ય બન્યું છે,
માએ પરસેવો પાડી કાપેલી ભારી વેચી છે.' (પૃ.૫)
જીવનની વાસ્તવિકતા અને ગ્રામજીવનમાં જીવાતી શૈલીનું ચિત્ર શેરમાં આલેખાયું છે. વ્યાપક નજરે જિંદગીને જોતો કવિ 'મા' વિનાની સ્થિતિ સહન ન કરી શકે ત્યારે કલમમાંથી ટપકી જતો આ શેર કેવો હૃદયસ્પર્શી છે,
'મા નથી રહીં દોસ્ત, જાતે બાંધ પાટો,
કોઈ નહીં સમજે જખમ પંપાળવામાં' (પૃ. ૧૨)
એવો જ એક બીજો શેર 'પરવા' ગઝલનો જુઓ,
'જિંદગી ચાલી'તી એ રસ્તા નથી,
આજ મારી પાસ મારી મા નથી.' (પૃ. ૧૫)
'મા'નું અસ્તિત્વ સર્જીને ઈશ્વર પણ અધૂરો થઈ ગયો એવું કહેવામાં જરાય અતિશયોકિત નહીં લાગે કેમ કે કવિ કહે છે,
'પ્રભુ હોવા વિશે શંકા નથી સ્હેજેય;
મને લાગી પ્રભુથી પણ સવાઈ મા!' (પૃ. ૨૮)
'મા' ગઝલના એક-બે ઉત્તમ શેર-
બધાની નસનસે અહીંયા વવાઈ મા, કહે છે કોણ કે ભૂલી જવાઈ મા! (પૃ. ૨૮)
અચાનક આજ મનને ઠેસ પહોંચી છે, અચાનક આજ આંખોમાં છવાઈ મા ! (પૃ. ૨૮)
'મા'ની જેમ પિતા-દીકરીના વાત્સલ્ય, પ્રેમ વિશેની ઉંડી લાગણી વ્યક્ત કરતા ઉત્તમ શેર પણ ગઝલમાં જોવા મળે છે. જેમ કે,
'આંખોના પાણીથી સંતાડી પરબારી વેચી છે,
ભણાવવા દીકરાને એક બાપે ખુદ્દારી વેચી છે.'
દીકરા માટે જાત વેચી નાખતા માવતરની વેદના જગતની અન્ય પીડાઓથી વધુ તીવ્ર છે. પણ જ્યારે દીકરો માતા-પિતાની લાગણીને અવગણે કે જાણી જોઈ સમજે નહીં ત્યારે, કવિ વ્યંજનાસભર શેરમાં લખે છે,
'શું થશે લાચાર ઘરડા બાપનું?
બાપ માટે જે ઘરે જગ્યા નથી !' (પૃ. ૧૫)
દીકરો ક્યારેક પિતાની પીડાનું કારણ બન્યો છે તો દીકરી 'દવા' પણ બની છે.
'દીકરી પરણી જતી રહીં સાસરે, બાપના ટેકા જરા બટકી ગયા' (પૃ. ૫૭)
'ગીરવે મૂકી ખુદ્દારીને, વળાવી બાપે દુલારીને' (પૃ. ૫૯)
'અમે દીકરી સાસરે ક્યાં વળાવી? નદી આજ દરિયો થવા મોકલી છે !' (પૃ.૨)
પ્રકૃતિગત તત્વો જેવા કે હવા, પાનખર, પાંદડુ, વરસાદ, ઈત્યાદિ ભાવપ્રતીકો ગઝલના વિચાર કે ભાવમાં અનુપમ સૌંદર્ય સર્જે છે. 'હવા' ક્યારેક યાદનું તો ક્યારેક પ્રણયનું, સામાજિક ચેતનાનું, મિત્રતાનું પ્રતીક કે વાહક નીવડે છે. એવાં એક-બે શેર જુઓ -
'ન ચિઠ્ઠિ કોઈ ત્યાં જવાં મોકલી છે, મેં પરબીડિયામાં હવા મોકલી છે' (પૃ. ૨)
હવા બાબતે એક દીવો કહે છે, 'મને તો હવાએ સતત ઘાવ આપ્યો' (પૃ. ૮)
જે 'હવા' નાજુક લાગણીનું વાહક બને છે તે 'હવા' ક્યારેક 'ઘાતક' પણ નીવડે છે. જેમ કે,
'કોણ જાણે શું થશે આજ આ તરફ, છે હવાઓ આગની દેખભાળમાં!' (પૃ. ૫૪)
'હજી હમણાં સુધી તો એકદમ એ શાંત વહેતી’તી,
હવા! તે શું કહ્યું કે આ નદી પણ બ્હાવરી થઈ ગઈ' (પૃ. ૭૪)
હવાની જેમ પાનખર, પાંદડું અને વરસાદ ક્યારેક પ્રકૃતિસૌંદર્ય તો ક્યારેક ભાવપ્રતીક રૂપે વ્યંજના સભર કેટલાંક શેરમાં જોવા મળે છે. પાનનું ખરવું એટલે વૃક્ષનું એક અંગ દૂર થવું. આ પીડા વૃક્ષની છે છતાં કવિ કેવું સમસંવેદન અનુભવે છે તે જુઓ -
પાનખર આવી વળી પંખીય ઉડ્યા, ઝાડને બાકી બચ્યું શું મારવામાં ! (પૃ.૧૨)
‘પાનખર એણે વળાવી છે ઘણી, ઝાડ પર કેમ કંકુના થાપા નથી?’(પૃ. ૧૫)
‘તને આદેશ કેવળ પાંદડા પૂરતો મળ્યો'તો ને?
અરે ઓ પાનખર ! તે કેમ આ માળા હણી નાખ્યા? (પૃ. ૧૬)
'વરસાદ'નું પ્રતીકાત્મક આલેખન તથા આધુનિકકાળમાં બનતી વૃક્ષ છેદનની ઘટના તરફ કવિએ કરેલ અંગુલિનિર્દેશ શેરમાં જુઓ,
'ફરી બે આંખથી વરસાદ થઈ વરસી પડ્યું છે કોઈ,
ફરી કોઈકે ત્યાં રોપેલ ગરમાળા હણી નાખ્યા'. (પૃ. ૧૬)
આ રીતે વરસાદ સૌંદર્ય બનીને ઉભરે તો ક્યારેક પ્રતીક તરીકે 'આંખનાં વરસાદ' ખપમાં લેવાય. ક્યારેક ગરમાળા છીનવાઈ જવાની ઘટનામાં વરસાદની ઉણપ કે માણસની કૃરતા વરતાય છે.
કવિ શબ્દોની કરામત કરી જાણે છે. કેમકે કવિ સતત કલ્પનાલોકમાં વિહરીને અર્થના મોતી શોધી લે છે. નાનામાં નાના પદાર્થનું અસ્તિત્વ અને તેની પીડા કવિને થાય છે. પછી તે સજીવ હોય કે નિર્જીવ. 'ભીત’ એ એકલતા, ઉદ્દેગ, પીડા અને આધુનિક માણસની સંવેદનાનું પ્રતીક છે. ભીંત વિશેના કવિના ધારદાર એક-બે શેર જુઓ,
'છત વગર પણ ક્યાંક જોઈ છે અમે, સાવ આથડતી રહી એ ભીંત છે.' (પૃ. ૪૪)
ભીંતને એકલતા કોરી ખાય છે, ગોઠવો, ઘરમાં કશે ફોટા નથી ! (પૃ. ૧૫)
માણસ સાથે અવિભાજ્ય સંબંધો અનુભવતી ચીજવસ્તુઓ સાથે ભીંત અને બારીની સંવેદના કવિ કેવી નાજુકાઈથી પકડે છે -
'માયા થઈ ગઈ છે ભીંતોને,
શું કામ કાઢો છો બારીને ?' (પૃ. ૬૯)
જેમ ભીંત એકલતાનું પ્રતીક છે એમ 'દીવો' કે 'જ્યોત' જીવતંતાનું પ્રતીક છે. અંધારા સામે અજવાશ ફેલાવતો દીવો ક્યારેક બખ્તર જેવો તો ક્યારેક પ્રામાણિકતા સાથે સરખાવાયો છે.
'હતો બખ્તર સમો દીવો હવે એ પણ બુઝાયો છે,
લડી શકશે હવે અંધારથી બખ્તર વગરની રાત?' (પૃ. ૧૦)
દીવાની પ્રામાણિકતાને સલામ કરવા દોડે છે મન,
અંધારા સામે જેણે ના ઈમાનદારી વેચી છે. (પૃ. ૫)
દીવો, અંધારું, હવા - આ ત્રણેની ક્રિયા માણસના સ્વભાવને વ્યંજનાત્મક દર્શાવે છે,
'દીવાના ખૂનનો આરોપ અંધારા ઉપર લાગ્યો,
હવાની હાજરી ત્યાં કોઈને ના ધ્યાનમાં આવી?' (પૃ. ૨૨)
કવિએ 'પીડા'ને કલ્પન, પ્રતીક, રદ્દીફ વડે પ્રયોજીને પ્રણય, વેદનાંનો ભાવ આલેખ્યો છે. માણસ માત્રના જીવનમાં પીડા જોવા મળે. પણ પીડામા આનંદની અનુભૂતિ કરે એ કેવી નવીન વાત છે,
'આવ, પીડા! લાગ મળશે, જિંદગી પાછી ફરી છે.' (પૃ. ૫૮)
બીજા માર્મીક શેર કે જેમાં 'પ્રણય'નો ભાવ અનુભવાય છે,
ઘણી મહેનત પછી તમને જરા ભૂલી શક્યો તો હું,
લખી કંકોતરી પાછી તમે પીડા વધારી છે. (પૃ. ૪૨)
આપનો ઈન્કાર ક્યાં મૂંકુ કહો, હાલ બેઠી છે પીડાઓ ઘાવ પર (પૃ. ૨૪)
આમ, કવિ જિતેન્દ્ર પ્રજાપતિની ગઝલમાં પ્રણય, પીડા, પ્રકૃતિ, ચિંતન, સંબંધ જેવા વિષયોના રંગ સરળ સહજ મિજાજે પ્રગટતા જોઈ શકાય છે. તેમની બીજી વિશેષતા છે 'દીર્ઘલયની ગઝલો'. જેમાં લગભગ ૧૯ જેટલી ગઝલો દીર્ઘલયમાં છે. આ ગઝલ દીર્ધ હોવાનું કારણ તેના દીર્ધ રદ્દીફો છે જેમ કે, 'નીકળી જવું છે બ્હાર મારે', 'રિયાઝ ચાલે છે', 'જગતના મંચ પર', 'ભાગ્યની ઘટના', 'કવિ આવો અને ...', 'અમારુ એક વ્યાકરણ', 'જોશી કને જઈએ જરા', 'એનો મને અફસોસ છે', 'હાથમાં છે પેનને', 'છોડો મમત', 'અને થડ થરથરે', 'હૃદય કે છે કે', 'પાનની નરમાશ', 'મારા આયખાને', 'કલમને ટાંકણું', 'હું અને મારી હયાતી', 'હથેળીની પથારીમાં', 'હજી પણ છે યથાવત!', 'નયનનું ગગન' વગેરે. ગઝલમાં જોવા મળતાં છંદ જેવા કે 'લગાગા' (મુતકારિબ), 'લગાગાગા' (હજઝ), 'ગાલગાગા-૪' (રમલ), 'ગાગાલગા' (રજઝ), 'ગાલગાગા, ગાગાલગા' (ખફીફ)... વગેરે દીર્ઘ, મધ્યમ અને ટૂંકીબહરની ગઝલમાં જોવા મળતાં છંદ છે.
'લગાગાગા' ના આઠ આવર્તન અને અંતે 'લગાગા'થી બનતી ગઝલ 'નીકળી જવું છે બ્હાર મારે' જેમાં કવિએ કશાકમાંથી બહાર નીકળી જવાની વાત આલેખી છે.ગાજ, રાજ, રિવાજ, તાજ, દાઝ, રિયાઝ, જેવા કાફિયામાં 'જ' અને 'ઝ'નો પ્રયોગ મુક્તકાફિયા 'વર્ણ' તરીકે ખપમાં લેવાયો છે. 'સમયના ગાજ', 'સતત સળગાવનારી દાઝ', જેવાં ભાવકલ્પનો ગઝલની વિશેષતા બને છે. 'લગાગાગા' હજઝ છંદમાં લખાયેલી અન્ય ગઝલો જેવી કે 'રિયાઝ ચાલે છે હજી','જગતના મંચ પર', 'જોષી કને જઈએ જરા', 'હૃદય કે છે કે', 'હથેળીની પથારીમાં', 'હજી પણ છે યથાવત', વગેરે નોંધપાત્ર રચનાઓ છે. કલ્પન, પ્રતીક રદ્દીફ - કાફિયાની દૃષ્ટિએ કવિએ અભિવ્યક્તિનો ઉન્મેષ આલેખ્યો છે. 'જગતના મંચ પર' ગઝલનો દીર્ઘ રદ્દીફ 'છતાં પણ લ્યો તમે તારીખિયામાંથી હજી પાનુ નથી ફાડ્યું' વડે વાતચીતનો સંવાદ ઉભો કર્યો છે. આ ગઝલમાં મુક્તકાફિયારૂપે 'ઓછો', 'મોકો', 'હોલો', 'ખોબો', 'ઓરો', 'મોટો' સિદ્ધ કર્યા છે. 'કવિ આવો અને' ગઝલમાં કવિતા કરવા માટેનું આહવાન વર્ણવાયું છે. પેન, કાગળ, મિજાજી વાતાવરણ, મનગમતી પળ, ખુરશી, ટેબલ, ઈત્યાદિ સગવડીયું વાતાવરણ સર્જીને ગઝલ રચાય છે જેમાં હૃદયની વેદના, વ્યગ્રતા, યાદના પડઘા, સ્મરણ રક્તની નદીઓ, જખ્મો, આક્રોશ વગેરે અનુભૂતિજન્ય સામગ્રી ખપમાં લેવાઈ છે. 'રિયાઝ ચાલે છે હજી' ગઝલમાં ચુસ્તકાફિયા તરીકે 'તણી', 'નાગણી', 'ગણી', 'લાગણી', 'માગણી', 'લણી', 'ખણી', ઈત્યાદિમાં 'ણ'નું અનુરણન ઉભુ થયું છે. 'કહેતું હતું કે ક્ષણ ગઈ છે. આથમી છોડો મમત' ગઝલમાં અસ્તિત્વમૂલક કાફિયા જેવા કે, 'ખરવાપણું', 'ઠરવાપણું', 'ડરવાપણું', 'ફરવાપણું', 'ભરવાપણું', 'તરવાપણું' વિશેષ લાગે છે. તો 'અને થડ થરથરે' ગઝલમાં સમયની ગતિને આલેખી પડઘા, ઘટના, કરવા, કટકા, તડકા, ભ્રમણા વગેરે મુક્ત કાફિયા પ્રયોજ્યા છે જેમ કે,
'સમયના છે સતત પડઘા, હલે ડાળી, ખરે પત્તા અને થડ થરથરે
નિયમસર સૌ ઘટે ઘટના, હલે ડાળી, ખરે પત્તા અને થડ થરથરે' (પૃ. ૪૯)
કવિ મરણને ભ્રમણા કહે છે. વળી, 'હવાના પારખા' કરવાની વાતમાં ભાવનું ઉંડાણ જોવા મળે છે. 'હૃદય કે છે કે' ગઝલનો દીર્ઘ રદ્દીફ 'ટેકો અગર આવી મળે તો દોસ્ત બે-ચાર સેકંડ સ્થિર ઉભો રહી શકીશ' લઈને દિવાલ, વ્હાલ, ભાલ, ચાલ, ગઈકાલ, ઢાલ જેવા ચુસ્ત કાફિયા ગઝલનું સૌંદર્ય બને છે. 'મારા આયખાને' ગઝલ વિચાર સૌંદર્ય અને અભિવ્યક્તિની દૃષ્ટિએ ઉત્તમ ગઝલ છે. 'મારા આયખાને કંઈ ખબર પડતી નથી' એવો સ્વાનુભવ રદ્દીફ સાથે અંધાર, આકાર, ભાર, આધાર, વારંવાર, ચકચાર જેવા કાફિયા પોષક નીવડે છે. કવિ પોતાના આયખામાં ઘેર વળેલાં અંધારને, શૂન્યતાને, શ્વાસને, સૂનકારને ... પીડા રૂપે આલેખે છે. 'સ્વપ્નતા' જેવો અસ્તિત્વમૂલક શબ્દપ્રયોગ અને પ્રશ્નપ્રયુક્તિ ગઝલની નવીન રીતિ દર્શાવે છે જેમકે 'શું કરું? મંજુર રાખુ ? કે પછી સૌ રદ્દ કરું, આધાર? મારા આયખાને કૈ ખબર પડતી નથી' (પૃ. ૫૯). 'હું અને મારી હયાતી' ગઝલ, સંગ્રહની સૌથી દીર્ઘ પંક્તિ કે મિસરાવાળી ગઝલ છે. છે. જેમાં રદ્દીફ તરીકે 'ને થાય છે કે હું અને મારી હયાતી છે ફક્ત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈ નથી' (પૃ. ૬૫) આ રદ્દીફને દીર્ઘલયની ગઝલનો પ્રયોગ કહી શકાય. જો કે 'હયાતી' શબ્દ સિવાયના વધારાના શબ્દો લયપૂરક કે દીર્ધલય ઉભો કરવા કારણભુત લાગે છે. આ ગઝલમાં 'ખરે', 'તરવરે', 'ફરે', 'ફરફરે', 'કરગરે', 'કરે' જેવા ક્રિયાવાચક કાફિયા પ્રયોજ્યા છે. ગઝલમાં કવિએ કોઈક વ્યથા, ગૂઢવાતને નાટ્યાત્મક બાનીમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. જીવ, જીગત, ઘટના, જિંદગી ઈત્યાદિ વિશેનું ચિંતન ગઝલમાં છે. જેમ કે, ''આમ તો હું જીવ છું જળનો જ તેમજ ઓટને ભરતી સમી ઘટના અમારે મન હવે નૂતન નથી, આવે પ્રસંગો આંખ નામક મંચ પર ને તુર્ત એ ઘટના ઘટે, / પણ પછીથી છૂટવા માટે કિનારો કરગરે ને થાય છે કે હું અને મારી હયાતી છે ફકત બે ચાર શ્વાસોની કરામત બસ હવે એથી વધારે કૈ નથી. '' (પૃ. ૬૫)
'લગા લગા લગા' એવા કટાવના તાલબદ્ધ છંદમાં વહેતી ગઝલ 'અમારું એક વ્યાકરણ' શેરિયત અને શૈલીની દૃષ્ટિએ ઉત્તમ છે. રદ્દીફ પણ તેનો નવીન અને મર્મપ્રધાન છે, 'અહીં જ છે ધરમ કરમ અહીં જ છે જનમ, મરણ.’ 'કણ', 'આવરણ', 'ઝરણ', 'વ્યાકરણ', 'ગ્રહણ', 'રટણ', ઈત્યાદિ ચુસ્ત કાફિયા સાથે પ્રવાહિત ભાવગતિએ વહેતી આ ગઝલનો એક શેર જુઓ-
''ન નાત છે, ન જાત છે, ન દ્વેષ, હર્ષ, શોક જેવું કોઈ પણ અહીં હવે,
અહીં સમયનું છે રટણ, અહીં જ છે ઘરમ-કરમ, અહીં જ છે જનમ - મરણ'' (પૃ. ૩૪)
'કલમને ટાંકણું' ગઝલમાં પણ આ જ છંદ છે, જેમાં ઘણું, અણું, ટાંકણું, હોવાપણું, આપણું, ખણુ જેવા 'ણ'નું અનુરણન આપતાં કાફિયા અદભુત છે.
'ગાલગાગા'ના રમલ છંદમાં આલેખાયેલી દીર્ધ ગઝલોમાં 'પગેરુ'ના મળ્યું એનો મને અફસોસ છે. ગઝલ 'ગાલગાગા'ના પાંચ આવર્તનોમાં આલેખાઈ છે. કવિને આકાશનું, વાદળનું, ઝાકળનું, પળનું, છળનું આઘાતના તળનું પગેરું નહીં મળ્યાનો અફસોસભાવ ગઝલમાં ઘૂંટાયો છે. 'હાથમાં છે પેનને ગઝલમાં 'ગાલગાગા'ના આઠેક આવર્તનો છે. 'આખરે !', 'અવસરે', 'ઘરે', 'ખોતરે', 'શિખરે', 'ખરે', એવા કાફિયા સાથે 'તુજને મળીશ એવું કહીને લ્યો હવે હોવાપણું મુજ હાથથી છટકી ગયું. દીર્ધ રદ્દીફ નિરૂપીને નોંખી ભાત સર્જી છે. ગઝલમાં કલ્પનો પણ અદભુત છે. જેમકે, 'આંખની કીકી તણા હર અવસરે', 'વીતક ક્ષણોના કાફલા', 'જિંદગી પણ શ્વાસ કેરા કાંકરે' વગેરે એજ રીતે, 'છોડો મમત', ગઝલમાં 'ગાલગાગા'ના છ આવર્તન અને અંતે 'ગાલગા'નું દૃષ્ટાંત મળે છે.
દીર્ધલયની ગઝલની જેમ ટૂંકી બહેરની ગઝલના દૃષ્ટાંતો પણ સંગ્રહની વિશેષતા બન્યાં છે. 'ગાલગાગા, ગાલગાગા ગાલગા' કે 'ગાલગાગા ગાલગાગા' છંદમાં મળતી ગઝલો છે - 'આગના ઓથારમાં', 'ઈશ્વર મળે', 'વ્હાણની આંખે', 'પંપાળવામાં', 'પરવા નથી', 'વાવેતર અહીં', 'આગવા', 'મિજાજનું', 'પ્રસ્તાવ પટ', 'આગના દસ્તૂર', 'હાથતાળી', 'નાવ', 'શ્વાસનાં પાણી', 'આગિયાના ઉંટ', 'પડઘા ખરે', 'દુઃખની દુનિયા', 'વરસી ગયા', 'પાછું ફર્યું', 'પાનખરનું ઘર',’ધૂળ્નોઢગલો’ વગેરે. એક - બે ઉત્તમ શેર જોઈએ.
''આગ પાણી બેઉમાં જોવા મળીશું, આગવા મિજાજનું સુકાન છીએ'' (પૃ.૨૧)
''જીવવાનું એ ક્ષણે દુષ્કર હતું, આંખ સામે જ્યાં સળગતું ઘર હતું'' (પૃ. ૫૦)
કવિ પાસે કાફિયાની ભરમાર છે. સંજ્ઞાવાચક, ક્રિયાવાચક, ગુણવાચક, તો કેટલાંક તદ્દન નવીન કાફિયા પણ ગઝલમાં છે. જવા, હવા, આવવા, ચાલવા, થવા, શોધવા / ઠોકર, પગભર, ઈશ્વર, ઘર, ઉંબર / પરબારી, લાચારી, ખુદ્દારી, ભારી, મઠારી, ઈમાનદારી, દુનિયાદારી / સુઝાવ, દાવ, ભાવ, સરપાવ, ઘાવ, બદલાવ / પગલા, તણખા, સણકા, ફણગા, તડકા, નકશા, ઝરણાં / ઠારવામાં, દાંઝવામાં, બાંધવામાં, મારવામાં, આપવામાં, પંપાળવામાં / ગુંથાયા, પડછાયા, તરડાયા, છાયા, ફણગાય, ઝગમગાયા / હાડમારી, નાચનારી, મદારી, પથારી, અટારી, સારી / તણી, ગણી, લાગણી, માંગણી, લણી, ખણી / ગાળા, અજવાળા, ડાળા, ગરમાળા, માળા, જાળા / હેરાન, વેરાન, પાન, સુકાન, વરદાન, ગાન, સન્માન / છળ, જળ, વમળ, પડળ, ફળ, વમળ, પળ.. વગેરે. હમરદ્દીફ - હમકાફિયાની ખૂબ ઓછી છતાં કલાત્મક ગઝલ પ્રાપ્ત થાય છે. જેમ કે, 'પડઘા ખરે' ગઝલનો એક શેર- ''લાગણીઓ એટલે કાયમ ઝરે, કોઈ મારી ભીતરે હરફર કરે'' (પૃ. ૩૩)
'પંપાળવામાં', 'નયનની અટારી', 'ડાળમાં', 'સ્મિત મર્માળુ', 'રવાના', 'ઘાવનું ઉંડાણ', 'પ્રાંતઃકાળમાં', 'અકસ્માતમાં', 'નાવ', 'હળુંહળું', 'નદી જે કદી' વગેરે હમરદ્દીફ - હમકાફિયા ગઝલો છે અર્થાત રદ્દીફ વિનાની કાફિયાગઝલ.
ટૂંકીબહરની ગઝલોમાં, 'ગાગાગાગા' છંદમાં 'સપનાઓ', 'આવક થઈ ગઈ', 'બાંધી છે', 'પર્વતના આંસુઓને', 'પગલાની દીવાલ', 'હળુંહળું', 'કોને કહેવું', 'અકસ્માતમાં' વગેરે ઉલ્લેખનીય રચનાઓ છે. આ પ્રકારની રચનામાંથી જન્મતું સંગીતતત્વ ગીતના લયની પ્રતીતિ કરાવે છે. એક-બે શેર જોઈએ.
'અજવાળાના છળમાં ડૂબ્યા, સપ્નાઓ ઝળહળમાં ડૂબ્યા' (પૃ. ૨૩)
ટહુકાઓની બેઠક થઈ ગઈ, સુક્કી ડાળે ચકમક થઈ ગઈ. (પૃ. ૫૨)
દરિયા, નદીઓ, આંખો શું છે ? પાણીની સાંકળ બાંધી છે. (પૃ. ૫૬)
કવિઓ કલ્પના વિહારી હોય છે, કલ્પનાના સાગરમાં ડૂબીને સતત અર્થ, શબ્દનું સૌંદર્ય ઉજાગર કરનારા કલ્પનો, પ્રતીકો ગઝલનું શાબ્દિક તેમજ અર્થ સૌંદર્ય પૂરું પાડવામાં ભાગરૂપ નીવડે છે. કવિ જિતેન્દ્ર પ્રજાપતિની ગઝલમાંથી સાપડેલ કલ્પન-પ્રતીકની ભરમારના કેટલાંક દૃષ્ટાંતો - 'પીડાની પથારી'(રૂપક), 'નયનની અટારી(રૂપક)', 'પ્રણયની ફસલ'(કલ્પન), 'સમય હોલો'(પ્રતીક), 'દીવાના શ્વાસ'(સજીવારોપણ), 'દર્પણના પાતાળમાં'(કલ્પન), 'અંધારાના જળ'(કલ્પન), 'આગિયાના ઉંટ' (કલ્પન), 'દીવાને સ્મિત'(કલ્પન), 'બર્ફ જેવી ઈચ્છાઓ'(ઉપમા અલંકાર), 'મત્સ્ય સમ જીવન' (ઉપમા), 'હવાના પારખા' (માનવ સંવેદન), 'ટહુકાઓની બેઠક'(સાદ્દશ્ય અલંકાર), 'પાણીની સાંકળ' (કલ્પન), 'વ્યોમનો કાગળ'(કલ્પન), 'પરપોટાના ક્યારા'(કલ્પન), 'સ્મરણ પલળી ગયું'(સાદશ્ય અલંકાર), 'હથેળીની પથારી'(કલ્પન), 'વ્યથા પણ લાલપીળી'(સાર્દશ્ય), 'પીડા લાલમલાલ' (સાર્દશ્ય), 'પગલાની દીવાલ'(કલ્પન), 'આયખાની ઈમારત'(સાર્દશ્ય), 'પ્રસંગોની વણઝાર'(કલ્પન), 'યાદનો પડદો'(કલ્પન), 'નયનનું ગગન'(કલ્પન), વગેરે કલ્પન, પ્રતીક, અલંકાર ઈત્યાદિ ભાષા પ્રયુક્તિઓ કવિની બળકટ ગઝલરીતિ દર્શાવે છે.
આમ, સાંપ્રત સમયના ગઝલકારોમાં કવિ જિતેન્દ્ર પ્રજાપતિનું ગઝલસર્જન સાચા અર્થમાં ગઝલ ગંગોત્રી બની રહે છે. જાત અનુભવોની અનુભૂતિ સુંવાળા શબ્દ પ્રતીકો, કલ્પનો, અલંકારોમાં ગૂંથીને શબ્દાર્થની હારમાળા રચવી એ પ્રતિભાશાળી વ્યક્તિનું કામ છે ને એવી ઉર્જા આ કવિમાં અનુભવાય છે. ગઝલ સંગ્રહનું શીર્ષક 'પરબીડિયામાં હવા મોકલી છે' પ્રથમ નજરે જ હૃદયને સ્પર્શી જાય તેવું શીર્ષક છે. કવિએ પોતાની જાતઅનુભૂતિની હવા ભાવક સુધી ગઝલના પરબીડિયામાં મોકલી છે ને ભાવક તરીકે જેને આ 'હવા' સ્પર્શી છે તે કવિ જિતેન્દ્ર પ્રજાપતિના એક ઉત્તમ શેર સાથે સહમત થઈ શકે, ''આગ-પાણી બેઉમાં જોવા મળીશુ, આગવા મિજાજનું સુકાન છીએ'' (પૃ. ૨૧)
'આગવા મિજાજના સુકાન' એવા આ કવિ પાસેથી ગુજરાતી સાહિત્ય ગઝલક્ષેત્રે હજુ ઉમદા ગઝલની અપેક્ષા સેવે છે. મનભાવન ગઝલ સર્જન માટે કવિને અભિનંદન અને શુભેચ્છાઓ.
સંદર્ભ: :
1. ‘પરબીડિયામાં હવા મોકલી છે’ (કવિ જિતેન્દ્ર પ્રજાપતિ)