Download this page in

દલિત નારીવાદ : ‘સાવિત્રી’ નવલકથાના સંદર્ભે

ભારતને હંમેશા અવતારોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. દરેક અવતારોમાં માતાનું સ્થાન મોખરે છે. કોઈ પણ યુગ લઈએ, નારીના અસ્તિત્વનો હંમેશા સ્વીકાર થયો છે, પરંતુ દરેક યુગમાં સમાજ હંમેશા પુરુષપ્રધાન જ રહ્યો છે. પ્રત્યક્ષ રીતે નારીનાં ઘણાં બધાં રૂપો છે. સત્ય, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, ત્યાગ, બલિદાન, શક્તિ કે પ્રેરણા જેવાં અનેક શબ્દોથી પ્રયોજવામાં આવે છે. પરંતુ પરોક્ષ રીતે? પરોક્ષ રીતે તો નારીને ફક્ત ભોગ, વિલાસ અને ઘરની સજાવટના સાધન તરીકે જ ઉપયોગ કરવામાં આવી છે. મનમાં આવ્યું તો સજાવીને રાખે, મન થયું તો ઢીંગલીની માફક રમી લે. અને મન થયું તો એ જ ઢીંગલીને તોડીને ફેકી પણ દે..! દરેક સ્ત્રી મનુષ્ય છે, પણ દરેક મનુષ્ય સ્ત્રી નથી..! સ્ત્રી જન્મતી નથી, જન્મબાદ તેને સ્ત્રી બનાવવામાં આવે છે. જન્મ તો દરેક વ્યક્તિ મનુષ્યના રૂપમાં જ લે છે. ફક્ત લૈંગિક ભિન્નતા ધરાવતી હોય છે. અને આ દૈહિક ભિન્નતા નૈસર્ગિક છે અને સંસારનો પ્રવાહ અસ્ખલિત રહે તે માટે જરૂરી પણ છે. જન્મબાદ તેને જે સંસ્કાર અને માનસિકતા થોપવામાં આવે છે, તે જ તેને સ્ત્રી કે પુરુષ બનાવે છે. તો દૈહિક ભિન્નત્વ કોઈને હીન કે શ્રેષ્ઠ માનવાનો માપદંડ કેવી રીતે હોઈ શકે? સશક્ત સ્ત્રીનો અર્થ પણ માનવી હોવું છે. એમાં પણ પુરુષના જેવી અને જેટલી જ શક્તિઓ છે. દુર્બળતા પણ છે અને એ મનુષ્યની પૂર્ણતા પણ છે. નારીવાદનો મુખ્ય ઉપક્રમ પણ સ્ત્રી પુરુષના જેન્ડરને ગૌણ માની બેઉ મનુષ્ય છે અને બંને સમાન છે તે જ છે. બંને ઝુંબેશના કેન્દ્રમાં તો સમાનતાની માંગણી જ છે. આ જ લૈંગિક ભેદને કારણે સ્ત્રીને કોઈ અન્યાય કે અત્યાચારના ભોગ બનવું પડે કે એનો દરરજો નીચો ગણાય તો એ થયો નારીવાદ.

દલિત નારીવાદ એ નારીવાદનો જ એક ભાગ છે. પરંતુ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે. સવર્ણ સ્ત્રી – સ્ત્રી હોવાને લીધે પીડાનો ભોગ બને છે, જયારે દલિત સ્ત્રી ત્રણ શાપને લીધે પીડાય છે. એક તો સ્ત્રી હોવું, સાથે દલિત હોવું અને દરિદ્ર હોવું. પરંપરાથી જાતિવ્યવસ્થાનો ભોગ બનેલી પીડિત, અપમાનિત, અસ્પૃશ્ય કે સમાજથી તિરસ્કૃત સ્ત્રીઓ દલિત નારીવાદનો મુખ્ય વિષય બની રહે છે.

આજના સંદર્ભે વાત કરીએ તો આ યુગના સમગ્ર સાહિત્યમાં નારીસાહિત્યની એક આગવી ધારા વહે છે. પરંતુ એમાં મૂળ વાત એ છે કે નારીસાહિત્યમાં પણ દલિત નારીની વેદના, સંવેદના, વ્યથા, પીડાને ઉજાગર કરતું સાહિત્ય કેટલું? જવાબમાં પણ પ્રશ્નાર્થ જ છે.

દુનિયાની પ્રાચીન સંસ્કૃતિઓથી માંડી સાંપ્રત સમય સુધીમાં સ્ત્રીનું સ્થાન સતત બદલાતું રહ્યું છે. એક સમય એવો પણ હતો જયારે સ્ત્રી પુરુષની સમક્ષ નજર મેળવી વાત પણ કરી શકતી નહોતી. ‘બાઈ ભણે તો તેનો ધણી મરી જાય’ જેવી અનેક પરંપરાગત માન્યતાઓ ધરાવતી સમાજવ્યવસ્થા ચાલતી હતી. દલિત સમાજ અને ખાસ કરીને દલિત સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ નાજૂક હતી. એવા સમયે અછૂત અને દલિત અત્યાચારોને ઉત્તર આપવા રૂઢિગત વ્યવસ્થાને પલટાવી, પોતાના જ પતિ પાસે શિક્ષણ મેળવી, સ્ત્રી શિક્ષણ અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટેનો પાયો બાંધવો એ કોઈ નાની-સુની બાબત ન કહેવાય..! આવા મહાન કાર્યો કરનાર દલિત કુટુંબની જ એક સ્ત્રી એટલે કે ‘સાવિત્રીબાઈ ફૂલે’. મહાત્મા ફૂલે અને તેમનાં ધર્મપત્ની સાવિત્રીબાઈ ફૂલેએ શુદ્રો-અંત્યજો, અસ્પૃશ્ય, દલિતો તેમજ સ્ત્રીઓ માટેની દેશની સર્વપ્રથમ ‘શૂદ્ર-શાળા’ તેમજ ‘શૂદ્ર-કન્યાશાળા’ શરૂ કરી. શિક્ષાના માધ્યમ દ્વારા સમાજમાં એક અલગ જ ક્રાંતિ સર્જી. અવિસ્મરણીય અને પ્રસંશનીય સમાજસેવા કરવામાં દલિત સ્ત્રી તરીકે તેમણે અગણ્ય મુશ્કેલીઓ વેઠીને પોતાનું સમગ્ર જીવન સ્ત્રી સેવામાં સમર્પિત કર્યું.

આ નિમિત્તે શ્રીમતિ દક્ષા દામોદરાએ સાવિત્રીબાઈ ફૂલેની જ જીવનકથનીને ‘સાવિત્રી’ નવલકથા સ્વરૂપમાં પ્રગટ કરીને સ્ત્રીના અલગ-અલગ વ્યક્તિત્વનું આલેખન કર્યું. મહત્વની વાત તો એ છે કે શ્રીમતિ દક્ષા દામોદરાએ આ નવલકથા નિમિત્તે દલિત નારીની વ્યથા વેદનાનું આબેહુબ ચિત્રણ તાદ્રશ્ય કર્યું છે.

લેખિકાએ નવલકથામાં આવતાં સવર્ણ પાત્રોની સાથે દલિત પાત્રોને પૂર્ણ સજ્જતાથી અને તેના ગૌરવને હાનિ ન થાય તે રીતે આલેખ્યાં છે. જેમાં સાવિત્રીનું પાત્ર ખૂબ જ નાજૂકતા અને પૂર્ણ તટસ્થતાથી ચીતર્યું છે. સાવિત્રીબાઈ દેશનાં સર્વ પ્રથમ સ્ત્રી-શિક્ષિકા અને નારી મુક્તિ આંદોલનનાં અગ્રેસર. આ સ્ત્રીને શત શત વંદન..! જે પોતે અશિક્ષિત હોવા છતાં પતિ પાસે શિક્ષણ મેળવી શુદ્ર બાલિકાઓને શિક્ષણ આપવા સુધીનાં અનેક ભગીરથ કાર્યો કરે છે. જે ‘શિક્ષણ પ્રાપ્તિ’ને જ બધા પ્રશ્નોનો રામબાણ ઈલાજ માને છે. જે સશક્ત નારીનાં બધાં જ રૂપો જેવાં કે કામયાબ ગૃહિણી, પત્ની, પુત્રવધુ, પાલક માતા, સમાજ સેવિકા, શિક્ષિકા, કવયિત્રી તરીકેની જવાબદારી નિભાવવામાં હંમેશા સક્ષમ રહ્યાં. જે સામાન્ય સ્ત્રીની જેમ જ આગળ વધતા ડર અનુભવે છે. મૂંઝવણના લીધે પીછે હઠ કરવા પણ તૈયાર થાય છે. પણ ફરી પોતાના મનને સાચી દિશા તરફ વાળે છે. સ્ત્રી સહજ સંવેદનાઓ વચ્ચે ઘેરાતી, બાળક ન થતાં વ્હેમાતી કે, મારું આ કાર્ય પાપ છે. તેની તો આ સજા નથી ને.! ફરીથી પોતાને જલ્દીથી સ્વસ્થ કરી પાલકમાતા તરીકેની જવાબદારી પણ એટલી જ લાગણીથી નિભાવે છે. પતિને સંપૂર્ણ સહયોગ આપી, ‘કોઈપણ સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે’ એ માન્યતાને સાચી ઠેરવતી મક્કમ છતાં પતિવ્રતા ભારતીય સ્ત્રી પાત્ર છે. પોતાની તકલીફને સહજતાથી છુપાવી, પળે-પળ પતિનું મનોબળ વધારવાનું કાર્ય કાળજીપૂર્વક કરે છે. પતિના યુગપ્રવર્તક વિચાર-વલણને તન, મન, ધનથી સહયોગ આપવામાં સાંપ્રત સમયની દરેક સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ માટે મિશાલ બને છે.

મોગલ સલ્તનતનો અંત આવ્યા બાદ ઈ.સ.૧૮૧૭ની આસપાસ ભારતમાં અંગ્રેજોનું શાસન ચાલ્યું . જેના લીધે અનેક ક્રાંતિકારી પરિવર્તનો આવ્યાં. જેમાં મરાઠાઓના આક્રમણો અને ખરાબ વ્યવહારને કારણે પ્રજાને ભારે હેરાનગતી ભોગવવી પડી. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની વચ્ચે પણ સંઘર્ષ થયો. સખત પ્રયત્નો કરવા છતાં અંગ્રેજી કેળવણીનો ફેલાવો રોકવો અશક્ય બન્યો. કારણ કે ઉચ્ચા હોદ્દાની નોકરી માટે અંગ્રેજી અનિવાર્ય ગણાતું. જે ફક્ત ઉચ્ચવર્ગ માટે જ શક્ય હતું. તેથી ભદ્ર વર્ગ તે વખતે શિક્ષા અને નોકરી મેળવવા સક્ષમ બન્યો. પરંતુ આ પરિસ્થિતિની ખરાબ અસરનો ભોગ બન્યો દલિત સમાજ. શિક્ષણથી વંચિત રહેવાના લીધે, અજ્ઞાનતા, સતીપ્રથા, કુરિવાજો, દંભ-લાલચ, ઉચ્ચ-નીચના ભેદો, અંધશ્રધ્ધા, વ્હેમ, બાળવિવાહ, સતીપ્રથા, લાજ કાઢવી, બાળકીને દૂધ પીતી કરવી, ધાર્મિક ક્રિયાકાંડો જેવી અનેક સમસ્યાઓએ સમાજમાં ઘર કર્યું. પરિણામે શૂદ્રોને તો ભણવા-ગણવાનો કોઈ જ અધિકાર નથી એવું કટ્ટર વાતાવરણ સર્જાયું. એટલું જ નહીં, તેઓને સામાન્ય ભૂલની સજા રૂપે હાથીના પગ નીચે કચડવા, દલિત સ્ત્રીઓના જનાંગો પર ડામ દેવા, બાળકો શાળામાં સ્વેચ્છાએ પ્રવેશ ન કરે તે માટે તેમની સાથે અભદ્ર વ્યવહાર, મહાર-માંગના ધરતી પર પડેલા પગલાંનાં નિશાનને ભૂસવા માટે કમરે સાવરણી બાંધી ફેરવવા, જેવી અનેક સમયોનો ભોગ દલિત સમાજ બન્યો.

એક દિવસ સાવિત્રીના પતિ જ્યોતિબા ફૂલે પણ તેનો શિકાર બને છે. સાવિત્રીના એ જ સંસ્મરણો સાથે નવલકથા આરંભાય છે. ફ્લેશબેક પદ્ધતિથી નવલકથા આરંભાય છે. પતિ જ્યોતિબાને તેના સવર્ણ મિત્રના લગ્નમાં દલિત હોવાના લીધે હડધૂત કરવામાં આવે છે, એ વાત તેમને ખૂબ જ આઘાત અને અપમાન જનક લાગે છે. આવી અપમાનની આગને બુઝાવી શસ્ત્ર અને સરંજામ બનવાનું કાર્ય અહીં નારીશક્તિ રૂપ સાવિત્રી કરે છે. ભારોભાર વેદના સામે દીર્ધ દ્રષ્ટા સાવિત્રીનાં મુખે બોલાયેલા શબ્દો નવજાગૃતિ માટે સૂચક બન્યાં. “હૈયે બળતી અપમાનની આગને ક્રાંતિની મસાલમાં પલટાવી નાખો સ્વામી.! તમારી પીડાના મૂળને પરખો સ્વામી.! અને એના વિચ્છેદ માટે વિનાશને બદલે નિર્માણનો માર્ગ પસંદ કરો. (પૃ. ૯-૧૦).

સાવિત્રીના આ અનોખા રૂપને જોઇને જોતીરાવને આશ્ચર્ય થાય છે. એમને જાણ થાય છે કે સાવિત્રી કશુક અસાધારણ કરવા જન્મી છે. ને સાચે એવું જ થાય છે. તે પતિની શિષ્યા બને છે, અશિક્ષા વિરુદ્ધની જંગમાં, અણખેડ્યા પંથ પર પતિની સહ્પંથી બને છે. સમાજમાં ચાલતી આવતી વર્ષો જૂની જાહિલ અને બેબુનિયાદ માન્યતાઓને બાજુમાં રાખી, પોતાનાં બાળકોની ઉંમરનાં છાત્રો સાથે બેસીને વિદ્યાભ્યાસનો સંકોચ, છાત્રો દ્વારા થતી રમૂજ અને કેટલાંય સમયથી હિજરાતી માતૃત્વની અધુરી અબળખાની પીડાને ભૂલી જઈ અક્ષરજ્ઞાન આરંભે છે. જે આજે પણ દલિત સમાજમાં શિક્ષણથી વંચિત રહેનાર સ્ત્રીઓ માટે પ્રેરણાસમ રહ્યાં છે.

‘સંભવ છે.. નારી મુક્તિના ભાવી આંદોલનની નાંદી બની રહે આ ઘંટનાદ.’ જોતીરાવ, સાવિત્રી, સગુણાતાઈ, બાળમિત્રો સદાશિવ, સખારામ, મોરોપંત અને તાત્યાસાહેબના સહયોગથી વિશ્વની સર્વપ્રથમ ‘કન્યાશાળા’ શરૂ કરે છે. અહીં ઘંટનાદ નારી મુક્તિના ઉજ્જવળ ભવિષ્ય તરફ આંગળી ચીંધે છે. કહેવાય છે ને, ‘સારા કામમાં સો વિધ્ન’. શાળા શરૂ થતાંજ બ્રામ્હણો તેમજ ગામના લીકો તેઓને રોકવાના ઘણા નિષ્ફળ પ્રયત્નો કરે છે, અંતે જ્ઞાતિ-બહિષ્કૃત કરવાના ડરથી સાવિત્રી સાથેના શિક્ષકો કામ છોડી દે છે. આવી કઠિન પરિસ્થિતિમાં સાવિત્રી શિક્ષિકા બનવાની અગત્યની ભૂમિકા પણ ભજવે છે. શાળાએ આવતાં જતાં અનેક મહેણાં-ટોણાં, અપમાન જનક શબ્દો, અગણ્ય નઠારા અનુભવોનો ભોગ બનવું પડે છે. ગામડાંનાં લોકો દ્વારા થતાં કાદવ-કિચડના અભિષેકને પણ પોતાનું બહુમાન સમજી સાવિત્રી પોતાની પ્રતિબધ્ધતાને પરાજયમાં પલટાવા દેતી નથી. આ અપમાનજનક પરિસ્થિતિની હદ્દ પાર થતાં એક સમય એવો આવે છે કે સદીઓ જૂની શૂદ્રો, અછૂતો અને સ્ત્રીઓ ઉપર થતી વેદનાનો ઉત્તર થપ્પડ દ્વારા આપવા સુધીની હિંમત સાવિત્રીમાં એકઠી થઇ જાય છે. રોજ કાદવ કિચડ અને ગાળોને મુંગા મોઢે ઝેલનારી સાવિત્રી આવો વિસ્ફોટક પ્રત્યાઘાત આપી શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે! આ જ તો એક દલિત સ્ત્રીની તાકાત હોવી જોઈએ. જે મૂંગા મોઢે અસહ્ય વેદનાઓને સહન પણ કરી શકે અને જરૂરત જણાય ત્યાં તમાચા દ્વારા ઉત્તર પણ આપી શકે! લોકોના જ્ઞાતિ બહિષ્કૃતના ડરથી પિતા દ્વારા સાવિત્રી અને જોતીરાવને ઘર નિકાલનો ભોગ બનવું પડે છે. છતાં આ દંપતિ બ્રામ્હણવાદ અને અશિક્ષા વિરુધ્ધની જંગ દ્વારા અંત્યજોના જીવનને યુગોથી ઘેરી વળેલી અંધકારની છાયને દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવે છે.

‘સમય ભલે નિર્મમ હોય, પણ એ માત્ર લેતો જ નથી, ઘણું દેતો પણ હોય છે’. આ વિધાન નવલકથામાં યથાર્થ ઠરે છે. આ દંપતી દ્વારા કરાયેલી ‘સત્યશોધક’ સમાજ’, ‘બાળહત્યા પ્રતિબંધક ગૃહ’(અનાથાશ્રમ)ની સ્થાપના એ તેનું પરિણામ છે. જે ફક્ત અનાથાલય ન રહેતાં, વર્ષોથી ખાલી રહેલી કોખને પોતાનું દુર્ભાગ્ય સમજતી સાવિત્રીને માટે તે વરદાનરૂપ બની રહે છે. કારણકે અહીં વર્ષો જૂની માતૃત્વની ઝંખના અંત રૂપે સાવિત્રી બ્રામ્હણ બાળવિધવાના અવૈધ સંબંધોથી જન્મેલા, બે દિવસના તરછોડાયેલા બાળકની પાલકમાતા બને છે. એક સ્ત્રીના માતા બન્યાં પછીનાં બદલાયેલાં રૂપનાં દર્શન પણ અહીં થાય છે. ફક્ત એક બાળક જ નહીં આ સ્ત્રી તો જગતનાં તરછોડાયેલાં આવાં અનેક બાળકોને પોતાના હૈયામાં સમાવી લેવાની શક્તિ ધરાવે છે. જેમ-જેમ કથાવસ્તુ આગળ વધે છે તેમ તેમ એક સ્ત્રી શક્તિની તમામ ક્ષમતાઓ આપણી સમક્ષ ઉભરતી આવે છે. જે સાવિત્રીની આંગળીઓ એક સમયે પારકા ઘરનાં ગોદડાં સીવતાં- રક્તની ટશરોથી ફૂટી આવતી એ જ આંગળીઓ અર્થસભર શબ્દોનું સર્જન કરવા તરફ વળવા લાગે છે. જેને ‘કાવ્ય ફૂલે’ દ્વારા પુસ્તકદેહ રૂપે પ્રગટ કરવામાં આવે છે. એક કુશળ શિક્ષિકાની વિદ્યાર્થીનીઓમાં પણ તેમનું પ્રતિબિંબ જોવા મળે છે. પરિણામ સ્વરૂપ તેમની કન્યાશાળાની જ વિદ્યાર્થીની દ્વારા સ્વલિખિત નિબંધ વાંચન કરે છે અને શિક્ષાનું મહત્ત્વ આંકે છે. “શિક્ષા એ અંધકારનો દુશ્મન છે. સ્ત્રીના સૌભાગ્યનો નહીં.” જે સ્પષ્ટપણે સ્ત્રી શિક્ષા અભિયાન તરફ આંગળી ચીંધે છે.

જોતીરાવની અસ્વસ્થ તબિયતના લીધે સાવિત્રી બધાં જ કાર્યોની જવાબદારી પોતે સ્વબળે નિભાવે છે. સાવિત્રીનાં જીવનને જોતાં સ્ત્રીને અર્ધાંગના નહીં, પૂર્ણાગના કહેવામાં સે’જ પણ અતિશયોક્તિ નહિ થાય. પતિના મૃત્યુના આઘાત બાદ પણ સાવિત્રી સમાજસેવિકા તરીકેની જવાબદારી તટસ્થ રીતે નિભાવે છે. તેમનાં વક્તવ્યો દલિત –શૂદ્રો અને સ્ત્રીઓને રાષ્ટ્રવાદ અને હિંદુ પરંપરા પ્રત્યે જાગૃત કરે છે. નવલકથાના અંતે પ્લેગગ્રસ્ત પીડિત લોકોની સેવા કરતાં કરતાં જ સાવિત્રીના જીવનનો પણ અંત આવે છે. ક્ષર દેહે મૃત્યુ પામેલી સાવિત્રી અક્ષર દેહે આજે પણ દેશની હજારો સ્ત્રીઓની સુષુપ્ત શક્તિઓને જીવન અર્પિત કરે છે. સાવિત્રીબાઈના જીવન કર્મને ઓળખવું – પારખવું અને જીવનમાં ઉતરવું આજની નારી માટે એટલું જ જરૂરી છે.

જ્યોતિબા ફૂલેનાં જ વાક્યોમાં કહીએ તો, ‘પુરુષ કરતાં સ્ત્રી વધુ શ્રેષ્ઠ અને શક્તિવાન હોય છે! જેના મનોરથો દ્રઢ મનોભૂમિની પેદાશ હોય છે, તે ભયંકરમાં ભયંકર પથ પણ પાર કરી જતાં હોય છે. આત્મબળથી.’ – સાવિત્રીનું આ જ આત્મબળ દરેક સ્ત્રીને સશક્ત નારીની ઓળખાણ આપે છે. માત્ર રાજકીય, આર્થિક, સામાજિક સમાનતાથી સ્ત્રીની મુક્તિના માર્ગો નથી ખૂલવાના. જ્યાં સુધી સ્ત્રી સ્વયં ભાવનાત્મક સ્વાતંત્ર્ય નહીં મેળવે ત્યાં સુધી એની મુક્તિના માર્ગો એ પોતે જ બંધ કરી રહી છે એવું સિધ્ધ થતું રહેશે. જગતે જ નારી પરત્વેની દ્રષ્ટિ નથી બદલવાની. નારીએ પણ જગત પ્રત્યેની અને પોતાની જાત પ્રત્યેની પણ દ્રષ્ટિ બદલાવવાની છે.

અવની સોલંકી