રાશવા સૂરજ – નોંધપાત્ર દલિત નવલકથા
દલપત ચૌહાણની ‘રાશવા સૂરજ’ નવલકથામાં નવલકથાકારે આઝાદી પૂર્વેના ગ્રામ પરિવેશ, દલિતો પર થતાં અત્યાચારો, સામાજિક અસમાનતા, સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે આચરવામાં આવતી અસ્પૃશ્યતા, દલિતોનું શહેરો તરફનું પ્રયાણ, દલિત સમાજના આપસી સંબંધો, તૂટતા જતાં ધંધાઓ અને સમાજમાં આવી રહેલી જાગૃતિ, દલિત-અદલિત સમાજ સાથેના સંબંધો તથા વણાટકામની સંસ્કૃતિ વગેરે મુદ્દાઓને અસરકારક રીતે નિરૂપ્યા છે. દલપત ચૌહાણે નિવેદનમાં નોધ્યું છે: ‘‘ ‘ભળભાંખળું’ કથાનું વિષયવસ્તુ કે કથા સ્વયમ દલિત સમાજ અને અદલિત સમાજને, કહો, આખા ગામને લઇ આગળ ચાલે છે, તેનું ચિત્રણ ગુજરાતી સાહિત્યમાં પહેલીવાર પ્રકાશિત થાય છે અને બાકી રહેલ અજાણી ઘટનાઓ ,પાત્રોને આલેખવા મારે ‘રાશવા સૂરજ’નો આશરો લેવો પડ્યો છે.’’ લેખક આ કથામાં દલિતોની ક્રમિક વિકાસની વાત માંડે છે.
વાલાની દીકરી મણિના લગ્ન વખતે જાન વિદાય લઇ રહી હતી ત્યારે ગામના ઠાકોરો જાનૈયાઓ પર પથ્થરમારો કરે છે. પથ્થરમારાનું કારણ એટલું જ હતું કે વાલાએ નાતરિવાજ પાળીને દીકરીને લગ્નમાં ઘડો-બેડું આપ્યાં . એક દલિત ઊઠીને ઘડો-બેડું આપે એ ઠાકોરોથી કેવી રીતે સહેવાય! આજ કારણથી પથ્થરમારો થયેલો અને રાત્રે વણકરોના ખાદરામાં છાણ નાખવાનો પ્રયાસ થયેલો પરંતુ પશા નાથાની સમયસૂચકતાને લીધે આ પ્રયાસ નિષ્ફળ નીવડેલો. ગામડામાં જોવા મળતા ઊંચ-નીચના ભેદભાવને અહીં ઉજાગર કર્યો છે. પશા નાથા અને વણકરવાસના અન્ય વણાટકામ સાથે જોડાયેલા છે. તેઓને વણાટકામ માટે સુતર લેવા છેક તાલુકે જવું પડે છે. એકવાર પશા નાથા વણાટનું પોટલું લઇ તાલુકે જાય છે ત્યારે તેમની સાથે એક ઘટના બને છે. તાલુકાની ભાગોળે રબારી ગાયોનું ધણ લઈને જતો હતો. ધણથી આગળ બે-ત્રણ સ્ત્રીઓ જઈ રહી હતી. એકાએક ગાયોના ટોળા તરફ મધમાખીઓનું ઝુંડ ઊડતું ઊડતું આવ્યું. એક બે ગાયોને મધમાખી કરડી. ગાયો ભડકીને નાઠી અને પેલી સ્ત્રીઓ પર હુમલો કર્યો. એક સ્ત્રીને શિંગડે ભરાવી દીધી. જીવના જોખમે પશા નાથા ગાય સાથે સંઘર્ષ કરીને પેલી સ્ત્રીને બચાવે છે. અચાનક પેલી સ્ત્રીની નજર પશા નાથાના પોટલા તરફ જાય છે.તેને ખબર પડી જાય છે કે તેને બચાવનાર ઢેડ છે એટલે ગુસ્સે થઇ પશા નાથાને સંભળાવે છે: ‘‘અરર ....તારી બુનના ધણી ! કાંઈ ભાનબાન સઅ કઅ નઈ! ઢેડ થઈનઅ મારો હાથ ઝાલ્યો? મનઅન અભડાઈ ...તારી ......’’૧ ‘ધરમ કરતાં ધાડ પડી’ જેવી સ્થિતિ નિર્માય છે.પોતાનું જીવન હોડમાં મૂકી પેલી સ્ત્રીને બચાવી છતાંય એ સ્ત્રીએ કવેણ સંભળાવ્યા. અહીં સવર્ણોની ક્રૂર માનસિકતા છતી થાય છે. મુસ્લિમ વોરાની દુકાને પહોંચેલા પશા નાથાને વોરો દૂર ઊભો રાખી ઊંચેથી પાણી પીવડાવે છે. શહેરમાંથી ઝડપભેર ખરીદી કરી ગામ પરત ફરી રહેલા પશા નાથાને ફોજદાર રોકે છે. પશા નાથાને મન એમ કે નવી આફત આવી પરંતુ ફોજદાર પોતાની પત્નીના બેહુદા વર્તન બદલ પશા નાથાની માફી માંગે છે અને કંઈ કામકાજ હોય તો જણાવવાનું કહે છે. પશા નાથા ચૂક્યા વગર ફોજદારને વાલાની દીકરીના લગ્ન વખતે ગામ તરફથી થયેલ કનડગત તથા થયેલા પથ્થરમારાની વાત જણાવી ત્યાંથી વિદાય લે છે. થોડા દિવસો પછી ગામમાં જમાદાર અને સિપાહી તપાસ માટે આવે છે પરંતુ ગામના તલાટી , પોલીસ પટેલ અને મુખી જમાદારને પૈસા પધરાવી આખી વાતને દબાવી દે છે. અહીં નવલકથાકારે સમાજની ખોખલી વ્યવસ્થાનું વરવું ચિત્ર ઊપસાવ્યું છે. તેમ છતાં પોલીસ દ્વારા આઝાદી પૂર્વે અપવાદરૂપ દલિત તરફેણમાં થયેલ કાર્યવાહીનો ચિતાર મળે છે. જેમ ગામમાં સારા નરસા માણસો હોય એમ પોલીસમાં પણ સારી નરસી વ્યક્તિઓ હોઈ શકે તે સરળ રીતે દર્શાવ્યું છે.
કુંભારની છોડીના આપઘાતમાં અનારજી ઠાકોરને દંડ થયો અને માનો મિયોર નિર્દોષ છૂટ્યો. આ વાત ઠાકોરો સહન કરી શક્યાં નહિ. અનારજી મનાને સંભળાવતા કહે છે કે, ‘‘દિયોર ..ઢેઢો! આ ફેરાં તો નાનજીભા આડે આવોય,જોવ, કોક દાડો વળી ચઢ્યા તો ટાંટિયા વાઢી નાખોયા ! બારા તો નેકળોય ! ૨ દલિતોને ઠાકોરો વગરવાંકે રંજાડતા. દલિતો પણ બિચારા ઠાકોરોના ત્રાસને મૂંગે મોંએ સહન કરી લેતાં. કેવી મજબૂરી! આ વાત એટલી જ સત્ય છે કે ગામની કેટલીક માથાભારે જાતિઓ આજે પણ દલિતો તેમજ કેટલીક વસવાયી જાતિઓને પરેશાન કરતી રહે છે. જાણે ગઈકાલ અને આજમાં કશોય ફરક પડ્યો નથી.
એક સવારે ઉગરા ભગત બીલીજરાના જંગલમાંથી આવતા હતા ત્યારે રસ્તામાં મુખી મળ્યા. મુખી ઉગરા ભગતને પૂછે છે કે બીલીજરામાઅ શું કરવા ગયા હતા? ત્યારે ભગત જણાવે છે –‘‘ બિલિજરામાઅ મીં માદેવ બેહાડ્યા સઅ.’’ મુખી ટોણો મારતા કહે છે – ‘‘...કળજગ આવ્યો. ઢેઢાનઅ માદેવ વળજ્યા. અમઅ ઢેઢ ભરામણ થવોય.’’૩ મુખીનો કટાક્ષ સમાજ વ્યવસ્થા પર તીર તાકે છે. શું ભગવાન પર માત્ર સવર્ણોનો જ ઈજારો? મુખીનું કથન જ એ વાતને સ્પષ્ટ કરે છે કે સવર્ણ સમાજે દેવોના ભાગ પાડી દીધા છે. એ વાત એટલી જ સત્ય છે કે દલિતોને મંદિર પ્રવેશમાં જે ખાસ રસ જણાતો નથી કારણકે દલિતોએ સ્વયંભુ પોતાના દેવ અને ધાર્મિક પરંપરાઓ જુદી અપનાવી છે. એક જ તહેવારની ઉજવણીની રીતો ક્યારેક જુદી અને જુદા રહીને ઉજવવામાં આવે છે.
એકવાર બીલીજરામાં ગોરબાવજી સાથે ઉગરો ભગત ગયેલા. ગોરબાવજીએ ઉગરાને બીલીના ઝાડ પર ચઢાવેલો.બીલી પર ચઢેલા ઉગરાને બીલીના ડાળને અડી ના જવાય તેની કાળજી રાખવાનું ગોરબાવજી જણાવે છે. ઉગરાએ કાપેલાં ડાળ ઉપર છાંટ નાખી ગોરબાવજી પવિત્ર કરે છે. બીલીના ડાળને ઉપાડવાની વાત ઉગરો કરે છે ત્યારે ગોરબાવજી સંભળાવે છે: ‘‘ના,ગાંડા ,ભૈ, એવું ના કરોય ,તું અડે બીલી અભડાવોય !પસ માદેવનઅ ના ચડોય .’’૪ શકરા વાઘરીની શ્યામરંગી ,નાહ્યા ધોયા વિનાની ,જેના માથામાં વાળ ફગફગ છે એવી છોકરી બીલીના ડાળા ઉપાડી શકે પરંતુ ઉગરો ભગત નહિ. કેવી વિષમતા! હિંદુ સમાજવ્યવસ્થામાં દલિતોની સ્થિતિ ગરીબ જાતિઓ કરતાં પણ બદતર છે તે અહી જોઈ શકાય છે. વાલો બેડું ખરીદવા જાય છે ત્યારે તેને દુકાનની બહાર બેસવું પડે છે. દુકાનદાર બેડા દુકાનની બહાર લાવી બતાવે છે. વાલાએ જે બેડું પસંદ કર્યું તેની પર છાંટ નાંખીને દુકાનદાર તાજવે ચઢાવે છે. પશા નાથા સાથે મેળામાં પણ આભડછેટનો પ્રસંગ બનેલો. તેઓ એક આનાના ભજિયાં લેવા ગયેલા ત્યારે દુકાનદાર તેને ઓળખી ગયેલો. દુકાનદાર ગુસ્સે થઇ પશા નાથાને સંભળાવે છે : તે આઘું ઊભું રનઅ. ભાંન સઅ કાંઈ અભડાઈ મારોય ! બધાં ભજ્યાં નાસી દેવા પડશી !’’૫ કુંભાર પરભુ પણ વણકર વાલા પ્રત્યે અસ્પૃશ્યતા રાખે છે. વાલા દ્વારા અપાયેલ પછેડીયો પર પાણી નાખીને પછી જ પરભુ કુંભાર સ્પર્શે છે. બીલીજરામાં મહાદેવ મંદિરના નિર્માણમાં વણકરો પાસેથી ઉઘરાણાના પૈસા લેવામાં આવતાં નથી અને વેઠ પણ કરાવવામાં આવતી નથી. કારણકે જો તેમનું ઉઘરાણું કે દાન લેવામાં આવે, વેઠ કરાવવામાં આવે તો ભવિષ્યમાં પોતે દર્શન કરવા માટે હકદાર છે તેવું કહે , તેથી આ અદલિતો પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત મંદિર તૈયાર થતાં પહેલાં અભડાઈ ના જાય.
બીલીજરાના વગડામાં મહાદેવ મંદિરના ભૂમિપૂજન વખતે મણા ઓરગણાનો જીતુ દુર ઊભો ઊભો પૂજાવિધિ જોતો હતો ત્યારે અચાનક એક કૂતરું તેના તરફ દોડતું આવ્યું.કુતરાથી ડરીને દોડ્યો તો પ્રસાદ વહેંચનાર સાથે ટકરાયો. ‘ ઓરગણાએ સેહ અભડાઈ’ ના અવાજ સાથે ઠાકરડા તૂટી પડ્યાં. મારી મારીને લોહીલુહાણ કરી નાખ્યો. કેવી બર્બરતા ! ઉપરથી પાછા મુખીએ વરતારો બહાર પાડ્યો: ‘‘આજથી ભંજીયાના સાસપાણી બંધ. જે એમની હારી વેવાર કરશે ઈનો ગામ નિયાય કરશે.’’૬ ચોર કોટવાળને દંડે એ ન્યાયે વગરવાંકે ઓરગણાવાસને ગામનો બહિષ્કાર વેઠવો પડે છે. કેવી લાચારી !
એકવાર પશો,વાલો અને કચરો વણાટના પોટલાં લઇ જઈ રહ્યાં હતાં ત્યારે વિસામો ખાવા રસ્તામાં લીમડાની છાંયડા નીચે, પાણીની પરબ પાસે બેસે છે. ત્રણેયને તીવ્ર તરસ લાગી છે. પરબે પાણી પીવડાવનાર કોઈ નથી. જો જાતે પાણી પીવાનો પ્રયાસ કરે ને કોઈ આવી જાય તો પછી આવી જ બન્યું સમજો. થોડા સમય પછી એક ડોસીમા માથે પાણી ભરેલું માટલું લઇ ડગુમગુ પગે આવતાં જોયા. નજીક આવી માથેથી માટલું ઉતારતા ડોસીમાથી માટલું નમી પડ્યું. માટલું પડે તો માજીની મહેનત અને પાણી બંને જશે. એટલે પશાએ ઉભા થઈ માટલું પકડી લીધું. ડોશીમા અને પશાએ ભેગા મળી માટલું ગોઠવ્યું. વણાટના પોટલા જોતા જ ડોશીમા તાડૂક્યા : ‘‘હાય...હાય..! તી ભૈ...ઢેડ થીનઅ માટલું અભડાવોય! આ પાણી કુણ પીહઅ? મારઅ માટલું ફોડી નાખવું પડશે.’’૭ કરમ કઠણાઈ ! મદદ કરી છતાંય સાંભળવું પડ્યું. એકવાર શકરીમાનો રમતુડો પોતાની ભેંસો સાથે તળાવમાં પડ્યો. તરતા આવડે નહિ એટલે ડૂબવા લાગ્યો. મણો ઓરગણો ડૂબતા રમતુડાને બચાવે છે. તેનો આભાર માનવાને બદલે ગામલોકો તેને તળાવ અભડાવા બદલ માર મારે છે પણ શકરીમા ખરેખર મા પણું દર્શાવે છે અને મણા ઓરગણાને ગામલોકોના મારમાંથી બચાવે છે.
સિદ્ધપુરમાં હિંદુ મહોલ્લાઓમાંથી પસાર થતી વખતે દલિતે ફરજિયાત ‘ પોસ પોસ ’બોલવું પડતું. જો દલિત આવું બોલવાનું ટાળે તો આકરી સજા થતી. ચા બનાવનાર દુકાનદાર દલિતોને નાકા વગરના તૂટેલાં કપમાં ચા આપતા અને આ કપ મુકવાની જગ્યા પણ નોખી ! દુકાનથી દૂર કે બાજુની વાડમાં. આવી સ્થિતિ કદાચ ગુજરાતના હર મોટા શહેરમાં હશે એવું તારણ પણ કાઢી શકાય.
દલિતો સાથે સજ્જડતાથી અસ્પૃશ્યતાનું પાલન કરતાં સવર્ણો ,દલિત સ્ત્રીઓનું શારીરિક શોષણ કરવામાં લગીરેય આભડછેટ અનુભવતા નથી. કેવું દંભીપણું ! મણિ ,રામી અને સવિ લાકડાં વીણવા ગયાં હતાં ત્યારે શનોજી ઠાકોર મણિની આબરુ લૂંટવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અચાનક રઈ આવીને મણિને બચાવી લે છે.
અહીં નવલકથાકારે માત્ર દલિતો અને સવર્ણો વચ્ચેની અસ્પૃશ્યતાને જ નહિ પરંતુ દલિતો-અદલિતોના આંતર સંબંધો ,ઓળખાણ,ઘરાકવટી અને બહેનપણાના સંબંધને દર્શાવ્યા છે. કેટલીકવાર અસ્પૃશ્યતાને અતિક્રમી જતાં પ્રસંગો જેવા કે રઈ અને મણિના બહેનપણા અને દૂધબહેન બનવું, નાનજી ભગતની ઉદારતા અને મુખીની નઠોરતા, ગામની કેટલીક જાતિઓની અકડાશ અને ઉદારતાના પ્રસંગોને પણ સહજભાવે નિરૂપવામાં આવ્યા છે. લેખકે પોતાના સમાજમાં પ્રવર્તતી આપસની આંતરિક અને સૂક્ષ્મ આભડછેટ અને તિરસ્કારની ભાવનાનેય આલેખવામાં જરાય દિલ ચોરી રાખી નથી.
પ્રસ્તુત નવલકથામાં કોઈ વિચારધારાનો પ્રભાવ જોવા મળતો નથી પરંતુ લેખકે યથાવાસ્તવ ચિત્રણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે યથાર્થ સાથે આઝાદી પૂર્વેના સાચુકલાં ચરિત્ર પશા નાથા અને જેઠા બેચર જેવા વિદ્રોહી પાત્રો પણ અહીં જોવા મળે છે. વખત આવે ગામ સામે પડવાની જીગર ધરાવે છે. ગમે કરેલા દંડને જેઠા બેચર ભરતા નથી ઉપરથી ગામ સામે ફોજદારી કરવાની જાહેરમાં ચેતવણી આપે છે. તો આ તરફ પશા નાથા પણ પાછા પડે તેવા નથી. પોતે સ્વમાની છે. મહાદેવ મંદિરના ભૂમિપૂજન વખતે સેહ લેવા ઉભા રહેતા નથી. તે કહે છે કે ,‘‘દિયોર! ગામ ચેડી સેહનો એંઠવાડ ઉપર આથે ખોબામઅ નાખસીં. હાહરો સેહ એંઠવાડો ,ઈમ ઈમનો પરભુંય એંઠવાડો.’’૯ નવલકથામાં અત્યાચારી સવર્ણોની સામે માનવતાવાદી માનસિકતા ધરાવતા નાનજી ભગત, રઈ અને શકરીમા જેવા પાત્રો પણ નિરૂપાયા છે.
આમ, ‘ રાશવા સૂરજ ’ નવલકથામાં આપણને ગુજરાતનો આઝાદી પૂર્વેનો સામાજિક ઈતિહાસ પ્રાપ્ત થાય છે. નવલકથામાં દલિત પર થતાં અત્યાચારો સાથે દલિત ચેતના જે રીતે સક્રિય બની છે તે નોંધનીય છે. અહીં વર્ષોથી સવર્ણોના અત્યાચાર-અન્યાયને સહેતા દલિતો છે સાથોસાથ સવર્ણો સામે અવાજ ઉઠાવનાર પશા નાથા અને જેઠા બેચર જેવા દલિત પાત્રો પણ જોવા મળે છે. નવલકથાની આગવી વિશેષતા ખપમાં લીધેલી ઉત્તર ગુજરાતની તળપદી બોલી છે.
સંદર્ભ :
૧. રાશવા સૂરજ,દલપત ચૌહાણ,હર્ષ પ્રકાશન,પ્ર.આ.૨૦૧૨,પૃ.૨૪
૨. એજન ,પૃ.૮૧
૩. એજન ,પૃ.૮૬
૪. એજન ,પૃ.૮૮
૫. એજન ,પૃ.૧૧૧
૬. એજન ,પૃ.૧૮૭
૭. એજન ,પૃ.૨૦૧
૮. એજન ,પૃ.૧૩૦
૯. એજન ,પૃ.૧૮૨