Download this page in

‘कुन्दमाला’ - મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ

ધીરનાગ અને વીરનાગ નામે પ્રખ્યાત બનેલા નાટ્યકાર મહાકવિ દિઙ્નાગની એકમાત્ર કૃતિ ‘કુન્દમાલા’ આપણને પ્રાપ્ત થાય છે. આ નાટ્યકૃતિમાં રઘુકુલસિંહ રામના ઉત્તર જીવનની કથા આલેખવામાં આવી છે. રામ અને સીતા પવિત્ર પ્રણયના પ્રતિક છે. તેમનું પુન:મિલન રામાયણમાં થતું નથી. આ પવિત્ર પ્રણયીજનોનું પુન:મિલન કરાવવા માટેનો ભવભૂતિ અને દિઙ્નાગે પ્રસંશનીય પ્રયત્ન કર્યો છે. ભવભૂતિ રચિત ઉત્તરરામચરિત અને દિઙ્નાગ રચિત કુન્દમાલા નાટક એકજ દિશામાં સમુદ્ર તરફ ગતિ કરતી બે નદીઓ સમાન છે. બન્ને નાટકોનો કથાપ્રવાહ ભિન્ન છે પંરતુ રામ-સીતાના મિલનનું લક્ષ્ય એક જ સમાન છે.

વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં આવતી રામકથાને આધારે છ અંકના કુન્દમાલા નાટકની દિઙ્નાગે રચના કરી છે. ભાગીરથી નદીમાં સ્નાન કરવાની ઈચ્છાવાળી સગર્ભા સીતાને રથમાં લઇ લક્ષ્મણ વનપ્રદેશના ગંગા કિનારે આવે છે. ગર્ભના ભારથી થાકેલી સીતા વૃક્ષ નીચે વિશ્રામ કરે છે. તે વખતે લક્ષ્મણ ‘પરિત્યાગ સંદેશો’ કહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ લક્ષ્મણની જીભ ઉપડતી નથી.
आर्यस्यादेश इत्येव वक्तुमिच्छामि यत्नत: |
तथापि ह्रदयं गत्वा ग्रन्थिं बध्नाति भारती || (१/८, पृ. १५)

અહીં લક્ષ્મણની સીતા પ્રત્યેની સહાનુભુતિ જણાય છે. તેમજ રામની આજ્ઞાનું પાલન કરવાની અભિલાષા પણ જણાય છે. લક્ષ્મણનું મન સીતાની સ્થિતિ અને રામના આદેશ પાલનના વિચારોથી વ્યગ્ર બન્યું છે. જયારે મનમાં વ્યગ્રતા કે ભયની સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે મન શરીરના અંગોને કોઈપણ આદેશ આપવા નિષ્ફળ નીવડે છે. પરિણામે અંગો પોતાનું કાર્ય કરવામાં અસક્ષમ બને છે. લક્ષ્મણની પણ આવી જ મન:સ્થિતિ થઇ છે. લક્ષ્મણ સીતાને ખુબ જ પ્રયત્ન પછી પરીત્યાગનો સંદેશો કહે છે ત્યારે સીતા શોકગ્રસ્ત થઈને મૂર્છિત થઇ જાય છે. અહીં સીતાનું મન પરિત્યાગરૂપી આઘાત સહન કરી શકતું નથી. તેથી તેમને મૂર્ચ્છા આવે છે. ત્યારબાદ અચેતન મન પરિસ્થિતિ સાથે સમાયોજન સાધીને સભાન અવસ્થા પ્રાપ્ત કરે છે. રામનો સંદેશો કહીને લક્ષ્મણ પણ તીવ્ર વિષાદ અનુભવે છે. આ વિષાદ આંસુ સ્વરૂપે પ્રગટ થાય છે.

જયારે સીતા એકલી વનમાં રૂદન કરે છે ત્યારે વાલ્મીકિમુનિ તેને આશ્રમમાં લઇ જવા માટે આવે છે. રાત્રિના અંધકારમાં સીતા વાલ્મીકિને ઓળખતી નથી તેથી તે પરપુરુષની શંકા કરે છે તથા ઘૂંઘટ ધારણ કરે છે.
अत्याहितम् ! अन्य एष को वा परपुरुष? कथमिदानी वारिष्यामि महाहितम्? एवम् स्त्री अहमेकाकिनी च |(पृ.३७)

લક્ષ્મણના ગયા પછી કરુણ કલ્પાંત કરતી સીતા મૂર્ચ્છા પામે છે અને હોશમાં આવે છે. અહીં સીતાનું હૃદય શોકથી દ્રવી ઉઠેલું જણાય છે. આવી સ્થિતિમાં અચાનક વાલ્મીકીનો અવાજ સંભળાય છે તેથી તેને લક્ષ્મણ પાછો આવ્યા હોવાનો ભ્રમ થાય છે. કારણકે નિર્જન વનમાં અન્ય કોઈ આવી શકે એમ હતું જ નહી. આ સમયે વાલ્મીકિને આવેલા જોઇને સીતાના મનમાં શંકા અને ભય જેવા મનોભાવો ઉત્પન્ન થવા સ્વાભાવિક છે. એક તરફ રાત્રીનો અંધકાર અને પોતે એકલી સ્ત્રી છે. તેથી સીતાને આત્મસુરક્ષાની ચિંતા થવા લાગે છે. વ્યક્તિમાં ઉત્પન્ન થતી આત્મસુરક્ષાની ભાવનાને મનોવૈજ્ઞાનિકો આત્મસ્થાપન પ્રવૃત્તિ કહે છે. એડલર આત્મસ્થાપનની ભાવનાને મૂળપ્રેરક વૃત્તિ માને છે. તેમજ મેકડૂગલ આત્મસ્થાપનને સમસ્ત માનવ વ્યવહારની પ્રેરણા માને છે. આ આત્મસ્થાપન પ્રવૃત્તિથી વ્યક્ત કલ્પના, તર્ક અને ચિંતન વગેરેનો આશ્રય લેતો હોય છે. આમ દિઙ્નાગે અહીં સીતાની માનવસહજ મનોવૃત્તિ, સ્ત્રી સહજ આત્મરક્ષાનો ભય તથા લજ્જાનો ભાવ દર્શાવ્યો છે.

આ કુન્દમાલા નાટકના બીજા અંકમાં સીતા દ્વારા લવ-કુશનો યોગ્ય ઉછેર કરીને વાલ્મીકિને અભ્યાસ માટે સોપવામાં આવે છે. વાલ્મીકિ દ્વારા પુત્રોનું સારી રીતે પાલન પોષણ થતું હોવાથી સીતા નિશ્ચિત બને છે. હવે સીતાને પોતાનું જીવન નિરર્થક લાગે છે. તે રામ સાથે વિતાવેલા દિવસો યાદ કરીને તીવ્ર સંતાપ અનુભવે છે. આ સમયે સીતા આત્મહત્યાનો વિચાર કરે છે. સીતાની આ પ્રકારની સ્થિતિને મનોવિજ્ઞાનમાં મનસ્તાપ કહેવામાં આવે છે. મનસ્તાપ બે પ્રકારનો છે. (૧) ઉત્સાહ મનસ્તાપ અને (૨) અવસાદ(વિષાદ) મનસ્તાપ. સીતાના પાત્રમાં અવસાદ મનસ્તાપ જોવા મળે છે. અવસાદ (વિષાદ) મનસ્તાપ ત્રણ પ્રકારનો છે. (૧) મંદ વિષાદ મનસ્તાપમાં વિચારવાની અને સમજવાની શક્તિનો ક્ષય થઇ જાય છે તથા બાહ્ય પરિવેશ અને પરિસ્થિતિઓ પ્રત્યે ઉપેક્ષાભાવ અને ઉદાસીનતાભાવ પ્રગટ થાય છે. (૨) તીવ્ર વિષાદ મનસ્તાપમાં વ્યક્તિ પોતાને અત્યંત હીન, પાપી, અપરાધી વગેરે માને છે. (૩) તીવ્રતમ વિષાદ મનસ્તાપમાં વ્યક્તિને પોતાનું જીવન નિરર્થક અને વ્યર્થ લાગે છે. અપરાધ તથા પાપની ભાવના જાગૃત થવાથી તે આત્મહત્યાને જ એકમાત્ર ઉપાય માને છે. (पृ. १८८)

જયારે વ્યક્તિ અનેક દુઃખોથી શોકમગ્ન બને છે તેમજ તેને કોઈ સહારો મળતો નથી. ત્યારે વ્યક્તિને મનમાં આત્મહત્યાના વિચારો આવે છે. નાટકમાં સીતા માટે વેદવતી જ એકમાત્ર સહારો દર્શાવવામાં આવી છે. આ વેદવતીના માધ્યમથી સીતા પોતાના મનોભાવો પ્રગટ કરીને શાંતિ અનુભવે છે. આમ, નાટ્યકારે સીતાના મનોભાવો દર્શાવ્યા છે.

સીતાની શોધ કરતી વખતે રામ વાલ્મીકિના આશ્રમ નજીકમાં આવેલા લતામંડપમાં વિશ્રામ કરે છે. સીતાની કુંદમાલા અને પદચિહ્નથી સીતાને જોવાની જીજ્ઞાસાવાળા રામમાં શોક વધે છે. તેઓ સીતાને યાદ કરીને કરુણ વિલાપ કરે છે. લક્ષ્મણ રામને શોક ન કરવા જણાવે છે. પરંતુ રામનો શોક વધતો જ જાય છે. રામ-લક્ષ્મણનો વાર્તાલાપ સાંભળતી સીતા રામની શોકાતુરતા જોઇને તે પણ રામની જેમ શોકમગ્ન બનીને રડવાનું શરુ કરે છે.
शोकावेगबलात्कारिता न प्रभवाम्यात्मन: निरोध्दुम् | (४/१ पृ. ९५)

રામની શોકાતુર અવસ્થા તેમની દારૈષણાને પ્રગટ કરે છે. મનોવૈજ્ઞાનિકોના મતે દરેક વ્યક્તિમાં મૂળભૂત ત્રણ વૃત્તિઓ રહેલી હોય છે. (૧)કામૈષણા (૨)વિત્તેષણા અને (૩) લોકૈષણા. આ કામૈષણા અંતર્ગત દારૈષણાનો સમાવેશ થાય છે. દરેક પુરુષને એક સુંદર અને પોતાને સમજી શકનારી સ્ત્રીની અભિલાષા હોય છે. આ અભિલાષા જયારે પૂરી થતી નથી ત્યારે શોક અનુભવે છે.

રામની વિરહવ્યથાથી સીતાના મનનું સમધાન થાય છે. તેથી સીતા રામ પ્રત્યે તાદાત્મ્યભાવ અનુભવે છે. તે રામનું દુઃખ જોઇને વધારે દુ:ખી થાય છે. અહી રામ અને સીતાના હૃદયમાં એક સમાન ભાવ અનુભવે છે. આ વિશે ડૉ. કનક લતા દુબે કહે છે કે – अतएव दिङ्नागने नाटकीय वस्तु विकास के दृष्टिकोण से बाह्य मिलन से पूर्व उनके हृदयों का पुनर्मिलन रूप मनोवैज्ञानिक भावना का चित्रण किया है | (पृ. १२९)

વાલ્મીકિના આશ્રમમાં રામ-લક્ષ્મણ સમક્ષ લવ-કુશ સીતા પરિત્યાગ સુધીની રામકથાનું ગાન કરે છે. ત્યારબાદની કથા તમને ખબર નથી. તેથી રામના બાલસખા કણ્વ સીતા પરિત્યાગ પછીની કથા બધાને સંભળાવે છે. કણ્વે કહેલી કથા ઉપરથી રામ, લક્ષ્મણ, અને લવ-કુશને એકબીજાનો પરિચય થાય છે. તેથી આ ચારેય રઘુવંશીઓ એકબીજાને ભેટીને મૂર્ચ્છા પામે છે.
सर्वे परस्परमालिङ्गयं मोहं गच्छन्ति | (पृ.१८७)

આ બધાની મૂર્ચ્છા પાછળ કણ્વ પોતાને જવાબદાર ગણાવે છે.
मयानुं मन्दभाग्येन भद्रं तु किल गायना |
रधुवीराश्चत्वारो हितेनैकेन पातिता: ||(६/१९, पृ.१८७)

ચારેય રઘુવંશીઓ તીવ્ર મૂર્ચ્છાથી મૃત્યુ પામે તે પહેલા કણ્વ વાલ્મીકિ અને સીતાને બોલાવી લાવે છે. સીતા બધાને આશ્વાસન આપીને પાણીનો છંટકાવ કરે છે ત્યારે સર્વની મૂર્છા દૂર થાય છે.

અહીં નાટ્યકારે તીવ્રતમ મૂર્ચ્છાનો પ્રયોગ દર્શાવ્યો છે. મૂર્ચ્છા ત્રણ પ્રકારની માનવામાં આવે છે. (૧)મંદ મૂર્ચ્છા – વ્યક્તિના અચેતન મનમાં કોઈ સંવેગ ઉત્પન્ન થવાથી મૂર્ચ્છા પામ્યા પછી તરત જ ભાનમાં આવી જાય છે. (૨) તીવ્રમૂર્ચ્છા – અચેતન મનમાં તીવ્ર સંવેગો ઉત્પન્ન થવાથી વ્યક્તિ મૂર્ચ્છા પામે છે. પરંતુ કોઈ વસ્તુ કે વ્યક્તિના સ્પર્શથી મૂર્ચ્છા દૂર થાય છે. (૩) તીવ્રતમ મૂર્ચ્છા – અચેતન મનમાં અતિતીવ્ર સંવેગો ઉત્પન્ન થવાથી વ્યક્તિ મૂર્ચ્છા પામીને મૃત્યુની સામીપ પહોચી જાય છે. આ મૂર્છામાં વ્યક્તિની તરત જ સારવાર ન કરવામાં આવે તો તેનું મૃત્યુ થઇ જાય છે. આધુનિક સમયમાં તબીબી ક્ષેત્રમાં Comma = બે શુદ્ધિ કહે છે. Comma = Deep Sleep caused by disease, injury or poison.

અહીં રામ-લક્ષ્મણ, કુશ અને લવમાં અતિતીવ્ર સંવેગો ઉત્પન્ન થયેલા જોવા મળે છે. સીતા જો ન આવી હોત તો ચારેયનું મૃત્યુ નિશ્ચિત હતું. કારણ કે આ તીવ્ર મૂર્ચ્છાનું કારણ તે સીતા હતી.
त्वत्कथा प्रलयमातरिश्चना पश्य राघवकुलं निपातितम् |(६/२०, पृ. १८८)

આમ, કવિએ તીવ્ર મૂર્ચ્છના કારણરૂપ સીતાને ઉપસ્થિત કરાવીને સર્વની મૂર્ચ્છા દૂર કરાવી, મનોવૈજ્ઞાનિક રીતે અદભૂત મિલન કરાવ્યું છે.

સંદર્ભ ::
1. महाकविदिङ्नागाचार्यप्रणिता कुन्दमाला – व्याख्याकार : आचार्यलोकमणिदाहाल:, चौखम्बा सुरभारती प्रकाशन, वाराणसी, प्रथम संस्करण-१९९२
2. रामकथा विमर्श (रामकथामूलक संस्कृत नाटको में परिवर्तन) – डो. कनकलता दुबे, अध्ययन पब्लिशर्स एण्ड डीष्ट्रीब्युटर्स, नयी दिल्ली, संकरण-२०११
3. મનોવિજ્ઞાનની વિચારધારાઓ – ડૉ. કુલીનભાઈ પંડ્યા, ડૉ. જગદીશ સી. પરીખ, યુનીવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ, છઠ્ઠી આવૃત્તિ-૨૦૧૦
4. મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયાઓ – પ્રા. એસ. બી. પઠાણ, પ્રા. ડૉ. કે.જી પટેલ, પાર્શ્વ પબ્લીકેશન : અમદાવાદ પ્રથમ આવૃત્તિ:૨૦૧૧
5. Understanding of Human Nature – ALFRED ADLER, Publisher- Martino, Fine Books 2010

ડૉ. દિલીપકુમાર ઝેડ. ચૌહાણ, અધ્યાપક સહાયક, સંસ્કૃત વિભાગ, શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદ, જિ : દાહોદ-૩૮૯૧૭૦ મો. ૯૭૨૭૭૮૬૨૭૭ Email : dilipchauhan277@gmail.com