શિક્ષણ-કેળવણીની સંસ્થાઓ થકી રાષ્ટ્ર નિર્માણ : ‘સદ્દભિ: સંગ
રાષ્ટ્ર નિર્માણ એ અલગ અલગ રીતે પરિભાષિત થયેલો શબ્દ છે. આપણે જાતે રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપીએ, કે રાષ્ટ્ર નિર્માણ માટેની સેના તૈયાર કરીએ. તેઓ દ્વારા રાષ્ટ્રને તો લાભ છે જ પણ એક વ્યક્તિ ઘડાય અને બીજા અનેકોનું ઘડતર કરે એ બન્નેમાં ફેર છે. રાષ્ટ્ર નિર્માણમાં વ્યક્તિ વિશેષનો ફાળો અને વ્યક્તિત્વ ઘડતરની સંસ્થાઓના ફાળામાં આ ફર્ક પડે, કે એક આખો સમાજ સંસ્થા થકી ઘડતર પામે અને આવા સમાજો ભેગા થઈ દેશનું ઘડતર કરે. રાષ્ટ્રીય નિર્માણ કે રાષ્ટ્રીય ભાવનાની વિભાવનાઓ દરેક માનવીના મનમાં જુદી જુદી હોય છે. દરેક મનુષ્ય પોતાની રીતે રાષ્ટ્રીયતાની વાત કરતો હોય છે. અહીં મારે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કેવી રીતે માનવમનમાં રાષ્ટ્રભાવના વિકસી શકે છે. તેનો પરિચય ચરિત્ર સાહિત્યની કૃતિ ‘સદ્દભિ:સંગ:’ દ્વારા કરાવવાનો છે. ‘સદ્દભિ:સંગ:’ના સર્જક સંપૂર્ણ રીતે રાષ્ટ્રને વરેલા છે. રાષ્ટ્ર માટે સમર્પિત છે. રાષ્ટ્ર માટે એટલે કે દેશના માનવ સમાજનો ઉદ્ધાર કરવાની નેમને જીવન જીવવાનો મંત્ર બનાવે છે. ‘સદ્દભિ: સંગ:’ કૃતિમાં બે મોટી શિક્ષણની સંસ્થાની વાત ઉજાગર કરવામાં આવી છે. ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ અને ‘લોકભારતી’. બંને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા માનવ અને માનવ સમાજનું ઘડતર કરી દેશને ઉપયોગી બને એવા પ્રયોજનને મહત્વ આપવામાં આવ્યું છે. એ જ બતાવે છે કે આવી સંસ્થાઓ માનવ સમાજમાં રાષ્ટ્ર ભાવનાની વાત કેવી રીતે માનવમનમાં જાગૃત કરે છે. તે સમજી શકાય છે.
મનુભાઈ પંચોલી (દર્શક) નાનાભાઈ ભટ્ટ સાથે કાર્યરત હતા. આ ગ્રંથ નાનાભાઈ ભટ્ટની જન્મશતાબ્દીના ઉત્સવ વખતે ઘણા મિત્રો અને પરિચિતોના કહેવાથી સર્જન કરવામાં આવ્યો છે. અહીં બે સંસ્થા જેવી કે ‘ગ્રામદક્ષિણા મૂર્તિ’ અને ‘લોકભારતી’ શિક્ષણ સંસ્થાઓનો ઇતિહાસના પાના ચિતરાયા છે, પરંતુ; આ બંને સંસ્થાઓનો ઇતિહાસ લખતા લખતા જાણે ‘દર્શક’ની પોતાની આત્મકથા લખી હોય એવું લાગે. સર્જક આત્મકથાની વાતને નકારે છે; પરંતુ આ કૃતિ આત્મકથાનાત્મક તંતુથી દૂર પણ નથી. દર્શકના ઘડતર સાથે આ સંસ્થા એવી રીતે વણાય ગઈ છે કે સંસ્થાની કથા પણ દર્શકની કથા જ લાગે. આ શિક્ષણ સંસ્થાઓની ફક્ત કથા જ નથી. પરંતુ ‘સદ્દભિ:સંગ:’ આંબલા, સણોસરા, માઈઘર કે મણાર જેવા ગામની સંસ્થાઓના જન્મ, વિકાસ અને ઇતિહાસની ગાથા પણ છે. આ સંસ્થાઓ દર્શકની યુવાની તથા પ્રૌઢ અવસ્થા સુધી પહોંચે છે અને દેશના નિર્માણમાં માનવો કેવો ફાળો આપે છે તેની પરિપક્વ અને મનના વિકાસ તેમજ સામાજિક વિકાસની યાત્રા પણ એમાં સમાયેલી છે. જે રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.
સામાન્ય કુટુંબમાં જન્મેલા લેખકના પિતા શિક્ષક હતા. પિતા પાસેથી વાચન તથા શિક્ષણનો વારસો મળે છે. જેના લીધે નાનાભાઈ ભટ્ટ સાથે ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ સંસ્થામાં જોડાય છે, ત્યાંથી તેમની ભાવિ સાથી વિજયાબેન પટેલ મળ્યા છે. દર્શકના સમગ્રજીવનને અને સમજને ઘડનાર નાનાભાઈ ભટ્ટ છે. લેખક ‘દક્ષિણામૂર્તિ’ સંસ્થામાં ગૃહપતિ તરીકે નાનાભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. જેના લીધે આવા અનેક સજ્જન માણસોનો પરિચય થાય છે. જેનું શબ્દચિત્ર આ કૃતિમાં આપણાને જોવા મળે છે. જેનું વર્ણન કરતા નાનાભાઈ વિષે સર્જક નોંધે છે કે... “સ્વચ્છ બગલાની પાંખ જેવો સાદો, પોષાક, ટટાર ચાલ, આંખમાં દ્દઢતા, કામમાં ચોકસાઈ, વિવેક પણ પૂરો બધાને માનથી બોલાવે અને માનથી વિદાય કરે છે..” [મનુભાઈ પંચોલી - ‘સદ્દભિ:સંગ:’ પુનમુદ્ર્ણ આવૃત્તિ-2005-પૃ.16-17] આવા વ્યક્તિત્વ ધરાવતા નાનાભાઈ પાસેથી સર્જક(દર્શક) શિક્ષણ અને વહીવટનો ભેદ બરાબર સમજી પોતાના જીવનમાં ઉતારે છે. સ્ત્રી સ્વતંત્રતાની નાનાભાઈની વાતથી તેઓ પ્રભાવિત થયા છે અને પોતે પણ સ્ત્રી સ્વતંત્રતામાં માને છે. નાનાભાઈ સાથેના સંસર્ગથી તેમનું વ્યક્તિ-ઘડતર થયું છે. સ્વરાજ/સ્વતંત્રતા મેળવવાની હોશમાં દર્શક પોતાનું ઘર છોડી અહીં આવે છે. પરંતુ પાછળથી સમજાય છે કે મારું કામ અહીંયા નથી. એટલા માટે નાનાભાઈને જણાવે છે કે... “તમને સૌને સરસ રસોઈ બનાવતાં આવડી પણ પીરસતાં ન આવડ્યું. ગામડાની જે પ્રજા સાચું ભારત છે, તેને માટેની આ કેળવણી નથી. હું ગામડામાં જવા ધારું છું...” [સંપાદક: રમેશ ર. દવે – દર્શક અધ્યયન ગ્રંથ – લેખ; ઝળહળતા સૂર્ય સમો - સદ્દભિ:સંગ: - પારુલ રાઠોડ – પૃ - ૪૬૩] દર્શકની આ પ્રકારની સ્પષ્ટ વક્તા તરીકેનો પરિચય આ કૃતિમાં અનેક રીતે થાય છે. દર્શકના મનમાં ગામડું વસે છે. ગામડાની કેળવણીની શરૂઆત આંબલા જેવા નાનકડા ગામમાં ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ જેવી લોકશાળાની સ્થાપના દ્વારા કરે છે.
સાથે સાથે મનુભાઈ સ્ત્રી સ્વતંત્રતાની વાત પણ એટલી સરળતાથી અને મક્કમતાથી કરે છે. પોતાની પત્નીની વાત કરતા ગાંધીજીને કહે છે કે... “મારી અને તેમની(પત્નીની) વાતમાં કંઈ ફેર પડે તો તેમની વાતને જ આધારભૂત ગણવી. આપણા સમાજમાં સ્ત્રીઓની જે અવદશા છે તે જોતાં તો આ રીત મને હંમેશા આચરવા યોગ્ય લાગી છે...” [ભરત મહેતા – સંદર્ભ સંકેત – પૃ – 57] પતિ-પત્ની આ પ્રકારનો શિક્ષણ યજ્ઞનો આરંભ કરે છે. આ યજ્ઞમાં પોતે આહુતિ આપતા રહે છે. જેથી વિદ્યાર્થીઓમાં ભાઈચારો – એક માનવ બીજા માનવ માટે સહાયભૂત થઈ શકતો. આવા સામાજિક સંબંધમાં દેશભક્તિ કે રાષ્ટ્ર નિર્માણનો ફાળો અદભૂત રીતે સાંપડે છે. ગામડાની કેળવણી શીખવતા દર્શક એક જગ્યાએ ‘સદ્દભિ:સંગ:’માં નોંધે છે કે... ‘બાપા, અમે શીંગડા માંડતા શીખવવાના છીએ...’ [દર્શક: ‘સદ્દભિ:સંગ:’ પૃ-32] આ વાત કરતા મને પરમ આંનદ થાય છે કે આ શીંગડા માંડતાનું શીખવતા શિક્ષણના પ્રતાપે આવું કામ અમે ગામડાંના લોકો જેવા કે કરમશી મકવાણા, દુલેરાય માટલિયા, જગુભાઈ ગોડા, મગનભાઈ જોષી, પોપટભાઈ, કરશનભાઈ, જેરામભાઈ જેવા પટેલો, જસવંતસિંહ જાડેજા, રણછોડદાસ રામાનુજ, સવજીભાઈ મકવાણા, વલ્લભભાઈ, લક્ષ્મણભાઈ જેવા કેટલાંય ગામડાંના પૈસા ન લેતા વકીલોને કેળવી શક્યા. એમાં પણ દલિત સમાજમાંથી આવતા લોકો જેવા કે હમીર, રઘુવીર, પ્રેમજી વગેરે. આ લોકો ખમીરથી જીવ્યા અને ગામડાની પૈસા વિના વકીલાત કરી, ગ્રામ સમાજના ઉદ્ધારના કામો કરી રાષ્ટ્રને એક નવી જ પ્રેરણા પૂરી પાડી.
આ ઉપરાંત પણ એમને ખરી મુશ્કેલી બીજી હતી. ન્યાતજાતના વાડામાં, ઊંચનીંચના કળણમાં ફસાયેલાં આ બાળકોને તેમજ માનવજાતને આખરે એક તરફ મહેનતનું ગૌરવ તથા તેનું મહત્વ દેખાડવાનું હતું અને સાથે સાથે ઉપનિષદના સ્વચ્છ, નિરભ્ર આકાશની ઓળખ પણ કરાવવાની હતી અને સાચી કેળવણીમાં બીજું બધું ઘણું જોઈએ, મુખ્ય વસ્તુ તો સમાજમાં જે પ્રકારની માંગ હોય, તે પ્રકારની પરિસ્થિતિની માંગનું નિરીક્ષણ કરી, તેના સંભવિત ઉપાય કરવા માટેની સમજણ અને જે અભ્યાસ કરવા કે જાણવા માંગે છે. તેને પૂરું સામર્થ્ય સાથેના શિક્ષણ આપી શકે તેવા શિક્ષક એ સાચી કેળવણી સનાતન સત્ય સાથે યુગ ધર્મ હોય છે. જે તે સમયની માંગ અને સનાતન મૂલ્યો સાથે તે જોડી આપે છે. તેના વિના બધું જ નકામું. સનાતન ધર્મને યુગધર્મ બનવું પડે છે. ત્યારે જ સમાજની સ્થાપના અથવા ધારણા થાય છે. આવી પરિસ્થિતિ કે સમજણથી સ્થપાયેલો સમાજ ખરેખર રાષ્ટ્રના નિર્માણમાં સિંહફાળો આપી શકે છે.
ઈસ્માઈલભાઈ તથા ખદીજાબહેન બંને ઓલિયા જીવ, ખેતી તથા ખેતીવાડીના નિષ્ણાત છે. દર્શકે તેનું ખેતીવાડી વિષે ગુરુપદ તેમણે સોંપ્યું અને તેમણે દર્શકને શિષ્ય તરીકે સ્વીકારી એના જ્ઞાન ભંડારને ખોલી આપે છે. ઈસ્માઈલભાઈ તેમને ખેતી વિષે ભણાવે. ખેતી વિજ્ઞાનની વિદ્યાશાખાઓમાં જમીનવિજ્ઞાન, જંતુ વિજ્ઞાન, પાક વિજ્ઞાન, કીટકશાસ્ત્ર, પાણી અને જમીન આવા બધા વિષયોમાં પ્રવેશ કરાવે. બધું કંઈ સમજાયું નહીં, પરંતુ તેમના ફળઝાડ ઉછેરમાં ઠીક ઠીક તો આગળ વધ્યા. ઈસ્માઈલભાઈના ઘરનું આંગણું બધા જ માનવસમાજને આવકારે. તેમણે ત્યાં કોઈ પણ માનવ જ્ઞાતિ કે કોઇપણ સમાજના લોકોને જાકારો નથી. આ ભાવ પણ રાષ્ટ્રવાદ જ છે. માનવ સમાજની ખરી રાષ્ટ્રભાવના જ આ છે કે તે બધાને આવકારે.
‘સદ્દભિ: સંગ:’માં દર્શક નાનાભાઈ ભટ્ટની છત્રછાયામાં આગળ વધી, પોતાની સમજથી વિકસાવેલા ‘ગામડામાં નિશાળ’ નહીં; પણ, ‘ગામડાની નિશાળ’ આવા પ્રયોગથી આખી કથા આરંભે છે. આંબલા જેવા નાના ગામડામાં ‘ગ્રામદક્ષિણમૂર્તિ’ની સ્થાપના કરતી વખતે નાનાભાઈ અને દર્શકના મનમાં આ વાતનો ચોક્કસ ખ્યાલ હતો જ એક તરફ ગામડું ભાગી જાય અને શહેર પણ પૂરું વિકસે નહીં અને જુદા જ પ્રકારનો અભિગમ ધારણ કરે એવા જાણકાર (શિક્ષિતના અર્થે)ને બદલે વિદ્યાર્થી ગામડામાં રહે, ગામડાને પોતાનો લાભ આપી વિકસાવે, સક્ષમ બનાવે અને ગામડાનું રક્ષણ પોતાની જાતે કરવા પ્રેરે એવી આપણી સ્વાતંત્ર્યોત્તર સમજણનું લક્ષ્ય હોવું જોઈએ. શાળા માત્ર શિક્ષણ જ નહીં પણ માનવ વ્યવહાર પણ શીખવે. એનું પણ જ્ઞાન આપે એવી સમજણ ખીલેલી હોવી જોઈએ. જેથી માનવ સમાજને જરૂરી શિક્ષણ આપોઆપ મળી જાય. એમાં પણ ખેતી, પશુપાલન, સહકાર અને ગ્રામોદ્ધાર જેવી પ્રવૃત્તિનો સમાવેશ થતો હોય. આવા પ્રકારનું શિક્ષણ આ સંસ્થાઓ એટલે કે ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ અને ‘લોકભારતી’ શિક્ષણ સંસ્થાઓ સમાજને શિક્ષણ પૂરું પાડે છે. જેથી આવી સંસ્થાઓમાં અનેક લોકો ભણી-ઘડતર પામી આગળ આવી સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક રીતે રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.
નાનાભાઈના પ્રયત્નથી અને મનુભાઈથી આગળ વધેલી બંને સંસ્થાઓમાં અનેક શિક્ષિત તથા સાવ અભણ લોકો સાથે રહી દેશ ઉન્નતિના કામ કરે છે. એમાં રામજીબાપા, વજુભાઈ, ડાહ્યો, વલ્લભ, ઉજમ, મૃદુલા, યશવંતરાય, દલસુખભાઈ, દવેકાકા, જોરસિંહભાઈ, પંડ્યાભાઈ વગેરે તેમજ દેશની મહાન વ્યક્તિઓમાં ગાંધીજી, ઇન્દિરાગાંધી, મોરારજી દેસાઈ, વિનોબાજી, જે.પી. વગેરે મહાનુભાવોના સંપર્કથી પણ રાષ્ટ્ર નિર્માણની ભાવના દર્શકમાં વિકસે છે અને એનો લાભ આખા માનવ સમાજમાં પ્રકાશની જેમ પાથરે છે. આ શૈક્ષણિક સંસ્થામાં અનેક શિક્ષકો, અધ્યાપકો, સમાજસેવકો, રાજકીય સેવકો, સાંસ્કૃતિ પરિસ્થિતિને આગળ ધપાવનાર અનેક રાષ્ટ્રીય સેવકો આપણને મળે છે.
ઝવેરભાઈ જેવા વૈજ્ઞાનિક પણ આ સંસ્થા સાથે જોડાય છે અને ખેતીની પેદાશમાં અનેક પ્રયોગો કરી ઘઉંની એક નવી જાતનું સંશોધન પણ કરે છે. જેનું નામ પોતાનું નહીં આપતા ‘લોક-1’થી ઓળખાવે છે. આ પણ આ સંસ્થાનો જ પ્રતાપ છે. જે રાષ્ટ્રને પૂરેપૂરી રીતે સમર્પિત દેખાય છે. આવા અનેક નાના-મોટા માનવીઓએ આ સંસ્થા દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો બહુ મૂલ્યો ફાળો આપ્યો છે.
સંદર્ભગ્રંથ ::
1. સદ્દભિ: સંગ: – મનુભાઈ પંચોલી
2. સંદર્ભ સંકેત – ભરત મહેતા
3. દર્શક અધ્યયનગ્રંથ – સંપાદક – રમેશ ર. દવે