Download this page in

ઇલેક્ટ્રિક ટ્રેન- મુંબઈને જીલતું આસ્વાદ્ય પુસ્તક

એવી કોઇ વસ્તુ જેના વગર મુંબઈવાસીઓનું જીવન પાંગળુ બની જાય એ ટ્રેન છે. ટ્રેનમાં નવજાત શિશુનો જન્મ થાય, છોકરા છોકરી પ્રેમમાં પડે, ભાગીને ટ્રેનમાં બેસે, લગ્ન કરે, અકસ્માત કે બિમારીથી મૃત્યુ પણ થાય. આમ જન્મ, લગ્ન અને મૃત્યુ જીવનના ત્રણ મહત્તવના બનાવ સાથે મુંબઈની ટ્રેન જોડાયેલી છે.

આપણા કળા સાહિત્યમાં ટ્રેન વિશે વર્ષોથી લખાતું રહ્યું છે, બહુ ઓછી હિન્દી ફિલ્મો ટ્રેનના દૃશ્ય વગર પૂરી થાય. ખુશવંતસિંહની ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નવલકથા કમલા દાસની ‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’ જેના પરથી ફિલ્મ પણ બની છે. નંદિતા દાસનું ‘બીટવિન ધ લાઈન’ ટ્રેનમાં શરૂ થઈને ટ્રેનમાં પૂરું થતું નાટક છે. સૌમ્ય જોશીનું ‘આજ જાને કી જીદ ન કરો’ આ ઉપરાંત બંગાળી નાટક ‘શુભ મુહૂર્ત’ કે મરાઠીમાં લખાયેલું ‘લાસ્ટ લોકલ’માં આઠ સ્ત્રીઓની વાત આવે છે. નાટક શરૂ થાય ત્યારે આઠ સ્ત્રીઓ વચ્ચેનું અંતર અંતમાં નિકટતામાં પરિવર્તન પામે છે. આ નાટકમાં પોલિસ, ચોર, નોકરિયાત, વેશ્યા જેવા વિવિધ ક્ષેત્રોમાંથી આવતી સ્ત્રીઓની વાત છે. આખી વાતના કેન્દ્રમાં ‘લાસ્ટ લોકલ’ છે.

મનમોહનની ફિલ્મો, ગુલજારની રવિપાર અને ઇઝાઝત, ગીરીશ કર્નાડની ‘મંથન’ આ સિવાય બોડીગાર્ડ, ધ બર્નિંગ ટ્રેન, જબ વી મેટ’ આ ફિલ્મોમાં ટ્રેન અગત્યનું ભાગ ભજવે છે. મનોજકુમારની ક્રાંતિ ફિલ્મમાં ટ્રેન વિદ્રોહનું પ્રતિક છે.

આપણી ગુજરાતી વાર્તાઓમાં મેઘાણીની ‘બદમાશ’, હિમાંશી શેલતની ‘સામેવાડી સ્ત્રી’, વીનેશ અંતાણીની ‘યાર્ડમાં ટ્રેન’, ‘ખાલી પ્લેટફોર્મ’ આ વાર્તાઓમાં ટ્રેન માણસના અસ્તિત્વ સાથે કઈ રીતે જોડાયેલી છે એની વાત આવે છે.

ઇલેક્ટ્રિક ટ્રેન. નાનું મજાનું એક સો ચાર પાનાનું પુસ્તક એક દિવસમાં વાંચી શકાય. કોઇ નાયક કે નાયિકા નહી મળે, પ્રણયની વાત વગર લખાયેલું, આ સર્વસામાન્ય રીતે લખાતું અને વંચાતું પુસ્તક નથી.

કવિ શ્રીનિરંજન ભગતે ‘પ્રવાલદ્વીપ’માં કહ્યું છે,
ચલ મન મુંબઈ નગરી
જોવા પુચ્છ વિનાની મગરી ! (છંદોલય, પૃ. ૨૦૧)

કવિ મુંબઈ શહેરને ‘આધુનિક અરણ્ય’ કહે છે. ચાર પૈડાને ચકરાવે ચડેલી આ નગરી અને તેની મનુજસંસ્કૃતિ પર કવિ કટાક્ષ, કટુતા, કરુણા વ્યક્ત કરે છે.

આ પુસ્તકમાં પણ મુંબઈ છે, ટ્રેન છે. મુંબઈનું જીવાતું જીવન રસ્તા પર ચાલતા, અડોશ પડોશના લોકો વચ્ચે, આજના યુવાનો, ટ્રેનમાં જોયેલી ઘટના, અનુભવેલી સંવેદના, સાંભળેલી વાતો આ બધું સર્જક ગીતા નાયકે ઇલેક્ટ્રિક ટ્રેનમાં લખ્યું છે.

પુસ્તક વાંચતા ટ્રેનની વ્હીસલનો અવાજ તમને સંભળાય, પ્લેટફોર્મ પાર કરવા પુલ પર ચડ્યાનો થાક તમને લાગે, નોકરી પર મોડા પડવાની વાતે તમે તાણ અનુભવો, લોકલ ટ્રેનની ભીડ અને મહાલક્ષ્મીના દરિયા કિનારાના મોજા તમારા પગને ભીંજવતા હોય એવું લાગે.

ઇલેક્ટ્રિક ટ્રેનમાં કલ્પના તત્વ શૂન્ય છે. જે છે એ નરવા વાસ્તવનું નિરૂપણ છે. ગીતા નાયક વ્યવસાયે અધ્યાપક. રહેવાનું ઘાટકોપર અને કોલેજ જોગેશ્વરી. એટલે દરરોજ ઘાટકોપરથી દાદર ત્યાંથી વેસ્ટર્ન લાઇનની ટ્રેનમાં જોગેશ્વરી સુધીની આવન જાવન ત્રણેક કલાક તો લઈ લે.

આ મુસાફરી દરમિયાન પ્લેટફોર્મ અને ટ્રેનમાં કીડીયારાની જેમ ઊભરાતી માનવ મહેરામણને ગીતાબેન જે રીતે જુએ છે એની સાથે વ્યકિતત્વની છાપ પણ લખાણમાં વર્તાય છે.

પ્રથમ પ્રકરણ વાંચતા તમને એ વાર્તા લાગશે, બીજું પ્રકરણ ચરિત્ર ચિત્રણ જેવું લાગે, આગળ વાંચતા કોઇ પ્રકરણ નિબંધ છે એવો વિચાર આવે, વચ્ચે એવા તર્ક પર આવવાનું થાય કે આ ડાયરી હશે. પણ આખું પુસ્તક જોયા પછી એને કોઇ સ્વરૂપના ચોકઠામાં બેસાળી નહી શકો. અમુક અંશે ઘણા બધા સ્વરૂપો છે.

ગદ્યની સર્જનાત્મકતા, લેખન શૈલીની પ્રવાહિતા, વાંચનારને પોતાની વાતમાં સાંકળવાની ટેક્નિક થકી ઇલેક્ટ્રિક ટ્રેનને શિષ્ટ સાહિત્યમાં મૂકી શકાય.

મુંબઈ શહેરની વાતોથી અંજાયેલી ગામમાં રહેતી છોકરીઓ આ શહેરમાં રહેવાના સપનાં જોતી હોય. બાબુરાવ જેવા માણસો સાત સાત વખત પરણે, ત્યારે સુખ સાહેબીના મોહમાં તણાઈને આવેલી બિચારી છોકરીઓને થોડા જ દિવસોમાં ઢોર માર સહન કરવાનું આવે. દૂરના અજાણ્યા મુલ્કમાંથી આવેલી બિચારીનું અહિયાં કોણ ? આવે નવીનકોર સાળીને લાલચટક ચંદલામાં શોભતી હોય ને જુલ્મોથી ત્રાસીને જાય ત્યારે તૂટેલો સાડલો, વિખરાયેલા વાળ, મોં પર ઉદાસીનતા, કોખમાં છોકરા અને નિસાસા સાથે પિયર ચાલી જાય.

ટ્રેનમાં શું શું થઇ શકે ? આપણે કલ્પના ન કરી હોય એવું ઘણું બધું ચાલતી ટ્રેનમાં બનતું હોય. ગર્ભવતી મહિલાને વેણ ઉપડે તો બિચારીનું શું થતું હશે! હોસ્પિટલની ભૌતિક સગવડો, અનુભવી ડોક્ટર કે નર્સ અહીંયા કયાંથી હોય.. ત્યારે સુવાવડની જાણકાર પ્રૌઢ સ્ત્રી ગર્ભવતીને સધિયારો આપે, ગભરાયા વિના ઊંડા શ્વાસ લેવાનું કહે, બીજી સ્ત્રીઓ માથા પર ભીનો રૂમાલ મૂકે, કોઇ હથેળી ઘસે, આઠ દસ જણીઓ અડો અડ ઊભી રહીને નાની ઓરડી બનાવી નાખે. પાણીનું ફરમાન મળતા બધાએ સાથે લીધેલી બોટલ ધડાધડ આવી પહોચે. ત્યારે પેલી સ્ત્રી અને સાથે આવેલી સાસુને હાશકારો અનુભવાય.

દોડતી ટ્રેનમાં વ્હીસ્લના અવાજ વચ્ચે, વરસતા વરસાદમાં બાળકના રડવાનો અવાજ સંભળાય ત્યારે આખા કમ્પાર્ટમેન્ટની સ્ત્રીના અધ્ધર શ્વાસોને નિરાંત થાય. મોં મચકોડી આઘી પાછી થવાને બદલે જાણે પ્રસુતા પોતાની બહેન, દીકરી અને વહુ બની લાગે. સહુની સગી બની જાય.

બ્રાહ્મણ અને મુસ્લિમ પરિવારની છોકરીઓ વચ્ચે ટિફીનની અદલા બદલી થાય. જીભના સ્વાદ સામે નાત જાત કે સંસ્કાર ટકી શકતા નથી. માંસાહારી ભોજન લીધા પછી આંગળા ચાટતી જોશી પરિવારની છોકરીને પોતાના માટે આ વર્જ્ય છે એવો વિચાર આવતો નથી. ગુજરાતી સમાજમાં બીજા ક્ષેત્રોની જેમ અહી પણ દંભ છે દેખાડો છે. આ યુવતીની લોલુપતા વિશે એના ઘરમાં કોઇ જાણતુ હશે ખરું ? દેવ દર્શન કરનારા બ્રાહ્મણો, શ્રાવણ મહિનો કરતાં હિંદુઓ કે પર્યુષણ પર્વ પત્ય પછી હોટલો-લારીઓ પર તૂટી પડતા લોકો આપણે બધાંએ જોયા છે. બહારથી અને અંદરથી આપણે એક નથી. જે વિચારીએ તે બોલવું ને બોલીએ એ કરવું આપના હાથની વાત નથી.

એક જગ્યાએ ગીતા નાયક લખે છે,
“ટ્રેનની સફરમાં મારી સાથે આવું અનેકવાર બનતું રહ્યું છે: કેટલીક વૃદ્ધા સગી નાની કે દાદી જેટલી સ્વજન લાગી છે. નોકરીએ જતી સ્ત્રીઓની ચપળતા મારા મનને મોહી લે છે. તદન અજાણી હોવા છતાં એમાંની કોઇ આત્મીય લાગે. કોલેજ કન્યા બહેન-દિકરી હોવાની લાગણી જગાડે. દરેકને જોઇ આવો ભાવ જાગે એવું એ નથી. કોઇ પાસે આવે તો ખસી જવાનું કે ઊભા થઇ જવાનું મન થાય.” [1]

ટ્રેનમાં ટિકીટ ચેકર લોકો પાસેથી પૈસા પડાવવાની આવડતને પ્રામાણિકતાનું નામ આપે. ઘણીવાર ટ્રેન મોડી હોય કયારેક કેન્સલ થાય એ સમયે કોઇને પરીક્ષા આપવા જવું હોય તો કોઈનો ઇન્ટરવ્યુ હોય. ટ્રેનના સમયપત્રકમાં થતાં ફેરફારના ભોગ લોકો બને. આવા ટિકીટ ચેકર એ સમયે આવી ચડે ત્યારે વિદ્યાર્થી પૈસા કયાંથી લાવે ! વિકટ પરિસ્થિતિ સામે લડવાની અન્યાય સહન ન કરતાં ઉપરી અધિકારીની ઓફિસમાં પગલું ભરવાની ફરજ ગીતા નાયક પોતે બતાવે છે.

વસુધાથી જૂની ઓળખાણ છે. અપડાઉન કરતાં લોકોને દરરોજ કોઇ ઓળખીતું મળવાનું. આ વસુધા નારી ચેતનાનું સાહિત્ય વાંચીને એ રીતે જીવવા લાગી છે. “સાત પગલાં આકાશમાં’ એના હાથમાં છે. નવલકથાનો નાયક સાંજે ચા માંગે ત્યારે નાયિકાને સંધ્યાના રંગો જોવા હોય. આ વસુધાનો વર કામ પરથી આવીને કોફીનો આગ્રહ રાખતો ને બેનને ટી.વી. સિરિયલ જોવી હોય.

વસુધા પતિનું ઘર છોડી ભાઇના ઘરે આવી ગઇ. પણ.. પોતાના ઘર કરતાં કામ-કાજની વેઠ વધીને રૂપિયા રડવા પ્રાઇવેટ કંપનીમાં નોકરીએ લાગવું પડયું. વળી ભાઇ-ભાભીની જોહુકમી તળે જીવવાનું. આ સ્ત્રી શેની કિંમત ચૂકવી રહી હતી.

નાની નાની વાતોમાં ઈગો વચ્ચે લાવીને આજના ભણેલા પતિ પત્ની ઝઘડતા દેખાય ત્યારે અભણ દાદા દાદીને નાના નાનીની સમજદારી માટે મન થાય. નાનું નાનું ઝૂકવું કંઇ શરમજનક છે ! પુરુષ વગર એકલા જીવવું જો શકય હોત તો કુન્દનિકા બહેને પોતે સપ્તપદીના ફેર સ્વીકાર્યા હોત ? માન અપમાનના સીમાડા જ્યાં ભૂંસાઇ જાય એનું નામ ઘર.

ગરીબ કે મધ્યમવર્ગીય સ્ત્રી ટ્રેનમાં દરરોજ આવ-જાવ કરે, કુટુંબ સાચવે, છોકરા મોટા કરે, ઘર અને નોકરીની બેવડી જવાબદારી વચ્ચે પોતાના માટે મળતી નિરાંતની બે પળ ટ્રેનમાં જીવી લે. રોજિંદી જિંદગીની એકસરખી કહાણી. કોઇને દેરાણી જેઠાણી, ભાભી નણંદ સાથે સવારમાં થયેલી ચળભળની વાત હોય, બાળકોના ભણતરની ફરિયાદ હોય, નોકરીમાં પગાર ન વધ્યાની હતાશા તો કયારેક બોનસ મળ્યાની ખુશી હોય, ફરિયાદો અને અપેક્ષા અંત વગરની.. લાંબુ લિસ્ટ. સ્વાર્થના પાયા પર સબંધોની ઇમારત ઊભી હોય. ટ્રેનમાં અજાણ્યા પાસે મન હળવું કરે ને માનસિક તાણ ઓછી થાય. પરિવાર પાસે સમય નથી ને બહેનપણીઓ મળતી નથી. હવે દરરોજની ભાઇબંધી આ ટ્રેનમાં મળતી સ્ત્રીઓ સાથે. મમરા કે ખારીશિંગની આપ લેમાં સંબંધ બંધાય, નાની નાની વાતોમાં મળતો આનંદ થોડું હસવું હળવા થવાય. પ્લેટફોર્મ બદલાતા જાય ને પુલ ચડતા લાગતો થાક ટ્રેનની બારીમાંથી દેખાતા દૃશ્યો જોઇને ભૂલાઇ જાય.

એક સમયે એક સાથે મુસાફરીમાં નજીક આવી જતાં લોકો વચ્ચે ખરેખર તો કોઈ સંબંધ નથી હોતો.

“સલામત સ્થળે પહોંચવા સુધીનો જ આ સાથ હતો. કાળે રસ્તે મળે તો એકબીજા સામે હસીને અભિવાદન કરશે એવું ધારવું ઠીક નહીં. કોઈ કોઈનું સગું નહીં ને સંગાથી નહીં. જરૂરિયાત પર અવલંબિત આ સંબંધોની માયા. જેમાં, જે ક્ષણે છુટ્ટા પડયા પછી ક્યારેય ન મળવાનું હોય એમ ઉષ્માહીન હાથ છોડી દેવાનું બને.” [2]

નવી ફેશનની શરૂઆત થાય એ આ સ્ત્રીના ડોલરિયા ડબ્બામાં દેખાય. તહેવારોમાં બાંધણી, લેરિયાની ઓઢણી લહેરાય. વાર પ્રમાણે દેવી દેવતાને રિઝવવા ભજનો ગવાય. ખ્રિસ્તી સ્ત્રીને બેસવાની જગ્યા મળે તો તરત ગળામાં પહેરેલું ક્રોસનું પેન્ડલ હાથમાં લઇ આંખ બંધ કરી ફેરવવા માંડે, ગુજરાતી સ્ત્રી કપડાંના સેલની વાતોમાં વ્યસ્ત હોય, વ્યવહારમાં થતી લેતી-દેતીની વસ્તુના ભાવ જાણવામાં રમમાણ હોય.

નાનું ટોળું હિન્દી ફિલ્મગીતોની ધૂન ગાતું જાય, અંતાક્ષરીની રમઝટ જામી હોય. કોકિલકંઠી કન્યાને ગાવા માટે મોકલાશ મળે. કેટલીય નાની નાની લતા, આશા અહીં ખીલી ઊઠતી હોય. પછી મોંઘવારીમાં બે છેડા જોડવા સંધર્ષ કરતી કરમાઈ જાય.

સવારે ઘર-કુટુંબ છોડીને દૂરના સ્થળે કામ પર જતી સ્ત્રીઓ નાના નાના સુખ પાલવમાં પકળી લે. રોજિંદી ગાડીની રગશિયા મુસાફરીને રોમાંચિત કરવા નુસખા શોધી લે. ઘરમાં માંદા માં-બાપને એકલા મૂકવાના, ધાવણા બાળકને નોકરાણીના અથવા પડોશીના ભરોસે છોડીને જવાનું. ત્યારે આ બધી ચિંતા થોડીવાર ફેંકી પોતાના માટે થોડું હસીને, ગાઈને કે રમૂજ કરીને એકાદ પળ જીવી લે.

આમ પ્રસ્તુત પુસ્તકમાં મુંબઇની ટ્રેન સાથે જોડાયેલી વ્યકિતઓનું ચિત્ર સુપેરે આલેખાયું છે.

સંદર્ભ: :
1. ઇલેક્ટ્રિક ટ્રેન, ગીતા નાયક, આવૃત્તિ ૨૦૧૩, પૃ.૨૭
2. એજન, પૃ. ૫૪

મોના બી. લિયા