Download this page in

અનુ આધુનિક ગુજરાતી ગઝલ – કેટલાક ચહેરા

સાંપ્રત ભારતીય સાહિત્યની વિવિધ ભાષાઓમાં ગઝલનું ખેડાણ જોવા મળે છે. અરબી-ફારસી ભાષામાંથી ગઝલનો ભારતની વિવિધ ભાષાઓમાં પ્રવેશ થયો. આજે ઉર્દૂ અને હિન્દી ભાષા પછી સૌથી વધારે ગઝલ ગુજરાતી ભાષામાં લખાય છે.મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ તરીકે જેમની ઓળખ છે એ દયારામ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્યકવિ નર્મદની કેટલીક રચનાઓમાં ગઝલની થોડી છાંટ જોવા મળે છે. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ગઝલ દોઢસોથી પણ વધારે વર્ષ જૂની છે.

બાલાશંકર કંથારિયાને પ્રથમ ગુજરાતી ગઝલકાર તરીકે ઓળખવામાં આવે છે. બાલાશંકરની ગઝલોમાં ગઝલનું સ્વરૂપ અગાઉ કરતા વધુ ચુસ્ત ધારણ કરે છે. બાલાશંકર, કલાપી, મણિલાલ નભુભાઈ વગેરે ગઝલકારોની ગઝલોથી ગુજરાતમાં ગઝલની આબોહવા બંધાવા લાગી, છતાં ઉર્દૂ-ફારસી શબ્દોનો ભાર ગઝલ પર જોવા મળતો હતો.

ગઝલકાર શયદાની ગઝલોથી ગઝલ 'ગુજરાતી' બનવા લાગી. શયદાની ગઝલોમાં ગુજરાતીપણું દેખાવા માંડ્યું. ગઝલ સૂક્ષ્મ બનવા તરફ હવે ગતિ કરે છે.અમીન આઝાદ અને અન્ય ગઝલકારોએ ગઝલનું પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું, એને કારણે ઘણા નવા ગઝલકારો સામે આવ્યા.સુરતમાં મહાગુજરાત ગઝલમંડળની સ્થાપના થઇ.આ મંડળના ઉપક્રમે મુશાયરા પ્રવૃત્તિને વેગ મળ્યો. રતિલાલ 'અનિલ', આસીમ રાંદેરી વગેરે ગઝલકારોએ ગઝલનું સ્વરૂપ આત્મસાત કરીને ગઝલોની રચના કરે. વિવિધ છંદોમાં ગઝલોની રચના થવા લાગી. રતિલાલ 'અનિલ'ના 'ડમરો અને તુલસી' સંગ્રહમાં ૨૭ છંદોનું વૈવિધ્ય જોવા મળે છે.

ગુજરાતી ગઝલનો આ અતિ મહત્ત્વનો તબક્કો છે. અમૃત 'ઘાયલ', ગની દહીંવાળા, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, મરીઝ, બેફામ,મનહરલાલ ચોક્સી વગેરે કેટલાયે ઉત્તમ ગઝલકારો આ તબક્કામાં જોવા મળે છે.સાકી, સનમ, સુરા,મિલન,વિરહ,વિશ્વાસઘાત,ખુદા પ્રત્યેની નારાજગી વગેરે ભાવો ગઝલમાં સતત ઘૂંટાતા હતા.આ ગઝલકારોની ગઝલોમાં આ ભાવો નહોતા એવું નથી પણ એ ઉપરાંત અભિવ્યક્તિની નજાકત આ ગઝલકારોમાં જોવા મળે છે.

જેને આધુનિક ગુજરાતી ગઝલ તરીકે ઓળખવામાં આવે છે એ આ તબક્કો. ગઝલ હવે વધુ સૂક્ષ્મ બને છે.સ્વરૂપની ચુસ્તીની સાથે અભિવ્યક્તિમાં પણ આધુનિકતા પ્રવેશે છે.અન્ય સ્વરૂપોની જેમ ગુજરાતી ગઝલમાં પણ પ્રયોગશીલ વલણ દાખલ થાય છે. આદિલ મન્સૂરી, ચિનુ મોદી, રાજેન્દ્ર શુકલ, મનોજ ખંડેરિયા, ભગવતીકુમાર શર્મા, હરીન્દ્ર દવે વગેરેની ગઝલોમાં નવાં કલ્પન-પ્રતીક જોવાં મળે છે. સૂર્ય, રણ,હરણ,મૃગજળ,તરસ,પીંછું વગેરે કલ્પન-પ્રતીકોનો વિનિયોગ વધે છે. ગઝલ પ્રતીકાત્મક બનવાની સાથે દુર્બોધ પણ બને છે.નવી અભિવ્યક્તિ, કલ્પન-પ્રતીકનો વિનિયોગ અને કાફિયા રદીફ સંદર્ભે પ્રયોગશીલ વલણ જોવા મળે છે.

જેને અનુઆધુનિક ગુજરાતી ગઝલ તરીકે ઓળખવામાં આવે છે એ આ તબક્કો. આધુનિક ગુજરાતી ગઝલ જે દુર્બોધ બની હતી એ હવે ફરી સરળ-સૂક્ષ્મ તરફ ગતિ કરે છે.રાજેશ વ્યાસ 'મિસ્કીન', જવાહર બક્ષી,હરીશ મિનાશ્રુ,મુકુલ ચોક્સી, સંજુવાળા વગરે ગઝલકારો નવી અભિવ્યક્તિની સાથે ગઝલનો સદ્ય પ્રત્યાયનક્ષમતાનો ગુણ પણ જાળવે છે.હવે અતીતરાગ, ગામડાની સ્થિતિ,પાદર,ઝુરાપો,ગરીબી, કૌટુંબિક સંબંધો, વિષમ સામાજિક પરિસ્થિતિ પણ ગઝલમાં વિષય તરીકે દાખલ થાય છે.આજે ગુજરાતી કવિતા ક્ષેત્રે સૌથી વધુ ગઝલોની રચના થાય છે.વિવિધ સાહિત્યિક સામયિકોમાં ઢગલેબંધ ગઝલો પ્રગટ થતી રહે છે. આ ગઝલોની ગુણવત્તા કેવી છે, એ મારી તપાસનો મુદ્દો રહેશે.એક વાત હવે ખોટી રીતે પ્રચલિત થઇ ગઈ છે કે કાફિયા- રદીફ જોડતા આવડી જાય અને એક છંદ(બહેર) આવડી જાય એટલે ગઝલ આવડી ગઈ.આમ થવાનું કારણ શું? છંદોનું વૈવિધ્ય કેમ ઓછું થઇ ગયું? ગઝલની લોકપ્રિયતા પાછળ સાહિત્યેતર કારણો તો નથી ને?-

અનુઆધુનિક ગુજરાતી ગઝલ એટલે અનેક ચહેરાઓનું કોલાજ. આ કોલાજમાં ભળેલા કેટલાક ચહેરાઓની હું ક્રમશ. વાત કરીશ.

ચહેરો ૧:

એક ગઝલકારના હાથમાં મોબાઈલ છે. ગઝલ ટાઇપ કરે છે અને તરત વોટ્સઅપનાં જેટલાં ગ્રુપ છે એમાં પોસ્ટ કરે છે. ગઝલ પોસ્ટ થઇ નથી કે તરત બીજી મિનિટે વાહ વાહની પોસ્ટ શરૂ થઇ જય છે. પેલો ગઝલકાર રાહ જોઈને જ બેઠો હોય એમ એ પણ સામે એટલી જ ત્વરાએ આભાર માને છે. વોટ્સઅપની વાહ વાહથી પોરસાયેલો પેલો ગઝલકાર વધુ વાહ વાહ લૂંટવા એ ગઝલ ફેસબુક પર પોસ્ટ પણ કરે છે. ત્યાં પણ આ જ સ્થિતિ છે. ધડાધડ લાઇક મળવાની શરૂ થાય છે. પેલો ગઝલકાર પાછો ગર્વથી કહે છે કે મને તો આટલી બધી લાઈક મળી. આ વાહ વાહ કરનારા કે ધડાધડ લાઇક કરનારામાં ક્યારેક સિદ્ધહસ્ત ગઝલકારો પણ હોય છે ત્યારે આશ્ચર્ય ઓછું અને દુઃખ વધારે થાય છે. લાઇક એ અનુઆધુનિક ગુજરાતી ગઝલનો માપદંડ થતો જાય છે એ કડવી-વરવી વાસ્તવિકતા છે. અખબારોની પૂર્તિઓમાં કે ક્યારેક તો જાણીતા સામયિકોમાં પણ કાચી ગઝલોનો ફાલ અવતરતો રહે છે ને એમ ગુજરાતી ગઝલનો ગંજ મોટો થતો રહે છે. સંપાદકોના ગઝલ વિશેના અજ્ઞાનને કારણે આવા ગઝલકારોને પ્રોત્સાહન મળતું રહે છે. બે એક ઉદાહરણ આપું તો ખ્યાલ આવે કે ગઝલના નામે કેવા ધતિંગ થઇ રહ્યાં છે-

થાય તો એ પણ કરી જોતે 'નિનાદ'
પણ ગઝલ સાથે તો પરણાતું નથી. (નિનાદ અધ્યારુ, દિવ્ય ભાસ્કર ૨૪/૦૬/૧૬)

માત્ર વાતોમાં લપસતી એ નથી,
જીભ પણ સેલ્ફીમાં મચકોડાય છે. (રવિ દવે 'પ્રત્યક્ષ')

હવે આમને કોણ સમજાવે કે સાચી ગઝલ સાથે સેલ્ફી લેવી એ જાત સાથે સેલ્ફી લેવી બરાબર છે. જેને ગઝલના મિજાજની ગતાગમ જ નથી એવા કેટલાય ગઝલકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. કાચી ગઝલો થકી વોટ્સઅપ અને ફેસબુક પર ગઝલકાર તરીકેનો કોલર ઊંચો રાખીને ફરનારા ગઝલકારોને સાચી દિશા નહિ મળે તો શયદાની નજાકત, ઘાયલની ખુમારી, મરીઝની સાદગી, ચિનુ મોદી - મનોજ ખંડેરિયાની સૂક્ષ્મતા ક્યાંથી લાવીશું? આ ફેસબુકિયા, વોટ્સપિયા, એસએમસીયાઓને કોઈ તો અટકાવો ...આ ગઝલકારોએ મુકુલ ચોક્સીનો આ શે'ર યાદ રાખવો જોઈએ-

ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ. (તાજા કલમમાં એ જ કે...૨૮)

ચહેરો ૨:

આધુનિક સાહિત્યે સમાજથી છેડો ફાડ્યો હતો ને એમાં ગઝલનો સમાવેશ પણ કરવો પડે. પ્રયોગખોરી ગઝલમાં પણ દેખાવા માંડી હતી. પણ અનુઆધુનિક ગઝલો ફરી સમાજ સાથે ભાવક સાથે અનુસંધાન કરે છે. અનુઆધુનિક ગઝલનું એક મોટું લક્ષણ ગણવું હોય તો એ ગણી શકાય કે એણે સામાજિક નિસબત પ્રગટ કરી છે. અલબત્ત, અહીં પણ પ્રશ્ન એ તો રહે જ છે કે સામાજિક નિસબત દાખવવા જતા ગઝલકાર મિજાજને ચૂકી તો નથી જતો ને?

વૃદ્ધોના પ્રશ્નો, બાળકોના ભણતરના પ્રશ્નો, કૌટુંબિક સમસ્યાઓ આ બધાં વિષયો પણ ગઝલમાં ગઝલની રીતે આવે છે ત્યારે ગુજરાતી ગઝલનો ચહેરો ઉજળો બને છે.

ચાલતા શીખ્યો જે પકડી આંગળી, એ આંગળી
ધ્રુજવા લાગી છે તો તું ઝાલવા તત્પર નથી. (પ્રણવ પંડ્યા, કવિતાથી વધુ કંઈ નહીં, ૧૩)

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.(ગૌરાંગ ઠાકર,વહાલ વાવી જોઈએ,૦૧)

શિક્ષણના પ્રશ્નો દિવસે ને દિવસે વિકરાળ થતા જાય છે ને એમાં પણ બાળશિક્ષણ આજે દયાજનક સ્થિતિમાં છે. સંવેદનશીલ ગઝલકાર એ બાબતે પણ સજાગ છે અને કહે છે-

વાદળની, પંખીઓની લિપિ ક્યાંથી આવડે?
બાળકને બીજું કંઈ નહીં, ભણતર નડી ગયું.(રઈશ મનીઆર, આમ લખવું કરાવે અલખની સફર, ૧૭)

એમ ભણતરની રીતો જુદી થઇ ગઈ,
બાપ ઘરડો થયો તો અભણ થઇ ગયો.(હર્ષ બ્રહ્મભટ્ટ,ખુદને ય ક્યાં મળ્યો છું?, ૧૭)

જેટલું પાસે છે કાળું પાટિયું
એટલું આકાશ આઘું થાય છે. (પ્રણવ પંડ્યા, કવિતાથી વધુ કંઈ નહીં, ૨૩)

ટેરવાં બેભાન થાતાં જાય છે,
તો ય આ લેસન ક્યાં પૂરું થાય છે.((રાકેશ હાંસલિયા, જે તરફ તું લઇ જશે,૨૮)

આપણા સમયની સૌથી મોટી સમસ્યા પર્યાવરણની છે. આપણે પર્યાવરણને જેટલું નુકસાન પહોચાડ્યું છે, એનાં માઠાં ફળ આપણે જ ભોગવી રહ્યાં છીએ. ગઝલકાર એ બાબતે પણ ચિંતિત છે પાણીની સમસ્યા વિશે કહે છે-

કૂવાની પાળ પર બેસીને પંખીએ વિચારે છે,
ખરેખર કૂવા કે આકાશમાં પાણી વધારે છે? (નીલેશ પટેલ, આગ પર અક્ષર લખીએ, ૬૩)

બાબરી ધ્વંસ અને ગોધરા કાંડ પછી ગુજરાતમાં જે હિંસાનું તાંડવ ખેલાયું હતું એને પણ ગઝલકાર અભિવ્યક્ત કરે છે

એક દીવો પ્રગટાવતાં ના આવડ્યું,
આમ આખું શ્હેર સળગાવી દઉં! (ભાવેશ ભટ્ટ, ભીતરનો શંખનાદ, ૨૨)

શીખવી ગયું શહેરને આ કોણ એ કહો,
કે હાથ એટલે ફક્ત ખંજર અને છરા (હર્ષ બ્રહ્મભટ્ટ,ખુદને ય ક્યાં મળ્યો છું?, ૬૨)

આ પ્રશ્નોને લઈને ગઝલ લખવામાં જોખમ એ રહ્યું છે કે અભિવ્યક્તિ ક્યારે પોચટ થઇ જાય છે એ ખબર પડતી નથી. વળી, આ પ્રકારની અભિવ્યક્તિ મુશાયરામાં તો દાદ ઉઘરાવી જ લાવે છે. જો ગઝલકાર સભાન ન રહે તો દાદના વંટોળમાં એક સારો ગઝલકાર પોચટ લાગણીઓનાં કકળાટથી વિશેષ કશું સિદ્ધ કરતો નથી.

બાપ સઘળું સોંપી દીકરાને કહે,
મારા માટે થોડી મિલકત રાખજે (કિરણ ચૌહાણ, મિજાજ,૩૯)

રમકડાં માટે રડતો જોઉં છું હું એક બાળકને ,
ને પૈસાના અભાવે બાપ છે લાચાર રસ્તા પર (હરીશ ધોબી, ગુજરાતી કવિતા ચયન ૨૦૧૨, ૧૩૩)

કિડનીનો આખરે સોદો કર્યો છે,
ફંડ-ફાળો ક્યાં કદી ભેગો કર્યો છે. (ભાવેશ ભટ્ટ, ભીતરનો શંખનાદ, ૨૬)

સ્વાદને આવ્યા વિના છૂટકો નથી,
રોટલી ‘મા’ એ વણેલી હોય છે. (રાકેશ હાંસલિયા, જે તરફ તું લઇ જશે,૧૪)

આ રમકડાં અને બાપની લાચારી અસંખ્ય વખત ઉર્દૂ ગઝલમાં પણ આવી ગઈ છે અને ગુજરાતીમાં પણ! સપાટ વિધાનોથી વાત આગળ વધતી નથી.આ પ્રકારની અતિરંજક અભિવ્યક્તિ ગઝલકારની નબળાઈ છે ગઝલની નહીં.

ચહેરો ૩:

કેટલાક ચહેરા અત્યંત તાજા છે. એમની ગઝલમાંથી પહેલા વરસાદનો છાંટો પડ્યા પછીની માટીની સુગંધ આવે એવી સુગંધ આવે છે. આ ગઝલકારોને બીબાંઢાળ ગઝલોમાં રસ નથી. પરંપરાને આત્મસાત કરીને તેઓ પોતાનું તેજ પ્રગટાવે છે. ગૌરાંગ ઠાકર, કિરણ ચૌહાણ, હિતેન આનંદપરા, અંકિત ત્રિવેદી, અનિલ ચાવડા, અશોક ચાવડા,ભાવેશ ભટ્ટ, મહેશ દાવડકર, ભરત ભટ્ટ 'પવન', મકરંદ મુસળે વગેરે ગઝલકારો ગઝલને ગંભીરતાથી સેવે છે અને એનાં સારાં પરિણામો એમની નવીન અભિવ્યક્તિમાં દેખાય છે. આ ગઝલકારો મિજાજને બરાબર ઓળખે છે અને એટલે જ એમની ગઝલો પેલા મોટા ગંજમાંથી અલગ તરી આવે છે.

કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં? (અશોક ચાવડા,અમર શે’ર, સં. એસ.એસ.રાહી, ૧૩)

શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો !(અનિલ ચાવડા, સવાર લઈને, ૦૫)

સુખ અને દુઃખને તપાસ્યાં તો થયું;
એક મનના બે અલગ ફોટા હતા (જાતુષ જોષી, ગુજરાતી કવિતા ચયન ૨૦૧૨,૩૪)

તમે ખૂબ દોડ્યા, હવે સ્હેજ થોભો
તપાસો, પડ્યો છે હયાતીમાં ગોબો? (કિરણ ચૌહાણ, મિજાજ,૫૧)

ચારમાંથી એક ભીંતે દ્વાર છે,
આ પ્રથાથી ઓરડો લાચાર છે (ભરત ભટ્ટ 'પવન', હથેળીમાં, ૦૫)

આ ગઝલકારોએ લાંબા છંદો અને કામિલ જેવા વિસરાતા જતા છંદોમાં પણ ગઝલ લખી છે અને રમલ છંદમાં કેદ થયેલી ગઝલને બહાર કાઢી છે. વિવેક ટેલર 'શબ્દો છે શ્વાસ મારા' સંગ્રહમાં ૨૧ છંદોનો ઉપયોગ કરે છે. છતાં રતિલાલ ‘અનિલ’ના એક જ સંગ્રહમાં ૨૭ છંદોનું જે વૈવિધ્ય હતું એ તો હવે દુર્લભ છે. છંદોને જે ચુસ્તી પરંપરાના ગઝલકારોમાં હતી એ ચુસ્તી ટકાવવાની જવાબદારી પણ મારા સહિત આ ગઝલકારોની છે.મુશાયરાની લોકપ્રિયતાના જોખમ સામે પાણીદાર ગઝલો સાથે આ ગઝલકારોએ ટકવાનું છે અને ગુજરાતી ગઝલને પણ ટકાવવાની છે. બાકી અત્યારે સ્થિતિ તો આવી છે-

તાળીઓ, દાદ, તમાશા ! જુઓ કાળો જાદુ!
ડાકલાં હસતા રહ્યા, ગઝલો વધેરાઈ ગઈ (રઈશ મનીઆર, આમ લખવું કરાવે અલખની સફર, ૩૧)

ચહેરો ૪:

આધુનિક સાહિત્યનું એક વલણ એ રહ્યું હતું કે પરંપરાનો વિચ્છેદ કરવો. પરંપરાભંજ્કતાને કારણે સાહિત્યે ઘણું વેઠવું પણ પડ્યું હતું અને સહુથી મોટી વાત તો એ કે સાહિત્ય અને ભાવક વચ્ચે એક મોટું અંતર ઊભું થયું હતું. આધુનિક ગુજરાતી ગઝલમાં પણ પ્રયોગશીલ વલણો દેખાયાં હતાં ને ક્યારેક ગઝલ દુર્બોધ પણ બની હતી. અનુઆધુનિક ગઝલે પરંપરાનો સ્વીકાર કરીને પોતાની નવી કેડી કંડારી છે.પૂર્વસૂરીઓએ કરેલાં સર્જનને યાદ કરીને કે પછી સીધું એમનું સ્મરણ કરીને પરંપરાને જીવતી રાખી છે.

નામ તારું લઇ,, યાદ તારી લઇ, વાત તારી લઇ જાગવાનું થયું,
આજ કંઈ કેટલા વરસે ઊંઘી શક્યો, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો! (વિવેક મનહર ટેલર, શબ્દો છે શ્વાસ મારા,૭૨)

લલિત ત્રિવેદી પાનબાઈને આ રીતે યાદ કરે છે-

હે પાનબાઈ! ના પ્રકાશ ના તિમિરની ન ક્ષણો...,
ગગન પરોવીને જોયું તો એક શબ્દ હતો. (લલિત ત્રિવેદી)

ઉદયન ઠક્કર 'વાર્તા-ગઝલ'માં આપણી જાણીતી બાળકથાઓનો વિનિયોગ કરે છે-

જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું? આપણી સરકાર જેવી વાત છે ( ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો, ૯૮)

અહીં સાંપ્રત રાજકારણ સાથેનાં અનુસંધાન દ્વારા ગઝલકાર જુદું લક્ષ્ય તાકે છે.

આધુનિકોએ તો ઈશ્વરનો પણ છેદ ઉડાડ્યો હતો. ભારતીયો માટે ઈશ્વરનો આધાર એ બહુ મોટો આધાર છે. આપણને જીવવા માટે કોઈને કોઈ આધાર જોઈએ છે. અનુઆધુનિકોએ આગવી રીતે ફરી ઈશ્વરની સ્થાપના કરી છે-

ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે, તે છતાં લખતા રહો,
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઈશ્વર મળે. (હિતેન આનંદપરા, ત્રણ,૫૪)

તારી ભીતરમાં કોઈને ઘર મળે,
તો તને પણ શોધતો ઈશ્વર મળે. (ગૌરાંગ ઠાકર, મારા હિસ્સાનો સૂરજ, ૩૮)

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર;
કેવો તું અકસ્માતથી સર્જાય છે ઈશ્વર. (સૌમ્ય જોશી, ગ્રીનરૂમમાં, ૫૬)

ગુજરાતી ભાષાની ખુમારી અને એ દ્વારા ઈશ્વરને પડકારવાનું કામ સંજુ વાળા આ રીતે કરે છે-

ઈશ્વર તું હોય તો તારી ભાષા બોલ, લખ!
મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી (કવિતા નામે સંજીવની, ૩૨)

ચહેરો ૫:

આ ચહેરો થોડો પ્રૌઢ છે, ચહેરો ભલે પ્રૌઢ હોય પણ એ ચહેરાની કાંતિ એ અનુઆધુનિક ગુજરાતી ગઝલની મૂડી છે. હરીશ મીનાશ્રુ, લલિત ત્રિવેદી,જવાહર બક્ષી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, હર્ષ બ્રહ્મભટ્ટ, સંજુ વાળા, રઈશ મનીઆર, ભરત વિંઝુડા, ઉર્વીશ વસાવડા વગેરે ગઝલકારોએ ગઝલની સાધના કરી છે અને એ સાધનાને કારણે ગુજરાતી ગઝલનું કોલાજ જોવાલાયક બને છે. આધ્યત્મિકતાનો રંગ અહીં વિશેષ પ્રગટે છે તો પ્રયોગશીલ વલણ પણ અહીં જોવા મળે છે. લાંબામાં લાંબી રદીફ જવાહર બક્ષી પાસેથી મળે છે

શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત પ્રાસ પહેરવું,
અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ
તે આખા ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે. (તારાપણાના શહેરમાં,૧૧૫)

પ્રયોગશીલ વલણ આ ગઝલકારોમાં હજી જોવા મળે છે. રવીન્દ્ર પારેખ સોનેટ-ગઝલનો પ્રયોગ કરે છે.પરંતુ પ્રયોગ ગઝલના સ્વરૂપને હાનિ પહોચાડે ત્યારે એ પ્રયોગ સામે પ્રશ્ન થાય. રાજેશ વ્યાસ જેવા સિદ્ધહસ્ત ગઝલકારની ગઝલોમાં ક્યરેક આવી અશિસ્ત જોવા મળે છે તો છંદ દોષ પણ જોવા મળે છે.

તો રાજેન્દ્ર શુક્લ પછી અધ્યાત્મિકતાની ઝાંય જવાહર બક્ષી, લલિત ત્રિવેદી, હરીશ મીનાશ્રુ સુધી વિસ્તરે છે. લલિત ત્રિવેદીનો સંગ્રહ અંદર બહાર એકાકાર શીર્ષક પોતે જ આ વાતને દૃઢ કરે છે. તો જવાહર બક્ષીનો રંગ જુઓ-

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઇ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો. (સં. એસ.એસ.રાહી, અમર શે’ર, , ૬૯)

ફરી અગ્નિનાં વસ્ત્ર વણવાને સ્વાહા
કમળફૂલ મધ્યેથી પ્રગટ્યા જુલાહા (હરીશ મીનાશ્રુ)

જે ખગોલે છે, બખોલે તે જ ખગની આંખમાં,
ધીરે ધીરે તેજ બંને પાંખને ખોલે હવે (હરીશ મીનાશ્રુ)

જો કે હરીશ મીનાશ્રુ અને લલિત ત્રિવેદીની અતિ તત્સમ કે ઉર્દૂ મિશ્રિત પદાવલી પ્રત્યાયનના પ્રશ્નો ઊભા કરે છે. આ ગઝલકારો સાવ સહજ બાનીમાં બોલચાલનો લહેકા સાથે કટાક્ષનો કાકુ ભેળવે છે ત્યારે જુદું પરિમાણ સાંપડે છે-

ના ગમે તો વાત સાંભળવી નથી,
કાન એ કોઈની થુકદાની નથી. (ભરત વિંઝુડા,અમર શે’ર,સં.એસ.એસ.રાહી, ૧૨૩)

કુદરતના આ નિયમ નિરાળા ક્યાં કોઈને સમજાયા?
થોડા લોકો સૂરજ પામ્યા, ને બાકીના પડછાયા. (ઉર્વીશ વસાવડા, ઝાકળના સૂરજ,૪૩)

ઢીંગલી, ઘર-ઘર, પછી મુજરો, પછી મંદિર ગયા,
નામ બદલાતા રહે છે ક્યાં રમત બદલાય છે? (રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, એ પણ સાચું આ પણ સાચું, ૭૯)

અનેક સંદર્ભો સાથે આ ગઝલકારો ગઝલ રચે છે ત્યારે ગઝલમાં રહેલા કાવ્યગુણ સામે જે ફરિયાદો થતી રહે છે એને પછી અવકાશ રહેતો નથી. આ ગઝલકારોની ગઝલો મુશાયરાની મોહતાજ નથી. એ એકાંતમાં આપણે આપણી જાત સાથે હોઈએ ત્યારે માણવાની ગઝલો છે. આ સમયગાળામાં ચિનુ મોદી કે રાજેન્દ્ર શુક્લ જેવાં પીઢ ગઝલકારો પણ કાર્યરત છે છતાં કોઈ નવાં પરિમાણ એમની પાસેથી સાંપડતાં નથી. જલન માતરી અને ખલીલ ધનતેજવી જેવાં ગઝલકારોને અનુઆધુનિક કહેવા કે કેમ એ વિષે ભારોભાર પ્રશ્ન છે.

માત્ર ગઝલ જ પ્રગટ થતી હોય એવાં ‘ધબક’ અને ગઝલવિશ્વ’ સામયિકો પણ પ્રગટ થાય છે. આ બંને સામયિકોનાં સંપાદકો ગઝલના જાણતલ છે છતાં નબળી ગઝલોનો ઢગલો થતો રહે છે.આ તંત્રી-સંપાદકોને ઉદયન ઠક્કરનું આ મુક્તક યાદ કરાવવું પડે-

શ્રીયુત તંત્રીમહોદય, હું હજી માની નથી શકતો
ખરેખર, મારી પાસેથી તમે આ શું મગાવો છો?
બધાંને સંપે સાચવતી તમારી પાંજરાપોળે
આ મારો શેર મૂકીને, તમે જોખમ ઉઠાવો છો!( ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો, ૧૨૦)

પાંજરાપોળ આગળનો કટાક્ષ અને બોલચાલની ભાષાનો વિનિયોગ અહીં આસ્વાદ્ય બને છે.

નવોદિત ગઝલકારને પ્રોત્સાહન જરૂરી છે પણ એ પ્રોત્સાહન એને ચહેરા ૧ નાં ગઝલકારમાં સ્થાન અપાવે તો સરવાળે તો એ ગઝલકારની જ હાનિ થવાની છે.મહેશ દાવડકરનો શે’ર પણ યાદ આવે-

આ ગઝલ વ્હેતી નદી છે હો તરસ તો આવજે,
આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું. (ભીડથી ભીતર સુધી, ૭૯)

ગુજરાતી ગઝલકારોએ લોહીનું પાણી કર્યું છે ત્યારે ગુજરાતી ગઝલની નદી છલોછલ થઇ છે. એ નદીનો એક મહત્ત્વપૂર્ણ વળાંક એટલે અનુઆધુનિક ગઝલ. બાકી, શયદાથી લઈને અનિલ ચાવડા સુધીના ગઝલકારોની ગઝલો એટલું તો સિદ્ધ કરે જ છે કે દરેક તબક્કે ગુજરાતી ગઝલે ગુજરાતી કવિતાનું માથું ઊંચું જ રાખ્યું છે. ગઝલ પ્રત્યે ગમે તેટલી આભડછેટ કેમ ન હોય ગુજરાતી કવિતામાંથી એનો એકડો નીકળી શકે એમ નથી, અને એમાં અનુઆધુનિક ગઝલનો પણ મોટો ફાળો રહ્યો છે.

ધ્વનિલ પારેખ, મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરા, ગાંધીનગર 382320. મોબાઈલ: 94262 86261 ઈમેઈલ: parekhdhwanil@gmail.com