Download this page in

મોહન પરમારનું વાર્તાતત્વ

દલિત વાર્તા સાહિત્યમાં મોહન પરમાર એક વિવેચનક્ષમ અને સશક્ત સર્જક તરીકે જોવાય છે. ગુજરાતીમાં દલિત વાર્તાસંવેદન સમાજના ઉપેક્ષિતોની વેદનાને વાચા આપે છે. જયારે દલિત એમ કહેવાય છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે આ સાહિત્યમાં સમાજમાં અગણાયેલી કે શોષિત-પીડિત રહેલ વ્યક્તિઓની સંવેદનાની વાત થઈ રહી છે. પણ મોહન પરમાર કેવલ સામાજિક સંદર્ભ કે સામાજિક ચેતાનાની જ વાત કરીને થોભતા નથી. એમની વાર્તાઓમાં વાર્તાતત્વ અને સંવેદનની અભિવ્યક્તિનું એક આસ્વાદ પરિમાણ પણ જોવા મળે છે. દલિત સાહિત્ય ચોક્કસ પ્રમાણે સામાજિક વાસ્તવને આલેખે છે. આ એમનું સાહિત્ય છે જે પ્રાચીન સમયથી ઉપેક્ષિત રહ્યા છે અને જેમણે કેવળ સવર્ણ સમાજના અત્યાચારોને સહન કર્યા છે. છેક નર્મદ-દલપત સમયથી સર્જાતા આવતા સાહિત્યમાં દલિત સમાજની વેદના-સંવેદનાની વાત થઈ જ નથી. આ સમયમાં કોઈ દલિત સમાજનો સર્જક પણ નથી કે તે પોતાના સમાજની સંવેદનાને વાચા આપે. સામાન્યતઃ સાહિત્યનાં સંબંધ અપરિહાર્ય રીતે સમાજ અને જીવન સાથે રહેલો જ છે. ત્યારે એની અવગણના થઈ શકે તેમ નથી. અત્યાર સુધી જે પ્રકારનું ગુજરતી સાહિત્ય સર્જાયું છે તેમાં એક યા બીજી રીતે સમાજનો સંદર્ભ ઉપસ્યો છે. પરંતુ એમાં દલિત સમાજની સંવેદના ક્યાંય દેખાતી નથી. તે પણ એક હકીકત છે. એક રીતે દલિત સાહિત્ય તેનો પ્રત્યુત્તર છે. દલિત સાહિત્ય કૃતિઓમાં કળા તત્વની વાત થાય એ સારી બાબત છે. પરંતુ દલિત સાહિત્યમાંથી સમાજના સંદર્ભનો સાવ છેદ ઉડાડી દેવો યોગ્ય નથી. મોહન પરમાર દલિત સંવેદના નિરૂપે છે તેમ વાર્તાતત્વ પ્રત્યે પણ સજાગ રહે છે. તે આવકાર્ય છે. આ સંદર્ભે એમની ‘નકલંક’ વાર્તાને આસ્વાદવી જરૂરી છે. આ વાર્તાને સામાજિક વાસ્તવની દ્રષ્ટીએ અને વાર્તા કળાની દ્રષ્ટીએ પણ તપાસવી અને વિવેચવી આવશ્યક છે. કેમકે આ કૃતિ એટલું સહી શકે એટલું સત્વ દર્શાવે છે. કાંતિ અને દીવાનો સંબંધ સામાજિક દ્રષ્ટીએ શક્ય નથી. એમ કાંતિ સમજે છે અને કાંતિનું દિવાના ઈજનને માન આપી ન જવું એ સામાજિક ડર છે. આમ છતાં એક માણસ તરીકે તે વ્યથિત અને મૂંઝવણગ્રસ્ત બને છે. દોરી તુટવાની ઘટના ઘણી જ પ્રતિકાત્મક અને વ્યથાને પ્રગટાવનારી છે.

જીવન અને સમાજને ઉવેખીને લખવું એટલે કલાત્મક જ હોય તે માનવું બરાબર નથી. ખરેખર તો સર્જકની જીવન અને સમાજ પ્રતિબદ્દતામાંથી નીપજી આવતી કળા જ ભાવકને ઊંડાણથી સ્પર્શતી હોય છે. અને જે સાહિત્ય કૃતિ ભાવકના મર્મને સ્પર્શે તે જ ચિરંજીવ અને પ્રશિષ્ઠ ગણાય. દલિત વાર્તાઓ સમાજના સંદર્ભને ઘણી નિકટતાથી આલેખે છે. તેમાં એક પ્રકારાની સામાજિક આવશ્યકતા પણ જોઈ શકાય છે. કેમ કે એ નિમિત્તે દલિત સમાજ પોતિકી વેદના અને સંવેદના તથા સામાજિક બહિષ્કારની વાત માંડે છે. આ સમાજે વર્ષોથી અત્યાચારો સહન કર્યા છે અને સાહિત્ય અભિવ્યક્તિનું માધ્યમ મળ્યું છે ત્યારે પીડિત સમાજ પોતાની વ્યથા ના વર્ણવે તો જ આશ્વર્ય કહેવાય. મોહન પરમારની વાર્તાઓમાં પણ સમાજ સંદર્ભ છે. પણ એક સર્જક તરીકે તેઓ વાર્તા તત્વને વિસારે પડતા નથી. તે એમની કળા પ્રત્યેની પ્રતિબદ્દતા દર્શાવે છે. મોહન પરમારની અત્યાર સુધીમાં પાંચેક વાર્તા સંગ્રહો આપ્યા છે. જેમાં ‘કોલાહલ’, ‘નકલંક’, ‘કુંભી’, ‘પોઠ’, ‘અંચળો’ છે. આ સંગ્રહોની વાર્તાઓમાં મોહન પરમાર એક પ્રતિબદ્ધ વાર્તા સર્જક તરીકેની ઓળખ ઊભી કરે છે. અને એમાં સમાજ અને કળા પણ સંવેદી શકાય છે. તેવો દલિત સંવેદનાને વાચા આપે છે પણ વાર્તાતત્વ પ્રત્યે પણ ધ્યાન રાખે છે. એમની વાર્તાઓમાં દલિતની વ્યથા, કચડાયેલી જીવન સ્થિતિ, સામાજિક રીતરિવાજો, રહેણીકરણી અને તેમના સમાજ વિશ્વને ઉઘાડે છે. આ ઉપરાંત દલિત વાર્તાઓમાં તેઓ સમાજની તળપદી બોલીનો પણ વિનિયોગ કરે છે.

દલિત સમાજનું વર્ષોથી યેનકેન પ્રકારે શોષણ થતું આવ્યું છે. એને શુદ્ર કે અસ્પૃશ્ય કહીને સતત અવગણ્યો છે, એના પર શારીરિક અને માનસિક અત્યાચારો કર્યા છે, અને તેનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે એવા અત્યાચારી સમાજની એવી વ્યવહારિકતા અને માનસિકતાને સાહિત્યમાં ઝાઝી નિરૂપવામાં આવી નથી. જયારે દલિત સમાજનો સર્જક શિક્ષિત થઈને કે દલિત સમાજનો પોતાના સમાજની વાત લઈને આવે છે ત્યારે વાચકને સમાજની તાસીર સમજાય છે. દલિત ક્યારેય પણ શાંતિ અને સલામતીથી જીવ્યો નથી. તે સતત સવર્ણ સમાજના ભય હેઠળ જ જીવ્યો છે. ‘કોહ’માં મણો ચમાર છે અને કોસ બનાવવાનું કામ કરે છે. એના દ્વારા બનાવેલો કોસ ખેડૂતો વાપરે છે અને એક વાર કોસમાંથી ઉલેચતા પાણીને એ મોરિયો દ્વારા ઝીલીને પીવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એણે પાણી કે થાળું અભડાવી મુક્યાની ભૂમરેંગ થાય છે. આ આભડછેટ માણસની હીનવૃત્તિને તો પ્રગટ કરે જ છે. પણ સાથે સાથે આપણી વૈચારિક નિર્બળતા અને સંકીર્ણતા દર્શાવે છે. ‘જળાશય’માં પણ સમાજની એવી જ કુંઠિત અને રુગ્ણ મનોદશાનો પરિચય થાય છે. આમાં વાર્તા નાયકની મનમાં દબાયેલી, કચડાયેલી અને રુગ્ણ માનસિકતાને બતાવી છે. વર્ષોથી આ પ્રમાણે રહેતો દલિત સમાજ પણ કંઈક નવું વિચારી શકતો નથી. પણ એ જ ઘરેડમાં જીવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ પણ વિચારવાનો પ્રશ્ન બને છે. એને સામાજિક રીતે વિચારવું જરૂરી છે.

મોહન પરમારની ‘થળી’ વાર્તા આમ તો દલિત સંવેદનની છે પણ તેને નારીવાદી અભિગમથી પણ સંવેદી શકાય તેમ છે. વાર્તા માં નારીનું શોષણ કેન્દ્ર સ્થાને છે પણ સર્જક કેવળ શોષણને જ આલેખતા નથી. અહીં તો એક દલિત સ્ત્રીનો આક્રોશ અને આત્મસન્માનને પણ દર્શાવે છે. વાર્તામાં દલિત સ્ત્રી રેવી અને સવર્ણ માનસિંહ વચ્ચેના શરીર સંબંધની વાત છે. એ જ માનસિંહ રેવીના શરીરનો ઉપભોગ કરીને તેને ઉકરડે નાખી આવવા તેના પગ પણ ભાંગી નાખવાનું વિચારે છે. અર્થાત સવર્ણ માટે શરીરના ઉપભપોગમાં કોઈ આભડછેટ નડતી નથી. સમાજની આ પ્રકારની સામાજિકતા પણ તિરસ્કારણીય છે. પરંતુ આ દલિત સ્ત્રી કેવળ દલિત રહી જતી નથી. કેમ કે તેનામાં નારીનું આત્મસન્માન પણ જાગે છે. અહીં વાર્તાકાર સમાજના વાસ્તવને નિરૂપે છે પણ સર્જકીય દ્રષ્ટિ ત્યાં જ અટકતી નથી. તેઓ દલિત નારીનો પ્રકોપ અને સ્વતંત્રતા પણ દર્શાવે છે. સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થાએ શોષણ પણ જમાવ્યું છે પણ દલિત સ્ત્રીનું શારીરિક શોષણ કરવામાં કોઈ જ્ઞાતિ વ્યવસ્થા નડતી નથી. ત્યારે એમ કહી શકાય કે વર્ણવ્યવસ્થા એક પ્રકારની તકલાદી અને નિકૃષ્ટ સમાજની માનસિકતા છે. આ પ્રકારની જ અન્ય એક વાર્તા છે. ‘હીરવણું અને તેમાં પણ દલિત સ્ત્રી જીવી અને સવર્ણ ગલબાજી વચ્ચેના વ્યવહારને દર્શાવ્યો છે. અહીં ગલબાજી કોઈ પણરીતે મનની મુરાદ પૂરી કરી શકતો નથી. જીવીએ સીમમાંથી ગલબાજીને કુહાડી દેખાડી ભગાડ્યો છે ત્યાર બાદ એ જ ગલબાજીના વણકરવાસમાં આંટાફેરા વાઢી જાય છે. આમ આ બંને વાર્તાઓમાં દલિત સ્ત્રીઓ જીવી અને રેવીની પ્રતિકારાત્મક અને સ્વમાની વૃત્તિઓના દર્શન થાય છે. આપણી સમાજ વ્યસ્થાના આરંભકાળથી જ સ્ત્રી પુરુષના ઉપભોગનું સાધન બનતી આવી છે ત્યારે એમાં દલિત સ્ત્રીની સામાજિક પીડાની શી વાત કરવી? આ બંને વાર્તાઓ ભારતીય સમાજની ખોખલી વર્ણવ્યવસ્થા અને સવર્ણોના અત્યાચારોની ચાડી ખાય છે. એક તરફ ભારતીય સંસ્કૃતિની મહાનતાની વાત કરીએ છે તો બીજી તરફ ભારતીય સમાજની આ પ્રકારની બદીને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ધર્મ અને ઈશ્વરના ઠેકેદારો અને ભારતના વિકાસની વાતો કરનારાઓ એ આવી સંકીર્ણતા વિશે પણ મુક્ત મને વિચારવું ઘટે.

આ વાર્તાસર્જક એમની દલિત સંવેદનાની વાર્તાઓમાં દલિતની વ્યથા અને તેની સામાજીક સ્થિતિને પુરી નિસબતથી આલેખે છે પણ તેમની વાર્તા ત્યાં જ પૂર્ણ થતી નથી. કેમ કે એ કળાનું પરિમાણ પણ તાગવા તત્પર હોય છે. એમની ‘નકલંક’, ’હીરવણું’, ’થળી’ જેવી કેટલીય વાર્તાઓમાં સર્જકની સમાજ પ્રતીબદ્ધાતા અને કળા પ્રતિબદ્ધ માટે નિષ્ઠા પણ પ્રમાણી શકાય છે. ‘કળણ’માં સામાજિક વિષમતાનું આલેખન છે પણ એની સાથે અહીં જાતીય અને શોષણનું કઠણ પ્રભાવક છે. શોષણ કરવું એ મનુષ્યની સાંસ્કૃતિક વૃત્તિ છે અને પોતાના સ્વાર્થ માટે મનુષ્ય એક યા બીજી રીતે કોઈને કોઈ પ્રકારે વ્યથા જ આપતો રહે છે. ‘ધુરી’માં સામાજિક પરિવેશ કેન્દ્ર સ્થાને રહ્યો છે. પોલીસનું દલીતવાસમાં આવવું એ પણ દલિતો માટે પીડાકાર છે કેમ કે આ જમાત પણ સવર્ણોની જેમ દલિતોને પીડવામાં કશી કસર રાખતી નથી. આમ તો પોલીસ સર્વનું જ દમન કરે છે પણ જયારે તે સત્તા અને મહાજનનો હાથ બને છે ત્યારે તેના અત્યાચારો માઝા મુકે છે. જયારે રમલી કૂસાડોસાને જણાવે છે કે પોલીસ કેશાજીને પકડીને લય ગઈ છે ત્યારે તેઓ અતિ વ્યથિત થાય છે. એક દલિત તરીકે કૂસોડોસો ભય અનુભવે છે. તે લોકોની પરપીડાન વૃત્તિનો ખ્યાલ આપે છે. જયારે ‘આંધુ’ વાર્તામાં દલિતોના ભયને જ નિરૂપ્યો છે. દલિતોએ તો સામાજીક પ્રતિષ્ઠાનું સ્વપ્ન પણ નથી જોવાનું કેમ કે એમને કોઈ જ અધિકાર નથી. એ જ સામાજિક વાસ્તવને વાર્તાકાર પ્રથમ પુરુષ એક વચનની અભિવ્યક્તિરીતિમાં કલાત્મક રીતે આલેખે છે. અહીં આંધી પ્રતિક છે. દલિતોની ભયાવહ સ્થિતિનું ‘તેતર’માં દલિતોની બરીબી અને ભૂખમરાની જીવન સ્થિતિને નિરૂપી છે પણ વાર્તામાં હેમતાજીનો હિંસાનો ભાવ કરુણામાં રૂપાંતર પામે છે તે વાર્તાનું જમાપાસું બને છે. ‘છીંડું’માં દલિત અને સવર્ણનું ખેતર આજુબાજુમાં જ આવેલું છે અને બંનેની એક વાડમાં છીંડું આવેલું છે. અહીં છીંડું એ મનુષ્યની જાતીય વૃત્તિનું પ્રતિક બનીને પ્રગટે છે. આ વાર્તામાં સામાજિક વાસ્તવ તો પ્રગટે જ છે પરંતુ વાર્તાકાર વાર્તાની કળાકીય પરિમાણ આપીને એક સ્ત્રીના મનની સંકુલતાને પણ દર્શાવે છે. અન્ય એક વાર્તા ‘નેણકટારી’ પણ દલિતવાસનું આલેખન છે. આમાં એક સવર્ણ નાયિકાને દલિત પ્રત્યે આકર્ષણ થતું બતાવ્યું છે. અન્ય વાર્તાની જેમ આમાં પણ વાર્તાકારે દલિતોની બોલી, રીવાજો, શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને મહોલ્લાનો પરિવેશ ખડો કર્યો છે. વાર્તા નાયક ભૂંગા પ્રત્યેનો સવર્ણ નાયિકાનું આકર્ષણ કોઈને ના ગમે પણ આકર્ષણના વાસ્તવને પણ નકારી શકાય તેમ નથી. આને કોઈ સમાજનો વાસ્તવ ન કહે તો પણ આ શક્યતા તરફ દોરી જતી વસ્તુ છે.

મોહન પરમાર કેવળ દલિત સંવેદના તરફ જ ઉન્મુખ રહેતા નથી. પણ તેઓ ‘ભાગોળ’ વાર્તામાં હિન્દુ-મુસ્લિમની કોમી સંવેદનાને પણ નિરૂપે છે. સમાજમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે વિસંવાદ થયો છે તે જગ જાહેર છે. દલિતો અને સવર્ણો વચ્ચેનો વિગ્રહ પણ આજે વિશ્વફલક પર મંડાયો છે અને ભારત દેશની આ સામાજિકતા ક્યાં અટકશે એ વિચારણીય મુદ્દો છે. એવું લાગે છે કે મનુષ્યને સંપ, શાંતિ અને સમૃદ્ધિ કરતા પણ વિનાશ અને અશાંતિનો માહોલ સર્જવો વધારે ગમે છે. ભાગોળ પર બેઠેલા હુસેનઅલીના ડબ્બાને વિના કારણે લાત મારતો અને તિરસ્કારતો બાવો ધૃણાને જ પાત્ર હોય. જયારે મંદિરમાં આવવા ઈચ્છતા હુસેનઅલીને પુજારી આવવા દેતો નથી તે માણસની રુગ્ણતા અને સંકીર્ણતા બતાવે છે. સમાજમાં ધર્મ, ભગવાન અને જ્ઞાતિગત વ્યાપેલી ભેદ રેખા એ માણસની માણસાઈને ખતમ કરી નાખી છે. તેનો પરિચય આ વાર્તા કરાવે છે. સામાન્યત: ઘર્મએ મનુષ્યને નૈતિકતા અને જીવનનો સાચો પાઠ શીખવાડવાનો છે પણ મનુષ્યના ભેદભાવી વલણે ધર્મને અભડાવી દીધો છે. તેનું વરવું દર્શન ‘આગણું’ વાર્તામાં બતાવ્યું છે. એ જ પ્રમાણે ધર્મ કેવી રીતે માણસ માણસ વચ્ચે વેરભાવ વધારે છે તે ‘લાગ’માં છે. દલિતો પોતાના દેવ રામદેવ પીરની પાલખી ભાદરવા સુદ અગિયારસના દિવસે ધામધુમથી કાઢી ગામના દરેકે દરેકના ઘરે ફેરેવીને દર્શન કરાવે છે અને આ એમની ધાર્મિક વિધિ છે. આ પાલખીને નિમિત્તે જ નરસી ભીખા અને દેવા ગણેશ વચ્ચે ઝગડો થાય છે. પાલખીમાંનો રામદેવ પીરનો દીવો હોલાવાવો એ ધાર્મિક દ્રષ્ટિએ અપશુકન છે તે અહીં સ્પષ્ટ થાય છે. આ ઘટનાની નિમિત્તે વાર્તા સર્જકે દલિતવાસનો પરિવેશ, લોકામાન્યતાઓ અને તેમની ધાર્મિક અંધશ્રદ્ધાનું દર્શન કરાવ્યું છે. જયારે ‘વાણ અને વળ’માં આવતા દલિત સમાજના વ્યાપેલા દ્વેષભાવને વર્ણવ્યો છે. આમાં દલિતોના શોષણનું કથન નથી પણ દ્વેષ દલિતમાં પણ કેવી હિંસક વૃત્તિ જગાવે છે તેનું નિરૂપણ છે. ‘લૂગડાં’માં સ્ત્રી શોષણની વાત છે. ધર્મે માણસને કેવો દિશાહીન કરી મુક્યો છે અને વ્યક્તિ માત્ર ધર્મ કે શ્રધ્ધાની આડમાં ધર્મના ઠેકેદારોથી કેવી શોષાતી રહે છે તે અહીં છે. આ પ્રકારના શોષણનો ભાગ બધા સમાજની દરેક સ્ત્રીઓ બનતી હોય છે. આમાં દલિત સ્ત્રી બાવાઓની ચુંગાલમાં ફસાઈને શોષાઈ છે અને વાલી આ બાવાઓને પણ સ્ત્રી શોષણમાં કોઈ આભડછેડ અને ધર્મનો બાધ નડતો નથી. આ ઉપરાંત મોહન પરમારની ‘અશ્વપાલ’, ‘ખડી’, ‘ભાગોળ’, ‘લાગ’, ‘વેશપલટો’, ‘આગણું’, ‘રઢ’ જેવી કેટલીય વાર્તાઓમાં સમાજની આંધળી ધાર્મિક ભાવના બોલીનો તળપદો પરિવેશ, સામાજિક સ્થિતિ, રાગદ્વેષ, ગમા-અણગમા, દલિતવાસનો પરિવેશ વગેરેનું નિરૂપણ આવે છે, જયારે ‘પડળ’, ‘રવેરા’ અને ‘ઉચાટ’માં અનુક્રમે એક વિધવા સ્ત્રી અને શેઠ વચ્ચેનો સંબંધ તથા તે વિધવાની આત્મજાગૃતિ એક અણસમજ અને દુનિયાદારીની કશી સમજ ન પડતી હોય એવી કિશોરીના મનોગતને અને દલિત સ્ત્રી મોધીની વિચાર અને વ્યવહારની સ્વસ્થતા દર્શાવે છે. અહીં વાર્તાકારે મોઘીના ચરિત્રને જરાય કલંકિત કર્યા વિના પ્રસ્તુત કર્યું છે. દલિત કે પીડિત વ્યક્તિને વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે જ સોસાયટીમાં સફાઈ કામ કરવું પડતું હોય છે. એ આપણી સમાજીક્તાનું જ પ્રતિબિંબ પાડે છે.

આમ, મોહન પરમારની વાર્તાઓને મૂલવીએ ત્યારે એમાં સમાજ અને દલિત જીવનનું પ્રતિબિંબ તો પડે જ છે પરંતુ એક બાબત એ પણ નોંધાવી જરૂરી બને છે કે એમનું કૌશલ વાર્તાતત્વ પણ પ્રગટાવે છે. એમના દલિત પાત્રો કેવળ દલિત તરીકે જ ઓળખાય એવા નથી. પણ એ બધાં સવર્ણો જેવા બનવા અને જીવનની ઉદાત્તતા પ્રગટ કરે છે. એમની માનસિક ચેતનાના સ્થિત્યંતરો નિરૂપીને વાર્તાસર્જક કળાતત્વનું પરિમાણ સિદ્ધ કરે છે. એમની દલિત સમાજની સ્ત્રીઓ કેવળ દલિત હોવા માત્રથી શોષતી નથી પણ એક સ્ત્રી તરીકે નારીનું સ્વાભિમાન અને આત્મ સન્માન દેખાડે છે. સામાન્યત: દલિત સર્જકો જે આક્રોશ અને વિદ્રોહ દલિત સંવેદનાના નિરૂપણથી વ્યક્ત કરે છે તે એમની વાર્તાઓમાં જવલ્લે જ જોવા મળે છે. મોહન પરમાર સામાજિક વાસ્તવ દર્શાવે છે પણ તે મુખર ઓછો વધુ કળાલક્ષી છે. છતાં એમની વાર્તાઓમાં પણ દલિતોને થતો અન્યાય, શોષણ, સવર્ણો પ્રત્યેનો વેરભાવ, દલિત સ્ત્રીનું જાતીય શોષણ, સ્ત્રી પુરુષનું વૈદ-અવૈદ સંબંધ, જાતીયતા વગેરે આલેખે છે તો પણ એમની વાર્તાઓ કળાભિવ્યક્તિ તરફ અગ્રેસર થતી જણાય છે. દલિત સમાજની બોલીનો સમુચિત વિનિયોગ કરીને પણ એમને સમાજનો પરિવેશ, રીતરિવાજ, જીવનસ્થીતી, શ્રદ્ધા-અંધશ્રધ્ધા નિરૂપ્યું છે. આધુનિકોત્તર ટૂંકી વાર્તાઓમાં મોહન પરમાર એમની પોતિકી નિરૂપણરીતિ, ભાષાભિવ્યક્તિ, સામાજિક અને જીવનની ધટનાત્મક પ્રસ્તુતિ, ક્યારેક પ્રતીકાત્મક તો ક્યારેક નાટ્યાત્મક તો ક્યારેક કળાત્મક, જુદી જુદી કથનરીતિ વગેરેના વિનિયોગથી એક અચ્છા વાર્તાસર્જક તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. એમની વાર્તાઓમાં આવતો જીવન અને સમાજનો સંદર્ભ કળાકીય અભિવ્યક્તિ પામ્યો છે તે એમાના વાર્તાતત્વોનું જમાપાસું બને છે.

સંદર્ભ::
૧. પરમાર, મોહન, કોલાહલ, બીજી આવૃત્તિ: ૨૦૦૫, પ્રકાશન: રન્નાદે પ્રકાશન, અમદાવાદ.
૨. પરમાર, મોહન, નકલંક, પ્રથમ આવૃત્તિ: ૧૯૯૧, પ્રકાશન: લોકપ્રિય પ્રકાશન, અમદાવાદ.
૩. પરમાર, મોહન, કુંભી, બીજી આવૃત્તિ:૨૦૦૫, પ્રકાશન: રન્નાદે પ્રકાશન, અમદાવાદ.
૪. પરમાર, મોહન, પોઠ, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૧, પ્રકાશન: રન્નાદે પ્રકાશન, અમદાવાદ.
૫. પરમાર, મોહન, અંચળો, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૮, પ્રકાશન: રન્નાદે પ્રકાશન, અમદાવાદ.

સંજયભાઈ ખવલભાઈ ચૌધરી, ગુજરાતી વિભાગ, (રિસર્ચ ફેલો), એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ. મો.નં.: ૯૯૭૯૩ ૪૫૩૧૧