Download this page in

પરિણીતા: સાહિત્ય અને ફિલ્માંકન

શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી ભાષામાં લખાયેલી લઘુનવલ ‘પરિણીતા’ (ઈ.સ. ૧૯૧૪) પરથી સમયાંતરે દિગ્દર્શક પશુપતિ ચેટર્જી દ્વારા ઈ.સ. ૧૯૪૨, દિગ્દર્શક બિમલ રોય દ્વારા ઈ.સ. ૧૯૫૩, દિગ્દર્શક અજય કર દ્વારા ઈ.સ.૧૯૬૯ અને દિગ્દર્શક પ્રદીપ સરકાર દ્વારા ઈ.સ. ૨૦૦૫માં ફિલ્માંકન થયું છે. અહીં દિગ્દર્શક પ્રદીપ સરકાર અને ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા દ્વારા નિર્દેશિત પરિણીતા (ઈ.સ.૨૦૦૫) ફિલ્મ અને ગુજરાતીમાં રૂપાંતરિત શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની પરિણીતા (બીજી આવૃત્તિ-૨૦૧૧) વિશે અભ્યાસ કરવાનો ઉપક્રમ છે.

ભારતીય નારીહૃદયની કૃતિ: ‘પરિણીતા’

શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય (ઈ.સ.૧૮૭૬-૧૯૩૮) પાસેથી ‘પરિણીતા’ લઘુનવલ મૂળ બંગાળી ભાષામાં ઈ.સ. ૧૯૧૪માં મળે છે. ‘પરિણીતા’ લઘુનવલનું બંગાળી ઉપરાંત હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ અનેક ભાષાઓમાં રૂપાંતરિત થઈ છે. ‘સંસ્કૃતિ’ના ‘શરદચંદ્ર શતાબ્દી અંક’માં ઉમાશંકર જોશી કહે છે કે, “શરદબાબુ દેશને ખૂણે ખૂણે, ભાષાઓના અંતરાય વટાવીને, અસંખ્ય વાચકો સુધી પહોંચી ગયા. આજે શતાબ્દી વર્ષમાં પણ એ જાદુ કાયમ છે. એ જાદુ વાસ્તવ આલેખનનું છે, સામાન્ય માનવીની વાતોમાં ધબકતા માનવહૃદયનું છે. શરદબાબુ બંગીય નારીના, ભારતીય નારીના શ્રેષ્ઠ આલેખક છે, કેમ કે નારીહૃદયના એ એક શ્રેષ્ઠ આલેખક છે.”૧ લઘુનવલ કુલ ૧૨ પ્રકરણોમાં વિભાજીત છે. જેનો આરંભ ગુરુચરણના પરિચયથી થાય છે. ગુરુચરણ બાબુ માત્ર સાઠ રૂપિયાના પગારદાર બેંકના સામાન્ય કારકુન હતા. સવારની પહોરમાં તેમને સમાચાર મળે છે કે તેમની પત્નીએ કોઈ વિઘ્ન કે કષ્ટ વિના પાંચમી કન્યાને જનમ આપ્યો છે. અને બાળક તથા માતા બંને તંદુરસ્ત છે.- આ સાંભળતાં જ એમનો ચહેરો ઉદાસ અને ફિક્કો થઈ ગયો. એકાદ દીર્ઘ નિ:શ્વાસ નાખવા જેટલી પણ એમનામાં શક્તિ રહી નહીં. અન્નાકાલી (ગુરુચરણની ત્રીજી દિકરી) પિતાને સમાચાર આપી, બાળકી જોવા બોલાવે છે. પરંતુ એક ગ્લાસ પાણી એકીશ્વાસે પી જઈને ફરી સૂઈ ગયા. આમ, ગુરુચરણના મન:સ્થિતિથી ખ્યાલ આવે છે કે તેમના પર સ્ત્રીબોઝ વધારે છે. કારણ કે બીજી દિકરીના લગ્ન માટે તેમને નવિન રાય પાસે મકાન ગિરવી મૂકી પૈસા લીધા હતા. ઉપરાંત તેમની સાથે ભત્રીજી લલિતા રહે છે. તેઓ મામાની પરિસ્થિતિને સમજે છે. ગુરુચરણ શેખરને કહે છે કે લલિતા હવે સમજણી થઈ છે. આમ, લધુનવલમાં પણ વર્તમાન પરિસ્થિતિ સાથે ફ્લેશબેક આલેખાયું છે.

શેખર સરકારી વકીલ છે. ગુરુચરણના પાડોશી નવીનરાયનો છોકરો. નવીનરાય ગોળના વેપારમાં લાખોપતિ થઈ જવાથી હાલમાં પૈસા વ્યાજવટુ કરે છે. મોટો છોકરો અવિનાશ વકીલાત કરે છે અને સુખી છે. બાળપણથી જ શેખરની લલિતા સાથે ગાઢ મિત્રતા બને છે, અને પોતાની પોકેટમની નિઃસંકોચથી આપતો. શેખરના બધા કામો લલિતા કરતી. શેખર સંગીતનો શોખીન હોવાથી લલિતા ગીત રચવામાં મદદરૂપ થાય છે. હાલમાં શેખરની ઉંમર ૨૫-૨૬ વર્ષની જયારે લલિતાની ૧૩ વર્ષની છે. શેખર પિતાના આગ્રહથી કન્યા જોવા જાય છે. ગુરુચરણના બીજા પાડોશી ચારુબાલા અને તેમની મા મનોરમા રહે છે. ચારુબાલા અને લલિતા બંને ગાઢ સખીઓ હતી. ચારુબાલાને ત્યાં ગિરીનનું આગમન થતા લઘુનવલમાં વળાંક આવે છે. ગિરીન બાંકીપુરમાં ભણતો હતો. ગિરીન સાથે પણ લલિતાની મિત્રતા બંધાય છે. આ મિત્રતાથી શેખર ના ખુશ છે. લલિતાના કારણે ગિરીન થોડા દિવસોમાં ગુરુચરણના પરિવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવે છે. જેમાં પૈસા ન ચૂકવવાથી ગિરવી મૂકેલી હવેલી નવીનરાય પડાવી લેશે.- આ માહિતી મળતા ભાવુક ગિરીન તેમને પુરતા રૂપિયા આપી મદદ કરે છે, અને ગિરવી મૂકેલું મકાન છોડાવે છે. આ ઘટના બાદ લલિત અને ગિરીનની મિત્રતા વધુ ગાઢ બને છે.

લઘુનવલનો વળાંક સાતમાં પ્રકરણથી બદલાય છે. ધીરે ધીરે લલિતાના વિવાહની વાત શરુ થાય છે. શેખર માતાને હવાફેર લઈ જવાની તૈયારી કરે છે. આ સમયે લલિતા સાથે સામાન પેક કરતાં કહે છે કે, ‘.... પારકાને ઘેર જતાં પહેલાં તું કઈ વસ્તુ ક્યાં છે, ક્યાં નથી તે મને બતાવીને જજે- નહીંતર જરૂર પડ્યે કશું શોધ્યું જડશે નહીં.’૨ ત્યાંથી લલિતા ચાલી જાય છે. થોડા સમયમાં કાલી પાસે મંગાવેલી ગલગોટાની માળા લઈને ચુપકીથી શેખરના ગળામાં નાખે છે. શેખર પહેલાં તો ચમકી ઉઠીને બોલ્યો : ‘એ... કાલી !’ અને બીજી જ ક્ષણે મોં ફેરવીને જોયું તો લલિતા પાછળ ખુરશીમાં બેઠેલી હતી.

લલિતાને જોતા જ તે એકદમ ગંભીર થઈને બોલી પડ્યો : ‘આ શું કર્યું, લલિતા !’
લલિતા તો ગભરાઈ ગઈ. તે ઊઠીને ઊભી થઈ શેખરના મુખના ભાવથી જરા શંકિત થઈને બોલી પડી : ‘ કેમ શું કર્યું છે ?’
શેખર પૂરેપૂરી ગંભીરતા જાળવી રાખીને બોલી પડ્યો : ‘જાણતી નથી, શું તે ? જા, કાલીને પૂછી આવ, આજે રાતના ગળામાં માળા પહેરવાથી શું થાય તે ?’
હવે લલિતા બધું સમજી ગઈ. આંખના પલકારામાં તેનું મોં અત્યંત લજ્જાથી રાતુંચોળ થઈ ગયું. ‘તે નહીં – કદી નહીં – કદી નહીં’ એમ બોલતી બોલતી દોડતી ઓરડામાંથી ચાલી ગઈ.૩ દાસીને કહી લલિતાને બોલાવે છે. શેખરની લલિતા સાથે ફરી વાર્તાલાપ ચાલે છે. એ દરમિયાન અધૂરું કામ પૂરું કરવા કહે છે. પરતું લલિતા શરમાઈને અગાસીમાં ચાલી જાય છે. લલિતાની જેમ શેખર પણ તેમના ગળામાં અચાનક માળા પહેરાવી દીધી. શેખર હસી પડ્યો. શેખરે બંને હાથ લંબાવીણે છાતી સરસી ખેંચી લઈ અધરને ઓષ્ઠનો સ્પર્શ કરી કહે છે, ‘મને કંઈ કહેવાની જરૂર નથી લલિતા ! આજથી તું જાતે જ બધું સમજી શકશે.’ લલિતાનું આખું શરીર રોમાંચિત થઈને કંપી ઉઠયું. તે ખસી જઈને કહેવા લાગી : ‘મેં ભૂલમાં તમારા ગળામાં માળા પહેરાવી દીધી એટલે જ શું તમે આમ કર્યું?’
શેખરે હસીને માથું ધુણાવ્યું, પછી કહેવા લાગ્યો : ‘ના, હું ઘણા દિવસથી વિચાર કરી રહ્યો હતો, પરંતુ નક્કી કરી શકતો નહોતો. આજે નક્કી કર્યું છે, કારણ કે મને સમજાયું છે કે તારા વિના મને રહેવાય એમ લાગતું નથી.’૪ બંને સિવાય આ ઘટનાની કોઈને ખબર હોતી નથી.
ત્રણ મહિના પછી ગુરુચરણે વિધિપૂર્વક દિક્ષા લઈ બ્રાહ્મઘર્મ અંગીકાર કર્યો. એ પૂર્વે ગુરુચરણ તેમના સમાજની ધાર્મિક કટ્ટરતાના ખુબ જ વિરોધી હતા. તેઓ ગિરીનને કહેતા કે ‘અમારા સમાજ કરતાં તો તમે બ્રાહ્મસમાજી લાખ દરજ્જે સારા ! તમારામાં માનવતા તો છે ! તું જ કહે ગિરીન, ત્યારે માણસ સમાજને મહત્વ શાને આપે? પરંતુ સમાજનો રીવાજ છે. સમાજની સાથે ચાલો. મકાન ગીરો મૂકીને કે વેચીને છોકરીનાં લગ્ન કરો અને સમાજ માટે ભોજન-સમારંભ રાખો.’૫ ધર્મ અંગીકાર કર્યાની વાત નવીનરાયના પાસે પહોંચે છે. ત્યારે નવીનરાય ગુરુચરણને કહે છે કે, ‘ઘણું સારું કર્યું, ભાઈ ! પોતાના ગળામાં ફાંસો નાખવાની શક્તિ નહોતી એટલે સમાજના ગળામાં નાખ્યો. જા, હવે અમારી આગળ તારું કાળું મોં બતાવતો નહીં. છોકરીને ચમાર-મોચીના ઘેર આપજે.’૬ ત્યારબાદ નવીનરાય અને ગુરુચરણ વચ્ચેના સંબંધોમાં તિરાડ ઉદભવે છે. તેમજ બંને ઘરોની વચ્ચે દિવાલ ચણાવે છે. સમય પસાર થતા ગુરુચરણની તબીયત લથડે છે. તેમને હવાફેર માટે મુંગેર લઈ જવામાં આવે છે. પરંતુ એક વર્ષમાં મૃત્યુ પામે છે. તો થોડા સમયમાં શેખરના પિતા નવીનરાય પણ મૃત્યુ પામે છે. આમ, બંને ઘરોમાં માતમ ફેલાય છે. શેખરને માહિતી મળે છે કે લલિતાના લગ્ન ગિરીન સાથે થયા છે. શેખરના લગ્નની તૈયારીઓ ચાલે છે. પરંતુ અંતમાં ખુલાસો થાય છે કે ગિરીનના લગ્ન અન્નાકાલી સાથે થયા છે, અને લલિતાના લગ્ન કોઈ યુવાન જોડે અગાઉથી જ થઈ ગયા છે. અંતે શેખરે મક્કમ મન કરીને માતાને બધી વાત જણાવી. ભુવનેશ્વરી અતિઉત્સાહમાં આવી જઈને લલિતાને પોતાની છાતી સરખી ખેંચી અને તેના માથે ચુંબન કરતાં કહે છે, ‘તેથી જ ગિરીનના કાલી સાથે લગ્ન થયાં, ખરું?’
લલિતાએ ધીમા અવાજે કહ્યું : ‘હા, મા, તેથી જ. ગિરીનબાબુ જેવા માણસ જગતમાં બીજા છે કે નહીં તે હું જાણતી નથી. મેં તેમને સમજાવતાં જ તેઓ માની ગયા કે સાચે જ મારાં લગ્ન થઈ ગયા છે. સ્વામી મારો સ્વીકાર કરે કે ન કરે, તો પણ તેઓ છે તો ખરા, હું તેમની પરિણીતા છું.’૭ ભુવનેશ્વરી લલિતાને આશીર્વાદ આપ્યા બાદ મોટા દિકરા અવિનાશને કહેવા જાય છે કે કન્યા બદલાઈ ગઈ છે.

આમ, ‘પરિણીતા’માં પ્રણય ત્રિકોણમાં લલિતાનું પાત્ર શેખર માટે અનહદ પ્રેમ સાથે ગૌરવશાળી બને છે. તેમજ શરતચંદ્રની ભારતીય સ્ત્રી સાથે જોડાયેલી સમસ્યાઓ, આંતરિક સંઘર્ષ અને મનોભાવનું જીવંત ચિત્ર ઉદભવે છે.

હિન્દી ફિલ્મ (ઈ.સ.૨૦૦૫): ‘પરિણીતા’

‘પરિણીતા’ ફિલ્મનો આરંભ કલકત્તાના દ્રશ્યો દર્શક સામે અમિતાભ બચ્ચન (ભૂતકાળમાં ઈ.સ.૧૯૬૨) યુગની રજૂઆત સાથે પ્રદર્શિત થાય છે. આ વર્ણન ક્રેડિટ રોલ તરીકે શેખર(સૈફ અલી ખાન) અને ગાયત્રી તાંતીયા(દિયા મિર્ઝા), એક સમૃદ્ધ ઉદ્યોગપતિની પુત્રીના લગ્નની રાત્રે ધ્યાન કેન્દ્રિત કરે છે. ગાયત્રી એક ચંચળ સ્ત્રી જે શેખરને તેના વશીકરણ અને સૌંદર્યથી મેળવવા માગે છે. દર્શકોને શેખરના પિતા તરીકે નવીનરોયને રજૂ કરવામાં આવે છે. નવીનરોય એક ચાલાક અને સંતોષકારક ઉદ્યોગપતિ, જેમણે પૈસા માટેના લોભથી માનવ મૂલ્યો અને સંબંધો પણ બાજુમાં મુકે છે. અહીં આપણે શેખરને આ પ્રસંગ માટે પોતાને માવજત જોતા જોઈ રહ્યા છીએ. આ સમયે લલિતાની છબીઓ શેખરના મનમાં નામ દ્વારા તેને બોલાવે છે. નીચે સંગીતમય ઉજવણી શરૂ થાય છે. ગીત આરંભાય છે કે,
‘સુનો સુનો દુલ્હન કી ઔર દુલ્હે કી કહાણી,
ધિનાક ધિનાક થા
દુલ્હ થોડા એઇવેની થા દુલ્હન થી સયાઇની,
ધિનાક ધિનાક થા
દૂર દેશ સે આયી થી વહ રુપ કી રાણી,
ધિનાક ધિનાક થા’

આ સમયે શેખર તેમના પડોશી વિધવા વસુંધરાને મળે છે. પતિ ગુરુચરણના મૃત્યુ પછી તેમના પરિવારને ટેકો આપનાર ગિરીશ(સંજય દત્ત) માટે આભારી છે. ત્યાં લલિતા(વિદ્યા બાલન) હાજર હોય છે. શેખરને રમતથી છીનવી લે છે કારણ કે તેના માટે ઉદાસીન છે. શેખરે લલિતાને પતિવ્રતા હોવાનું નાટક કરવાવાળી કહી, તિરસ્કારી ચાલ્યો જાય છે.

શેખર સંગીતનો શોખીન હોવા છતાં ગુસ્સો તેના પિયાનો પર ભૂતકાળની એક પ્રિય ટ્યુન રમવા માટે ઘરે પાછો ફરે છે. ફ્લેશબેક એક યુવાન શેખરને બતાવે છે જે રવિન્દ્રનાથ ટાગોરની પિયાનો પરની ટ્યુનિંગની ભૂમિકા ભજવે છે. ત્યાં નાનકડી કોયલ(રૈમા સેન) સાથે લલિત(આઠ વર્ષ) આવી પહોંચે છે. લલિતાના માતાપિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને હવે પછી ગુરચરણના પરિવાર સાથે રહેશે, વગેરે માહિતી કોયલ શેખરને આપે છે. કોયલ તેની પિતરાઈ છે જ્યારે ચારુ પાડોશી. વર્તમાન પરિસ્થિતિમાં શેખરના મનમાં આ દ્રશ્ય ઝબકે છે, અને ઉદાસી સાથે ગીત આરંભાય છે,
‘સુના, સુના મનકા આંગન..., ઢુંડે....એ પાયલકી વો છન છન (છમ છમ)
સુની, સુની મન કી સરગમ, ઢુંડે ગીત તેરે હમદમ
મન મેં સામ હો યા સવેરા, લગા તેરે હી યાદો કા ડેરા
તુંને બંધન ક્યો યે તોડા, તુંને કાહે કો મુંહ મોડા
કહો ના, કહો ના, કહો ના....’

આ ગીતમાં ફરી ફ્લેસબેકમાં જઈ શેખર અને લલિતા વચ્ચેના સંબંધો વિશેના વર્ણનો આરંભાય છે. લલિતા પાસે પૈસા ન હોવાના કારણે શેખર તેમને કબાટની ચાવી આપે છે. ગીતની સાથોસાથ બાળપણ પૂર્ણ થાય છે.

સમયાંતરે તેઓ નજીકના મિત્રો બને છે. બળવાખોર અને સંગીતમય વલણ ધરાવતા શેખર સંગીતની ધૂન વગાડતો. પિતાના વ્યવસાયમાં ભાગ લેવાને બદલે લલિતા સાથે ગીતની રચના કરી રેકોડીંગ કરવાનું કાર્ય કરતો હતો. લલિતા નાનકડી નોકરી કરે છે.

આ બળવાના ભાગમાં નવિન રાય એક શ્રીમંત ઉદ્યોગપતિની સુંદર પુત્રી ગાયત્રી તાંયતિ(દિયા મિર્ઝા) સાથે શેખરના લગ્ન કરવા માગે છે. દરમિયાન, લંડનના સ્ટીલ ઉદ્યોગપતિ ગિરીશ ચારુના ઘરે એક નાટ્યાત્મક રીતે પ્રવેશ કરે છે. ચારુના પરિવાર સાથે વાતચીતમાં ગિરીશ આવવાનું કારણ જણાવતા કહે છે કે, તે મુખ્ય બે કામઅર્થે અહીં આવ્યો છે. એક, ટાટા નગર પ્રોજેક્ટના મેનેજીંગ પાટનર શોધવા માટે અને બે, ચારુ માટે લાઈફ પાટનર શોધવા. ધીરે ધીરે ગિરીશ સાથે લલિતાની ગાઢ મિત્રતા બંધાય છે. શેખરને ગાઢ મિત્રતા અને ગિરીશ માટે ઇર્ષ્યા થાય છે.

એક દિવસ રોનાની કચેરીમાં કાર્યરત આલોક લલિતા ગુરચરણના પૂર્વજ હવેલીમાંથી (ભવ્ય મકાન) હેરિટેજ હોટલ પ્રોજેક્ટ (HERITAGE HOTEL PROJECT) યાદ કરે છે. પહેલાંના પ્રસંગે ગુરચરણએ નવીનરોય પાસેથી મકાન ગિરવી મુકી પૈસા ઉછીના લીધા હતા. તે સમજે છે કે જો પૈસા થોડા મહિનાઓમાં નહીં ચૂકવવામાં આવે તો નવીનરોય પ્રોપર્ટીનો કબજો કરી લેશે. લલિતા શેખરને નાણાંકીય મદદ માટે પૂછે છે. પરંતુ અનિશ્ચિત સંજોગો મદદમાટે અટકાવે છે. આ માહિતી ગિરીશને મળતા ગુરચરણને ટાટા નગર પ્રોજેક્ટના મેનેજીંગ પાટનર બનાવીને તેમની સમસ્યા દૂર કરે છે. ગુરચરણ દેવું ચૂકવે છે. એક શુભ રાતે શેખર અને લલિતા વિનિમય માળા દ્વારા લગ્ન અજાણતા પરિપૂર્ણ કરે છે. જ્યારે શેખર એક બિઝનેસ ટ્રીપ પર દાર્જિલિંગમાં જાય છે, ત્યારે નવીનરોય પોતાના હોટેલ પ્રોજેક્ટના નુકશાન વિશે લલિતને અપશબ્દો કહી શરમજનક વ્યવહાર કરે છે. નોકરીમાંથી કાઢી મુકે છે. નવિન રોય તેમના અને ગુરુરણના ઘર વચ્ચે દિવાલ ચણી સંબંધોનો અંત લાવે છે. ગુરુચરણ આનો નિરાકરણ લાવવામાં અસક્ષમ છે. તેમને હૃદયરોગનો હુમલો થાય છે. શેખરના આવવાની સાથે જ નવિન રોયે તેમને તેમની માતા રાજેશ્વરી(સુરિન્દર કૌર) અને ગુરચરણના ખરાબ સ્વાસ્થ્યની જાણ કરી, અને લલીતાના ગિરીશ સાથે લગ્નની નિંદા કરીને નોંધ કરી. શેખર લલિતાના લગ્ન સાંભળતા નારાજ થાય છે અને તેના ગુસ્સામાં તે લલિતાને ઠોકર ખવડાવે છે. પિતાની જેમ અપમાનિત કરે છે. આ દરમિયાન ગિરીશ ગુરચરણના પરિવારને મદદ કરે છે અને હૃદય સારવાર માટે તેમને લંડનમાં લઈ જાય છે. ગેરસમજના કારણે શેખર માને છે કે ગિરીશ અને લલિતા લગ્ન કરે છે. જેથી ગાયત્રી સાથે લગ્ન કરવા સહમત થાય છે. શેખરને લગ્નની રાતે ગિરીશ ગુરચરણના હવેલીની માલિકીના કાગળો આપતા કહે છે કે, ‘તેણે કોયલ સાથે લગ્ન કર્યાં છે કારણ કે લલિતાએ તેમના લગ્નની દરખાસ્તને નકારી છે. અને લગ્ન અગાઉથી જ થઈ ચુક્યા હોવાનું જણાવે છે.’ અહીં ગિરીશ પોતાના ઉમદા અને કરુણા સાથે લલિતાના નૈતિક સમર્થનને માન આપે છે. શેખર તેના પિતાને સામનો કરે છે અને સાંકેતિકપણે બે પરિવારોને અલગ કરતી દિવાલ તોડી લલિતાને મળે છે. ત્યારબાદ લલિતાને પોતાના ઘરે લાવે છે. આ સમયે નવીનરોય સિવાય બંને પરિવારોમાં ખુશીના માહોલ સાથે ફિલ્મનો અંત આવે છે. આમ, પરિણીતા ફિલ્મમાં લલિત શેખર માટે અનહદ પ્રેમ સાથે ગૌરવવંત મહિલા તરીકે ઉપસી આવે છે.

ફિલ્મના મુખ્ય પાત્રો:

લલિતા તરીકે વિદ્યા બાલનને શેખર માટે અનહદ પ્રેમ સાથે ગૌરવશાળી મહિલા દર્શાવવામાં આવી છે. સૈફ અલી ખાન શેખર રોય તરીકે લલિતા માટે પ્રેમનું સંતુલન અને ગિરીન તરફ ઈર્ષ્યા દર્શાવે છે. શેખર પ્રખર સંગીતકાર છે પરંતુ અંત તરફ આવતા તેઓ અભિમાની અને નીષ્ઠાખોર વ્યક્તિમાં પરિવર્તન થતા પોતાને માટે ઘોર તિરસ્કારે છે. સંજય દત્ત ગિરીશ તરીકે ઉમદા અને કરુણ સ્વભાવ સાથે લલિતાના નૈતિક સમર્થનને ચલાવે તેવા સરળ અને સીધા પાત્ર તરીકે આલેખન થયું છે. કોયલ તરીકે રૈમા સેન લલિતાના રમતિયાળ, તોફાની અને ખુશખુશાલ પિતરાઈ, જે દરેક ક્ષણમાં જીવંત અને તીવ્ર પાત્ર બને છે. ગાયત્રી તરીકે દિયા મિર્ઝા લઘુ પરંતુ એક ચંચળ પાત્ર. જે શેખરને તેના વશીકરણ અને સૌંદર્યથી મેળવવા માંગે છે. નવીન રોય તરીકે સબાસાચી ચક્રવર્તી હ્રદયથી શીત, એક ચાલાક અને સંતોષકારક ઉદ્યોગપતિ. જેમણે પૈસા માટેના લોભથી માનવ મૂલ્યો અને સંબંધો પણ બાજુમાં મૂકે છે. આમ, દરેક પાત્રો સાહિત્યકૃતિના પાત્રોની નીકટના જોવા મળે છે. રાજેશશ્વરી તરીકે સુરિન્દર કૌર. શેખરની માતા, જે નિંદાને જુએ છે કે કેવી રીતે તેના પતિ પડોશીઓ સાથે ખરાબ વર્તન કરે છે અને બીમાર પડે છે. અન્ય કેટલાક સહાયક પાત્રો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મહત્વની વાત તો એ છે કે ‘પરિણીતા’ ફિલ્મ આધારે લલિતા(વિદ્યા બાલન)ને ૨૦૦૬માં ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવાગંતૂક પુરસ્કાર અને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર એનાયત થયો હતો.

‘પરિણીતા’ સાહિત્ય અને ફિલ્મનો તુલનાત્મક અભ્યાસ:

શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી ભાષામાં લખાયેલી લઘુનવલ ‘પરિણીતા’ (ઈ.સ. ૧૯૧૪) પરથી ઈ.સ. ૨૦૦૫માં બનેલી ‘પરિણીતા’ ફિલ્મમાં દિગ્દર્શક પ્રદીપ સરકારે લઘુનવલને સારો ન્યાય આપ્યો છે. કૃતિ અને ફિલ્મમાં લલિતા, શેખર અને ગિરીન વચ્ચે પ્રેમ ત્રિકોણમાં રચાયો છે. ફિલ્મમાં બંગાળી ભાષાની અસર જોવા મળે છે. કૃતિ અને ફિલ્મનો આરંભ વર્તમાન સમયમાં થાય છે. તેમજ ફિલ્મમાં સંગીત દ્વારા નાયકની મનોવેદના સ્પષ્ટ ઉપસી આવે છે. કૃતિમાં આલેખાયેલા પાત્રોનું ચિત્રણ ફિલ્મમાં બંધબેસે છે. કૃતિમાં નવિન રાયનું અંતે મૃત્યુ થાય છે જયારે ફિલ્મમાં છેલ્લે સુધી સજીવ બતાવી તેમની લોભામણ દ્રષ્ટી ઉદભવે છે. ગિરીનનું પાત્ર કૃતિમાં વિદ્યાર્થી તરીકે જયારે ફિલ્મમાં એક શ્રીમંત ઉદ્યોગપતિ તરીકે ઉલ્લેખાયું છે. ફિલ્મમાં ગિરીનને બે કામ અર્થે મુંબઈ આવ્યો હતો. જેમાં ટાટા નગર પ્રોજેક્ટના મેનેજીંગમાં ગુરુચરણને પાટનર બનાવી આર્થિક મદદ કરે છે. કૃતિમાં ગુરુચરણને સમાજની રચના હાનીકારક-નુકશાનકારી લાગવાથી ત્યાગ કરે છે. કારણ કે આરંભથી જ તેમને સમાજથી પીડિત બતાવવામાં આવ્યો છે. પાત્રોનું મનોભાવોનું ચિત્રણ કરવામાં લેખક અને ફિલ્મકાર બંને સફળ નીવડ્યા છે. અંતે શેખર અને લલિતા એક થાય છે. આમ, ૧૯૧૪માં લખાયેલ સાહિત્ય ઈ.સ.૨૦૦૫માં ફિલ્મ તરીકે પણ સફળ નિવળે છે. જેથી ભાવક વર્ગ કૃતિ તરફ આકર્ષાય છે.

અંતે કહી શકાય કે દિગ્દર્શક ‘પરિણીતા’ કૃતિને ફિલ્માંકન પ્રક્રિયામાં સફળ બનાવે છે.

સંદર્ભસૂચી::
૧. પરિણીતા, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, બીજી આવૃત્તિ-૨૦૧૧, પૃ.૫
૨. એજન, પૃ.૩૧
૩. એજન, પૃ.૩૨
4. એજન, પૃ.૩૪-૩૫
૫. એજન, પૃ.૨૧
૬. એજન, પૃ. ૩૬
૭. એજન, પૃ. ૫૮

સંદર્ભ::
૧. પરિણીતા, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, પ્રકાશક: ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ, બીજી આવૃત્તિ-૨૦૧૧.
૨. પરિણીતા (હિન્દી ફિલ્મ), ફિલ્મ નિર્માતા - વિધુ વિનોદ ચોપડા, પ્રકાશન તારીખ- ૧૦ જૂન, ૨૦૦૫.
૩. https://en.m.wikipedia.org

પ્રિતેશકુમાર છોટુભાઈ ચૌધરી, ગુજરાતી વિભાગ, (રિસર્ચ ફેલો), આણંદ આર્ટ્સ કૉલેજ, આણંદ. મો.નં.: ૯૬૮૭૩ ૩૯૮૦૦ ઈ-મેઈલ: pritchaudhari576@gmail.com