Download this page in

'શ્રાવણી મેળો' માં વ્યક્ત થતી ગ્રામચેતના

'ગ્રામચેતના' એવી સંજ્ઞા તો ઘણી મોડી સાહિત્યમાં પ્રવેશી પરંતુ તે પૂર્વે સાહિત્યમાં ગ્રામચેતનાનું નિરૂપણ તો સારી રીતે થવા લાગ્યું હતું. ગ્રામચેતના એટલે ગામડાંના રીતરિવાજો, ઉત્સવો, રહેણીકરણી, તહેવારો ને વ્યવહારો, તેનાં સુખદુ:ખ, હર્ષ-ઉલ્લાસ, પીડા, યાતના, વેદના, શોષણ આ બધામાં પ્રગટતા ચૈતન્યની વાત. ગામડાને ધબકતું ને જીવંત રાખનાર આ તત્ત્વો છે. તેમાં પ્રજાના રાગ-દ્વેષ અને વેરઝેર સમેત સઘળું પ્રગટે છે અને ગામડું સાહિત્યમાં જીવંત થાય છે. ગ્રામીણ સમાજને સંકોરનારાં જે સનાતન પરિબળો છે તે અંગેનું આલેખન જે સાહિત્યમાં જોવા મળે તેને ગ્રામચેતનાનું સાહિત્ય કહી શકાય. ઉમાશંકર જોશી કહે છે કે, 'ગામડા સંબંધી સાહિત્ય'- એટલે જેમાં ગામડાના સારા-નરસા પાસાં રજૂ થયાં હોય તેવું સાહિત્ય. આ પ્રકારનું આવી વિગતોવાળું સાહિત્ય આપણને સૌપ્રથમ ગાંધીયુગના સાહિત્યમાં જોવા મળે છે. ગાંધીજીએ ગામડાંનો અને તળબોલીનો મહિમા કર્યો. તેના પરિણામે આ સમયના સર્જકોએ આ ગામડાને તેની તમામ વિશેષતાઓ-મર્યાદાઓ સમેત તેની નિજી બોલી સાથે ઉપસાવ્યું ને તે આસ્વાદ્ય નીવડ્યું.

ગાંધીયુગના નોંધપાત્ર સર્જકોમાં જેમનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે અને જેમના નામની પૂર્વે મૂર્ધન્ય વિશેષણ લગાડાયું છે તેવા ઉમાશંકર જોશીના સાહિત્યમાં સબળ રીતે ગામડું વ્યક્ત થાય છે. તેમણે એકાંકીઓમાં તળગામડાને જીવંત કર્યું એમ ટૂંકી વાર્તાઓમાં પણ ગ્રામીણ પરિવેશના આલેખન દ્વારા ગામડાના લોકોના મનોભાવો સુદ્ધાં આસ્વાદ્ય રીતે પ્રગટાવ્યા છે. અહીં તેમની 'શ્રાવણી મેળો' વાર્તામાં આવતી ગ્રામચેતના અને ગ્રામીણ પરિવેશની વાત કરીએ.

'શ્રાવણી મેળો' વાર્તા આમ તો આકર્ષક પ્રણય અને શોષણની કરુણતાને ચીંધતી ઉત્તમ વાર્તા છે. અહીં ઉમાશંકરનું ગાંધીયુગનું પ્રગતિવાદી માનસ વિશેષ રીતે જોવા મળે છે. આ વાર્તાને એકાધિક વિવેચકોએ પ્રેમવાર્તા તરીકે વખાણી છે તથા વાર્તામાં બે જુદાજુદા વર્ગ વચ્ચેની અસમાનતાના આલેખનની પણ પ્રશંસા કરી છે. અહીં બે પ્રેમીઓ વચ્ચે અવરોધરૂપ બનતા શાહુકારી માનસની ક્રૂરતા અને તેના પરિણામે શોષિતના જીવનમાં પ્રવેશતી કરુણતાનું હ્રદ્ય બયાન છે. વાર્તામાં અંબી અને દેવાનું ચગડોળ દ્વારા મિલન, પ્રેમની શરૂઆત તેમાં શાહુકારનો પ્રવેશ, બંને પ્રિયજનોનું છૂટા પડવું અને અંતે શાહુકારના ખૂન દ્વારા જેલની કઠોર જિંદગી વીતાવતો દેવો જેવી ઘટનાઓનો ક્રમ પેલા મેળાના ચગડોળ જેવો જ ઉપરનીચે ચાલતો રહે છે. આ સમગ્ર આલેખન અહીં રોચક રીતે વર્ણવાયું છે પરંતુ આપણે અહીં તેના કેટલાક પ્રસંગોમાં ગ્રામચેતના કેવી રીતે ઝીલાઈ છે તેનો ઉલ્લેખ કરીશું.

'શ્રાવણી મેળો'નો પ્રારંભ શ્રાવણના છેલ્લા રવિવારે ભરાતા મેળાના ઉલ્લાસભર્યા ગ્રામ્ય વાતાવરણ સાથે થયો છે. મેળો તેનો ઉલ્લાસ અને તેમાં જોડાયેલાં હૈયાં આ સમગ્ર માહોલ ગ્રામજીવનને બરાબર અંકિત કરે છે. સર્જક લખે છે; 'ત્રણ ડુંગરની વચાળમાં શ્રાવણના છેલ્લા રવિએ વરસોવરસ મેળો ભરાતો. ને વરસોવરસ, ડુંગરાનાં દૂઝ્યાં સાવજ ચાખ્યાં પાણી પીનારા નવલોહિયા નવનવા વનકિશોરો એકલા મેળે આવતા ને બેકલા પાછા જતા. વનકન્યાઓ ટોળેબંધ ચાલી આવતી. લાવતી એક અણબોટ હૈયું અને તાજી વાદળીની માદક લાવણ્યમયી નિર્ભરતા. મેળામાં સૌ ગાતાં, નાચતાં ને મનનું માનવી મળી જાય એટલે એકબીજાનો હાથે ઝાલી રસ્તે પડતાં.' (ઉ.જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ, પૃ. ૧૫૫) ત્રણ ડુંગરોના પરિસરમાં રચાતો મેળો ને પોતાનું માનવી મેળવી લેવાની પ્રથા, મેળામાં નાચવું-ગાવું અને નિર્બંધ રીતે મહાલવાની આખી પ્રક્રિયા ગામડાના ચિત્રને ઉપસ્થિત કરે છે. તે સાથે જ મેળે આવતાં પહેલાં આ લોક ગ્રામસંસ્કૃતિ સાથે જોડાયેલ ખેતીનું કાર્ય કેવું પૂરું કરીને આવે છે તે સર્જકે આ રીતે નોંધ્યું છે; 'બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણ ત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનાઆશા પણ પલ્લવિત થઈ. ડુંગરો નવા નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પંદન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. '(ઉ.જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ, પૃ. ૧૫૫)

આ મેળામાં મહાલતા લોકોના મનનો ઉલ્લાસ ગીતોમાં આબાદ રીતે પ્રગટે છે. મેળાનાં આ ઉલ્લાસભર્યાં ગીતો એ ગ્રામીણ સંસ્કૃતિના પરિવેશને સચોટ રીતે સૂચવી જાય છે. અહીં આ વાર્તામાં આવાં એકાધિક ગીતો ગ્રામીણ સંસ્કૃતિને સુંદર રીતે ઉપસાવીને કેટલીક જગ્યાએ તો પ્રતીકાત્મક સંકેતો પણ પ્રગટાવવામાં સફળ થાય છે. હલકથી ગવાતાં આ ગીતોની કેટલીક પંક્તિઓ જોઈએ;
'ઝોલો લાગ્યો ગોરીને રૂસણે!' (પૃ. ૧૫૫)
'મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉ મેળામાં.'(પૃ. ૧૫૬)
'અમે ગ્યાંતાં શાવણને મેળે, કુવેલડી બોલે સે.' (પૃ. ૧૫૭)

અને આ વાર્તાના કેંદ્રસમું અત્યંત સૂચક અને હ્રદયસ્પર્શી ગીત;
'ગાણું અધૂરું મેલ્ય મા, લ્યા’ વાલમા,
'ગાણું અધૂરું મેલ્ય મા,
હૈયે આયેલું પાછું ઠેલ્ય મા, લ્યા’ વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ્ય મા, લ્યા’ વાલમા, ગાણું અધૂરું...

મેળો અને તેના ઉલ્લાસ સાથે જોડાયેલું આ ગાણું અંબી અને દેવાના પ્રેમસંદર્ભે જુદા જુદા વખતે મિલન અને વિરહ બંનેને સૂચક રીતે ચીંધી જાય છે. આવાં મધુર ગીતો સાથે મેળામાં મહાલવા આવેલા દેવા જેવા યુવકના કંઠમાં રહેલા પાવાના મધુર સૂર એક આહ્લાદક ગ્રામીણ પરિવેશનું નિર્માણ કરવામાં સહાયક નીવડે છે. આ ગીતો તરફનો ગ્રામીણ યુવતીનો આકર્ષક લગાવ વાર્તારંભે જ સૂચવાયો છે. અંબી સોનાંની વાતથી નારાજ થઈ પીઠ ફેરવી બેસી ગઈ ત્યારે તેને ચોંટી કરી મનાવે છે છતાં ન માનતી અંબી, સોનાં જેવું ગીત લલકારે છે તે સાથે જ તે પણ એ ગીતમાં જોડાઈ જાય છે. ઉમાશંકર લખે છે, 'કોણ રિસાયું છે કહેતીક અંબી સોનાંના કંઠમાં કંઠ પૂરવા લાગી. ભૂલી પણ ગઈ કે થોડીવાર પછી સોનાં તો ગાતી થંભી પણ ગઈ હતી. ને પોતે એકલી જ ગાઈ રહી હતી. જાણ્યું ત્યારે પોતાના આખાય વર્તનથી એવી તો શરમાઈ કે એકવાર એ ગાવાનું તો તરત જ પડતું મૂકત.'(પૃ. ૧૫૫)

બે સખીઓ વચ્ચેનો સ્નેહ જેમ સ-રસ રીતે વર્ણવાયો છે તેમ અંબી અને દેવા વચ્ચેનો પ્રેમ પણ આસ્વાદક રીતે નિરૂપાયો છે. આ પ્રેમની નિર્દોષતા ગ્રામીણ પરિવેશને લીધે વધુ આકર્ષક બની છે. તો તેમાં અવરોધરૂપ બનતા શાહુકારની આખી ઘટના ગ્રામજનોના સરળ જીવનને સંઘર્ષભર્યું અને કરુણાંત બનાવતા ગ્રામીણ માહોલનું સૂચન કરે છે. ગામડાંમાં જોવા મળતા ખેતરો અંગેના ઝઘડા અને શાહુકારોનું સતત વધતું વ્યાજ અહીં કરુણનો વિભાવ બની અંબી અને દેવાના જીવનમાં કારમા વિરહનું નિર્માણ કરે છે.

ગ્રામચેતનાને વ્યક્ત કરનારું બીજું મહત્ત્વનું પરિબળ અહીં આવતાં પાત્રોની તળપદી ભાષા છે. આ ભાષા તેના ચરિત્રને ઉપસાવવામાં અને એક સુંદર ગ્રામીણ પરિવેશના નિર્માણમાં ઉત્તમ ભૂમિકા નિભાવે છે. આ પાત્રોનો આંતરિક સંવાદ તેમની બોલીને કારણે સારો ઉઠાવ પામ્યો છે. જુઓ કેટલાંક નમૂનારૂપ વાક્યો;
'તો દોડીને મેળે શીદ આવ્યાં, ગોઠતું નથી તો!' (પૃ. ૧૫૪)
'તો હું કાંઈ રોજરોજ મેળે સાથે આવીને તારી જોડે ચગડોળમાં બેસવા નવરી નથી.' (પૃ. ૧૫૪)
'અંબીને સંભાળજો. પારેવા જેવી છે.' (પૃ. ૧૫૮)
'જીવ સમાણી જ તો.' (પૃ. ૧૫૮)
'મળીશું કોક વાર મેળે.' (પૃ. ૧૫૮)
'જો ભાઈ, તારે ગાઈને બીજા કોઈને વળી ગાંડો કરવો હતો તો મને ચગડોળે શીદ ફેરવ્યો?' (પૃ. ૧૫૯)
'હું તો તમારા જગુ-સમાણો થાઉં.' (પૃ. ૧૬૧)
'ચાલ. આપણે હીંડશું ને હવે? કેટલે જવાનું છે?' (પૃ. ૧૬૪)
'રાજકુમાર મને શું કરી દેવાનો હતો? હું કાંઈ એનું આપ્યું લઉં એવી ઓછી છું, આ અંબી કંઇ બીજાને ખોબે પાણી પીતી નથી.' (પૃ. ૧૬૫)

આ વાક્યોની તળપદી બોલી પાત્રના નિજી ભાવોને આબાદ રીતે વ્યક્ત કરે છે. આમ, સમગ્ર વાર્તામાં આપણને ગામડું અને ગ્રામીણજીવનના સંસ્કારો સુપેરે આલેખાયેલા જોવા મળે છે. લેખકનું ગામડા સાથેનું તાદાત્મ્ય અને તેને વ્યક્ત કરવાનું કૌશલ અહીં પ્રશંસનીય રીતે પ્રગટ્યું છે.

સંદર્ભ સૂચિ :
૧. ‘ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. ઉમાશંકર જોશી,ગૂર્જર પ્રકાશન, અમદાવાદ.
૨. ‘યુગદ્દ્ષ્ટા ઉમાશંકર’, સં. ચંદ્રકાંત શેઠ અને બીજા., પ્રકાશક:ગુજરાતી સહિત્ય પરિષદ, અમદાવાદ
૩. ‘ચાર વાર્તાકારો એક અભ્યાસ’, લે. વિજય શાસ્ત્રી, પ્રકાશક:પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ

ડૉ. પ્રવીણ વાઘેલા, એમ. એમ. ચૌધરી આર્ટસ કૉલેજ, રાજેન્દ્રનગર. મો.નં. ૯૪૨૭૮ ૫૮૨૪૮