महाकविः भर्तृहरिकृत नीतिशतकम्
1. दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये ।
स्वानुभूत्येकसाराय नमः शान्ताय तेजसे ।।
અનંત મૂર્તિ ચિન્માત્રા દિશાકાલાદિથી પરા.
પ્રમાણ સ્વાનુભૂતિ તે પ્રણમું શાન્ત તેજને.
અનુવાદ: દિશાઓ અને કાળથી પરિપૂર્ણ(અવિચ્છિન્ન), અનન્ત, પરમ ચૈતન્ય સ્વરૂપ, સ્વ-અનુભૂતિ જેનું પ્રમાણ છે તેવા, શાન્ત અને તેજોમય પરબ્રહ્મને પ્રણામ.
(શબ્દાર્થ: चिन्मात्रमूर्तये- પરમ ચૈતન્ય સ્વરૂપ,स्वानुभूत्येकसाराय- સ્વ-અનુભૂતિ જેનું પ્રમાણ છે – જેનો સાર છે તેવા. આ શ્લોકમાં અનુષ્ટુપ છન્દ છે.)
વિશેષ: ગ્રંથના પ્રારમ્ભે કવિ પરબ્રહ્મને પ્રણામ કરે છે.જેમ બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે તેમ આ ગ્રંથમાં વર્ણવાયેલ નીતિ આધારિત નૈતિકતા પણ સર્વત્ર વ્યાપેલ છે. માટે કવિ ‘નમઃ શાન્તાય તેજસે’ કહીને બ્રહ્મના જેવા જ શાન્ત સ્વભાવવાળા અને તેજપૂર્ણ નૈતિક વ્યક્તિને આડકતરી રીતે પ્રણામ કરે છે.)
2. यां चिन्तयामि सततं मयि सा विरक्ता
साप्यन्यमिच्छन्ति जनं स जनो न्यसक्तः।
अस्मत्कृते च परितुष्यति काचिदन्या
धिक् तां च तं च मदनं च इमां च मां च ।।
(આ શ્લોકનો સમછન્દી અનુવાદ ઉપલબ્ધ નથી.)
અનુવાદ: જેનું હું સતત ચિંતન કરું છું તે મારા પ્રત્યે (તો) પ્રેમ વગરની છે. પણ તે (તો) બીજા પુરુષને ચાહે છે. તે પુરુષ વળી બીજી સ્ત્રીમાં આસક્ત છે. ત્યારે કોઇ બીજી જ (સ્ત્રી) વળી અમારા પર વારી જાય છે. તે(સ્ત્રી)ને, તે(પુરુષ)ને, કામદેવને અને આ(સ્ત્રી)ને અને મને ધિક્કાર હો.
(શબ્દાર્થ: चिन्मात्रमूर्तये- પરમ ચૈતન્ય સ્વરૂપ,स्वानुभूत्येकसाराय- સ્વ-અનુભૂતિ જેનું પ્રમાણ છે – જેનો સાર છે તેવા. આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.)
3. अज्ञः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः ।
ज्ञानलवदुर्विदग्धं ब्रह्मापि तं नरं न रञ्जयति ।।
મૂઢો સુખે આરાધ્ય, વધુ સુખે આરાધ્ય વિશેષજ્ઞો,
જ્ઞાને અધૂરાંને તો બ્રહ્મા પણ ન રાજી કરી શકે.
અનુવાદઃ અજ્ઞાનીને સહેલાઇથી સમજાવી શકાય છે. વિશેષજ્ઞને તો વધુ સહેલાઇથી સમજાવી શકાય છે. પરંતુ જ્ઞાનના છાટા માત્રથી પોતાને પંડિત માનનાર ને તો બ્રહ્મા પણ ખુશ કરી શકતા નથી.
(શબ્દાર્થ: सुखमाराध्यः- સહેલાઇથી સમજાવી શકાય છે.सुखतरमाराध्यते- વધુ સહેલાઇથી સમજાવી શકાય છે.ज्ञानलवदुर्विदग्धं¬- જ્ઞાનના છાટા માત્રથી પોતાને પંડિત માનનાર.આ શ્લોકમાં આર્યા છન્દ છે.)
4. प्रसह्य मणिमुद्धरेन्मकरवक्त्रदंष्ट्रांकुरा-
त्समुद्रमपि सन्तरेत् प्रचलदूर्मिमालाकुलम् ।
भुजङ्गमपि कोपित शिरसि पुष्पवद्धारये-
न्न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥
હઠે મણિ ઉતારતા મગર મુખ દાંતો થકી,
તરી પણ શકે તરંગ બળથી સમુદ્રો તણા,
ધરે શિર પરે ભુજંગ અતિકોપિતો ફુલ શો,
નથી હઠ ભરેલ મૂર્ખ મનનું સમાધાન કૈં.
અનુવાદ: મગરના મુખના દાંતના પોલાણમાંથી બળપૂર્વક મણિને ખેંચી શકાય છે. ઉછળતા મોજાઓની હારમાળાવાળા સમુદ્રને તરી શકાય છે. ગુસ્સે થયેલા સાપને પુષ્પની જેમ મસ્તક પર ધારણ કરી શકાય છે. પરન્તુ હઠે ચડેલા મૂર્ખ માણસના મનને પ્રસન્ન કરી શકાતું નથી.
(प्रसह्य- બળપૂર્વક, मकरवक्त्रदंष्ट्रांकुरात् - મગરના મુખના દાંતના પોલાણમાંથી, प्रचलदूर्मिमालाकुलम्- ઉછળતા મોજાઓની હારમાળાવાળા, पुष्पवद्धारयेत् - પુષ્પની જેમ ધારણ કરી શકાય છે, प्रतिनिविष्ट- હઠે ચડેલા. પૃથ્વી છન્દ છે અને અતિશયોક્તિ અલંકાર છે.)
5. लभेत सिकतासु तैलमपि यत्नत: पीडयन्
पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दित:
कदाचिदपि पर्यटञ्शशविषाणमासादये-
न्न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥
મળે શ્રમ થકી જ તેલ બહુ રેતી યે પીલતાં,
તૃષાતુર જ ઝાંઝવા જળ થકી તૃષાને હરે,
કદીય શશશૃંગ હાથ પડશે ભમે જો બધે,
દુરાગ્રહ ભરેલ મૂર્ખજન વારતાં ના વળે.
અનુવાદ: પ્રયત્નપૂર્વક પીસવાથી રેતીમાંથી તેલ મેળવી શકાય છે. તરસથી વ્યાકુળ વ્યક્તિ ઝાંઝવાનાં જળ પણ પી શકે છે. ક્યારેક ફરતાં ફરતાં સસલાનું શિંગડું (પણ) મળી જાય. પરન્તુ હઠે ચડેલા મૂર્ખ માણસના મનને પ્રસન્ન કરી શકાતું નથી.
(यत्नत: पीडयन् - પ્રયત્નપૂર્વક પીસવાથી, सिकतासु- રેતીમાંથી, पिपासा अर्दित: - તરસથી વ્યાકુળ વ્યક્તિ, मृगतृष्णिका- ઝાંઝવાનાં જળ, कदाचिदपि- ક્યારેક, पर्यटन् - ફરતાં ફરતાં, शशविषाणमासादयेत् - સસલાનું શિંગડું (પણ) મળી જાય. પૃથ્વી છન્દ છે અને અતિશયોક્તિ અલંકાર છે.)
6. व्यालं बालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृम्भते
छेत्तुं वज्रमणीञ्शिरीषकुसुमप्रान्तेन संनह्यते ।
माधुर्यं मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते
नेतुं वाञ्छति यः खलान्पथि सतां सूक्तैः सुधास्यन्दिभिः ।।
જો ગાંડા ગજને મૃણાલસરથી ચેષ્ઠા કરો કાબૂની,
જો શિરીષ ફૂલો તણા વલયથી ચાહો હીરા છેદવા,
ખારા સાગરને મધુર કરવા ધારો મધુબિન્દુથી,
તો ઇચ્છો ખલને સુમાર્ગ ચિંધવા શબ્દે સુધાને ભરી.
અનુવાદ: જે મનુષ્ય અમૃત ઝરતાં સુવચનોથી દુષ્ટ લોકોને સજ્જનોના માર્ગે વાળવા ઇચ્છે છે, તે ખરેખર દુષ્ટ હાથીને કમળના નાજુક તંતુઓથી કાબુ કરવા મથે છે, શિરીષ પુષ્પના અગ્રભાગથી વજ્રમણિને કાપવા કટિબંધ છે, અને વળી, મધના એક ટીપાથી ખારા સમુદ્રને મીઠો કરવાની ઇચ્છા રાખે છે.
(શબ્દાર્થ: व्यालम् – હાથીને, बालमृणालतन्तुभिः - કમળના નાજુક તંતુઓથી, रोद्धुम्- કાબુ કરવા, समुज्जृम्भते- ખૂબ મથે છે, (सम् – ઉપસર્ગને લીધે પ્રયત્નની અસરકારકતા વધી જાય છે. सम्+उज्जृम्भते – ખૂબ વધારે પ્રમાણમાં મથે છે.) वज्रमणीन् छेत्तुम् संनह्यते - વજ્રમણિને કાપવા કટિબંધ છે,मधुबिन्दुना - મધના એક ટીપાથી, क्षाराम्बुधेः ખારા સમુદ્રને, माधुर्यं रचयितुं ईहते - મીઠો બનાવવા ઇચ્છે છે. यः જે (મનુષ્ય) આ સર્વનામનું રૂપ છે. सुधास्यन्दिभिः सूक्तैः - અમૃત ઝરતાં સુવચનોથી, खलान् सतां पथि नेतुं वाञ्छति - દુષ્ટ લોકોને સજ્જનોના માર્ગે વાળવા ઇચ્છે છે.શાર્દૂલવિક્રીડિત છંદ છે.)
7. स्वायत्तमेकान्तगुणं विधात्रा विनिर्मितं छादनमज्ञतायाः।
विशेषतः सर्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम् ।।
સ્વાધીન અત્યંતહિતે વિધાતા- રચ્યું ખરું ઢાંકણ મૂર્ખતાનું.
વિશેષ તો પંડિતમંડળીમાં, વિભૂષણો મૌન ગમાર માટે.
અનુવાદ:(મનુષ્યને) પોતાને જ અધીન એવા એકમાત્ર ગુણયુક્ત મૌનને વિધાતાએ અજ્ઞાનના આચ્છાદનથી સજર્યું છે. આ મૌન વિશેષ કરીને વિદ્વાનોની મંડળીમાં મૂર્ખાઓનું આભૂષણ બને છે.
(શબ્દાર્થ: स्वायत्तमेकान्तगुण- પોતાને જ અધીન એવા એકમાત્ર ગુણયુક્ત મૌનને, विधात्रा – વિધાતાએ, अज्ञतायाः અજ્ઞાનના छादनम् विनिर्मितम् - આચ્છાદનથી સજર્યું છે. (यद्) मौनम् विशेषतः – (આ) મૌન વિશેષ કરીને, सर्वविदां समाजे- વિદ્વાનોની મંડળીમાં, अपण्डितानाम् विभूषणम् - મૂર્ખાઓનું આભૂષણ બને છે. આ શ્લોકમાં ઇન્દ્રવજ્રા છન્દ છે.)
8. यदा किञ्चिज्ज्ञोहंડद्विप इव मदान्धः समभवं
तदा सर्वज्ञोડस्मीत्यभवदवलिप्तं मम मनः ।
यदा किञ्चित्किञ्चिद् बुधजनसकाशादवगतं
तदा मूर्खोડस्मीति ज्वर इव मदो मे व्यपगतः ।।
હતો થોડો જ્ઞાની ગજ સમ મદે પાગલ બન્યો,
‘બધું યે જાણું છું’ ગરવ ધરતો રે મુજ મને.
પછી થોડાં થોડાં બુધજન સમીપે ભણતરે,
મનાવી મૂર્ખામી, જ્વર સમ અમારો મદ ગયો.
અનુવાદ: જ્યારે હું થોડુંક જાણતો હતો ત્યારે હાથીની જેમ મદાન્ધ બની ગયો હતો. ત્યારે ‘હું સર્વજ્ઞ છું’ એમ મારું મન ઘમંડી બન્યું. જ્યારે જાણકાર માણસો પાસેથી કંઇક જ્ઞાનપ્રાપ્ત થયું ત્યારે ‘હું મૂર્ખ છું’ એમ મારો મદ તાવની જેમ ઉતરી ગયો.
(શબ્દાર્થ: यदा किञ्चित् ज्ञः अहम् - જ્યારે હું થોડુંક જાણતો હતો, तदा द्विप इव मदान्धः समभवनम् - ત્યારે હાથીની જેમ મદાન્ધ બની ગયો હતો, तदा सर्वज्ञः अस्मि- ત્યારે ‘હું સર્વજ્ઞ છું’, मम मनः अवलिप्तम् अभवत्- એમ મારું મન ઘમંડી બન્યું, यदा बुधजनसकाशात् किञ्चित् किञ्चिद् अवगतम् - જ્યારે જાણકાર માણસો પાસેથી કંઇક જ્ઞાનપ્રાપ્ત થયું, तदा मूर्खो अस्मि इति-ત્યારે ‘હું મૂર્ખ છું’ એમ, मे मदः ज्वर इव व्यपगतः- મારો મદ તાવની જેમ ઉતરી ગયો. આ શ્લોકમાં શિખરિણી છંદ છે.)
9. कृमिकुलचितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं
निरुपमरसं प्रीत्या स्वादन्नरास्थि निरामिषम् ।
सुरपतिमपि श्वा पार्श्वस्थं विलोक्य न शङ्कते
नहि गणयति क्षुद्रो जन्तुः परिग्रहफल्गुमताम् ।।
કીટક સભર લાળે ભીંજેલ, ગંધ જુગુપ્સિત,
નિરુપમ રસ પ્રેમે ખાતાં નરાસ્થિ નિરામિષ,
સુરપતિ સમીપે જોઇ શ્વાન ના શરમાય કૈં,
નવ હલકટ જીવો જાણે સ્વીકારની તુચ્છતા.
અનુવાદ: ઘણા કીડાઓથી ખદબદતા, લાળથી ખરડાયેલા, દુર્ગન્ધ મારતા, જુગુપ્સા ભરેલા, નીરસ અને માંસ વગરના માનવ અસ્થિને આનંદથી ખાતો કૂતરો બાજુમાં ઉભેલા દેવરાજ ઇન્દ્રને જોઇને પણ શરમાતો નથી. ખરેખર ક્ષુદ્ર પ્રાણી પોતે સ્વીકારેલી વસ્તુની તુચ્છતાને ગણકારતો નથી.
(શબ્દાર્થ: कृमिकुलचितम् - ઘણા કીડાઓથી ખદબદતા, लालाक्लिन्नम् - લાળથી ખરડાયેલા, विगन्धि –દુર્ગન્ધ મારતા, जुगुप्सितम् - જુગુપ્સા ભરેલા, निरुपम् - अरसम् – નીરસ,(રૂપ-રસ વગરના) निरामिषम्- માંસ વગરના, नर-अस्थि- માનવ અસ્થિને प्रीत्या स्वादन्- આનંદથી ખાતો, श्वा- કૂતરો, पार्श्वस्थं सुरपतिम् विलोक्य अपि - બાજુમાં ઉભેલા દેવરાજ ઇન્દ્રને જોઇને પણ, न शङ्कते- શરમાતો નથી, क्षुद्रः जन्तुः परिग्रह – फल्गुमताम् नहि गणयति- ક્ષુદ્ર પ્રાણી પોતે સ્વીકારેલી વસ્તુની તુચ્છતાને ગણકારતો નથી. फल्गुमताम् એટલે શૂદ્રતા, અધમતા કે બેશરમાઇ. આ શ્લોકમાં હરિણી છન્દ છે.)
10. शिरः शार्वं स्वर्गात्पतति शिरसस्तत् क्षितिधरं
महीध्रादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम् ।
अधो गङ्गा सेयं पदमुपगता स्तोकमथवा
विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ।।
પડી શંભુ માથે, શિવશિર થકી તે ગિરિપરે,
હિમાદ્રે ટોચેથી, અવનિ પરથી તે જલધિમાં,
ખરે ગંગ આવી નીચ પદ ઢળી જાય અથવા,
વિવેક ભ્રષ્ટોને શતમુખ વિનિપાત ભરખે.
અનુવાદ (ગંગાનદી) સ્વર્ગમાંથી શંકરના મસ્તક પર, શંકરના મસ્તક પરથી (હિમાલય) પર્વત પર, ઉત્તુંગ પર્વત પરથી પૃથ્વી પર અને વળી, પૃથ્વી પરથી સમુદ્રમાં જઇ પડી. આમ, આ ગંગા અધમને અધમ પદ પામી. અથવા, વિવેકમાંથી ભ્રષ્ટ થયેલાઓનું પતન સેંકડો પ્રકારે થાય છે.
(શબ્દાર્થ: स्वर्गात् शार्वं शिरः पतति-(ગંગાનદી) સ્વર્ગમાંથી શંકરના મસ્તક પર, शिरसः तत् क्षितिधरम् - શંકરના મસ્તક પરથી (હિમાલય) પર્વત પર, उत्तुङ्गात् महीध्रात् अवनिम्- ઉત્તુંગ પર્વત પરથી પૃથ્વી પર, अवनेः च अपि जलधिम्- અને વળી, પૃથ્વી પરથી સમુદ્રમાં, पतति- જઇ પડી, सा इयं गङ्गा अधः स्तोकम् पदम् उपगता- આમ, આ ગંગા અધમને અધમ પદ પામી,( स्तोकम्- એટલે પણ અધમ) अथवा विवेकभ्रष्टानाम् विनिपातः शतमुखः भवति- અથવા, વિવેકમાંથી ભ્રષ્ટ થયેલાઓનું પતન સેંકડો પ્રકારે થાય છે. આ શ્લોકમાં શિખરિણી છન્દ છે.)
11. शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रेण सूर्यातपो
नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गोगर्दभौ ।
व्याधिर्भेषजसङ्गहैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषं
सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् ।।
જ્વાળાવારણ છે જ શક્ય જળથી, છત્રી હરે તાપને,
હાથીવારણ અંકુશે પણ બને, ગૌ-ગર્દભો દંડથી,
વ્યાધિ વૈદ્ય દવા વશે સુધરતો, મન્ત્રો હરે ઝેરને,
શાસ્ત્રો નિર્મિત છે ઉપાય સઘળા, ના રે દવા મૂર્ખની.
અનુવાદ: પાણીથી આગ બુઝાવી શકાય છે, છત્ર વડે સૂર્યનો તડકો રોકી શકાય છે, મદોન્મત્ત હાથીને અણીદાર અંકુશથી અને આખલા કે ગઘેડાને લાકડીથી કાબૂમાં લઇ શકાય છે, રોગને વિવિધ ઔષધોથી અને ઝેરને વિવિધ મંત્રપ્રયોગથી દૂર કરી શકાય છે, શાસ્ત્રમાં બધાનું ઔષધ કહ્યું છે પણ મૂર્ખનું કોઇ ઔષધ નથી.
(શબ્દાર્થ: हुतभुक्- અગ્નિ, समदः नागेन्द्रः निशित अङ्कुशेन- મદોન્મત્ત હાથીને અણીદાર અંકુશથી, गो-गर्दभौ दण्डेन- આખલા કે ગઘેડાને લાકડીથી, भेषजसङ्गहैः व्याधिः- રોગને વિવિધ ઔષધોથી विविधैः मन्त्रप्रयोगैः विषम्- ઝેરને વિવિધ મંત્રપ્રયોગથી, वारयितुम् शक्यः - કાબૂમાં લઇ શકાય છે, शास्त्रविहितम् सर्वस्य औषधम् अस्ति - શાસ્ત્રમાં બધાનું ઔષધ કહ્યું છે,मूर्खस्य न अस्ति औषधम् - પણ મૂર્ખનું કોઇ ઔષધ નથી.આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.)
12. साहित्यसङ्गीतकलाविहीनः साक्षातपशुः पुच्छविषाणहीनः ।
तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ।।
અનુવાદ: સાહિત્ય,સંગીત અને કલા વગરનો મનુષ્ય પૂંછડા અને શિંગડાં વિનાના સાક્ષાત પશુ જેવો છે. ઘાસ ન ખાતો તેવો તે જીવે છે એ બીજાં પશુઓનું પરમ સૌભાગ્ય છે.
(શબ્દાર્થ: पुच्छविषाणहीनः- પૂંછડા અને શિંગડાં વિનાના, तृणं न खादन् अपि जीवमानः सः - ઘાસ ન ખાતો તેવો તે જીવે છે, पशूनाम् परमम् भागधेयम् - એ બીજાં પશુઓનું પરમ સૌભાગ્ય છે.આ શ્લોકમાં ઉપજાતિ છન્દ છે.)
13. येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः ।
ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ।।
(આ શ્લોકનો સમછન્દી અનુવાદ ઉપલબ્ધ નથી.)
અનુવાદ: જેવોની પાસે વિદ્યા નથી કે તપ નથી, દાન નથી કે જ્ઞાન નથી, ચારિત્ર નથી કે સદ્ગુણ નથી કે નથી ધર્મ, મૃત્યુલોકમાં પૃથ્વી પર ભારરૂપ બનેલા તેવો મનુષ્યના રૂપમાં પશુઓની જેમ ચરી ખાય છે. (આ શ્લોકમાં ઇન્દ્રવજ્રા છન્દ છે.)
14. वरं पर्वतदुर्गेषु भ्रान्तं वनचरैः सह ।
न मूर्खजनसम्पर्कः सुरेन्द्रभवनेष्वपि ।।
(આ શ્લોકનો સમછન્દી અનુવાદ ઉપલબ્ધ નથી.)
અનુવાદ: પર્વતના દુર્ગમ પ્રદેશોમાં વનચર પ્રાણીઓ સાથે ભટકવું વધારે સારું. પરંતુ ઇન્દ્રના મહેલોમાં પણ મૂર્ખ માણસ સાથેનો સહવાસ જરાય સારો નથી.
(શબ્દાર્થ: पर्वतदुर्गेषु वनचरैः सह भ्रान्तं वरम् - પર્વતના દુર્ગમ પ્રદેશોમાં વનચર પ્રાણીઓ સાથે ભટકવું વધારે સારું, सुरेन्द्रभवनेषु अपि मूर्खजनसम्पर्कः न- પરંતુ ઇન્દ્રના મહેલોમાં પણ મૂર્ખ માણસ સાથેનો સહવાસ જરાય સારો નથી. આ શ્લોકમાં અનુષ્ટુપ છન્દ છે.)
15. शास्त्रोपस्कृतशब्दसुन्दरगिरः शिष्यप्रदेयागमा
विख्याताः कवयो वसन्ति विषये यस्य प्रभोर्निर्धनाः ।
तज्जाड्यं वसुधाधिपस्य कवयो ह्यर्थं विनाधीश्वराः
कुत्स्याः स्युः कुपरीक्षका न मणयो यैरर्घतः पातिताः ।।
શાસ્ત્રોમાન્ય સુશબ્દ સુંદર ગિરા શિષ્યો ગ્રહે જ્ઞાનને,
જે દેશે કવિઓ પ્રસિદ્ધ વસતા તેને ગરીબી વરી,
રાજાની જડતા જ તે, ધન વિના વિદ્વાન છે ઇશ્વરો,
નિંદ્યો છે કુપરીક્ષકો ન મણિ, જ્યાં અંકાય મૂલ્યો કમી.
અનુવાદ: જે રાજાઓના રાજ્યમાં શાસ્ત્રોને લીધે અલંકૃત શબ્દોયુક્ત વાણીવાળા અને જેઓ શિષ્યોને આપી શકાય તેવું શાસ્ત્રજ્ઞાન ધરાવે છે તેવા પ્રખ્યાત કવિઓ ગરીબ બનીને વસે છે, તે બાબત રાજાની જડતા છે. ખરેખર કવિઓ તો ધન વિના પણ સમર્થ હોય છે. જેમણે (બીજાની) કિંમત ઘટાડી દીધી છે તેવા મૂર્ખ પરીક્ષકો નિંદનીય છે, નહીં કે મણિઓ.
(શબ્દાર્થ: यस्य प्रभोः विषये- જે રાજાઓના રાજ્યમાં शास्त्र-उपस्कृत - शब्द - सुन्दर-गिरः - શાસ્ત્રોને લીધે અલંકૃત શબ્દોયુક્ત વાણીવાળા, शिष्यप्रदय- आगमा - શિષ્યોને આપી શકાય તેવું શાસ્ત્રજ્ઞાન ધરાવે છે તેવા, विख्याताः कवयो निर्धनाः वसन्ति- પ્રખ્યાત કવિઓ ગરીબ બનીને વસે છે, तत् वसुधाधिपस्य जाड्यम् - તે બાબત રાજાની જડતા છે. हि कवयः अर्थम् विना (अपि) अधीश्वराः ખરેખર કવિઓ તો ધન વિના પણ સમર્થ હોય છે. यैःअर्घतः पातिताः- જેમણે (બીજાની) કિંમત ઘટાડી દીધી છે તેવા, कुपरीक्षका कुत्स्याः स्युः - મૂર્ખ પરીક્ષકો નિંદનીય છે, न मणयः- નહીં કે મણિઓ. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.)
16. हर्तुर्याति न गोचरं किमपि शं पुष्पाणि यत्सर्वदा
ह्यर्थिभ्य: प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् ।
कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं
येषां तान् प्रति मानमुज्झत नृपा: कस्तै: सह स्पर्धते ॥
ચોરોને ન કશુંય ગોચર બને, પોષે શમો સર્વદા,
આપ્યે દાન હંમેશ વાંચ્છુ જનને, પામે વધારે સદા,
કલ્પાન્તે પણ નાશ પામી ન શકે,વિદ્યાધનો જે છૂપાં,
રાજાઓ અભિમાન ત્યાગ કરજો, છે શક્ય સ્પર્ધા કદા?
અનુવાદ: ચોરની નજરે પડતું નથી, હંમેશાં જે વિશેષ કલ્યાણ સાધે છે, યાચકોને આપવા છતાં જે દિવસ-રાત પુષ્કળ વૃદ્ધિ પામે છે, યુગ(કલ્પ)ના અન્તે પણ જે નાશ પામતું નથી તે વિદ્યા નામનું આંતરિક ધન જેમની પાસે છે તેમના પ્રત્યે હે રાજાઓ ! તમારું અભિમાન છોડી દો. કારણ કે તેમની સાથે કોણ સ્પર્ધા કરી શકે ?
(શબ્દાર્થ: हर्तुः गोचरं न याति- ચોરની નજરે પડતું નથી, किमपि शं पुष्पाणि- વિશેષ કલ્યાણ સાધે છે, अर्थिभ्य: प्रतिपाद्यमानम् अनिशं पराम् वृद्धिं प्राप्नोति - યાચકોને આપવા છતાં જે દિવસ-રાત પુષ્કળ વૃદ્ધિ પામે છે, विद्याख्यम् अन्तर्धनम् - વિદ્યા નામનું આંતરિક ધન, भो नृपा:- હે રાજાઓ ! तान् प्रति मानमुज्झत- તેમના પ્રત્યે અભિમાન છોડી દો. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.)
17. अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था-
स्तृणमिव लधु लक्ष्मीर्नैव तान्संरुणद्धि ।
अभिनवमदलेखाश्यामगण्डस्थलानां
न भवति बिसतन्तुर्वारणं वारणानाम् ।।
અધિગત પરમાર્થી પંડિતોને ન છેડો,
તૃણ સમ લઘુ લક્ષ્મીથી વશે ના જ થાય,
નવલ મદ થકી છે શ્યામ ગંડસ્થળો તે
ગજ વશ નવ થાયે પુષ્પનાં કેસરેથી.
અનુવાદ: પરમાર્થ પામનારા પંડિતોનું અપમાન કરશો નહી. તુચ્છ તણખલા જેવી લક્ષ્મી તેમને રોકી શકતી નથી. તાજા મદની રેખાઓથી શ્યામ બનેલા લમણાવાળા હાથીઓને કમળતંતુઓ બાંધી શકતા નથી.
(શબ્દાર્થ: परमार्थान् अधिगत पण्डितान् मा अवमंस्थाः - પરમાર્થ પામનારા પંડિતોનું અપમાન કરશો નહી. लधु तृणम् इव लक्ष्मीः तान् न संरुणद्धि एव - તુચ્છ તણખલા જેવી લક્ષ્મી તેમને રોકી શકતી નથી. अभिनव –मदलेखा-श्याम-गण्डस्थलानाम् वारणानाम् - તાજા મદની રેખાઓથી શ્યામ બનેલા લમણાવાળા હાથીઓને, बिसतन्तुः वारणं न भवति- કમળતંતુઓ બાંધી શકતા નથી. આ શ્લોકમાં માલિની છન્દ છે.)
18. अम्भोजिनीवननिवासविलासमेव
हंसस्य हन्ति नितरां कुपितो विधाता ।
न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां
वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थः ।।
પદ્મો તણો વન વિલાસ નિવાસ જેનો,
તે હંસનું ઘર હણે કરી કોપ બ્રહ્મા,
તેની જ દૂધ-જળ ભેદ વિશે પ્રસિદ્ધ
કૌશલ્યકીર્તિ હણવા નથી તે સમર્થ.
અનુવાદ: અંત્યત ગુસ્સે થયેલા બ્રહ્માજી હંસની કમળવનના નિવાસની મજાને મારી નાખે છે. પરંતુ દૂધ અને પાણીને જુદા પાડવાની બાબતમાં પ્રસિદ્ધ થયેલી તેની ચતુરાઇને પડાવી લેવા માટે તે સમર્થ નથી.
(શબ્દાર્થ: नितरां कुपितो विधाता - અંત્યત ગુસ્સે થયેલા બ્રહ્માજી, हंसस्य अम्भोजिनी-वननिवास- विलासम् हन्ति - હંસની કમળવનના નિવાસની મજાને મારી નાખે છે. तु दुग्धजलभेदविधौ प्रसिद्धाम् अस्य वैदग्ध्यकीर्तिम् अपहर्तुम् असौ न समर्थः પરંતુ દૂધ અને પાણીને જુદા પાડવાની બાબતમાં પ્રસિદ્ધ થયેલી તેની ચતુરાઇને પડાવી લેવા માટે તે સમર્થ નથી.આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.)
19. केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्जला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः ।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ।।
કેયૂરો નવ ભૂષણો પુરુષને, હારો ન ચંદ્રોજ્જવલ,
ના સ્નાનો ન અ વિલેપનો ન કુસુમો ના કેશ શોભા ય કૈં,
વાણી એક જ છે ઘરેણું નરનું જે સંસ્કૃતિ ધારતી,
કાળે નાશ બધાં જ ભૂષણ થતાં, વાણી ઘરેણું સદા.
અનુવાદ: મનુષ્યને બાજુબંધ, ચંદ્ર જેવા ઉજ્જવળ હાર, સ્નાન,(સુગંધિત)લેપ, ફૂલ કે શણગારેલા વાળ શોભા આપતા નથી. ધારણ કરવામાં આવેલી એકમાત્ર સંસ્કારીવાણી મનુષ્યને શણગારે છે. ઘરેણાં તો ખરેખર નાશ પામે છે. પરંતુ વાણીરૂપી ઘરેણું સતત ઘરેણું બની રહે છે.
(શબ્દાર્થ: पुरुषम् - મનુષ્યને, केयूरा- બાજુબન્ધ, चन्द्रोज्जला हारा- ચંદ્ર જેવા ઉજ્જવળ હાર, સ્નાન,(સુગંધિત)લેપ, ફૂલ કે શણગારેલા વાળ न विभूषयन्ति- શોભા આપતા નથી. न स्नानं – ન તો સ્નાન, न विलेपनं- ન તો ચન્દન-સુખડાદિનો લેપ, न कुसुमं- ન કોઇ પુષ્પનો શણગાર, न अलङ्कृता मूर्धजाः ન તો શણગારેલા સુન્દર વાળ, મૂર્ધા એટલે મસ્તક અને તેના પર જન્મેલ એટલે વાળ કે કેશ, या धार्यते संस्कृता वाणी एका पुरुषं सम् अलङ्करोति - ધારણ કરવામાં આવેલી એકમાત્ર સંસ્કારીવાણી મનુષ્યને શણગારે છે. भूषणानि खलु क्षीयन्ते - ઘરેણાં તો ખરેખર નાશ પામે છે.वाक् भूषणं सततं भूषणम्- વાણીરૂપી ઘરેણું સતત ઘરેણું બની રહે છે. अस्मिन् श्लोके – शार्दूलविक्रीडितः छन्दः वर्तते ।)
20. विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं
विद्या भोगकरी यश:सुखकरी विद्या गुरूणां गुरु: ।
विद्या बन्धुजनो विदेश गमने विद्या परं दैवतं
विद्या राजसु पूजिता न तु धनं विद्याविहीन: पशु: ॥
વિદ્યા નામ નરે જ શ્રેષ્ઠ રૂપ છે, ઢાંકેલ છાનું ધન,
વિદ્યા ભોગ ધરે યશ સુખ કરે વિદ્યા ગુરુનો ગુરુ,
વિદ્યા બંધુ બને, વિદેશગમને, વિદ્યા વડી દેવતા,
વિદ્યા રાજસભા પૂજે ન ધનને વિદ્યા વિનાનો પશુ.
અનુવાદ: વિદ્યા ખરેખર માણસનું શ્રેષ્ઠરૂપ છે, છૂપું અને રક્ષાયેલું ધન છે.વિદ્યા ભોગવિલાસ, યશ અને સુખ આપનારી છે. વિદ્યા ગુરુઓની ગુરુ છે. વિદેશગમનમાં વિદ્યા બંધુ સમાન છે. વિદ્યા શ્રેષ્ઠદેવતા છે. વિદ્યા રાજાઓમાં પૂજાય છે, ધન નહીં. વિદ્યા વગરનો મનુષ્ય પશુ સમાન છે.
(શબ્દાર્થ: विद्या - વિદ્યા, नाम- ખરેખર, આ અવ્યય છે. नरस्य अधिकं रूपम् प्रच्छन्नम् गुप्तम् धनंम्- માણસનું શ્રેષ્ઠરૂપ છે, છૂપું અને રક્ષાયેલું ધન છે. विद्या विदेश गमने बन्धुजनः- વિદેશગમનમાં વિદ્યા બંધુ સમાન છે. विद्या परं दैवतम्- વિદ્યા શ્રેષ્ઠદેવતા છે. विद्या राजसु पूजिता न तु धनम् - વિદ્યા રાજાઓમાં પૂજાય છે, ધન નહીં. विद्याविहीन: पशुः - વિદ્યા વગરનો મનુષ્ય પશુ સમાન છે. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.)
21. क्षान्तिश्चेद्वचनेन किं किमरिभिः क्रोधोડस्ति चेद्देहिनां
ज्ञातिश्चेदनलेन किं यदि सुहृद्दिव्यौषधैः किं फलम् ।
किं सर्पैर्यदि दुर्जनाः किमु धनैर्विद्याડनवद्या यदि
व्रीडा चेत्किमु भूषणैः सुकविता यद्यस्ति राज्येन किम् ।।
ક્ષાન્તિ તો ક્વચોય શીદ તનુમાં, છે ક્રોધ તો શત્રુ કાં ?
જો જ્ઞાતિ ખપ આગ કાં? સુહ્રદ જો દિવ્ય દવા કાં ફળે?
કાં સાપો યદિ દુર્જનો? ધંપણું ક કામ વિદ્યા વરે?
કાં આભૂષણ જો વ્રીડા? સુકવિતા હોયે પછી રાજ્ય કાં ?
અનુવાદ: જો ક્ષમા હોય તો વચન આપવાની શી જરૂર છે? દેહધારી (મનુષ્યો)ને ક્રોધ હોય તો દુશ્મનોની શી જરૂર છે? જો જ્ઞાતી હોય તો અગ્નિની શી જરૂર છે? જો દોસ્ત હોય તો દિવ્ય ઔષધની શી જરૂર છે? જો દુર્જનો હોય તો સર્પોની શી જરૂર છે? જો નિષ્કલંક વિદ્યા હોય તો ધનની શી જરૂર છે? જો લજજા હોય તો આભૂષણની શી જરૂર છે? જો કવિત્વશક્તિ હોય તો રાજ્યનો શો અર્થ છે?
(શબ્દાર્થ: क्षान्तिः चेत् वचनेन किम् – જો ક્ષમા હોય તો વચન આપવાની શી જરૂર છે? देहिनां क्रोधः अस्ति चेत् किम् अरिभिः- દેહધારી (મનુષ્યો)ને ક્રોધ હોય તો દુશ્મનોની શી જરૂર છે? ज्ञातिः चेत् किम् अनलेन - જો જ્ઞાતી હોય તો અગ્નિની શી જરૂર છે? यदि सुहृद् अस्ति दिव्य औषधैः किं फलम्- જો દોસ્ત હોય તો દિવ્ય ઔષધની શી જરૂર છે? यदि दुर्जनाः किं सर्पैः - જો દુર્જનો હોય તો સર્પોની શી જરૂર છે? अनवद्या विद्या यदि अस्ति किमु धनैः- જો નિષ્કલંક વિદ્યા હોય તો ધનની શી જરૂર છે? व्रीडा चेत् किमु भूषणैः- જો લજજા હોય તો આભૂષણની શી જરૂર છે? सुकविता यदि अस्ति राज्येन किम्- જો કવિત્વશક્તિ હોય તો રાજ્યનો શો અર્થ છે? આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.)
22. दाक्षिण्यं स्वजने दया परजने शाठ्यं सदा दुर्जने
प्रीतिः साधुजने नयो नृपजने वि द्वज्जनेष्वार्जवम् ।
शौर्यं शत्रुजने क्षमा गुरुजने नारीजने धूर्तता
ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः ।।
દાક્ષિણ્યો સ્વજને દયા પરિજને, નીચા જને શાઠ્યતા,
પ્રીતિ સાદુજને નીતિ નૃપજને, વિદ્વાનને ઋજુતા,
શૌર્યો શત્રુજને ક્ષમા ગુરુજને, નારી પ્રતિ ધૂર્તતા,
આવા તો પુરુષો કળા કુશળ છે, તે લોક કાર્યો કરે.
અનુવાદ: સ્વજનો પ્રત્યે સૌજન્ય, બીજા લોકો પ્રત્યે દયા, દુર્જનો પ્રત્યે હંમેશા શઠતા, સજ્જનો પ્રત્યે પ્રેમ, રાજાઓ પ્રત્યે નીતિમત્તા, વિદ્વાનો પ્રત્યે વિનમ્રતા, શત્રુલોકો પ્રત્યે શૌર્ય, વડીલો પ્રત્યે ક્ષમા અને સ્ત્રીઓની બાબતમાં ધૂર્તતા- આ મુજબની કળાઓમાં જે પુરુષો કુશળ છે તેમના ઉપર જ લોકવ્યવહાર ટકી રહેલો છે.
(શબ્દાર્થ: स्वजने दाक्षिण्यम्- સ્વજનો પ્રત્યે સૌજન્ય, परजने दया - બીજા લોકો પ્રત્યે દયા, सदा दुर्जने शाठ्यम्- દુર્જનો પ્રત્યે હંમેશા શઠતા, साधुजने प्रीतिः- સજ્જનો પ્રત્યે પ્રેમ, नृपजने नयः - રાજાઓ પ્રત્યે નીતિમત્તા, विद्वत् जनेषु आर्जवम्- વિદ્વાનો પ્રત્યે વિનમ્રતા,शौर्यं शत्रुजने - શત્રુલોકો પ્રત્યે શૌર્ય, गुरुजने क्षमा - વડીલો પ્રત્યે ક્ષમા, नारीजने धूर्तता - સ્ત્રીઓની બાબતમાં ધૂર્તતા, ये च एवम् पुरुषाः कलासु कुशलाः तेषु एव लोकस्थितिः- આ મુજબની કળાઓમાં જે પુરુષો કુશળ છે તેમના ઉપર જ લોકવ્યવહાર ટકી રહેલો છે. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.)
23. जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यं
मानोन्नतिं दिशति पापमपाकरोति ।
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं
सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् ।।
વાણી મહીં સત સિંચી, જડબુદ્ધિ હારે,
માનોન્નતિકર દિશા દઇ પાપ હારે,
ચિત્તે પ્રસાદસહ વિશ્વની કીર્તિ આપે,
સાધુ સમાગમ જનોતણો શું ન સાધે?
અનુવાદ: (સજ્જનો સાથેની મિત્રતા) બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, સમ્માનમાં વધારો કરે છે, પાપને દૂર કરે છે, મનને પ્રસન્ન કરે છે અને બધી દિશાઓમાં કીર્તિને ફેલાવે છે. કહો ! સજ્જનોની સોબત મનુષ્યનું શું શું (સારું) કરતી નથી.
(શબ્દાર્થ: धियः जाड्यं हरति- બુદ્ધિની જડતાને દૂર કરે છે. वाचि सत्यं सिञ्चति- વાણીમાં સત્યનું સિંચન કરે છે.मान-उन्नतिम् दिशति- સમ્માનમાં વધારો કરે છે. पापम् अपाकरोति- પાપને દૂર કરે છે.चेतः प्रसादयति- મનને પ્રસન્ન કરે છે.कीर्तिम् दिक्षु तनोति- બધી દિશાઓમાં કીર્તિને ફેલાવે છે.આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.)
24. जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः ।
नास्ति येषां यशःकाये जरामरणजं भयम् ।।
(આ શ્લોકનો સમછન્દી અનુવાદ ઉપલબ્ધ નથી.)
અનુવાદ: જેમના યશરૂપી શરીરને ઘડપણ અને મૃત્યુનો ભય હોતો નથી, તેવા પુણ્યાત્મા અને રસનિરૂપણમાં સિદ્ધહસ્ત શ્રેષ્ઠ કવિઓ જય પામે છે.
(શબ્દાર્થ: येषां यशःकाये जरामरणजं भयम् नास्ति- જેમના યશરૂપી શરીરને ઘડપણ અને મૃત્યુનો ભય હોતો નથી, ते सुकृतिनः रससिद्धाः कवीश्वराःजयन्ति - તેવા પુણ્યાત્મા અને રસનિરૂપણમાં સિદ્ધહસ્ત શ્રેષ્ઠ કવિઓ જય પામે છે. सुकृतिनः- જેમનાં સારાં કર્મો છે તેવા, પુણ્યશાળી એવા. આ શ્લોકમાં અનુષ્ટુપ છન્દ છે.)
25. सूनुः सच्चरितः सती प्रियतमा स्वामी प्रसादोन्मुखः ।
स्निग्धं मित्रमवञ्चकः परिजनो निःक्लेशलेशं मनः ।।
आकारो रुचिरः स्थिरश्च विभवो विद्यावदातं मुखं
तुष्टे विष्टपहारिणीष्टदहरौ सम्प्राप्यते देहिना ।।
(આ શ્લોકનો સમછન્દી અનુવાદ ઉપલબ્ધ નથી.)
અનુવાદ: જગતને આનંદ આપનાર તેમજ મનોરથ પૂર્ણ કરનાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તોજ મનુષ્યને સદાચારી પુત્ર, પતિવ્રતા પત્ની, કૃપાપરક સ્વામી, સ્નેહાળ મિત્ર, નિષ્કપટ સેવક, જરાપણ ક્લેશ વગરનું મન, સુંદર આકૃત્તિ, સ્થિર એવી સંપતિ, અને વિદ્યાથી શોભાયમાન એવું મુખ પ્રાપ્ત થાય છે.
(શબ્દાર્થ: विष्टपहारिणि - જગતને આનંદ આપનાર, विष्टप – એટલે જગત, તેને આનન્દ આપનારા વિષ્ણુનું આ વિશેષણ છે. હૃ – આહ્લાદ એવા ધાતુને આધારે આનન્દ આપનાર અવો શબ્દ બન્યો છે. इष्टदहरौ- મનોરથ પૂર્ણ કરનાર ભગવાન વિષ્ણુ, तुष्टे – જો પ્રસન્ન હોય તો, देहिना- મનુષ્ય – દેહધારી માનવ, सम्प्राप्यते- પ્રાપ્ત કરે છે. શું શું પ્રાપ્ત કરે છે? તે પહેલી ત્રણ પંક્તિઓમાં આપ્યું છે. सच्चरितः सूनुः - સદાચારી પુત્ર, सती प्रियतमा- પતિવ્રતા પત્ની, प्रसादोन्मुखः स्वामी- કૃપાપરક સ્વામી, स्निग्धं मित्रम्- સ્નેહાળ अवञ्चकः परिजनः - નિષ્કપટ સેવક,निःक्लेशलेशं मनः- જરાપણ ક્લેશ વગરનું મન, आकारः रुचिरः- સુંદર આકૃત્તિ, स्थिरः विभवः – સ્થિર એવી સંપતિ, विद्या अवदातं मुखम्- વિદ્યાથી શોભાયમાન એવું મુખ. સુન્દર આકૃતિ હોય, સારો એવો વૈભવ હોય પણ મનુષ્ય વિદ્યા વગરનો હોય તો તેનું મુખ શોભતું નથી. માટે વિદ્યા તો અનિવાર્યપણે પ્રાપ્ત કરવી જ રહી. આ બધું ઇષ્ટની પૂર્તિ કરનારા વિષ્ણુની કૃપા દૃષ્ટિ હોય તો પ્રાપ્ત થાય છે. અહીં છેલ્લી પંક્તિમાં સતી સપ્તમીનો પ્રયોગ છે, માતે પદો સપ્તમી વિભક્તિમાં છે.આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.)