કવિતા અને છંદ


છંદનું પ્રયોજન :

બાળકોના અનાયાસ આલાપમાં, અશિક્ષિત ગ્રામનારીઓનાં મૃત્યુ-પ્રસંગના વિલાપ ગીતો-રાજિયા-માં અને હાલરડાંમાં તેમજ આદિવાસીઓની દેવી-ઉપાસનાના ઉદ્દ્ગારોમાં લયની મધુરતા હોય છે. બાણ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ આદિ અનેક સાહિત્યકારોની ગદ્યકૃતિઓ પણ લઘુમાધુર્યને લઈને વિશેષ આકર્ષક અને રસાત્મક નિવડેલી છે. પરંતુ લયની સંવાદિતા પદ્યમાં સૌથી વધુ સૌદર્યમંડિત અને સંતર્પક રૂપમાં પ્રગટ થાય છે, કેમ કે એમાં છંદના વિનિયોગથી વધુ વ્યવસ્થિત અને નિયમિત રીતે થતાં હ્રસ્વદીર્ઘ સ્વરો અને સ્વરયુકત વ્યંજનોના આવર્તનો દ્બારા અમુક નિશ્ચિત અને નિયમિત આવર્તનોનો એક વિશિષ્ટ સમૂહ છે. જે કવિસંવેદનને લયની સંવાદિતાથી વધુ સ-રસ અને સુંદર શબ્દરૂપે પ્રગટ થવામાં સહાયરૂપ બને છે. લઘુ-ગુરૂ અથવા માત્રાનાં આવર્તનો વિવિધ પ્રકારે અમુક ચોકકસ રૂપમાં પ્રયોજાય ત્યારે વિવિધ ભાવોને અનુરૂપ એવું છંદોનું વૈવિધ્ય પણ કાવ્યમાં ઉપકારક બની રહે છે.

છંદના પ્રકાર : ચાર પ્રકારના છંદ પ્રયોજાયેલા જોવા મળે છે.
૧ : રૂપમેળ ર: માત્રામેળ ૩ : સંખ્યામેળ ૪ : લયમેળ

૧ : રૂપમેળ છંદોમાં લઘુગુરૂની વ્યવસ્થા અને અક્ષરસંખ્યા નિશ્ચિત હોય છે.
કેટલાક અક્ષરમેળ અથવા રૂપમેળ છંદોમાં વિરામસ્થાન અર્થાત યતિ સુનિશ્ચિત હોય છે. આવા સયતિક છંદો સખંડ અને યતિ વિનાના છંદો અખંડ તરીકે ઓળખાય છે. શિખરિણી, શાદૅૂલવિક્રીડિત, હરિણી, મંદાક્રાન્તા, સ્રગ્ધરા વગેરે છંદો સખંડ છે, જયારે ઉપજાતિ, દ્રુતવિલંબિત, પૃથ્વી, તોટક, ભુંજગી અખંડ છે.

ર : માત્રામેળ છંદો અક્ષર સંખ્યા પર નહિ પણ માત્રની નિશ્ચિત વ્યવસ્થા
અને સંખ્યા પર આધારિત હોય છે. હ્રસ્વ અક્ષરની એક અને દીર્ઘ અક્ષરની બે માત્રા ગણાય છે. એમાં યતિ આવશ્યક મનાતો નથી. પણ નિશ્ચિત રૂપની તાલ અને પ્રાસની વ્યવસ્થા અનિવાર્ય ગણાય છે. ચોપાઈ, દોહરો, સોરઠો, હરિગીત, સવૈયા, ઝૂલણા વગેરે આ પ્રકારના માત્રામેળ છંદોમાં સુગેયતા અને શ્રાવ્યતા સહેલાઈથી સાધી શકાય છે.

૩ : અક્ષરમેળ અને સંખ્યામેળ છંદોમાં અક્ષરસંખ્યા નિશ્ચિત હોય છે. પરંતુ પ્રત્યેક અક્ષરની હ્રસ્વ-દીર્ઘ સ્થિતી પર આધારિત લઘુ-ગુરૂની નિશ્ચિત વ્યવસ્થા નથી હોતી, જયારે રૂપમેળ પ્રકારના મંદાક્રાન્તા, શિખરિણી, પૃથ્વી વગેરે છંદોમાં અક્ષરોની ગણવ્યવસ્થા સુનિશ્ચિત હોય છે. વૈદિક ગાયત્રી અને અનુષ્ટુપ છંદો છે. અક્ષરમેળની જેમ જ સંખ્યામેળ છંદોમાં પણ અક્ષરસંખ્યા નિયત રૂપમાં જ હોય છે. પરંતુ સંખ્યામેળ છંદોમાં નિશ્ચિત નિયમાનુસાર અમુક સંધિઓનું આવર્તન થાય છે. ઉ.ત. મનહર,ઘનાક્ષારી, અભંગ, અનુષ્ટુપની અક્ષરમેળ અને સંખ્યામેળ બન્ને પ્રકારમાં ગણના થાય છે.

૪ : લયમેળ છંદોમાં અક્ષર અથવા માત્રની સંખ્યા અનિશ્ચિત હોય છે. પરંતુ લયનો મેળ કે સંવાદ સચવાયેલો હોય છે. સંગીતાના સ્વરો, આરોહ-અવરોહ, તાલ અને પ્રાસથી લયમેળ સાધતા આ પ્રકારના છંદો મધ્યકાલીન આખ્યાનો, ગરબા-ગરબી આદિ ગેય કાવ્યોમાં અને અલ્પ અંશે અર્વાચીન કવિતામાં પણ પ્રયોજાયા છે. આવા છંદો દેશી તરીકે પણ ઓળખાય છે.

છંદની પરિભાષા અને સંજ્ઞાઓ કાવ્યગત છંદોમાં બંધારણને સમજવા માટે છંદશાસ્ત્રની કેટલીક પારિભાષીક સંજ્ઞાઓનો પરિચય હોવો જરૂરી છે. ૧ : લઘુ-ગુરૂ અક્ષરો, ર : માત્રા ૩ : ગણરચના ૪ : યતિ પ : પંકિત અને શ્લોક ૬ : સંધિ.

૧ : લઘુ-ગુરૂ અક્ષરોનું સ્વરૂપ પ્રત્યેક અક્ષરમાં રહેલા હ્રસ્વ કે દીર્ઘ સ્વરને આધારે નકકી થાય છે. જે અક્ષરમાં અ,ઈ,ઉ અને ઋ પૈકીનો કોઈ હ્રસ્વ સ્વ સમાયેલો હોય તે અક્ષર છંદશાસ્ત્રની પરિભાષામાં લઘુ અને જે અક્ષરમાં આ,ઈ,ઊ,એ,ઐ,ઓ અને ઔ પૈકીનો કોઈ એક દીર્ઘ સ્વર રહેલો હોય તે અક્ષર ગુરૂ તરીકે ઓળખાય છે. લઘુ અક્ષર માટે લ અથવા અને ગુરૂ અક્ષર માટે ગા અથવા - સંજ્ઞા યોજાય છે. ઉ.ત. 'કવિતા' શબ્દમાં લલગા s ¶ ¶vf અક્ષરો છે. લઘુ-ગુરૂની ઓળખ માટેની ઓળખ માટે બીજો એક લક્ષમાં રાખવા જેવો નિયમ એ છે કે સંયુકત અક્ષર કે અનુસ્વારયુકત અક્ષરમાં ઘડકાર અનુભવાય ત્યારે તેની આગળનો લઘુ અક્ષર પણ ગુરૂ ગણાય છે.
ઉ.ત. ઘણા પ્રશ્નોના એ પરમ ગતિમાં ઉત્તર મળ્યાં !

આ પંકિતમાં ચોથો તથા ચૌદમો અક્ષર જોડાક્ષર હોવાથી ઉચ્ચારના ધડકારને કારણે તેની પહેલાંના લઘુ અક્ષરો 'પ્ર' અને 'ઉ' ગુરૂ ગણવા પડે છે. પંકિતનો છેલ્લો અક્ષર લઘુ હોય તો દીર્ઘ ઉચ્ચારણને કારણે આવશ્યકતા અનુસાર ગુરૂ ગણાય છે. આ નિયમો ઉપરાંત પણ કવિ જરૂરિયાત પ્રમાણે લઘુ સ્વરને ગુરૂ અને ગુરૂને લઘુ ગણી અમુક છૂટ લઈ શકે છે.

ર : માત્રા : હ્રસ્વ સ્વરવાળા અક્ષરના ઉચ્ચારણમાં જેટલો સમય જાય તેથી લગભગ બમણો સમય દીર્ઘ સ્વરના ઉચ્ચારણમાં જાય છે, તેથી હ્રસ્વ સ્વરવાળા અક્ષરની એક માત્રા અને દીર્ઘ સ્વરવાળા અક્ષરની બે માત્રા ગણાય છે. માત્રા એટલે અક્ષરના ઉચ્ચારણની દ્રષ્ટિએ સમયનું સૌથી નાનું એકમ પ્લુત સ્વર (પ્રલંબ ઉચ્ચારણવાળા સ્વર) ની ત્રણ અને એકલા સ્વરહીન વ્યંજનની અર્ધી માત્રા છે.
ગણરચના : ત્રણ અક્ષરનો સમૂહ છંદશાસ્ત્રની પરિભાષામાં ગણ તરીકે ઓળખાય છે. લઘુગુરૂ અક્ષરોની વ્યવસ્થા માટે આઠ ગણ નિશ્ચિત કરવામાં આવેલા છે.

૩ : યતિ : પંકતના પઠન કે ઉચ્ચારણ વખતે છંદોલયની આવશ્યકતા પ્રમાણે જયાં વિરામ આવે તે સ્થાન યતિ તરીકે ઓળખાય છે. પંકતની વચ્ચે એક અથવા વધુ સ્થળે અને પંકિતને અંતે છંદના બંધારણ મુજબ યતિ આવે છે. કવિ કાવ્યના ભાવાર્થને અને વાણીના લયને પોષક બને તે રીતે કેટલીકવાર નિયત વિરામસ્થાને યતિ ન મૂકે ત્યારે તે યતિભંગ ગણાય છે. એ જ રીત એક ગુરૂને બદલે બે લઘુ અક્ષરો યોજે ત્યારે શ્રુતિભંગ થાય છે.

૪ : પંકિત અને `લોક : છંદના બંધારણમાં પંકિતનું એકમ પાદ અથવા ચરણ કહેવાય છે. પદ્યની એક પંકિત એક સંપૂર્ણ વાકય હોય જ એવો નિયમ નથી. એક પંકિતમાં એક, એકથી વધુ અથવા અપૂર્ણ વાકય પણ હોઈ શકે. પંકિતનું બંધારણ તેમાંના વાકયની પૂર્ણતા-અપૂર્ણતા કે સંખ્યા પર નહિ પરંતુ અક્ષર કે માત્રાની સંખ્યા અથવા લયમેળ પર આધારિત હોય છે. પદ્યની બે અથવા ચાર પંકિતનું એકમ કડી અથવા શ્લોક તરીકે ઓળખાય છે. આ નિયમને ન અનુસરતાં કેટલીકવાર કવિઓ અમુક હેતુસર `લોકભંગ કરીને પણ પણ અભિવ્યકિતની સચોટતા સાધે છે.

પ : સંધિ : માત્રમેળ છંદોમાં લઘુ-ગુરૂની ગણવ્યવસ્થા નથી હોતી, પરંતુ માત્રામેળ છંદની પંકિત પઠનના લય પ્રમાણે અમુક ખંડોમાં વહેંચાઈ જાય ત્યારે તે દરેક ખંડનું માત્રાજૂથ સંધિ તરીંકે ઓળખાય છે. રૂપમેળ કે અક્ષરમેળ છંદોમાં ખંડ યતિ અનુસાર પડે છે અને એકના એક ગણના પુન:આવર્તન થાય તો પણ તે પ્રમાણે ખંડો પડતા નથી. તેથી આ પ્રકારના છંદો અનાવૃત સંધિવાળા છંદો ગણાય છે. માત્રામેળ છંદોમાં માત્રાજૂથ સંધિના આવર્તન પ્રમાણે ખંડ પડતાં હોવાથી તે આવૃત છંદો તરીકે ઓળખાય છે. માત્રા જૂથ અર્થાત સંધિ ચાર પ્રકારનાં હોય છે. (૧) ત્રિકલ : ત્રિમાત્રિક સંઘિ : દાલ (ર) ચતુષ્કલ : ચતુર્માત્રિક સંધિ:દાદા (૩) પંચકલ : પંચમાત્રિક સંધિ: દાલદા અને (૪) સપ્તમાત્રિક સંધિ : સપ્તકલ : દાદલદા.

સાહિત્યના પદ્ય અને ગદ્ય એમ બે મુખ્ય પ્રકારો છે. સામાન્ય રીતે આપણે વ્યવહારમાં જે વાતચીત કરીએ છીએ તે ગદ્યમાં હોય છે. નવલિકા, નવલકથા વગેરેનું સાહિત્ય ગદ્યમાં હોય છે. પરંતુ પદ્યમાં આપણે વાણીને લયબદ્ઘ રીતે કે છંદમાં પ્રયોજીએ છીએ. કવિતા પદ્યમાં લખાય છે અને તેથી તેમાંની અભિવ્યકિત વાતચીતની ભાષા કરતાં જુદા પ્રકારની હોય છે. એમાં કવિ વ્યાકરણના નિયમોને ચુસ્તપણે વળગી ન રહેતાં થોડીક જરૂરી છૂટછાટ પણ લે છે. આમ છતાં કાવ્યની રચના અમુક નિશ્ચિત પ્રકારના લય કે છંદમાં થતી હોઈ તેને તેનાં અમુક નિયમો કે બંધનોને પણ સ્વીકારીને ચાલવું પડે છે. લયમાં સંગીત તત્વ રહેલું છે. છંદમાં પણ અમુક નિશ્ચિત પ્રકારનો લય હોય છે.દરેક છંદની પંકિતમાં આદિથી અંત લગીના બધા વર્ણોમાં લઘુ-ગુરૂનું સ્થાન નિયત થયેલું હોય છે. બીજી રીતે કહીએ તો પ્રત્યેક છંદનું બંધારણ નિશ્ચિત થયેલું હોય છે અને કવિએ કાવ્યસર્જન વખતે એ બંધારણને અનુસરવું જરૂરી બને છે. કાવ્યપઠન કરનાર વાચકે પણ જે તે છંદના લયને લક્ષમાં લઈને તેનું પઠન કરવાનું હોય છે. જેથી તેમાં રહેલા ગેય તત્વ કે સંગીત તત્વનો આસ્વાદ લઈ શકે. ઉત્તમ કવિતામાં કાવ્યનો લય કે છંદ અને અર્થ એકમેકને પુરક બની રહે છે. આ છંદના નિયમોને આધીન રહીને થયેલી કાવ્યરચના આપણે સહજ રીતે જ ગાઈ શકીએ છીએ. જુદા છંદ માટે અક્ષરો અને તેમની ગોઠવણીના જુદા જુદા નિયમો હોય છે. આ દરેક છંદ વિશે જાણવું એટલે એ છંદના અક્ષરોનો માપ અને ગોઠવણીના નિયમ પ્રમાણે થયેલી મેળવાળી રચનાની જાણકારી મેળવવી તે.

શ્રી રવીન્દ્રનાથ ટાગોર પણ કહે છે કે કવિતાની વાણી લયાન્વિત હોય છે. જે અનુકરણીય છે. અનિર્વચનીય છે. તે લય દ્બારા વ્યંજિત થાય છે. સારા કાવ્યનો લય આપણને કવિતાના અર્થ પ્રત્યે અભિમુખ કરે છે. એટલું જ નહિ પણ કાવ્યાનુભવ માટેની આપણી મન: સ્થિતીને ઘડે છે અને એટલે જ કહેવાયું છે કે છંદ એક કવિતાના જગતમાં પ્રવેશવાની પવન પાવડી છે. ભાવકના ચિત્તને પકડમાં લેવાના કાર્યમાં છંદોલય પ્રથમ મદદે આવે છે. ઘણીવાર કાવ્યના ઊંડાણને પામવા કે તેના મર્મને પકડવા કાવ્ય ફરી ફરી વાંચવું પડે, પણ છંદોલયનો હિલ્લોળ ભાવકના ચિત્તને આંદોલિત કરી કાવ્યના ભાવ સુધી પહોંચાડવામાં શીઘ્રતા અર્પે છે. પ્રેમાનંદના 'હો હરિ સત્યતણા સંધાતી', 'મારું માણેકડું રિસાયું રે', ન્હાનાલાલના 'પિતૃતર્પણ', 'હરિદર્શન', 'વિરાટનો હિંડોળો', કાન્તના 'સાગર અને શશી' કે 'ઉદ્દગાર' વગેરેમાં છંદોલયની ઉપર કહી તે વિશેષતા માણવા મળે છે.

છંદ કાવ્યમાં કેટલે અંશે અનિવાર્ય તે મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ છે. આ મુદ્દા સંદર્ભે કાવ્યમીમાંસકોમાં મતભેદ પ્રવર્તે છે. સંસ્કૃત કાવ્યમીમાંસકોના મતે છંદ કાવ્યનું અનિવાર્ય અંગ નથી. અર્વાચીન કવિતામાં કેટલેક સ્થળે તો માત્ર લયને આધાર બનાવીને પણ કવિતા લખાઈ છે ને કયાંક તો કવિતામાં લય શોધવો પણ મુશ્કેલ બને એવું થયું છે. કેટલાંકે તો છંદના નિશ્ચિત લયને જાણીબૂઝીને ઉવેખ્યો છે. બીજી બાજુ જગતની ઘણી ભાષાનું સાહિત્ય સૌપ્રથમ છંદોલયમાં સર્જાયું છે. પ્રતિભાશાળી કવિઓને પોતાનું વકતવ્ય છંદમાં મૂકવાનું વધારે અનુકુળ અને કાર્યસાધક પણ લાગ્યું છે.

તો પછી કાવ્યમાં છંદને આવશ્યક ગણવો કે અનિવાર્ય, છંદ કાવ્યમાં હોવો જ જોઈએ કે છંદ વગર પણ સારું કાવ્ય રચી શકાય ? આના જવાબમાં એમ કહી શકાય કે કવિતામાં છંદ આવશ્યક છે પણ અનિવાર્ય નથી. છંદ વગર પણ સારું કાવ્ય રચી શકાય, છતાં એ હકીકત પણ એટલી જ સાચી છે કે કવિ પોતાના કાવ્ય પદાર્થ સાથે જગત પદાર્થનો અનુબંધ કરી, જે એક ભાત ઉપસાવવા પ્રયત્ન આદરે છે. એમાં છંદોલયની સહાય એને ખૂબ કામ લાગે છે.

કવિતામાં છંદોલય કાવ્યે કાવ્યે કવિએ કવિએ પોતાની આગવી શકિત અને સ્વરૂપ પ્રગટ કરે છે. જુદાં જુદાં કવિઓનાં હાથે પ્રયોજાયેલ એક છંદ જુદાં જુદાં પરિમાણો સિદ્ઘ કરે છે. જે કવિતામાં છંદ કવિતાના જન્મ સાથે જ જન્મે છે, કવિતાના એક ભાગ રૂપે જન્મે છે એ છંદોલય પોતાની આગવી શકિત અને સ્વરૂપ પ્રગટ કરે છે. ઘણીવાર કવિના અંતરમાં ઊર્મિ - આવેગ પ્રબળ હોય, પણ છંદોલયમાં કચાશ હોય શૈથિલ્ય કે અધૂરપ હોય તો પણ એટલે અંશે કાવ્ય લથડે છે. કાવ્યના લક્ષ્ય સુધી પહોંચવામાં, ભાવક ચિત્તમાં કાવ્યની ભાવસ્થિતિ નિર્માણ કરવામાં ઉચિત છંદોલય ખૂબ જ સહાયક બને છે.

ટૂંકમાં, અમુક કાવ્યમાં પ્રયોજાયેલો છંદ, એ આવ્યો છે એ રીતે જ યોગ્ય છે. એનાથી બીજી રીતે એ નભી ન શકત એમ લાગે ત્યારે એનો અર્થ એવો થાય કે કવિની અભિવ્યકિતને એમાં અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. કવિની સર્જકતાના વેગને પરિણામે છંદે પોતાનું છંદત્વ સાધ્યું છે. કાવ્ય બીજી રીતે રચાઈ જ ન શકયું હોય એવું લાગે ત્યારે જ કાવ્યમાં એ છંદનું સાર્થકય સિદ્ઘ થાય છે અને એવો છંદ કાવ્યમાં આગંતુક રહેતો નથી. કાવ્યનું અનિવાર્ય અંગ બની કાવ્યના આંતરસૌન્દર્યને બઢાવે છે, દ્ર્રઢાવે છે. આવા છંદના સંદર્ભમાં જ લી હન્ટે કહયું હશે કે 'ખરા કવિને કાવ્યમાં છંદ પ્રતિરોધક નથી, બલ્કે સહાયક છે.”

વિજયભાઈ ભગુભાઈ પરમાર, આસીસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી), શ્રીમતી ન.ચ.ગાંધી એન્ડ બી.વી.ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભાવનગર