લાભશંકર ઠાકર અને ચન્દ્રકાન્ત શેઠની કવિતામાં પરંપરા અને પ્રયોગો


આધુનિક ગુજરાતીની કવિતાનો સમય ૧૯૫૬ નું વર્ષ સ્વીકારયું છે. ઉમાશંકર જોશીનું ‘છિન્નભિન્ન છું’ એ નાન્દી સમું છે. જીવનમાથી છંદ અને લય (સંવાદિત્તા) તૂટયા હતા અને તેના પગલે કવિતામાં પણ છંદ અને લય તરડાયા. આધુનિકતાનો સ્વર પૂર્ણ સ્વરૂપમાં સુરેશ જોશીની કવિતામાં પ્રગટે છે. ત્યાર પછીતો તે ગાળામાં નિરંજન ભગત, પ્રિયકાંન્ત મણીયાર, હસમુખ પાઠક, નલિન રાવળ વગેરે જેવા કવિઓએ ઝપલાવ્યું. પરંતુ આ ગાળાના સુરેશ જોષી પછીનાં કોઈ સમર્થ કવિઓ ગણાવી શકાય તો તે લાભશંકર ઠાકર અને ચન્દ્રકાન્ત શેઠ આ બંને કવિઓ પરંપરા અને પ્રયોગ માટે જાણીએ છે તો એમની કવિતાને આજે મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.

લાભશંકર ઠાકર ‘રે’ મઠના પ્રણેતા અને ‘આકંઠ સાબરમતી’સાથે સંકળાયેલા એવા સર્જક છે. ૧૯૬૫ માં તેમણે પરંપરા અને પ્રયોગની અભિવ્યક્તિને આલેખતો સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ પ્રગટ કર્યો હતો. આ સગ્રહનું પ્રથમ કાવ્ય ‘ચાંદરણુ’ માં ભાષા, છંદ, અનુભૂતિ વગેરે દ્રષ્ટિએ પરંપરાનું અનુસંધાન જોવા મળે છે.જ્યારે સંગ્રહની અંતિમ રચના ‘તડકો’ ભાષા, છંદ, લય, પ્રતિક આદિ કવિતાનાં નવીન ઉપકરણો સાથે કવિની અનુભૂતિને નવતર રીતે રજૂ કરતી પ્રયોગશીલ કવિતા બને છે. તેમની પાસેથી ‘મારા નામને દરવાજે,’ ‘બૂમ કાગળમાં કોરાં’, ‘લઘરો,’ ‘ટોળા, અવાજ, ઘોંઘાટ’, ‘કાલગ્રંથિ’ અને અન્ય કાવ્યસંગ્રહો આપ્યાં છે. ‘મારા નામને દરવાજે’ માં લઘરાવિષયક રચના કેવળ શબ્દલીલા નથી, આધુનિકતાના સર્વ અર્થસંકેત આપ્યા છે. અર્થહીન જણાતી શબ્દરમત જેવી લાગતી લાભશંકરની કવિતા ઊંડા મર્મને સ્પર્શે છે. શબ્દની તેમની આરત અને સાધના પૂરી નિસબતથી વ્યક્ત થઈ છે. જુઓ .

ડોલ શબ્દની કાણી રે
ઊંડા કૂવાનાં પાણી રે
હરખભેર દામણ ખેંચે છે લઘરો
તાણી તાણી રે.
આ આવી છલકાતી લઈને
ભરચક પાણી પાણી રે!

‘ટોળા, અવાજ, ઘોંઘાટ’ સંગ્રહમાં ખવાઇ ગયેલા- ખોવાઈ ગયેલા મનુષ્યના વ્યક્તિત્વની વાત, એકલતાની ભીંસને આ રીતે શબ્દબધ્ધ કરે છે-

હું અવાજની નાભીને શોધું
મૂળ ઉપર ભીતરમાં મારા
સડી ગયેલા તળિયાવાળી
અભિજ્ઞાત અથડાય.

લાભશંકર ઠાકર સતત સત્યની શોધ કરતાં રહેતા કવિ છે. એ ભાવને ફરી વાર વિવિધ ભાવો અને લયલઢણોમાં વ્યક્ત કરતાં રહ્યા છે.

કશું જ મારા હાથમાં નથી,
મારા હાથ પણ મારા હાથની વાત નથી.

એમ કહી માનવીની નિ: સહાયતા પ્રગટ કરી છે. તાજેતરમાં તેમનાં સમયવિષયક કાવ્યો પ્રગટ થયા છે તે સહદય ભાવકોનું ધ્યાન ખેચે છે.

આજ ગાળાના લાભશંકર ઠાકરની સમકક્ષ બેસી શકે એવા બીજા આધુનિક કવિ ચંદ્રકાંત શેઠ સર્જનકર્મની બાબતમાં તેમની નિસબત અને નિષ્ઠા તેમને આધુનિકોમાં પ્રથમ હરોળમાં કવિ તરીકે સ્થાપે છે. ‘પવન રૂપેરી’,’ઊઘડતી દીવાલો’, ‘પડઘાની પેલે પર’ તથા ‘ગગન ખોલતી બારી’, ‘એક ટહુકો પડમાં’, ‘રાગે એક ઝળહળીએ ઉપરાંત બાળકાવ્યના ત્રણ સંગ્રહો, ‘ચાંદલિયાની બારી ‘, હું તો ચાલું મારી જેમ’, ‘ઘોડે ચડીને આવું છું...’. મળે છે પ્રથમ કાવ્યસંગ્રહમાં પરંપરાનું પ્રતિનિધિત્વ કરતી છંદોબધ્ધ રચનાઓ વગેરે છે. કવિનું અહી છંદ વિષયક કર્મ તેમને ઊંચી કોટિના કવિ તરીકે પ્રતિષ્ઠા આપે તેવું છે. ‘ઊઘડતી દીવાલો’ માં ચન્દ્રકાન્ત શેઠ પોતાના કવિ તરીકેના વિકાસનો સંકેત પહેલા કાવ્યમાં જ આપી દે છે. છંદ પણ જો બંધનરૂપ બની રહે તો એ આ કવિને માન્ય નથી:

“છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસોચુમ્મોતેરને કેમ ચલાવવો?”

તેઓ મૈત્રી – વિષયક લાગણીને સહેજ પણ દિલ ચોર્યા વગર સ્પષ્ટ કરી આપે છે.

‘તેઓ તેમની સૅફિસ્ટીકેટેડ એસ્પ્રેસો કોફીમાંથી આસ્તેથી
રૂપાના ઢોળવાળી ચમચીથી
કાઢી નાખશે મારું નામ બહાર...’

વેદનાના આ વાસ્તવિક અવાજ છે. મૈત્રીની મર્યાદા અને વિતથતા જણાવે છે. મારું અમદાવાદ કાવ્યમાં અમદાવાદને

‘મારા હાથ જેટલું લાંબુ,
મારી છાતી જેટલું પહોળુ,
મારી ચાલ જેટલું ઝડપી.
મારા શ્વાસ જેટલું પાસે,
ને મારા મન જેટલું મારું!”

પોતાના શહેર માટેની આત્મીયતા તેમનાં શબ્દોમાં જોવા માળે છે. ‘પડઘાની પેલે પર’ માં કવિની અભિવ્યક્તિ વધુ સ્વસ્થ અને માર્મિક બની છે. રઘુવીર ચૌધરી તેમની કવિતાને ‘અનન્ય કવિતા’ કહીને ઓળખાવે છે.

‘ગગન ખોલતી બારી’ કવિનો નોંધપાત્ર ગીતસંગ્રહ છે. ‘માછલી જ બાકી?, ‘આ ઝાડ જુઓને...,’ ‘નથી મળાતું’, ખોલે છે કે નહીં? ‘તો આવ્યા કને’ સાદ ના પાડો’ વગેરે તેમની યશોદાયી રચનાઓ રચી છે.

“શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયા દૂર, તો આવ્યાં કાને.-”

કવિની અંદરથી આવેલી વાણીમાં આધ્યાત્મિકતાની સેર ચાલે છે. તે દર્શનની કોટિ સુધી જાય છે – મારી અંદર તેથી – નું એક ઉદાહરણ પૂરતું છે.

આધુનિક ગુજરાતી કવિતાને પૂરી ગંભીરતાથી પરિપક્વતાથી અને શિષ્ટતાપૂર્વક સાચવીને આગળ વધારે છે. આધુનિક ગુજરાતી કવિતાની ગતિવિધિ તરફ તેમની દ્રષ્ટિ સતત ફર્યા કરે છે.

લાભશંકર ઠાકર અને ચન્દ્રકાન્ત શેઠ બંને આધુનિક કવિઓ પ્રયોગશીલ સર્જકો છે. બંનેની કવિતામાં છંદનો વિનિયોગ તો જવલ્લેજ જોવા મળે પણ પરંપરા અને પ્રયોગશીલ કવિતા વધુમાત્રામાં મળે છે. નિરંજન ભગત કહે છે કે ‘લાભશંકર ઠાકર અને ચન્દ્રકાન્ત શેઠ એ એવા કવિ છે, જેના પર ચાંપતી નજર રાખવી ઘટે!”. સાચે જ બંને કવિઓએ આધુનિક કવિતાનાં નવા શિખરો સર કર્યા છે. આ બંને કવિઓની કવિતાને અહી મૂકવાનો ઉપક્રમ કર્યો છે.

સંદર્ભગ્રંથ :

  1. ૧) ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ – ડૉ. રમેશ એમ. ત્રિવેદી
  2. ૨) ‘સમકાલીન કવિઓ’ – ડૉ ધીરુ પરીખ
  3. ૩) ‘સ્વતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ – ડૉ મફત ઓઝા

આરતીબેન એસ. સોની, ગવર્નમેન્ટ આર્ટસ કોલેજ, મણીનગર અમદાવાદ