ગઝલના છંદો


ગઝલ એ અત્યંત રળિયામણો, નજાકત ભર્યો અને તરત જ હૃદયને સ્પર્શી જાય તેવો સમર્થ કાવ્ય પ્રકાર છે. સરળતાથી માંડીને ગૂઢતા સુધીના ભાવોને સાહજિક રીતે વહેતા કર્યો હોય છે, 'ગઝલ' સંજ્ઞાનો સંબંધ 'ગઝાલા' શબ્દ સાથે પણ જોડાય છે. ગઝલનો ભાવ સાથે સંબંધ 'ઇશ્કે હકીકી' અને 'ઈશ્કે મિજાજી' પ્રકારનો હોય છે. ગઝલમાં બાહ્ય સ્વરૂપમાં રદીફ, કાફિયા, મતલા, મકતા હોય છે. આ ગઝલના અંગો છે. ગઝલના પ્રત્યેક શેરના ભાવ એકમો અલગ અલગ હોય છે. ગઝલના ભાવ વિશ્વને યોગ્ય રાખવા માટે ગઝલમાં એક જ બહર (છંદ) હોવો જોઈએ. ગઝલના છંદમાં અરબી પિંગળશાસ્ત્ર પડેલું છે. 'ફઊલ' આદ્યગણ પરથી ફઝરત ખલીલે દસ ગણબિમ્બ તૈયાર કર્યા. અરબીમાં ગણને રૂકન કહે છે અને ગણ સમૂહને અરકાન ; જે રૂકનનું બહુવચન છે. સંસ્કૃત પિંગળમાં આઠ ગણ સ્વીકારવામાં આવ્યા છે જયારે અરબીમાં આઠ શ્રુતિઓ છે, જે જૂથ રૂપે છે. અરબીમાં ગણો અને શ્રુતિ જૂથો પાંચ અને સાત અક્ષરી પણ છે. અરબીમાં માત્ર પ્રાસ હતા, ઈરાનીઓએ અનુપ્રાસની રચના કરી. જેમ ગુજરાતી છંદોમાં ગણ, અક્ષર/માત્રા, અટકસ્થાન હોય છે. એ જ રીતે ગઝલના છંદોમાં પણ જોવા મળે છે.

ગઝલના છંદોમાં પણ લઘુ-ગુરૂને એટલું જ સ્થાન આપવામાં આવ્યું છે. છંદશાસ્ત્રનો સંપૂર્ણ આધાર આ બંને બાબત પર રહેલો છે. સબબ, વતદ, ફાસલા આ ત્રણ બાબતથી જુદા-જુદા ગણો મૂકી શકાય છે. શુદ્ધ ગણ બિમ્બ જોઈએ તો,

સંખ્યા

છંદનું નામ

(રૂકન)
ગણનું નામ

સંજ્ઞા
(ગુજરાતી વજન)

પરિચય

1

મુતકારિબ

ફઊલુન્

લગાગા

જમાનો
લગાગા

2

મુતદારિક

ફાઈલુન્

ગાલગા

આપણે
ગાલગા

3

હઝજ

મફાઈલુન્

લગાગાગા

નિરાશામાં
લગાગાગા

4

રજઝ

મુસતફઈલુન

ગાગાલગા

આકાશથી
ગાગાલગા

5

રમલ

ફાઈલાતુન્

ગાલગાગા

જીન્દગાની
ગાલગાગા

6

કામિલ

મુતફાઈલુન્

લલગાલગા

નધરા સુધી
લલગાલગા

7

વાફિર

મફાઈલતુન્

લગાલલગા

નકાબ મહીં
લગાલલગા

આ સિવાય પણ બીજા ઘણા છંદો જોવા મળે છે. તેની પણ ઓળખ જુદા-જુદા પ્રકારની છે. દરેક છંદ વિકાર પામવાથી તેમાં બદલાયેલાં ગણ જોવા મળે છે. ગણ બદલવાની સાથે છંદમાં પણ બદલાવ આવે છે. છંદોને વિગતે જોઈએ તો નીચે મુજબ છે.

1.મુતકારિબ :
છંદનો રૂકન : ફઊલુન્
સંજ્ઞા : લગાગા
આવર્તન : ચાર
માત્રા : વીસ
ઉદા. - 'હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક
તળેટી સમીપે હજો ક્યાંક થાનક'
-રાજેન્દ્ર શુક્લ

2.મુતદારિક :
છંદનો રૂકન : ફાઈલુન્
સંજ્ઞા : ગાલગા
આવર્તન : ચાર
માત્રા : વીસ
ઉદા. - 'પ્રેમની મીઠી વાતો સુણાવ્યા કરું
તું રિસાયે અને હું મનાવ્યા કરું'
-મહેક ટંકરવી

3.હઝજ :
છંદનો રૂકન : મફાઈલુન્
સંજ્ઞા : લગાગાગા
આવર્તન : ચાર
માત્રા : અઠ્ઠાવીસ
ઉદા. - 'કદી લીધું અને તેથી સવાયું દઈ જરૂરતને,
ઋણનુબંધનું ખાતું, ચુકાવી જીવતાં શીખ્યો.'

4.રજઝ :
છંદનો રૂકન : મુસતફઈલુન
સંજ્ઞા : ગાગાલગા
આવર્તન : ચાર
માત્રા : અઠ્ઠાવીસ
દા.ત.- 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની'
'તારું તને આપી દઉં, તેમાં જરા અચકાઉના,
મારૂ કશું મારૂં નથી, તો આપતાં અફસોસ શો ?'

5.રમલ :
છંદનો રૂકન : ફાઈલાતુન્
સંજ્ઞા : ગાલગાગા
આવર્તન : ચાર
માત્રા : અઠ્ઠાવીસ
દા.ત.- 'શું કરું કે જિંદગીમાં આપ જ્યાં મારા થયાં ના,
ચૈન ને આરામ ક્યાં ચાલ્યા ગયા ? શોધ્યા જડ્યાં ના'

6. કામિલ :
છંદનો રૂકન : મુતફાઈલુન્
સંજ્ઞા : લલગાલગા
આવર્તન : ચાર
માત્રા : અઠ્ઠાવીસ
ઉ.દા. - મન જ્યાં ગયું, ચિત્ત ત્યાં રહ્યું, અણધાર્યું એમ બની ગયું,
નજરેનજર મળતાં મળી, ન થવાનું કૈંક થઇ ગયું.

7.વાફિર :
છંદનો રૂકન : મફાઈલતુન્
સંજ્ઞા : લગાલલગા
આવર્તન : ચાર
માત્રા : અઠ્ઠાવીસ
ઉ.દા. - 'શમા પર થઇ ગયો કુરબાં અને પરવશ બની લથડ્યો,
સિઝાઈ પડેલ આશિકને, મળી ના ગોદ માશુકની'

ગઝલમાં ઉપર દર્શાવેલ સાત છંદો માત્રા મેળ છે. સમય સાથે તેમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. ગઝલના પ્રાસ, રદિફ, કાફિયાને યોગ્ય આવર્તન આપવા માટે છંદ આવશ્યક છે. ગઝલની રજૂ થવાની રીત છંદો દ્વારા વ્યક્ત થઇ શકે છે. ગઝલને તેના આવર્તન અને સંજ્ઞા પરથી જ ઓળખી શકાય છે. આમ, આ રીતે છંદોનું સ્થાન ગઝલમાં છે. ગઝલના મુખ્ય સાત છંદો દર્શાવવામાં આવ્યા છે.

રીમા આર. ભાવસાર