સંસ્કૃત સાહિત્યમાં છંદ : પ્રયોગ, વિનિયોગ અને સિધ્ધિ
(હરવિજય મહાકાવ્યના સંદર્ભમાં)

આપણા વિચારો વાણી દ્વારા વ્યકત થાય છે અને વાણીનો સંબંધ મસ્તિષ્ક તથા હૃદય સાથે છે. દૈનિક વ્યવહારમાં આપણે બુદ્ધિપૂર્વક વાણીનો ઉપયોગ કરતા હોઇએ છીએ, પણ માનવહૃદય જે લાગણીઓ, સંવેદનો અને ઊર્મિઓ અનુભવે છે, તેમને સામાન્ય ભાષા કરતાં કાવ્ય વધુ ચોટદાર રીતે રજૂ કરે છે. કોઇ સુંદર પ્રાકૃતિક દૃશ્ય હોય કે સૂક્ષ્મ ભાવનાઓ હોય, કાવ્ય તેમને સહજ અને તાદૃશ સ્વરૂપે ઝીલી શકે છે. મનુષ્યના સંવેદનશીલ વિચારોને સુયોગ્ય રીતે વ્યકત કરવા માટે કે તેમનું તાલબદ્ધ રીતે ગાન કરવા માટે છંદ અનિવાર્ય છે. છંદ એ તો કાવ્યનું બાહ્ય કલેવર ગણાય છે.

અમુક પ્રકારના અક્ષર કે માત્રાના લઘુ-ગુરુ કે સંખ્યાના નિયમ પ્રમાણે પદોને ગોઠવવામાં આવે તો ગેય બની જાય છે. ગેય કાવ્યની જુદી-જુદી લઢણોને જ જુદા-જુદા છંદ તરીકે ઓળખવામાં આવે છે. આમ, મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેળવાળી શબ્દરચનાને છંદ કહેવામાં આવે છે.

સંસ્કૃત સાહિત્યમાં છંદને वृत्त અને जाति એવા બે પ્રકારોમાં વિભાજન કરવામાં આવ્યા છે.[1] वृत्त એટલે અક્ષરમેળ છંદ અને जाति એટલે માત્રામેળ છંદ તરીકે ઓળખાય છે.

સંસ્કૃતમાં રચાયેલ ‘હરવિજય’ મહાકાવ્યમાં वृत्त અને जाति એવા બંને પ્રકારોનાં છંદોનું નિરૂપણ સુંદર રીતે થયેલું છે. તેમાં પણ જવલ્લે જ અન્ય કવિઓની કૃતિમાં સ્થાન પામતો અપ્રસિદ્ધ એવો છંદ ‘અશ્વલલિતા’ પણ આ મહાકાવ્યમાં પ્રયોજાયેલો જોવા મળે છે. તો વૈદિક સાહિત્યમાં સ્થાન પામેલ એવા અનુષ્ટુપ અને ગાયત્રી જેવા છંદોનો પણ ‘હરવિજયમાં ભરપૂર પ્રયોગ થયો છે. આ ઉપરાંત, દીર્ઘ એવા છંદો જેવા કે, સ્રગ્ધરા, વસંતતિલકા અને શાર્દૂલવિક્રીડિતનું પણ ખૂબ જ સફળતાપૂર્વક નિરૂપણ થયેલુ છે. અહીં બીજા પાંચ એવા છંદો નિરૂપાયેલા છે કે જે કોઇ કવિની કલમે નિરૂપણ પામ્યા જ નથી.[2]

કવિ રત્નાકરના મતે જેટલું યથોચિત શબ્દોનું મહત્ત્વ હોય તેટલું જ મહત્ત્વ સુંદર અને ઉચિત છંદોનું પણ હોય છે.[3] કોઇ પણ સુંદર છંદમાં રચાયેલો શ્લોક તાલબદ્ધ સ્વર ઉત્પન્ન કરે છે. આવા પ્રકારના અવાજની મધુરતાને પિછાણવા માટે રત્નાકરે વસંતતિલકા છંદને પંસદ કરેલો છે. આ વસંતતિલકા છંદ આ મહાકાવ્યમાં ખૂબ જ અગત્યનાં છંદ તરીકે જોવા મળે છે.

સંસ્કૃત આલંકારિકોના લક્ષણ મુજબ મહાકાવ્યમાં મુખ્યત્વે એક મુખ્ય છંદ હોવો જોઇએ.[4] અહીં વસંતતિલકા છંદ મુખ્ય છંદ તરીકે પ્રયોજાયેલો છે. તેમજ આ છંદનો સફળતાપૂર્વક પ્રયોગ ‘હરવિજય’માં આપણે જોઇ શકીએ છીએ. આચાર્ય ક્ષેમેન્દ્રે ‘સુવૃત્તતિલક’માં રત્નાકરના વસંતતિલકા છંદની ભારોભાર પ્રશંસા કરી છે.[5] આ વસંતતિલકા છંદની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે-
उक्ता वसंततिलका तभजा जगौ ग: ।[6]

દીર્ઘ હોવાને કારણે કવિ આ છંદમાં કોઇપણ વર્ણન સરળતાથી કરી શકે છે. તેમજ શાબ્દિક રમત પણ કુશળતાપૂર્વક દર્શાવી શકે છે. અહીં આ મહાકાવ્યમાં વસંતતિલકા છંદનો પ્રયોગ ૨૧૭૫ વખત થયેલો જોવા મળે છે.

મહાકાવ્યના લક્ષણ તરીકે ‘હરવિજય’ મહાકાવ્યના મોટાભાગના સર્ગમાં વસંતતિલકા છંદનો પ્રયોગ થયેલો છે. તેમજ ભાવિ કથાવસ્તુના સૂચન અર્થે સર્ગાન્તે માટેભાગે માલિની છંદનું નિરૂપણ અહીં થયેલ છે. વસંતતિલકા છંદમાં કવિની પ્રૌઢી હોવા છતાં પણ મહાકવિએ પ્રાય: બધા પ્રકારના છંદોનો પ્રયોગ કર્યો છે. અહીં અનુષ્ટુપ, અશ્વલલિતા, આર્યા, આર્યાગીતિ, ઉપજાતિ, દંડક, જલધરમાલા, જલોદ્વતગતિ, તૂણક, તોટક, દોધક, દ્રુતવિલમ્બિત, પુષ્પિતાગ્રા, પૃથિવી, પ્રમાણિકા, પ્રમિતાક્ષરા, પ્રમુદિતવદના, પ્રહર્ષિણી, ભદ્રિકા, ભ્રમરવિલાસિતા, મંજરી, મંજુભાષિણી, મણિગુણનિકર, મત્તમયુર, મંદાક્રાન્તા, માલભારિણી, માલિની, રથોદ્ધતા, રુચિરા, વંશપત્રપતિત, વંશસ્થ, વસંત, વસંતતિલકા, વસુપદમંજરી, વાણિની, વિયોગિની, વૈશ્વદેવી, શાર્દૂલવિક્રીડિત, શાલિની, શિખરિણી, સિધ્ધી, સુંદર, સ્રગ્ધરા, સ્રગ્વિણી, સ્વગતા, હરિણી, ધૃતિ અને મંગલમંગના જેવા ૪૮ પ્રકારના છંદોનું નિરૂપણ થયેલું છે.

છંદની બાબતમાં આચાર્ય ક્ષેમેન્દ્ર સૂચવે છે કે, છંદનું નિરૂપણ તે રસની પ્રકૃતિ પર નિર્ભર હોય છે.[7] ‘હરવિજય’માં માનવહૃદયની લાગણીઓ, સંવેદનાઓ અને ઊર્મિઓને ઉજાગર કરવામાં કવિએ સુયોગ્ય છંદનો ઉપયોગ કર્યો છે. જેમકે, કવિએ શિવના અંધકાસુર સાથેના યુદ્ધમાં અને શિવના તાંડવનૃત્યમાં વીર અને રૌદ્રરસના નિરૂપણમાં વસંતતિલકા છંદનો સુચારુરૂપે પ્રયોગ કર્યો છે.[8] તો પોતાના પ્રિયજનથી વિખૂટી પડેલી વિરહિણી પ્રેમિકા માટે શૃંગારરસના નિરૂપણ કવિએ વિયોગિની છંદનો એકદમ ઉચિત પ્રયોગ કરેલો છે.[9] આ વિયોગિની છંદ દ્વારા જ માનવહૃદયની ઊર્મિઓને ખૂબ તીવ્રતાથી દર્શાવી શકાય છે.

છંદ નિરૂપણમાં કવિ રત્નાકર પોતાના પૂર્વજ કવિઓને અનુસરણ કરે છે. મહાકવિ કાલિદાસે મૃત્યુ પછીના વિલાપના વર્ણનમાં વિયોગિની છંદનો પ્રયોગ કરેલો છે.[10] તો મહાકવિ રત્નાકર પણ વિલાપના વર્ણનમાં વધુ ચોટદાર રીતે આ છંદનો પ્રયોગ કરે છે.

ભારવિએ પોતાના મહાકાવ્ય ‘કિરાતાર્જુનીય’ નાં પાંચમા સર્ગમાં વિવિધ પ્રકારના ૧૬ પ્રકારના છંદો પ્રયોજ્યા છે. માઘે પોતાના મહાકાવ્ય ‘શિશુપાવધ’ના ચોથા સર્ગમાં ૨૨ પ્રકારના છંદો પ્રયોજ્યા છે. રત્નાકરે પોતાના મહાકાવ્ય ‘હરવિજય’માં પાંચમાં સર્ગમાં ૩૫ પ્રકારના છંદોને પ્રયોજીને ભારવિ અને માઘ ને પાછળ રાખી દીધા છે.

આમ, કવિ રત્નાકાર છંદ પ્રયોજવાની બાબતમાં એમના પૂર્વજ કવિઓ કાલિદાસ, માઘ વગેરે કરતા થોડા અલગ પડે છે. કાલિદાસ, માઘ વગેરે કવિઓ સર્ગના અંતે અને વચ્ચે પણ સર્ગ પરિવર્તન કરતાં હતા. જ્યારે રત્નાકર તો મોટાભાગે સર્ગના અંતે છંદ પરિવર્તન કરે છે.

મહાકવિ કાલિદાસ સામાન્ય રીતે નાના પ્રકારના આર્યા જેવા છંદોનું વધુ નિરૂપણ કરે છે. તો મહાકવિ રત્નાકર દીર્ઘ પ્રકારના વસંતતિલકા જેવા છંદોનું વધુ પ્રમાણમાં નિરૂપણ કરે છે. આવા દીર્ઘ છંદોનાં નિરૂપણમાં કાલિદાસ માત્ર છ, ભારવિ બાર, માઘ સોળ છંદોનું નિરૂપણ કરે છે. તો રત્નાકર પંદર છંદોનું કે જે દરેક છંદ ૫૦ કરતાં વધુ વખત પ્રયોજે છે.[11] આ સિવાય, ‘હરવિજય’માં વચ્ચે આવતાં કેટલાક શ્લોક ભિન્નવૃત્તને કારણે પ્રક્ષિપ્ત હોય તેમ પણ લાગે છે.[12]

આ ઉપરાંત, હરવિજય મહાકાવ્યમાં અપ્રસિદ્ધ એવા થોડાક છંદો પણ નીચેના શ્લોકમાં જોવા મળે છે :- ૫/૩૫, ૧૪/૬૦, ૩૧/૫૪ અને ૪૬/૫૧.

આથી જ પ્રિ. સી.એલ. શાસ્ત્રીસાહેબ[13] કહે છે- “ ભારવિ અને માઘ પછી કાવ્યક્ષેત્રમાં રત્નાકરનું સ્થાન ગણાવું જોઇએ. તેની કવિતામાં ભારવિની સ્પષ્ટતા અને માઘના પાંડિત્યનું અમુક અંશે દર્શન થાય છે. તે કવિતાના કલાપક્ષ પ્રત્યે જ વિશેષ ધ્યાન આપે છે. ચિત્રકાવ્યો, અભિનવ પ્રકૃતિવર્ણનો, ભાવ-વિવિધતા અને છંદોની ઉપયુક્ત યોજના વગેરે આ ગ્રંથને બહુમૂલ્ય બનાવે છે.”

પાદટીપ-

  1. ૧. काव्यादर्श, 1/11,
    “पधं चतुष्पदी तच्च वृत्तं जातिरिति द्विधा॥“
  2. ૨. Journal of the Bombay Branch of The Royal Asiatic Society, 1949, Page 62.
  3. ૩. हरविजय, 38/6,
    “प्राप्ता सुवर्णघटनां शुभबीजसूति-
    हेतुर्गृहीततत्ध्दयातिसुवृत्तभावात् ।
    वाणी सतो मधुरतामनिशं वहन्ती
    कं कर्णिका च न हरेदिह पंकजस्य॥“
  4. ૪. काव्यादर्श, 6/320,
    ”..... एकवृत्तमयै: पधैरवसानेडप्यन्यवृत्तकै:।”
  5. ૫. सुवृततिलक, 4/32,
    “वसन्ततिलकारूढा वाग्वल्लीगाढसंगिनी।
    रत्नाकरस्योत्कलिका चकास्त्याननकानने॥“
  6. ૬. आप्टे, वामन शिवराम, संस्कृत-हिन्दी शब्दकोश, पृष्ठ 1139,
  7. ૭. सुवृत्ततिलक, 7/37,
    ”काव्ये रसानुसारेण वर्णानुगुणेन च ।
    कुर्वीत सर्ववृत्तानां विनियोगं विभागवित् ॥“
  8. ૮. हरविजय, સર્ગ ૨, ૪૩, ૪૮ અને. सुवृत्ततिलक, 3/19
    “वसन्ततिलका भाति संकरे वीररौद्रयो: ।“
  9. ૯. हरविज़य, 24/1 થી 39.
  10. ૧૦. रघुवंश, સર્ગ ૮ અને कुमारसंभव, સર્ગ ૪.
  11. ૧૧. અનુષ્ટુભ, ઉપજાતિ, દ્રુતવિલંબિત, પુષ્પિતાગ્રા, પ્રમિતાક્ષરા, પ્રહર્ષિણી, મંજુભાષિણી, માલાભારિણી, માલિની, રથોદ્ધતા, રુચિરા, વંશસ્થ, વસંતતિલકા, શાલિની, પ્રમુદિતાક્ષરા.
  12. ૧૨. हरविज़य, 25/40, સંપાદકની નોંધ- “अयं श्लोक: प्रक्षिप्त इति भाति, भिन्नवृत्तत्वात् ।“
  13. ૧૩. શાસ્ત્રી (પ્રિ.) સી.એલ., સંસ્કૃત વાંગ્મયનો ઇતિહાસ, પૃષ્ઠ-૧૬૩.

ડૉ.જે.આર.વાંઝા, કા. આચાર્યશ્રી, સરકારી વિનયન કૉલેજ, ભાણવડ, જિ.-દેવભૂમિ દ્વારકા. Email ID- jesingvanza@gmail.com