ગુજરાતી સાહિત્યમાં છંદ : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ.


ભારતીય ભાષાઓમાં રચાતી આવતી યાદગાર કવિતામાં ગુજરાતી કવિતાની વિશિષ્ટ ભાગીદારી રહી છે. આત્મશ્લાઘાથી બચવા માંગતો કોઈ પણ નીવડેલો ગુજરાતી કવિ પોતાની કવિતાની વેડાઈ કે પ્રસંશા કરતો નથી. જીવનસંગીનીની જેમ કવિતાની અનેક છબી કવિ સર્જે છે. ભાવકના હૃદયને સ્પર્શવાનું તત્વ કાવ્ય છે. એક આખુંય કાવ્ય એ સર્જકચિત્તની કોઈ ઉર્ધ્વગામી વિરલ પળે થતો મૂર્ત આવિષ્કાર છે. ભૂતકાળમાં કવિતા મુખ્યત્વે છંદમાં જ રચાઈ છે. છંદ સાથે કવિતાનો સંબંધ વેદકાળ જેટલો જુનો છે. કાવ્યત્વના પ્રગટીકરણની શક્યતા છંદમાં વધારે છે. આજે બહુધા અછાંદસ કવિતા લખાતી હોવા છતાં સાથોસાથ છંદોબદ્ધ કવિતા પણ રચાય છે. કવિતા છંદમાં હોય કે અછાંદસ, પદ્યમાં હોય કે ગદ્યમાં, પણ તેમાં જે પદાવલિ સંયોજાય તે લયાન્વિત, લયબદ્ધ તો હોવી જ જોઈએ. કોઈ પણ કાવ્ય શબ્દનું રૂપ લેતાં પહેલાં છંદોલય રૂપે પ્રગટ થાય છે. છંદ કે લયમાં તેને અનુરૂપ વિચાર કે બિંબને આવિષ્કૃત કરવાનું સામર્થ્ય હોય છે. છંદ સંગીતનું રૂપકરણ છે અને કાવ્યમાં સંગીતમયતા ઊભી કરવા કોઈને કોઈ રૂપે છંદ નિયોજનની આવશ્યકતા રહે છે.

પ્રાચીન સાહિત્યમાં કાવ્યમાં સૌથી પહેલી અભિવ્યક્તિ છંદોમય ભાષામાં થઇ છે. તેનો પરિચય વેદની ઋચાઓથી આરંભાય છે. છંદ ફક્ત કવિતાનો બાહ્ય પરિવેશ નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. કાવ્યમાં જેટલું મહત્વ અર્થનું છે તેટલું જ મહત્વ છંદનું છે. છંદની રચના માટે જરૂરી જ્ઞાનને ફારસીમાં 'ઈલ્મે અરૂઝ' કહે છે. 'અરૂઝ' નો શાબ્દિક અર્થ - 'અભરાઈ ઉપર વ્યવસ્થિત ક્રમમાં વાસણ ગોઠવવા' તેવો થાય છે. આપણે જેને છંદ કે વૃત્ત કહીએ છીએ તેને ફારસીમાં 'બહર' કહેવામાં આવે છે. 'બહર' અર્થાત્ સાગર. જેમ સાગરમાં અસંખ્ય લહેરો ઉઠે છે, તેમ 'બહર' માં પણ માત્રાઓની વધઘટને કારણે પરિવર્તન થવાથી ઘણા પેટા છંદો ઉદભવે છે. અનુક્રમણીકાર કાત્યાયને છંદની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે :-
"નિયત સંખ્યામાં અક્ષરોના માપવાળું વાક્ય તે છંદ"

છન્દ્સ શબ્દની ઉત્પત્તિ બ્રાહ્મણો તથા ઉપનિષદોમાં મળે છે. તેમાંથી વૈદિક છંદનું એક વિશિષ્ટ પ્રયોજન પણ જાણવા મળે છે.
"તે દેવો છંદોરૂપી ઢાલ વડે સુરક્ષિત બનીને અસુરો સામે ગયા. વૈદિક છંદોના નિરૂપણ વિના જ લૌકિક છંદોની ચર્ચા કરે છે. વેદકાળના છંદોમાંથી કોઈ છંદ એને એ રૂપે પછીના સાહિત્યમાં ઊતરી આવ્યો નથી એટલે વૈદિક છંદોને આપણા નિરૂપણનો મુખ્ય વિષય કર્યા વિના, આપણે લૌકિક છંદોના નિરૂપણ વિષે જોવા જોઈએ. સંસ્કૃતમાં છંદના ચાર ભાગ હોય છે ને તેને પાદ કે ચતુર્યાંશ કહે છે. ગુજરાતીમાં 'ચોપાઈ'ના ચાર પાદ ને 'છપ્પા' ના છ પાદ હોય છે. છંદના વૃત્ત અને જાતિ એવા બે ભાગ છે. વૃત્તનું બંધારણ વર્ણની સંખ્યા કે ગુરુલઘુત્વના નિયમ પર છે અને જાતિનું બંધારણ માત્રાના મેળ પર છે. વૃત્ત ગાતા અમુક અંતરે વિસામો લઇ શકાય છે તેને 'યતિ' કહેવામાં આવે છે. છંદ વાણીના માપથી બને છે અને એ માપ તે અક્ષરના ઉચ્ચારણનું માપ છે. કવિ એવી રીતે અક્ષરોને યોજે છે કે એ અક્ષરોના ઉચ્ચારણના માપથી અમુક છંદ રચાય. અને અક્ષરના માપથી છંદો રચવાની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય છે. દા.ત. 'ચોપાઈ'માં દરેક અક્ષરગુચ્છની માત્રા સંખ્યા નિયત છે. છંદોનું નિરૂપણ કરનાર સર્વપ્રથમ ગ્રંથ પિંગલાચાર્યનો છે. પ્રાકૃત છંદોનું સર્વપ્રથમ નિરૂપણ ભરતમુનિના 'નાટ્યશાસ્ત્ર' માં મળે છે.

કવિતા જીવનને પ્રબોધવા માટે માધ્યમ બનેલી ત્યારે પણ એ મનોરંજન કરવાનું અને ભાષા ખીલવવાનું ચૂકી નથી. ધર્મ, આસ્થા, નીતિમત્તા, સમાનતા, માનવતા, પ્રેમ-શાંતિ આદિનો પ્રચાર-પ્રસાર કરવાનું માથે આવી પડ્યું ત્યારે આપણી કવિતાએ એમ કરવામાં 'કવિતાધર્મ' જોયો અને પૂરેપૂરો નિભાવ્યો પણ ખરો ! નરસિંહ મેહતા-મીરાંબાઈ, અખાભાગત અને દયારામની કવિતામાં પ્રેમતત્વજ્ઞાનનું જે સત્વશીલ નોખું તથા ગરિમાપૂર્ણ આલેખન મળે છે. એની હરોળમાં બેસી શકે એવું અન્ય જગ્યાએ ઓછું હશે. કવિ પ્રેમાનંદે ગુર્જરભાષાની સમૃદ્ધિ દાખવી એ પછી અર્વાચીનકાળમાં કવિતા અને ભાષાના કેટકેટલાં અચરજકર રૂપો આપણને આપણા મૂળ સંસ્કાર વારસા સાથે જોડી રાખવા ઉપરાંત મધ્યકાળમાં મૂલ્ય રક્ષા અને જીવનરસ ટકાવવા બાબતે આપણને મજબુત રાખ્યા છે. અર્વાચીનકાળના પ્રારંભે ગુજરાતી કવિતા સુધારાલક્ષી સમાજલક્ષી બની એ તો ખરું, પણ છાપખાનું આવતાં કવિતા જે સમૂહની સાથે ગવાતી-રજૂ થતી હતી તે, એકલા બેસીને વાંચવાની વસ્તુ બની રહી. છાપખાના અને વાચક વર્ગ આ બંનેએ કવિતાના રૂપ અને પ્રયોજનોમાં ઘણું પરિવર્તન આણ્યું હતું. સુધારક યુગમાં દલપતરામે શીઘ્ર અને સભારંજની કવિતા દ્વારા સમાજને પ્રબોધ્યો હતો. ગાંધીયુગમાં મેઘાણી આદિ કવિ દ્વારા ભાવનાઓનું ગાન સમૂહને જાગ્રત કરવા માટે ધ્યાનપાત્ર બન્યું હતું. આ સમયમાં માનવમૂલ્યો બાબતે પ્રજામાં ઉત્સાહ પ્રેરવાનું કામ કવિતા દ્વારા થયું હતું. આ બે નવ જાગરણની વચ્ચે પંડિત યુગમાં વિચારમંથન ચાલ્યું હતું. અનુગાંધી યુગે વિક્ષુબ્ધ સમાજને બાજુએ રાખીને સૌંદર્યનો રાગ અને રાગનું સૌંદર્ય વર્ણવવાનો જુદો પ્રયોગ કરેલો.

નર્મદ કવિતામાં પ્રબોધકતાના પક્ષે નહીં એટલો રસ અને જોસ્સાના પક્ષે તે ઊભો હતો, તો વળી દલપતરામ 'છંદ રચવાની' સભાનતા સાથે 'કવિતા' નહિ એટલે 'પદ્યો' રચીને સમાજ જાગરણના માધ્યમ તરીકે પોતાની કવિતાને રજૂ કરેલી. નર્મદનો ઉત્સાહ અને દલપતરામથી સહજ રચાયેલી 'દલપતશૈલી' એ પૂરાં એક સો વર્ષ સુધી નવકવિઓને આકર્ષ્યા હતા. છંદોનો જાદુ અને સાચી ઉપકારકતાને અંકે નહીં કરી શકેલા એ પછીના નવોદિતો ગઝલ તથા અછાંદસથી કાવ્યની શરૂઆત કરવા લાગ્યા અને એના ગતાનુગતિક પરિણામો આજે આપણી ચિંતાનો વિષય બન્યા છે. આધુનિક કવિતાએ રચના-સંરચનાનો મહિમા કરતા કરતા ભાષા કર્મને જ કવિતાનું સાધ્ય માનવામાં સાહસ કરેલું. સામગ્રીનું કળામાં રૂપાંતર કરી આપનારો શબ્દ પુનઃકવિતાના કેન્દ્રમાં આવ્યો. પરંપરિત છંદોલયથી નીકળીને અછાંદસમાં જવાનું થયું અને અનુ.આધુનિક યુગમાં તળને તથા અસલને આલેખવા ચાહતા કેટલાક કવિઓએ લોક્ભાવ-લોક્લય-લોકભાષાને પ્રયોજ્યા એમાં પુનઃ છંદો તરફ જવાનું વલણ પ્રારંભાયું છે.

પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં માત્રામેળ છંદોમાંથી વિકસેલા દેશી બંધોનો વિકાસ થયો છે અને મુખ્યત્વે એ દેશી બંધો ગેય કવિતામાં પ્રયોજાયેલા છે. ગેયતાને અનુરૂપ થવા માત્રામેળ છંદોના નિયમો શિથિલ બનીને એમાં સંગીતનું મહત્વ સ્વીકારાયું છે. એમાં નિશ્ચિત કરેલી માત્રા સંધીઓના આવર્તનો હોય છે. પરંતુ પ્લુતિનો ઉપયોગ એમાં વિશેષ અને અનિયત રૂપે થતો હોવાથી આ છંદો લયમેળ છંદો તરીકે વધુ જાણીતા થયા છે. પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે ગેય છે. ગાન દ્વારા લોક-સમુહ સમક્ષ એ રજૂ થતું હતું. રાસ, ફાગુ, પદ્યકથા, આખ્યાન જેવા સાહિત્ય સ્વરૂપો આ દેશીબંધોમાં રચાયા છે. ઈ.સ.૧૧૮૪માં રચાયેલા કવિ શાલિભદ્રસુરિના 'ભરતેશ્વર બાહુબલિરાસ' માં આ દેશીબંધો -દેશીઓનો પ્રયોગ જોવા મળે છે. ત્યાર પછી વિવિધ સાહિત્ય પ્રકારોમાં અપભ્રંશમાંથી વારસારૂપે મળેલા દેશીબંધોનો વિપુલ ઉપયોગ થયો છે. અપભ્રંશના વારસારૂપે આવેલી પદ્યકથાઓ મુખ્યત્વે ચોપાઈ અને દુહામાં લખાયેલી છે. દુહા, ચોપાઈ વસ્તુ ઉપરાંત હરિગીત પદ્ધરી વગેરે છંદોની દેશીઓ પણ એમાં ઉપયોગમાં લેવાઈ છે. રાસમાં પ્રારંભે બે પંક્તિની ચોપાઈ અને પછી અન્ય માપવાળી ચાર પંક્તિ મળીને છ પંક્તિઓની કડીઓ જોવા મળે છે. જો કે સળંગ રચનાવાળા છંદો પણ એમાં પ્રયોજાયા છે, તો સોરઠા, દોહા, રોળા, મદનાવતાર જેવા છંદો પણ ઉપયોગમાં લેવાયા છે.

આખ્યાન સાહિત્ય સ્વરૂપમાં પ્રારંભે કર્મણ, માંડણ, ભીમ જેવી કવિતાઓએ સળંગ એક જ બંધનો ઉપયોગ કર્યો છે અને વચ્ચે પદો પણ મુક્યા છે. ભાલણે હરિગીત, ચોપાઈ વગેરેની દેશીઓ ઉપયોગમાં લીધી છે. નાકરે પણ હરિગીતની દેશીનો વિશેષ ઉપયોગ કર્યો છે. નરસિંહ પૂર્વે દુહા-ચોપાઈ-સવૈયા-હરિગીત છંદોની દેશીઓ ઉપયોગમાં લેવાઈ હતી. નરસિંહે ઝૂલણા બંધને વિપુલતાથી પ્રયોજીને અનુપમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પદ્યવાર્તામાં કવિ શામળે ચોપાઈ-દુહા જેવા છંદોનો જ ઉપયોગ કર્યો છે. દેશી એનામાં નથી. પદ સાહિત્યમાં નરસિંહથી દયારામ સુધીમાં લયમેળ છંદોની વિવિધ લીલાઓનો અનુભવ થાય છે. દેશીઓની જેમ એ લયમેળ છંદોમાં ત્રિક્લ, ચતુષ્કલ આદિ સંધીઓના આવર્તનો જોવા મળે છે. "મુખડાની માયા લાગી રે મોહન પ્યારા (મીરાં)" એ સપ્તકલ સંધિની રચના છે. "શ્યામ રંગ સમીપે ન જાવું, મ્હારે આજ થાકી શ્યામ રંગ સમીપે ન જાવું"(દયારામ) જેવી ગરબીની ધ્રુવ પંક્તિઓ ષટ્કલોની બનેલી છે. નરસિંહનું 'જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે." એ સપ્તકલની રચના છે. તો એનું પ્રસિદ્ધ પદ "વૈષ્ણવજન તો તેને રે કહિએ રે" ના તાનપૂરક સાથે સવૈયા છંદમાં છે. આ જ કવિનું 'નાગર નંદજીના લાલ, રાસ રમતાં મારી નથડી ખોવાણી' એ ચતુષ્કલોનું બનેલું પદ છે.

છપ્પામાં દોહરા અને રોળાની પંક્તિઓ છે. જયારે ચંદ્રાવળામાં દોહરા અને ચરણાકુળનો પ્રયોગ થયેલો છે. અખો પોતાના છપ્પામાં અને પ્રીતમ એના કક્કામાં ચોપાઈનો પ્રયોગ કરે છે. ફાગુ કાવ્યમાં રોળા અને દોહા પ્રયોજાયા છે. મધ્યકાળમાં માત્રામેળ અને લયમેળ છંદોની સાથોસાથ અક્ષરમેળ-રૂપમેળ છંદોમાં પણ રચનાઓ થઇ છે, મેરુતુંગાચાર્યની 'પ્રબંધ ચિંતામણી' શ્રીધરનું 'રણમલ્લ છંદ', જયશેખરસૂરિની 'અર્બુદાચલવિનતી', શાલિસૂરિનું 'વિરાટપર્વ', સોમસુન્દરસૂરિનું 'રંગસાગર નેમીફાગ', ધનદેવગણનું 'સુરંગાભિધાન' , નેમિનાથનું 'ફાગ', કેશવદાસનું 'કૃષ્ણલીલા કાવ્ય', કવિ માધવનું 'રૂપસુંદરકથા' જેવા અનેક કાવ્યોમાં ભુજંગપ્રયાત, દ્રુતવિલંબિત, માલિની, ઉપજાતિ, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત જેવા અનેક સંસ્કૃત વૃત્તો પ્રયોજાયા છે. 'વિરાટ પર્વ', 'રૂપસુંદરકથા' જેવી રચનાઓ માત્ર અક્ષરમેળ રૂપમેળ છંદોમાં જ લખાઈ છે. અલબત્ત માત્રા-મેળ, લય-મેળના પ્રમાણમાં સંસ્કૃત વૃત્તોનો પ્રવાહ પાતળો પડતો જોઈ શકાય છે. અર્વાચીનકાળમાં અક્ષરમેળ-રૂપમેળ છંદોનું ખેડાણ વિશેષ થયું છે. એમાં અવનવા પ્રયોગો પણ થયા છે. સંખ્યામેળ છંદોના પ્રકાર ગુજરાતીમાં હિન્દીમાંથી આવ્યો છે, અને મનહર-ઘનાક્ષ્રરી-વનવેલી જેવા છંદો દલપતરામથી અદ્યતન કવિઓ સુધી વૈવિધ્ય સાથે ઉપયોગમાં લેવાયા છે. મધ્યકાળમાં મનહર છંદ ઉપયોગમાં લેવાયેલો, એ પછી ઉમાશંકર અને નવીન કવિઓએ એને અસરકારકતાથી ઉપાસ્યો છે.

અર્વાચીન કાળમાં અક્ષરમેળ-રૂપમેળ છંદોને વિપુલ પ્રમાણમાં કવિઓએ પ્રયોજ્યા છે. ન્હાનાલાલના 'પિતૃતર્પણ' નો અનુષ્ટુપ અને સુન્દરમની '૧૩-૭ ની લોકલ' નો અનુષ્ટુપ જુદાજુદા મિજાજનો પરિચય કરાવી રહે છે. ઉપજાતિકુળમાં ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ, ઇન્દ્રવંશા, વસંતતિલકા, પૃથ્વી જેવા છંદોનો કવિઓએ વ્યાપક રીતે ઉપયોગ કર્યો છે. નવીન કવિઓએ તે છંદની પંક્તિના ટુકડા કરી ભાવાનુસારી ગોઠવણી પણ કરી છે. એમાં કેટલીકવાર એક પંક્તિમાં છંદના એક ટુકડાને બેવડાવ્યો પણ હોય છે. બ.ક.ઠાકોરે પૃથ્વી છંદમાં ત્રણ અક્ષર ઉમેરી 'પૃથ્વીતિલક' નામે છંદ પ્રયોગ કર્યો છે. સખંડ છંદોમાં શાલિની, મંદાક્રાંતા, સ્ત્રગ્ધરા, શિખરિણી, માલિની. હરિણી, લલિત તથા શાર્દૂલવિક્રીડિત જેવા છંદના ઉપયોગ ક્રમે ક્રમે વધુ મનોરમ બન્યા છે. કવિ કાન્તે આ છંદોની શ્રીને પૂર્ણપણે પ્રગટ કરેલી અનુભવાય છે. એમણે અને અન્ય કવિઓએ અભ્યસ્ત શિખરિણીમાં શિખરિણીના પ્રથમ અને અંત્ય ખંડોને બેવડાવ્યા પણ છે. ઉપજાતિ સાથે વસંતતિલકા, શાલિની અનુષ્ટુપ, વસંતતિલકા સાથે મંદાક્રાંતા, સ્ત્રગ્ધરા, શાલિની, માલિની, અનુષ્ટુપ, ઇન્દ્રવંશા, હરિણી, પૃથ્વી જેવા છંદોને એક જ શ્લોક કે કડીમાં એક સાથે નીરૂપવાના મનોહારી ભાવનારૂપ પ્રયોગો પણ કવિઓએ કર્યા છે. ઉમાશંકરનો ઉપજાતિ, ન્હાનાલાલનો અનુષ્ટુપ, કાન્તના મંદાક્રાન્તા અને શિખરિણી, બ.ક.ઠાકોર અને સુન્દરમ્ નો પૃથ્વી, રાજેન્દ્રનો હરિણી એમ કવિઓની વિશિષ્ટ મુદ્રાઓ તે છંદો પર ઉપસી આવેલી અનુભવાય છે. અર્વાચીન કવિઓએ ગુલબંકી, સવૈયો, હરિગીત, ઝૂલણા જેવા માત્રામેળ છંદોની પણ વિવિધ લીલાઓને પ્રભાવક રીતે પ્રગટ કરી છે. કાન્તનો ઝૂલણા-વૈભવ નિરંજનમાં પરંપરિત બની નવું જ પરિમાણ પ્રગટ કરે છે. નરસિંહરાવનો ખંડ હરિગીતનો પ્રયોગ ધ્યાન ખેંચે છે પણ પછી નિરંજને એમનાં 'પાત્રો'માં ગદ્યની નજીકની બોલચાલની લઢણમાં ઢાળીને એ છંદને નવો જ વળોટ આપ્યો છે. એ પછી હસમુખ પાઠક, નલિન રાવળ જેવા કવિઓના આ પ્રકારના પ્રયોગો ધ્યાન ખેંચી રહે છે.

અર્વાચીન સમયમાં સવૈયો, ચોપાઈ, ગુલબંકી જેવા છંદોની કવિઓએ જાણે ઈબાદત જ ફેરવી નાખી હોય એવા પ્રવાહી રૂપમાં રજૂ કર્યા છે. હરિગીત જેવા છંદને સંવાદમાં પણ કવિઓએ પ્રયોજ્યો છે. અત્યારે લયમેળ ગીતરચનાઓ પણ લખાય છે. લોકગીતો અને લગ્નગીતોના વિવિધ ઢાળોનો પણ આશ્રય લેવાય છે. તો બીજી બાજુ અછાંદસ તરફનું વલણ પણ વધ્યું છે અને ગદ્યકાવ્ય તરફ પણ કવિઓ વળ્યા છે. મહાકાવ્ય લખવા માટે ગુજરાતીમાં છંદની શોધ આરંભાયેલી એમાં પ્રવાહી પદ્યરચના સિદ્ધ કરવા માટે નર્મદે વિરવૃત્ત, ખબરદારે મહાછંદ, ન્હાનાલાલે ડોલનશૈલી, ઠાકોરે બ્લેન્ક વર્સને લક્ષ્ય કરી શુદ્ધ અગેય પદ્યની રચના માટે કરેલો પૃથ્વી છંદનો પ્રયોગ, કેશવ હ.ધ્રુવે વનવેલીની નાણેલી ક્ષમતા એ બધું છંદના ક્ષેત્રે કેવાં પ્રયોગો થયા છે એનું નિદર્શન છે. કવિ ઉમાશંકરે ચારે કુળના છંદોને એક કાવ્યમાં સાથે પ્રયોજવાનો પણ પ્રયોગ કર્યો છે. આજની અછાંદસ રચનાઓના મૂળ ડોલનશૈલીમાં જોઈ શકાય, પરંતુ અછાંદસનું પ્રફુલ્લ રૂપ હજી પ્રગટ થઇ શક્યું નથી. ગઝલમાં પણ ગુજરાતી કવિઓએ ગઝલની વિવિધ સંધિઓની કાપકૂપ કરી પ્રયોગાત્મક અભિવ્યક્તિ સાધવાના પ્રયત્નો પણ કર્યા છે. બંગાળી પયાર કે મરાઠી અંજની-દંડી-અભંગ ગુજરાતીમાં ઉપયોગમાં લેવાયા છે, પણ પછી એમનો ખાસ વિકાસ થયો નથી. હાલ સંસ્કૃત વૃત્તો લખાય છે. માત્રામેળી પરંપરિત રચનાઓના અવનવા પ્રયોગો થાય છે. વનવેલી-મનહરમાં પણ રચનાઓ થાય છે. લયમેળી ગીતરચનાઓ અને અછાંદસ ગદ્યરચનાઓ પણ સર્જાય છે.

કવિ જીવનસંગીનીની જેમ કવિતાની અનેક છબી સર્જે છે. એક આખુંય કાવ્ય એ સર્જક ચિત્તની કોઈ ઉર્ધ્વગામી વિરલ પળે થતો મૂર્ત આવિષ્કાર છે. આજે વિશેષ અછાંદસ કવિતા લખાતી હોવા છતાં સાથોસાથ છંદોબદ્ધ કવિતા પણ રચાય છે. કવિતા છંદમાં હોય કે અછાંદસ, પદ્યમાં હોય કે ગદ્યમાં, પણ તેમાં જે પદાવલિ સંયોજાય તે લયાન્વિત, લયબદ્ધ તો હોવી જ જોઈએ. કોઈ પણ કાવ્ય શબ્દનું રૂપ લેતાં પહેલાં છંદોલયરૂપે પ્રગટ થાય છે. છંદ કે લયમાં તેને અનુરૂપ વિચાર કે બિંબને આવિષ્કૃત કરવાનું સામર્થ્ય હોય છે. છંદ સંગીતનું રૂપકરણ છે અને કાવ્યમાં સંગીતમયતા ઊભી કરવા કોઈને કોઈ રૂપે છંદ નિયોજનની આવશ્યકતા રહે છે. છંદ ફક્ત કવિતાનો બાહ્ય પરિવેશ નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. કાવ્યમાં જેટલું મહત્વ અર્થનું છે તેટલું જ મહત્વ છંદનું છે.

આપણા કવિઓએ છંદોને કાવ્યના અંતર્ગત લય સાથે અન્વિત કરીને એવા તો લાડ લડાવ્યા છે કે કવિતા છંદોબદ્ધ જ હોય એવો સામાન્ય ખ્યાલ લોકમાનસમાં બંધાઈ ગયો. આનું વિપરિત પરિણામ એ આવ્યું કે છંદમાં જે કાંઈ રચાય તે કવિતા એવો ભ્રામક ખ્યાલ બંધાઈ ગયો. છંદનો આ રીતનો ઉપયોગ ઓછો થયો નથી. વૈદિક કે જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો પણ છંદોબદ્ધ છે. આપણે તેને કાવ્ય ગણતા નથી. ગીત-ગઝલ, અછાંદસ તથા છંદોલયયુક્ત કવિતા રચવાના વલણો ગુજરાતી કવિતામાં જોવા મળે છે. અલબત્ત છંદોલયમાં લખનારા ઘણાં ઓછા છે. કવિતાની વિભાવનાને જોઈશું તો તેમાં સહજ સ્ફૂરણાની સાથે શબ્દોની રસાત્મક સંયોજનાનો મહિમા આપણે ત્યાં અને પશ્ચિમમાં પણ સરખી રીતે થયેલો જણાશે. પરંપરાનો સ્વીકાર કે ત્યાગ બંને સમજી વિચારીને થાય ત્યારે કવિતામાં સારા પરિણામો મળે છે. આપણી ઉત્તમ ઊર્મિકવિતા પોતાનો છંદોલય લઈને પ્રગટેલી છે. એ પછી સોનેટ, ગીત કે ગઝલ હોય ! પણ ૧૯૫૦-૫૫ પછીના સમયગાળામાં આપણે ત્યાં છંદમુક્ત રચનાઓ આવે છે અને આધુનિકોને એમના સંવેદનોને અભિવ્યક્ત કરવા માટે અ-છાંદસ રીતિ વધુ માફક આવે છે. જોકે ત્યાર પછી પણ ગીત-ગઝલમાં તો લય-છંદ અનિવાર્યપણે એનાં સ્વરૂપની શરત હતાં.

છંદમાં લખવાથી કે છંદને છોડીને લખવાથી કવિતા સિદ્ધ થઇ જતી નથી. કાવ્યસિદ્ધિના માનદંડો તો દરેક વખતે સામે રાખવાના જ હોય છે. ભાષાનો નાદ-લય પ્રગટાવવાનો સ્વભાવ કવિના ભાવ-સંવેદનો પણ સહજ લયાત્મક બનાવે છે. ગીત કવિતામાં એનાં ઉત્તમ પરિણામો મળ્યાં છે. એ જ રીતે ચોક્કસ માત્રાના વર્ણોની નિશ્ચિત ગોઠવણી થઇ હોય એવા શબ્દોથી બનતા અક્ષરમેળ - રૂપમેળ છંદો પણ કવિના ભાવ્લોકને વધુ આંદોલિત કરે છે. ભાવ પ્રમાણે છંદયોજના પણ કવિતાને ઉપકારક બને છે.

સંદર્ભ સુચિ:

  1. ૧. છંદ અને અલંકાર પરિચય – ચંદ્રશંકર ભટ્ટ, આદર્શ પ્રકાશન જુમ્મા મસ્જીદ સામે, અમદવાદ – ૧
  2. ૨. કવિતા : કાલની અને આજની - મણિલાલ હ પટેલ, પાશ્વપબ્લીકેશન, રીલીફ રોડ, અમદાવાદ – ૧
  3. ૩. સરળ ગુજરાતી વ્યાકરણ :- ડો. ભરતકુમાર ઠાકર, આદર્શ પ્રકાશન ગાંધી માર્ગ, અમદાવાદ – ૧
  4. ૪. ગુજરાતી ભાષાનું બૃહુદ વ્યાકરણ :- કમલાશંકર પ્રા. ત્રિવેદી, પાશ્વપબ્લીકેશન રીલીફ રોડ, અમદાવાદ – ૧
  5. ૫. બૃહતપિંગળ :- રામનારાયણ વિ. પાઠક, આર.આર.શેઠની કંપની મુંબઈ – ૨, અમદાવાદ – ૧

પ્રા. ડો. કાનજીભાઈ ડી. બગડા, શામળદાસ આર્ટસ કોલેજ, એમ.કે.ભાવનગર યુનીવર્સીટી ભાવનગર