‘રાવજી પટેલની અછાંદસ કવિતાઓ’


લુપ્ત પામેલી જીવનલિપ્સાની ભાવસંવિત્તિ રૂઢ, પરંપરાગત માધ્યમમાં અભિવ્યક્તિ ન થઈ શકે. વળી; હૃદયસ્થ કાવ્યાનુભવની બહિર્ગત અભિવ્યક્તિમાં છંદો બંધનરૂપ લાગ્યા. તેમજ પશ્ચિમી સાહિત્યનાં અનુવાદથી ગદ્યની સૂક્ષ્મ લયાન્વિતાનો પરિચય થતા અછાંદસને અનુકૂળ ભૂમિકા બંધાઈ. આમ, અછાંદસ કવિતામાં ગદ્ય લયની નિયત સંવાદિતતા છે. જે જીવનની વિસંવાદિતા, વ્યગ્રતા, વ્યથા, ને વિષાદમયતાને અભિવ્યક્ત કરવામાં સવિશેષ અનુકૂળ આવે છે. આ અછાંદસ કાવ્યમાં રહેલા આંતરિક લયને અનુરૂપ કલ્પનશ્રેણીઓની શૃંખલાબદ્ધ સંરચના છે.

• પ્રસ્તાવના

રૂઢ ભાષાપ્રયોગોનાં ત્યાગની સાથે આધુનિક કવિતાએ છંદના ચુસ્ત બંધનોનો ત્યાગ કર્યો છે. કેટલાક કવિઓએ છંદને તોડીને તેમાં પ્રયોગો કર્યા છે; તો ઘણા કવિઓએ છંદનો સાવ ત્યાગ કર્યો છે.

સાતમાં દાયકામાં કવિતાક્ષેત્રે આમૂલ પરિવર્તન થઈ રહ્યું હતું. ગુજરાતી કવિતામાં આધુનિકતાની અસર જોવા મળે છે. પશ્ચિમનાં વિવિધ વાદો, વિચારસરણીઓ અને કાવ્યવિચારણાનો પ્રભાવ બળવત્તર બની રહ્યો હતો. અંતસ્તત્વ અને અભિવ્યક્તિ બંનેમાં કવિતા નવું સ્વરૂપ ધારણ કરી રહી હતી. એ વખતે રાવજીએ કવિતાક્ષેત્રે પદાર્પણ કર્યું. ઉમાશંકરથી માંડીને મણિલાલ પટેલ સુધીની પેઢીનાં વિવેચકોને માટે કવિતા સંતર્પક નીવડી છે. એનાં કારણો છે. – એની સંવેદનની સચ્ચાઈ, તાજગીભરી રચનારીતિ અને ઉત્કટ સર્જકતા.

રાવજી પટેલનો જન્મ ખેડા જિલ્લાના નાનકડા વલ્લવપુરા ગામમાં ખેડૂત પિતા છોટાલાલ પટેલને ત્યાં 15મી નવેમ્બર, 1939ના દિવસે થયો હતો. આશરે 14 વર્ષ સુધીનું બાળપણ આ ગામમાં જ વીત્યું. ખેડૂતનો દીકરો હોવાથી જેટલો ઘર ગામ સાથે એટલો જ નાતો સીમ – ખેતર સાથે હોય જ. આ ગ્રામીણ સૃષ્ટિનું આકર્ષણ રાવજીની કવિતાનાં પ્રબળ પ્રેરક બળ તરીકે રહેલું લાગે છે. પ્રકૃતિમાં પાંગરેલા રાવજીને નગરસંસ્કૃતિમાં નાંગરવાનું બન્યું. એ એના સંવેદનશીલ જીવનની વિષમતા હતી. નગરની બનાવટી સભ્યતામાં એ પોતાની જાતને ક્યારેય ગોઠવી શક્યો નહીં. નગરજીવનનું અતડાપણું અને ગ્રામજીવનનું આકર્ષણ એ રાવજીનાં મનોજગતનો સંઘર્ષ બને છે. આ સંઘર્ષમાંથી જન્મેલી સંવેદના એની કવિતામાં પ્રગટેલી જણાય છે. આમ, તળપદો અનુરાગ, તળપદા જીવન અને કૃષિસૃષ્ટિનાં વિચ્છેદની વેદના એ સૃષ્ટિને પુનઃ પામવાની તીવ્ર ઝંખના, અને નહીં પામી શકવાની વેદના જેવી એની કવિતામાં વ્યક્ત થતી સંવેદનાનું પગેરું એના બાલ્યકાળનાં કૃષિજીવનમાં અને નહીં જચેલા નગરજીવનમાં જોઈ શકાય છે.

રાવજીએ રૂપમેળ, માત્રામેળ, સંખ્યામેળ, લપમેળછંદો સાથે કામ પાડતાં પાડતાં અછાંદસ સાથે પણ કામ પાડ્યું છે. ‘બાર કવિતાઓ’ અને ‘નવ જન્મ મૃત્યુની કાવ્યો’ની લગભગ બધી રચનાઓ અછાંદસમાં છે. આ ઉપરાંત ‘ખેદ’, ‘હું જીવતો છું’, ‘આજ’, ‘મણિલાલ’, ‘રુગ્ણતા’, ‘એક ઊથલો’, ‘જાળી બહાર’, ‘ક્રીડાવન’, ‘દ્રોહસમય પછી’, ‘શંકર પ્રજાપતિને મળ્યા પછી’ વગેરે અછાંદસ રચનાઓ છે.

અછાંદસ રચનાઓમાં પણ રાવજીની કવિત્વશક્તિનો સુપેરે પરિચય થાય છે. સાચુકલી સંવેદના, ઇન્દ્રિયસંતર્પકતા, એમાં રચાતા કલ્પનો, તાજપભરી ઉપમાઓ, અરૂઢ ભાષાકર્મ આદિ આસ્વાદ્ય અંશોનો અનુભવ રાવજીની અન્ય રચનાઓની જેમ અછાંદસ રચનાઓમાં પણ થાય છે.

રાવજી પટેલની અછાંદસ રચનાઓ ભાવ નિરૂપણની દૃષ્ટિએ જોતા એવો કોઈ ખાસ સંવેદના માટે અછાંદસનો આશ્રય લીધો હોય એમ લાગતું નથી. એમાં એના કૃષિભાવનાં સંચાલનો છે, નગર સંવેદના છે, શૈશવઝંખના છે, સાંપ્રતની મૂંઝવણ છે. એકલતા, ઉપેક્ષા અને પ્રણયઝંખના છે. મૃત્યુસંવેદના અને મૂલ્યવિદ્રોહ પણ છે.

કેટલાંક અછાંદસ કાવ્યોમાં રચનાબંધની ચુસ્તી જાળવવા માટે રાવજી કાવ્યનાં ઘટકાંતે શબ્દ કે શબ્દસમૂહનાં આવર્તનો યોજે છે. જેમ કે - ‘હું જીવતો છું’ રચનામાં પાંચ ઘટકો છે. દરેક ઘટનાનાં અંતે ‘હોય’, ‘ભલે’, ‘પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!’ એમ શબ્દસમૂહો આવે છે. એનાથી દરેક ઘટકમાં એક ભાવવર્તુળ પૂરું થાય છે. કાવ્યનો આરંભ ‘ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે.’ એ પંક્તિથી પીડા થાય છે. કાવ્યનો અંત પણ એ જ પંક્તિ ‘ને ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઉં છું. પાછી’ – એમ થોડા ફેરફારે પુનરાવર્તિત થાય છે. આમ, આવર્તનો દ્વારા રચાતા પાંચ ભાવવર્તુળો અને આરંભની પંક્તિનાં કૃતિનાં અંતે થતા પુનરાવર્તનથી રચના દૃઢબંધનવાળી બની છે. રચનામાં પદ્યનો બંધ તૂટ્યો હોવા છતાં અમુક શબ્દસમૂહોનાં આવર્તનથી રચનાબંધ જળવાઈ રહે છે અને ભાવગદ્યમાં પલટાઈ જઈને ઉંડાણ ખોઈ બેસતો નથી. આ પ્રકારની પ્રયુક્તિનો આશ્રય રાવજી એકાધિક રચનાઓમાં લે છે.

‘‘બાર કવિતાઓ’’માં બીજી રચનામાં પ્રથમ ઘટકમાં –

‘હું કૂંપળ જેવું બોલું ને
વાતવરણનો કાટ ધીરે – ધીરે ઊતરતો જાય.’
બીજા ઘટકમાં
‘ચાસમાંથી શ્રીફળ ઊગે અને
વાતાવરણનો કાટ ધીરે ધીરે ઊતરતો જાય’
અને રચનાના ઊત્તરાર્ધમાં
મારી જીભ પરથી સૂકું તળાવ
શ્રુતિલોક લગી પહોંચે
અને
વાતાવરણનો કાટ સમૂળગો ઊતરી જાય. ’

એમ એક પંક્તિનાં વિવિધ સંદર્ભે આવર્તનો દ્વારા ભાવ દૃઢ થાય છે અને રચના ચુસ્ત બને છે.

‘નવ જન્મ – મૃત્યુ કાવ્યો’માં મોટાભાગની રચનાઓ મૃત્યુનાં દર્દને સ્વીકારીને નિરૂપાઈ છે. પ્રથમ રચના આ જ પ્રકારની છે. એમાં મૃત્યુ સ્વીકારની ઠંડી સંવેદના એકસરખી વહ્યે જતી પદાવલિમા આલેખાઈ છે. કોઈ ધીરગંભીર છંદની અદા એ પંક્તિઓમાં જોઈ શકાય છે.

જેમકે;

‘વસ્ત્ર સરી જશે એકેક
ત્વચા પણ સરી જશે
ક્યારેય તે કોઈને અડશે નહિ;
લોહીનાં પાન બની જશે કો’ક નદી તીરે’

રાવજી પટેલનાં કાવ્યોને બારીકાઈથી અવલોકન કરતાં લાગે છે કે એની કેટલીક રચનાઓ એકકેન્દ્ર બનતી નથી. અનેકવિધ સંવેદનાની તીવ્રતા અને વેગને કારણે કેટલીક રચનાઓમાં એક મુખ્ય સંવેદન સાથે અન્ય સંવેદનો ધસી આવે છે. સંવેદનની આવી ભેળસેળ જેમાં થાય છે; એ રચના ઉત્તમ કલાકૃતિ બનતી નથી.

‘પત્નીનો નિદ્રાસ્પર્શ’, ‘દિનાન્તે’ જેવી લઘુરચનાઓ અને ‘સંબંધ’ જેવી દીર્ઘરચનામાં આની પ્રતીતિ થાય છે. કેટલીક રચનાઓનો આરંભ અત્યંત આકર્ષક રીતે થાય છે. ‘એક બપોર’, ‘ઢોલિયે’, ‘એક મધ્યરાત્રે’, ‘ભર્યા સમંદર’, ‘હું જીવતો છું’, ‘ચાર ગઝલ’, ‘ચૌદ ગીત’, ‘વરસાદી રાતે’ જેવી રચનાઓ સંવેદન અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સુંદર બની શકી છે.

• ઉપસંહાર

રાવજી પટેલની કવિતામાં વ્યક્ત થતી નગરજીવનની પોકળતા – કૃતકતા, વિચ્છિન્નતા, સંવેદનજડતા અને મૂલ્યવિદ્રોહ અનાયાસપણે જ આધુનિક સંવેદના વ્યક્ત કરે છે. રાવજી પટેલની સંવેદનામાં સચ્ચાઈ અને તીવ્રતા છે. તો એની અભિવ્યક્તિમાં નૈસર્ગિક તાજગી છે. એમાં એની સર્જકતાનાં અનેક ઉન્મેષો પ્રગટ્યાં છે.

આ ઉપરાંત રાવજી પટેલની કવિતા સર્જકતાનાં અનેકવિધ ઉન્મેષો પ્રગટાવતી હોવા છતાં મર્યાદાથી મુક્ત નથી. રાવજીને પ્રિય એવી ઉપમાઓનો કોઈ રચનામાં અતિરેક થઈ જાય છે.

સંદર્ભગ્રંથ :

  1. 1. મારા સમકાલીન કવિઓ – ધીરુ પરીખ
  2. 2. રાવજી પટેલ – મણિલાલ હ. પટેલ
  3. 3. કૃષિકવિ રાવજી પટેલ – અરુણ કક્કડ

દેસાઈ ભારતી જી., મુલાકાતી વ્યાખ્યાતા, એમ.પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. કોમર્સ કોલેજ ફૉર વિમેન રાયપુર દરવાજા બહાર, અમદાવાદ – 380022