લાભશંકર ઠાકરની અછાંદસ રચનાઓ
ગુજરાતી અછાંદસ કવિતા લગભગ બીજા વિશ્વયુદ્ધના પડઘારૂપે શરૂ થઈ છે. અછાંદસના માધ્યમની પ્રાપ્તિ આધુનિક સર્જક માટે અત્યંત મહત્વની ઘટના બની. અછાંદસ કવિતા માનવમનને, તેના અતલ ઊંડાણ ને, તેની વિષમતાનો આલંબતી બની. ઉમાશંકર જોશી પછી સિતાશું યશશ્ચંદ્ર, સુરેશ જોષી, લાભશંકર ઠાકર, રાવજી પટેલ, રઘુવીર ચૌધરી જેવા માતબર કવિઓએ દીર્ઘ રચનાઓમાં અછાંદસને સ્વીકાર્યું.
લાભશંકર ઠાકરે જ્યારે “વહી જતી પાછળ રમ્યઘોષા”માં તડકો 1-2ની રચના કરી ત્યારે જ તેમને અછાંદસે આકર્ષેલા આધુનિક પ્રવાહોનો તેમના પર પ્રભાવ પડે છે અને “પ્રવાહણ” જેવું તદ્દન અનોખી ભાત પાડતું દીર્ઘ કાવ્ય આપણને મળે છે. લાભશંકર ઠાકરે અછાંદસમાં ખાસ્સી સફળતા મેળવી છે. તેના લય, મરોડને પૂરી સજ્જતાથી પોતાની કવિતામાં તેમણે ઉતાર્યા છે. દા.ત.,
“માત્ર પતિ,
રતિ હવે
અતીતની વાત
ગાત ઊંચકવાં પડે
અને છતાં યંત્રતંત્ર
અવાજે છે ગતિહીન ગતિ” (“માણસની વાત”, પૃ. 23)
લોકબોલીના વિવિધ પ્રયોગો તેમણે અછાંદસમાં ખૂબ કુશળતાથી કર્યા છે. કેવળ લય જ નહીં પણ ભાષાના કાકુ, કલ્પન, પ્રતીકો, સ્વરોના આરોહ-અવરોહ બધું જ લાભશંકર ઠાકરની રચનાઓમાં સ્પષ્ટ છે;
“એક ઉજ્જડ રાનમાં તલાવડી
અધમણ સોનું સવામણ રૂપું
અમ્મર પહેરે ને ઝુમ્મર ઝુમ્મર ચાલે”
(એજન; પૃ. 21)
“પોલી પોલી પિપૂડીઓ વાગે ને
ગાજરના વાગે
ગાજર તો ભઈ ખવાય
રાતા માતા થવાય
ઘડો પાણી પિવાય
વાઘ થકી ના બિવાય” (એજન; પૃ. 68)
લોકબોલીના, બોલચાલના, બાળકાવ્યોના આ પ્રયોગોની સાથોસાથ સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાઓના સમન્વયથી પણ તેમણે તેમની ભાષાને સમૃદ્ધ કરી છે.
“લઘરા નિદ્રાધીન ખડા હૈ?
સચમુચ?
કહાઁ?”
યહા .....
એ કિસલરેશન ઑવ્ મૂવમેન્ટ કે બીચ
પ્રાગેશન કે આગે
ઔર મેડનેસ કે કરીબ, ક્યા બના હૈ સીન
(“લઘરો”, પૃ. 36)
અછાંદસમાં ભાષાને લાભશંકર ઠાકરે ખૂબ અનોખી રીતે પ્રયોજી છે. ગુજરાતી કવિતાને અછાંદસના માધ્યમથી તેમણે જુદી જ દિશા આપી છે. લાભશંકર ઠાકર એક એવા કવિ કે જેમને કશુંક કહેવું છે અને એ પણ પોતાના નોંખા અવાજમાં. કવિએ અહીં માણસની વાત માંડી છે. ઈશ્વરની નહીં.
“હું ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતો,
હું નથી માનતો માનવી આત્માની અમરતામાં
પ્રત્યેક વ્યક્તિને
સાચા માણસ બનવાની ઈચ્છા હોય છે”
આવા વિધાનોમાં આખું કાવ્ય અછાંદસ – ગદ્યકાવ્ય છે તેમાં સમાન પ્રયોગવૃત્તિ રહેલી છે. દલપતરામની પંક્તિને દર્શાવતી મધ્યકાલીન કવિતામાં રચાયું છે તે દીપકના બે દીકરા, કાજળને અજવાસ કે પછી “રૉલિગ શટર”ના શબ્દપ્રયોગ ગીતમાં મૂકાયેલું આત્માવિષયક તત્વજ્ઞાન, એબ્સર્ડિટી વગેરે કાવ્યને, કાવ્યના વિષયવિચારને ધાર કાઢી આપે છે.
“બત્રીસ વરસથી”.... કાવ્યને શબ્દને પામવાની કવિની મથામણ કેવી વિકટ અને નિષ્ફળ રહી છે તે આ રીતે કહે છેઃ
“શબ્દબ્રહ્મના ઉકળતા તેલમાં
મારાં બત્રીસ વર્ષ બળી ગયાં છે
છતાં....
એ શબ્દનો
નચિકેતાની આંખોથી સતત તાક્યા કરું છું.”
આમ, લાભશંકરની રચનાઓ ભાષાકીય વૈવિધ્ય, અછાંદસ – અછાંદસનું મિશ્રણ, લયભંગિઓ, ક્યારેક નરી સપાટ ભાષા કાવ્યને બળ આપે છે.