કવિ ન્હાનાલાલનાં ‘પિતૃતર્પણ’ અને ‘હરિસંહિતા’


‘પિતૃતર્પણ’ :

‘પિતૃતર્પણ’ એ પ્રશસ્તિકાવ્ય છે. તે કવિ ન્હાનાલાલના શ્રીમદ ભગવદ્ ગીતાના અનુવાદનું અર્પણ કાવ્ય છે. ન્હાનાલાલની સર્ગશક્તિનો અનન્ય આવિષ્કાર આ કાવ્યમાં જોવા મળે છે. શ્રી નિરંજન ભગતે કાવ્યના કેન્દ્રમાં માતા કે પિતાને બદલે કવિનો શોક જોયો છે. પિતાને પોતે અવગણ્યા ને અસત્કાર્યા તેના પસ્તાવામાંથી દ્રવેલો એ શોક છે. શોકને ધીરગંભીર ઉન્નત વિચારને યથોચિત રમાડતાં વેગીલા પ્રવાહની જેમ આગળ વધતો અનુષ્ટુપ ગુજરાતી કવિતામાં આટલી અન્વર્થતા ભાગ્યે જ અન્યત્ર પામ્યો હશે. ‘પિતૃતર્પણ’માં અનુષ્ટુપ ઉપરનું તેમનું પ્રભુત્વ આપણી અનુષ્ટુપ કવિતામાં અગ્રસ્થાનનું અધિકારી છે. અપરાધભાવ અનુભવતા પુત્રની અંજલિનો ગંભીર અને ઊંડો ઘોષ કદાચ અનુષ્ટુપને કારણે જ ભવ્ય બને છે.

“ બારબાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની,
બારબાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીની.”

પ્રાસયુક્ત અનુષ્ટુપ ન્હાનાલાલને સહજ છે. પરંતુ અહીં તો એમણે પહેલા અને ત્રીજા ચરણનો સળંગ પ્રાસ મેળવ્યો છે તે નોંધપાત્ર બની રહે છે. અહીં કાન્તની પણ આવી અનુષ્ટુપમાં પ્રયોજાયેલી પુનરાવર્તનની શૈલી યાદ આવે છે જેમાં પણ ‘નહી નાથ નહી નાથ’નું પુનરાવર્તન નકારાત્મકતાના ભાવ અને મનમાં છૂપાયેલા ડરના ભાવને સચોટ રીતે રજૂ કરે છે. ‘બાર બાર’નું પુનરાવર્તન છંદને અનુકૂળ શબ્દોની ખોટનું ઉદાહરણ નહી પણ વર્ષોનાં જવાની અને વિતવાની દીર્ઘતાનું મહત્વ બતાવે છે. પ્રાયશ્ચિતની ચરમ સીમા પણ અહીં દીર્ઘતા દર્શાવે છે. ‘બાર વર્ષો ગયાં’, ‘બાર વર્ષો વહ્યાં’ અને ‘બાર વર્ષો થયાં’ – અલગ અલગ શબ્દો અલગ અલગ રીતે ખાલીપાની વ્યથા રજૂ કરે છે. કદાચ અનુષ્ટુપ જ આ ભાવને અને આ પુનરાવર્તનને સહજ અનુકૂળ બની રહે. આ જ ભાવનું અન્ય એક ઉદાહરણ :

“ કાલની વીંઝતી પાંખ અનેરા વેગથી ભરી,
નેત્ર મીંચી ઉઘાડું ત્યહાં આવે બ્રહ્માંડને ફરી,
પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ પવિત્ર જે વિભુ,
પરમ ધર્મ ત્હમારો તે સ્વામીનારાયણ પ્રભુ.”

૧૯૦૦થી ૧૯૧૦ સુધી એક દાયકામાં ન્હાનાલાલે સંસ્કૃત અને ગીતા ઉપનિષદનો અભ્યાસ તથા ગીતાનો અનુવાદ કર્યો અને પ્રાચીન ભારતીય આર્ય સંસ્કૃતિ અને ધર્મનો પુરસ્કાર કર્યો ત્યારે પિતા પ્રત્યેના અસત્કાર અને અનાદરનું ‘પિતૃતર્પણ’માં પ્રાયશ્ચિત કર્યું હતું. ૧૯૧૦માં દલપતરામની પુણ્યતિથિએ જ ગીતાના અનુવાદના અર્પણકાવ્યરૂપે ‘પિતૃતર્પણ’ પ્રગટ કર્યું હતું. એ અત્યંત સૂચક છે.ગીતાના અનુષ્ટુપની પ્રેરણાથી અને રૂડા છંદ અને પિંગળના સર્જકના તર્પણ રૂપે કવિએ પ્રાસયુક્ત અનુષ્ટુપમાં એકસોએક યુગ્મોમાં દલપતરામના મૃત્યુ પછી ‘પિતૃતર્પણ’ની રચના કરી.

‘પિતૃતર્પણ’માં આઠ ખંડો છે. આઠેય ખંડના અલગઅલગ ભાવને, કાળને એક જ અનુષ્ટુપ દ્વારા કવિએ અલગ અલગ રીતે તાદ્રશ્ય કર્યો છે !! જેમકે, પાંચમા અને સાતમાં ખંડમાં અનુષ્ટુપ છંદ પણ કાળ અને સ્થળની ભવ્યતાને કારણે કેવો ભવ્ય છે !!

“અંધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અંધકારના,
બોલે છે ઉરમાં એ વા શબ્દ કો ભૂતકાલના”

આઠમા ખંડમાં ધન્યતા અને શ્રદ્ધા સાથે કવિનો પુનર્જન્મ થાય છે. અહીં પ્રાર્થનાની નમ્રતાને કારણે અનુષ્ટુપ પણ નમ્ર બની જાય છે. અનુષ્ટુપને સહારે દલપતરામનું ભવ્ય ચિત્ર અહીં ઉપસાવ્યું છે. દલપતરામની ગરિમા અનુષ્ટુપની ભવ્યતા દ્વારા સાર્થક થઇ છે.

‘હરિસંહિતા’ :

“જગત કવિતા મહીં બ્રહ્મદર્શન,
એ માહરી આ ‘હરિસંહિતા’ મુદ્રા”

‘હરિસંહિતા’ કવિનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રયોગ છે. કવિ આને ભાગવતની જેમ અહીં પણ શ્રીકૃષ્ણનો મુક્ત કંઠે ગુણનાદ ગાવામાં આવ્યો છે. ‘હરિસંહિતા’ શિષ્ટ સંસ્કૃત વૃત્તોમાં અને તે પણ સવિશેષ તો અનુષ્ટુપમાં લખી છે.તેનો અનુષ્ટુપ એકંદરે પ્રાસાદિક અને સરળ ગતિ છે.

કાલિદાસના ‘રઘુવંશ’ની માફક એમાં પણ લગભગ શ્લોકે શ્લોકે સોહતા શબ્દાલંકારોથી એ શ્રવણરોચક બન્યો છે. કાવ્યનો પંચાણું ટકા ભાગ અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપનો ધીર ગંભીર લય કાવ્યમાં આસાનીથી પ્રયોજાયો છે. યોગેશ્વર શ્રીકૃષ્ણનો અને તેમની ભક્તિનો અનવદ્ય મહિમા કરવો છે, તે માટે સુપેરે ગાન શક્ય બને એ માટે એમણે અહીં અનુષ્ટુપ પર પસંદગી ઉતારી છે. અનુષ્ટુપ છંદ પર પોતાની પસંદગી ઉતારવાનો ખુલાસો આપતા ન્હાનાલાલ જણાવે છે કે, “શ્રી હરિસંહિતા’ની પંચાણુંએક વસા ચરણવાળો અનુષ્ટુપ છંદમાં છે. પિંગળશાસ્ત્રની સકળ છંદાવલિ સર્વવ્યાપી ગેયતાવંતી છે. અનુષ્ટુપ છંદના જનક મહર્ષિ વાલ્મિકીજી કહી ગયા છે કે, “લવકુશ લઘુકુમારો ઋષ્યાશ્રમેથી અયોધ્યા નગરીએ રાઘવયજ્ઞમાં ગયા હતા. ત્યારે ત્યહાં રામાયણની શ્લોકાવળો તંત્રીની સાથે ગાતાં હતા. સામ મંત્રોની ગેય ગંભીરતા સામધન પાઠીઓને મુખે સાંભળી હશે એમને અનુષ્ટુપની ગેયતા સહેજે સુગમ થશે. વૈદિક છંદો ડોલનવંતા છે, પિંગળ છંદો ગેય છે.”

‘હરિસંહિતા’ના સર્જન સમયે ન્હાનાલાલ સામે ‘ભાગવત’ હતું. તેના આઠ મંડળોમાં એક પ્રવાહે વહેતા અનુષ્ટુપની વચ્ચે વચ્ચે એમણે અનેક ગીતો ગૂંથી લેવાનો પણ પ્રયોગ કર્યો છે. અધ્યાયના આરંભ-અંતના શ્લોકો ઉપર ઉપનિષદો-સ્તોત્રો તથા ગીતોને બાદ કરતાં ‘હરિસંહિતા’નો મોટો ભાગનો રચનાપટ અનુષ્ટુપમાં ગૂંથાયો છે.

“યોગીના યોગેશ્વરની નિર્મળી પ્રેમભક્તિની
પ્રભાવર્ણી પુણ્યશ્લોક ગાઈ આ ‘હરિસંહિતા’

અનુષ્ટુપ છંદ અહીં કવિના શોકસંતપ્ત સંવેદનોને સાકાર આપતો, અસ્ખલિત વહેતો હોવાથી એનું વાચન પણ પ્રાસાદિક બંને છે. વચ્ચે વચ્ચે દેશી ઢાળોની, ભજનોની, ગીત- ગરબીઓની છાંટ પણ જોવા મળે છે. આ કથાકાવ્ય્માં અનુષ્ટુપ જેવા અક્ષરમેળ કે બીજા માત્રામેળ છંદોને બદલે આપણા દેશી ઢાળો વપરાયા હોત તો ઓર દીપી ઉઠાત પરંતુ, ૨૦મો અધ્યાય ‘શ્રી હરિનો મહાધ્વજ’ જે વૈશંપાયનના ઢાળમાં લખાયો છે. તે સરળ ભાષાના અભાવે – લોકબોલીને અભાવે કર્ણમધુર લાગતો નથી અને એ કારણોથી કવિએ દેશી ઢાળોનો પ્રયત્ન ન કર્યો એ ખોટું નથી.”

ડૉ. નિયતિ અંતાણી, આસીસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ)