પ્રશિષ્ટ છન્દરચનામાં સૂત્રશૈલીની સહાયતા


વૈદિક સાહિત્ય આપણું પ્રાચીનતમ સાહિત્ય છે. છન્દોબદ્ધ રચનાને કારણે વેદોને ‘छन्दस्’ પણ કહે છે. પરંતુ વેદમંત્રો કાઠિન્યપૂર્ણ હતા. આથી ઇંદ્રાદિ દેવોની સ્તુતિ માટે અને યજ્ઞયાગાદિ સમયે વિનિયોગ માટે વેદોને સમજવા મુશ્કેલ હતા.આથી તેમાં સરળતા માટે વેદાંગોની રચના થઇ. આ છ વેદનાં અંગોમાં ‘छन्दस्’નો પણ સમાવેશ છે. તેમાંથી જ છંદોનો પ્રાદુર્ભાવ થયો છે. જેમ કે,
छन्दः पादौ तु वेदस्य हस्तौ कल्पो थ कथ्यते ।
ज्योतिषामनयं चक्षुर्निरुक्तं श्रोत्रमुच्यते ।
शिक्षा घ्राणं तु वेदस्य मुखं व्याकरणं स्मृतम् ।।
અર્થાત્, ‘વેદ(પુરુષ)ના બે પાદ તે (ગાયત્રી અને અનુષ્ટુપ) છન્દો છે. વેદપુરુષના બે હાથ તે કપ્લસૂત્રો છે. જ્યોતિષનું અયન (ગતિવિધિ) વેદની ચક્ષુ કહેવાય છે. નિરુક્ત વેદના કાન છે. શિક્ષા વેદાંગ એ નાસિકા છે અને વ્યાકરણ એ વેદનું મુખ છે.’

આ દૃષ્ટિએ વેદમંત્રોને જાણવા અને વિગતે સમજવા છંદોનો અભ્યાસ કરવો અનિવાર્ય બન્યો. આ માટે પિંગલ નામના આચાર્યે ‘છન્દ: સૂત્ર’ની રચના કરી. તેમાં સૂત્રશૈલીમાં પ્રારમ્ભે વૈદિકછંદો અને ઉત્તરાર્ધમાં લૌકિકછંદોની વિગતે વાત કરી છે. લૌકિકછંદો સમજવા માટે તેમણે પ્રયોજેલી સૂત્રશૈલી વિશેષ ઉપયોગી છે. પિંગલાચાર્ય પછી શ્રુતબોધ નામનો એક છંદવિષયક અજ્ઞાત કતૃત્વવાળો ગ્રંથ મળે છે. ત્યારબાદ જાનાશ્રયીનું ‘છંદોવિચિત’ અને જયદેવનું ‘જયદેવચ્છંદસ્’ મળે છે. ત્યારબાદ કેદારભાટાનો ‘વૃત્તરત્નાકર’ નામનો ગ્રંથ છે. ક્ષેમેંદ્રનો ‘સુવૃત્તતિલક’ અને ગંગાદાસનો ‘છંદોમંજરી’ પ્રાપ્ત થાય છે. છેલ્લે ૧૧મી સદીમાં ‘ છંદોનુશાસન’પણ ખ્યાતનામ ગ્રંથ છે. જે તેના પ્રાકૃત અને અપભ્રંશ ભાષા માટે ઉપયોગી આર્યાઅને ગાથા છાંદોને લીધે અદ્વિતીય અને અનુપમ છે.

છંદ:સૂત્ર નામના ગ્રન્થમાં પિંગલાચાર્યે સૂત્રશૈલીમાં છાંદોનું વિવરણ કર્યું છે. તેમાં પ્રારમ્ભે ગાયત્રી,અનુષ્ટુભ,ત્રિષ્ટુપ,જગતી,બૃહતી અને પંક્તિ જેવા છંદોની વિગતે વાત કરવામાં આવી છે.ત્યારબાદ ઉત્તરાર્ધમાં લૌકિક છંદોની વાત કરી છે. જેમાં અનુષ્ટુપ, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, શાલિની, માલિની, વસન્તતિલકા, મંદાક્રાંતા, શાર્દૂલવિક્રીડિત, સ્રગ્ધરા અને દ્રુતવિલંબિત વગેરે છંદોની વિગતે વાત કરી છે. વર્તમાન સમયમાં અભ્યાસક્રમમાં ભણાવાતા લૌકિકછંદોને તેમની વિશિષ્ટ સાંકેતિક સૂત્રશૈલીથી ભણાવવામાં આવે તો, વિદ્યાર્થીઓ માટે તે સહજ સાધ્ય બને એમ છે. માત્ર એક જ સૂત્ર કે લક્ષણ(બંધારણ) યાદ રાખવાથી આખો છંદ સરળતાથી કંઠસ્થ કે સ્મૃતિસ્થિર થઇ જાય છે. ક્યારેક આ સૂત્રશૈલીમાં ઉમેરણો થયાં હશે, એ કારણે સર્વત્ર છંદનું નામ,યતિ,ગણ અને બંધારણમાં જ અક્ષરસંખ્યા એ ચાર બાબતોમાંથી એકાદની ઉણપ જણાય છે. તો પણ પિંગલાચાર્ય અને અન્ય કર્તાઓ દ્વારા રચાયેલી આ સૂત્રશૈલીથી પ્રશિષ્ટ છંદના અભ્યાસમાં ઘણી સહાયતા મળે છે. તેને ઉદાહરણ સાથે વિગતે જોઇશું:

૧. ઉપજાતિ છન્દ:

ઉપજાતિ છંદ ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રાનું મિશ્રણ છે. આ બન્ને માટે પિંગલે એક એક સૂત્રનો પ્રયોગ કર્યો છે. તેને ક્રમશ: જોઇશું;
(૧) ઇન્દ્રવજ્રા:
૧. આ છંદના દરેક પાદમાં ૧૧ અક્ષર હોય છે.
૨. તેમાં ‘त – त – ज गा –गा’ એવી ગણરચના અને લઘુ - ગુરુની વ્યવસ્થા હોય છે.
૩. અહીં યતિ વિશે કોઇ વિધાન નથી.
ઉપર્યુક્ત બધી જ બાબતો સરળતાથી કંઠસ્થ કરી શકાય અને સમજી શકાય એ માટે પિંગલાચાર્યે એક જ સૂત્રનો વિનિયોગ કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં હાલ ભણાવાતા છંદો માટે આ સૂત્રશૈલીનો વિનિયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે તે વિશેષ રુચિકર અને સરળતમ બની શકે એમ છે. જેમ કે,
स्यादिन्द्रवज्रा यदि तौ जगौ गः । (छन्दःसूत्र ૬:૧૫)
અર્થાત્ ‘ઇન્દ્રવજ્રા છંદ त त ज गा गा એવા બંધારણવાળો હોય છે.

ઉપર્યુક્ત એક જ સૂત્રથી કુલ ચાર બાબતો સમજી શકાય છે. જેમ કે, ૧. આ સૂત્રમાં ઇન્દ્રવજ્રા એવું છંદનું નામ આવી જાય છે. ૨. આ સૂત્રના અક્ષરો ગણશો તો તેની સંખ્યા પણ ૧૧ જ થશે. ૩. સૂત્રમાં યતિ વિશે કોઇ સંકેત નથી એટલે સમજી જવાનું કે, આ છંદમાં યતિ વિશે કોઇ વિધાન કરેલ નથી. ૪. આ સૂત્રમાં છંદના ગણ અને લઘુગુરુ પણ જણાવી દીધા છે. જેમ કે, तौ એટલે બે વખત त त (અહીં तौ એ દ્વિવચનનું રૂપ છે એટલે તેમાં બે વખત त त એમ સમજવાનું) जगौ એટલે ज ગણ અને એક ગુરુ અક્ષર અને અંતિમ गः એટલે ગુરુ અક્ષર સમજવો.

(૨) ઉપેન્દ્રવજ્રા:
આ ઉપેન્દ્રવજ્રા નામના આ છન્દમાં કુલ 11 અક્ષર હોય છે. અહીં યતિનું વિધાન નથી. ‘ज त ज गा गा’ એવી તેની ગણરચના છે. ઉપર્યુક્ત ચારેય બાબતો માટે પિંગલમુનિએ એક જ સૂત્ર પ્રયોજ્યું છે. કેમ કે,
उपेन्द्रवज्रा जतजास्ततौ गौ । (छन्दसूत्र – 6 – 16)
અર્થાત્ ‘ઉપેન્દ્રવજ્રા ‘જ ત જ’ એવા ગણ અને પછી ‘ગ ગ’ અક્ષરવાળો છન્દ છે.’
ઉપર્યુક્ત એક જ સૂત્રથી આ છન્દની ચારેય બાબતો સમજી શકાય છે. જેમ કે, 1. સૂત્રના પ્રારમ્ભે ‘ઉપેન્દ્રવજ્રા’ એવું છન્દનું નામ આપી દીધું છે. 2. એમાં યતિ વિશે કોઇ શબ્દિક સંકેત નથી એટલે સમજી લેવાનુંછે કે આ છન્દમાં યતિનું વિધાન નથી. 3. ‘जतजास्ततौ गौ’ અર્થાત્ પહેલા ત્રણ અક્ષર ज त ज એવી ગણ રચના છે. तत: એટલે પછી અને गौ એટલે અંતિમ બે અક્ષરો गा गा એમ સમજવાનું છે. (गौ એ દ્વિવચનનું રૂપ છે એટલે તેમાં બે વખત ग ग અક્ષરો છે એમ સમજવાનું છે.)

આમ, આ એક જ નાના સૂત્રથી ‘ઉપેન્દ્રવજ્રા’ છન્દની બધી જ બાબતો સમજી શકાય છે.

(3) શાલિની:

આ શાલિની નામના છન્દમાં કુલ 11 અક્ષર હોય છે. અહીં યતિનું વિધાન છે. તેમાં ચોથા અને સાતમા અક્ષરે યતિ આવે છે. તેમાં ‘म त त गा गा’ એવી તેની ગણરચના છે. ઉપર્યુક્ત ચારેય બાબતો માટે પિંગલમુનિએ એક જ સૂત્ર પ્રયોજ્યું છે. કેમ કે,
शालिनी म्-तौ त्-गौ ग् समुद्रऋषयः । (छन्दसूत्र – 6 – 5)
અર્થાત્ ‘શાલિની છન્દ ‘મ ત ત એવા ગણ અને ‘ગ ગ’ અક્ષરવાળો છન્દ છે.તેમાં સમુદ્ર એટલે ચાર અને ઋષિઓ એટલે સાતમા અક્ષરે યતિ આવે છે.’

ઉપર્યુક્ત એક જ સૂત્રથી આ છન્દની ચારેય બાબતો સમજી શકાય છે. જેમ કે, 1. સૂત્રના પ્રારમ્ભે ‘શાલિની’ એવું છન્દનું નામ આપી દીધું છે. 2. એમાં યતિ વિશે બે શાબ્દિક સંકેત છે. જેમ કે, સમુદ્ર શબ્દ પહેલાં ચાર અક્ષરે યતિ આવે છે એવું સૂચવે છે. કેમકે એક સમયે સમુદ્રની સંખ્યા ચાર મનાતી હતી. આથી ઋષિએ શિષ્યને શાબ્દિક સંકેત આપી દીધો કે સમુદ્ર એવા શબ્દથી ચોથા અક્ષરે યતિ સમજવો. ત્યારબાદ ‘ઋષય:’ એવો સાંકેતિક શબ્દ જેમ ઋષિઓની સંખ્યા સાત છે તેમ બીજો યતિ સાતમા અક્ષરે સમજવો એમ જણાવે છે. આમ, સમુદ્ર અને ઋષય: એવા માત્ર બે સાંકેતિક શબ્દોથી યતિની ખબર પડી જાય છે. આ સાંકેતિક શબ્દપ્રયુક્તિ વિદ્યાર્થીને સરળતાથી યાદ રહી જાય તેવી છે. 3. ‘म्-तौ त्-गौ ग् ’ અર્થાત્ પહેલા ત્રણ અક્ષર म त त એવી ગણ રચના છે. પછી અને गौ ग् એટલે અંતિમ બે અક્ષરો गा गा એમ સમજવાનું છે. (અહીં गौ માં દ્વિવચન છે પણ તેમાં એક त અને બીજો ग એમ સમજવાનું છે. તેમાં એક બીજો ग् પણ છે. ટૂંકમાં તેમાં બે વખત ग ग અક્ષરો છે એમ સમજવાનું છે.)4. અહીં એક બીજી વાત પણ જાણવા જેવી છે. જેમ કે, शालिनी म्-तौ त्-गौ ग् समुद्रऋषयः । આ સૂત્રમાં જે म्- त् અને ग् એવા અર્ધ વ્યંજનો તો ગણરચના માટે આપેલા છે. તેને બાદ કરીશું અને પછી સૂત્રના અક્ષરો ગણીશું તો તમને શાલિની છન્દમાં આવતા 11 અક્ષરો પણ મળી જશે.

આમ, આ એક જ નાના સૂત્રથી ‘શાલિની’ છન્દની બધી જ બાબતો સમજી શકાય છે.

(4) મન્દાક્રાન્તા:

આ ‘મન્દાક્રાન્તા’ નામના છન્દમાં દરેક પાદમાં કુલ 17 અક્ષર હોય છે. અહીં યતિનું વિધાન છે. તેમાં ચોથા, છઠ્ઠા અને સાતમા અક્ષરે યતિ આવે છે. તેમાં ‘म भ न त त गा गा’ એવી તેની ગણરચના છે. ઉપર્યુક્ત ચારેય બાબતો માટે એક જ સૂત્ર પ્રયોજ્યું છે. કેમ કે,
मन्दाक्रान्ताम्बुधि-रस-नगै-र्मो भनौ तौ गयुग्मम्।
અર્થાત્ ‘મન્દાક્રાન્તા છન્દ ‘મ ભ ન ત ત એવા ગણ અને ‘ગ ગ’ અક્ષરવાળો છન્દ છે.તેમાં અમ્બુધિ(સમુદ્ર) એટલે ચાર, રસ એટલે છ અને નગ(પર્વત) એટલે સાતમા અક્ષરે યતિ આવે છે.’

ઉપર્યુક્ત એક જ સૂત્રથી આ છન્દની ચારેય બાબતો સમજી શકાય છે. જેમ કે, 1. સૂત્રના પ્રારમ્ભે ‘મન્દાક્રાન્તા’ એવું છન્દનું નામ આપી દીધું છે. 2. એમાં યતિ વિશે ત્રણ શાબ્દિક સંકેત છે. જેમ કે, અમ્બુધિ (એટલે સમુદ્ર) શબ્દ પહેલાં ચાર અક્ષરે યતિ આવે છે એવું સૂચવે છે. કેમકે એક સમયે સમુદ્રની સંખ્યા ચાર મનાતી હતી. ત્યારપછી રસ એટલે છ એમ સમજવાનું છે. કેમ કે, વ્યવહારમાં કટુ,કષાય,લવણ,મધુર,અમ્લ અને તિખ્ત એવા છ રસો હતા. ત્યારબાદ ‘નગ’ એવો સાંકેતિકશબ્દ પર્વતોની સંખ્યાનો ઉલ્લેખ કરે છે. કેમ કે, ત્યારે જમ્બુદ્વીપ વગેરે પ્રમુખપર્વતોની સંખ્યા સાત છે એમ મનાતું હતું. આમ, અમ્બુધિ,રસ અને નગ એવા ત્રણ સાંકેતિક શબ્દોથી યતિની ખબર પડી જાય છે. આ સાંકેતિક શબ્દપ્રયુક્તિ વિદ્યાર્થીને સરળતાથી યાદ રહી જાય તેવી છે. 3. ‘र्मो भनौ तौ એવા ત્રણ શબ્દોમાં र्मो એટલે મ ગણ, र्भनौ એટલે ભ અને ન ગણ तौ એટલે ત ગણ બે વખત અને गयुग्मम् એટલે ‘ગ’ નું યુગ્મ એટલે અંતિમ બે અક્ષરો ગુરુ ગુરુ (गा गा) એમ સમજવાનું છે. 4. અહીં પણ તમે ‘मन्दाक्रान्ताम्बुधि-रस-नगै-र्मो भनौ तौ गयुग्मम् ।‘ આ સૂત્રમાં રહેલા અક્ષરો ગણશો તો તમને મન્દાક્રાન્તા છન્દમાં આવતા 17 અક્ષરો પણ મળી જશે.

આમ, આ એક જ નાનું સૂત્ર ‘મન્દક્રાન્તા’ છન્દની બધી જ બાબતો સમજવામાં વિશેષ ઉપકારક બને છે.

(5) શિખરિણી:

આ ‘શિખરિણી’ નામનો છન્દ છે. તેમાં દરેક પાદમાં કુલ 17 અક્ષર હોય છે. અહીં યતિનું વિધાન છે. તેમાં છઠ્ઠા અને અગિયારમા અક્ષરે યતિ આવે છે. તેમાં ‘य म न स भ ल गा’ એવી તેની ગણરચના છે. ઉપર્યુક્ત ચારેય બાબતો માટે એક જ સૂત્ર પ્રયોજ્યું છે. કેમ કે,
रसैरुद्रैच्छिन्ना यमनसभला गः शिखरिणी ।
અર્થાત્ ‘જે રસ (એટલે છ અક્ષર) અને રુદ્ર (એટલે અગિયરમા અક્ષર)થી જુદો પડે છે. તેવો આ શિખરિણી છન્દ ‘મ ભ ન ત ત એવા ગણ અને ‘લ - ગા’ અક્ષરવાળો છે.’

ઉપર્યુક્ત એક જ સૂત્રથી આ છન્દની ચારેય બાબતો સમજી શકાય છે. જેમ કે, 1. સૂત્રમાં ‘શિખરિણી’ એવું છન્દનું નામ આપી દીધું છે. 2. એમાં યતિ વિશે બે શાબ્દિક સંકેત છે. જેમ કે, રસ એટલે (કટુ,કષાય,લવણ,મધુર,અમ્લ અને તિખ્ત) એવા છ રસોની સંખ્યાએ પ્રથમ યતિ છે. ત્યારબાદ રુદ્ર એટલે એવો સાંકેતિક શબ્દ અગિયારમા અક્ષરે યતિ સમજવો એમ જણાવે છે. ત્યારે અજ, અપરાજીત, અહિર્બુધ્ન્ય, ઇશ્વર, એકપાત્ર, ત્ર્યંબક, પિનાક, મહેશ્વર, વૃષકપિ, શમ્ભુ અને હરણ એમ રુદ્રોની અગિયાર મનાતી હતી. માત્ર રુદ્ર એમ બોલવાથી જ વિદ્યાર્થી 11 મા અક્ષરે યતિ આવે છે એમ સમજી જાય છે. આવી સાંકેતિક શબ્દપ્રયુક્તિ વિદ્યાર્થીને યતિ યાદ રાખવામાં ઉપયોગી બને છે. 3. य म न स भ એવા પાંચ અક્ષરો અનુક્રમે ‘ ય મ ન સ ભ ‘એવા ગણનો નિર્દેશ કરે છે. સૂત્રમાં રહેલા ला गः આ છન્દમાં અંતિમ બે અક્ષરો લઘુ અને ગુરુ છે એમ જણાવે છે. 4. અહીં પણ તમે ‘रसैरुद्रैच्छिन्ना यमनसभला गः शिखरिणी ।‘ આ સૂત્રમાં રહેલા અક્ષરો ગણશો તો તમને ‘શિખરિણી’ છન્દના દરેક પાદમાં આવતા 17 અક્ષરો મળી જશે.

આમ, આ એક જ નાનું સૂત્ર ‘શિખરિણી’ છન્દની બધી જ બાબતો સમજવામાં વિશેષ ઉપકારક બને છે.

(6) પૃથ્વી:

આ ‘પૃથ્વી’ નામનો છન્દ છે. તેમાં દરેક પાદમાં કુલ 17 અક્ષર હોય છે. અહીં યતિનું વિધાન છે. તેમાં આઠમા કે નવમા અક્ષરે યતિ આવે છે. તેમાં ‘ज स ज स य ल गा’ એવી તેની ગણરચના છે. ઉપર્યુક્ત ચારેય બાબતો માટે એક સૂત્ર પિંગલે અને એક સૂત્ર કેદારભટ્ટે (વૃત્તરત્નાકરમાં)પ્રયોજ્યું છે. જેમ કે,
पृथ्वी जसौ जसौ यलौ ग वसुनवको । (छन्दसूत्र – 7 -17)
અર્થાત્ ‘પૃથ્વી છન્દમાં ‘જ સ જ સ ય’ એવી ગણરચના છે અને અંતિમ બે અક્ષરો લઘુ અને ગુરુ છે. તેમાં વસુ એટલે આઠમા અથવા નવ એટલે કે નવમા અક્ષરે યતિ હોય છે.’

ઉપર્યુક્ત એક જ સૂત્રથી આ છન્દની ચારેય બાબતો સમજીએ, જેમ કે, 1. સૂત્રમાં ‘પૃથ્વી’ એવું છન્દનું નામ આપી દીધું છે. 2. એમાં યતિ વિશે બે શાબ્દિક સંકેત છે. જેમ કે, ‘वसुनवको’ અહીં વસુ એટલે આઠમા અક્ષરે (ત્યારે ધર,ધ્રુવ, સોમ, સાવિત્ર, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભા એમ વસુઓની સંખ્યા આઠ મનાતી હતી.) અને ત્યારબાદ નવમા અક્ષરે યતિ આવે છે. ક્યારેક આવી શબ્દ અને સંખ્યાના મિશ્રણવાળી સાંકેતિક શબ્દપ્રયુક્તિથી પણ યતિની વાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીને યતિ યાદ રાખવામાં ઉપયોગી બને છે. 3. ‘जसौ जसौ य’ એટલે ‘જ સ જ સ ય’ એવા પાંચ ગણ તેમજ અંતિમ लौ ग એવા બે વર્ણો લઘુ અને ગુરુ એમ જણાવે છે.

આમ, આ એક જ નાનું સૂત્ર ‘શિખરિણી’ છન્દની બધી જ બાબતો સમજવામાં વિશેષ ઉપકારક બને છે.

પૃથ્વી છન્દનું એક અન્ય સૂત્ર કેદારભટ્ટે (વૃત્તરત્નાકરમાં) પણ પ્રયોજ્યું છે. જેમ કે,
जसौ जसयला वसुग्रहयतिश्च पृथ्वी गुरुः । (वृत्तरत्नाकरः -14)
અર્થાત્ ‘પૃથ્વી છન્દમાં ‘જ સ જ સ ય’ એવી ગણરચના છે અને અંતિમ બે અક્ષરો લઘુ અને ગુરુ છે. તેમાં વસુ એટલે આઠમા અથવા ગ્રહ એટલે કે નવમા અક્ષરે યતિ હોય છે.’

ઉપર્યુક્ત સૂત્રથી થોડી ભિન્ન રીતે પણ આ છન્દની ચારેય બાબતો સમજી શકાય છે. જેમ કે, 1. સૂત્રમાં ‘પૃથ્વી’ એવું છન્દનું નામ આપી દીધું છે. 2. એમાં યતિ વિશે બે શાબ્દિક સંકેત છે. જેમ કે, ‘वसुग्रहयतिश्च’ અહીં ‘વસુ’ એટલે આઠમા અક્ષરે (ત્યારે ધર,ધ્રુવ, સોમ, સાવિત્ર, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભા એમ વસુઓની સંખ્યા આઠ મનાતી હતી.એ મુજબ પ્રથમ યતિ ગણવો) અને ક્યારેક ‘ગ્રહ’ શબ્દથી ગ્રહોની સંખ્યા નવ છે એ મુજબ નવમા અક્ષરે યતિ આવે છે એમ સમજવું. કેદારભટ્ટે આ રીતે સાંકેતિક શબ્દપ્રયુક્તિથી યતિની વાત કરી છે. 3. ‘जसौ जसयला’ એટલે ‘જ સ જ સ ય’ એવા પાંચ ગણ તેમજ અંતિમ लौ એવા એક વર્ણથી લઘુ અને સૂત્રમાં છેવટે પ્રયોજેલા गुरुः શબ્દથી અંતિમ વર્ણ ગુરુ છે એમ સમજવાનું છે.

આમ, બન્ને રીતે આ છન્દ વિદ્યાર્થી માટે સ્મરણસુલભ બને એવી સૂત્રશૈલી રજૂ થઇ છે.

(7) હરિણી:

આ ‘હરિણી’ નામના છન્દમાં દરેક પાદમાં કુલ 17 અક્ષર હોય છે. અહીં યતિનું વિધાન છે. તેમાં છઠા, ચોથા, અને સાતમા અક્ષરે યતિ આવે છે. તેમાં ‘न स म र स ल गा ’ એવી તેની ગણરચના છે. ઉપર્યુક્ત ચારેય બાબતો માટે એક જ સૂત્ર પ્રયોજ્યું છે. કેમ કે,
हरिणी न्-सौ म्-रौ स्-लौ ग् ऋतुसमुद्रठऋषयः । (छन्दसूत्रः -7 -16)
અર્થાત્ ‘હરિણી છન્દ ‘ન સ મ ર સ’ એવા ગણ અને અંતિમ ‘લઘુ તેમજ ગુરુ’ અક્ષરવાળો છન્દ છે.તેમાં ઋતુ એટલે છ, સમુદ એટલે ચાર, અને ઋષિ એટલે સાતમા અક્ષરે યતિ આવે છે.’

ઉપર્યુક્ત એક જ સૂત્રથી આ છન્દની ચારેય બાબતો અહીં પણ સમજીએ; જેમ કે, 1. સૂત્રના પ્રારમ્ભે ‘હરિણી’ એવું છન્દનું નામ આપી દીધું છે. 2. એમાં યતિ વિશે ત્રણ શાબ્દિક સંકેત છે. જેમ કે, ઋતુ એટલે છ અક્ષરે પ્રથમ યતિ, (અહીં હેમંત, શિશિર, વસન્ત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એમ છ ઋતુઓ જેટલી સંખ્યાએ યતિ સમજવો) ત્યારબાદ સમુદ્ર એટલે ચોથા અક્ષરે યતિ આવે છે એવું સૂચવે છે. કેમકે એક સમયે સમુદ્રની સંખ્યા ચાર મનાતી હતી. ત્યારપછી ઋષિઓ એટલે સાતમા અક્ષરે યતિ સમજવાનો છે.આમ, ત્રણ સાંકેતિક શબ્દપ્રયુક્તિ દ્વારા વિદ્યાર્થીને સરળતાથી યાદ રહી જાય તેવી યતિની વ્યવસ્થા વિચારેલી છે. 3. ‘न्-सौ म्-रौ स्- એવા ત્રણ શબ્દોમાં ન અને સ ગણ, મ અને ર ગણ તેમજ છેવટે સ ગણ સમજવો. लौ ग् એટલે અંતિમ બે અક્ષરો લઘુ અને ગુરુ એમ સમજવાનું છે. 4. અહીં પણ તમે ‘हरिणी न्-सौ म्-रौ स्-लौ ग् ऋतुसमुद्रठऋषयः।‘ આ સૂત્રમાં રહેલા અક્ષરો ગણશો તો તમને હરિણી છન્દમાં આવતા 17 અક્ષરો પણ મળી જશે. અર્ધવ્યંજનોને અહીં જોડાક્ષરરૂપે જોવા એટલે અક્ષરોની ગણતરી યોગ્ય જ બની રહેશે.

આમ, આ એક જ નાનું સૂત્ર ‘હરિણી’ છન્દની બધી જ બાબતો સમજવામાં વિશેષ ઉપકારક બને છે.

આવી જ રીતે બીજા કેટલાક છન્દોનાં સૂત્રો અહીં સીધાં જ પ્રસ્તુત કર્યાં છે. જેમાં ઉપર્યુક્ત રીતે છન્દ માટે જરૂરી અક્ષરસંખ્યા, યતિનું સ્થાન, ગણરચના અને જે તે છન્દનું પોતાનું નામ એમ કુલ ચારેય બાબતો એક સાથે જોવા મળે છે.

(8) વસન્તતિલકા: ‘उक्ता वसन्ततिलका तभजा जगौ गः ।’ (वृत्तरत्नाकरः)
અર્થાત્, “જેમાં ‘ત ભ જ જ’ એવી ગણરચના અને અંતિમ બે વર્ણો ગુરુ –ગુરુ છે એવો છન્દ વસન્તતિલકા કહેવાય છે.” નીચેના અન્ય છંદોને પણ આવી જ રીતે અત્યન્ત ટૂંકમાં સૂત્રશૈલીથી સમજી શકાય અને સરળતાથી યાદ રાખી શકાય એમ છે.
(9) शार्दूलविक्रीडितं म्-सौ ज्-सौ तौ गाડदित्यऋषयः ।
(10) स्रग्धरा म्-रौ भ्-नौ यौ य् त्रि सप्तकाः ।
(11) अपरवक्त्रं नौ र्-लौ ग् न जौ ज् रौ ।
(12) पुष्पिताग्रा नौ र्-यौ न् जौ ज्-रौ ग ।

ઉપર્યુક્ત રીતે પ્રશિષ્ટ છન્દરચનામાં પિંગલાચાર્ય અને અન્ય વિદ્વાનો દ્વારા રચિત સૂત્રશૈલી વિશેષ રીતે ઉપયોગી બની શકે છે. વર્તમાન સમયમાં અલ્પકાલે વિદ્યાવર્ધનની અપેક્ષા રાખાય છે. ત્યારે છન્દસ્મરણ માટે આ લાઘવપૂર્ણ સાંકેતિક સૂત્રશૈલી વિદ્યાર્થીઓ માટે સાચે જ ઉપકારક સિદ્ધ થાય એવી છે. આ દૃષ્ટિએ આ શોધપત્ર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉભયને ઉપયોગી થાય એ હેતુથી કેટલાક પ્રવર્તમાન છંદોને ધ્યાનમાં રાખીને લઘુયત્ન કર્યો છે. આ સિવાય પણ અન્ય છંદો માટે પણ આ સૂત્રશૈલી વિશેષ ઉપયોગી સિદ્ધ થાય એમ છે. જેનો સૌએ વિનિયોગ કરવો ઘટે.

પ્રોફે.ડૉ.મહેશકુમાર એ. પટેલ, ગુજરાત આર્ટ્સ અને કોમર્સ કૉલેજ(સાંજ),અમદાવાદ