કવિતા અને છંદ


કવિતા અને છંદ વચ્ચે ગાઢ સબંધ છે.કાવ્ય માટે છંદને અનિવાર્ય ગણ્યો નથી.પણ કવિતા છંદ કે લયમાં લખાતી આવી છે.ગેપ તેમજ છંદોબધ્ધ મનમોહક કાવ્યો લખાયા છે,લખાય છે,ને લખાશે.છંદશાસ્ત્રનો ભૂતકાળનો ઈતિહાસ તપાસીએ તો જણાશે કે સુપ્રસિધ્ધ સંસ્કૃત કવિતા છંદમાં પ્રયોજાઈ છે,પરંતુ કવિતાની વ્યાખ્યામાં છંદને લક્ષણ જણાવ્યું નથી.કવિતા દેશી રાગ અને ઢાળમાં થતી હતી,થઇ શકે છે,એજ રીતે ગદ્યમાં અને બોલચાલની ભાષામાં પણ કાવ્ય રચવાના પ્રયોગો થયા છે.આમ કવિતા માટે છંદ ઉપકારક છે,પણ અનિવાર્ય નથી.છંદ એ કવિએ પોતાની કાવ્યભાષા માટે સ્વેચ્છાએ સ્વીકારેલી ભાષાભાત છે અથવા આવકારેલું બંધન છે.આ બંધનમાં રહીને એ ભાષાની શબ્દની નાદલયની શક્તિનો કસ કાઢવા માંગતો હોય છે.છંદોલયનું જ્ઞાન કવિ માટે જરૂરી છે.

કોઈપણ ભાષાના સાહિત્યની રચનાના બે ભાગ પડે છે.૧ .ગદ્ય અને ૨.પદ્ય. જયારે સાહિત્યકાર પોતાના ભાવોને છંદોબધ્ધ એટલે કે યતિ,માત્રા,ગણ વગેરેના બંધનમાં બાંધે છે તત્યારે આપણે તેને પદ્ય કહીએ છીએ.પરંતુ સાહિત્યકાર પોતાના વિચારભાવોને બંધનમાંથી મુક્ત થઈને રજુ કરે છે ત્યારે તેને આપણે ગદ્ય તરીકે ઓળખીએ છીએ.સામાન્ય રીતે કાવ્યનો અર્થ પદ્ય થાય છે,છતાં કાવ્યના વિસ્તૃત અર્થના ફલક પર તેનો ગદ્યમાં પણ સમાવેશ થાય છે.

કવિતા વ્યક્તિના પ્રાણનું સંગીત છે.કવિતાનો સ્વભાવ જ લયયુક્ત થવાનો છે.જેમ નદીનો તટ પોતાના બંધન વડે નદીના પ્રવાહની ગતિને સુરક્ષિત રાખે છે,તેના વગર મુક્તિનો સ્વપ્રવાહ ખોઈ બેસે છે,તેમ છંદ પોતાના નિયંત્રણ વડે રાગને સ્પંદન-કંપન અને વેગ આપીને નિજીવ કરી દે છે.વાણીના અનિયંત્રિત સ્વરો પર આનાથી નિયંત્રણ આવી જાય છે.સ્વર તાલયુકત બને છે.તેમાં સ્ફૂર્તિ આવે છે.રાગના છુટા છવાય સ્વરો એક વૃતમાં બંધાઈ જાય છે.તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે.માટે જ કહી શકાય કે પદ્ય પોતે જ છંદોબધ્ધ બને છે.જેમ ચંદ્રની રાત્રીમાં સફેદ ચાંદની સ્વયં શીતળતા આપે છે.સૂર્યના કિરણોમાં પ્રકાશ હોય છે,ગુલાબના પુષ્પમાં કુદરતી રીતે જ સુવાસ રહેલી છે.તેમજ શ્રેષ્ટ કવિતા સ્વત: છંદોબધ્ધ હોય છે.

‘काव्यं रसात्मकं वाक्यम्’|“રસ જેનો આત્મા છે એવું વ્યાક્ય તે કાવ્ય.”વ્યાખ્યા કાવ્યકલાના ઉપાસકોમાં માન્ય છે.છંદ એ કાવ્યનું આવશ્યક અંગ નથી.વસ્ત્રાભૂષણો માનવના દેહ (શરીર) સૌષ્ટ્વને નિખારે છે, મનમોહક બનાવે છે.છતા તે માનવની વ્યાખ્યામાં આવી શકે નહિ.તે જ રીતે છંદ કવિતાની વ્યાખ્યામાં મૂકી શકાય નહિ.છંદોલય કવિ માટે શબ્દ જેટલું જ મહત્વ ધરાવે છે.કયા ભાવ માટે કયો છંદ માફક આવશે એ કવિઓ ખ્યાલ રાખતા હતા.આજે ગદ્ય લખનારે પણ નાદલય ઉદબોધન વગેરેનો ખ્યાલ રાખવો પડે છે.’કવિતા કાનથી વાંચો’ આવું કેહવામાં આવે ત્યારે કવિતા કાનની કળા છે. એ શબ્દના નાદ્લાયનો મહિમા જ દર્શાવે છે.

પ્રકાર અને ગણ-ચરણની સંખ્યાથી નિયંત્રિત કાવ્યલયનું કોઈપણ સ્વરૂપ તે છંદ- લય પરના સંખ્યાના નિયંત્રણથી છંદ જન્મે છે.ગણના એની સાથે જોડાયેલી છે.વાણીનું ડોલન (RHYTHM) મનુષ્ય શરીરની સુંદરતાની જેમ હૃદયના ધબકારા કવિતામાં સહજન્ય છે.ગેયતા કે છંદોબધ્ધના કવિતાના દેહ સાથે જન્મતી નથી.વાણીનું ડોલન કવિતાસુંદરીની કુદરતી શરીર શોભા છે.છંદએ સુંદરીને ધરાવેલું આભુષણ છે.

છંદોલય કવિની માનસિકતા છતી કરે છે.ઉશ્કેરાટ સમયે,હિંચકે હિંચતો હોય ત્યારે,આરામ ખુરશીમાં ડોલતો હોય ત્યારે હાથપગથી સંગીતનૃત્ય કરતો હોય ત્યારે માનવીની વિચાર પ્રકિયા બદલાય છે.એટલે આ બધું ભીતરમાં હોય તો કવિતામાં આવે જ છે.કવિતામાં છંદ તાણીતુસીને પરાણે લાવવાનો નથી.કવિનું સંવેદન તાલ-લય સાથે શબ્દ ઝુમખામાં જન્મે છે.માટે સોનેટ લખનારને પહેલી પંક્તિછંદ માં જ મળે,ગીતકારને પંક્તિ લયમાં મળે અને ગઝલ લખનારને એવા મિજાજ તાલમાં પંક્તિ સ્ફ્રરે છે.

છંદ અર્થભેદને પ્રભાવક બનાવે છે,ભાવને મુલાયમ રીતે રજુ કરે છે,તો છંદ વડે થોડીક પંક્તિઓમાં વિશિષ્ટ શબ્દચિત્રો ઉપસાવી શકાય છે.બ.ક.ઠાકોરની સોનેટ કાવ્યપંક્તિ – ‘બેસી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં’ – મંદાક્રાંતા છંદમાં છે.જેની નાયિકાના ત્રણ શબ્દચિત્રો કાવ્યમાં પ્રગટ થાય છે.છંદનું મહત્વ ન સ્વીકારીએ તો આપણા અનેક ઉત્તમ કવિઓએ છંદમાં કરેલા પ્રયોગો અને ઉત્તમ છંદવિનિયોગનું મૂલ્ય સ્વીકારવું જ પડે.આમ છંદ કવિતાનું જીવંત ને મહત્વનું ઉપકરણ છે.કાવ્ય હૃદયની રાગાત્મક વૃત્તિઓ તરફ મુખ્યત્વે ઢળે છે.તેથી તેમાં લય ઉપર ભાર મૂકવામાં આવે છે.કલાનો સબંધ હૃદય સાથે રહ્યો છે.આથી ચિત્ર સંગીત અને કાવ્યને પરસ્પર ગાઢ સબંધ છે.’લય’ એ સંગીતનું અર્પણ છે અને છંદમાં લય જરૂરી છે.કાવ્યમાં છંદનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.પદ્યસાહિત્યના મૂળભૂત આધાર તરીકે છંદ કેન્દ્ર સ્થાને છે.

આપણી કવિતામાં છંદના પ્રયોગો ખૂબ થયા છે.નવલરામ પંડ્યાએ દહેશત વ્યક્ત કરી હતી કે અક્ષરમેળ છંદો ગુજરાતી ભાષાના સ્વભાવને માફક નહિ આવે.આપણા કવિઓએ છંદમાં ઉત્તમ કામ કર્યું હોવા છતા છંદ પ્રયોજનમાં ભાષાગત મુશ્કેલીઓ થયાના ઘણા દ્રષ્ટાંતો છે.આપણી કવિતામાં પદ્યબંધની તપાસ મોટા સંશોધનનો વિષય છે.કવિ સ્વ.ઉમાશંકર જોષીએ ‘મેજર પોએમ’ લખનારે છંદ તરફ વળવું પડશે એવી વાત કહેલી.કેટલાકને માટે કદાચ છંદો પ્રતિકૂળ છે.ભાષામાં તો માત્રામેળ,દેશીરાગો ઢાળો કામે લાગે? આ બધા મુદ્દાઓ છંદોલયના અભ્યાસી માટે પડકારરૂપ છે.

સંદર્ભ :-

  1. (૧) ગુજરાતી વિવેચનનો અનુબંધ ગ્રંથ – ૨ સંપાદક – ચંદ્રકાંત ટોપીવાળા.
  2. (૨) સરળ ગુજરાતી વ્યાકરણ – ડો.ભરતકુમાર ઠાકર
  3. (૩) સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો – મણિલાલ.હ.પટેલ, પુરુરાજ જોષી , હરિશ પંડિત, પી.જે.પટેલ
  4. (૪) કાવ્ય શબ્દ – હરિવલ્લભ ભાયાણી
  5. (૫) કવિતા અને સાહિત્ય – ૧. રમણભાઈ નીલકંઠ
  6. (૬) ગુજરાતી કવિતાનો આસ્વાદ – સુરેશ જોષી.

નિલાબા દિલીપસિંહ ઝાલા, અધ્યાપક, સરકારી આર્ટસ & કોમર્સ કોલજ, કડોલી. તા.હિમતનગર,જી.સાબરકાંઠા.