લઘુકથા

જાત

હરીશ મહુવાકર

શ્રીમતી સમાચાર આપતા હતા, ‘ અરે, બાપ રે ! આજે કાંઇ ભીડ ! મામા મહિનો લોહી પી ગયો. પગ મૂકવાની જગ્યા ન મળે. હવે આ ઉજ્જૈનનો મેળો પૂરો થાય તો સારું. નવ ડબ્બાની ટ્રેઇન પાંચ ડબ્બાની થઇ ગઇ એમાં આ બધી હાડમારી છે.’
‘ હા, હમણાંથી એવું હોય છે.’
‘અને આજે એક ભાઇ ચાલુ ગાડીએ ઉતરવામાં કપાઇ ગયા.સ્ટેશન આવ્યું. ગાડી ધીમી પડી. ખૂબ ગીર્દી એટલે બારણે વહેલા જઇને ઊભા. ગાડી ઊભી રહે એ પહેલા ધક્કો આવ્યો અને પાટાની વચ્ચે ઘૂસી ગયા.’
‘ અરે બાપા રે....’
‘ ભયંકર ઇજા થઇ હશે. ગાડી કંઇ બચવા દે ? માણસ કપાઇ મર્યો આવું કહે છે બધા. રોજ અમારી સાથે હોય છે ટ્રેઇનમાં. એલ.આઇ.સી.માં નોકરી કરે છે. આ સરકાર પણ નક્કામી થઇ ગઇ છે. એ માણસ સાંજનો મોડે સુધી કામ કરતો હોય છે. ઓફિસ અવર્સ પછી એ ધ્યાને નથી આવતું કોઇને. વહેલા પહોંચવાની લાયમાં જલ્દી જલ્દી ઉતરવા બેબાકળા હોય છે આ બધા અપ – ડાઉન કરતાં કર્મચારીઓ.’
પછી આખો દિવસ એ માણસે મને પજવ્યો. એની પત્ની મનમાં આવી, સાંજે પપ્પા પરત આવ્યાની બાળકોની ખુશી ઉપસી આવી. કુટુંબની નાની – નાની ખુશીઓ કેવી મોટી – મોટી મિરાત હોય છે ! આવું બધું ઢગલો થઇ રહ્યું મારી સામે. ન ભાવ્યું બપોરનું ભોજન. ન લાગ્યું કશે મન. ઉખડ્યો ઉખડ્યો રહ્યો હું.મને ય સમજાતું નહોતું મારી જાત શા માટે આમ ? એ મારો કોઇ સગો નહોતો ! નહોતો હું એને ઓળખતો ! નહોતો એ કદી મારી સામે આવેલો.
સાંજે વળી શ્રીમતીએ વાતનું અનુસંધાન કર્યું, ‘ પેલો ભાઇ બચી ગયો છે હો ! પણ ભયંકર ઇજાઓ થઇ છે. તાત્કાલિક સારવારને લઇને બચી ગયો છે. ભાવનગર હોસ્પિટલમાં શીફ્ટ કર્યો છે !’
ખબર નહી પણ મન હળવું હળવું થઇ રહ્યું. આપોઆપ ઇશ્વરને હાથ જોડાઇ ગયા. હું બોલી ઉઠ્યો, ‘ થેંક ગોડ !’
જાણે મારી જાત બચી ગઇ હોય એમ.

હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002, મો. : 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com