સામાજિક સુધારણા માટે અખાના કાવ્યત્વમાં અભિવ્યક્ત થતા વિવિધ છન્દ પ્રયોગો


કાવ્ય, વાર્તા, નવલકથા, નવલિકા, દુહા-છંદ-ચોપાઈ આ બધા સાહિત્યના મહત્વના અંશ છે. સાહિત્યને સાહિત્યકારો જે રીતે જુએ છે તેના કરતાં સમાજશાસ્ત્ર જુદા દ્રષ્ટિબિંદુથી જુએ છે. સાહિત્યનો સીધો સાદો શાબ્દિક અર્થ એ છે જે લખાયુ હોય, શબ્દોમાં પ્રગટ થયુ હોય તે સાહિત્ય શબ્દ અને અર્થના સાહિત્યપણાંથી તેના જોડાણ, સાયુજ્યમાંથી સાહિત્ય બને છે.

સમાજ અને સાહિત્ય એ એક સિક્કાની બે બાજુ છે. સમાજમાંથી ઉઠતું દરેક વમળ સાહિત્યને સ્પર્શે છે. કારણ કે સાહિત્યકાર એ આખરે સમાજનો જ એક મહત્વનો એકમ એટલેકે વ્યક્તિ છે. સાહિત્યકાર જે તેસમયમાં યુગમાં થયો હોય તે તે વખતનાં સમાજના દર્પણને તે સાહિત્ય સ્વરૂપે આલેખે છે, પ્રગટ કરે છે.

સાહિત્ય એટલે કે ધાર્મિક સાહિત્ય, માનવવિદ્યાઓ, ભાષા સાહિત્ય, તત્વજ્ઞાન અથવા દર્શન, સમાજ વિજ્ઞાન, વિજ્ઞાન આ તમામ વિદ્યાશાખાનું લખાણ એટલે સાહિત્ય. વ્યાપક અર્થમાં જોઈએ તો, ભગવદગોમંડળને ટાંકીને લખીએ તો કાવ્ય, નાટક અને લલિત રસિક ભાવવાળુ કલ્પના પ્રદાન વાઙમય, આનંદ ઉત્સાહ ઉપદેશ અને રસ ઉપજાવે તેવું મનોરંજક લખાણ.

કબીરજી જેવા જ નિર્ગુણબ્રહ્મના આગ્રહી, રૂઢીભંજક અને સમાજના દંભના પડદાને ચીરનાર અને સમાજ સુધારણા કરનાર ભક્ત ગુજરાતમાં થયા છે. એમના ચોપાઈ-છપ્પાની કેટલીક પંક્તિઓ તો લોકોને કંઠે થઈ ગઈ છે. તે રૂઢિભંજક, જ્ઞાની કવિને તે અક્ષયદાસ ઉર્ફે અખાભગત. અખો એ જ્ઞાની કવિ છે. એના જમાનામાં એટલે કેવિક્રમના 17 – 18 સૈકામાં સમાજમાં એશ આરામ, ભોગવિલાસ, દંભ વગેરે ચારેકોર જણાતાં હતાં. વહેમોની તથા ક્રિયાકાંડની લોકમાનસ પર જબરજસ્ત અસર રહી. આવા સમાજમાં સુધારણા, સામાજિક પુનરૂત્થાનનું કાર્ય સાહિત્ય દ્વારા છપ્પા અને ચોપાઈ દ્વારા થાય તેવું અખા ભગત ઈચ્છતા હતા. તેથી જ તેમના સાહિત્ય-સર્જનમાં ભાષા ખૂબ જ કલીષ્ટ અને ચાબખાભરી તેઓ વાપરતાં. તેથી જ તેઓ કડખેદ એટલે કે સમાજસુધારક કવિ કહેવાયાં.

અખા ભગત એક અનુભવી સજ્જન તરીકે સમગ્ર સમાજને બોધ આપતાં. સામાન્ય જનસમાજને સમજાઈ તેવું, તળપદાં ઉદાહરણો આપીને અખાએ સ્પષ્ટ અને મનમાં સોંસરવું ઉતરી જાય તેવું પૃથ્થકરણ કર્યું છે. કેટલીક વખતતો કબીરજી જેવો અખાની વાણીમાં સરખો ભાવ અનુભવાય છે.

અખા વખતનો સમકાલિન સમાજ ખૂબ જ રૂઢિચુસ્ત, પક્ષા-પક્ષી, ઈર્ષ્યાખોર, નકારાત્મક, સ્ત્રી પરાધિનતા, ધર્મના નામે ખોટી અંધશ્રધ્ધા, એશ આરામ, ભોગવિલાસ, દંભ, વહેમો અને ક્રિયાકાંડ થી ઘેરાયેલો હતો. આ બધી સમાજની અધોગતિ જોઈને અખાએ તેની સંવેદના અને સમાજ ઉજાગર, સુધારણા તેમજ પુનરૂત્થાન કરવાનું કાર્ય પોતાના કાવ્યત્વમાં અભિવ્યક્ત કરી લોકોને તેમાંથી ઢંઢોળવાનું કાર્ય કર્યું. તે માટે તેમણે ખૂબ જ વિરોધ, સંતાપ, દુઃખ અને નફરત સમાજના સહન કર્યાં, પણ પોતાના છપ્પ, ચોપાઈ વગેરેને જુદા જુદા છન્દ પ્રયોગો દ્વારા અભિવ્યક્ત કરીને સમાજ-સુધારકનું કાર્ય કર્યું. તેઓએ સામાજિક સુધારણાં માટે વિવિધ છન્દ પ્રયોગો જેવાં કે, અનુષ્ટુપ, ઉપજાતિ, ઈન્દ્રવૃજા (સ્વતંત્ર), ઉપેન્દ્રવૃજા, દોહરો અને બીજા છન્દના પ્રયોગો કરી સંવેદના અભિવ્યક્ત કરી. અખાના ચોપાઈ, છપ્પાનું પ્રમાણ તો ખૂબ જ વિશાળ છે. તે વાંચતા હોઈએ ત્યારે ઉપનિષદની ભાષા બોલતા હોઈએ તેવું આપણને લાગે છે. અખાનાં છપ્પાં એ છન્દની દ્વષ્ટિએ ચોપાઈ છે.

અખા ભગત જ્ઞાની કવિ હતાં એટલે પોતાની કૃતિમાં અને છન્દપ્રયોગોમાં તેમણે ઢોંગ અને આડંબરભર્યા કર્મકાંડની બેરહમ ટીકા કરી છે.

વિક્રમના 17 – 18 માં સૈકામાં સમાજમાં એશ આરામ, ભોગવિલાસ, દંભ વગેરે ચારેકોર જણાતાં હતાં. વહેમોની તથા ક્રિયાકાંડની લોકમાનસ પર જબરજસ્ત અસર રહી હતી. દંભી, લેભાગુ ગરૂશિષ્યો, સાચા સંત, જ્ઞાની પુરૂષનાં લક્ષણો, માથાનાં છેતરામણાં સ્વરૂપો, જીવ-ઈશ્વર સંબંધ, છૂતા-છૂત સાચો વૈરાગ્ય, વાણી વિલાસ, બુધ્ધિવાદ, વહેમ કે પ્રાબલ્ય વગેરે વિષે દ્રષ્ટાંત આપીને છન્દ પ્રયોગો દ્વારા ઉપમા જેવા અલંકારોનો ઉપયોગ કરીને સમાજને અખા ભગતે સાવધાન કર્યો છે. તેની કલમમાં સમાજ સુધારણાં સમાજ ઉજાગરપણું કેન્દ્ર સ્થાને છે. તેઓ સમકાલીન સમાજનું સચોટ બયાન કરીને રૂઢિચુસ્ત અને હલકી વિચારસરણી વાળા સમાજનાં લોકોનો ખોફ વહોરી લેતાં. તેમનો બહિષ્કાર, ટીકા બધું સહન કરતાં પણ તેમણે તેમના સાહિત્ય દ્વારા સુધારણાં કરવાનું જે બીડું ઝડપ્યું હતું તેમાં કયારેય પાછી પાની કરી નથી અને તેઓ સાચા અર્થમાં કડખેદ પુરવાર થયાં છે.

અખા ભગતે એકેશ્વરવાદી, માનવતાવાદી, ઉદારમતવાદી, બુધ્ધિવાદી અને વિચારસરણીનું વિશિષ્ટ ઘડતર કરનાર સ્વાતંત્ર્યપ્રેમી, વિજ્ઞાનવાદી, શિક્ષણપ્રેમી અને સાચાં રાષ્ટ્રવાદી હતાં. તેથી, તેમણે રૂઢિચુસ્તતાનો પ્રખર વિરોધ કરીને પોતાના છન્દ પ્રયોગો, ચોપાઈ, છપ્પાં દ્વારા સમાજ પર કોરડા અને ચાબખાંનો પ્રહાર કર્યો. જેથી, સમાજ ઉજાગર થાય, કડવી પણ સચોટ સંવેદના તેમાં અભિવ્યક્ત થાય છે. આમાંથી તેમનું લોખંડી પુરૂષ જેવું વ્યક્તિત્વ ઉભરી આવે છે.

કહે અખો હું ઘણું યે રહ્યો, હરિને કાજે મન આવરયો
ઘણાં કૃત્ય કર્યાં મેં આજ, તોયે ન ભાગી મનની દાઝ

દરશન વેશ જોઈ બહુ રહ્યો, પછે ગુરૂ કરવાને ગોકુલનાથ ગયો
એક અફીણ બીજો સંસારી રસ, અધિક કરે વિષ આપે કય થાય
જયમ જયમ અધિનું ખાતો જાય, (ત્યમ) અંગે અક્કલ રીણો,
જો મૂકે તો મૂકે સરે, નહિં તો અખા તે ખાતો જ મરે

ભાષાને શું વળગે ભૂરે? જે રણમાં જીતે તે શૂર
સંસ્કત બોલ્યે શું થયું ? પ્રાકૃતમાંથી નાશી ગયું ?
બાવનનો સઘળો વિસ્તાર અખા ત્રેપનમાં જાણ્યે પાર

તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકા ગયાં
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તોય ન પહોચ્યો હરિને શરણ
કથા સુણી સુણીને ફૂક્યા કાન, અખા તો ય ન આવ્યું બ્રહ્મલીન

જ્ઞાન વિના ભક્તિ નવ થાય, જયમ ચથુ હીલો જ્યાં ત્યાં અથડાય
તે માટે જ્ઞાની ગૂરૂ કરો, જે હરિ દેખાડે સભર ભર્યો
(પણ) ગુરૂ જ અખા ન જાણે રામ, તે શિષ્યને શું આપે નામ ?

હરિજન સ્વેં હરી નહીં માનવી, જ્યમ સલિતા ભળી જાનવી
એની નિંદા કરતાં કૂટ, વિજ આત્મ શું પડશે ત્રુટ
હરિજન સર્વાંગે હરિ વડે, અખાવેલો તાણ્યો આવે થડે.

આવા અગણિત છપ્પા અને છન્દ પ્રયોગો દ્વારા અખા ભગત સમાજસુધારક તરીકે ઉજાગર થયા. સુધારણા માટે તેમણે સર્વધર્મ સમભાવ, ઉદાર બુધ્ધિવાદનો સમન્વય કરી વિશિષ્ટ પદ્ધતિથી ભારતમાં નવજાગૃતિ લાવવાનું તથા સર્વાંગી સુધારણાન પાયો નાંખવાનું કાર્ય કર્યું. ધાર્મિક સુધારણાની નીતિમાં મૂર્તિ પૂજા અને કર્મ કાંડનો વિરોધ કરી અંતઃકરણની શુધ્ધિ પર ભાર મૂક્યો. સાર્વત્રિક માનવજાત માટે એક જ વિશ્વધર્મ. ધર્મને નામે નિવૃતિ ખોટા વહેમો ઉપજાવી બેઠાં-બેઠાં કાર્ય ન કરનાર માટે તેમણે નિવૃતિને બદલે પ્રવૃતિ પર ભાર મૂક્યો. ગ્રંથ પ્રમાણ્યવાદનો વિરોધ કર્યો. સામાજિક સુધારણા માટે જ્ઞાતિપ્રથાનો વિરોધ, સ્ત્રીજીવનમાં સુધારણા પક્ષાપક્ષી, ઊંચ-નીચના ભેદભાવ, સ્ત્રી પરાધીનતાની અન્ય પ્રથાઓનો તેમણે વિરોધ કર્યો. શિક્ષણ સુધારણા માટે તેમણે પ્રચલિત રૂઢિવાદ અને અંધશ્રધ્ધા પર રચાયેલ સંસ્કૃતિ શિક્ષણનો વિરોધ કરી સંગઠિત શિક્ષણની સ્થાપના કરી. આ રીતે તેમણે સામાજિક, ધાર્મિક, શિક્ષણ અને સ્ત્રી જીવનમાં સુધારણાની જેહાદ જગાવી. તે સંવેદના તેના છપ્પાંનો છન્દ પ્રયોગમાં અભિવ્યક્ત થાય છેં.

આ ઉપરાંત ખર્ચાળ લગ્નો, ખર્ચાળ મૃત સંસ્કાર, બહુ પત્ની પ્રથા, જ્ઞાતીભેદ, અસ્પૃશ્યતા, મદ્યપાન વગેરે પ્રથાઓનો વિરોધ પણ છપ્પાં દ્વારા અભિવ્યક્ત કર્યાં.

અખા ભગતના જીવન અંગે કણોપકર્ણ વહેતી કિવંદતીના આધારે કહીએ તો તેમણે સંસારના દુઃખ સાગરમાં ડૂબકાં ખાઈને ના હિંમત થયા વિના તળિએ જઈને જ્ઞાનમૌક્તિક શોધી કાઢયા. સંસારમાં સાચુ શું છે ? સનાતન શું છે ? તે શોધવા તેમણે પોતાનો સોનીનો ધંધો બંધ કરી સંસારથી મુક્ત થઈ યાત્રાએ નિકળી પડયાં. સાંસારિક અત્યંત દુઃખે તેમને રૂઢિભંજક અનુભવી કવિ, અનુભવી સજ્જન બનાવ્યાં, બોલચાલના અનેક ઉપયોગ દ્વારા તથા પ્રચલિત કહેવતોના દાખલાં મારફત આપણાં દિલમાં તે અંગત સલાહકારની છાપ ખડી કરે છે. સામાન્ય જન સમાજને સમજાય તેવાં તળપદાં ઉદાહરણો આપીને અખાએ સ્પષ્ટ અને મનમાં સોસરવું ઉતરી જાય તેવું પૃથ્થકરણ કર્યું છે.

અખા ભગત ગુરૂતત્વના હિમાયતી અને પ્રશંસક છે. સાથે સાથે ઢોંગી, અધકચરા તથા બની બેઠેલા ગુરૂઓના કડક આલોચક છે. તેઓ હાડચામવાળાં ગુરૂ નહી પણ પરમતત્વને ગુરૂ માને છે કે જે સંસારલોકમાં જણાતાં જન્મ મરણના ચકરાવામાંથી મુક્ત કરે છે. તેમણે સાચાં વિચારવંત જ્ઞાની જનની વ્યાખ્યા આપી કહ્યું કે, તેઓ સંસારના બધાં છળ કપટ અને પ્રપંચોથી દૂર રહે છે. જેઓ વાસના વિજયી હોય છે. તેઓ સમાજના લોકો માટે કહેતાં કે અહંકાર છોડો જગદીશને સ્મરો. દેશાભિમાનવાળા ઢોંગી, વૈષ્ણવનો તેમણે તિરસ્કાર કરેલો. તેઓ માનતા કે રહેણી અને કરણીમાં માનવી અભેદ હોવો જોઈએ. બોલવાનું જુદુ અને આચારવાનું જુદું. હોય તો એનો હેતું સરતો નથી. એનો દહીને બદલે પાણી વલોવવા જેવુ, બુધ્ધી વિનાનું કામ ગણાય. વર્ણાશ્રમને જડની માફક વળગી રહેનાર માણસ અજ્ઞાની છે. બાહ્યાચારને લીધે અંધ છે. આ ભેદભાવતો માથારૂપી જાદુંગરિણી જેવું છે. ધર્મના ઉપર ઉપરનાં હાડચામ જેવાં ઉપરનાં અવતરણો છે. બ્રહમ તો અંત સ્તત્વમાં હ્રદયમાં રહે છે. ઉંચ-નીંચના ભેદભાવો, જ્ઞાતિવાદ, વાડાબંધી, નાત-જાતનાં ખ્યાલો સંસારને ડૂબાડે છે. વિષયી પુરૂષો કુ-બુધ્ધિ, વાદ-વિવાદ તથા વિતંડાવાને જ્ઞાનમાં ખપાવે છે. ધર્મના દંભીને તેઓ સાચા ભક્તિમાન ગણે છે. પલાયનવાદીઓને, ક્રોધી લોકોને, લડાયક, જુદાં રહેનાર લોકોને વૈરાગ્યવાળા માને છે. હંસના આસન પર કાગડાને બેસાડવા જેવી હાસ્યાપદ વાત છે વિષયી અને ક્રોધી, અને સાચા ભક્ત તથા સાચા વૈરાગી વચ્ચે આભ જમીનનું અંતર છે.

આમ અખા ભગતે વ્યક્તિના વ્યક્તિત્વનો સ્વીકાર, બુધ્ધિવાદીતાનો સ્વીકાર, ઈહલોકનો સ્વીકાર કરીને સાચો વાસ્તવવાદ આપ્યો છે. તેમણે આમ છન્દ પ્રયોગ દ્વારા સમાજના દરેક ક્ષેત્રો જેવાં કે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય, આર્થિક અને શૈક્ષણિક જેવા ક્ષેત્રોના દરેક પાસાંને આવરીને તેના ખોટાં મૂલ્યો દૂર કરી સમાજનાં લોકોને સોસરવું ઉતરી જાય તેવું લખાણ લખી સમાજને શાબ્દીક ચાબખાંને કોરડા દ્વારા જાગૃત કરવાનો પ્રયાસ કરી તેઓ સાચા અર્થમાં જ્ઞાની ભક્તિભાવપૂર્ણ, સદાચારી માનવ તરીકે અમીટ છાપ આપણાં મનમાં અને સમાજમાં છોડી છે.



સંદર્ભસૂચિ :

  1. 1. સાહિત્ય અને સમાજ- અનડા પ્રકાશન લેખક જે.કે. દવે
  2. 2. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન-અનડા પ્રકાશન લેખક એ.જી.શાહ, જે.કે. દવે
  3. 3. ભારતીય સંસ્કૃતિ - લેખક ડૉ.કૌશિક મહેતા
  4. 4. કૃષ્ણ સંભવામિ ખીલે ખીલે - લેખક ગુણવંત શાહ
  5. 5. સાઈલન્સ ઝોન - લેખક ગુણવંત શાહ
  6. 6. ગાંધી – નવી પેઢીની નજરે - લેખક ગુણવંતશાહ

ડૉ. ગીતા લાડવા, એસોસિયેટ પ્રોફેસર, ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ)