ગઝલના છંદોમાં લઘુ- ગુરુનું માપ


સાહિત્યનું સર્જન ગદ્ય યા પદ્યમાં થાય છે. બન્ને પ્રકારના સર્જનમાં લય અગત્યનો છે. ગદ્યનો લય અનિયમિત હોય છે જ્યારે પદ્યનો લય ચૌક્સ યા નિયમિત હોય છે. પદ્યનો નિયમિત લય અક્ષરોની ચૌક્સ ગોઠવણીને આભારી છે. સામાન્ય રીતે પદ્યના નિયમિત લયને છંદ કહી શકાય. છંદનું અસ્તિત્વ ઋગ્વેદ જેટલું પુરાણું છે. વેદનાં મુખ્ય છ અંગોમાં છંદનો સમાવેશ થાય છે. હજારો વર્ષોથી વૈદિક અને લોકિક છંદો પ્રચલિત છે. છંદશાસ્ત્રનો પ્રાચીન ગ્રંથ ‘છંદ: સૂત્ર’ આચાર્ય પિંગળ પાસેથી મળે છે. તેમના નામ પરથી છંદને ‘પિંગળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિંગળ શબ્દનો અર્થ “લઘુગુરુના પિંડનું જેમાં કથન છે તે પિંગલ” કરી શકાય.

ગુજરાતી ભાષામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના છંદો જોવા મળે છે: (1) અક્ષર મેળ (2) માત્રામેળ અને (3) લયમેળ. અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં લધુ અને ગુરુની વિભાવના પાયામાં છે. ગઝલ માત્રામેળી કાવ્યપ્રકાર છે. ગઝલના છંદો અતિ ચુસ્ત માત્રામેળ છંદો છે. તેથી તેમાં લઘુગુરુના ધોરણનો ચુસ્ત રીતે અમલ કરવાનો થાય છે. ગઝલના સંદર્ભે લધુગુરુની વિભાવના વિગતે જોઈએ.

અક્ષરોના ઉચ્ચારણમાં લાગતા જુદાજુદા સમયના આધારે અક્ષરોના લઘુગુરુ એવા પ્રકારો પાડવામાં આવ્યા છે. લઘુગુરુ અક્ષરોના ઉચ્ચાર સમયના પ્રમાણને ગઝલની પરિભાષામાં ‘વજન’ કહેવામાં આવે છે. ગુરુ અક્ષરના ઉચ્ચારણમાં લઘુ અક્ષર કરતાં વધુ સમય લાગે છે, તેથી ગુરુ અક્ષરનું વજન લઘુ અક્ષર કરતાં બમણું છે એમ કહેવામાં આવે છે. લઘુ અને ગુરુ અક્ષ્રર કોને કહેવાય તે જોઈએ.

લઘુ અક્ષર: હ્રસ્વ સ્વર અ, ઇ, ઉ, ઋ અને જે વ્યંજનોમાં આ હ્રસ્વ સ્વર મળેલા હોય તે અક્ષર ‘લઘુ’ ગણાય છે. જેમ કે, ક, કિ, કુ, કૃ, ર્ક વગેર.. લધુ અક્ષરો માટે ‘U’ અને ‘લ’ નિશાની વપરાય છે.

ગુરુ અક્ષર: દીર્ઘ સ્વર આ, ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અ: અને જે વ્યંજનોમાં આ સ્વર મળેલા હોય તે અક્ષર ગુરુ ગણાય છે. જેમ કે, કા, કી, કૂ, કે, કૈ, કો, કં, ક: ગુરુ અક્ષરો માટે ‘ _’ અને ‘ગા’ નિશાની વપરાય છે.

આ ઉપરાંત લઘુગુરુ અક્ષરોની ઓળખ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવાની છે:

  1. • જે સંયુક્તાક્ષરોના ઉચ્ચારણમાં આગળના વર્ણને થડકો લાગે તેવા લઘુ અક્ષરોને ગુરુ ગણવામાં આવે છે. ખાસ કરીને સંસ્કૃત તત્સમ શબ્દોમાં જોડાક્ષરના આગળના વર્ણને થડકો લાગે છે. જેમ કે, પુષ્પ, યત્ન, ઇષ્ટ, આયુષ્ય, મૃત્યુ, કૃત્ય વગેરે તેનું લગાત્મક સ્વરૂપ ‘ગાલ’ થાય છે. તદભવ અને દેશ્ય શબ્દને આવો થડકો લાગતો નથી. જેમ કે, ખસ્યું, ગમ્યું, વસ્યું, હસ્યું વગેરે.
  2. • જે લઘુ અક્ષરો ઉપર અનુસ્વારનું ઉચ્ચારણ તીવ્ર હોય તો તે લઘુ અક્ષરોને ગુરુ ગણવામાં આવે છે. દા.ત. કંપ, મંદ, અંત, જંગ, અંધ, કંભાર, જંજાળ વગેરે. આ અક્ષરોનું લયાત્મક સ્વરૂપ અનુક્રમે ગાલ, ગાલ, ગાલ, ગાલ, ગાલ, ગાગાલ, ગાગાલ થાય છે.
  3. • જે શબ્દો તળપદી બોલીમાંથી આવ્યા હોય અને અનુસ્વારનું ઉચ્ચારણ કોમળ યા મંદ હોય તે અક્ષરો લઘુ ગણવામાં આવે છે. દા.ત. કુંવાળી – લગાગા, સુંવાળી- લગાગા, કાણું- ગાલ, અહીં – લલ,
  4. • વિસર્ગવાળો અક્ષર લઘુ હોય તોપણ ગુરુ ગણાય છે. દા.ત. અંત: કરણ- ગાગાલગા, દુ:ખ-ગાલ,
ગઝલના છંદોમાં લઘુગુરુની છૂટછાટ ઘણીવાર જોવા મળે છે. છંદની આવશ્યકતા અનુસાર ક્યારેક એક માત્રા ઓછી કરવામાં આવે છે તો ક્યારેક એક માત્રા વધુ ગણવામાં આવે છે. તો ક્યારેક લઘુ અક્ષરનો લોપ કરવામાં આવે છે તો ક્યારેક ગુરુ અક્ષરને લઘુ ગણવામાં આવે છે. વિગતે આ બાબતો જોઈએ.

ગઝલના છંદમાં પદાન્તે આવતો લઘુ અક્ષર – લઘુ જ રહે છે યા કેટલીક વાર છંદની આવશ્યકતા અનુસાર તેનો લોપ થાય છે. તો ક્યારેક પદાન્તે આવતા લઘુ અક્ષરને આગળના લઘુ કે ગુરુ સાથે મેળવી ગુરુ ગણવામાં આવે છે.

ગઝલમાં છંદની આવશ્યકતા અનુસાર અને શબ્દોના ઉચ્ચારણ દરમ્યાન લાગતા સમયને આધારે બે લઘુ અક્ષરનો એક ગુરુ અક્ષર ગણવામાં આવે છે.

લલ =ગા ઉદાહરણો જુઓ:
ગુરુ= ગા, તિથિ = ગા, ઋણ = ગા, ગુણ = ગા
પવન= લગા, નયન= લગા, નરમ= લગા, અમર= લગા
કસરત= ગાગા, મનહર= ગાગા, સમયસર= (સ-મય- સર-)લગાગા, સરવર= ગાગા, વિમુખ= લગા, શિશિર = લગા, ગણિત= લગા,

કેટલીક વાર શબ્દાન્તે સ્વર આવતો હોય તો ઉચ્ચારણની સાહજિકતા ને લઈને લઘુ અક્ષરનો લોપ થાય છે. દા.ત. લખીએ, ફરીએ, સ્મરીએનું લયાત્મક રૂપ ‘લગાગા’ થાય છે પણ ઉચ્ચારણની દૃષ્ટિએ તેનું રૂપ ‘ગાગા’ વધુ અનુકૂળ આવશે.

નજીક રહેલા બે લઘુ અક્ષરોમાં એક કે બે લઘુ અક્ષરો હ્રસ્વ ઇ કે ઉ સ્વરભાર વાળા હોય તો તે બંને લઘુ અક્ષરો લઘુ તરીકે જ સ્વીકારવા પડે છે. દા.ત. રવિ= લલ, પિયુ= લલ, કુળ= લલ, ઋણ= લલ, તિથિ= લલ

સામાસિક શબ્દ હોય અને તેમાં પ્રથમ શબ્દ લઘુથી અંત પામતો હોય ને બીજો શબ્દ લઘુથી શરૂ થતો હોય તો ત્યાં બન્ને લઘુ અક્ષરો લઘુ જ રહે છે. જેમ કે, રાજકમલ= રા-જ-ક-મલ = ગાલલગા, કામગરું= કા-મ-ગ-રું= ગાલલગા, રાજરમત=રા-જ-રત=ગાલલગા, કુવચન=કુ-વ-ચન= લલગા,અસહાય= અ-સ-હા-ય= લલગાલ

ગઝલના છંદોમાં લઘુગુરુની માપણી શબ્દોના ઉચ્ચારણ વખતે અક્ષરો પર આવતા વજનને આધારે કરી શકાય છે.

ડૉ. બિપિન ચૌધરી, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદ મો. 9428168797