એક અનુભૂતિ, એક છંદ : બે અભિવ્યક્તિ
પંડિતયુગ અને ગાંધીયુગના બે સમર્થ કવિની કાવ્યકૃતિ અને તેમાં પ્રયોજેલ છંદ વિશે વાત કરવા વિચાર્યું છે. પંડિતયુગના પ્રયોગશીલ કવિસ્વભાવના બ.ક. ઠાકોરનું 'ભણકારા' અને ગાંધીયુગના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીનું 'નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા' વિશે કેટલીક ચર્ચા કરવી છે. બંને સર્જકોએ પોતાની સમકાલીન કવિતાને ઘડવામાં બહું મોટી ભૂમિકા ભજવી છે. બંને અગ્ર હરોળનાં કવિ છે.
જુદા જુદા સમયના બે સર્જકને થયેલ કાવ્યસર્જનસ્રોતના સાક્ષાત્કારની એક અનુભૂતિ. એ અનુભૂતિની અભિવ્યક્તિ એટલે બ. ક. ઠાકોરનું મે-૧૮૮૮મા આકારબદ્ધ થયેલ સૉનેટકાવ્ય 'ભણકારા' અને ઉમાશંકર જોશીનું ઓક્ટોબર-૧૯૨૮મા રચાયેલું સૉનેટકાવ્ય 'નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા'. કાવ્યસર્જન બનતાં નિમિત્તની પ્રસ્તુતિ માટે બંનેને કવિતાનું સૉનેટ સ્વરૂપ હાથ લાધે છે. સૉનેટ સ્વરૂપની સાથે સાથે બંનેને સૉનેટનો પેટ્રાર્કન પ્રકાર માફક આવે છે. બંનેની પ્રાસ જાણવણી પણ રસપ્રદ છે- બ. ક. ઠાકોર કકખખખખગગ ઘઘચચછછ તો ઉમાશંકર જોશી કખખકગઘઘગ ચછચછજજ. બંનેની વાણી મંદાક્રાંતા છંદમાં કાવ્યદેહ પામે છે. બંને કૃતિઓ સ્વરૂપની દૃષ્ટિએ તો મહત્વની બને જ છે સાથે સાથે કાવ્યની દૃષ્ટિએ પણ નોંધપાત્ર બની રહે છે.
આ બંને સૉનેટ રમ્ય પ્રકૃતિના આહ્લાદક અનુભવની નીપજ છે. બંનેમાં પ્રકૃતિના તત્ત્વો પણ સમાન છે- વિશાલ જળરાશી, એ જળરાશીના તટ પરના વૃક્ષો, ધૂમસ, પવન, રાત્રી, ચાંદની, આકાશ અને તારા. જાણે બંને કાવ્યમાં પ્રકૃતિના પાનથી કવિહૃદય 'અનાયાસ' કાવ્યસર્જન કરવા પ્રેરાય છે. અહીં તત્સમ પદાવલીની મદદથી બંને કવિ ચિત્ર આલેખી આપે છે. પ્રકૃતિનું સુંદર ચિત્ર પણ મનોહારી બની રહે છે.
ગુજરાતી ભાષાનાં સૉનેટની રચાનાકલા દાખવતાં આ બંને સૉનેટ કેટલુંક સામ્ય પણ ધરાવે છે. જેમાં અનુભૂતિ અને છંદ પણ ખરા. અહીં પરખાય છે બંને કવિઓની મંદાક્રાંતા પરની પકડ, ઓળખ અને અભિવ્યક્તિની ખાસ કાઢવાની ક્ષમતા. તો સાથે સાથે ક્યાંક છંદ જાળવવા હ્રસ્વ-દીર્ઘમાં બાંધ-છોડ કરાય છે તો ક્યાંક પર્યાય પ્રયોજાય છે. અને આમાં જ જાણે કવિના સર્જનવ્યાપારની સિદ્ધિઓ અનાયાસ દૃષ્ટિગોચર થાય છે.
બંનેની આલેખનરીતિ પણ ઘણી સમાન જોઈ શકાય છે. બંનેની પ્રથમ પંક્તિ જ જુઓ : (અહીં જોડણી જે-તે કૃતિની ટેક્સ પ્રમાણે રાખી છે)
'આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે' -ભણકારા
'પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય' _નખી સરોવર ઉપર...
બ.ક. ઠાકોરને છંદનું બંધારણ જાળવવામાં એક જગ્યાએ બાંધ-છોડ કરવી પડી છે જ્યારે ઉમાશંકર જોશીને ત્રણ જગ્યાએ. આમ, બંને સૉનેટને સરખાવીએ તો સહજ જ ઉમાશંકર જોશી કરતાં બ.ક. ઠાકોર છંદના બંધારણ સાથે વધુ વફાદાર રહીને ચાલે છે.
બંને સૉનેટમાં પ્રથમ અષ્ટકમાં પ્રકૃતિનું નિરૂપણ અને ષટકમાં પ્રકૃતિ પાનની ફલશ્રુતિ અનુભવાય છે. ષટકની શરૂઆત પણ બંને કવિઓની સમાન જેવી જ લાગે છે. 'ત્યાં'થી આરંભતા ષટકમાં બંને સ્થાને 'ત્યાં' અલગ અર્થ આપે છે. બ.ક. ઠાકોરમાં 'ત્યાં' સ્થળ દર્શક છે તો ઉમાશંકર જોશીમાં સમયદર્શી બની રહે છે. આમ, એક રીતે સામ્ય લાગવા છતાં બંને અલગ છે.