બ્રહ્મની પ્રાપ્તિ કરાવતો છંદ – ગાયત્રી છંદ.


વેદની રક્ષા કરવા માટે વેદાંગોની રચના પ્રાચીન સમયથી જ કરવામાં આવી છે. મુંડકોપનિષદ્ માં તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે – शिक्षा कल्पो व्याकरणं निरुक्तं छन्दो ज्योतिषमिति । ( મુંડક.ઉ.૧-૧-૫ ) અર્થાત્ શિક્ષા,કલ્પ,વ્યાકરણ,નિરુક્ત.છંદ અને જ્યોતિષ આ છ વેદાંગો છે. વળી આપણી પ્રાચીન પરંપરા પાણિનીય શિક્ષામાં ‘ વેદ પુરુષ’ની કલ્પના કરતા કહેવામાં આવ્યું છે કે –
छन्दः पादौ तु वेदस्य हस्तौ कल्पोऽथ पठ्यते ।
ज्योतिषामयनं चक्षुर्निरुक्तं श्रोत्रमुच्यते । ।
शिक्षा घ्राणं तु वेदस्य मुखं व्याकरणं स्मृतम् ।
तस्मात्साऽगमधीत्यैव ब्रह्मलोके महीयते ।। ( પાણિનીય શિક્ષા- ૪૧,૪૨)
અર્થાત્ છંદ એ વેદપુરુષનાં પગો છે, કલ્પ એ હાથો છે, જ્યોતિષ એ ચક્ષુ છે, નિરુક્ત એ શ્રોત્ર છે, શિક્ષા એ ઘ્રાણ છે અને વ્યાકરણ એ મુખ છે. આ વેદોનું અંગો સહિત અધ્યયન કરનાર બ્રહ્મલોક ને મેળવે છે.

વેદો એ છંદોબદ્ધ વાણીમાં રચાયેલાં છે. તેથી વેદનાં અધ્યયન પૂર્વે છંદોનું જ્ઞાન મેળવવું અત્યાવશ્યક છે. શૌનકકૃત ‘ બૃહદ્ દેવતા’ માં લખ્યું છે કે –
अविदित्वा ऋषिं छन्दो देवतं योगमेव च ।
योऽध्यापयेज्जपेद्वापि पापीयान् जायते तु सः ।।
જે વેદાભ્યાસી ( વેદમંત્રોના ) ઋષિ, છન્દ અને દેવતા કોણ છે ? એ જાણ્યા વિના વેદપાઠ કરે છે કે બીજા કોઈને ભણાવે છે તે પાપી બને છે.(1)

છંદ વેદાંગનું નિરૂપણ પિંગલાચાર્ય વિરચિત ‘ छन्दसूत्रम् ’ માં થયેલું છે. તેમાં વૈદિક તેમજ લૌકિક એમ બન્ને પ્રકારના છંદોનું નિરૂપણ થયેલું છે. અંતઃકરણની લાગણીને વાચા આપવાનું કાર્ય છંદ કરે છે. વેદનાં મંત્રોમાં દેવતાઓની સ્તુતિ રજૂ થયેલી છે તેથી તેને ઉચિત ભાવ સાથે જે તે દેવતા સુધી પહોંચાડવા માટે છંદનો આશ્રય લેવામાં આવ્યો છે. આમ વેદાંગ છંદનું મહત્ત્વ સ્વયં સિદ્ધ છે.

छद् ધાતુ – ઢાંકવું એ ઉપરથી छन्दः શબ્દ બનેલ છે - छन्दांसि छादनात् । એવી વ્યુત્પત્તિ નિરુક્તકારે ( નિરુક્ત- ૭-૧૯) આપી છે. छन्दस् આ વેદનું નામ પણ છે.ગીતાકાર કહે છે કે- छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् । (શ્રીમદ્ભગવદ્ગીતા-૧૫-૧) કાત્યાયનમુનિએ સર્વાનુક્રમણીમાં छन्दः નું લક્ષણ આપતા કહ્યું છે કે - यदक्षरपरिमाणं तच्छन्दः । (2) એટલે કે અક્ષરોની સંખ્યા એ વૈદિક છંદોમાં મુખ્ય છે.

પ્રસ્તુત સંશોધન પેપરમાં માત્ર ‘ ગાયત્રી છંદ ’નાં મહિમાનું જ નિરૂપણ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.વેદમાં માત્ર એક છંદ તરીકે આવનાર ‘ ગાયત્રી છંદ’ ને પુરાણ કાળ સુધીમાં ‘‘ ગાયત્રી માતા ’’ એમ દેવીનું સ્થાન પ્રાપ્ત થયેલ છે. એમ કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રે ભગવતી ગાયત્રીની સાધનાથી પ્રતિસૃષ્ટિ નિર્માણ કરી હતી. પ્રસ્તુત પેપરમાં ઉપનિષદોમાં રજૂ થયેલ ‘ ગાયત્રી ઉપાસના ’ ને મુખ્ય આધાર તરીકે લઈ ને નિરૂપણ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. છાન્દોગ્યોપનિષદ્ ( ૩-૧૨) અને બૃહદારણ્યકોપનિષદ્ ( ૫-૧૪)માં ગાયત્રી છંદનાં મહિમાનું નિરૂપણ નીચે મુજબ થયેલ છે.

ઐતરેય બ્રાહ્મણમાં કથા છે કે – સોમરસ મેળવવાની ઈચ્છાવાળા દેવો એ સોમ ને લાવવા માટે ત્રણ છંદો- ત્રિષ્ટુપ્, જગતી અને ગાયત્રીની નિયુક્તિ કરી. પરંતું અસમર્થ હોવાનાં કારણે જગતી અને ત્રિષ્ટુપ્ આ બન્ને છંદો અડધા માર્ગેથી જ પાછા આવી ગયાં, તેઓ સોમને તો ન મેળવી શક્યાં પરંતું પોતાનાં અમુક અક્ષરોને છોડીને પરત આવ્યાં. એક માત્ર ગાયત્રી છંદ જ છેક સોમ સુધી પહોંચી શક્ચો, તેણે સોમરક્ષકોને પરાસ્ત કર્યા અને દેવતાઓ માટે સોમરસ લાવી આપ્યો હતો. (3)

ગાયત્રી છંદમાં દરેક પાદમાં ૮ અક્ષરો હોય છે. એ રીતે ૮ × ૩ = ૨૪ અક્ષરો હોય છે. ઋગ્વેદમાં ત્રિષ્ટુપ્ પછી બીજા નંબરે સૌથી વધુ પ્રયોજાયેલ છંદ – ગાયત્રી છંદ છે. આ રીતે તેનું મહત્ત્વ આપણા ધ્યાનમાં આવે છે.

બૃહદારણ્યકોપનિષદ્ અધ્યાય-૫,બ્રાહ્મણ-૧૪માં – ત્રયી વિદ્યા અને અષ્ટાક્ષરા વસુવિદ્યાનું કંઈક પ્રતીકાત્મક વર્ણન છે. આનો સરળ ભાવ એ છે કે – ‘ ત્રિપદા ગાયત્રી ’ એ ‘ ત્રયી વિદ્યા ’ નું રૂપ છે. પોતાનાં ત્રણેય ચરણોમાં ગાયત્રી છંદને આઠ-આઠ અક્ષરો છે.આવી જ રીતે જે મૂળમાં ત્રેધાત્મક ( ત્રણ વિભાગવાળી) છે તે પ્રકૃતિ, સૃષ્ટિ રચનામાં અષ્ટાત્મક બની જાય છે. ગીતાકાર પણ તેનું સમર્થન કરતા કહે છે કે –
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा । । ( શ્રીમદ્ભગવદ્ગીતા- ૭-૪ )
અર્થાત્ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારથી વહેંચાયેલી મારી પ્રકૃતિ છે.

भूः, भुवः અને स्वः આ ગાયત્રીની ત્રણ વ્યાહૃતિઓ છે, તે ભૂમિ, અંતરિક્ષ અને દ્યૌ આ આઠ અક્ષરોમાં ફેલાયેલી છે.- આ પ્રથમ ત્રિક છે. તેમજ‘ ऋचः यजूंषि सामानि ’ આ આઠ અક્ષરોનું બીજુ ત્રિક છે. એ ત્રણ વેદોના રૂપમાં પ્રકટ છે અને ‘ પ્રાણ, અપાન, વ્યાન ’ આ આઠ અક્ષરોનું ત્રીજુ ત્રિક છે. આ પ્રકારે લોકમય, વેદમય અને પ્રાણમય અથવા પાંચભૂતો, એક મન, અને બે- પ્રાણ- અપાન આ અષ્ટાક્ષર ગાયત્રીરૂપ અમૃતતત્ત્વોથી વિશ્વની રચના થઇ છે.(4)

આમ બૃહદારણ્યકોપનિષદ્ માં ગાયત્રી છંદ દ્વારા બ્રહ્મની ઉપાસના સમજાવવામાં આવી છે.ભાષ્યકાર ભગવાન આદ્ય શંકરાચાર્ય કહે છે કે – सर्वच्छन्दसां हि गायत्रीछन्दः प्रधानभूतम् । બધા છંદોમાં ગાયત્રી છંદ જ પ્રધાનભૂત છે. ગાયત્રી છંદમાં કુલ ૨૪ અક્ષરો હોય છે તેમાં ચાર અક્ષરો ઉમેરતા ૨૮ અક્ષરવાળો ઉષ્ણિક છંદ બને છે.ઉષ્ણિક છંદમાં ચાર અક્ષરો ઉમેરતા ૩૨ અક્ષરોવાળો અનુષ્ટુપ્ છંદ બને છે.એમ ચાર –ચાર ........અક્ષરો ઉમેરતા જવાથી જ બીજા બધા છંદો બને છે. છેલ્લે ૧૦૪ અક્ષરોવાળો ઉત્કૃતિ છંદ બને છે.આમ ગાયત્રી છંદની પ્રધાનતા સ્થૂળ દ્રષ્ટિએ પણ પુરવાર થાય છે. ઉપનિષદ ‘ ગાયત્રી ’ શબ્દનું નિર્વચન આપતા કહે છે કે - गायनात् त्रायति इति गायत्री । જે ગાન કરનારનું રક્ષણ કરે છે તે ગાયત્રી. न चान्येषां छन्दसां प्रयोक्तप्राणत्राणसामर्थ्यम्, प्राणात्मभूता च सा सर्वच्छन्दसांचात्मा प्राणः ।(5)પોતાનું ગાન કરનારના પ્રાણોનું રક્ષણ કરવાનું સામર્થ્ય ગાયત્રી છંદ સિવાય બીજા કોઈ છંદમાં નથી. આમ ગાયત્રી છંદ પ્રાણનાં જ સ્વરૂપ રૂપ છે અને પ્રાણ જ બધા છંદોનો આત્મા છે.

ગાયત્રીનાં પ્રથમ પાદ – भूमि, अन्तरिक्ष અને द्यौ ને જે જાણી લે છે તે આ ત્રણેય લોકોમાં જે કંઈ છે તે બધાને જીતી લે છે. ‘ ऋचः यजूंषि सामानि ’ એવા બીજા અષ્ટાક્ષરા ગાયત્રીપાદને જાણી લેનાર, ત્રયી વિદ્યાનાં ફળને પ્રાપ્ત કરી લે છે. તેમજ प्राणोऽपानो व्यान રૂપ ત્રીજા અષ્ટાક્ષરા પાદને જાણી લે છે તે બધાં જ પ્રકારની શોભા અને કીર્તિથી પ્રકાશિત થઈ જાય છે. અને બધાં જ પ્રાણી સમૂહને જીતી લે છે. ઉપનયન સંસ્કાર વખતે બટુકને જેનો ઉપદેશ આચાર્ય આપે છે તે આ ગાયત્રી જ છે, જે બટુકનાં પ્રાણોનું રક્ષણ કરે છે.

ઉપનિષદ્ આગળ કહે છે કે – આ ગાયત્રીનો તુરીયપાદ આદિત્યમાં પ્રતિષ્ઠિત થયેલ છે, કારણ કે આદિત્ય જ મૂર્તામૂર્ત રસ સ્વરૂપ છે. જગતનો સાર આદિત્ય છે. આ આદિત્ય ચક્ષુમાં પ્રતિષ્ઠિત છે, જે ગાયત્રીનાં તુરીયપાદનું આશ્રય છે. શ્રુતિ કહે છે કે- प्राणो वै बलं तस्मिन् प्राणे बले प्रतिष्ठितं सत्यम् ।(6) અર્થાત્ પ્રાણ જ બળ છે, આ પ્રાણબળમાં સત્ય પ્રતિષ્ઠિત થયેલું છે. આ પ્રમાણે ગાયત્રી અધ્યાત્મ – શરીરસ્થ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે. सैषा गायत्री प्राणः, अतो गायत्र्यां जगत् प्रतिष्ठितम् । તેથી ગાયત્રીમાં જ સંપૂર્ણ જગત્ પ્રતિષ્ઠિત થયેલું છે. ઉપનિષદ્ છેલ્લે અર્થવાદ(7) દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ગાયત્રીને પૂર્ણરૂપે જે જાણે છે તેનાં - અગ્નિ જેમ બધાં જ પદાર્થોને ભસ્મીભૂત કરી નાખે છે તેમ – બધાં જ પાપોને ભસ્મ કરીને શુદ્ધ, પવિત્ર અને અમર બનાવે છે.

છાન્દોગ્યોપનિષદ્- અ.- ૩ ખંડ- ૧૨ માં પણ ગાયત્રી છંદ દ્વારા ‘ બ્રહ્મ’ની ઉપાસનાનું નિરૂપણ થયેલું છે.જેમાં ગાયત્રીનાં અધ્યાત્મ સ્વરૂપની વ્યાખ્યા આપવામાં આવી છે. તેનું તાત્પર્ય એ છે કે પુરુષના શરીરમાં પ્રાણનું જે સ્પંદન છે તે જ ગાયત્રીનું રૂપ છે. (8) ઉપનિષદ્ કહે છે કે – गायत्री वा इदं सर्वं भूतं यदिदं किं च वाग्वै गायत्री वाग्वा इदं सर्वं भूतं गायति च त्रायते च । ( છાન્દો. ઉ.અ.૩ ખંડ -૧૨ મંત્ર -૧ ) અર્થાત્ ગાયત્રી જ સંપૂર્ણ પ્રાણી વર્ગ છે. જે કંઇ સ્થાવર – જંગમ પ્રાણીઓ છે તે ગાયત્રી જ છે. વાણી જ ગાયત્રી છે અને વાણી જ બધા પ્રાણીઓ છે. બધા પ્રાણીઓ વાણીનું જ ( ગાયત્રીનું જ ) ઉચ્ચારણ કરે છે. બધા પ્રાણીઓનું ભય વગેરેથી આ ગાયત્રી જ રક્ષણ કરે છે. આગળ વર્ણન કરતા ઉપનિષદ્ કહે છે કે – આ પૃથ્વી જ ગાયત્રી છે. કારણ કે બધા જ પ્રાણીઓનો પૃથ્વી સાથે સંબંધ છે. છેલ્લે ઉપનિષદ્ કાર કહે છે કે – આ શરીર જ ગાયત્રી છે, જેમાં પ્રાણ તેનું અતિક્રમણ નથી કરતાં – इदमस्मिन्नन्तः पुरुषे हृदयमस्मिन्हीमे प्राणाः प्रतिष्ठिता एतदेव नातिशीयन्ते । (છાં.ઉ.૩-૧૨-૪)

આમ વેદમંત્રોમાં જે માત્ર છંદ છે તે ગાયત્રી, ઉપનિષદોમાં ‘ બ્રહ્મ ’ ને પ્રાપ્ત કરવાનું પરમ સાધન બને છે. આ રીતે ઉપનિષદોએ ‘ ગાયત્રી ’નું અધ્યાત્મ દર્શન કરાવ્યું છે. વાણી – પ્રાણ અને હૃદય સાથે જોડાયેલ ‘ ગાયત્રી ’ ને સૂક્ષ્મ દ્રષ્ટિથી સમજવામાં આવે તો સંપૂર્ણ વિશ્વ પોતામાં એકીભૂત થયેલું છે તેની પ્રતીતિ વ્યક્તિને થાય છે. ટૂંકમાં ગાયત્રી છંદને આત્મસાત્ કરીને વ્યક્તિ ‘ બ્રહ્મ ’ને પ્રાપ્ત કરી શકે છે.
ॐ गायत्र्यै नमः ।

પાદટીપ:

 1. (1) ‘ऋग्वेदः’ ( दशमं मण्डलम् )(દશમા મંડળનાં પસંદગીના સૂક્તો ) - સમ્પાદકો- વસન્તકુમાર મ. ભટ્ટ, પ્રા. કે.વી. મહેતા-પ્રકાશક- સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ,પ્રથમ આવૃત્તિ-૧૯૯૨. પૃ. ૩૨.
 2. (2)‘વૈદિક સાહિત્યનો ઈતિહાસ’–પ્રો. જિતેન્દ્ર દેસાઈ- પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ.તૃતીય આવૃત્તિ,૧૯૯૨, પૃ.૧૪૫.
 3. (3) ‘ छान्दोग्योपनिषद् ’ – सानुवादशाऽकरभाष्यसहित- गीता प्रेस, गोरखपुर,सं.२०५२,आठवाँ संस्करण, पृ. २७८.
 4. (4)‘ઉપનિષદ્- નવનીત ’- હિંદી લેખક – પંડિત વાસુદેવશરણ અગ્રવાલ – અનુવાદક- શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ – સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ. ૩ જી આવૃત્તિ- ૧૯૮૭, પૃ. ૧૬૨.
 5. (5) ‘ बृहदारण्यकोपनिषद् ’– गीता प्रेस, गोरखपुर – सं – २०५० – छठा संस्करण, पृ. १२२२.
 6. (6) तदेव –पृ. १२३१
 7. (7) નિંદા – સ્તુતિ પરક વાક્યો.
 8. (8) ‘ઉપનિષદ્- નવનીત ’- હિંદી લેખક – પંડિત વાસુદેવશરણ અગ્રવાલ – અનુવાદક- શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ – સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ. ૩ જી આવૃત્તિ- ૧૯૮૭, પૃ. ૯૧.

સંદર્ભ ગ્રંથ સૂચિ :

 1. (૧) ‘ ઉપનિષદ્- નવનીત ’- હિંદી લેખક – પંડિત વાસુદેવશરણ અગ્રવાલ – અનુવાદક- શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ – સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ. ૩ જી આવૃત્તિ- ૧૯૮૭.
 2. (૨) ‘ऋग्वेदः’ ( दशमं मण्डलम् )(દશમા મંડળનાં પસંદગીના સૂક્તો ) - સમ્પાદકો- વસન્તકુમાર મ. ભટ્ટ, પ્રા. કે.વી. મહેતા-પ્રકાશક- સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ,પ્રથમ આવૃત્તિ-૧૯૯૨.
 3. (૩) ‘ छान्दोग्योपनिषद् ’ – सानुवादशाऽकरभाष्यसहित- गीता प्रेस, गोरखपुर,सं.२०५२,आठवाँ संस्करण ।
 4. (૪) ‘ बृहदारण्यकोपनिषद् ’– गीता प्रेस, गोरखपुर – सं – २०५० – छठा संस्करण ।
 5. (૫) मुण्डकोपनिषद् - गीता प्रेस, गोरखपुर – सं – २०५५ – अठारहवाँ संस्करण ।
 6. (૬) ‘વૈદિક સાહિત્યનો ઈતિહાસ’–પ્રો. જિતેન્દ્ર દેસાઈ- પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ.તૃતીય આવૃત્તિ,૧૯૯૨.
 7. (૭) ‘श्रीमद् भगवद् गीता ’- गुजराती-टीकासहित -गीताप्रेस गोरखपुर, सं. २०५०, पाँचवाँ संस्करण ।

પ્રા.મયારામ કે.પટેલ, (સંસ્કૃત વિભાગ) સરકારી વિનયન કૉલેજ, સેકટર-૧૫,ગાંધીનગર. Email:- patelmayaram@gmail.com Mobi.:- 9428614478