કવિશ્રી અનિલ ચાવડાના ‘સવાર લઈને’ ગઝલસંગ્રહમાં રમલ છંદનો વિનિયોગ


કવિશ્રી અનિલ ચાવડા નવી પેઢીના યુવાકવિ છે. અનુવાદ, સંપાદન, કોલમલેખન વગેરે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આ કવિનો પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ છે. - ‘સવાર લઈને’ આ સંગ્રહ પહેલા ‘વીસ પંચા’ સંયુક્ત ગઝલસંગ્રહ અન્ય ચાર સર્જકો સાથે આપે છે. આ ઉપરાંત ત્રીસ જેટલા સંપાદન સહિતના અન્ય પુસ્તકો પણ આપ્યા છે. આ સર્જકને ગુજરાત સરકાર તથા ગુજરાતી સાહિત્ય અકાદમીનો યુવાગૌરવ પુરસ્કાર ઉપરાંત અન્ય શયદા એવોર્ડ, રાવજી પટેલ એવોર્ડ, તખ્તસિંહ પરમાર પારિતોષિક પણ પ્રાપ્ત થયા છે. તેમની કૃતિ ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકમાં પણ સ્વીકૃત થઇ છે. ‘સવાર લઈને’ ગઝલસંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૧૪) પ્રાપ્ત થાય છે.

‘સવાર લઈને’ ગઝલસંગ્રહમાં કુલ ૭૦ ગઝલો છે. એમાં ૪૩ ગઝલો આપણને રમલ છંદ (- υ - -) માં પ્રાપ્ત થાય છે. એમાની કેટલીક ગઝલો રમલના મિશ્ર પ્રયોગવાળી પણ છે. - υ - -|- υ - -|- υ - આવર્તનવાળી (રમલ-મુતદારિકુલ આખિર સાલિમ મુરકકબ મુસદ્દસ) ૨ ગઝલો, - υ - -|- υ - -|- υ - -| આવર્તનવાળી (રમલ-રજઝ-રમલુલ આખિર સાલિમ મુરકકબ મુસદ્દસ) ૪ ગઝલો, - υ - -|- - υ -|-υ- -|- υ - આવર્તનવાળી (રમલ-મુતદારિકુલ આખિર સાલિમ મુરકકબ મુસમન)સૌથી વધુ ૧૨ ગઝલો છે. પછી (- υ - -) ના ચાર આવર્તનવાળી ૩ ગઝલો, - υ - -|- - υ -|-υ- -| -υ- -|- υ - ના આવર્તનવાળી ૪ ગઝલો, (-υ- -) ના પાંચ આવર્તનવાળી ૩ ગઝલો, - υ - -|- - υ -|-υ- -| -υ- -|-υ- -|- υ - ના આવર્તનવાળી ૩ ગઝલો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મિશ્ર પ્રયાગ તપાસીએ તો - υ - -|- - υ -|-υ- -| - υ ના આવર્તનવાળી (પૃ . ૮૦) પરની ૧ ગઝલ, - υ - -|- - υ -| υ - - આવર્તનવાળી (પૃ.૫૭)પરની ૧ ગઝલ, - υ - -|- - υ -|-υ- -| -υ- -|- ના આવર્તનવાળી ૭ ગઝલો, - υ - -|- υ - -|-υ- υ| - - ના આવર્તનવાળી (પૃ.૪૩) પરની ૧ ગઝલ, - υ - -|- υ - -|-υ- -| - - ના આવર્તનવાળી (પ્ર.૩૧) પરની ૧ ગઝલ, - υ - -|- - υ -|-υ- -| υ- - ના આવર્તનવાળી (પ્ર.૧૭) પરની ૧ ગઝલ પ્રાપ્ત થાય છે. આમ કુલ (૨+૪+૧૨+૩+૪+૩+ ૩+૧+૧+૭+૧+૧+૧=૪૩) ગઝલો રમલ અને તેના મિશ્ર પ્રયોગવાળી આપણને પ્રાપ્ત થાય છે. અહીં પ્રસ્તુત અભ્યાસલેખમાં પસંદિત પાંચ ગઝલોમાં રમલ છંદનો વિનિયોગ તપાસવાનો ઉપક્રમ છે.

(1)

એક મોજું એ રોતે અથડાય છે;
સ્વપ્નનાં સૌ વ્હાણ ડૂબી જાય છે .
આ દિવસે ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે,
તોડવું કઈ રીતથી પેન્સિલપણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે,
માત્ર હું દીવાસળી બોલું અને -
ચોતરફથી આગ લાગી જાય છે.(પૃ.૧૦)

ગાલગાગા (- υ - -) ના બે સંપૂર્ણ આવર્તન અને અંતિમ આવર્તનમા એક ગા (-) કાપીની અર્થાત્ ગાલગા (- υ -) લઈને સર્જકે રમલ છંદનો સુંદર વિનિયોગ કર્યો છે. ‘મત્લા’માં અથડાય’ શબ્દમાં ‘અર્થ’ બે લઘુનો એક ગુરુ કર્યો છે. સ્વપ્નના વહાણ ડૂબી જવા માટે એક મોજુ કારણભૂત છે એ સંદર્ભ તપાસવા જેવો છે,

‘એક મોજું એ રીતે અથડાય છે ;
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.’

પછીના શેરોનું ભાવવિશ્વ પણ સમૃદ્ધ છે. દિવસ ક્યારેય ઊગતો જ નથી અર્થાત્ કોઈ કાયમી ફેરફાર થતો જ નથી. માત્ર રાતનો કલર જ બદલાય છે. અહીં ‘દિવસ’ માં ‘વસ’, ‘પણ’, ‘ઊગતો’ માં ‘ઊગ’ ‘કલર’ માં ‘લર’ ‘બદલાય’માં ‘બદ’ વગેરે શબ્દો બે લઘુના એક ગુરુ તરીકે લેવામાં આવ્યા છે. શ્વાસ ક્ષણભંગુર છે. પેન્સિલની અણિ જેવા જીવનનો કોઈ ભરોસો નથી. અહીં ‘કઈ’ ‘બટકાય’ શબ્દમાં ‘બટ’ બે લઘુના એક ગુરુ તરીકે લેવામાં આવ્યા છે. ચોથા શેરમાં જીવનમાં પળેપળ થતી મૂંઝવણની પીડાને વાચા આપવામાં આવી છે. ‘કરતા’માં ‘કર’ અને ‘સમજાય’ શબ્દમાં ‘સમ’ બે લઘુના એક ગુરુ તરીકે લેવામાં આવ્યા છે. અંતિમ શેરમાં આડકતરી રીતે લોકો દ્વારા કરવામાં આવતું વાતનું વતેસર નવું કે અન્ય ભેળવીને કોઈને કહેવામાં આવતી વાતના સંદર્ભને સરસ રીતે નિરૂપવામાં આવ્યો છે. ‘સાની’ મિસરામાં ‘ચોતરફ’ શબ્દમાં ‘રફ’ શબ્દ બે લઘુના એક ગુરુ તરીકે લખાયો છે. જુઓ :

‘માત્ર હું દીવાસળી બોલું અને -
ચોતરફથી આગ લાગી જાય છે.’

(2)

જ્યારથી એ જણ કશાની શોધમાં છે;
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવીને પ્હાડ વચ્ચે ફેર શો છે ?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખા,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે,(પૃ.૧)

ગાલગાગા (- υ - -) ના ત્રણ આવર્તનવાળી ગઝલમાં કવિ પ્રથમ મત્લામાં કંઇક આવી રીતે રમલ છંદ સાથે કામ પાર પાડે છે –

‘જ્યારથી એ જણ કશાની શોધમાં છે ;
ત્યારથી આખું જગત વિરોધમાં છે.’

‘જણ’ ‘જગતમાં’ ‘ગત’ વગેરે શબ્દમાં બે લઘુનો એક ગુરુ કરવામાં આવ્યો છે. માણસ કશુંક મેળવવા, આગળ વધવા, ઉત્સાહથી કામ કરવા તત્પર બને કે આખું જગત એના વિરોધમાં ઊભું થઇ જાય છે. આગળના બીજા શેરમાં ભાવસંવેદન જોઈએ તો સર્જક પ્રત્યે જે ક્રોધભાવ રાખે છે તેને સર્જક વધુ તીવ્રતાથી ચાહે છે. ત્રીજા શેરના ‘સાની’ મિસરામાં ‘આંસુમાં’ ‘સુ’ અક્ષર પર ભાર મુકી તેને ગુરુ તરીકે પ્રયોજી છંદ અને ભાવને જાળવે છે. માનવી અને પ્હાડ બને સરખા છે એક આંસુ તો બીજો ધોધ વહાવે છે. ચોથા શેરમાં ‘માણસ’ શબ્દમાં ‘ણસ’ ના બે લઘુનો એક ગુરુ કરવામાં આવ્યો છે. જયારે ‘સાની’મિસરામાં ‘મારું’ શબ્દ ‘રુ’ નું હળવું ઉચ્ચારણ કરી લઘુ તરીકે પ્રયોજવામાં આવ્યું છે. અંતિમ શેરમાં સર્જક કહે છે કે કૂંપળો ગમે ત્યાં ઊગી જ જશે. સેંકડો પથ્થરો ભલેને અવરોધમાં હોય અર્થાત મહેનત કરવાવાળો માણસ ગમે તેટલા સંઘર્ષો વચ્ચે રસ્તો બનાવી જ લે છે. છેલ્લા શેરમાં ‘થર’ ‘અવ’ ગુરુ તરીકે પ્રયોજાયા છે.

(3)

વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની;
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?
બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં,
આંગળાંની ભૂલ છે કે ટાંકણાની ?
સાવ સુક્કા વૃક્ષો જેવું મોં કરીને,
પાંદડાની વાત કે’ છે પાંદડાની ?
વૃક્ષથી રડવું જ રોકી ના શકાયું,
વાત જયારે નીકળી આ બાંકડાની (પૃ.૧૪)

ગાલગાગા (- υ - -) ના ત્રણ આવર્તનવાળી આ ગઝલમાં મત્લામાં સર્જક કહે છે, જ્યારે પારાવાર તકલીફો આવી પડે છે ત્યારે એ તકલીફો આંકડાથી માપી શકાથી ‘સાની’ મિસરામાં ‘ગણતરી’ શબ્દમાં ‘ણત’ ને ગુરુ તરીકે પ્રયોજી સરસ વ્યંજના ઊભી કરી છે. ક્યારેક આ સર્જકને પોતાના જીવન પર પણ પ્રશ્નાર્થ થાય છે. બીજા શેરમાં તે કહે છે, હે ઈશ્વર તારા આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?’ અહીં ઈશ્વરને પણ મીઠી ફરિયાદ કરવામાં આવી છે. ત્રીજા શે’રમાં પ્રકૃતિના ‘પાંદડા’અને ‘સુક્કા વૃક્ષ’ની વાત દ્વારા સર્જકે કહ્યું છે પ્રકૃતિની લીલપ એટલે કે ખુશીની વાત કરવા સાંભળવા માટે જીવનમાં લીલપ હોવી જોઈએ, સુક્કા વૃક્ષ જેવું મો લઈને ફરવું જરાય યોગ્ય નથી. ચોથા શે’રમાં વૃદ્ધ, બાંકડાની વાત નીકળે ત્યારે પોતાનું રડવું રોકી શકતા નથી. તેના સંદર્ભ દ્વારા વૃદ્ધની એકલતાની પીડા સરસ રીતે આલેખન પામી છે. અંતિમ શે’રમાં માણસના જીવનની ક્ષણભંગુરતા જેટલી શીશી દ્વારા સરસ રીતે નિરૂપણ પામી છે. ઢાંકણાની ભરાતી સભામાં સરસ વ્યંજના છે ‘ઉલા’ મિસરામા ‘માણસ’ શબ્દમાં ‘ણસ’ માં બે લઘુનો એક ગુરુ કરવામાં આવ્યો છે જુઓ,

‘એક માણસ નામની ફૂટી છે શીશી
ને ભરાણી છે સભાઓ ઢાંકણાની’

(4)

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોંપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી
તે સતત એવું સતત કૈં હંફાવાનું કામ સોંપ્યું.
જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા પરંતુ,
કામ સોંપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોંપ્યું?
વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં,
એક ચરખો દઈ મને તે કાંતવાનું કામ સોંપ્યું.
દઈ હથોડી હાથમાં બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોંપ્યું.(પૃ. ૩૬)

ગાલગાગા (- υ - -) ના ચાર આવર્તન જાળવતી આ ગઝલમાં ‘કામ સોંપ્યું’ રદિફ અને ‘સાંખવાનું’, ‘બાંધવાનું’, ‘હાંફવાનું’, ‘ઢાંકવાનું’, ‘કાંતવાનું’, ‘ભાંગવાનું’ વગેરે કાફિયામાં આ છંદ સર્જકે સરસ નિભાવ્યો છે. પ્રથમ શે’રના ‘સાની’ મિસરામાં ‘કાગળ’ શબ્દમાં ‘ગળ’ બીજા શે’રના ‘ઉલા’માં પ્રથમ માં ‘થમ’, ‘સાની’માં ‘સતત’ માં ‘તત’ ત્રીજા શે’રના ‘ઉલા’ માં ‘જળ’, ‘સાની’ માં ‘જળ’, ‘દરિયા’માં ‘દરિ’, ચોથા શે’રમાં ‘સાની’માં ‘ચરખો’શબ્દમાં ‘ચર’ અને અંતિમ શે’રના ‘સાની’માં ‘સમય’ ‘મય’ વગેરે બે લઘુના એક ગુરુ તરીકે લખાયેલ અક્ષરો છે.

કાગળના પડીકામાં આગને બાંધવાનું કામ કપરું હોય છે. આવી પીડા સાંખવાની સ્થિતિ સર્જકને તડપાવે છે જુઓ-

‘કાયમી પીડા મને તે સાંખવાનું કામ સોંપ્યું
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.’

શ્વાસના રોગીને હાંફવાનું કામ, દરિયાને ઢાંકવાનું કામ, વસ્ત્ર સાથે ઈચ્છા નથી વણાતી ને ચરખો દઈને કાંતવાનું કામ તથા સમયના પિંડને ભાંગવાનું વગેરે કામ સોંપવાના સંદર્ભના બાકીના શે’રો માં પણ રમલ છંદ બરાબર ઘૂંટાયો છે.

(5)

આપણા જૂના પુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ;
શ્વાસની કાણી ખખડધજ નાવને હંકારવાનું આપણે શીખ્યા છીએ.
આમ જો જોવા જોઈએ તો તમારી , મારી સૌની એજ તો તકલીફ છે;
ઘાસની ગંજી મહી દીવાસળી સંતાડવાનું આપણે શીખ્યા છીએ.
આટલું જીવ્યા પછી પણ, આટલું શીખ્યા પછી પણ પ્રશ્ન તો ઉભો જ છે
શું ખરેખર આપણી આ જાતને સાંભળવાનું આપણે શીખ્યા છીએ?
આપણા દુ:ખદ પ્રસંગોને કશું બક્ષિસરૂપે આપવા માટે જ તો,
આંસુઓની આ પ્રવાહી મૂર્તિઓ કંડારવાનું આપણે શીખ્યા છીએ.
આપની પ્હેલાં જ કોઈ લક્ષ્ય લગ પ્હોંચી જશે એ બીકમાં ને બીકમાં,
આ સફરમાં ચાલતાં પ્રત્યેકને હંફાવવાનું આપણે શીખ્યા છીએ.
જિંદગી અર્થાત્ ખાલી પાંચ રૂપિયાના કવર પર એક સરકારી ટિકિટ,
ને કવર પર જાતને સૌ થૂંકથી ચોંટાડવાનું આપણે શીખ્યા છીએ.(પ્ર.૪૭)

ગાલગાગા (- υ - -) ના પાંચ આવર્તન અને એક ‘ગા’ કાપેલું ગાલગા (- υ -)નું આવર્તન સાધતી પ્રસ્તુત ગઝલ રમલ છંદની સૌથી લાંબી બહેર અને સૌથી વધુ શે’રની ગઝલ છે ટૂંકી બહેરની સરખામણીમાં પ્રલંબ લયની બહેરમાં આ સર્જક વિશેષ તાજગીસભર અનુભવાય છે. આપણા સમગ્ર જીવનને-વૃત્તિ, પ્રવુત્તિ,સુખ,દુ:ખ વગેરેની નરી વાસ્તવિકતા આ ગઝલના પ્રત્યેક શે’રમાં આલેખવામાં આવી છે ‘આપણે શીખ્યા છીએ’ રદીફ વિશેષ ધ્યાન ખેંચે છે તેની સાથે ‘પંપાળવાનું’, ‘હંકારવાનું’, ‘ચોટાડવાનું’ વગેરે કાફિયાનો અનુબંધ સરસ રીતે છંદ સાથે જળવાયો છે. પ્રથમ શે’રમાં જૂની યાદોને, દુઃખોને યાદ કરીને, કાણી ખખડધજ હોડી જેવા જીવનને આપણે હંકારીએ છીએ એ વાત સરસ રીતે અંકિત થઇ છે ‘સાની’ મિસરામાં ‘ખખડધજ’ શબ્દમાં ‘ખડ’ અને ‘ધજ’ બે લઘુના એક ગુરુ તરીકે આલેખાયા છે જુઓ મત્લાનો શે’ર,

આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ.
શ્વાસની કાણી ખખડધજ નાવને હંકારવાનું આપણે શીખ્યા છીએ.

આપણે સૌ ઘાસની ગંજીમાં દીવાસળી સંતાડવાનું શીખ્યા છીએ. એ સંદર્ભના બીજા શે’રમાં આપણી નાદાની અને મૂર્ખતાની વાત સરસ રીતે આલેખવામાં આવી છે. ‘ઉલા’ મિસરામાં ‘જઈ’, ‘તક’ વગેરે બે લઘુના એક ગુરુ તરીકે પ્રયોજાયા છે. ત્રીજા શે’રમાં આપણા વર્ષો વીતે છે. છતાં, કશું નક્કર શીખી શક્યા નથી એ વાતમાં આપણા જીવનની કરુણતાના દર્શન થાય છે. ‘ઉલા’માં બે વાર આવતો ‘પણ’ શબ્દ ગુરુ તરીકે આલેખવામાં આવ્યો છે. દુ:ખદ પ્રસંગોને બક્ષિસ આપવા માટે આંસુની મૂર્તિ કંડારવાના સંદર્ભમાં સુંદર દ્રશ્યક્લ્પન ખડું થયું છે ‘ઉલા’માં ‘ક્ષિસ’ગુરુ તરીકે આલેખાયેલ છે. પાંચમાં શે’રમાં ઈર્ષાવૃત્તિના આપણા માનવગત સ્વભાવને સુક્ષ્મતાથી આલેખવામાં આવ્યો છે. ‘ઉલા’ માં ‘લગ’ અને ‘સાની’ માં ‘સફર’ સંદર્ભે ‘ફર’ ગુરુ તરીકે આલેખાયેલ છે. અંતિમ શે’રમાં જીવનની દયનીય હાલત સ્થિતિની વાત જીવનને પાંચ રૂપિયાના કવર ઉપર ચોંટાડેલી ટીકીટ સાથે સરખાવી સુંદર રીતે કરી છે. વળી, થૂંકથી ચોંટાડવાના સંદર્ભમાં આખી વાત નખશિખ ઉપસી આવી છે. આપણી સમગ્ર હયાતીનું આલેખન કરતો આ શે’ર અદભૂત છે-

‘જિંદગી અર્થાત ખાલી પાંચ રૂપિયાના કવર પર એક સરકારી ટિકિટ,
ને કવર પર જાતને સૌ થૂંકથી ચોંટાડવાનું આપણે શીખ્યા છીએ.’

અહીં ‘રૂપિયા’માં ‘રૂપિ’, ‘કવર’માં ‘વર’, ‘પર’, ‘ટિકિટ’માં ‘કિટ’ વગેરે બે લઘુ અક્ષ્રરના એક ગુરુ અક્ષ્રર તરીકે આલેખાય છે.

આમ, ‘સવાર લઈને’ ગઝલસંગ્રહની રમલ છંદ અને તેના મિશ્ર પ્રયોગવાળી ૪૩ કૃતિમાંથી ખાસ ઉપર્યુક્ત પાંચ ગઝલોમાંથી પસાર થતા એટલું ચોક્કસ કહી શકાય કે કવિશ્રી અનિલ ચાવડા રમલ છંદને બરાબર નિભાવી જાણે છે અને ભાવસૌંદર્ય ઊભું કરી શકવા સમર્થ છે. પ્રલંબ લયમાં રમલ છંદમાં વધુ ચોટ ઊભી થતી હોય એવું લાગે છે. આ કવિ અન્ય છંદ કરતાં રમલ છંદમાં વિશેષ ખીલતો,ખૂલતો જણાય છે. ખરેખર કવિશ્રી અનિલ ચાવડા ‘સવાર લઈને’ સંગ્રહથી ગુજરાતી ગઝલમાં નવી ‘સવાર લઈને’ આવી શક્યા છે.

‘સવાર લઈને’, અનિલ ચાવડા, પ્ર.આ. ઓગસ્ટ ૨૦૧૨, નવભારત સાહિત્ય મંદિર, પ્ર.૭૦,કિ.૧૨૫/-

-ડૉ. પીયૂષ ચાવડા, (ગુજરાતી વિભાગ) શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, રાજમહેલ રોડ, પાટણ(ઉ.ગુ.) પીન.૩૮૪ ૨૬૫ મો. ૯૮૨૪૯ ૧૬૦૦૬ Email : jay_ma12@yahoo.com