રમેશ પારેખની પાંચ ગઝલોમાં ગુજરાતી છંદ પ્રયોગ
સુંદર સ્ત્રી નિશ્ચિત અલંકારોથી શોભે છે તેમ કવિતા છંદમાં જ શોભે છે. ‘છંદ’ માટે સંસ્કૃતમાં ‘વૃત્ત’ એવો શબ્દપ્રયોગ છે. ‘વૃત્ત’ એટલે ફરી ફરીને આવેલું. કવિતાના શબ્દોમાં પ્રગટતો અવાજ, લય ફરી ફરી પડધાયા કરે તે છંદ. છંદ વિશે રામનારાયણ વિશ્વનાથ પાઠકની વ્યાખ્યા સૂચક છે. ‘‘છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર’’ (પૃ. ૧૧૯, ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ડૉ. રમેશ ત્રિવેદી) છંદને લીધે લયમાં એકવિધતા અથવા નિયમિતતા આવે છે. નિયમિત કે નિયતલય એટલે જ છંદ. કવિતા માટે છંદ બંધારણ આધારભૂત પરિબળ છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોર કહે છે, ‘કવિતાની વાણી લયાન્વિત હોય છે. જે અનઅનુકરણીય છે, અનિર્વચનીય છે. તે લય દ્વારા વ્યંજિત થાય છે. સારા કાવ્યનો લય આપણને કવિતાના અર્થ પ્રત્યે અભિમુખ કરે છે. એટલું જ નહિ પણ કાવ્યાનુંભવ માટેની આપણી મનઃસ્થિતિને ઘડે છે અને એટલે જ કહેવાયું છે કે છંદ એ કવિતાના જગતમાં પ્રવેશવાની પવનપાવડી છે.’ (પૃ. ૧૧૯, ગુ.સા.ઈતિહાસ, રમેશ ત્રિવેદી).
છંદને લીધે, કવિતામાં દોલન ઉભું થાય છે જે કવિતામાં સંગીતતત્વ ઉભું કરે છે. મધ્યકાળના ઘણાં કવિઓમાં જેવા કે નરસિંહ, મીરા, પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓના પદ્યમાં લયમેળ છંદ જોવા મળતાં. વર્તમાન સમયના કવિઓ કવિતામાં લયમેળ છંદ વધુ પ્રયોજે છે. પણ રૂપમેળ, માત્રામેળ, સંખ્યામેળ છંદ ભાગ્યે જ જોવા મળે છે. છંદવિનાની કવિતા લયમેળમાં તો હોય જ છે. એટલે એમ પણ સ્વીકારી શકાય કે કવિતામાં છંદ જરૂરી છે પણ અનિવાર્ય નથી. સઘન અનુભૂતિથી પણ લયમેળને લીધે કાવ્ય સારું કે ઉત્તમ બને તે સ્વાભાવિક છે. અર્વાચીન કવિતામાં દલપતરામ, નર્મદ, રમણભાઈ નીલકંઠ, રા.વિ. પાઠક, સુંદરમ્, ઉમાશંકર જોશી, ન્હાનાલાલ, કાન્ત, કલાપી, બ.ક. ઠાકોર, નરસિંહરાવ દિવેટીયા... ઈત્યાદિ કવિઓએ છંદના ઘણાં પ્રયોગો કવિતામાં કર્યા છે.
ગુજરાતી સાહિત્યમાં છંદના મુખ્ય ચાર પ્રકાર સ્વીકારાયેલ છે. (૧) સંખ્યામેળ (૨) રૂપમેળ (૩) માત્રામેળ (૪) લયમેળ. સંખ્યામેળ છંદમાં કાવ્યની પંક્તિના માત્ર અક્ષરોની સંખ્યા જ ધ્યાનમાં લેવાય છે. લઘુ-ગુરુ માત્રા નહીં. જેમકે મનહર, વનવેલી, ઘનાક્ષરી ઈ્ત્યાદિ સંખ્યામેળ છંદ છે. રૂપમેળ કે અક્ષરમેળ છંદમાં પંક્તિના અક્ષરોની સંખ્યા સાથે લઘુ-ગુરુ સ્થાન ધ્યાનમાં લેવાય છે. વિરામસ્થાનરૂપે યતિ, તાલ પણ હોય છે. જેવા કે, શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી વગેરે.
માત્રામેળ છંદ એટલે દરેક પંક્તિની કુલ માત્રાઓ ગણવામાં આવે. અહીં અક્ષરોની સંખ્યા નહીં માત્રાની સંખ્યા જ (લઘુ-ગુરુ માત્રા) ધ્યાનમાં લેવાય. માત્રામેળ છંદોમાં ત્રણ, પાંચ, સાત એમ જુદી જુદી માત્રા સંખ્યાના આવર્તન હોય છે. જેને સંધિ કહે છે. અમુક આવર્તને તાલ આવે. આમ, માત્રામેળમાં સંધિ-તાલ જોવા મળે. લયમેળ છંદમાં લયના આરોહ - અવરોહ અને તાલ ઉપર છંદનો આધાર છે. પદ, ગરબા, ગરબી, ગીત જેવા કાવ્યસ્વરૂપો લયમેળ છંદમાં હોય છે.
ઉપર્યુક્ત છંદોના અનુસંધાનમાં ગઝલના છંદો જુદા હોય છે કારણ કે ગઝલ - ઉર્દૂ - ફારસી કાવ્ય પ્રકાર હોઈ તેમાં પ્રયોજાયેલ છંદો ગુજરાતી કવિતા કરતાં જુદા છે. ગઝલનું સૌંદર્ય તેના છંદમાં છે. અરબી ભાષામાં છંદને ‘ઈલ્મે અરૂઝ’ કહેવામાં આવે છે જ્યારે ફારસી ભાષામાં ‘બહર’ સંજ્ઞા પ્રચલિત છે. હિંદી - ઉર્દૂ શબ્દકોશ પ્રમાણે ગઝલમાં છંદ એટલે વજનનો અર્થ, વજનના માપ, અક્ષરના ગણની માત્રા. ગઝલના છંદ માટે રૂકન, તકતીઅ, અરકાન જેવી સંજ્ઞાઓ સમજવી પડે. ‘રૂકન’ એટલે શેરને માપવાના નિશ્ચિત શબ્દ. આવા રૂકન આઠ સંખ્યામાં છે. રૂકનનું બહુવચન છે. ‘અરકાન’. ‘તકતી’ એટલે ગઝલની પંક્તિ કે જેમાં લઘુ-ગુરુ વહેંચી તેની પરખ કરવામાં આવે. જેને ગણવિભાજન કહે છે. ‘રૂકન’ જ ‘ગણ’ છે. લઘુમાત્રા માટે ‘લ’ અને ગુરુ માત્રા માટે ‘ગ’ સંજ્ઞા વપરાય છે. અરબી કવિતા છંદોમાં તામાલ, મદાદ, બસીત, કામિલ, વાફિર, હઝઝ અને રમલ, મજારેખ, સરીઅ, ખફીફ, મુજતસ, મુશરેહ, મુક્તઝિબ, તકારૂબ - જેવા છંદો છે. આ ઉપરાંત પછીથી બીજા જદીદ, ઠરીબ, મશાકિલ એવા ત્રણ છંદો ઉમેરાયા. ગઝલના છંદો માત્રામેળ પ્રકારના ગણવામાં આવે છે. જેમાં નિશ્ચિત માત્રાઓના આવર્તનો હોય છે. જે સામાન્ય રીતે પંચકલ, ષટકલ, સપ્તકલ, અષ્ટકલ, ચતુષ્કલ રૂપે જોવા મળે છે. ગઝલના છંદોમાં માત્રા નિશ્ચિત હોય છે. જેમકે ગાગાલગા, ગાલગા, ગાલગાગા, લલલલગા... જેવા છંદો ગઝલમાં અતિ પ્રચલિત છે. ગઝલમાં છંદદોષ, અનન્વયદોષ, વજનદોષ, દુર્બોધતા, અતિરિકત શબ્દપ્રયોગો, અનિવાર્ય શબ્દ ઉપેક્ષા, પ્રમાદી વાક્યરચના, સમધ્વનિ સામીપ્યદોષ, કાફિયાદોષ... જેવાં દોષો હોઈ શકે.
ગુજરાતી સાહિત્યના ગઝલ સ્વરૂપમાં ૧૯૬૦ પછી ઘણું પરિવર્તન છે. કેટલાંક ક્રિયાશીલ ગઝલકારો જેવાં કે આદિલમન્સૂરી, ચિનુ મોદી, મનોજ ખંડેરિયા, ભગવતી કુમાર શર્મા, રાજેન્દ્ર શુકલ, રમેશ પારેખ ઈત્યાદિ ગણાવી શકાય. કવિ રમેશ પારેખે ઉર્દુ છંદ રમલ, રજઝ, હજઝની સાથે હરિગીત, મંદાક્રાંતા, પૃથ્વી, હરીણી, શિખરીણી જેવા છંદો પ્રયોજ્યાં. કવિ રમેશ પારેખની ‘વૃત્તગઝલો’ માં ગુજરાતી છંદો પ્રયોજાયા છે. પાંચેક ગઝલ વિશે તપાસ કરવાનો અહીં ઉપક્રમ છે.
(1)
ધીરે ધીરે સતત સપનાં ખૂટવાની કથા છે. આંખો શું છે, બસ બરડ છે, તૂટવાની કથા છે.
કોને કોની સરહદ ગ્રસી જાય છે એ પૂછોના, શ્રદ્ધા આખ્ખાનગર પરથી ઊઠવાની કથા છે.
ઝોબો આવે જડભરત આ શ્વાસને કોઈવાર, બાકી આ તો અઢળક પીડા ઘૂંટવાની કથા છે.
આંખોને અંગત પગરખા જેવું આંસુ મળ્યું’તું, તેને આ કંટક-નગરમાં લૂટવાની કથા છે.
આપી જેને બચપણ અમે વેદના આ લીધી છે, એ કાળાપથ્થર સમયથી છૂટવાની કથા છે.
આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ, આ બાજુ કૂંપળ અવનવી ફૂટવાની કથા છે.
(પૃ. ૩૪૯, ‘છ અક્ષરનું નામ’)
પ્રથમ તો મંદાક્રાંતાનું છંદ બંધારણ પ્રમાણે રમેશ પારેખ કૃત ઉપર્યુક્ત ગઝલરચના ૧૭ અક્ષરમાં છે. હવે ગણ મ, ભ, ન, ત, ત, ગાગા મુજબ ગઝલના શેરની તપાસ કરીએ.
ઉપર્યુક્ત ગઝલના દરેક શેરને ‘મ, ભ, ન, ત, ત, ગા’ મુજબ જોઈ શકાય. પઠનમાં યતિ ચોથા અને દશમાં અક્ષરે આવે છે. મંદાકાંન્તા છંદનો અર્થ થાય છે ધીમી ગતિએ અથવા મંથરગતિએ વહેતો અર્થ-શબ્દ-લયનો પ્રવાહ. રમેશ પારેખની પ્રસ્તુત ગઝલનો આરંભિક શબ્દયુગ્મ છે, ‘ધીરે ધીરે’ - અર્થની દ્રષ્ટિએ મનહરછંદની પસંદગી યોગ્ય છે. મંદ મંદ રીતે થતો હૃદયનો ‘ક્રાંન્ત’ અથવા ‘વિલાપ’. એટલે મંદાક્રાંતા ભાવાનુભૂતિની દ્રષ્ટિએ રમેશ પારેખની પ્રસ્તુત ગઝલ દર્દને, પીડાને, વ્યથાને ઘૂંટવાની અનુભૂતિ પ્રગટાવે છે. હૃદયની વ્યથાઓ વધતી જાય ત્યારે આંખોમાં સપના પણ નથી આવતા, પળે પળે તૂટવું એટલે આંખોમાંથી સપનાનું ખૂટી જવું. આંખોની સ્થિતિનું નિરૂપણ ‘સપના ખૂટવા’ અને ‘બરડ’, ‘તૂટવાની કથા’ જેવા શબ્દપ્રયોગોમાં પામી શકાય. પીડા માત્ર પ્રિયજનની નથી. પીડા તો અનેક સંબંધોથી મળી છે કવિને. ઘણીવાર એક છત નીચે રહીને પણ પરસ્પરને નથી પામી શકાતું એટલે કવિ ઉચ્ચારે છે,
‘‘કોને કોની સરહદ ગ્રસી જાય છે એ પૂછોમાં,
શ્રદ્ધા આખા નગર પરથી ઉઠવાની કથા છે.’’
મનની સરહદો તૂટે એટલે કે એકબીજા પર વિશ્વાસ જ ન હોય ત્યાં કોની પર શ્રદ્ધા રાખવી એ કવિને પ્રશ્ન થાય છે માટે વર્તમાન સમાજવ્યવસ્થા પર, માનવજાતિ પર ‘આખા નગર’ પરથી શ્રદ્ધા ઉઠી જવાની કથા તરીકે કવિ ચિંતન કરે છે. ‘જડ ભરત’ જેવો વૈરાગ્ય ભાવ જાગે તોય ક્યાં વૈરાગી બની શકાય છે ? જડભરત પણ વૈરાગી ન્હોતો બની શક્યો એટલે જ જીવનની પળેપળે ઘૂંટાતી અનુભૂતિઓ ‘પીડા’રૂપે ઘૂંટાયા કરે છે. ત્યાં જડભરત કેવી રીતે બની શકાય ? જીવનમાં કોઈ અંગત હૃદયનો સાથ મળી જાય એ કવિને મન ‘અંગત પગરખાનું આંસુ’ છે. સુખની જેમ આ નગરમાં આંસુ પણ લૂંટાઈ જવાની તીક્ષ્ણ વાત કવિ કરે છે. પછીના શેરમાં પણ બચપણ આપીને વેદના ઝીલવાની વાત, કાળા પથ્થર જેવા સમયથી છૂટી જવાની વાત આલેખાઈ છે. સમય, સંજોગ હંમેશા વ્યક્તિએ - વ્યક્તિએ ભિન્ન હોય છે. એક જ નગરમાં એક તરફ લગ્નપ્રસંગ તો બીજી તરફ મરણઘટના હોઈ શકે એમ અંતિમ મકતા ભાવચોટ દર્શાવે છે.
‘આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ
આ બાજુ કૂંપળ અવનવી ફૂટવાની કથા છે.’
અર્થાત્ એકબાજુ આખે આખું જંગલ દહન પામી જાય ને એક તરફ નાની સરખી કૂંપળમાં જીવન પ્રગટી ઉઠે છે. આ ભાવવક્રતા કવિએ સાધી છે. આમ, સમગ્ર ગઝલનો મિજાજ અથવા રંગ ઉદાસીનતા, વ્યથાનો અનુભવાય છે. પ્રત્યેક શેરમાં ભિન્ન રીતે અર્થની પુનરુક્તિ કરી છે માટે ‘મંદાક્રાંતા’ છંદ અહીં ‘મંદ મંદ વહેતા હધ્યાલાપ’ની સ્થિતિ સર્જી છંદનું પણ પ્રભુત્વ દાખવે છે. ‘ખૂંટવાની’, ‘તૂટવાની’, ‘લૂંટવાની’, ‘ફૂટવાની’, ‘ઉઠવાની’, ‘ઘૂંટવાની’, જેવા કાફિયાપ્રયોગો ક્રિયાત્મક નીવડ્યા છે.
(2)
છેલ્લે ખિસ્સામાં તપાસ કરતાં થોડાં ચણાં નીકળે, એ રીતે પણ ક્યાં રમેશ, ઘરમાં ખુલ્લી જગા નીકળે.
ગીચોગીચ ગલી અવાજ ઘટના ટોળાં અને માણસો, છે કોની મગદૂર આ નગરથી સાજાસમાં નીકળે.
આ મારું ઘર હોય જો ઘર નહીં ને શુષ્ક ખાબોચિયું, તો એમાં વરસાદ ક્યાંક વરસ્યાં જેવી બિના નીકળે.
રસ્તાઓ રઝળ્યાં કરે નગરમાં મંજાર સર્પો સમા, ને એની ચમટી ય કોઈ ઘરમાંથી ના દવા નીકળે.
પોતાનાં મુઠ્ઠીક સ્વપ્ન લઈને આ કાફલા જાય છે, એની અંતરિયાળ લૂંટ કરવા રસ્તા બધાં નીકળે.
ડૂચ્ચા તાબડતોબ રીતસરનાં વેરાય એના, રમેશ, ડૂમો, જો ક્યારેક આ નગરમાં આંસુ થવા નીકળે.
(પૃ. ૩૪૬, છ અક્ષરનું નામ)
રમેશ પારેખની પ્રસ્તુત ગઝલ શાર્દૂલવિક્રીહિત છંદમાં છે. છંદ પ્રમાણે ગઝલની પ્રત્યેક પંક્તિની અક્ષરોની સંખ્યા ૧૯ તથા પંક્તિના પ્રથમ ત્રણ અક્ષર ગણનું બંધારણ પણ — — — જોવા મળે છે. શાર્દૂલવિક્રીડિત છંદનાં લગાત્મક રૂપ ‘મસજસતતગા’ પ્રમાણે પંક્તિના પ્રત્યેક અક્ષરો લઘુ-ગુરુની માત્રામાં બંધ બેસતા નથી. પ્રથમ મત્લામાં ઉલા મિસરા પંક્તિમાં ૧૮ અક્ષર અને સાની મિસરામાં ૧૯ અક્ષર છે. કવિએ અહીં થોડી ઘણી છૂટ લીધી છે. એક કરતાં વધુ સ્થાને લઘુની - ગુરુ અને ગુરુને - લઘુ કરી છૂટ લીધી હોય તો તે દોષ ગણાય. છંદ પ્રમાણે ગઝલનું બાહ્ય બંધારણ અહીં જળવાય છે. શાર્દૂલવિક્રીડિત એટલે સિંહની ચાલ જેવું, ઉછળકૂદ કરનાર. સિંહની ક્રિયા કે ક્રીડા. ગઝલનો મત્લા જોઈએ તો,
‘‘છેલ્લે ખિસ્સામાં તપાસ કરતાં થોડાં ચણાં નીકળે
એ રીતે પણ ક્યાં રમેશ ઘરમાં ખુલ્લી જગા નીકળે.’’
માણસની તપાસ કરવામાં આવે, કોઈ આક્ષેપ સાથે ત્યારે બીજું કંઈ નહીં તે ‘ચણા’ નો સંદર્ભ કેમ ? ‘ચણા’નો સંદર્ભ તો સુદામાની દરિદ્વતાનું સૂચન કરે છે. પ્રથમ શેર સુદામાની દરિદ્રતા સૂચવે છે. ‘એ રીતે પણ ક્યાં ?’ - આ પ્રશ્નાર્થમાં ખાલીપણાનું આશ્ચર્ય છે. માણસ પાસે કંઈ ન હોવું એ દરિદ્રતા કે’વાય. પણ બધું હોવા છતાં ખાલીપણું હોવું એને શું કહેવાય ? કદાચ વેદના. બીજો શેર વધુ વેધક છે.
‘‘ગીચોગીચ ગલી અવાજ ઘટના ટોળાં અને માણસો.
છે કોની મગદૂર આ નગરથી સાજાસમા નીકળે.’’
શહેરની સંસ્કૃતિની ભીષણતાનું ચિત્ર પ્રસ્તુત શેરમાં છે. લોકોની વચ્ચે સચવાઈને નીકળવાની તાકાત કે સાહસ કોનામાં હોય ! શેરની દહાડથી કોઈ બચી શકે ? શાર્દુલવિક્રીકિતનો પૂરો ધ્વનિ આ શેરમાં સંભળાય છે. પછીનો શેર ‘ઘર’ અને ‘ઘર નહીં ને ખાબોચિયું’ જાતને જીવવા મળેલી થોડી ઘણી, જગાનો સંકેત કરે છે. એમાં વરસાદનું વરસવું. એટલે કે કોઈકની લાગણીનું વરસવું એ જીવનની ઘટના કે બિના કહેવાય. ‘રસ્તાઓ રઝળ્યા કરે’ સજીવારોપણ અલંકારની પ્રયુક્તિ છે. વાસ્તવમાં માનવી રઝળે છે એની ભીતરના સર્પ રઝળે છે. વાસનાઓ, ઈચ્છા, લાગણી... બધું જ રઝળે એવે સમયે ક્યાંકથી ય દવાનું નીકળવું અમૃત સમાન છે. ‘દવા’ અહીં પ્રતીક બને છે. એવું શહેર છે આ કે જ્યાં બિમાર લાગણીઓની દવા નથી મળતી. એથીય વધુ વેધકતા તો એ છે કે પોતાના મુઠ્ઠી સપનાં લઈ જીવવા નીકળેલાં લોકોને માણસો નહીં રસ્તા લૂંટી લે છે માણસજાતમાં રહેલું ઘાતકીપણું, પ્રકૃત્તિ પર હાવી થવા લાગ્યું. સૂમસામ રસ્તા પર જતાં એટલે જ લોકો ડરે છે. માણસની પીડાને ‘ડૂચ્ચા’ કહેતાં કવિ અંતિમ શેરમાં ચોટ આપે છે,
‘‘ડૂચ્ચા તાબડતોડ રીતસરનાં વેરાય એના રમેશ,
ડૂમો, જો ક્યારેક આ નગરમાં આંસુ થવાં નીકળે.’’
ગળે બાઝી જતો ‘ડૂમો’ શિવના વિષની જેમ માણસના પચાવી શકે. અને તેથી એ ‘ડૂમો’ આંસુ થઈને ખરે એ જરૂરી છે. પણ દુઃખની વાત તો એ છે કે અહીં આંસુ પણ ડૂચ્ચો બની વેરાઈ જાય છે. આમ, ગઝલની ભાવઉર્મિમાં આવતો ઉછાળ કોઈ એક મનુષ્યની વાત નથી અહીં એકલદોકલ માનવીને બદલે સમગ્ર શહેર-નગર સંસ્કૃતીમાં વ્યાપેલી ભીષણતા પર કવિએ પ્રહાર કર્યો છે. એ દ્રષ્ટિએ ‘શાર્દુલછંદ’ પણ ગઝલને બંધ બેસે છે.
(3)
શ્વાસની કુલ ઊંડાઈ અધ્ધધ્ધ વાંસ હોય છે
છીછરા તોય તે એમાં આખ્ખું આકાશ હોય છે.
જીવે છે સર્વ લોહીમાં લૈ સૌનું મહાભારત,
કિન્તુ સૌ હોય છે ટોળું, કોઈ ક્યાં વ્યાસ હોય છે.
છધ્મનામે રહે સૌનું મૃત્યુ સૌની નજીકમાં
શ્વાસનું ચાલવું એ જ ઝેરીલી ફાંસ હોય છે.
શહેર કૃતાંતની મુઠ્ઠી એમાં સૌ ભયબદ્ધ છે.
લ્હેરથી નીકળે છે તે લાશો બિંદાસ હોય છે.
જે ક્ષણે હોઉં છું પુક્ત, એ ક્ષણે રીકત હોઉં છું.
રેતના મ્હેલની જેવો મારો વિશ્વાસ હોય છે.
આમ તો નામ છે મારું ભાંગેલો દરિયો, રમેશ
સૂચવે મારી પીડા એવો ક્યાં કંપાસ હોય છે.
(પૃ. ૩૪૭, છ અક્ષરનું નામ)
અનુષ્ટુપ છંદ બંધારણમાં આંઠ અક્ષરના ચાર ચરણ એટલે કે ૩૨ અક્ષરનો છંદ, જેમાં પાંચમાં અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. પ્રથમ અને ત્રીજા ચરણનો સાતમો અક્ષર ગુરુ અને બીજા તથા ચોથા ચરણનો સાતમો અક્ષર લઘુ હોય છે. અનુષ્ટુપ છંદને સંસ્કૃત ભાષામાં ‘શ્લોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિકવિ વાલ્મીકિ એ પણ પ્રથમવાર અનુષ્ટુપ છંદ ઉચ્ચાર્યો હતો. જેનો અર્થ ‘કશાકની માંડણી કરવી’ - એમ થાય. કાન્તે પોતાના ખંડકાવ્યોમાં અનુષ્ટુપ છંદ પ્રયોજ્યો છે. ગઝલ એટલે ‘વાતચીત’ નો કાવ્ય પ્રકાર. તો ખંડકાવ્યમાં પણ પાત્ર-પાત્ર વચ્ચે સંવાદો તો હોય જ છે ને છતાં અનુષ્ટુપ છંદમાં તે રસવાહી રીતે ભાવસંયોજન થાય છે. પ્રસ્તુત ગઝલમાં માણસજાતમાં જીવાતા પોતીકા શ્વાસ, પોતાનું મહાભારત, પોતાનું મૃત્યુ, ખાલીપો અને ભાંગેલો દરિયો જેવા કલ્પનો વડે રમેશ પારેખે માણસના અસ્તિત્વને ઝંઝોળ્યું છે. ચાર ચરણ અને લઘુ-ગુરુની માત્રામાં સંયોજિત અનુષ્ટુપ છંદ અહીં માણસના હોવાપણાંથી લઈને, ખાલીપણા, જીવનની નિરર્થકતા, અને સ્વવેદના કે પીડાને આકૃત કરવા તરફની માંડણી કરી છે. શ્વાસને પામી ન શકાય છતાં તેની ઉંડાઈ કવિ ‘અધ્ધધ્ધ’ કહીને અગણિત કરી મૂકે. દરેક માનવીમાં પોતાનું ઉડું કે છીછરું એક જીવન હોય એવી સ્વાભાવિક વાત મત્લામાં છે.
‘‘જીવે છે સર્વ લોહીમાં લે સૌનું મહાભારત,
કિન્તુ સૌ હોય છે ટોળું, કોઈ ક્યાં વ્યાસ હોય છે.’’
દરેકના જીવનમાં એક મહાભારત જીવાય છે છતાં એ લોકો માત્ર ટોળાં જ રહી જાય છે. ‘વ્યાસ’ બની શકતા નથી એટલી ઉંચાઈ એમનામાં નથી. આવા જન પોતાના પડછાયામાં આવતા મૃત્યુને ના જોઈ શકે અર્થહીન જીવન ‘ઝેરીલી ફાંસ’ જેવું હોય છે. અહીં કોઈ એક માણસની નહીં સમગ્ર માણસજાતની વાત છે. શહેર આખું ભયના ઓથારમાં છે. ને આવા બિંદાસ ફરતા મનુષ્યોને કવિએ ‘લાશ’ કહ્યા છે કારણ કે તેઓ બુદ્ધિથી નિદ્રાધીન છે. જીવનનો સાચો સંતોષ તો ભીતરમાં રહેલો રિક્તભાવ અને દ્રઢ વિશ્વાસ છે જ્યાં કોઈ અનીતિ ટકતી નથી. અંતે મકતામાં કવિ ભાવચોટ આપે છે,
‘‘આમ તો નામ છે મારું ભાંગેલો દરિયો, રમેશ
સૂચવે મારી પીડા એવો ક્યાં કંપાસ હોય છે.’’
પોતાની પીડાને કવિ ‘ભાંગેલો દરિયો’ કહીને પીડાને દ્રશ્યરૂપ આપ્યું છે ને છતાંય પીડાને માપી શકવાનો કંપાસ કોઈ પાસે નથી એ એક કોયડો છે. કવિ આમ વધું કહીને પણ કેટલુંક ગહન અને સંદિગ્ધ રાખે છે. એ સંદિગ્ધને ઉકેલવાનું કામ જ ભાવકનું છે. સોળ-સોળ એમ કુલ બત્રીસ અક્ષરની ગોઠવણીમાં અનુષ્ટુપમાં ખીલતી આ ગઝલ ખરેખર કવિની સિદ્ધિ ગણાય.
(4)
કદી રસ્તા વચ્ચે પણ વમળ દેખાય તમને
કદી રેતી વચ્ચે પણ કમળ દેખાય તમને
તમારી આ આંખો અટકળ લગી જાય તરસી
અને સુક્કી રેતી પણ સજળ દેખાય તમને
હંમેશા ચશ્મામાં જડ ભરત આંખો સબડતી
જુઓ તો સ્વપ્નાઓ પણ અચળ દેખાય તમને
પહેરો તો આખ્ખાં પગવશ બને જે પગરખાં
કરો શું જ્યારે એ પણ અતળ દેખાય તમને
હથેળી - જેમાં જંગલ સતત ખોવાય, ન જડે
અને આ ખોવાવું પણ સરળ દેખાય તમને
રમેશે પહેરાવ્યાં મબલખ ઘરેણાં શબદને
અંતઃ આ ઠૂઠામાં પણ કૂંપળ દેખાય તમને
(પૃ. ૩૪૮, છ અક્ષરનું નામ)
પ્રસ્તુત ગઝલ શિખરિણી છંદમાં (૧૭ અક્ષર U — — ) માં છે. ‘શિખરિણી છંદનો અર્થ પર્વતોની હારમાળાની જેમ લયનો આરોહ - અવરોહ’ એવો થાય છે. ગઝલના પ્રત્યેક શેર ‘યમનસભલગા’ શિખરિણીના બંધારણને બરાબર જાળવી રાખે છે. ભાવ સૌંદર્યની દ્રષ્ટિએ કવિએ જીવનની વાસ્તવિક ઘટનાઓને આધારે મળેલાં તારણોની ફિલસૂફી પ્રગટ કરી છે, પણ આ ફિલસૂફી નરી ગદ્યાળુ નથી. માણસનું મન ઈચ્છે એમ અનુભવ થઈ શકે. એવી શક્યતા તરફ કવિની દ્રષ્ટિ છે.ક્યારેક રસ્તા વચ્ચે ‘વમળ’ અને ક્યારેક રેતી વચ્ચે ‘કમળ’નું દેખાઈ જવું એ ગ્રીષ્મમાં વરસાદની અનુભૂતિ કરાવવા બરાબર છે. માણસને પ્રેમ થાય ત્યારે લૌકિકપણ અલૌકિકમાં દેખાય. આભાસો થયા કરે. અને એ આભાસો સાચા પણ ઠરે જેમકે,
‘‘તમારી આ આંખો અટકળ લગી જાય તરસી,
અને સુક્કી રેતી પણ સજળ દેખાય તમને’’
આંખોની અટકળમાં રહેલી તરસ કાયમી પણ રહી શકે છે ને ક્યારેક સુક્કી રેતી પણ જળનો ભાસ કરાવી જાય. માણસમાત્રની આંખોને કવિએ ‘જડભરત’ કહી છે. મજબૂત મનોબળ રાખવા છતાં ઘણીવાર મનઉપરવટ કરીને ન કરવાનું કરી બેસે. પણ આ વેદના સર્વાનુભવ છે. માત્ર એકાદ માણસની નથી સ્વપ્નાઓ ‘અચળ’ દેખાય એમાં કદી ન પૂરા થઈ શકવાની ઉદાસીનતા પણ પ્રગટ થાય છે. આંખો જડભરતની જેમ માત્ર સપનાઓ જોએ રાખે. જેટલું ધારણ કરીએ એ બધું જ ક્યારેક આભાસ પણ હોય અને આભાસમાં સત્યના પણ દર્શન થઈ શકે. એટલે કવિ કહે છે,
‘‘પહેરો તો આખ્ખાં પગવશ બને જે પગરખાં
કરો શું જ્યારે એ પણ અચળ દેખાય તમને’’
બહારથી દેખાતું છીછરાપણું ક્યારેક ગહન હોઈ શકે - હથેળીના સંદર્ભે કવિએ ઉંડાણ દાખવ્યું છે. ‘હથેળી - જેમાં જંગલ સતત ખોવાય ન જડે’, અને આ ખોવાવું પણ સરળ દેખાય તમને ‘હથેળી’ એ જીવનની રેખાઓનો સંદર્ભ સૂચવે છે. જીવનમાં થનાર અગણિત ઘટનાઓ જંગલથી કંઈ કમ નથી. કેટલીયવાર આવા જીવનજંગલમાં ખોવાયા કરીએ, પાછા જડીએ પણ મઝાની વાત તો એ છે કે ‘ખોવાઈ’ જવું એ પણ સરળતારૂપે કવિ જુએ છે. ખોવાઈ જવું એટલે કશાકમાં ઓતપ્રોત, તન્મય થઈ જવું. અંતે મક્તામાં કવિ કહે છે,
‘‘રમેશે પહેરાવ્યા મબલખ ઘરેણાં શબદને
અંતઃ આ ઠૂંઠામાં પણ કૂંપળ દેખાય તમને.’’
રમેશ પારેખ જેવો કવિ ગઝલ લખે એ ગઝલને શબ્દથી પહેરાવેલું ઘરેણું જ કહેવાય. પણ આવો કવિ કવિતા લખે અને એ શબ્દોમાંથી કૂંપળ ન ફૂટે તો જ આશ્ચર્ય કહેવાય. એટલી અસરકારકતા રપા.ની ગઝલમાં વર્તાય છે. ગઝલના કાફિયા પ્રયોગશીલ છે. વમળ, કમળ, સજળ, અતળ, અચળ, સરળ, કૂંપળ વગેરે અર્થગમ્ય છે. દરેક શેરના, સાની મિસરા વચ્ચે આવતો ‘પણ’ અને ‘દેખાય તમને’ રદ્દીફ પણ નવો જ છે. જુદા-જુદા છતાં લગભગ એક જ અર્થને ઉંડાણને રજૂ કરનારા શેરની હારમાળા શિખરિણી છંદમાં બંધ બેસે છે.
(5)
મથ્યો મરમ એક હું પરખવા અને બે થયા
મથ્યો વલણ માંહ્યલું પકડવા અને એક બે થયા
વસંત પણ એક ઘાવ સરખી મળી કારમી
દવા ઝખમની કરી રુઝવવા અને બે થયા
થયું : ચલ, તપાસીએ, છળ તપાસીએ ખુદનાં,
અમે જ અમને ગયા સમજવા અને બે થયાં
પડ્યો, શક પડ્યો પણે ફકત થોર છે એકલો
ગયા શક જરીક દૂર કરવા અને બે થયા.
હતો સમય બાર ને, દસ-બધી ઘડિયાળમાં
બરોબર કને ગયાં નીરખવાં અને બે થયા.
લડ્યાં સતત ઘાવ મર્મસરસા કરી સામટા
રમેશ, રણને અશેષ કરવા અને બે થયા...
(પૃ. ૩૫૧, છ અક્ષરનું નામ)
રમેશ પારેખની પ્રસ્તુત ગઝલમાં પૃથ્વી છંદ પ્રયોજાયો છે. પૃથ્વી છંદ ૧૭ અક્ષર અને બંધારણરૂપ U — U છે. તેનું લગાત્મકરૂપ છે. ‘જસજસયલગા’ પૃથ્વી એટલે સ્થિરમતિ. ગઝલના પ્રત્યેક શેરનો ભાવ ચકાસીએ એ પહેલાં - તેના છંદગત રૂપને ચકાસીએ.
પ્રથમ શેર મત્લામાં કવિ ‘સ્વ’ને મથવાની વાત કરે છે. આ ‘સ્વ’ની મથામણ ગહન છે. મન, હૃદય, ચિત્ત... બધું આમ એક સરખું ને છતાં ભિન્ન. એટલે જ કવિ એમ કહે કે ‘મથ્યો વલણ માંહ્યલું પકડવા અને એક બે થયા’. જેટલાં ઊંડા ઉતરો એટલાં અર્થ મળે મન સાગર જેવું છે. બીજા શેરમાં કવિનું હૃદય કેટલું નાજૂક છે કે વસંત પણ કારમી ઘા જેવી લાગે છે. ઘા પર દવા થતાં જાણે ઘા રૂઝાવાને બદલે બે ભાગ થઈ જાય છે. જાત સાથે કવિ સંવાદ માંડતા કહે છે,
‘થયું : ચલ તપાસીએ, છળ તપાસીએ ખુદનાં,
અમે જ અમને ગયા સમજવા અને બે થયા.
આ શેરમાં કવિ જાત તપાસ આદરે છે. સાચું - ખોટું, છળ-કપટ-બધું તપાસતા કવિને પોતાની જાતમાં પણ બે ભાગ થતાં દેખાયા મન અને બુદ્ધિના. આ સૂક્ષ્મતા કવિ પાસે આત્મસૂઝથી આવી. વળી, ભાવનું ઉંડાણ પણ શેરમાં અનુભવાય છે. ભીતરની કોઈક વાત - જાત તપાસ વડે કવિ અહીં તારણો આપી રજૂ કરે છે કે, ‘ગયા શક જરીક દૂર કરવા અને બે થયાં’ વ્હેમની કોઈ દવા નથી. પણ વ્હેમ દૂર કરવાં જતાં ય જાણે મનનાં બે ભાગલાં પડી ગયા. પછીનો શેર ધારદાર છે,
‘હતો સમય બાર ને દસ બધી ઘડિયાળમાં
બરોબર કને ગયા નીરખવા અને બે થયા.’
ઘણીવાર દૂરથી દેખાતું સત્ય નજીક જઈને જોવાં જતાં બદલાયેલું ભાસે છે. સમય અને સંજોગો વચ્ચે માણસને આવા આભાસ થયા કરે છે. કવિને પણ બારને દસનો સમય સીધો ‘બે’ માં પલટાઈ ગયો અનુભવાય છે. અંતિમ મકતા પણ ચોટદાર છે. ઘાવ મળવાં છતાં માણસજાત કેટલીક વાસ્તવિકતા સાથે સતત ઝઝૂમે છે, સમસ્યા, પીડાનાં રણને નાથવા ગયા તોય કવિ કહે છે તેમે ‘રમેશ, રણને અશેષ કરવા ગયા ને બે થયા’ રણની વિરાનતા પણ બે ટુકડામાં વહેંચાઈ જાય અને ઘણીવાર નાબુદ પણ ન થાય એવો ખાલીપો જીવનમાં વિસ્તર્યા કરે છે. આમ, સમગ્ર ગઝલનો મિજાજ કવિનું ચિંતન તત્વ અથવા ‘સ્વ’ને જાણવાની. મથામણ તથા ભીતરમાં ચાલતા સંવાદને પરિણામે ‘એકમાંથી બે થયા’નું ગણિત થોડું સંદિગ્ધ પણ લાગે. ‘એક’ એ એકરૂપતા અને ‘બે’ એ ખંડનનું સૂચન કરે છે. સતત કોઈક વિચાર, જાતતપાસ, એકલતા, ઉદાસીનતા, મથામણ, અને વાસ્તવિકતાનો કારમો અનુભવ પ્રસ્તુત ગઝલ કરાવે છે. ‘એક બે’ અથવા ‘બે થયા’ એ રદ્દીફ પણ સંખ્યાત્મક રદ્દીફ તરીકે નવિન બન્યો છે. ‘પકડવા’, ‘રુઝવવા’, ‘કરવા’, ‘સમજવા’, ‘નિરખવાં’ જેવાં ક્રિયાત્મક કાફિયા પણ ર.પાની ગઝલની વિશેષતા જ છે.
આમ, પ્રસ્તુત પાંચેય ગઝલમાં કવિએ ગુજરાતી છંદનો પ્રયોગ કરીને ગઝલ માત્ર ઉર્દુ - ફારસી છંદમાં જ લખાય એવા ધારાનો છેદ ઉડાવી ‘ગુજરાતી છંદની ગઝલ’ ને પોતીકાપણાનો પરિચય પણ આપ્યો છે. ગઝલએ માત્ર શબ્દો કે ભાવની રમત નથી. ભાવપૂર્વકના શબ્દોને ચોક્કસ માત્રિકલયમાં ગોઠવી કાવ્યાત્મક્તા કે સૌંદર્યનો સ્પર્શ એમાં વર્તાય, અનુભૂતીનું સઘન પોત તેમાંથી પ્રગટે તો તે સાચી ગઝલ બને છે. ગુજરાતી સાહિત્યમાં કવિ રમેશ પારેખની ગીત અને ગઝલ સંદર્ભે પ્રગટેલી સર્જકતાએ તેને ‘મોટો કવિ’ બનાવ્યો છે. આ પ્રકારની પ્રયોગશીલ ગઝલ તેમની સર્જકતાનું સુફળ બની રહે છે.