નારીજીવનની સમસ્યાઓને તાગતી વાર્તાઓ’


(મણિલાલ હ.પટેલની વાર્તાઓ)

મણિલાલ હ. પટેલ અનુઆધુનિક ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ સર્જક રહ્યા છે. કવિતા, નવલકથા, નવલિકા(ટૂંકીવાર્તા), નિબંધ, વિવેચન અને સંશોધન-સંપાદન ક્ષેત્રે તેમનું પ્રદાન વિશેષ રહ્યું છે. જીવનમાં સંઘર્ષ, મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવનારા બહુ ઓછા મનુષ્યો હોય છે. વેઠવું, વિકસવું અને વિસ્તરવું બધાના જીવનમાં હોતું નથી. ઘણા દુઃખો અને મુશ્કેલીઓ દરેક પગલે નવો આકાર લેતી હોય છે પણ એમાંથી રસ્તો કરનારા બહુ ઓછા હોય છે. મણિલાલ હ. પટેલનું લેખન કાર્ય આઠમા-નવમાં ધોરણમાં ભણતા ત્યારથી લખવાનું શરુ કરેલું. પરિસ્થિતિઓ અને પ્રસંગો દરમિયાન તેમનું ઘડતર થતું ગયું. સ્કૂલના દિવસોમાં તેઓ પ્રસંગો અને ઘટનાઓ લખતા રહેલા. શરૂઆતના વર્ષોમાં લખવાની તેમને ‘તલબ’ લાગેલી. વીસ-બાવીસ વર્ષની વય સુધી તો ગામડે/સમાજ વચ્ચે રહેતા હતા. સમાજના તથા ગામડાના લોકજીવનના આ અનુભવો છેક સુધી મળતા રહ્યા હતા. આ રૂઢીચુસ્ત સમાજના રીતરિવાજોએ પણ તેમને ઘડ્યા છે. તેની પ્રતીતિ તેમની વાર્તાસૃષ્ટિમાં થાય છે. ૧૯૬૦ થી ૧૯૯૦નો સમયખંડ તેમની વાર્તાઓમાં આવે છે. સમાજ-શિક્ષણ-લોકજીવન-કુટુંબજીવન-નારીજીવનની સમસ્યાઓ વિશેની વાર્તાઓ તેમની વાર્તાસૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આવા સર્જક મણિલાલ હ. પટેલ પાસેથી ૧. રાતવાસો(૧૯૯૪), ૨. માટી બોલે(હિન્દી)(૧૯૯૫), ૩. હેલી(૧૯૯૫), ૪. બાપાનો છેલ્લો કાગળ(૨૦૦૧), ૫. સુધા અને બીજી વાતો(૨૦૦૭) એમ કુલ પાંચ વાર્તાસંગ્રહો મળી રહે છે. ‘રાતવાસો’થી માંડીને ‘સુધા અને બીજી વાતો’ વાર્તાસંગ્રહોમાં કુલ ૬૭ જેટલી વાર્તાઓ સંગ્રહાઈ છે. તેમની વાર્તાઓ વિષય, ભાવ, સંવેદન, પરિવેશ, વાતાવરણની રીતે ભિન્ન પડે છે.

અનુઆધુનિક ગુજરાતી સાહિત્યની ટૂંકીવાર્તાઓમાં ગ્રામચેતના, નગરસંવેદના, નારીચેતના અને દલિતચેતના પ્રવાહો વિશેષ ધ્યાન ખેંચે છે. મણિલાલ હ. પટેલની વાર્તાઓ અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં સત્વ અને તત્વની રીતે બળવત્તર રહી છે. તેમની વાર્તાઓમાં નારી, તેના પ્રશ્નો, તેનું જીવન વિશેષ રીતે આલેખાયું છે. સમયે સમયે નારીનું સ્થાન બદલાતું રહ્યું છે અને તેની સાથે પ્રશ્નો પણ બદલાઈ રહ્યા છે. અશિક્ષિત નારી તો વેઠતી જ આવી છે જયારે શિક્ષિત નારી સામનો કરી રહી છે ત્યારે આધુનિક સમાજમાં તેના પણ પ્રશ્નો બદલાયા છે. મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિમાં ગુજરાતનો ગ્રામીણસમાજ તો વળી ક્યાંક આધુનિક નગરની નારીનું ચિત્ર પ્રગટે છે. આમ ગ્રામપરિવેશ તથા નગરસંવેદનમાં નારીનો સતત સંઘર્ષ રહ્યો છે.

‘બદલી’, ‘રાતવાસો’, ‘ચીડો’, ‘પડતર’, ‘મગન સોમાની આશા’, ‘પી.ટી.સી. થયેલી વહુ’, ‘ફારગતી’, ‘બાવળના ફૂલ’ જેવી વાર્તાઓમાં ગ્રામજીવનની નારીની સંવેદના નિરૂપણ પામી છે. આ વાર્તાઓમાં સ્ત્રીનું જાતીયતાપણું, જાતિનો સંઘર્ષ, વિદ્રોહ તો ક્યાંક અતૃપ્તીની વેદનાને વાર્તાકારે વર્ણવી છે. વાર્તાકારનો ઉછેર ગામડાંમાં થયો હોવાના કારણે ગામડા-ગામની સ્ત્રીને તેમણે બરાબર ઓળખી છે, તેની મુંજવણથી તેઓ બરાબર વાકેફ છે, તે પરિવેશને જાણે છે ત્યારે જ તેમની વાત તેમની વાર્તાઓમાં નારીની વાચા બનીને આવે છે. લેખક તેમની કેફિયતમાં જણાવતા કહે છે...“ટૂંકીવાર્તા દ્વારા હું મારા મૂળમાં જઈને એની સાથેના સંકુલ અને બહુ પરિમાણી જગતના પડોને ઉકેલીને જોવા ચાહું છું. હું જે ઘર-માટી-સીમ-વગડો-ગામ-વતન-સમાજ-પ્રજામાં રહીને ઉછર્યો છું એના પરિસરમાં રહીને હું મને, મારી વાર્તાને, જીવનસંઘર્ષને પામવા-આલેખવા ચાહું છું.”(‘તાદર્થ્ય’,ઓગસ્ટ-૧૯૯૭) ઘટના/ પ્રસંગ વાર્તાના પરિવેશમાં મહત્વના બને છે અને પાત્રો એ પરિવેશમાં વધુ સાચકલાં લાગે છે.

‘બદલી’માં કઠોર સમાજનો સંવેદનજડ ચહેરો ઉપસ્યો છે. ‘બદલી’ વાર્તામાં નાયિકા અંબાની મનોસ્થિતિ આલેખાઈ છે. રાયજી માસ્તરની બદલીના સમાચાર સાંભળી અંબા વિખેરાય જાય છે. રાયજી અંબાના પહેલા પતિ હતા. બંનેની ઇચ્છા વિરુધ્ધ અળગી થાય છે ને બીજા પતિ રેવજી સાથે ફરી સંસાર માંડે છે. સમાજના અને સાટાના રિવાજોએ બંનેને અલગ કરી દીધા હતાં. સાટામાં પરણેલી એટલે છુટા થવાનો વારો આવેલો. અને એમ અંબાનું જીવન નંદવાઈ ગયેલું. રેવજી બધુ જાણતો તેથી અંબાને સાચવવાનો પ્રયત્ન કરતો હતો. અંબા નવા ઘર-વર સાથે ગોઠવાઈ ગઈ હતી. બીજી બાજુ રાયજી પણ પોતાના ઘર સાથે ગોઠવાઈ ગયો હતો. રાયજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતો હતો. થોડો સમય વીતે છે ને બીજી ઘટના એવી બને છે કે રાયજીની બદલી રેવજીના ગામમાં થાય છે. એટલે થોડી ટાઢક અંબાને થાય છે. અંબાને બીજી બાજુ રેવજીની ફીકર વધુ લાગવા માંડે છે. અંબાને રાયજી મનમાંથી છુટતો નથી. મનોમન રાયજીને ચાહે છે પણ આંખમાં આંખ પરોવીને વાત નોતી કરી શકતી અંબા. ગળે મળીને ભેટું,રડીલવ પણ એમેય કરી શકતી નોતી. બંને એક વાર મળે છે ને ત્યારે રાયજી બોલે છે: ‘તમારા ગામમાં આવીએ છીએ તે કોઈ દિવસ ચા-પાણીનો ભાવ આઘો રહ્યો, પણ આંખ માંડીને વાત તો કરો-કે પછી બધાં ય સગપણ સાવ ભૂલી ગયાં?’(પૃ.૬૫-૬૬,રાતવાસો) ત્યારે અંબા સામો જવાબ આપે છે અને મનથી ભાંગી પડે છે અને રાયજીને કહી દે છે ‘મારું ભલું તાકતા હોવ તો અહીંથી બીજે કશે બદલી કરાવી લ્યો, મારાથી આવું વેઠાતું નથી.’ (પૃ.૬૬,રાતવાસો) અંબા બોલતાં તો બોલી જાય છે પણ મનમાં ડુમો ભરાઈ આવે છે અને પોતાને ઘેર ચાલી નીકળે છે. થોડા દિવસો જાય છે ને અંબાને જાણવા મળેલું કે રાયજી માસ્તરની બદલી થઈ ગઈ છે ત્યારે તે અંદરથી ખળભળી ઊઠી હતી.

પોતાના લગ્નજીવનમાં સમાજની એ રૂઢીઓ, રિવાજો અને પરંપરાઓનો સામનો સ્ત્રીઓને કરવો પડ્યો છે. ક્યારેક સમાજ તો ક્યારેક પોતાના પિતાનું વચન માનીને તેણે સતત વેઠવાનું જ આવ્યું છે. ‘પી.ટી.સી. થયેલી વહુ’ વાર્તાએ એ સમયમાં લેખકના સમાજમાં ખળભળાટ મચાવેલો. કારણ કે પીટીસી થયેલી વહુ ઘર-સમાજ માટે સ્ટેટસ સિમ્બોલ બનતાં કંઈ કેટલાંય ઘર મંડાતાં ભાગ્યાં છે. થોડુંક સ્ત્રી શિક્ષણ લે તેમાંય સમાજને પ્રશ્ન થતો. ‘ફારગતી’ વાર્તામાં સમાજના એ જ નિયમોથી નારીને વેઠવાનું આવે છે. સ્ત્રી પોતે ગમે તેટલી નિપુણ હોય પણ એ પતિ અને સમાજ સામે લાચાર બની રહે છે.

‘મગન સોમાની આશા’માં વેંત અને વેતા વગરના પતિને પામેલી અસંતુષ્ટ નારીના વિદ્રોહની કથા છે. પિતા મગન સોમ રૂપિયાની લાલચમાં પોતાની પુત્રી આશાને રંગરૂપને નામે ડરામણો અને બુદ્ધિના લઠ જેવા મનહર સાથે પરણાવી દે છે. આ બનાવ પછી આશાને પિતા માટે હંમેશા ધીક્કાર જ થયો છે. ઘરનું બધું કામ કાજ કરતી, સાસુ-સસરાની સેવા કરતી આશા પોતાના મનની માલિક પોતાને જ માનતી. તેણે મનહરને પ્રથમ રાત્રિએ જ ચોખ્ખું કહી દીધું હતું કે “હું તમારી વહુ ને તમે મારા ધણી ખરા, દુનિયાના ન્યાયે હું તમારાં ઘરકામ ને વટવ્યવહાર સાચવીશ, જરાય ઊણપ નહિ આવવા દઉં, પણ મને જરાય અડવાનો કે છેડવાનો ઉપાય કરશો તો હું ભૂંડી બનીશ. દાબી દઈશ તો વાર નહિ લાગે. મારા હાથે ચૂડીઓ છે તે દુનિયાના ન્યાયે. બાકી હું ને તમે ભાઈબહેન! મારી કાયા પર તમારો ઓછાયો પડશે તોય નાહી નાખીશ, સમજ્યા?’’(પૃ.૪૨,બાપાનો છેલ્લો કાગળ) વાર્તાના અંત ભાગમાં મનહર આશા સાથે બળજબરી કરવા જાય છે ને આશા રાતના અંધકારમાં તેને ઓગળી જાય છે. વાર્તામાં લેખકે આશાના મનને વાચા આપી છે. આજે સમાજમાં કેટલીય સ્ત્રીઓના લગ્ન પોતાની ઈચ્છા વિરુદ્ધ થાય છે તેની પ્રતીતિ અહીં લેખકે વાર્તા દ્વ્રારા કરાવી છે.

બદલાતા સમયમાં નારીના સંવેદનો તથા આયામો બદલાયા છે. એમની સમસ્યાઓ બદલાઈ છે. લેખકે બદલાતા પરિવેશમાં આ ઝીલી બતાવ્યું છે. શિક્ષિત નારીની સામાજિક માનસિક સમસ્યાઓ અહીં અભિવ્યક્તિ પામી છે. ‘સુધા’, ‘રાતાં પોયણાં’, ‘પલકના સર...’, ‘સેજલ’, ‘માલતીનું મન’, ‘અંજળ’ જેવી વાર્તાઓમાં નારીજીવનની આંટીઘૂંટીઓ આલેખી છે. આધુનિક સમાજમાં નારીજીવનને કેવી રીતે વેઠવું પડે છે? તે વાર્તાકાર બતાવે છે.

‘સુધા’ વાર્તાની ટેકનિક ફ્લેશબેકથી શરૂ થાય છે. સુધાના લગ્ન થાય છે ને પોતાના પતિ સાથે શહેરમાં ગોઠવાય છે. દીકરાના લગ્ન ન્યાત બહાર થવાથી સમાજ સાથેના સંબંધો ઘસતા જાય છે અને સમય સાથે સુધા પણ પરિવર્તન પામે છે. જડ આચાર-વિચારોનું આક્રમણ પરિવારને સતત ડંખ્યા કરે છે, ને વ્યવહારો ઓછા થાય છે. સુધાને રૂઢિવાદી સમાજ પ્રત્યે ઘણી નફરત થાય છે. સુધા બધા રૂઢિરિવાજોને અળગાં મૂકી સ્વતંત્ર રહેવા માંગે છે પણ એક સ્ત્રીની જાતને લાગણીને વશ થવું જ પડે. સુધા એટલી નિષ્ઠુર નથી, તેની આંખ અંતે ભીની તો થાય જ છે. અહીં લાગણીનો વિજય, લોહીની સગાઈનો વિજય બતાવ્યો છે.

‘રાતાં પોયણાં’ વાર્તાનું શીર્ષક જ રહસ્ય ખોલી આપે છે ને વાર્તા વર્તમાન-ભૂતકાળમાં વારાફરતે આગળ વધે છે. આચાર્ય લક્ષ્મીપ્રસાદની ચાર દીકરીમાં ઋચા સૌથી મોટી હતી. તેથી તેને ‘મોટી’ કહીને પણ સંબોધતા. લક્ષ્મીપ્રસાદના મૃત્યુ પછી દીકરો કમલ પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને ઘરની તમામ જવાબદારી મોટીના માથે આવે છે. સમયની સાથે મોટીની ઉંમર ત્રીસ-બત્રીસે પહોંચી. મોટી નોકરીને કારણે શહેરમાં ફ્લેટ રાખે છે ને કોઈની ઉપપત્ની બનીને રહેવાનું સ્વીકારે છે. મોટી અવૈધ ભરવા જાય છે. તેથી બા-બહેનો, કુટુંબ તથા ગામના લોકો સમસમી જાય છે. રાતું પોયણું પ્રેમના પ્રતીક તરીકે વપરાય છે. છેવટે પોયણું દૂર તળાવની કાંટાળી ઝાડીમાં જતું રહે છે. મોટીના પગલાને રોકવા બા આપઘાત કરે છે. નારીની મૂંઝવતી વેદના લેખકે અહીં દર્શાવી છે. એક તરફ ઘર-સમાજ છે ને બીજી તરફ મનની આશાઓ છે. વાર્તામાં નારી વેઠીને વિદ્રોહ કરે છે.

‘પલકના સર...’ અને ‘સેજલ’ વાર્તાઓ શિક્ષિત નારીની બદલાયેલા સમયને વાચા આપતી વાર્તાઓ બની રહે છે. ‘પલક’ અને ‘સેજલ’ બંને સ્ત્રીઓ સામાજિક જીવનમાં ગોઠવાય છે. છતાં કંઈક ગુમાવ્યાનો ખેદ રહે છે અને બંનેને જોઈતો આનંદ મળતો નથી. ‘પલકના સર’ વાર્તામાં પલક લગ્નસંબંધથી નીરવ જોડે જોડાય છે. નીરવને બેન્કની નોકરીને કારણે વ્યસ્ત રહે છે તેથી પલક માટે સમય ફાળવી શકતો નથી. પલકનું મન ઘૂમરાયા કરે છે. તેને જૂના દિવસો તાજા થાય છે અને સર જોડે બાંધેલું મન સળવળ્યા કરે છે. સર પલકને મન દઈ બેસે છે. પલક પોતાના લગ્નમાં આવવાનું કહે છે ત્યારે સર કહે ‘આવવું ગમે, ખાસ તો તને નવવધૂના પરિવેશમાં જોવાનું મન થાય. પણ, હું તને આમ...જતી નહિ જોઈ શકુ, પલક! મને માફ...’(પૃ.૩૩, સુધા અને બીજી વાતો) સ્ત્રી પોતાનો અવાજ ઉઠાવા જાય પણ અંતે તો કોઈને વશ થવું જ પડે છે. ‘સેજલ’ વાર્તાને સર્જકે ‘પલકના સર...’ની જેમ ગતિ કરતી બતાવી છે. સેજલ અને મીત લગ્નજીવનમાં સ્થિર થાય ને સેજલને અનુરાગ પ્રત્યેનો પ્રેમ ઘેરી વળે છે. મીત પોતાના ધંધામાં વ્યસ્ત છે. એકલી પડેલી સેજલ માટે સમય ફાળવી શકતો નથી. સેજલ સતત કોઈની પ્રતીક્ષામાં રહ્યા કરે છે. અચાનક પત્ર આવે છે. કોલેજકાળનો પ્રિયજન અનુરાગનું બ્લડ કેન્સરથી મૃત્યુ થયું છે. સેજલ ભાંગી પડે છે. તે અનુરાગ પ્રત્યે થોડો સમય પણ ફાળવી ન શકી.અંતે તેને કંઈ સૂઝતું નથી. સેજલનું મન જે રીતે તૂટે છે તેમ વાર્તામાં જંગલ છે અને એ જંગલમાં કોઈ કુહાડો લઈને ઝાડ કાપતું હોય એમ તેના ટચકા સતત સેજલને સંભળાયા કરે છે. શહેરમાં રહેતી સ્ત્રીની સંવેદના અંતે તો તેણે મનમાં જ ઓગાળી દેવાની હોય છે. અહીં નારીની અન્ય સામે શરણાગતી જ સ્વીકારેલી દેખાય છે.

‘માલતીનું મન’ વાર્તા પ્રતીકાત્મક રીતે ગતિ કરે છે. સર્જકે મનની સમસ્યાઓને પ્રતીકાત્મક રીતે દર્શાવી છે. એકલી પડેલી માલતીને સમસ્યાઓ ઘેરી વળે છે. ઉપેન્દ્રને મેળવવા માલતીએ બધું જ ગુમાવેલું અને તે ઉપેન્દ્રથી જુદી પડે છે. કેમ કે ઉપેન્દ્ર હવે એને માટે નથી રહ્યો.માલતીની આંખ સામે બધાં જ હોવા છતાં માલતી એકલી જ છે. અરે ! સગી દીકરીયે પણ માલતીની નથી રહેતી...‘સગી દીકરીના લગ્ન વખતે તો કોઈએ યાદ નહોતી કરી માલતીને ! વહાલી દીકરીને ય મમ્મી યાદ નહોતી આવી?’ (પૃ.૪૮, સુધા અને બીજી વાતો) સર્જકે માલતી અને તેના મનમાં ચાલતા મનોસંચલનોને મૂક્યાં છે. એક બાજુ વૃક્ષો કપાઈ રહ્યાં છે અને ઉપવન વેરાન થતું જાય છે. આ ઘટનાને મન સાથે સરખાવી છે. ‘અંજળ’ વાર્તા ચરોતરના સમાજને આલેખતી છે. ઝવેરબાને મળેલો વારસો જેઠ ભગાજી પચાવી પડે છે. પતિવિહોણા ઝવેરબાને ધૂતકારીને કાઢી મૂકે છે. પાઈભાર પણ તેમને આપતા નથી. ‘ઝવેરી...તારું અહીં શું છે ?...જા,જા...’ અહીં ભગાજી પટેલની સ્વાર્થ વૃત્તિ ડોકાય છે, જે અમુક હદે પટેલ સમાજમાં પ્રતિબિંબ પડે છે. વાર્તા ચરોતર પ્રદેશ તેની બોલી, જીવનને સફળ રીતે આલેખતી પૂરવાર થાય છે.

વાર્તાઓનું વિષયવૈવિધ્ય ધ્યાનપાત્ર છે. રચનારીતિ પણ વિશિષ્ટ અને પ્રતીકાત્મક છે. ગામડા ગામની અને સાંપ્રત સમાજની નારીની જૂની અને નવી સમસ્યાઓને એક સામટી મૂકીને વાર્તાઓને કલાત્મક બનાવી છે. આજના સમાજનો ચેહરો આપડી સામે મૂકી આપ્યો છે. ઘણી વાર્તાઓ ગામડાના જીવતા જીવનમાંથી મળી છે તો બીજી વાર્તાઓ નગરના વાતાવરણમાંથી લીધી છે. બંને પરિવેશના સ્ત્રીઓના પ્રશ્નોને લેખકે વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. સમય બદલાયો છે પણ સ્ત્રીઓના પ્રશ્નો આજેય અકબંધ છે.

સંદર્ભ સૂચિ:

  1. ૧. તાદર્થ્ય, ઓગસ્ટ-૧૯૯૭
  2. ૨. શબ્દસર, ઓક્ટોબર-૨૦૧૨
  3. ૩. રાતવાસો, મણિલાલ હ.પટેલ
  4. ૪. બાપાનો છેલ્લો કાગળ, મણિલાલ હ. પટેલ
  5. ૫. સુધા અને બીજી વાતો, મણિલાલ હ. પટેલ

પ્રો. યોગેશચંદ્ર પટેલ, આર્ટસ કોલેજ, સતલાસણા