કર્ણના પાત્રને પ્રત્યક્ષ કરતી નવલકથા મૃત્યુંજય


ભારતીય સાહિત્યમાં જ નહી વિશ્વ સાહિત્યમાં મહાભારતની કથાનો અંશ કે કોઇ પાત્રને કેન્દ્રમાં રાખી સદીઓથી વિવિધ સ્વરૂપોમાં કૃતિઓ રચાતી આવી છે. એક જ કૃતિ વિશે આટલું બધું લખાય છતાં વાંચનારને નવું લાગે છે ! આ સંદર્ભે એટલું કહી શકાય કે જે તે પાત્ર કે ઘટનામાં સર્જકનું અર્થઘટન કે આજના સમય સાથેનું અનુસંધાન અનુભવી શકાય છે. આપણે એને પુરાકલ્પન તરીકે ઓળખીએ છીએ.

‘મૃત્યુંજય’ નવલકથાનો નાયક કર્ણ છે. સમગ્ર ‘મહાભારત’નું નહીં, કર્ણ સંદર્ભિત ઘટનાઓનું અહી નિરૂપણ થયું છે. જુદી જુદી પરિસ્થિતિઓ સંદર્ભે કર્ણના મનમાં જે વિચારો આવે છે, પ્રશ્નો ઊઠે છે, એના સમાધાનો શોધે છે, ક્યારેક એ મનમાં ચાલતી ગળમથલ અન્ય સમક્ષ અભિવ્યક્ત કરે છે, તેમ જ પોતાને ઉચિત જણાય એ મુજબ વર્તે છે, એમાં આધુનિકતા અનુભવાય છે. કર્ણ સારથી પુત્ર તરીકે જે અપમાન અને અન્ન્યાયનો ભોગ બન્યો એ પ્રસંગો સામે પૂરા આત્મબળથી ઝઝૂમે છે. એનું વ્યકિતત્વ આ અર્થમાં અત્યંત માની છે.

સંસ્કૃતમાં કવિ ગુલાબચન્દ્ર દ્વારા કર્ણના પાત્રને લઇને ‘મહારથી’ મહાકાવ્યની રચના કરવામાં આવી છે. મહાભારતમાં કર્ણનું પાત્ર ફેલાયેલું અને વેરવિખેર થયેલું જોવા મળે છે આ મહાકાવ્યમાં મૂળ કથાનકને વફાદાર રહીને કવિએ કર્ણને જ સંચિત કર્યો છે. ગુજરાતીમાં ‘મહારથી કર્ણ’ નવલકથામાં કર્ણનું જીવન, ક્રમશ: ઉત્ક્રાન્ત થતું તેનું વ્યકિતત્વ અને આપણા સામાજિક જીવનની વિસંગતિને સામે રાખીને કર્ણના પાત્રનું સાચા અર્થમાં નવનિર્માણ કર્યું છે. મરાઠીમાં વિ.વા. શિરવાડકર પાસેથી ‘કૌંતેય’ અને રણજિત દેસાઇ પાસેથી ‘રાધેય’ નામની નવલકથા મળે છે. ભારતીય સમાજચોકઠામાં શુદ્ર-સવર્ણ સંઘર્ષના પાત્ર નિમિત્તે પ્રસ્તુત કૃતિઓ લોકપ્રિય થઇ છે.

‘મૃત્યુંજય’ જેવી દળદાર નવલકથા એક માત્ર કર્ણને ઉદેશીને લખાઇ અને સાહિત્ય પ્રેમીઓ દ્વારા ભારતભરમાં પોખાઇ પણ છે અનેક પુરસ્કાર અને સન્માન આ યશસ્વી નવલકથાને અપાયા છે. શીર્ષક પોતે પણ પાત્રનું અર્થઘટન સૂચવે છે.

કર્ણ એક એવું વ્યકિતત્વ જે દિગ્વિજય રાજાથી વધુ દાનવીર હતો, પોતાના અસ્તિત્વ વિશે સતત પ્રશ્નોની વચ્ચે જીવ્યો, જેના દિવસની શરૂઆત સૂર્ય ઉપાસનાથી થતી, સ્વયં કૃષ્ણ જેના રથને હંકાર્યું એવો કર્ણ. કર્ણના જન્મ પૂર્વેની થોડી વાતોથી શરૂ થઇ જીવનની ઝીણી ઝીણી વાતો વણી લઇ કુરુક્ષેત્રના યુદ્ધમાં વીરગતિ પામતા કથા પૂર્ણ થાય છે. આ આખા પ્રવાહમાં એવી કેટલી બધી વાતો છે. કવચકુંડલ પોતાને એ શા માટે મળ્યા ?એ વિશે તેના મનમાં સતત અજંપો રહ્યો છે. માતા પિતા પાસેથી સંતોષકારક જવાબ ન મળતા એ ગંગા માતાને આ વિશે પૃછયા કરે છે. કોયલ કેમ કાગળાના માળામાં પોતાના બચ્ચાને મૂકી આવતી હશે ! એ વાત એના ગળે નથી ઊતરતી તો રમવા ગયેલા ભાઇ શોણને બોલાવવા જતાં મિત્રમંડળી હાથ ઝાલીને કાળા પથ્થરના સિંહાસન પર બેસાડી દે છે. આ બે ઘટના દ્વારા લેખકે ભવિષ્યમાં આવનાર વણાંક વિશે એક આછો લસરકો આપી દીધો છે. વિસ્મયથી પોતાના શરીર પર બાણની ધાર જોરજોરથી ખોસવા છતાં એ ઘૂસે જ નહીં ત્યારે વિચાર આવવો કે શું મારું શરીર અભેદ્ય છે ? એક સારથીના છોકરા તરીકે સામાન્ય ઉછેર થતો હોય ત્યારે બનતા આ બનાવો એના માનસમાં બાણપણથી જ સંઘર્ષ જન્માવે છે.

અહી ત્રણ બાબતો મહત્વની છે.

    1. ૧.કર્ણની માનહાનિ અને આત્મખોજ
    2. ૨. રાજા અને દાનવીર કર્ણ
    3. ૩. અંગત સબંધો
કર્ણને સુતપુત્ર કહી એના મનનું ખનન કરનારા સહુ પહેલા હતા ગુરુ દ્રોણ. “હું માત્ર રાજપુત્રોને જ શસ્ત્રવિદ્યા શીખવું છું” કહી કાઢી મૂકે છે. એ પછી આ યાદીમાં બીજા ઘણા નામ ઉમેરાયા ભીષ્મ અને પરશુરામના પણ. પોતે ક્ષત્રિય કુળમાં નથી જન્મ્યો એ માટે વેદના પામતો કર્ણ કેટકેટલી વાર ધુત્કાર સહન કરે છે.

સારથી પુત્રનું યુવરાજ અર્જુન સાથે દ્વંદ્વ યુદ્ધ રોકતા કૃપાચાર્ય, સુતપુત્રને પરણવા ઇનકાર કરતી પાંચાલી, ભરસભામાં ધિક્કારતા અને યુદ્ધમાં અધરથીનું પદ આપતા ભીષ્મ, બ્રાહ્મણકુમાર સિવાય કોઇને શિષ્ય તરીકે ન સ્વીકારતા પરશુરામ, કુરુક્ષેત્રના યુદ્ધમાં સારથીપણું સ્વીકારતા પૂર્વે શલ્યે ઉચ્ચારેલા કઠોર શબ્દો, સૂતપુત્ર ! સૂતપુત્ર ! કહીને બાણ ફેંકતા સ્વયં ધર્મરાજ આ બધા એ કયાંકને કયાંક કર્ણ સાથે અન્ન્યાય કર્યો છે. આટલું ઓછું હોય એમ કૃષ્ણ સુદ્ધા કર્ણ સાથે ન્યાય દાખવી શકયા નથી. નિ:શસ્ત્ર, પદસ્થ કર્ણ પર પ્રહાર કરવા અર્જુનને ખુદ કૃષ્ણએ કેમ ઉશ્કેર્યો હશે ! અરે તાજા જન્મેલા બાળકને પોતાની માતા જ નદીમાં વહેતો મૂકી ત્યારે બીજા પર શું આરોપ મૂકવા?

આજન્મ કચડાયા કરતી વ્યકિત કર્ણના જીવનને નજીકથી અનુભવી શકશે. એક વાર દુર્યોધને એને અંગદેશનો રાજા બનાવી દીધો એ પછી એણે જે પણ મેળવ્યું એ પોતાના આત્મબળથી. દુર્યોધનને પાંડવ સાથે ધુત ન રમવા એ સમજાવે છે. છેલ્લે પોતાના મૃત્યુ સમયે આ યુદ્ધ અહી જ પૂરું કરવાની સલાહ સાચા મિત્ર તરીકે આપે છે. એ વાત જુદી છે કે કૃષ્ણ અને કુંતી છેલ્લે બાણ શય્યા પર સુતેલા ભીષ્મની વાત અવગણી પોતે પોતાના જ ભાઇઓ સામે રહી દુર્યોધનને સાથ આપે એ કેટલી વિરોધાભાસ દર્શાવતી વાત છે.

ગંગાના પાણીમાં અડધું શરીર ડૂબાળી સૂર્યનારાયણને અર્ધ્ય આપતો કર્ણ, દિગ્વિજય યાત્રામાં યુદ્ધમાં મરાયેલા સૈનિકોના માતાપિતાને દરરોજ દૂત મારફતે પત્ર મોકલાવતો કર્ણ, રાજકીય જીવન જેટલી જ સહજતાથી પોતાના કૌટુંબિક જીવનને ન્યાય આપે છે.

કર્ણને જીવનભર વંચિતરૂપે જીવવું પડયું એટલે જ કદાચ એનામાં આટલી બધી દાનવૃતિ પ્રગટે છે વંચિતોને સંચિત કરવાની. જેમ હરિશ્ચન્દ્ર સત્યપ્રિય, રામ પ્રતિજ્ઞાપાલન પ્રિય હતા એમ કર્ણ દાન ધર્મનું પ્રતીક છે. એણે તો પોતાના પ્રતિ પક્ષને પણ દાન આપ્યું છે.

ઇન્દ્ર કવચ કુંડળ દાનમાં માંગવા આવે છે એ પૂર્વે કર્ણને સ્વપ્નમાં સૂર્ય આ વાતની જાણ કરી ગયા હતા. છતાં કવચ કુંડળ ઇન્દ્રને આપ્યા ત્યારે પોતાના પ્રાણ પણ આપી દીધા.

“ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા વગેરેનો વિરોધ કેવળ યુદ્ધ પૂરતો મર્યાદિત, એક અર્થમાં કૃત્રિમ હતો. મનથી તે પાંડવ પ્રેમી હતા. ભાવશૂન્ય થઇને તેમણે વેરીની ભૂમિકા પાર પાડી. પણ કર્ણનું તેમ ન હતું. તેનું વેર જવલંત હતું. વેરની પરિતૃપ્તિ માટે કેવળ દુષ્ટતાનો આધાર તેણે લીધો ન હતો. તેણે વેરીઓને દાન આપ્યું હતું તે ભર્યા મનથી.”

‘વ્યાસ પર્વ’માં આ વાત કરતી વખતે દુર્ગા ભાગવત કૃષ્ણ અને કર્ણને એક જ તાત્વિક ભૂમિકાની બે પ્રતિમા માને છે. કર્ણના જીવનમાં એણે જે ઈચ્છ્યું એ બધું જ આપવા કુંતી આવે છે, ક્ષત્રિય કુળ, એ થકી દ્રોણ પાસેથી બ્રહ્માસ્ત્રનું મળતું જ્ઞાન, દ્રૌપદી પત્ની સ્વરૂપે, અત્યાર સુધી સૂતપૂત્ર તરીકે વેઠેલા અપમાનો રાજપૂત્રના મનમાં પરિવર્તિત થઇ જવાના હતા એ સમયે કુંતી આપનારમાંથી યાચક બનીને રહી જાય છે. કર્ણના જીવનની આ કરુણતા છે.
“મા મા રૂપે ન આવી, આવી ત્યારે રાજનીતિનો દાવ રમવા આવી. ને છેક યાચક બની ગઈ.”

ભાઇ શોણ, મિત્ર દુર્યોધન આ બે વ્યકિત એના દરેક દુ:ખમાં સાથે છે, પત્ની વૃષાલી એના જીવનમાં વિસામા સમી છે, જીવનના દરેક તબક્કે અશ્વત્થામા સાથે એ તાત્વિક ચર્ચા કરે છે. આ વ્યકિતઓ સાથેના કર્ણના સબંધો શિવાજી સાવંતની સર્જકતાથી રમણીય આવિષ્કાર પામ્યાં છે.

કર્ણના જીવનને ઉજાગર કરતી આ કૃતિ ઉત્તમ ભારતીય નવલકથામાં સ્થાન પામતી અનેક પુરસ્કારોથી સન્માન પામેલી આસ્વાદ્ય રચના છે.

મોના લિયા