'બહિષ્કૃત ફૂલો' કાવ્યસંગ્રહમાં પ્રગટતી દલિત સંવેદના


ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનમાં મધ્યકાલીનયુગ અને અર્વાચીનયુગ એમ બે યુગો મુખ્ય છે. પછી કાળક્રમે તેમાં જે કાંઈ પરિવર્તનો આવતા ગયા તેમ પેટાયુગો અને આધુનિકયુગ એવી સંજ્ઞા પણ આવી. આપણે ત્યાં સુરેશ જોષીથી એટલે કે ઈ.સ. 1955 પછીના સમયગાળાને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ સંજ્ઞા સમયવાચી છે જ નહીં પણ તેમાં સાહિત્ય અને અન્ય તમામ ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું. ખાસ કરીને પ્રયોગશીલતા, વિદ્રોહ, વાસ્તવવાદ, પરાવસ્તવવાદ, માર્ક્સવાદ, નવા પ્રતીક, કલ્પનની તાજગી, ગ્રામચેતના, નારીવાદ, દલિતવાદ વગેરેએ સાહિત્યમાં એક જુદા જ પ્રકારની આબોહવા ઊભી કરી આપી. છેલ્લા કેટલાયે વર્ષોથી દબાયેલો અને કચડાયેલો અવાજ સંભળાયો, એનો શોર ગૂંજી ઊઠ્યો. દલિતોની પીડા, સંવેદના, નકારાત્મક વલણ, છૂતાછૂતના પ્રશ્નો, વગેરેને વાચા મળી. એની ખુશીના ભાગરૂપે જે આંદોલનો મહારાષ્ટ્ર કે ભારતના અન્ય રાજ્યો કે ગુજરાતમાં થયા તેમાંથી દલિતોની લાગણીને નવો જન્મ મળ્યો. તેના તરફની લોકોની સદ્દભાવનાને વધારે ઉત્કટતાથી બળ મળ્યું.

ગુજરાતમાં તો સત્યાગ્રહની લડત દરમ્યાન મહાત્માગાંધીની અસ્પૃશ્યતા નિવારણની ઝૂંબેશ, હરિજન આશ્રમ, હરિજનબંધુ મેગેઝિન અને તેના માટે જે કંઈ કરવું પડે તે સઘળું આ સમય દરમ્યાન થયું. સાહિત્યમાં છેવાડાના માણસની પીડાનો ચીતાર પ્રગટ થયો. પણ દલિતવાદે તેના મૂળ ઊંડા કર્યા અને કવિતા, નવલકથા, વાર્તા જેવા સાહિત્ય સ્વરૂપોમાં દલિત લાગણી પ્રદર્શીત થઈ.

દલિત શબ્દ મૂળે મરાઠી ભાષામાંથી આવ્યો છે. તેનો અર્થ "તળિયું", "દબાયેલું", "કચડાયેલું" અને "તૂટેલા ટુકડા" થાય છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ જ્યોતિરાવ ફુલેએ ઓગણીસમી સદીમાં કર્યો હતો. દ્વિજ હિંદુઓની અગાઉની અછુત જાતો દ્વારા સહન કરવામાં આવેલ દમનના સંદર્ભે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં, દલિત સાહિત્ય માટે મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલે અને આંબેડકર જેવા નેતાઓનું આગમન પ્રથમ પ્રેરણા સાબિત થઇ હતી, જેઓ તેમના કાર્યો અને લેખન દ્વારા દલિતોના પ્રશ્નોને સામે લાવ્યા હતા; તેને પગલે દલિતોમાં લેખન માટેનું વલણ ઊભું થયું અને ઘણા દલિતોને મરાઠી, હિન્દી, તામિલ અને પંજાબીમાં લેખન માટે પ્રોત્સાહન પ્રાપ્ત થયું. 1960ના દાયકા સુધીમાં, દલિત સાહિત્યમાં બાબુરાવ બાગુલ, બંધુ માધવ અને શંકરરાવ ખરાટ જેવા ઘણા નવા લેખકોનો પ્રવેશ થયો, જોકે તેમણે ઔપચારિક રીતે પ્રારંભિક મેગેઝિન ચળવળથી શરૂઆત કરી હતી. પરંપરાગત હિન્દુ સમાજના સંદર્ભમાં, દલિતના હોદ્દાને ઐતિહાસિક રીતે કર્મકાંડ પ્રમાણે અપવિત્ર વ્યવસાયો સાથે વારંવાર જોડવામાં આવે છે. આ અપવિત્ર વ્યવસાયોમાં ચર્મકાર્ય, કસાઈકામ અથવા ગંદકીને સાફ કરવી, પશુઓના હાડપિંડર અને કચરાના નિકાલ સાથે જોડાયેલ કાર્યોનો સમાવેશ થાય છે. દલિતો હાથથી મેલું ઉપાડતાં મજુર તરીકેનું કાર્ય કરે છે. તેઓ માર્ગો, સંડાસ અને મળમૂત્ર સાફ કરે છે. આ કાર્યો સાથે સંકળાયેલ વ્યક્તિ બીજાને પ્રદુષિત કરી શકે તેમ માનવામાં આવતું હતું અને આ પ્રદુષણ ચેપી ગણાતું હતું. તેના પરિણામ સ્વરૂપે દલિતોને અલગ મુકવામાં આવતાં. જ્યાં જાહેર જીવનમાં જાતિનું મૂળ ઓછુ સ્પષ્ટ અને ઓછુ મહત્વનું હોય છે. ગ્રામીણ ભારતમાં જાતિય વ્યવસ્થા વધારે સહેલાઈથી જોઈ શકાય છે અને દલિતોને મોટા ભાગે સ્થાનિક ધાર્મિક જીવનથી બાકાત રાખવામાં આવે છે.

ગુજરાતમાં દલિત સાહિત્યના પગરણ ભલે ૧૯૭૫થી સંભળાતા હોય પણ તેને સખત ધક્કો ૧૯૮૧ના અનામત આંદોલને આપ્યો. ગામડું જીવી આવેલા અને રોજગાર અર્થે શહેરમાં આવી વસેલા શિક્ષિત યુવાનો અંદરથી હચમચી ગયા અને હાથમાં કલમ ઉપાડી, જેથી જથ્થાબંધ કવિતાનો ફાલ ઉતર્યો. ૧૯૮૫ પછી કથાસાહિત્યે કાઠું કાઢ્યું. દલિત ટૂંકીવાર્તાએ ગુજરાતી સાહિત્યમાં ચોક્કસ સ્થાન બનાવ્યું. આ તમામ સાહિત્યમાં દલિત સંવેદના તીવ્રતાથી ઝીલાઇ છે. પોતિકા અનુભવને દલિત સર્જકો વિવિધ સ્વરૂપોમાં પોતાની વેદના અને આક્રોશને વાચા આપી રહ્યા હતા. દલિત સાહિત્યકારોની વાણી કલમના જોરે પ્રગટ થવા લાગી.

એમાંય કવિતામાં દલિત સંવેદના અને ચેતના ક્યાં અને કેવી રીતે ઝીલાઇ છે તે જોવા જાણીતા દલિત કવિ નીરવ પટેલની કવિતાનો અભ્યાસ કરવાનું લક્ષ્ય આ લેખમાં રાખ્યું છે. અમદાવાદના ભુલામડી ગામમાં જન્મેલા કવિ નીરવ પટેલ બેંક અધિકારી હોવાની સાથે અને અંગ્રેજી સાહિત્ય સાથે આમ. એ. થયેલા. કવિના અંગ્રેજીમાં બે કાવ્યસંગ્રહો મળે છે. 'Burning from both ends' અને 'What did I do to be so black' સાથે સાથે સામયિકોનું સંપાદન, આકાશવાણી, દૂરદર્શનમાં વાર્તાલાપ તથા ગુજરાતી સિવાય પણ અન્ય ભાષાઓમાં તેમના કાવ્યોનો અનુવાદ મળે છે. તેમના કાવ્યસંગ્રહ 'બહિષ્કૃત ફૂલો'માં પોતાની કવિતાને સાંપ્રતજીવન અને સામાજિક અસમાનતાની નીપજ ગણાવી શકાય. તેમની કવિતામાં દલિત સંવેદના ,વેદના, વ્યથા, આક્રોશ, તારસ્વરે પ્રગટેલા જોઇ શકાય છે.

'વિદ્રોહી કવિ' નામના લેખમાં પ્રવિણ ગઢવીએ કહ્યું છે કે … એની કવિતામાં ક્રાન્તિનો આક્રોશ છે. તે નીરવ-શાંત નથી, પરંતુ સરવ છે, વિરવ છે, વિદ્રોહી રવ છે. બોલકો, તોફાની મેઘની જેમ ગર્જતો કવિ છે. આ વાત તેમની કવિતામાંથી પસાર થતાં સહુને જોવા મળે છે.

"લો, મારી પૂછડિયે પેટાવો આગ,
તમને આ સુવર્ણપુરી સળગાવી આપુ.
મારા ગંડસ્થળમાં ભરો દારૂ,
તમને બધું બેફામ રંજાડી આપુ.”

આવો આક્રોશ ઠેકઠેકાણે જોવા મળે છે. પ્રતીક, કલ્પનો પાસેથી કામ લેવાની કવિની કૂનેહ અને પુરાકલ્પનનો સહજ વિનિયોગ તરત જ ધ્યાન ખેંચે છે. એમની કવિતાનો અછાંદસ રણકો કઠોર કાનને પણ સાંભળવો ગમે એવો છે. તેમાંથી નીકળતો શબ્દ અને તેનું સંવેદન ચિત્તાવસ્થાને ઝંકૃત કરે છે.

"આજની ગુજરાતી કવિતામાં નીરવ પાસેનું આ સર્જન કૌશલ્ય અનોખું છે. અને એટલે કવિ નીરવ પટેલનો અમુક વર્ગ વિશાળ છે.” - મનીષી જાની. ઈ. સ. 1981માં જેતલપુરમાં થયેલ હત્યાકાંડની ઘટનાની કવિતાનો પડઘો આ રીતે કવિ સંભળાવે છે...

શિયાળાની કડકડતી ઠંડીની ભેંકાર રાત-
….....................
તારા ટપોટપ હોલવાયો
પણ માઝમરાતનો મરઘો તો ના બોલ્યો
એકાએક શકરે નાખી ચીસ...

આ ચીસ આજે પણ સંભળાયા કરે છે. એ જ કરુણતા છે. ઉપરાંત 25 જાન્યૂઆરી 1968ના રોજ ગોલાણાના દલિત હત્યાકાંડ વિષે લખાયેલું કાવ્ય 'ગોલાણાના પીટરને' માં પણ દલિત પીડાની ચીસ સંભળાયા વિના રહેતી નથી.

એના સરીખો વેધક વ્યંગ્ય, બળકટ અભિવ્યક્તિ, ભાવકની સમાનુભૂતી બનતી અને હ્રદયસ્પર્શી ઘેરી સંવેદના અને સ્વમાન કાજે સદૈવ દુઃખતી અને દૂઝતી રહેતી એની રગ દલિત કવિતામાં કંઠાભરણને નવલખા રત્નોથી સોહાવતી રહેશે. આવું કહેનાર જાણીતા દલિત લેખક જૉસેફ મેકવાનની દૃષ્ટિમાંથી પસાર થયેલ 'બહિષ્કૃત ફૂલો'ની કવિતાની 'કડખેદનું કલમનામુ' કહીને નવાજી છે.

કવિની કવિતા વિશેની ખુદની પીડાને સર્વાંગી બનાવવા મથનાર એના પોતાના શબ્દો સાંભળીએ. આ કવિતા લખીને મેં મને ખૂબ પીડ્યો છે અને હું તને પીડવા જઈ રહ્યો છું કારણ કે હું તને મારો વાચક જ નહીં મારો હમદર્દ પણ બનાવવા માગું છું. કદાચ તો જ મારી પીડાનો અંત આવે અને તમે-મને-સૌને સંભલાવવી ગમે એવી કવિતા ક્યારે રચી શકું. પણ આમ તો માનવી બોલી શકે તેમ નથી પણ ખરેખર આ કવિતામાં છૂપાયેલી જણસ સાંભળવી તો ગમે એવી જ છે. પણ તેનાથી પરિવર્તન લાવવું એ જ ફૂલો પ્રત્યેનું આપણું વાસંતી નજરાણું બની રહે તો સાચા અર્થમાં ગાંધી, આંબેડકર, જ્યોતિબા ફૂલેની વૈચારિક ક્રાન્તિને કાંતિમાં પ્રગટાવી શકીશું.

સંગ્રહની 62 કવિતાનો સૂર ભારતીય સમાજના સામાજિક માળખામાં પોષાઇને બલવત્તર બનેલી અને કાળરૂપે વિકૃત બનેલી પરંપરાઓ, રૂઢિઓએ ધર્મનો આધાર લઇ માણસ સાથે જુલ્મી, અન્યાયી અને અમાનવીય વ્યવહાર દર્શન કરાવી જાય છે. મનુષ્યના જીવતરને જાનવરથી ય બદતર બનાવી નાખ્યું. આવી માનવસર્જીત વેદનાઓ, વર્ણ-જાતિ આધારિત યંત્રણાઓ સામે આક્રોશ-વિદ્રોહની અનુભૂતિને તીખા-તમતમતા શબ્દો દ્વારા નવો અવાજ એમની કવિતામાંથી પસાર થયાં મળ્યાં વિના રહેતો નથી. 'મારો શામળિયો' કાવ્યનો તારસ્વર જુઓ-

"મારા શામળિયે મારી હૂંડી પૂરી –
નીકર,
ગગલીનું આણું શે નેકળત?
ચાવંડાની બધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી..."

જે આક્રોશ જોવા મળે છે તે અંતઃકરણની પીડા છે. સીધો જ ઘા શામળિયા ઉપર છે. ચામુંડામાતા માટે ચાવંડા, દીકરી માટે ગગલી, ગરાહણી, નેકળેત, ઠાઠડી, ચેહ, જેવા શબ્દો તથા ફાટી પડવું જેવો રૂઢિપ્રયોગ એમ બોલીના સંસ્કારો સાથે કવિતાકળા અને મનના ભાવોને કવિ ઉજાગર કરે છે.

'ફૂલવાડો' કાવ્યમાં જાતને ઉમેરીને પોતાની સંવેદનાને ધાર કાઢે છે. પોતાના કૂમળા વ્યક્તિત્વનો આડકતરો પડઘો આ કાવ્યમાં દેખાઈ આવે છે.

“ફરમાન હોય તો માથાભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે ?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે ?
ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય."

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં એમ કવિ કહીને સાચા અર્થમાં બહિષ્કૃતિની પીડાને વર્ણવે છે.

“પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી
કે માંડ્યાં ટપોટપ ખીલવા."

સૂરજના પ્રતીક દ્વારા અને સૂરજના પ્રકાશ દ્વારા જીવનમાં થયેલા પ્રકાશની ઝાંખી થાય છે.

“ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને,
કચડી કાઢો, મસળી નાખો
આ અસ્પૃશ્ય ફૂલોને."

-માં રાજકીય રીતે થયેલા અન્યાયની અને રાજકીય રીતે જે રીતે ઉપયોગ થયો છે તેની મર્મસ્પર્શી વાત કાવ્યાત્મકતાને ઉપસાવે છે. 'પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?' કહીને જે અંતરની પીડાને પ્રગટપણે રજૂ કરે છે.

"મારે તો ભૂલી જવુંતું મારું નામ – (પૃ. 1)
અધીરાં તો અમે ય થયા છીએ,"

સદીઓનાં વેઠ વેતરાં કરી કરી - (પૃ. 8)

"કોને ખબર મારા ભાગનો વરસાદ
કોના ખેતરમાં વરસતો હશે
કોને ખબર મારા ભાગનું ફસલ
કોણ લણતું હશે" - (પૃ. 15)

-માં પોતાની જાતને ઓગાળીને સદીઓની પીડાને પોતાનામાં ઢબૂરી દેવાની કવિની તાલાવેલી અને ભાવિપેઢી તરફનો એક પ્રકારનો આશાવાદ જોવા મળે છે. એમના પરંપરાગત વ્યવસાયને કાવ્યાત્મત રીતે જોડી આપવાની તેમની સહજતા દેખાય આવે છે. જેમાં બાપ-દાદા કામ કરે છે તે ચર્મકૂંડને 'યજ્ઞકૂંડ' તથા 'હીરાકૂંડ' સાથે સરખાવીને એમનો ઉછેર તથા પાલન-પોષણમાં જે કૂંડ તેની દૂર્ગંધને સુગંધમાં પરાવર્તીત કરી આપે છે.

બ્રાહ્મણવાદ સામેનો પ્રતિકાર અને વિરોધ તથા તેના પરના પ્રહારો દ્વારા માનસિક પીડામાંથી ઉગરવાની પ્રતિબધ્ધતા 'એક કૂતરો દ્વિજ થયો' કાવ્યમાં પ્રબળ રીતે વ્યક્ત થઈ છે.

"એ અંજલિ ભરીને જળ છાંટે
તો પોદળાનેય પવિત્ર કરે
ને લોકો અની પ્રસાદીય લે"

આવા અનેક ઉદાહરણો જોવાં નળે છે. પરંપરાથી ચાલી આવતી બ્રાહ્મણવાદી પરંપરાના મૂળ કેયલા ઊંડા છે તે જોવા મળે છે. ઋષિ વાત્સાયન, દધિચિ, દ્રોણ, પરશુરામ, વાલ્મીકિ, મનુ, શંબુક, એકલવ્ય, શંકરાચાર્ય, રામ-શબરી, સકુંતલા, કે સંત રૈદાસ, જ્યોતિબા, બાબાસહેબ આંબેડકર, ગાંધી કે પછી મહાન ચિંતકો પાબ્લો નેરુદા, વિક્ટર હ્યુગોનું લા મિજરેબલ, માર્ટિન લ્યૂથર કિંગ, હિટલર, જેસી ઓવન્સ, વસંત-રજબને યાદ કરીને તેમાંથી મળતી પ્રેરણા, બોધ, ભાવ અને આક્રોશ, પીડા-સંવેદનાને ઉજાગર કરે છે.

સાથે સાથે ઉત્ક્રાન્તિવાદ, સામ્યવાદ, માર્ક્સવાદ, લોકશાહીના મૂલ્યોનું થતું ધોવાણ અને એમાંથી ઊભી થતી યાતનાનું દારૂણ ચિત્ર ઉપસાવી આપવામાં કવિની સમાજ પ્રત્યેની સહાનુભૂતિ જોવા મળે છે.

'હું ન ડોશી' માં

"બે-પાંચ વરહ થયાં નથી
ક આ આયા મત માગવા"

26 જાન્યુઆરી 2001ના ઘરતીકંપની ઘટનાથી સ્ફૂરિત કાવ્ય 'ઑપરેશન ઇક્વૉલિટી'માં સામ્યવાદ અને માર્ક્સવાદ તથા વર્ણશ્રમ વ્યવસ્થાની જિકર કવિ કરે છે. અલબત્ત એમને જરૂર યાદ રહેશે -

"તારાનાં તેજે પણ ભયના ઓથાર હેઠળ ગાળેલી એ રાતો"

રાજાશાહીની ગુલામીની પીડા અને અંગ્રેજોની ગુલામીની પીડા કરતાં પણ સવર્ણોની ગુલામીની પીડાની ચુંગાલમાંથી ઉગરવું બહું જ કઠિન છે. 'કાળચક્ર' કાવ્યમાં માનવીય પરિવર્તન અને વિકાસની ગાથા તથા 'કલમ દીક્ષાનું બાહુલ્ય' સૂચક બની રહે છે. તો 'ગોડ ફાધર' કાવ્યમાં

"દેવા, જો સત્તા એક તો બંદૂકના નાળચામાંથી આવે છે
ને બીજી રૂપિયાના રણકારમાંથી આવે છે
ને આ દેશની પ્રજા તો નમકહરામ છે.
એટલે ઈશારામાં સમજી જા."

કહીને સત્તા સ્થાને બિરાજમાનને કવિ સારી રીતે ઓળખે છે તથા સત્તા કેવી રીતે મળે છે તે પણ જણાવે છે. ઈશારામાં સમજાવી દેવાની વાત કવિની આંતર મથામણની નીપજ છે.

'ડૉ. ભગા મંગા MS, અને ડૉ. મ્હેરા મોહન FRSC' કાવ્યમાં વ્યક્ત થતી પીડા એ અનુભવની છે. ગટર સફાઈની કામગીરી કરતા માણસના જીવના જોખમની અને સમગ્ર માનવજાતની સફાઈ કરતા આ ડૉક્ટરની કૂશળતા અને દર્દનું આલેખન કવિ કાવ્યાત્મકતાથી કરી શક્યા છે. SOSનું દોરડું, ABZ ઈન સેનિટેશન જેવા પ્રયોગો કવિતામાં સહજ સાધ્ય બને છે.

"વિજ્ઞાન ભણતાં ભણતાં
ન્યૂટનનું સફરજન પડતું જોઈ
મને પહેલો વિચાર એને ખાવાનો આવ્યો હતો." પૃ. 45

'અભણ હોત તો સારું' કાવ્યની આ પંક્તિમાંથી જે રીતે કચડાયેલા અને દબાયેલા વ્યક્તિની સંવેદના પ્રથમ દૃષ્ટિએ જ દેખાઈ આવે છે. 'કૉલેજિયન શબરીની વ્યથા' કાવ્યમાં વ્યક્ત થયેલો ભાવ સમાજની કરૂણતાને અને શ્રમિકજીવનને વ્યક્ત કરે છે.

"અમારી રુક્ષ ને કાળી ચામડી તો
ધોમ ધખતા સૂરજ હેઠળ
કેડ તોડતા વડવાઓનો વારસો"

-કે

"જો કે સપનાઓ તો અમને ય આવે છે." પૃ. 59

માં વ્યક્ત થતી ગરૂણતા કવિ ચીંધી બતાવે છે.

'તમારું નખ્ખોદ જજો હરિજનો', 'વહવાયા' કાવ્યમાં પીડાનો ભાવ વ્યક્ત થાય છે. તો મુંબઈ યુનિવર્સિટી અને મરાઠવાડા યુનિવર્સિટીનો ઉલ્લેખ કરી સમાજમાં શિક્ષણનો પ્રચાર-પ્રસાર અને સામાજિક ઉન્નતિનો ખ્યલ આપે છે. "એણે દલિતોને વિદ્યાની જડીબુટ્ટી સુંઘાડી દીધી હતી." પૃ. 66 કહીને સમાજના આર્ષદૃષ્ટા ડૉ. બાબા સાહેબ આંબેડકરને યાદ કરે છે.

'ધર્મચક્ર' કાવ્યનો ધ્વનિ સૂઆતની પ્રસ્તાવના પછી કવિતામાં સુંદર રીતે પ્રગટ થાય છે. જમાં ધર્મભ્રષ્ટ અને ધર્મપરિવર્તનને લઈને હિન્દુ-મુસ્લિમ વૈયમનસ્યની વાત કરે છે. એવું જ બીજું એક કાવ્ય 'મૈં જિહાદી બન જાઉંગા' નો હિન્દીભાષાનો પ્રયોગ એન ગોધરાકાંડના સંસ્મરણો મસ્જિદ, જયશ્રી રામ, બજરંગબલી ગદ્યની નવી તરેહ આ કાવ્યમાં જોવા મળે છે.

"એ જમીનદાર તો ગામનો રાજા -
એ અ સ્પૃશ્ય તો શું
જુવાન કૂતરીને પણ છોડે એવો નથી." પૃ. 70

'સ્વપરિચય' કાવ્યમાં વ્યક્ત સવર્ણો પ્રત્યેનો દ્વેષ પ્રગટ થાય છે. તેવી જ રીતે 'અરણ્યરુદન' કાવ્યમાં પણ જુઓઃ

"જાનવરો કંઈ જંગલમાં જ નથી હોતા -
આપણી પડોશમાં પણ રહે છે.
શિંગડા વગરનાં જાનવર,
પૂંછડા વગરના જાનવર,
ન્હોર વગરનાં જાનવર,
બેપગા જાનવર,
અદ્દલ માણસ જેવા જ જાનવર." પૃ. 77

'સંસદ સદસ્યાનો સોગંદવિધિ'માં ફૂલનદેવીની વેદના સમગ્ર દલિત નારીની સંવેદના કૂપે પ્રગટ થાય છે. 'પટેલ લાડું' જેવું સુદીર્ઘ કાવ્ય પાટીદાર સમાજના મહાલાડું પ્રસાદ કાર્યક્રમ પરથી સ્ફૂરે છે. તો 'For Adults Only' કાવ્ય વેશ્યાજીવનની પીડાને વર્ણવે છે. 'ભવની ભવાઈના પ્રિમીઅરમાં' ની ભાષામાં પ્રગટતી ભવાઈ શૈલીનું નિરૂપણ, 'મામાનું ઘર કેટલે' કાવ્યમાં આદિવાસીઓની પીઢા અને અકસ્માત તથા રોજગારી માટેની તેમની તાલાવેલી જોઈ શકાય છે.

કવિ પાસેથી બે પ્રેમ કવિતા પણ આ સંગ્રહમાં મળે છે. 'કવિની પ્રેયસી' અને 'એક પ્રેમ-કવિતા' માં પ્રણય ભાવની તાજગી અને નરમાશ જોવા મળે છે.

"તારા સફેટ સ્કર્ટની પલ્લીઓમાં
સંતાકૂકડી રમી થાકે મારી રુગ્ણ કીકીઓ.
પામસળીઓની વચ્ચે ટુવવા માંડે
દૂઝવા માંડે હ્રદયની ગાંઠ.”

હ્રદયના ભાવાનો ભીનાશ પણ કવાની કવિતાને અને કતાવ્યની ભાષાને સુંદર રીતે ઉપસાવી આપે છે. દલિત સાહિત્ય અને કવિતાના ઉદ્દગમકાળની આ કવિની કવિતાથી ગુજરાતી દલિત કવિતાનો ઉદય થાય છે. શરૂઆતથી જ તેમની રચનાઓનો પડઘો સાહિત્ય સમાજમાં આગવી ભાત ઊભી કરે છે. તેનો એટલો બૂલંદ અવાજ કહો કે જોસ્સો પીડા, દર્દ, આક્રોશ સાથે પ્રગટે છે. ખાસ કરીને દલિતોના હમદર્દ તરીકે દલિતોની પીડાને કવિતા દ્વારા આમ સમાજમાં પહોચાડવાનું ઉત્તમ કામ કવિતા દ્વારા નીરવ પટેલે કર્યું છે. કાવ્યસંગ્રહનું શીર્ષક જ બહિષ્કૃત ફૂલો ને સ્વીકૃત ફૂલો સામે પક્ષે મૂકી આપીને સમાજની વાસ્તવિકતાનો ચિતાર આપે છે. ફૂલોને વળી વિશેષણ શું પણ અહી બહિષ્કૃત વિશેષણ દ્વારા સગીઓથી દબાયેલી, કચડાયેલી, હાંસિયામાં ધકેલાયેલી પ્રજાની આંતર સંવેદના ફૂલોની માફક ખીલી ઊઠે છે. દંભ અને પાખંડ દ્વારા સુકોમળ ફૂલોને ખીલતા પહેલા જ તોડી, ઉખેડી ફેંકવાની વૃત્તિ સામે નો પ્રબળ આક્રોશ કવિતાની પંક્તિએ પંક્તિએ આબાદ જોવા મળે છે.

સંદર્ભઃ

1. બહિષ્કૃત ફૂલો - નીરવ પટેલ

ડૉ. સંજય મકવાણા, વ્યાખ્યાતા, ગુજરાતી વિભાગ, મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠઃ રાંધેજા. મો. 94274 31670 Email: sanjaymakwana@gujaratvidyapith.org