હિમાંશી શેલતના ‘એ લોકો‘ વાર્તાસંગ્રહમાં પ્રગટ ઉપેક્ષિત સમાજના લોકોની વેદના


ગુજરાતી સાહિત્યની આજ સુધીની સફરમાં અન્ય સાહિત્ય સ્વરુપો કરતા ટૂંકીવાર્તા મોખરે છે. આજ સુધી અનેક ચડાવ ઉતાર પાર કર્યા પછી ટૂંકીવાર્તા એ ઘણી ખરી જુની પ્રણાલી છોડી દીધી. તેથી મોકળાશ વધી અને અવનવીન પ્રયોગો થતા રહ્યા છે.સમયનાં બદલાતા જતાં વહેણો આધુનિકતાથી અનુઆધુનિક્તા વચ્ચે અનુબંધ બાંધનારી વાર્તાસૃષ્ટિમાં ગ્રામચેતના, નગરચેતના, દલિતચેતના, નારીચેતનાનો પ્રભાવ ઝીલાયો. ટૂંકીવાર્તામાં પ્રયોગશીલ વાર્તાઓ આપનાર હિમાંશી શેલત અગ્રેસર છે. વ્યવસાયે અંગ્રેજીના પ્રાધ્યાપિકા હોવા છતાં ગુજરાતીમાં તેમની ઉત્તમ કોટીની વાર્તાઓ મળે છે. તેમની વાર્તાઓનું પોતીકું ભાવવિશ્વ બીજા વાર્તાકારો કરતા સાવ જુદું જ તરી આવે છે. ટૂંકીવાર્તા તરફનું તેમનું વિશેષ ખેંચાણ અત્યંત મર્યાદિત ફલક પર તીવ્ર અનુભૂતિની ક્ષણોને આછા લસરકાથી આલેખવાના પડકાર સાથે નિરુપે છે. હિમાંશી શેલત પાસેથી ત્રણ વાર્તાસંગ્રહો મળ્યા છે. ‘અંતરાલ‘, ‘અંધારી ગલીમાં સફેદ ટપકા‘, ‘એ લોકો‘ આ ઉપરાંત અન્ય વાર્તાઓ સમયાંતરે સામાયિકમાં પ્રગટતી રહે છે. વિવેચન અને સંપાદન કાર્યમાં પ્રવૃત લેખિકાને અનેક પારિતોષિક અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપેક્ષિતો તરફની તેમની પ્રતિબધ્ધતા વાર્તાઓમાં કેન્દ્ર સ્થાને છે.સાંપ્રત સમયનાં વિકટ પ્રશ્નોને વાચા આપવા ઉત્સુક હિમાંશી શેલતે દુખ દર્દભરી સ્થિતિ નીચે દબાઇ ગયેલ અવાજ, સમાજનાં ઉપેક્ષિત લોકો, શ્રમજીવી સ્ત્રીઓ, તકવિહોણા અભાવગ્રસ્ત બાળકો, વેશ્યાજીવન જીવતી સ્ત્રીઓની લાચારીને જોઇને તેમના તરફ્ની વિશેષ અનુકંપાથી વાર્તાસૃષ્ટિમાં સ્થાન આપ્યુ. રાજકીય સામાજિક ઉથલ-પાથલો, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર ક્ષેત્રે આવેલી ક્રાંતિથી સમાજમાં બાહ્ય પરિવર્તન તો આવ્યું,પરંતુ વર્ષો પહેલાની જડ થયેલી રીતિઓ, કુરિવાજો, વહેમ, અંધશ્રધ્ધા જેવી સામાજિક સમસ્યાથી ઘેરાયેલો માણસ મનમાં ઘર કરી ગયેલી રુઢ થયેલી માન્યતાઓને છોડી નથી શકતો. પીડિતો શોષિતવર્ગ, ગરીબો તરફ જોવાનો દૃષ્ટિકોણ નથી બદલાયો. વર્તમાન જીવનના વિષાદ, એકલતા, હતાશા, વેદના, સંઘર્ષ, કંગાલિયતની વરવી વાસ્તવિકતા ભયજનક વાતાવરણમાં પોતાની વેદનાને મુંગામોએ સહન કરતાં ‘એ લોકો’ પ્રત્યેનાં ઉપેક્ષા ભાવને હિમાંશી શેલતે વાર્તાનો વિષય બનાવ્યો. ’એ લોકો’ ને સ્પર્શતી અનુકંપાને તપાસવાનો આશય આ શોધપત્રનાં માધ્યમે કર્યો છે.

‘એ લોકો’[૧૯૯૭] વાર્તાસંગ્રહમાં ૨૧ વાર્તાઓ સમવિષ્ટ છે. આ તમામ વાર્તાઓમાંથી પસાર થતા અનુભવાય કે વાર્તામાં ગરીબો, ભ્રષ્ટ રાજકારણીઓ, ગુંડા મવાલી લોકો દ્વારા થતી દાદાગીરી, હેરાનગતી, વેશ્યાજીવન જીવવા મજબુર સ્ત્રીની વિવશતા, એ લોકોની નિ:સહાયતા અને દુખદ અનુભવોને પોતાનું ભાગ્ય માની લેતા લોકો તેનાં કોઇ જ વાંક ગુંના વગર મળેલી પીડા, સજા, કે અવગણના અને અપમાનજનક સ્થિતિ સામે એક શબ્દ પણ ઊચ્ચારી ન શકાય તેવી સ્થિતિને મુંગે મોંએ સહન કરવાની ફરજ પડી છે. તેનો સામનો કરી લડત આપવાની તો કોઇ શક્યતા જ નથી. તેવા ઉપેક્ષિત સમાજ વચ્ચે રહેતા લોકોની વેદના, વિવશતાભરી તેમની પરિસ્થિતિ વિશે અહિં હું વાત કરવાની છુ.

‘એ લોકો‘વાર્તાસંગ્રહમાં પસંદ કરાયેલ કથાવસ્તુ પાત્રો, પાત્રની આસપાસનું સમાજદર્શન, વર્ણ વ્યવસ્થા, ઉચ્ચવર્ગ નિમ્નવર્ગ, શ્રીમંત-ગરીબ વચ્ચે જોવા મળતા ભેદભાવથી જે પરિસ્થિતિ સર્જાય છે તે હ્રદયસ્પર્શી છે. ‘એ લોકો’ના પાત્રોની સ્થિતિ, તેમની વેદના સંવેદનશીલતાને લિધે સ્વભાવિક છે, દરેક ભાવકને વિચારમાં મૂકી દે, વાચક્ના હ્રદયમાં ઊંડુ દર્દ બનીને ખણ્યા કરે. તેઓની મજ્બૂરી, વિવશતા અને લાચારીને જાણવા છતાંય આપણે કશું કરી શકતા નથી. અનુભૂતિની તિવ્રતા અને અભિવ્યક્તિની સુક્ષ્મતાને વાસ્તવિક્તા સાથે પૂરી માવજતથી ચોટદાર સંકેતોથી સમતુલા અને સંયમની સાધના વડે સહજતાથી વાર્તાકારે આલેખ્યા જે એક ભાવક તરીકે મને સ્પર્શી ગયા, તેથી “એ લોકો વાર્તાસંગ્રહમાં ઉપેક્ષિત સમાજના લોકોની વેદના” શોધપત્રના વિષય તરીકે મારી પ્રથમ પસંદગી રહી.

‘એ લોકો’વાર્તા સંગ્રહમાં જે વિષય પર વાર્તાઓ લખાઈ છે, એ વિષય પર બહુ ઓછી વાર્તાઓ રચાઈ છે, અહીં વેશ્યાજીવનને કેન્દ્ર્માં રાખીને લખાયેલી વાર્તાઓમાં ‘ખરીદી’, ‘શાપ’, ‘કિંમત’, ‘બારણું’ જેમાં રૂપજીવિનીઓ માત્ર આર્થિક ઉપાર્જન માટેનું સાધન જ બની રહે છે. તેમની મજ્બૂરી કોઈ સમજતુ નથી, તેની વેદના કોઈ સાંભળતુ નથી. કોઠાની દુનિયા સામાન્ય જનજીવનથી સાવ જ વિપરીત છે. સમાજ તેને બહિષ્કૃત દ્વષ્ટિએ નિહાળે છે. સમાજના લોકોની હાંસિયામાં ધકેલી દેવાની વૃતિથી એમની સ્થિતિ દયનીય બને છે. ‘કિંમત’ વાર્તાની ‘મોહનાએ’ પોતાના શરીરની કિંમત આંક્વાની આવે છે. ‘બારણું’ વાર્તામાં અનાયાસે જ કોઠાની દુનિયામાં પ્રવેશી જનાર ગભરૂ ‘સવલી’નો પ્રવેશ્યા પછી બહાર નીકળવા કોઈ ‘બારણું’ ખુલવાની શક્યતાઓ નથી. ‘શાપ’ વાર્તામાં મોસી હંસાબાઈના કોઠાની સ્ત્રીઓ શહેરમાં એઈડ્સ થવા અંગેની જાહેરાત તેમજ સરઘસથી ચિંતિત છે. કોઈ ઘરાક નથી મળતા જેનાં કારણે કમાઈ પર બ્રેક લાગી ગઈ છે. જાણે કોઈએ શાપ આપી દિધો હોય? સમાજથી જેને કોઇ નિસ્બત નથી કોઇ જ વ્યવહાર નથી છતાંય જે ઉપેક્ષા અવગણના લોકો દ્વારા થતી રહે છે તેની વેદના ખુબ જ અસહ્ય હોય છે. એમની ઈચ્છા વિરુધ્ધ કે કોઈ દ્વારા થયેલી બળજબરીએ આ વ્યવસાય કરવા મજ્બૂર કર્યા છે, એ મન:સ્થિતિને કોઈ સમજી શક્તુ નથી. અસામાજિક પ્રવૃત્તિથી ધમધમતા દારૂના અડ્ડા, ગેરકાનુની પ્રવૃત્તિ, ગુંડા મવાલીઓની દાદાગીરી, માથાભારે લોકોનો ત્રાસ, ભરબજારે થતાં ખૂન, જુગાર, ચોરી, કોઇની છેડતી કે બળાત્કાર કરવો જેવી ગુનાહિત પ્રવૃતિથી સામન્ય લોકોને જે હેરાનગતિ ભોગવવી પડે છે તેને કેન્દ્રમાં રાખીને વાર્તાકારે સમાજના અનિષ્ટ તત્વો જે અત્યાચાર ગુજારે છે, તેને મૂંગા મોંએ સહન કરતા લોકોની સ્થિતિ દર્શાવી છે. કાયદો, ન્યાય, અને વ્યવસ્થાતંત્રની લાપરવાહીથી અસરગ્રસ્તોએ માની લીધું છે કે નસીબમાં હેરાનગતિ માંડી હોય એમાં કાયદો શું કરે? અહીં પણ સમાજના લોકોની વેદના એમને ઉપેક્ષિત કરે છે. ગેરકાયદેસર ધંધા કરી પૈસા કમાતા ધાક્ધમકીથી પોતાનું શક્તિ પ્રદર્શન કરી હેરાન કરીને લોકોની મુશ્કેલી વધારવતી વાર્તાઓમાં ‘નશો’, ‘લાલપાણી’, ‘ઉત્ક્રમણ’, ‘કોઈ બીજો માણસ’, ’બારમાસી’, ’સારો દહાડો’ જેમાં માત્ર પોતાની ઈચ્છાપૂર્તિ માટે બીજા કોઇનો વિચાર સુધ્ધા નથી કરતા એ જ મોટી કરૂણતા છે. ‘નશો’ વાર્તાના પાત્ર રઘુભાઈ ખાડીને પેલેપારની વસાહતમાં રહેતા માથાભારે માણસોને શિક્ષણ આપવા જાય છે ત્યારે ધણી હાડમારી ભોગવે છે. રીઢા ગુનેગારો જે છીંક ખાતા હોય એ રીતે કોઈનું ઢીમ ઢાળી દે છે તેને શિખવવુ કપરૂ છે તોય પ્રયાસો કરે છે પણ શીખનાર અંતે ગાળો જ લખે એ પરિણામ પીડાદાયી છે. ‘લાલપાણી’ શીષક ગર્ભિત છે. જાહેરમાં મદનનું ખુન થાય છે, રતિયા ગુંડાની દાદાગીરીથી થીયેટરમાં ફિલ્મ જોતા પ્રેક્ષકો સ્વબચાવ માટે મૌન ધારણ કરી લે છે, ત્યારે લાગે છે કે લોકો ખુમારી અને જુસ્સા વિહિન થઈ ગયા છે. ’ઉત્ક્રમણ’ નો નાયક ‘છોટુ’ નાનપણમાં ડરપોક હતો, મોટા થઈને મોટી પ્રગતિ કરે છે. ખોલીના લોકોને પોતાની મર્દાનગી ગૂડાંગીરી દ્વારા દેખાડે છે, તો ‘કોઈ બીજો માણસ’ વાર્તામાં સાત વરસની નિર્દોષ ‘શકુ’ પર બળાત્કાર અને તેનું ખૂન કરનાર કાળુ બાટલી અને ચમન હતા એ જાણવા છતાંય સંતરામ કશું ન કરી શક્યા કેમકે માથાભારે માણસોનું પોલીસ કશું નહીં કરે. પોતાના પરિવારની શાંતિ અને સલામતી માટે આ અત્યાચારને સહન કરવામાં જ ભલાઈ છે, વેર બાંધવાથી જીંદગીનું જોખમ વધી જશે. આ માન્યતાથી ગુના કરનારને પ્રોત્સાહન મળે એ યોગ્ય નથી. ’સારો દહાડો’ વાર્તાની અંબાનું સગપણ ગુંડાગીરી કરનાર સાથે થાય છે. શહેરમાં થયેલ તોફાન, ટ્રેનમાં થયેલ છોકરીઓ સાથેની બળજબરીને શારદા એ નજરે જોયી હતી, છતાંય એ કાંઈ કહી ના શકવાની લાચારી, મૌનની પીડા તેનાં અંતર મનને વલોવે છે, ’ફુગ્ગા’ વાર્તામાં ફુગ્ગા વેંચીને રોજીરોટી કમાતો શ્રમજીવી ધનીરામથી અકસ્માતે ગેસનો બાટલો ફાટતા બે બાળકના મોતને ઈરાદાપૂર્વક્નુ કાવતરું માનતી પોલીસ તેને ઢોર માર મારી મોતની બક્ષિસ આપે છે, અજાણતા થયેલ ગુનો મોત આપે અને જાણી જોઈને થતા ખૂન બળાત્કારના ગુના માંથી આરોપી નિર્દોષ છૂટી જાય છે, ત્યારે લાગે કે, ”ચોર મુઠી જારનાં દેવડીએ દંડાય છે, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.” કાયદા દ્વારા યોગ્ય ન્યાય મળશે ત્યારે પીડિતોના પરીવારની અસહ્ય વેદના તરફનો જોવાનો આપણો દ્રુષ્ટિકોણ બદલાશે તો જ એમની ઉપેક્ષા ઘટશે. ‘ચુડેલનો વાસો’ વાર્તા અંધશ્રધ્ધા વહેમ ભૂતપ્રેતની માન્યતા વચ્ચે જીવતા લોકમાનસનો પરીચય આપે છે. ભાણકી, પ્રેમો જેવા પાત્રો આસપાસ ગૂંથાતી વાર્તામાં નિ:સંતાન સ્ત્રી ભાણકી ચુડેલ છે, તેવું કહી તેને ઢોર માર મારે છે, ત્યાં સ્ત્રી પર મર્દાનગી દેખાડનાર પુરૂષો ખરેખર નામર્દ છે, તે દર્શાવ્યુ છે. ‘એ લોકો’ વાર્તામાં ત્રીજી જાતિ મનાતા લોકોની ઈશ્વરદ્ત ખામીને સમાજ જે રીતે ઉપેક્ષિત વર્તન કરી દુખ પહોંચાડે છે તેનું નિરૂપણ છે. બાળસહજ નિર્દોષતા, ડર, નવું જાણવાની તાલાવેલી અકાળે આવેલી જવાબદારીના ભારથી બાળપણ ગુમાવી દેતી ‘ધનકી’ની વાત ‘નિકાલ’ વાર્તામાં આલેખાઈ છે. ’અંતર’ વાર્તામાં પ્રિયપાત્રના મૃત્યુથી સર્જાયેલી વિયોગની પીડાને સામાજિક મર્યાદાને કારણે સમાનુભૂતિ કરનાર બે અલગ વ્યક્તિ એક્બીજાને સાંત્વના નથી આપી શકતા તે હકીકત વર્ણવી છે. સ્વતંત્ર અને અપરણિત રહેનારને શંકાથી જોતાં લોકો ’ખાખરની ખિસકોલી’ વાર્તામાં નિરૂપાયા છે. સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચ, શ્રીમંત ગરીબ, સવર્ણ નિમ્ન વર્ણ જેવા ભેદભાવની માનસિકતાથી સમાજની ઉપેક્ષાનો ભોગ બનવું પડે છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાને કારણે સમાજ કે પરીવાર વિના જીવી નથી શક્તો, છતાય બીજાના જીવનમાં ચંચુપાત કરવાની તેની કુટેવથી બીજા લોકો કેટલા દુખી થાય છે, તે સમજ્યા વગર માત્ર પોતાના સ્વાર્થને જોવે છે. ’એ લોકો’ વાર્તાસંગ્રહમાં એવી સ્ત્રીની મજબુરીને, કરૂણતા જન્માવતી બાળકોની સ્થિતને, શ્રમજીવીઓની દયનીય હાલતથી અનુભવાતી વેદના સામે સમાજના લોકોનું વર્તન વિષય સામગ્રી તરીકે નિરુપિત થયા છે.

‘એ લોકો’ વાર્તાસંગ્રહમાં સમાજની માન્ય વ્યવસ્થા કે નિયમોની બહાર જનાર કે ગુનાહિત પ્રવૃતિ કરનાર તેમજ આ અત્યાચાર સહન કરનાર વેદનાગ્રસ્ત ‘એ લોકો’ને કેન્દ્ર્માં રાખતી આ વાર્તાસૃષ્ટિના તમામ પાત્રોથી તેનાં ઉલ્લેખ માત્રથી શીર્ષકની સાર્થકતા સિધ્ધ થાય છે. એ લોકો સાથેનો વ્યવહાર કે સબંધ તેમની ઉપસ્થિતિથી અવગણના કે ઉપેક્ષાનો ભોગ બનવાના ડરથી જીવતા લોકોનું આલેખન થયુ છે. વાર્તાકાર માનવચિત્ત્ના એ વણઉકેલ્યા પ્રશ્નોને, તેઓની મન:સ્થિતિ અને કડવા અનુભવોનો કોઇ ઉકેલ જરૂર મળશે એવા આશય સાથે નિરપે છે.

જુદા જુદા માનવ ચહેરાનો સ્વભાવગત પરિચય વાર્તાના પાત્રની ઓળખથી થાય છે. કોઠાની દુનિયામાં હિંન્દી ગુજરાતી મિશ્રિત ભાષાનો ઉપયોગ તેમજ ગેરકાનુની વ્યવસાયમાં વપરાતી સાંકેતિક ભાષા પ્રાદેશિક બોલીના સમન્વય સાથે સહજતાથી ગૂંથી એકાધિક પરિણામો રચવાની કારીગીરી ભાષાશૈલીનો પરિચય આપવા માટે પુરતી છે. સાપ્રંત જીવનની ભોંય પર રહીને પાત્રોના જીવનની સ્થિતિને આલેખવા માટે સહજ સંકેતોના સંયોજનથી સુચારુ રૂપ આપવામાં સફળ રહ્યા છે. પાત્રોના જીવનની નાની મોટી ભીંસને વિષય બનાવી જુદા જ પ્રકારની અભિવ્યક્તિ વાર્તાનો પ્રભાવક પ્રારંભ અને વિચાર પ્રેરક અંત તેમની ભાષા શક્તિનો આપોઆપ પરિચય કરાવે છે. અનેક વિલક્ષણતા જન્માવતી હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ ભાવકોને આવનારા સમયમાં પણ આકર્ષિત કરતી રહેશે એમાં બે મત નથી.

આજની સમાજ વ્યવસ્થા સામે પ્રશ્ર્ન થાય છે કે, એક જ પ્રકારના હાડમાંસથી બનેલો માનવદેહ હોવા છતાં સમાજના એ લોકો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ શાથી ? એમની વેદના લાગણીનું કોઇ મૂલ્ય નહીં ? આંખ આડા કાન કરી પોતાની ઈચ્છા અને જરૂરિયાતથી જ મતલબ રાખતા માત્ર પોતાના અસ્તિત્વને જાળવવા મથતા લોકો અન્ય લોકોની ઉપેક્ષા કેમ કરે છે? દરેક માણસને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે, તેમનું સ્થાન સ્વીકાર્ય છે. તેમના દુખ, વેદનાગ્રસ્ત પરિસ્થિતિમાં સાંત્વના ન આપી શકાય તો કાંઈ નહીં, પરંતુ તેમનું અપમાન, અવગણના કે ઉપેક્ષા આપણાં દ્વારા થાય નહીં. આ કડવી વાસ્તવિકતાને સમાજના તમામ વર્ગના લોકો સામે ઉજાગર કરવાનો અભિગમ પ્રસ્તુત શોધપત્રના માધ્યમે કર્યો છે.

સંદર્ભ પુસ્તકો

  1. 1. ‘એ લોકો’ વાર્તા સંગ્રહ - હિમાંશી શેલત
  2. 2. હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ - સંપાદક મણિલાલ હ.પટેલ

This paper presented in International Seminar on 'Voice of Oppressed and the Marginalized' 27&28 February, 2016 at Municipal Arts and Urban Bank Science College, Mehsana.

ક્રિપાલીબા ગોહિલ(પીએચ.ડી શોધછાત્રા), ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.