લગ્નવિચ્છેદની ઘટના પર આધારિત બે નવલિકાઓમાં નિરુપાયેલું નારીસંવેદન અને નારીચેતના
નારીચેતનાને પ્રગટ કરતી, લગ્નવિચ્છેદની ઘટના પર આધારિત ઘણી નવલિકાઓ ગુજરાતી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. જેમકે, રંભાબહેન ગાંધીની ‘જો અને તો’, વસુબહેનની ‘નંદવાયેલાં’, ધીરુબહેન પટેલની ‘મનસ્વિની’, કુન્દનિકા કાપડિયાની ‘ન્યાય’, ભારતી વૈદ્યની ‘બોલતું મૌન’, પ્રીતિસેન ગુપ્તાની ‘સહાય’, સુનીતા મજીઠિયાની ‘આંકડાનું ફૂલ’ વગેરે. આ શોધપત્રમાં લગ્નવિચ્છેદની ઘટના પર આધારિત જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ અને ઈલા આરબ મહેતાની ‘વિસ્તાર’ નવલિકામાં નિરુપાયેલા નારીસંવેદન અને નારીચેતનાનો અભ્યાસ કર્યો છે.
‘ઈષત’ વાર્તાસંગ્રહમાં પ્રગટ થયેલી ‘આ ઘેર પેલે ઘેર’ની નાયિકા સવિતા છે. સવિતાએ પુલિન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમ છતાં પુલિન બાર વર્ષનાં દામ્પત્યજીવનને તોડી બીજી સ્ત્રી (મનીષા) સાથે ઘર માંડવા જતો રહે છે. સવિતા – પુલિનનો દસ વર્ષનો દીકરો વિક્રમ પણ પુલિન સાથે રહેવા જવાનું પસંદ કરે છે. સવિતા જ્યાં રહેવાની છે તેને વિક્રમ ‘પેલે ઘેર’ કહે છે : “પેલે ઘેર જઉં તો આ ઘેર ન અવાય, પણ આ ઘેર રહું તો પેલે ઘેર તો જવાય જ ને !” [1] સવિતા વિક્રમને પુલિનની સાથે જતા રોકી શકતી નથી. પુલિને સવિતાને જીવનનિર્વાહ અર્થે ઘર, દાગીના, રુપિયા – ભૌતિક જીવન જીવવાની દરેક સામગ્રી આપી હતી. પણ એક દિવસ સવિતાનાં ચિત્તમાં ઉગ્ર યુધ્ધ મચે છે. એને ભાન થાય છે કે ઘર, દાગીના, રુપિયા લઈને એણે પોતાના પ્રેમનો, પોતાના દીકરા વિક્રમનો સોદો કર્યો છે : “હું આ હવેલાં જોઈને આવી હતી અહીંયા ? ઈંટ, માટી ને છજાંઝરુખા જોયાં હતાં મેં !” [2] હવે એને કાંઈ જોઈતું નથી. એને તો બસ પ્રેમ જ કરવો છે. પુલિન એનો પ્રિયતમ છે. વિક્રમ અને પુલિનનાં સુખ સિવાય બીજા કાંઈની એને ખેવના નથી. અત્યારે એની પાસે જે કંઈ છે - ઘર, દાગીના, રુપિયા બધું જ પાછું આપી દેવા પહેર્યે કપડે આ ઘરને તાળું મારીને કૂંચી પણ પેટીમાં મૂકીને ઉપાડી એ ચાલી નીકળે છે પેલે ઘેર. આ ઘર અને પોતાની જાતને હીણીને બજારુ બનાવતા સોદાની કિંમત પાછી આપી દેવા એ પગથિયું ઉતરીને સડસડાટ ચાલી નીકળે છે.
‘વિયેના વૂડઝ’ વાર્તાસંગ્રહમાં પ્રગટ થયેલી ‘વિસ્તાર’ની નાયિકા મમતાનું મકરંદ સાથેનું લગભગ પંદર વર્ષનું દામ્પત્યજીવન મકરંદના જીવનમાં બીજી સ્ત્રીનો પ્રવેશ થતાં ખંડીત થાય છે, એ બીજી સ્ત્રી પાસે ચાલ્યો જાય છે. મમતા – મકરંદની એક દીકરી પણ છે શુભાંગી. એ દૂર કોઈ બૉર્ડિંગ સ્કુલમાં અભ્યાસ કરે છે. મમતા લગ્નવિચ્છેદની ઘટનાથી આરંભમાં ખૂબ વ્યથિત થાય છે. એકલતા એને કોરી ખાય છે. આરંભનો આઘાત વેઠી લીધા પછી સ્વસ્થ બની પોતાના જીવન વિશે નવેસરથી વિચારે છે. આઘાતની ક્ષણોમાં ઘરમાંથી ચાલી નીકળેલી એ રસ્તામાં ભીખ માંગતી એક નાની બાળકીને મળે છે. જે હાથપગ તૂટેલી ઢીંગલી સાથે રમીને પણ આનંદીત છે. રમતનો આનંદ એના મુખ પર દેખાય છે. આગળ વધતાં પંદર વર્ષ પહેલા પોતાની સાથે કૉલેજમાં અભ્યાસ કરનારી બહેનપણી કિશોરી મળે છે. કિશોરી પોતાનાં પતિની કીડનીની બિમારીનાં સારવાર અર્થે દવાખાને આવી હોય છે. કપરા સંજોગોએ એનું રુપ, યૌવન હણી નાખ્યું છે. પણ સ્વસ્થતાથી એ જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે. આ જોઈને મમતા અંગત દુ:ખ ગાવાને બદલે પૃથ્વી પર ફેલાયેલા વેદનાના વિસ્તારને જોવાની નવી દ્રષ્ટિ મેળવે છે. એને કારણે પતિ અન્ય સ્ત્રીના પ્રેમને વશ હોય ને પોતાને છોડી ચાલ્યો ગયો હોય એ આખી ધટના એના માટે ગૌણ બની રહે છે. વેદનાની ક્ષણ જ એના માટે મુક્તિની, વિસ્તારની ક્ષણ બની જાય છે. એ ઈચ્છેલી મોકળાશ મળતા ‘વિસ્તાર’ – ખુલ્લાશ – સ્વતંત્રતાનો અનુભવ કરે છે. “જગતનાં તમામ દુ:ખોના ધબકારા ઝીલતી એક વિરાટ સંવેદના” [3] રુપે મમતા સ્વને કલ્પે છે એ રીતે સ્વનો વિસ્તાર સાધે છે.
ગુજરાતીમાં લખાયેલી નવલિકાઓમાં લગ્નવિચ્છેદની ઘટના કે લગ્નસંબંધમાં ઓટ આવવા પાછળ કયારેક પુરુષ પાત્રનાં લગ્નેત્તર સંબંધો, તો કયારેક લગ્નજીવનમાં સમજદારીની ખોટ, કયારેક પરસ્પર પ્રેમની ખોટ અને સંબંધોમાં પ્રવેશેલી ઔપચારિકતા જવાબદાર જોવા મળે છે. પ્રસ્તુત બન્ને નવલિકાઓમાં પુરુષ પાત્રનાં લગ્નેત્તર સંબંધો લગ્નવિચ્છેદ માટે કારણભૂત છે. બન્નેમાં નાયક નાયિકાને એ લગ્નેત્તર સંબંધો અંગે જાણ થતાં એનો સ્વીકાર કરી નાયિકાને ત્યજી બીજી સ્ત્રી પાસે ચાલ્યા જાય છે. નાયિકા આરંભનો આઘાત અને વેદના ઝીંરવી લઈ પછી સ્વસ્થતા ધારણ કરી પોતાના જીવન વિશે, જીવનની દિશા વિશે વિચારે છે. બન્ને નાયિકાનું સંવેદન, મનોમંથન સુંદર અભિવ્યક્તિ પામ્યું છે.
‘આ ઘેર પેલે ઘેર’માં સવિતા પોતાને છોડી જનાર પુલિનને મનોમન ઠપકો આપતા પાજી, લબાડ, ઢોંગી, ફરેબી, ધુતારો, ભમરાની જાત, નઠોર, નાલાયક, દુષ્ટ, નફ્ફટ, બેશરમ, ચોટ્ટો વગેરે શબ્દો બોલી ભાંડે છે. એટલું જ નહીં પોતાને છોડીને પુલિન સાથે રહેવા જનાર દીકરા વિક્રમ પર પણ અકળાય છે. પણ પછી આમ વિચારવા બદલ એનું મન એને પોતાને જ ઠપકો આપે છે. પોતે ત્યક્તા એટલે ફેંકી દેવાની ઢીંગલી, ચૂસાયેલો ગોટલો, શેરડીનો કૂચો હોય એવું અનુભવે છે. જયંતિ દલાલે આ નવલિકામાં સર્વજ્ઞ કથનકેન્દ્ર અને સવિતાનું પ્રથમ પુરુષ કથનકેન્દ્ર બન્નેનો મિશ્ર ઉપયોગ કરી તટસ્થતા અને વ્યાકુળતા, પ્રતીતિ અને સંશય – એકબીજામાં ગૂંથી સંકુલ ભાત ઉપસાવી છે. ઈલા આરબ મહેતાએ ‘વિસ્તાર’માં સર્વજ્ઞ કથનકેન્દ્ર દ્વારા નાયિકાની વેદના, એના વિસ્તારને નિરુપ્યો છે.
ઈલા આરબ મહેતાએ સરળ ભાષા દ્વારા પણ વ્યંગ-કટાક્ષ ધારદાર રીતે રજૂ કર્યા છે. જેમકે, ઘર છોડીને જતા મકરંદ વિશે વાક્ય - “પણ મકરંદ ઉદાર હતો. બધું તેણે મમતાને આપી દીધું ....” [4] મમતા પાસે પોતાનાં લગ્નેત્તર સંબંધ જાહેર થયા બાદનું વાક્ય – “પણ મકરંદ બહુ પ્રામાણિક માણસ નીકળ્યો. મમતાને ખબર પડી ગઈ છે એવી ખબર પડતાં જ એણે મમતાને બધી વાત કહી દીધી. ને એની નિખાલસતા કેવી ? “મમતા, હું બીજી સ્ત્રીને ચાહું છું એટલે તારા ચારિત્ર્ય પર થોડો ડાઘ પડે છે ? હું તો હજીય તને પણ ચાહું છું. એક પુરુષ બંનેને શા માટે ન ચાહી શકે ?” [5]
સ્ત્રીની સ્વતંત્ર અભિરુચિ તથા વ્યકિતતાનું ગૌરવ બન્ને નવલિકાનાં પુરુષ પાત્રો કરી શકતા નથી. લગ્નસંબંધ તૂટયાનું કોઈ પ્રકારનું દુ:ખ તેઓ અનુભવતા નથી. ‘વિસ્તાર”માં મકરંદ વિદાય થતાં કહે છે – “ચાલ ત્યારે, કામકાજ હોય તો જરુર કહેવડાવજે હોં ! ડોન્ટ બી અપસેટ, ટેઈક ઈટ ઈઝી” [6] તો ‘આ ઘેર પેલે ઘેર’માં સવિતા સાથે પ્રેમ લગ્ન કરનાર પુલિન સવિતાને છોડવાનું કારણ જણાવતા કહે છે કે “સવિતા, મારું મન ઊઠી ગયું છે.” [7] !
સમાજમાં જયારે પણ કોઈ સ્ત્રીને એનો પતિ છોડીને જતો રહે, એમના લગ્નજીવનનો અંત આવે ત્યારે મોટા ભાગે સ્ત્રીને એના માટે દોષિત માનવામાં આવે છે, સ્ત્રીનાં ચારિત્ર્ય પર આંગળી ચીંધાતી હોય છે. ‘વિસ્તાર’માં સમાજની આ વાસ્તવિકતાનો ઉલ્લેખ છે.
બન્ને નાયિકાઓ સ્વમાન જાળવે છે, ખાનદાની બતાવે છે. દગો કરનાર પતિને બે આબરુ કરવાથી દૂર રહી એમને સંબંધમાંથી મુક્તિ આપે છે. ‘આ ઘેર પેલે ઘેર’માં અંતે પોતે બાપડી, બિચારી, નિરાધાર, અસહાય બનીને પુલિને આપેલા ઘર, દાગીના, રુપિયા લઈને જીવવાનાં બદલે સ્વમાનથી જીવવાનું પસંદ કરે છે. પતિ દ્વારા અપાયેલા આશ્રય અને સામાજિક સુરક્ષાને ત્યજીને પોતાની રીતે જીવી લેવાની મક્કમતા દર્શાવે છે એમાં નારીત્વનું ગૌરવ પ્રગટ થાય છે. ‘વિસ્તાર’ની નાયિકા મમતા અંગત દુ:ખ ગાવાને બદલે પૃથ્વી પર ફેલાયેલા વેદનાના વિસ્તારને જોવાની નવી દ્રષ્ટિ મેળવી જગતનાં તમામ દુ:ખોના ધબકાર ઝીલતી એક વિરાટ સંવેદનારુપે સ્વને કલ્પી તે સ્વનો વિસ્તાર સાધે છે. એ જ છે એક નારી તરીકેની એની ગરિમા.
‘આ ઘેર પેલે ઘેર’માં સ્ત્રીનાં પ્રેમની ઉત્કટતા અને તે દ્વારા સંધાતુ ઉર્ધવગમન છે, તો ‘વિસ્તાર’માં સમસ્ત માટેની સ્ત્રી હૃદયની સંવેદના તથા કરુણા નવલિકાનાં અંતે અનુભવાય છે.
જયંતિ દલાલે જયારે ‘આ ઘેર પેલે ઘેર’ રચી ત્યારે નારીવાદની કોઈ ચળવળ નહોતી. વળી, પુરુષ તરીકે નિરીક્ષણ અને કલ્પના દ્વારા જ તેમને લખવાનું હતું. તેમ છતાં તેઓ આવી સરસ નારીસંવેદન અને નારીચેતનાની નવલિકા સર્જી શકયા છે. ઈલા આરબ મહેતા આધુનિક ગુજરાતી સાહિત્યમાં નારીચેતનાનું નિરુપણ કરનાર લેખિકા છે. તેમને સ્ત્રી સંવેદનનો સ્વાનુભવ છે. એ સંવેદનને શબ્દ સામર્થ્ય કેળવી તેમને સરસ રીતે રજૂ કર્યુ છે. નારીસંવેદન અને નારીચેતનાનું આલેખન કરનાર આ બન્ને સર્જકો મૂળભૂત રીતે તો માનવતાવાદી છે, આથી જ એમની સર્જકતા કલાત્મક અભિવ્યક્તિ સાધવામાં સફળ થઈ છે.
સંદર્ભ નોંધ :-
- 1. ‘ગુજરાતી વાર્તાસંચય’ : 1 માં ‘આ ઘેર પેલે ઘેર’ નવલિકા, સંપાદક :- જયંત પારેખ, શિરિષ પંચાલ, પ્રકાશન :- ગુજરાતી વિભાગ, મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ; પ્રથમ આવૃત્તિ : 1999, પૃ. 194,
- 2. એ જ, પૃ. 196,
- 3. ‘નારીચેતનાની નવલિકાઓ’માં ‘વિસ્તાર’ નવલિકા, સંપાદક :- રઘુવીર ચૌધરી, સુનિતા ચૌધરી, પ્રકાશન :- ગુજરાત ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ; પુનર્મુદ્રણ : 2001, પૃ. 115,
- 4. એ જ, પૃ. 109,
- 5. એ જ, પૃ. 110,
- 6. એ જ, પૃ. 110,
- 7. ‘ગુજરાતી વાર્તાસંચય’ : 1, પૃ. 196,