પાર્ચ્ડ : દ્રશ્ય-શ્રાવ્ય ‘બોલ્ડનેસ’ કે નગ્નતા..?


તાજેતરમાં રજૂ થયેલ અને અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં રજૂ થયેલ, વખણાયેલ અને વિજેતા બનેલ હિન્દી ફિલ્મ ‘Parched’ સારા વિષયવસ્તુવાળી ફિલ્મ હોવાં છતાંય દ્રશ્ય-શ્રાવ્ય નગ્નતાનો બિનજરૂરી પ્રયોગ અને ફિલ્મના પ્રવાહમાં વર્તાતી ઢીલાશ ફિલ્મને બહુમતી દર્શકોથી દુર રાખે તેમ લાગી રહ્યું છે. વિકિપીડિયા ઉપર ફિલ્મ અંગે લખાયું છે: “Parched is a 2015 Indian drama film written and directed by Leena Yadav and produced by Ajay Devgan under his banner Ajay Devgan Films” અત્રે એક સવાલ ઉઠે છે: બોલ્ડ એન્ડ બ્યુટીફુલના નામે નગ્નતા ક્યાં સુધી..?

Parchedની કથાઃ

ઉત્તર પશ્ચિમ ભારતના ગામડામાં રહેતી ચાર સ્ત્રી રાની (તનીષ્ઠા મુકરજી), જાનકી (લેહર ખાન), લાજો (રાધિકા આપ્ટે) અને બીજલી (સુરવિન ચાવલા)ની આસપાસ વણાયેલી કથામાં મહિલાઓની સ્થિતિનું ચિત્રણ છે. આજેય બાળલગ્ન, પતિ અને સંબંધીઓ દ્વારા બળાત્કારે બંધાતો શારીરિક સંબંધ, નાણાંકીય ભીડ, બેરહેમ મારપીટ અને અમાનવીય જીવન જીવવા મજબુર સ્ત્રીઓની દશા અને દિશાની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે.

શહેરથી બસમાં બેસી ગામ આવતી રાની અને લાજોની સફરમાં વ્યક્ત થતી મુક્તતા અને મુગ્ધતા ગામ પહોંચાય પછી સામાજિક, પારિવારિક, આર્થિક અને રૂઢિગત બંધનોમાં જકડાયને કેવી રીતે મુક્તતા બેડીવાન બંધન બને છે. મુગ્ધતા ચરિત્ર હનનનું કારણ બને છે તેનું નિરૂપણ કરાયું છે. પતિ, બાળક અને સમાજ માટે બધું જ કરી છૂટતી આ સ્ત્રીઓને દરેક દિશા અને સ્તરેથી હડધૂત થવું પડે છે ત્યારે મુક્તિનો વિહાર કેવી રીતે પામે છે..? બધાં બંધનો કેવી રીતે ફગાવે છે..? શીર્ષક ‘Parched’ ‘ભૂંજવું’ કેવી રીતે ફળીભૂત થાય છે..?

Parchedના આરંભમાં કથાનકની માંડણી અને પ્રસ્તુતિકરણ:

Dedicated to the women who generously shared their lives and stories in the making of this film. શરૂઆત આ લખાણથી થાય પછી, ધૂળિયા પ્રદેશના બસ સ્ટેન્ડ અને બાજુમાં આવેલ હોટલનુમા દુકાનના લોંગ શોટથી આરંભાતી ફિલ્મ, છકડો ચલાવતી અને છકડામાં બેસી ખુલ્લી સડક પર આગળ વધતી ને ચોરાહે અટકે ત્યારે ટોપ એંગલમાં દેખાતી આ ત્રણે સ્ત્રી રાની, લાજો અને બીજલી ઉપર જોતી હવે કઈ દિશાએ જવું..? લેફટ કે રાઈટ..? દ્રશ્ય Dissolve થાય ત્યાં પૂરી થાય. ચલચિત્રના પ્રસ્તુતિકરણમાં પ્રતીકનો વિનિયોગ અંતિમ દ્રશ્યમાં પણ ધારદાર બને છે. છકડાની બંને બાજુએ પાંખો જેવું સુશોભન છકડો ચલાવતી અને તેમાં બેસેલ સ્ત્રીઓ મુક્ત ગગનમાં ઊડતી પ્રતિપાદિત કરે છે. રોડ પર નાચતા મોરના પૂર્વાર્ધમાં આગળ વધતો છકડો, મોબાઈલ પર અજાણ્યા પ્રેમી સાથે વાત કરતી રાની અને લાજોના પુરુષ જેવાં કપાયેલ વાળ જેવી પ્રતીકાત્મક પ્રસ્તુતિ ચલચિત્રના દ્રશ્યને કહ્યાં કે બોલ્યાં વગર શ્રાવ્યતા અર્પે છે. ચલચિત્ર પ્રસ્તુતિનું આ પાસું ધારદાર રીતે રજૂ થયું છે.

સામાજિક કુરિવાજ, રીત-રસમ, પુરુષપ્રધાન વ્યવસ્થા અને સંજોગોની ભઠ્ઠીમાં ભૂંજાય રહેલ નારીની વાત કરવા ફિલ્મના ચાર મુખ્ય સ્ત્રી પત્રો ઉપરાંત અન્ય સહાયક પાત્રો અને કથાનો પણ વિનિયોગ કર્યો છે. બીજા ગામે પરણાવેલી ગામની છોકરી ચંપા ઘેર પાછી આવી ગઈ છે. તેણીનો સસરો અને દિયેર તેડવા આવ્યાં છતાંય છોકરી સાથે જવાની ના પાડે ત્યારે પંચ બોલાવી તેનો નિર્ણય કરવાનું આયોજન કરાય. પંચ અને છોકરીના સંવાદથી વ્યક્ત થાય કે તેણીના પતિને તેણીની કોઈ કદર નથી. આજ સુધી તેણીને સ્પર્શ પણ કર્યો નથી. હું મારા માં-બાપના ઘેર આવી તેમાં મેં શું ખોટું કર્યું..? સવાલનો જવાબ મર્દનું ઘર જ સ્ત્રીનું ખરું ઘર હોવાના તર્કથી અપાય. ગામની લાજ બચાવવા તેણીને પતિઘેર જવા આદેશ અપાય. ચંપાની દલીલ ‘ગામ તમારું છે એટલું જ મારું છે’ પછી તેણીને તાણી જવાય ને જબરન સાસરે ધકેલી દેવાય. પરાણે ઢસડી જવાતી ચંપાની મા લાકડીબાઈ સમક્ષ વિનંતી અને આક્રોશ અંદરથી કંપાવી મુકે છે. ‘‘મા મારો જેઠ મારી સાથે જબરજસ્તી કરે છે. મોકો મળતાં જ હાથ મારે છે. મારો સસરો પણ...હજુ તારે શું સાંભળવું છે. હું એકવાર ગર્ભપાત કરાવી ચુકી છું.’’ બધું જ સ્તબ્ધ. ચંપા અને લાકડીબાઈ પણ. માત્ર આંખ અને ચહેરાના હાવભાવ બોલે. ને ચંપાને લઈ જવાય. ઘસડી જવાય. આ દ્રશ્યમાં ચંપાનો આક્રોશ: “ભાડમાં જાય પંચ અને સમાજ” નારીમુક્તિની પહેલી ચિનગારી બને છે.

આ તકે રાની અને લાજો ત્યાં ઉપસ્થિત છે. ને મહિલા પંચાયતની સરપંચ દેવીબહેન પણ. ચંપાનો પ્રશ્ન હલ થયા પછી દેવીબહેન ગામમાં ડીશ એન્ટીના લગાવવાનો પ્રસ્તાવ મુકે. મોબાઈલ આવ્યાથી ઉભી થયેલ સમસ્યાની ચર્ચા પછી નાણાંનું આયોજન થયે પ્રસ્તાવ ઉપર આગળ વધવાનું કહેવાય. આમ દરેક વાત, વહેવાર કે વિચાર પુરુષોની સહમતી, આજ્ઞા કે આદેશ અનુસાર કરાતો હોવાનું અવ્યક્તપણે વ્યક્ત થાય.

ફિલ્મનો મધ્ય અને અંત:

‘પાર્ચ્ડ’ આરંભિક ઉડાન પછી મધ્યાકાશે ઉડતાં બાજની જેમ ઊંચાઈ અને સ્થિરતા સાથે કથાપ્રવાહને આગળ વહેવડાવે છે. જાનકીને પરણીને લાવેલ રાનીનો છોકરો ગુલાબ છોકરા જેવા વાળવાળી પત્નીને મરદ બની ભોગવે ખરો પણ તેણી માટે પ્રેમ નથી. ગામના છોકરાઓ સાથે અય્યાશી તેનો સ્વભાવ બની ગયો છે. શરાબ પીવી, વેશ્યાગમન અને સ્ત્રીઓને સશક્ત કરતાં લોકહાટમાં તોડફોડ અને તેના સંચાલક કિશન તથા તેની વિદેશી (મણિપુરી) પત્નીને રંજાડતો ગુલાબ મોટું દેવું કરી બેસે ત્યારે લેણદાર તેને પુરી રાખી પૈસાની માગણી કરે. રાની એને ચૂડાવે ખરી પણ ઘેર લાવી એક સણસણતો તમાચો પણ ઝીંકી દે.

રાની નાની ઉમરે પત્ની બન્યાં પછી વિધવા બની. દીકરા ગુલાબને ખુશ રાખવામાં જિંદગી ખરચી નાંખનાર રાની દીકારના આવા ઉધામાથી દુઃખી છે. મોબાઈલના રોંગ નંબરથી મળેલ અજાણ્યા પ્રેમી સાથે માત્ર વાતથી જ ગાડું ચાલે છે. લાજો નિસંતાન સ્ત્રી છે. પતિ તેને વાંઝણી ગણી મારે પીટે. હસ્તકળા કામ કરી તેણી આવકનો સ્ત્રોત ઉભો કરે. પતિને ખુશ રાખવા ને પોતાના ભાગ્યને નિભાવતી લાજોને બાજારુ સ્ત્રી બીજલી પાસેથી ખબર પડે કે સ્ત્રીના નિસંતાન હોવા માટે પુરુષ પણ જવાબદાર હોય શકે. ‘પુરુષ પણ વાંઝ હોય શકે.’

ગામની બહાર તંબુમાં નાચ-ગાનનો ખેલ અને દેહવ્યાપાર કરતી બીજલીનું પહેલીવાર છકડો લઈને આ બંનેને મળવા આવવું. રાની અને લાજોની સાથે વહુ જાનકી પણ તેમની સાથે જોડાય. આ ચારેયનો મુક્ત વિહાર અને સંવાદ દરમ્યાન ‘પુરુષ પણ વાંઝ હોય શકે’ની તપાસ કરવા, સંતાન સુખ થકી પતિને રીઝવવા, માતૃત્વ થકી પૂર્ણ સ્ત્રીત્વ પામવા અને અતૃપ્ત પ્રેમ ઝંખતી લાજો બીજલીની મદદથી ખંડેરોમાં રહેતા યોગી જેવા પુરુષ સાથે શરીર સંબંધ બાંધી ગર્ભવતી બને. પતિ તેણીને ચરિત્રહીન કહી મારે પીટે.

રાનીની વહુ જાનકી પરાણે પરણાવી હોવાનું બહાર આવે. લગ્ન અટકી જાય એટલે જાનકીએ જાતે વાળ કપાવી નાખ્યાનું બહાર આવે. તેણીનો પ્રેમી ગામમાં મળવા આવે ત્યારે રાણીના હાથે પકડાય પણ જાય. ગુલાબ પોતાની ઐય્યાશી પોષવા ઘરમાં ચોરી કરે. રાની અને જાનકી સાથે ઝગડો કરી તે ઘર છોડી ચાલ્યો જાય. બીજલીનું મનમાન્યું જીવન તેણીની આડે આવે. તંબુમાં બીજી છોકરીનું આગમન. બિજલીના ભાવ ગગડે. ‘રોકેટની સેર’ કરાવવાનો બીજલીનો પ્રયાસ તેણીને નાણા તો અપાવે પણ શારીરિક ત્રાસ અને શ્રુષ્ટિ વિરુદ્ધના કૃત્ય પછી..!

અંતે ઘર વેચી લેણદારના કર્જમાંથી મુક્ત થયાં પછી રાની વહુ જાનકીને પણ મુક્ત કરે. વધેલાં નાણાં તેના પ્રેમીને આપી જાનકીને તેની સાથે વળાવે. છકડામાં બેસી ગામ બહાર નીકળ્યા પછી મુંબઈ જવાની વાત કરતી ત્રણે ચોરાહે આવ્યા પછી ક્યાં જવું. લેફટ કે રાઈટ..? ત્યાં ફિલ્મ સમાપ્ત થાય. આ સમયે રાની અને લાજો પુરુષ જેવા વાળવાળી દેખાય.

દ્રશ્ય-શ્રાવ્ય ‘બોલ્ડનેસ’ કે નગ્નતા..?:

ફિલ્મના આરંભમાં જ બસ પ્રવાસ દરમ્યાન ડોકું બારી બહાર કાઢી મુક્તિની શ્વાસ લેતી લાજોના માથા પરથી સરકી જતાં પાલવથી ફગાવતી રૂઢિગત માન્યતા ક્રમશ નગ્નતા સુધી વિસ્તરે છે. આ વિકાસક્રમમાં પાત્રગત અભિવ્યક્તિ અને કથાનકની માગ અનુસાર આકાર પામતાં કેટલાક દ્રશ્યો અને સંવાદ ફિલ્મને બોલ્ડ અને બ્યુટીફૂલ પણ બનાવે છે. પણ ક્યાંક વર્તાતી બિનજરૂરી બોલ્ડનેસ તેને નગ્નતાનું વરવું સ્વરૂપ બનાવે છે.

પતિ પણ વાંઝિયો હોય શકે તે પુરવાર કરવા અને પુત્રમોહ પામવા ગામની બહાર ખંડેરમાં રહેતા યોગી જેવા પુરુષ સાથે લાજોનું રત્યાત્મક (Erotic) ચિત્રણવાળા દ્રશ્યમાં છલકતી કામુક છબી અત્યંત સહજ અને જરૂરી ભાસે છે. પરપુરુષ સાથે દેહ સંબંધ બંધાવાના વ્યવસાય સાથે સંકળાયેલ બીજલી લાજોને ઉત્તેજિત કરવા અને પરપુરુષ સાથેના દેહસંબંધ માટે સહાયક બનવા પહેલાં પેલાં યોગી પુરુષ સાથે ઉપરછલ્લો મિલાપ કરે તે દ્રશ્ય પ્રભાવી અને જરૂરી ભાસે છે.

તળાવમાં નહાતી રાની, લાજો અને બીજલીવાળા દ્રશ્યમાં લોંગશોટ અને આછાં પ્રકાશમાં પણ આ સ્ત્રીઓ નગ્નાવસ્થામાં સ્નાન કરતી હોવાનું પ્રતીત કરાવાય છે. સ્ત્રી માટે પુરુષના મુખેથી નીકળતા અપશબ્દો, ગંદી ગાળો અને બિભત્સ વર્તન પણ કથાનકના મધ્યસૂરને પ્રમાણિત કરતુ ભાસે છે. ગ્રાહક સાથે બીજલીનો સંબંધ અને શારીરિક ત્રાસ કે શોષણના દ્રશ્યોમાં કે બિજલીના પહેરવેશ અને ગળા નીચે ઊંડે સુધી દેખાતો ઉઘાડ (cleavage) પણ સ્વાભાવિક અને પ્રસ્તુત લાગે છે.

પતિના હાથે ઘાયલ થયેલ લાજોને ગળા અને છાતીના ભાગે દવા લગાવતી વખતે રાની લાજોનું ઉપવસ્ત્ર શા માટે કાઢી નાંખે છે..? લાજો (રાધિકા આપ્ટે)ના કમરથી ઉપરના શરીરનું સંપૂર્ણ ઉઘાડું દર્શન બોલ્ડ કરતાં વધુ નગ્ન લાગે છે. પછી લાજો દ્વારા રાનીનું ઉપવસ્ત્ર કાઢવાનો પ્રયાસ અને એકમેકને ચૂમવા આગળ વધતાં શરીર વચ્ચે અચાનક જાનકીનો પ્રવેશ બંનેને અટકાવે. બે સ્ત્રી વચ્ચેના શરીર સંબંધ (lesbian)ની વાત વર્તમાન સમયની ચાડી જરૂર ખાય છે, પણ કથામાં તેનું સ્થાન કે જરુરીયાત છે ખરી..? આ પહેલાં કે આ પછી રાની કે લાજોને, એકપણ વાર શરીર સંબંધ સંદર્ભે તડપતી બતાવી ન હોવાં છતાંય અચાનક આવતું આ દ્રશ્ય નગ્નતાના નિદર્શનથી વિશેષ નથી લાગતું..! મુક્તવિહાર કરવા ગામની બહાર આવેલ રાની, લાજો અને બિજલીના સંવાદ દરમ્યાન બધી ગાળો મહિલાલક્ષી હોવાના આક્રોશ પછી તે ગાળોનું પુરુષ સંસ્કરણ અને તેની મોટા મોટા અવાજે બુમ પાડી કરતી અભિવ્યક્તિ વધારે પડતી ભાસે છે. સ્ત્રીઓની અસ્મિતાને નિમ્ન ચીતરે છે.

ઉપસંહારઃ

વિદેશી સહયોગ સાથે કે વિદેશી ફિલ્મકાર દ્વારા બનેલ ભારતીય ફિલ્મમાં ભારતને હજુય પછાત અને ‘સપેરોનો દેશ’ ચિતરવાની હોડ ચાલું જ છે..! કળાના નામે ભારતની ગરીબી, કુપ્રથા કે સ્ત્રીઓના શોષણની વાત કરાય ત્યાં સુધી વાંધો નથી, પણ આખેઆખું ભારત આવું જ છે..! અથવા ભારતમાં આના સિવાય બીજું કઈ જ ન હોવાનું ચિત્રણ વધારે પડતું અને ભારતની છબી બગાડનારું લાગે છે. વાસ્તવિકતાના નામે ભારતની માત્ર રૂઢીવાદી કે ગંદી અને ગોબરી છબીનું પ્રસ્તુતિકરણ ક્યાં સુધી..?

શેખર કપૂરે ‘બેન્ડિત ક્વીન’માં નગ્ન વાસ્તવ ચીતર્યું હતું. બીહડ કે જંગલ જેવા સ્થળે કરતાં બળાત્કારનું એ દ્રશ્ય ઉઘાડું નહી કળાત્મક અને વાસ્તવિક લાગતું હતું. ‘સલામ બોમ્બે’, ‘સલીમ લંગડે પર મત રો’, ‘અર્ધસત્ય’ કે ‘ગેંગસ ઓફ વાસીપુર’ જેવી અનેક ભારતીય ફિલ્મોમાં બીભત્સ દ્રશ્ય અને ગંદી ગાળો શ્રાવ્યત્વ બની પ્રસ્તુત કરાયા છે. પણ જયારે વિદેશી ફિલ્મમેકર કે નિર્માતા હોય ત્યારે આનો અતિરેક નોધાયો છે..! ક્યારેક કોઈ એક રાજ્ય કે વિસ્તારને બદનામ કરવા પણ દ્રશ્ય-શ્રાવ્ય બોલ્ડનેસના નામે નગ્નતા રજૂ થયાના આરોપો લાગ્યાં છે. ઓસ્કારમાં ગયેલ ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’માં પણ બોલ્ડનેસ કે વાસ્તવિકતાના નામે બિનજરૂરી કે વધારે પડતી નગ્નતાનું નિરૂપણ કરાયાના વિવાદો સર્જાયા હતાં.

આજકાલ ‘પાર્ચ્ડ’માં રાધિકા આપ્ટેએ કરેલ બોલ્ડ સીનની ચર્ચા ચાલી રહી છે. ત્યારે એવું કહેવાનું મન થાય કે રાધિકાના અભિનયની ચર્ચા ચાલી હોત તો સુયોગ્ય લેખાત. ‘પાર્ચ્ડ’માં રાધિકા આપ્ટે અને તનીષ્ઠા મુકરજી એ જાનદાર અભિનય કર્યો છે પણ સુરવિન ચાવલાનો અકલ્પનીય અભિનય, પાત્રલેખન અને તેની પ્રસ્તુતિ પાછળ આ બંને ઢંકાય જાય છે. સુરવિનને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળે તો નવાઈ નહી.

દિગ્દર્શક તરીકે લીના યાદવની પકડ ફિલ્મ ઉપર સ્પષ્ટ વર્તાય છે. આખી ફિલ્મના પ્રમુખ સુત્રધાર તરીકે લીનાનું કામ પ્રસંશનીય છે. કથાનો પ્રવાહ ધીમો છે અને તેનું કારણ પટકથા છે. ચલચિત્રીકરણ અને સંકલન સારું છે. દિગ્દર્શક જે કહેવા માગે છે તે કહેવાયું છે. સારા વિષયવસ્તુને કારણે દેશી અને વધારે પડતા વિદેશી સર્જકો અને રોકાણકારો જોડાયા છે. ભારતીય સિનેમાનો ચહેરો વિશ્વ સિનેમામાં પણ દેખાય તે દિશાનો આ પ્રયત્ન અનેક પુરસ્કારો અને ફિલ્મ ફેસ્ટીવલ સુધી પહોંચો છે તેનો આનંદ છે.

સમાપન:

મોબાઈલ અને ડીશ ટીવીના આગમનનો પ્રતીકાત્મક વિનિયોગ અને તેની આડ અસરની ચર્ચા વર્તમાન સમયને પ્રસ્તુત કરે છે. પણ વધુ પડતી creative liberty ફિલ્મ માટે હાનીકારક ભાસે છે. બોલ્ડનેસની આડમાં વ્યક્ત થતી નગ્નતા ચર્ચા જગાડશે પણ દર્શકોને આકર્ષવામાં ધારી સફળતા નહી અપાવે. કળાત્મક વિષયવસ્તુ અને પ્રસ્તુતિ આપણી ફિલ્મોને પણ ખરા અર્થમાં સિનેમા સમીપ લઈ જઈ રહી છે ત્યારે ‘પાર્ચ્ડ’ જેવી ફિલ્મોનું સ્વાગત છે. જરૂર છે થોડા વધુ સંયમની.

તરુણ કાલિદાસ બૅન્કર (શોધાર્થી) એ/૫, ઝવેર નગર, ગુ. હા. બોર્ડ, ભરૂચ-૩૯૨૦૦૧ ગુજરાત (M) 8866175900 / 9228208619 tarunkbanker@gmail.com