ગિરમીટિયાથી મહાત્મા બનવાની કથા- પહેલો ગિરમીટિયો
‘પહલો ગિરમીટિયો’- વિશે તમારી સામે વાત કરવા પાછળનું એક મોટું કારણ તે આ નવલકથા વિશે આપણે ત્યાં બહુ ઓછી ચર્ચા થઈ છે. બીજું કારણ અહીં નવસારી પાસે દાંડીના જ મહાનુભાવ શ્રી મોહન દાંડીકરે આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ત્રીજું કારણ છે- અહીંના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં આ રચના છે. હવે રહ્યું છેલ્લું અને મહત્ત્વનું કારણ- ગાંધીજી અત્યારે પ્રસ્તુત છે કે નહીં ? - એ પ્રશ્ન એઓ જ્યારથી આપણી વચ્ચે રહ્યા નથી ત્યારથી ચર્ચાતો રહ્યો છે. ‘અત્યારે ગાંધીજી હોત તો આમ કરે’, ‘અત્યારે જો એ હયાત હોત તો ગાંધીજીને દુઃખ થાત’, ‘એ ગમે તેટલાં અનશન કરે તો પણ કદાચ આજની સરકારોને કાને એમની વાત પડે કે નહીં’ - એવા સવાલો મનમાં ઊઠે. એનો જવાબ શોધવા માટે એમની ‘આત્મકથા’, ‘ગાંધીજીનો અક્ષર દેહ’ અને બીજું સાહિત્ય તો છે જ પણ એમાં મને લાગે છે કે સૌથી અસરકારક અને રસવાહી માર્ગે જવાબો જોઈતા હોય તો આ નવલકથા- ‘પહેલો ગિરમિટીયો’ – વાંચવી જરૂરી છે.
સાડી સાતસો ફેલાયેલ આ નવલકથા આપણે જે મહાત્મા ગાંધી કે રાષ્ટ્રપિતા ગાંધીજીને ઓળખીએ છીએ એમને આલેખતી નથી. અહીં નવલકથાઓમાં હોય છે એવાં લોભમણાં વર્ણનો, ચિત્તને અચંબામાં નાખી દે એવાં કરતૂત કરતો ને આટાપાટા ખેલતા નાયક (હિરો-ની જે વ્યાપક છબી છે એ મુજબનો)ને પણ આલેખવામાં નથી આવ્યો અને તેમ છતાં આ નાયક અચંબામાં નાખનારો તો છે જ. હા, નવલકથા સત્યઘટનાઓ, દસ્તાવેજો પર સંપૂર્ણપણે આધારિત છે અને એ માટે આ કથાના લેખક ગિરિરાજ કિશોરે આઠ વર્ષ સુધી સંશોધન કર્યું છે. આફ્રિકાના સત્યાગ્રહ પહેલા અને એ દરમિયાન ગાંધીજીએ જે જે સ્થળોએ નિવાસ કર્યો, પ્રવાસ કર્યો કે સંઘર્ષ કર્યો એ બધા સ્થળોએ આ લેખક ફર્યા, રહ્યાં છે, તત્કાલીન સ્થિતિ-પરિસ્થિતિ વિશે જૂનામાં જૂના અને ગાંધીજી સાથે જોડાયેલા માણસોને મળ્યા છે, ત્યાં ઉપલબ્ધ થયા એટલા પત્રો, દસ્તાવેજો, નોંધો, ગાંધીજીએ સ્થાપેલ ‘ફિનિક્સ’ આશ્રમ, એમના મિત્રનું ‘ટોલ્સટોય ફાર્મ’ અને ત્યાંનાં શહેરો, રેલ્વે પ્રવાસનો માર્ગ, - એ બધુ જાતઅનુભવ લઈને પોતાની જાતને ગાંધીજી સાથે જોડવા માટે મથ્યા. એ પછી સર્જાયેલી આ નવલકથા છે. કથાના મોટાભાગના પાત્રો સાચા છે અને જે કેટલાંક પાત્રો અને પ્રસંગોમાં પોતાના તરફથી ઉમેરણ કર્યું છે તેના વિશે કહે છે- ‘મિ. બેકરે પ્રિટોરિયામાં મોહનદાસને એક ભઠિયારણ બાઈને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રખાવ્યા હતા. ન તો મને એ સ્ત્રીનું નામ મળી શક્યું કે ન તો એના કુટુંબ વિશે કોઈ વધુ જાણકારી મળી શકી. મેં એનું નામ મેટિલ્ડા રાખ્યું છે. એના કુટુંબ વિશે પણ એક સંવેદનાપૂર્ણ વાર્તા જોડી કાઢી. આવી રીતે એકબે પ્રસંગો બીજા પણ હશે. ગિરમીટિયાઓને લઈ જતી કેટલીક સ્ટીમરો તૂટી ગઈ હતી. એ બનાવોને મેં નવલકથામાં વણી લીધા છે. સડરિધમ અને ફ્યુજિલિયર સ્ટીમરોના નામ અને બનાવોના ઉલ્લેખ તો મળે છે. ત્યાં પણ ક્યાંક ક્યાંક મેં પોતાના તરફથી કેટલુંક ઉમેરણ કર્યું છે. મને એવું લાગ્યું કે હું ત્યાં હાજર હતો....માર્શલ લેડ્યૂ એક ફ્રેંચ વેપારી હતો. એણે ગાંધીની એક નકારાત્મક જીવનકથા લખી હતી. એનું ફ્રેંચ નામ હતું- ગાંધી ટેલ ક્યૂ જે લાય કોન-38નો અનુવાદ રુમી મિન્ટીએ કર્યો છે....લેડ્યૂ પોતાને મોહનદાસના સમકાલીન કહેતા હતા. મેં મારી નવલકથામાં એને એક પાત્ર તરીકે લીધા છે. મને એવું લાગે છે કે એના હોવાથી ગાંધીના ચરિત્રને ઉઠાવ આપવામાં વધુ મદદ મળી છે.’ આમ આ નવલકથા છે પણ કલ્પનાઓ પર આધારિત નથી. સાથે લેખક સભાન પણ છે જ કે- ‘..ગાંધી હોવાની મુશ્કેલીઓ પણ છે અને સિદ્ધિઓ પણ છે. જોકે ભારતીયો ગાંધીને વધુ ને વધુ જાણવાનો દંભ કરે છે, જાણે છે ઓછામાં ઓછું. કોઈનું પોતાના દેશ કે ઘરના હોવું, જાણવા માટે પૂરતું નથી. જેટલું જેટલું જાણવાનો પ્રયત્ન કરો એટલું જ જાણવાનું બાકી રહી જાય છે. આ બધા પ્રશ્નોના જવાબો આપવાનું લેખકનું કામ નથી. વિવેચકો આપે તો આપે,..હા, હું એક વાત ચોક્કસ કહી શકું કે પ્રામાણિકતા અને વાચનક્ષમતા જાળવી રાખવા માટે મેં પૂરતો પ્રયત્ન કર્યો છે. લેખકીય સ્વતંત્રતાનો પણ બની શકે ત્યાં સુધી પ્રામાણિકતાની મર્યાદામાં રહીને જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે.
દક્ષિણ આફ્રિકા સાથે ગુજરાતના વેપારીઓનો નાતો તો સદીઓ જૂનો છે એ આપણે જાણીએ જ છીએ. આપણા વેપારીઓ અને એમના સહાયકો સદીઓથી મિડલ ઇસ્ટના દેશો અને આફ્રિકાના બંદરો સાથે વહાણવટાથી સંકળાયેલા હતા પણ નવજાગૃતિકાળ પછી જ્યારથી યુરોપની પ્રજામાં પ્રદેશો કબજે કરવા, નવા નવા ખંડો અને રાજ્યો સર કરવાની ભૂખ જન્મી ત્યારથી વસાહતોનાં નવાં સમીકરણો રચાવાં લાગ્યાં. ખાસ કરીને 14મી 15મી સદીથી શરૂ થયેલ આવા વ્યાપારી અને રાજકીય સંસ્થાનો દ્વારા ક્રમશઃ બિનયુરોપીય જાતિ-પ્રજાતિઓ પર, દેશોની જમીનો, ખનિજો અને ખેતી પર આધિપત્ય જમાવવાના જે હથકંડાઓ શોધ્યા, એક અત્યંત સોફેસ્ટિકેટેડ અને આંજી નાંખનારી કાયદાકીય (યુરોપીય પ્રજાને અનુકૂળ એવા કાયદાઓ) પદ્ધતિઓ શોધાઈ અને એને અપનાવવાની નવી નવી રીતો અસ્તિત્વમાં આવી.
આ નવલકથાની પશ્ચાદ્ભૂમાં એ ગાળાનો કાળો ઇતિહાસ છે, પરતંત્ર થતી જતી મૂળનિવાસી પ્રજાઓ, વિવિધ દેશોની અમૂલ્ય એવી કુદરતી સંપત્તિઓ, સંસ્કૃતિની વૈવિધ્યસભર સમૃદ્ધિઓને એકરંગે રંગવાની પ્રક્રિયા આ ગાળામાં શરુ થઈ હતી – એ હજી પણ રૂપભેદે ચાલી જ રહી છે. આ કથા, જે લોકો પરતંત્ર છે, પરવશ છે, શ્યામવર્ણ છે, યુરોપીય પ્રજાને મન ઉતરતા છે અને પશુઓથી વિશેષ એમનું કોઈ વિશેષ મૂલ્ય નથી એવી પ્રજા કઈ રીતે પડખું ફેરવે છે અને એમ કરવામાં એક વ્યક્તિએ અનુભવેલ સ્વમાનભંગનો ડંખ કઈ રીતે વ્યાપક છે અને એના વડે વ્યક્તિ મોહનદાસને સત્ય અને અહિંસાનું એક નવું જ શસ્ત્ર પ્રાપ્ત થાય છે - એનું નિરૂપણ કરે છે.
ઇ.સ. 1850 પછીના દાયકાઓમાં, એ વખતના યુવાનોમાં એક ચાલ હતો, ખાસ કરીને ઈંગ્લેંડમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનો. અને કેમ ન હોય- જેનો સૂરજ ક્યારેય નથી આથમતો એવી સલ્તનતનો એ સોનેરી સમય હતો. ગાંધીજી પણ ઇંગ્લેંડ જઈને કાયદાનો અભ્યાસ કરે છે અને ભારતમાં આવ્યા પછી રાજકોટમાં એ વકીલ તરીકેની પ્રેકટિસ પણ શરુ કરે છે. મોટાભાઈ લક્ષ્મીદાસની વગ અને ઓળખાણોને કારણે નાના-મોટા કેસ મળે છે પણ મોહનદાસ વચેટિયાઓ કે દલાલોના કારણે કેસ લડવાનું મનથી સ્વીકારી શકતા નથી. વળી એમને ખ્યાલ પણ આવી જાય છે કે કોર્ટમાં ચાલતા કેસ અને તેની જીત સાથે સત્ય સાથે બહુ લેવા દેવા નથી હોતી. એ કાયદાઓને તર્કથી તોડી મરડીને જીતવાની ચાલબાજીઓ છે. એટલે મન ઠરતું નથી. અંતે ભાઈની ઓળખાણને કારણે જ દક્ષિણ આફ્રિકામાં વસતા શેઠ દાદા અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા અથવા તો એમાં મદદ કરવા માટે એક વર્ષની પરમિટ પર નાતાલ (પરગણાનું નામ) ગયા.
અમેરિકા હજી પૂરું અમેરિકા નહોતું બન્યું ત્યારે ગોરાઓ મૂળ નિવાસીઓને ખદેડતા હતા, ત્યારે અમેરિકામાંથી સત્તરમી સદીની મધ્યમાં પહેલા ભાગી છૂટેલા આદિવાસીઓ નાતાલમાં આવીને વસ્યા હતા. એટલે ત્યાં મૂળ આદિવાસીઓ ઉપરાન્ત આ બધા કાળાઓ આવીને વસ્યા. એમના કબિલાઓની ભાષા અલગ, દેવ અલગ અને જીવવાની રીતો પણ અલગ હતી. ઓગણીસમી સદીમાં, મૂળ નિવાસીઓ પાંચેક લાખ ને લાખેક ગોરાઓ આવ્યા. પણ ગોરાઓ માલિક બની ગયા-ક્ષિતિજો સુધી વિસ્તરેલી જમીનો પર કબજો જમાવી દીધો અને વતનીઓને ગુલામ બનાવ્યા. પણ આ હબસીઓ કામગરા ઓછા. એ એક પુરુષનું અનેક સ્ત્રી સાથે લગ્ન. સ્ત્રી મોટાભાગે કામ કરે અને પુરુષો દારુ પીએ, ચલમ ફૂંકે અને થોડું મન થાય તો નાનું-મોટું કામ કરે- એવી હાલત. ગોરાઓને આ પોષાય નહીં. નિવાસીઓની આવી આળસુ જીવનશૈલીના કારણે ગોરાઓનાં સપનાં પૂરાં થાય તેમ નહોતાં એટલે મોરેસિયસની જેમ ભારતીય મજૂરો બોલાવીને કામ લેવાનો વિચાર આવ્યો. ને ભારત સરકાર સાથે મસલત કરીને મજૂરોને નાતાલમાં બોલાવવાનું શરૂં કર્યું. 16 નવેમ્બર, 1860ના રોજ, મદ્રાસથી મજૂર ભરેલી પહેલી સ્ટીમર ટૂરો આવેલી. કથા આરંભે નાનકડાં બે પ્રકરણમાં લેખકે ગાંધીજી ત્યાં ગયા એ પહેલાં કઈ રીતે ગિરમીટિયાઓ આફ્રિકા જતા થયા અને કઈ રીતે એમનું શેષણ શરૂ થયું એની અસરકારક ઘટનાઓ નિરૂપીને મજબૂત બાંધીણી કરી દીધી છે. ખાસ કરીને, સડરિધમ અને ફ્યુજિલિયર નામની સ્ટીમર દક્ષિણ આફ્રિકાને કાંઠે જે રીતે તોફાનમાં સપડાઈને તૂટે છે અને બિચારાં કમનસીબ મજૂરો મોતને હવાલે થાય છે એનું કરુણ આલેખન રૂંવાડા ઊભા કરી દેનારું છે. બીજી સ્ટીમરની ઘટના તો ડરબનથી થોડે દૂર રેટલની ખાડીમાં બની હતી. ત્યાં રહેતા ડચસાહેબની નિષ્ઠુરતાનું વર્ણન અદ્-ભુત છે, ત્યાંના ગોરાઓની માનસિકતાને છતિ કરે છે. કેટલાય મજૂર સ્ત્રી-પુરુષો અને બાળકોના શબને જે રીતે પોતાની વાડીમાં દટાવી દે છે ને એમાંય પત્ની સાથેના સંવાદમાં એમનું માનસ આપણી સામે છતું છે.
મોડી રાતે મજૂરો પાસે ગાડામાં લાશો ઉપડાવીને લઇ આવેલ ડચ સાહેબ એની મેમસાહેબ નજીક ગયા ત્યારે- “આઘા જાઓ, આઘા જાઓ. તમારા શરીરમાંથી મુડદાની દુર્ગંધ આવે છે. બંગલામાં એ દુર્ગંધ હું નહિ આવવા દઉં”.
“પણ હું તો એમને અડ્યોય નથી.”
“એમની દુર્ગંધ તો મરેલા ઉંદરો કરતાં પણ વધુ ખરાબ હોય છે.”
“પણ તેઓ કેટલા મહેતનતુ છે. જીવતાં તો ખેતી માટે કામ કરે જ છે. હવે મરીને પણ એમાં અનેકગણો વધારો કરશે.”- પછી હસીને કહેઃ “જેટલી મહેનત એટલો ચમત્કાર. એમનાં હાડકાં કેવાં હશે...”
“યૂ નોટી...” કહી મેમસાહેબ હસી પડી !
મૂળ નિવાસીઓ એમની આળસુ અને અલગઢાળી જિંદગીને કારણે ગોરાઓના કામના નહોતા. બીજો વર્ગ હતો ભારતીય વેપારીઓનો, એમાં મુસ્લિમો વધારે હતા ભારતીયો, પણ ગોરાઓ એમને આરબો તરીકે ઓળખતા ને અલગ રીતે એમની સાથે વર્તતા. થોડા હિન્દુ ગુજરાતીઓ, થોડા પારસીઓ. એમને વેપાર સાથે જ લેવાદેવા હતી. એમનો દરજ્જો ગિરમીટિયાથી થોડો ઊંચો પણ ગણનામાં તો એ પણ નહીં. એમને પણ રસ્તે ચાલવાનાય પરવાના લેવા પડતા. સાંજ પછી એ ખુલ્લામાં નીકળી નહોતા શકતા. થોડા એવા પણ હતા જેમની ગિરમીટ પૂરી થયા પછી ત્યાં જ વસી ગયા હતા ને થોડી જમીન ખરીદીને એમનું નભાવ્યે જતા હતા. છેલ્લો વર્ગ હતો મજૂરોનો- જેને ત્યાં ગોરાઓ એક જ નામથી ઓળખે- કુલી. એમનું સ્થાન હતું ગંદી વસ્તીઓ, રાવટીઓ, અને ગોરાઓના ખેતરોના ખૂણે- ગટરમાં વસતા ભૂંડ અને પ્રાણીઓથી વિશેષ જરા પણ નહીં. માત્ર મજૂરી કરવાની. ગંદકી અને બીમારી સ્વાભાવિક જ વિસ્તરતી અને ગોરાઓ માટે એ નિવારી ન શકાય અને સ્વીકારી ન શકાય એવી હીનતાભર્યું જીવન જીવતા.
મોહનદાસ એક વર્ષની પરમિટથી ગયા હતા. દાદા અબદુલ્લાના એક કેસમાં મુખ્ય વકીલ તરીકે નહીં પણ અંગ્રેજ વકીલ (મિ.બેકર)ના સહાયક તરીકે. કેમકે, દસ્તાવેજો ફારસી, ગુજરાતી હિન્દીમાં હતા એના તરજુમા કરી કેસમાં ઉપયોગી થવાની એમનો ભૂમિકા હતી. ડરબનમાં મોહનદાસ પ્રવેશે છે ત્યારે માત્ર રંગે જ ભારતીય હતા. બાકી તદ્દન અંગ્રેજ. સુટ-બુટમાં સજ્જ. સવાઈ અંગ્રેજ જેવું અંગ્રેજી. એટિકેટ પણ એવી જ. એટલે દાદા અબ્દુલ્લાને પણ પોતે ધોળો હાથી ગુજરાતથી મંગાવ્યો હોય એવો ભાવ જન્મેલો. પણ બીજા કે ત્રીજા જ દિવસે જ્યારે દાદા અબ્દુલ્લા ત્યાંની કોર્ટમાં ગાંધીને ખાલી દર્શક તરીકે જોવા લઇ જાય છે ત્યારે જે ઘટના બની તે ચોંકાવનારી હતી. તદ્દન અંગ્રેજી શૈલીએ જીવતા મોહનદાસે દાદા અબ્દુલ્લાને અનુસરીને ડ્રેસ તો અંગ્રેજી પહેર્યો પણ માથે ગુજરાતી પાઘડી પહેરી. ચાલુ કોર્ટમાં પ્રવેશ કર્યો ને જેવી જજની નજર આ આગંતુક અને અજાણ્યા મોહન ઉપર પડી એટલે ટકોર કરી- કોર્ટમાં આ પાઘડી કાઢીને આવો- અને મોહનદાસ માટે પહેલો આંચકો. એમણે કોર્ટ છોડી દેવાનું પસંદ કર્યું પણ પાઘડી ન ઉતારી. એટલેથી ન અટકતા મોહનદાસે પહેલો પત્ર લખ્યો ને બીજે દિવસે છાપામાં આપી આવ્યા. કદાચ આ ઘટનાએ ગાંધીજીને અંદરથી બદલવા તરફ પ્રેરી દીધા- એ પત્રમાં લખ્યું હતું- ‘હું ગુજરાતમાં રહું છું. મેં માથે પાઘડી પહેરી હતી. અમારે ત્યાં અમે કોઈ પવિત્ર જગ્યાએ જઈએ છીએ ત્યારે માથા પરથી પાઘડી ઉતારતા નથી. એમ કરવું તેમાં બંનેનું અપમાન માનવામાં આવે છે. એ રાષ્ટ્રીય સન્માન અને સ્વમાનનું પ્રતીક છે. પણ અહીં કોર્ટમાં દાખલ થતાં જ માનનીય મેજિસ્ટ્રેટશ્રીએ મને મારી પાઘડી ઉતારવાનો આદેશ આપ્યો. જો કે મારી કંપનીના માલિક અને નાતાલના સુપ્રસિદ્ધ વેપારી દાદા અબદુલ્લાએ પણ પાઘડી પહેરી જ હતી. દાદા અબદુલ્લા ભારતીય છે. પણ અહીં આરબ કહેવાય છે. આરબો પાઘડી પહેરે તો એ એની ઓળખ કહેવાય છે અને અમે પહેરીએ તો એ કોર્ટનું અપમાન કહેવાય છે. આ કેવો ભેદભાવ...’(પૃ.53)
નવલકથામાં અનેક નાના-મોટી સ્વમાન હણનારી કે ભેદભાવ સૂચવનારી ઘટનાઓ આલેખાઈ છે. પણ આ ઘટના મોહનના ચિત્તમાં જે અંગ્રેજો માટે એક સુસંસ્કૃત પ્રજા તરીકેનો અહોભાવ હતો એના કાંગરા ખેરવનારી બની રહે છે. કેસ લડવા માટે પ્રિટોરિયા જતા પીટરમારિત્સબર્ગ સ્ટેશને ટ્રેનમાં બનેલી ઘટના તો બહુ જાણીતી છે. મોહનદાસને ફર્સ્ટક્લાસના ડબ્બામાંથી જે રીતે સામાન સાથે ફેંકી દેવામાં આવે છે. એ રાતે ભયંકર ઠંડીમાં જે અન્ય કુલીઓ દ્વારા રીતે બચાવ થાય છે ત્યારે ચિત્તમાં જે વમળો ઊઠે છે એ ભવિષ્યના સત્યાગ્રહી બનવાનું પ્રથમ ચરણ છે- વિચારે છે. ‘અહીંથી પાછા જવાનો અર્થ થશે પોતાની જાતને એ કાયરતાને હવાલે કરી દેવી. કાયરતાથી મોટું બીજું કોઈ અપમાન નથી. ટ્રેનમાં થયેલા એ અપમાનની પાછળ ન અંગત દુશ્મનાવટ હતી, ન સ્વાર્થ હતો. એ મનોવૈજ્ઞાનિક નફરત હતી. જે સર્વત્ર વિસ્તરેલી છે. આપણે બધા એના જ અંશો છીએ. એની સાથે રહીને જ આપણે એ ઘટાટોપમાં છિદ્રો પાડી શકશું. ભાગો નહીં. ભાગશો તો એ નફરત વધુ તાકાતથી તમારો પીછો કરશે. એની સાથે જીવશો તો એની નબળાઈઓનાં છિદ્રોમાં આંગળીઓ ઘોંચી ઘોંચીને એને છિન્નભિન્ન કરી શકશો.’ (પૃ.77) બીજા દિવસે, પ્રિટોરીયાના માર્ગે જતા મોહનદાસે સિગરામમાં મુસાફરી કરવાની હતી પણ ગોરાઓ કુલી સાથે સિગરામમાં બેસે નહીં. અંતે મોહનદાસ કોચબોક્સ પર બેસીને આગળ તો વધે છે પણ રસ્તામાં એક ગોરો મોહનદાસને નિર્દય બનીને માર મારે છે. માંડ માંડ જીવ બચે છે.- આસપાસ ઊભેલા ઉતારુઓ એક કુલીસાહેબને કોઈ ગોરો મારી રહ્યો છે તે જોઈ રહ્યા હતા. એ એમને ગાળો દેતો હતો. પકડીને નીચે ઘસડી રહ્યો હતો. એણે પિત્તળના સળિયા ઝોડની જેમ પકડી રાખ્યા હતા. પકડ એટલી મજબૂત હતી કે કાંડું ખડે તોય સળિયા ન છૂટે. આંખે અંધારાં આવતાં હતાં. અતિમ સમય આવી ગયો હોય તેવું લાગ્યું. બા, કસ્તુર અને બાળકોના ચહેરા વારાફરતી આંખ સામે દેખાવા લાગ્યા. પેલો મારતો મારતો ભૂંડાબોલી ગાળો દેતો હતો. મોહનદાસ એકદમ ચૂપ હતો. સળિયા પકડી રાખ્યા હતા. માર તું તારે, મારવો હોય એટલો. એ લડી નહીં શકે તો શું થયું....જુલમ સહન તો કરી શકે છે. આ પણ એક રીત છે. અધિકાર માટે સહન કરવું. એ વખતે અધિકાર માટે સહન કરવાની શક્તિ એ જ તાકાત બની ગઈ હતી..(પૃ.88)
આ આખીએ નવલકથાને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય.
1. મોહનદાસ દ.આફ્રિકામાં જાય તે પહેલાની ત્યાંની સ્થિતિ અને પરમિટ પર ગયેલ મોહનનો દાદા અબદુલ્લા સાથેનો સીધો સાથ હતો ત્યાં સુધીના ગાળા દરમ્યાન સર્જાયેલ ઘટનાઓએ મોહનને ત્યાં વધુ સમય વસવા મજબૂર કર્યા ત્યાં સુધીનો ભાગ. (ડરબનમાં દાદા અબદુલ્લા, પ્રિટોરિયામાં તૈયબ શેઠ ( જેમણે મોહનદાસના વિચારને જાહેરમાં મૂકવા માટે પ્રથમ મિટિંગ બોલાવી.), લવાદ હાજી શેઠ, (વકીલ મિ. બેકર, ક્રોટ્સની ખ્રિસ્તી બનાવવાની ભાવના, આફ્રિકના વકીલમંડળમાં સામેલગીરી),(મેટિલ્ડાવાળો પ્રસંગ) ( ક્રૂગરના મહેલ સામેની મારપીટનો પ્રસંગ) (છાપામાં પ્રસિદ્ધ થતા પ્રતિભાવો)( મોહનદાસનું કામ પૂરું થયું, વિદાયસમારંભ પણ યોજાઈ ગયો ત્યાં જ એક સમાચાર છપાયા- ઇંડિયન ફ્રેંચાઈ- હિંદી મતાધિકાર-એને મતલબ હતો- નાતાલની સંસદમાં હિન્દીઓને સભ્યોની ચૂંટણી કરવાના જે હકો હતા તે લઈ લેવા.આને લગતો કાયદો સંસદમાં ચર્ચાઈ રહ્યો હતો.- ત્યાંથી બદલાઈ પરિસ્થિતિ)(‘ટ્રાન્સવાલનોમાં ત્યાંના ગોરાઓએ ગાંધી ગયા એ પહેલા એક કાયદો કરેલો- ક્રૂગર દ્વારા- કે ભારતીયોને ત્યાંથી કાઢી મૂકવામાં આવે. તેમના વેપારધંધા બંધ કરી દેવામાં આવે. તેઓ જંગલી છે, ગંદા છે, અસભ્ય છે, પોતાની સ્ત્રીઓને મારે છે, બીમારીઓનું ઘર છે. ગમે ત્યાં સૂઈ રહે છે. ગમે ત્યાં ઝાડોપેશાબ કરે છે....પ્રેસિડેન્ટ ક્રૂગર એમને ઇસ્માઈલની ઓલાદ કહીને, ગોરાઓ દ્વારા હકુમત કરવા લાયક છે એમ કહી ચૂક્યા હતા...) આ અનુભવો મોહને અનુભવ્યા હતા. તે જ હવે નાતાલમાં થવા જઈ રહ્યુ છે.
2. ભારતી વેપારીઓના આગ્રહથી આફ્રિકામાં વધુ સમય રહેવાનો સ્વીકાર અને પછી વકીલાતની શરૂઆત, સાથોસાથ ભારતીયોને એક કરવા માટે નાતાલ કોંગ્રેસની સ્થાપના કરે છે, પદ્ધતિસરની ઑફિસ, લખાણો, ભંડોળ ઊભું કરવાની પદ્ધતિ, એમાં પારદર્શિતા – આદિ મોરચે મોહનદાસ સક્રિય થાય અને દક્ષિણ આફ્રિકાના આ બે-ચાર પરગણાઓમાં એમની વકીલ તરીકેની અને એક ચળવળખોર કુલીભાઈ-ગાંધીભાઈની ખ્યાતિ ક્રમશઃ વધવા લાગે છે. એનો એક જ નમૂનો જે રીતે પહેલીવાર નાતાલ સંસદને અરજી કરે, હજ્જારો સહી એક જ રાતમાં એકઠી કરે અને બે દિવસ માટે સંસદને વિચારણા માટે અટકાવી દે છે- એ પ્રસંગમાં જોવા મળે છે. સંઘ શક્તિનો, જાગી ઊઠેલી ભારતીય ચેતનાનો તણખો પહેલીવાર આ પ્રસંગે જોવા મળ્યો. જોકે, કાયદો તો પસાર કરી જ દીધો. પણ ઘસરકો પાડ્યામાં મોહનદાસ જીત જુએ છે. અહીં આપણને મોહનદાસની ધીરજ, ધ્યેયલક્ષી અડગતા, ચીવટ અને જનનેતા બનવાનું હીર જોવા મળે છે. આ લડતનો દૌર આગળ વધે છે, ઇંગ્લેન્ડ, પછી ભારતમાં આવીને, વળી પાછા આફ્રિકામાં પરિવાર સાથે લઈ જઈને જે રીતે ક્રમશઃ લડતને વિસ્તારતા જાય છે- અને એ પણ દુનિયાએ પહેલા ક્યારેય નહોતા જોયા એ રસ્તાએ લડતનો આરંભ કરે છે એ અચંબામાં નાંખનારું છે.
I. ભારતીયો વચ્ચે રહેલું અંતર ઘટાડવું. હિન્દુ-મુસ્લિમ, વેપારી- કુલી, ખ્રિસ્તીમાં કન્વર્ટ થયેલા અને ભારતીયોના હમદર્દ બનેલા કેટલાક ગોરાઓ, ભારતમાં આઝાદીની ચળવળ ચલાવતા નેતા અને પ્રજાનેઓને આ સંસ્થાનના પ્રશ્નો પ્રત્યે જાગૃત કરવા, અને તેમ છતાં સીધા સંઘર્ષમાં ઉતરવાને બદલે દુશ્મન એવી ગોરી સરકારને ધીરજપૂર્વક સમજાવવાનો માર્ગ.
II. શોષિતો,બીમારો, બેરોજગારો, સ્વૈચ્છિક રીતે લડતમાં જોડાનારને પ્રવૃત્ત કરવા, વર્તમાનપત્રનું પ્રકાશન કરવું, બીમારીઓમાંથી છૂટવા માટેના કુદરતી અને ઓછા ખર્ચાળ રસ્તાઓ શોધવા, આત્મશોધન કરવું, સદાચાર અને ભારતીય મૂલ્યોનું આરોપણ કરવું, અંગ્રેજી કરતાં જુદું શિક્ષણ આપવું. અને એ માટે ફિનિક્સ આશ્રમની સ્થાપના, ટૉલ્સટોય ફાર્મની રચના- ખાણીયા, ખેતરોમાં વસતા કુલીઓને એકત્ર કરવા અને ઓછામાં ઓછી સભ્ય ફી રાખીને નાતાલ કોંગ્રેસમાં જોડવા- જેવી સમાન્તરે ચાલતી પ્રવૃત્તિઓ.
III. વર્તમાનપત્ર ઇન્ડિયન ઓપિનિયન-નું પ્રકાશન અને અન્ય અંગ્રેજી વર્તમાનપત્રોમાં ભારતીયોના પ્રશ્નો, કાયદાકીય પ્રશ્નો ચર્ચતા રહીને ગોરા અને ભારતીય પ્રજાને સતત જાગૃત રાખવાના પ્રયત્નો, સમાન્તરે ભારતીય કુલીઓને જ્યાં જ્યાં અન્યાય થાય, જ્યાં જ્યાં એમના પર પસ્તાળ પડે ત્યાં ત્યાં મોહનદાસ વકીલની હેસિયતથી પડખે ઊભા રહેતા. એઓ કાયદાકીય જાગૃતિ માટે પણ સતત મથતા રહ્યા.
3. અંગત કુટુંબ- પત્ની કસ્તુર, બાળકો (હરિદાસ, રામદાસ મણિલાલ-ભાણેજને ઉછેરવા, સાચવવા, એમને આ આખીયે તદ્દન વાહિયાત લાગતી પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવવું, ગળે ઉતારવું અને પાછા એમાં સામેલ પણ કરવા. બ્રહ્મચર્યના પ્રયોગો શરુ કરવા, સહજીવનના પ્રયોગો શરુ કરવા, દરિદ્રનારાયણની સેવાને લડતના ભોગેય પ્રાધાન્ય આપવું- આ બધું એક માણસ એક જ જીવનમાં સમાન્તરે કરી શકે- એ બાબત જ કેટલી ચમત્કારિક છે. નવલકથા એક રીતે જોઈએ તો આ ત્રણ પ્રકારના બિન્દુઓની આસપાસ વિસ્તરી છે.
ગાંધીના ચિત્તમાં અંગત જીવન વિશે જે ચાલતું હતું- એનું આલેખન એક સામાન્ય માનવીના ચિત્તમાં ચાલતી ગડમથલ છે- જુઓ- ‘કોઈની અંતરંગ લડાઈનું નિમિત્ત છે. એ પાત્ર તે કસ્તુર. મોહનદાસ લગ્નના પ્રથમ દિવસથી જ કસ્તુર પ્રત્યે સમર્પિત થઈ ચૂક્યા હતા. ઊઠતાંબેસતાં તેમને કસ્તુર જ દેખાતી હતી. કસ્તુરનું જ આકર્ષણ હતું. જે એને બાપુની સેવામાંથી ખેંચી લઈ ગયું હતું. પછી તો પસ્તાવા કે પ્રાયશ્ચિત સિવાય કંઈ રહ્યું જ નહોતું. (પૃ-376)
ગાંધીજીએ વેપારી, સામાન્ય ગિરમીટિયાઓ અને મજૂર કુલીઓ- એમ બધા જ ભારતીયોને સ્પર્શતા હોય એવા મુદ્દાઓ- ગિરમીટ પૂરી થયા પછી જો સંસ્થાનમાં રહેવા માંગતા હોય તો જે કર ભરવાનો કાળો કાયદો જનરલ સ્મટ્સ લાવ્યા તેનો વિરોધ. કુલીઓએ સાંજે રસ્તા પર ચાલવા માટે પણ અલગથી પરવાનો લેવો પડતો, હિંદુ વિધિથી લગ્ન થયા હોય તો તેનો સ્વીકાર નહીં, એનું રજિસ્ટ્રેશન ફરજિયાત, ગિરમીટ પર આવનાર અને અહીં વસવા માગતા કે વસેલા સૌએ બેય હાથના પંજાઓની છાપ આપવી ફરજિયાત કરી- એ બધા પાછળ ગોરાઓનો અંકુશ રહે તે બાબત મુખ્ય હતી અને એ ત્યાંના ભારતીયોને સતત દબાવવા, ભગાડવા કે સંતાપવા માટેના હતા- મોહનદાસે આ પ્રશ્નોનો ત્યાંના કાયદાઓ, ઇંગ્લેન્ડના કાયદાઓનો ઝીણવટભેર અભ્યાસ કરીને, વિગતે અને યોગ્ય જગ્યાઓએ- સંસ્થાનના જનરલથી શરૂ કરી,(ભારતમાં એમણે લખેલ લીલું ચોપાનિયું) ભારતીય વાઈસરૉય, ઇંગ્લેન્ડમાં જઈને ત્યાંના મહત્ત્વના સેનેટરથી માંડી મહારાણીને અરજીઓ કરી કરીને એક આખું વાતાવરણ સર્જ્યું. તેમાં એમને કેટલાય ઉમદા ગોરા મિત્રો પણ મળ્યા.
તો સામે અવાર-નવાર માર મારવા અને છેક મારી નાંખવા સુધીના પ્રયત્ન થયા- એ જ્યારે ભારતથી કુટુંબને લઈને પર આફ્રિકા આવ્યા ત્યારનો પ્રસંગ જોવા જેવો છે-
‘ભીડ વધતી ગઈ. બંને બરાબર ઘેરાઈ ગયા હતા. એક ડગલું ચાલવું પણ મુશ્કેલ હતું. એક હટ્ટોકટ્ટો માણસ આવ્યો. લોટનને ઘસડીને દૂર લઈ ગયોઃ ‘તું આ કુલીનો અંગરક્ષક છે..?’
લોટને શું જવાબ આપ્યો તે શોરબકોરમાં મોહનદાસથી સંભળાયું નહીં.
મોહનદાસ એકલા પડી ગયા હતા. મિ. લોટન ક્યાંય દેખાતા ન હતા. એમણે આંખો બંધ કરી દીધી. વિચાર્યું- ભાગશો ક્યાં સુધી..? ભાગશો તો પણ જંગલી વરુની જેમ તેઓ તમારો પીછો કરશે. તેઓ ત્યાં જ ઊભા રહી ગયા. ટોળાએ પથ્થરો ફેંકવા માંડ્યાં. પછી તો જેના હાથમા જે આવ્યું તે ગાંધી પર ફેંકતા હતા. ઈંટડાં, સડેલાં ઈંડા, સડેલાં માછલાંનો વરસાદ વરસવા માંડ્યો. એક છોકરાએ મોહનદાસની પાઘડી હવામાં ફગાવી દીધી. પાઘડી વિનાનું માથું ખુલ્લું થઈ ગયું હતું. પછી તો જે કોઈ આવતું તે એના માથા પર મારતું હતું. તો વળી કેટલાક લાતોથી, ઢીકાપાટુથી, ફટાફટી બોલાવવા માંડી. મારતા જાય ને હરખાતા જાય, મારતા જાય ને નાચતા જાય, ગાતા જાય, ફૂલાતા જાય, અમે ગાંધીને માર્યો !! ગાંધીની બરાબર ધોલાઈ કરી. મારવું તે જાણે પુણ્યકાર્ય ન હોય...!! મોહનદાસને તમ્મર આવવા લાગ્યાં. એમણે પડખેના ઘરની જાળી પકડી લીધી. પોરો ખાધો. શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો...(પૃ.361)
આ ઘટનાના પડઘા છેક ઈંગ્લેન્ડ સુધી પડ્યા. ચેમ્બરલેન સંસ્થાના મંત્રીને બદલે હવે ગૃહમંત્રી બની ગયા હતા. એમણે તરત જ ગાંધી ઉપર હુમલો કરનારાઓ પર કામ ચલાવવાનો આદેશ કર્યો. અને આ સમાચાર વાયુવેગે આખા નાતાલમાં ફરી વળ્યા. દુનિયા પર રાજ્ય કરનાર બ્રિટિશ સરકાર એક કુલી માટે આટલી બધી ચિંતિત..? પણ ત્યારે ગાંધીજીની આગવી લડત પદ્ધતિ પ્રગટાવતો જવાબ મોહનદાસ પાસેથી મળે છે- “ખરું પૂછો તો હું હુમલો કરનારાઓને દોષિત પણ નથી માનતો. તેને તો એમ કહેવામાં આવ્યું હતું કે મેં હિન્દુસ્તાનમાં અતિશયોક્તિ કરી નાતાલના ગોરાઓને વગોવ્યા છે, એમની વિરુદ્ધમાં ભાષણો આપ્યા છે. આ વાતે તેઓ ગુસ્સો કરે તેમાં નવાઈ શી..?” (પૃ.365)
1907માં આખા ટ્રાન્સવાલમાં એશિયાટિક કાનૂન અંતર્ગત એશિયનોએ પરવાનો લેવો પડે. જનરલ બોથાએ કરેલા આ કાયદાને માન આપીને જો કોઈ એશિયન પોતાનું, પરિવારનું નામ નોંધાવે નહીં તો દંડ અને દેશનિકાલ સુધીની જોગવાઈ હતી. મોહનદાસે ભારતીયોને સંગઠિત કરવાનું અને સવિનય આ કાનૂન ન સ્વીકારવા સત્યાગ્રહનો માર્ગ સૂચવ્યો. આરંભે થોડા જોડાયા પણ કેટલાક અચકાતા પણ હતા. તો સ્વયંસેવકોને ખાસ સૂચના હતી, જેમને રજિસ્ટ્રેશન કરાવવું હોય એમને સામે ચાલીને મદદ કરવી, પોતાની વાત સમજાવવી ખરી પણ નિર્ણય લેવાની બધાને છૂટ આપવી. પરિણામે એ આવ્યું – પોલિસને આ વાત ધીમે ધીમે સમજાતી ગઈ કે આ લોકો મૂરખ વધુ છે, ખતરનાક ઓછા છે..તેથી સત્યાગ્રહીઓસાથેનું તેમનું વર્તન એટલું કડક નહોતું. તેઓ હસતા હતા. હિન્દુસ્તાનીઓ જ આટલા મૂરખ હોઈ શકે. પોતાના કાર્યક્રમોનો વિરોધ કરનારાઓને પણ ઑફિસ સુધી લઈ જાય છે...સરકારને જ મદદ કરી રહ્યા છે. આવા બેવકૂફોને શું કહેવું અને શું સજા કરવી ? (પૃ-555) સત્યાગ્રહીઓ દ્વારા જેલમાં ભરાવો થઈ રહ્યો હતો. જનરલ સ્મટ્સ ચિંતીત હતા. મોહનદાસને જેલમાંથી ગુપ્ત રીતે ઉઠાવી લાવી એમની સાથે સમાધાન કરે છે. ગાંધી સરળ વ્યક્તિ અને લોમડી જેવો જનરલ સ્મટ્સ-
“તમે મારી ઉપર વિશ્વાસ મૂકો. હું જીભ આપી ચૂક્યો છું. તમે તમારા લોકોને પરવાના માટે કહો. જેવા એ લોકો પરવાના લઈ લેશે કે તરત જ હું કાયદો રદ કરવાની કાર્યવાહી શરુ કરીશ.”(પૃ.565)
મોહનદાસની આ મોટી ભૂલ હતી. એના કારણે ભારતીય સમાજ વેરવિખેર થવાની હાલત પર આવી ગયો. ખાસ કરીને મુસ્લિમો વિરુદ્ધ થઈ ગયા. બેએક વાર ગાંધીને માર પણ પડ્યો. એટલેથી જ ન અટક્યું- રામપુરી ચપ્પાથી જીવ લેવાનો પ્રયાસ પણ થયો. ફરીથી લડતને પાટે ચડાવતા ખાસ્સો સમય ગયો. વચ્ચે પ્રો. ગોપાલકૃષ્ણ ગોખલે દ.આફ્રિકા આવી ગયા અને જનરલ બોથા અને જન. સ્મટ્સ સાથે મિટિંગ કરીને વચન મેળવ્યું કે પરમિટ અને કરનાબૂદીની વાત સ્વીકારાશે. પણ ફરી સરકાર ફરી ગઈ કે ગોરાઓ નથી ઇચ્છતા તેથી આ કાયદામાં ફેરફાર નહીં થાય- એટલું જ નહીં, કર ઉઘરાવવામાં કડકાઈ વધી, ગમે ત્યાં ગમે ત્યારે કર ભર્યાની પહોંચ ન બતાવે તો સજાઓ કરવાનું શરું થયું. ફરી સત્યાગ્રહ ને જેલભરો આંદોલન ચાલુ થયા. સવિનય કાનુનભંગ વધારે દૃઢતાથી આંદોલનનું રૂપ લેવા લાગ્યો. એમાં લગ્નકાનુનનો મુદ્દો ચગ્યો. એમાં સ્ત્રીઓ પણ ઘર છોડીને આંદોલનમાં જોડાઈ. પહેલી ટુકડી ટ્રાન્સવાલ બહેનોની. લેઝરસમાં ખાણીયાઓ જોડાયા, હજ્જારોની સંખ્યા ભેગી થતી ચાલી. એ નાનકડું ગામ આ બધાનો બોજ સહન કરી શકે એમ ન લાગતા મોહનદાસે એમને ક્યાંક અન્યત્ર લઈ જવા અનિવાર્ય બન્યા. જેલમાં જવાય એટલા જેલમાં જવું- એ રીતે સરકાર પર રોટલાનો બોજ પડે, બધાંને વાહનોમા લઈ જવાય તેમ નહોતું. અંતે પગપાળા ન્યૂ કૅસલથી ટ્રાન્સવાલની સરહદ (ટોલ્સટોય ફાર્મ સુધી) અંદાજે 36 માઈલનો રસ્તો કાપવાનો હતો. સંખ્યા હતી પાંચ હજારની. ડૉ. બ્રિસ્કો મોહનદાસને મળે છે ને કહે છે એ – ‘ચાર્લ્સટાઉનમાં રહેનારા તમામ ગોરાઓ આ અશિક્ષિત અને અસામાજિક કહેવાતા કુલીઓના વ્યવહારથી દિગ્મૂઢ થઈ ગયા છે. આટલું શાંત, સહજ અને શિસ્તબદ્ધ આંદોલન ઈતિહાસમાં ભાગ્યે જ થયું છે-‘ (પૃ.693)
ત્રણ વખત ધરપકડ અને છૂટકારો, ડંડીની કોર્ટે ગાંધીને નવ મહિનાની જેલ કરી દીધી, મોહનદાસના મિત્રો પોલોક, મિ. કૅલનબેકને ત્રણ ત્રણ મહિનાની સજા થઈ.
આ બાજુ પ્રો.ગોખલે પથારીવશ હતા. પથારીમાં સૂતા સૂતા જ તેઓ દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિ વિશે મળતા સમાચારોને ભારતભરમાં પ્રસારિત કરતા હતા...જેમ જેમ લોકો દક્ષિણ ભારત વિશે જાણતા હતા તેમ તેમ ત્યાંના ભારતીયોની સ્થિતિ વિશે ચિંતતિત થવા લાગ્યા. આખું હિન્દુસ્તાન ભડકી ઊઠ્યું. અત્યાચારોની ચર્ચા થવા લાગી. અહીં પણ બ્રિટિશ સરકાર અને ત્યાં પણ બ્રિટિશ સરકાર...(પૃ.715) ભારતના વાઈસરૉય આમ તો અંગ્રેજ અને એ બીજા સંસ્થાન વિશે ટીકા ન કરે પણ આ લોર્ડ હાર્ડિંગ હતા. એમણે સાફ શબ્દોમાં કહ્યુઃ દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે કોઈ પણ સભ્ય સમાજ માટે શરમજનક છે.(પૃ.715)
અંતે ગાંધીજીને છોડવામાં આવ્યા, કસ્તુરબા પણ છૂટ્યાં, હરિલાલથી માંડી એમના મોટાભાગના સાથીઓને છોડવામાં આવ્યા. ભારતથી એક કમિશન આવ્યું જનરલ સ્મટ્સ સાથે વાત કરવા. ગાંધીજી જનરલને મળ્યા ત્યારે જનરલ સ્મટ્સે જે કહ્યું તે અચૂક વાંચવા જેવું કહે છેઃ મિ. ગાંધી, મને તો તારા લોકો જરાય નથી ગમતા. હું તેને મુદ્દલ મદદ કરવા નથી ઇચ્છતો. પણ હું શું કરું...તમે લોકો અમારી કફોડી સ્થિતિમાં અમને મદદ કરો છો. તમને કેમ કરી મારી શકાય...હું તો ઘણીવાર ઇચ્છું છું કે તમે પણ આ અંગ્રેજી હડતાલિયાઓની જેમ હુલ્લડ કરો, તો છે તેમ જ રાખો તમને સીધાદોર કરી દઈએ. પણ તમે તો દુશ્મનને પણ દુભવવા નથી માગતા. તમે પોતે જ દુઃખ સહન કરી જીતવા ઇચ્છો છો. વિવેકમર્યાદા છોડતા નથી...તમારી આ વાતથી અમે લાચાર બની જઈએ છીએ....મિ. ગાંધી, તમે મને નપુંસક બનાવી દીધો છે. મને કંઈ સમજાતું નથી, કયા હથિયારથી હું તમારી સામે લડું...જે કોઈ હથિયાર ઉગામું છું તે મારી સામે જ આવે છે. લાઠી, ગોળી, બંદૂક...અમે અને અમારા પોલીસો વધુ ને વધુ જખ્મી થતા જઈએ છીએ. તમે કહો...તમે મને કહો...તમારે સામે લડવા માટે હું કયું હથિયાર શોધું...
ત્યારે શાંતિથી મોહનદાસે કહ્યુઃ એક જ હથિયાર અમને હરાવી શકે તેમ છે- પ્રેમ. (પૃ.732)
પછી કમિશન નિમાયુ-વાટાઘાટો અને મુસદ્દાઓ ઘડાયા..સત્યાગ્રહની બધી જ માગણીઓ સ્વીકારાઈ. આ બાજુ ગોખલેની બીમારી વધતી ચાલી, કસ્તુરની બીમારી અને ગાંધીનું અહીંનું કામ પણ પૂરું થયું. એમણે 21 વર્ષ દ.આફ્રિકામાં વિતાવ્યા. સામાન્ય કુલીથી બેરિસ્ટર ગાંધી, ગાંધીભાઈ અને હવે જેને ભારત, બ્રિટન અને વિશ્વમાં ય બહુ બધા ઓળખતા હતા એ સફળ આંદોલનકર્તા ગાંધીને ગોખલેએ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા અને આગળની લડત ઉપાડી લેવા જણાવ્યું...અને ગાંધી 1915માં ભારત આવ્યા.
આ નવલકથામાં લેખકે મોહનદાસના આંતરમનને સરસ રીતે ઉઘાડ્યું છે. વ્યક્તિગત રીતે જીવનની શોધ, સત્યની આરાધના અને એમાં આવતા અવરોધો, પોતાના કુટુંબ પ્રત્યેની એમની લાગણીઓ અને સમાજજીવનના સિદ્ધાંતો- વચ્ચેનો સંઘર્ષ, પોતાના સાથીઓ અને પોતે જેને પોતાના બાંધવો માન્યા છે- એમના ચારિત્ર્યશુદ્ધિની પણ એટલી જ સભાનતાનો આગ્રહ, સત્તાધીશો સાથે કામ પાડવાની એમની કુનેહ, સામેનાને પ્રેમના બળથી જીતવાની જીદ, ભાગ્યે જ બે કે ત્રણ ઘટનાઓમાં એ બે ડગલા પાછળ હટ્યા હશે- બાકી ચિત્તમાં જે સ્વરૂપની પરિસ્થિતિ કલ્પી હોય તે ને મૂર્ત કરવાના બળકટ પ્રયાસો- એમના આંતરમન અને બાહ્યા આચરણ વચ્ચેની ભિન્નતાને ક્રમશઃ ગાળતા જઈ પૂર્ણતા તરફના વિકાસને સરસ રીતે આલેખ્યો છે.
કસ્તુરના પાત્રને લેખકે અત્યંત સભાન રીતે અને એક સર્વસામાન્ય સ્ત્રીરૂપે આલેખ્યું છે. સતત મોહનદાસની નિકટતા અને કુટુંબ પ્રત્યેની જવાબદારીઓથી સભાન એવી કસ્તુર સતત વિસ્થાપિત થયા કરે, મોહનદાસથી દૂર રહેવાના અનેક પ્રસંગો સર્જાયા જ કરે, સતત લોકોની વચ્ચે, ઘરમાં પણ અનેક લોકોની વચ્ચે જ રહેવાના કારણે ન મળતા અંગત એકાંત-નો ત્યાગ. બીમારીઓ, બાળકોના પ્રશ્નો, આર્થિક મૂંઝવણો, કામનો બોજ, અજાણ્યો મુલક અને લોકો, મોહનદાસ ઘરેણા-ગાંઠા પણ ઉતરાવીને ટ્રસ્ટમાં આપી દે, મણિલાલ, હરિલાલને ય સજા કરવામાં જરા પણ વાર ન લગાડે, કોઈને પણ દેખાતી ભૂલો માટે મોહનલાલ જાતને જવાબદાર ગણી ઉપવાસો કરે- અનેક પ્રકારની અસ્થિરતા વચ્ચે જીવતી કસ્તુરનું એક સહનશીલ અને સતત પડખે ઊભી રહેનારી, જેલમાં જનારી, પ્રેમ ઝંખતી નારી તરીકે ઉપસી આવી છે. જો કે, ક્યાંક ક્યાંક એની અણસમજ, ભોટપણું અને મોહનદાસ સાથેના ઝઘડાઓ એમની પ્રસિદ્ધ છાપને હાનિ પહોંચાડતી પણ લાગે.
દસ્તાવેજો- જેવાં કે, પત્રો, વર્તમાનપત્રોના અહેવાલો, લેખકે જાતે જે તે સ્થળે જઈને મેળવેલા દસ્તાવેજો, ઇંગ્લેન્ડ, મોરેસિયસ, દ.આફ્રિકાના ચારેય સંસ્થાનોની મુલાકાત લઈને જે જે સામગ્રી પ્રાપ્ત થઈ એનો ભરપૂર ઉપયોગ કર્યો હોવાથી આ કથા અત્યંત દળદાર થઈ છે. જો કે, કબુલ કરવું પડે કે એ પછી પણ નવલકથાની રસક્ષમતા ટકાવી શક્યા છે. વચ્ચે વચ્ચે અવકાશ મળ્યો ત્યાં ત્યાં મોહનદાસના જુદા જુદા ઘર, આસપાસના પરિવેશના અને કુદરતી વૈભવવાળી જગ્યાઓના, તત્ત્કાલની શહેરોના વર્ણનોમાં લેખકની વર્ણનકલા પ્રગટી છે. પણ લેખકનો સૌથી મોટો જો વિશેષ હોય તો એ છે- પાત્રોને સજીવ કરવાની કળા. એમણે હકીકતનાં કે કલ્પેલાં પાત્રોને આપણી આંખ સામે જીવન્ત કર્યા છે. ભલે પછી એ મુખ્ય પ્રવાહના હોય કે ગૌણરૂપ. એવી જ રીતે જેલ, સંઘર્ષો, આંદોલનો, અને અહેવાલો તથા એની ભારતીય અને ગોરા સમાજ ઉપર થતી અસરોને અસરકારક રીતે ઉપસાવી હોવાથી આ નવલકથા અત્યંત રસવાહી અને જીવન્ત અનુભવ કરાવે છે.
નવલકથાના અંતે એ સમયના વર્તમાનપત્રમાં પ્રગટ થયેલ નોંધનો ઉપયોગ કરીને લેખકે નોંધ્યું છે-
તા. 10-7-1914 અને 17-7-1914ના એક છાપામાં નોંધ હતી-
‘સોલ્યુશન ઑફ ઇન્ડિયન પ્રોબ્લેમ્સ ટર્ન્સ આઉટ ટુ બી એ મિથ...’
‘દંતકથાની જેમ ભારતીય પ્રશ્નોનો ઉકેલ આવી ગયો’.
ભવિષ્યની પેઢી જ્યારે આ સંઘર્ષની કથા વાંચશે ત્યારે જરૂર એને આ કોઈ પૌરાણિક કથા જ લાગશે. સાવ બાપડી-બીચારી પ્રજા એક મજબૂત સરકારને સવિનય રીતે વિરોધ કરાવીને હરાવી દે- એ સત્ય ઘટના કોઈ માનશે ખરું...?