કુન્દનિકા કાપડિયાનું સર્જન વિશ્વ
કુન્દનિકા કાપડિયાનું આપણા સાહિત્યમાં પાંચમાં દાયકામાં કથાસર્જક તરીકે આગમન તે નારી જીવનને સ્પર્શતી એક ક્રાંતિકારી ધટના છે. એમના જમાનાની કે સાંપ્રત સમયની નારી આર્થિક રીતે સમ્રુધ્ધ હોય કે ગરીબ સુશિક્ષીત હોય અલ્પશિક્ષીત હોય કે અભણ કહેવાતા ઉજળિયાત વર્ણની હોય કે કહેવાત નિમ્ન વર્ણની સામાજિક સ્તરે વિકાસશીલ હોય કે પછાત એવી બહુવિધ સ્થિતિઓ ધરાવતી નારીઓના જીવનની ગૂઢ સમસ્યાઓમાંથી ઉઘડતી ઊપસતી રૂઢિગત દાંભિક સ્વાર્થપરસ્ત સમાજની કરૂણ ક્યાંક ગરવીલો ક્યાક વરવી છબી એમની નવલકથાઓ તથા ટૂંકીવાર્તાઓમાં જુદી જુદી ઘટનાઓ રૂપે નિર્દેશાઈ છે.
પરાપૂર્વથી ચાલ્યા આવતા પુરૂષપ્રધાન સમાજમાં આજદિન સુધી પિતૂસત્તાક સમાજની કુટુંબ વ્યવસ્થાએ ઊભા કરેલા પરંપરિત જાતિનિયમોને આધિન રહીને જીવે છે. જીવવું પડે છે. પરણ્યા પછી ઘરસંસારની જવાબદારીઓમાં ગોઠવાઈને પતિએ પોતાના અને કુટુંબનાં વિકાસ માટે સેવેલા સ્વપનાઓને સ્વીકારી એની ખુશીઓમાં પોતાની ખૂશીઓ છે. એમ સ્વીકારીને કોઈને કોઈ રીતે સમાધાન સાધીને એણે પોતાનો ગૂહિણીધર્મ અદા કરવો પડે છે. બદલાતા સમયને અનુસરીને નવા વિચારો પ્રમાણે સ્ત્રીની પોતાના વિકાસ માટેની વૈયક્તક સ્વતંત્રતતા નારી પ્રત્યેનું યોગ્ય આદરસન્માન તથા સમાજમાં પુરૂષની બરોબરીનો દરજ્જો ક્યાય નથી કર્તવ્યભાવ ઘર કુટુંબને ચલાવવા સારી રીતે નિભાવવા પતિ જેટલી જ અરે એથીયે વધારે પત્ની પોતાની જાત ઘસે છે. ઘણું ઘણું વેઠે છે. તે છતાંય એણે સમાજમાં હમેશાં બીજા સ્થાને રહીને જ અન્યાય, અત્યાચાર અપમાનો વેઠવા પડે છે.
આ કઠોર તેમજ કુસ્તિત સામાજિક વાસ્તવની ઊંડી વ્યથા સમાજમાં પુરુષની બરોબરીનાં દરજ્જા માટે સાચા ન્યાય,નારીસ્વમાન નારમુક્તિ માટે પ્રબળ વિદ્રોહનો અવાજ કુંદનિકા કાપડિયાની ટૂંકીવાર્તાઓ અને નવલકથાઓમાં તારસ્વરે પડઘાય છે. ૧૯૫૪માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘પ્રેમના આંસુ ‘થી માંડીને ૧૯૯૦ સુધી કદાચ એ પછીનાં વર્ષોમાં પણ એમની કલમ સતત સર્જનરત રહી છે.
આ ઉપરાંત ધર્મનાં વર્ષોથી ચાલ્યા આવતા બાહ્યાચાર અથવા વિધિવિધાનોની તદ્દન પર રહીને આસપાસના જગતમાં વિસ્તરેલા પ્રાકૂતિક પદાર્થો, કુદરતીબળોમાંથી ઈશ્ર્વરનાં પરમતત્વને પામવું એની સાથે આત્મિક શક્તિને એકાકાર કરીને બધા જ ભેદભાવોથી વિમુખ રહીને મનુષ્ય જ્યા જ્યા મનુષ્યત્વ જણાય કે અનુભવાય એની પ્રેમાદરપૂર્વક પ્રતિષ્ઠા કરવી કે એનો મહિમા કરવો તે પણ કુંદનિકા કાપડિયાનો સર્જન વિષય છે. જે એમની કેટલીક વાર્તાઓમાં અસરકારક રીતે ખીલવા ખૂલવા પામ્યો છે. એમની કેટલીક વાર્તાઓમાં એક તરફ અનેક અભાવો વેઠીને ઓછી આવક ધરાવતો ગરીબ કે મધ્યમવર્ગીય માણસ અનેક વિષમતાઓ સામે લડત-લડતા અસ્તિત્વ ટકાવવા મથતો અને કોઈ પણ ભોગે વફાદારી નેકી જેવા જીવનમૂલ્યોને ન ત્યજતો દર્શાવાયો છે. તો બીજી તરફ બધી જ રીતે સુખી,સાધન સંપન્ન માણસ જે ભૈતિક સમુધ્ધિનાબધા જ વિષયો ભોગવીને વટથી જીવતો હોય એને આ પ્રકારના ભભકાદાર સુખી જીવનના ભોગવિલાસો વૈભવોનો ક્યાક ક્યારેક થાક-કંટાળો માનવજીવનનાં મૂલ્યો કોઈને કોઈ વ્યક્તિ,પ્રસંગ ચીજ કે પદાર્થ નિમિત્તે શોધવા પામવા કે સમજવા પ્રેરે છે.
આમ, સાત્વિક જીવનનો મહિમા કરનારા વ્યક્તિ ઘડતરની સાથે સાથે સમાજઘડતર અંગેપ્રરક વિચારદોહન સર્જનપ્રક્રિયામાં સાંકળીને એમની કૂતિઓમાં વાસ્તવપ્રધાનતાને વિલક્ષણ આકાર પૂરો પાડવા સભાનપણે પ્રયત્નશીલ કુંદનિકા કાપડિયાની ચિંતનશીલ સર્જક તરીકેની સામાજીક નિસબત પણ પ્રેરક અને અસરકારક રીતે પ્રગટ થયા વિના રહેતી નથી જે સર્જક તરીકે કુંદનિકા કાપડિયાને પાંચમા દાયકાનાં ગણનાપાત્ર મહિલા સર્જકોમાં વિશષ્ટ સ્થાન અપાવે છે
કુન્દનિકા કાપડિયાનો એક અણીદાર સવાલ....
“કામ કરવા માટે પતિનું ઘર
આરામ કરવા માટે માનું ઘર,
તો પછી પોતાનું ઘર ક્યું ? “.
જેવા વેધક પ્રશ્ર્ન વડે સમગ્ર સ્ત્રીજગતની સંવેદનાઓને જગાવનાર કુન્દનિકા કાપડિયાને આખું ગુજરાત ‘સાત પગલા આકાશમાં’ થી ઓળખે પણ માત્ર ‘સાત પગલા આકાશમાં’ જે એમની ઓળખ નથી શ્રી કુન્દનિકા નરોત્તમદાસ ઝવેરીનો જન્મ ૧૧મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ લીંબડી (સૌરાષ્ટ્ર)માં થયો હતો તેઓ ૧૯૬૮માં કવિ શ્રી મકરંદ દવે સાથે લગ્ન સંબંધે જોડાયા અને દવે કુન્દનિકા મકરંદ ‘સ્નહધન ‘થી ઓળખાવા લાગ્યા. તેઓ વાર્તાકાર અને નવલકથાકાર છે. હવે તેઓ તેમની માતાના નામ સાથે ઈશા કુન્દનિકા તરીકે ઓળખાય છે.
તેમણે પ્રાથમિક શિક્ષણ ગોધરામાં લીધું અને ઉચ્ચશિક્ષણ વડોદરામાં લીધું ત્યાર પછી ત્રણ વર્ષ ભાવનગર શામળદાસ કોલેજમાં અભ્યાસ ર્ક્યો અને ઈતિહાસ તેમજ રાજકારણ વિષયો સાથે સ્નાતક થયાં મુંબઈ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ‘એન્ટાયર પોલિટિક્સ’ સાથે એમ. એ. નો અભ્યાસ ર્ક્યો પરંતુ તેમા તેઓ પરીક્ષા આપી શક્યા નહી તે ક્રિલાન્સ લેખિકા તરીકે કામ કરતા રહ્યા ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી. ‘યાત્રિક’ સામાયિકને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી ‘નવનીત’માં સંપાદન તરીકે કામ કર્યું છે. ‘અખંડ આનંદ’, જન્મભૂમિ’માં પણ તેમણે નિયમિત લખેલું તેમજ ફિલ્મ ડિવિઝનમાં કોમેન્ટરી પણ તે લખતા હાલ તેઓ વલસાડ બાજુના આદિવાસીઓના વનાંચલે, ‘નંદીગ્રામ’ સેવાસંસ્થા વસાહતી સંસ્થા સ્થાપીને કેટલાક વર્ષથી વસી રહ્યા છે.
તેમણે પ્રેરણા ઘર આંગણાનાં ધૂમકેતુ ,શરદબાબુ અને ટાગોરમાંથી તેમજ પરદેશનાં શેક્સપિયર ને ઈબ્સનમાંથી મળી છે. આ ઉપરાંત જે કાંઈ વાચ્યું એની અસર એમના પર થતી ગઈ, રુચિ ઘડાતી ગઈ અને સાહિત્ય દ્વારા કશુંક આપવાની ભાવના પ્રબળ બનતી ગઈ.
કુન્દનિકા બહેનની વાર્તાઓ શ્રેષ્ઠ છે. તેમનો રસરુચિ સાથે લખવાનો વિષય ટૂંકીવાર્તા છે. સમકાલિન ટૂંકીવાર્તામાં માત્ર ટેકનીકથી ન દોરાતા નિરૂપીત ઘટનાઓની પાછળ રહેલા પરિબળો એની વૈચારિક ભૂમિકામાં તેમને વધુ રસ છે. જીવનનાં કોઈ ખંડને પ્રકાશિત કરતી વેળા પણ જીવનના જે તત્વોને આધારે ઘડાય છે. એમા રસ લેનાર ગણ્યા ગાંઠ્યા વાર્તાકારોમાં કુન્દનિકા બહેનની ગણના થાય છે. આ રીતે ચિંતનાત્મક અભિગમ અને રસકીય દ્રષ્ટિકોણનો સુંદર સમન્વય કરતી તેમની ટૂંકીવાર્તાઓ ગુજરાતી નવલિકા સાહિત્યમાં જુદી તરી આવે છે. તેમણે દોઢેક ડઝન પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે.
તેમની પ્રથમ રચના ‘પ્રેમના આંસુ’ને ટૂંકીવાર્તાની વિશ્ર્વ હરીફાઈમાં જન્મભૂમિ પત્રોએ યોજેલી સ્પધામાં બીજું ઈનામ મળેલું ત્યારથી અધાપિપર્યત તેમની સર્જનયાત્રા વિકસતી રહી છે. તેમણે કરેલું સર્જન કર્મ તેની સાબીતિ છે.
વાર્તાસંગ્રહો ‘પ્રેમનાં આંસું’ (૧૯૫૪) ‘વધુ અને વધુ સુંદર’ (૧૯૬૮) નવલકથાઓ ‘પરોઢ થતાં પહેલાં (૧૯૬૮) ‘અગનપિપાસ’ (૧૯૭૨) ‘સાત પગલા આકાશમા’ (૧૯૮૪), લેખસંગ્રહો ‘દ્વાર અને દિવાલ’ (૧૯૫૫)‘ચંદ્ર તારા વ્રુક્ષ વાદળ’ અનુવાદ ગ્રંથો ‘વસંત આવશે’‘પૂર્ણકુંભ’ ‘હિમાલયના સિધ્ધયોગી’ ‘ જીવન : એક ખેલ’ ‘ઉઘડતાં દ્વાર અંતરનાં’ ‘ઝરૂખે દીવા ‘સંપાદન ‘પરમ સમીપે’ (પ્રાર્થના સંકલન) ‘આક્રોશ અને આક્રંદ’.
ફિલસૂફી સંગીતને પ્રકૂતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજાતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈને કોઈ રીતે આલેખાયેલી હોય છે. ‘પરોઢ થતાં પહેલાં’ જીવનમાં પડેલા દુ:ખના તત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ર્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે.
‘અગનપિપાસા’ નવલકથા બુધ્ધિ કરતાં હદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરે છે.
‘સાત પગલા આકાશમાં બહુચર્ચિત દીર્ધનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે. આ નવલકથા વિવિધ પ્રકારે સ્ત્રી પર થતા શોષણની સમસ્યાઓ પ્રશસ્ય પણ કંઈક પક્ષપાતી રીતે ને તટસ્થ ઢબે આલેખવામાં આવી છે. આ નવલકથા દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૂત છે.
‘વસંત આવશે’ લોરા વાઈલ્ડરની નવલકથાનો અનુવાદ છે. મેરી ચેઝના શૈશવકાલીન પ્રસંગોનો પણ એમણે અનુવાદ ર્ક્યો છે. ‘પૂર્ણકુંભ’ એ બંગાળી ભાષામાં લખાયેલા પ્રવાસ વર્ણનો અનુવાદ છે ‘ઝરૂખે દીવા’માં સંગ્રહિત થયેલો એક એક વિચાર તે જાણે દીપશીખા જેવો છે. મનનાં અંધારા ખૂણાને જીવનનાં અંધારપથને તે પ્રકાશિત કરે છે. ‘ઊઘડતાં દ્વાર અંતરનાં એઈલીન કેડીનો અનુવાદ છે. આ પુસ્તકમાં લેખિકાએ પોતાનું નામ ઈશા કુન્દનિકા રાખ્યુ છે.તેમણે આ નામ વિશે એક વિચાર રજૂ ર્ક્યો છે.
‘આપણે મોટાભાગની અટકો જ્ઞાતિસૂચક હોય છે. તેથી અટક પડતી મૂકીને આપણાં નામ જુદી રીતે લખાવાં જોઈએ એવો મારો મત છે. વળી નામમા માતાનું નામ પણ જોડાયેલું હોવુ જ જોઈએ. મારી ઉંમરે અને નામ જાણીતું થઈ ગયા પછી આ રીતના પરિવર્તનમાં થોડી ગૂંચ થાય પણ એક સાદી શરૂઆત તરીકે મેં મારી અટક છોડી દઈને મારા જાણીતા નામ સાથે બીજુ નામ જોડ્યું છે. ખરેખર તો માતાને પિતાના નામને સાંકળીને મારું નામ ર.ન. ઈશા કુન્દનિકા કરવાનું મને ગમે પોતાના નામ સાથે માનું નામ સાંકળવાની પ્રથા કંઈક દિવસ શરૂ થશે અને જેના હિસ્સે કામ આવ્યું છે. તેને ગૌરવ પણ મળશે એવી આશા છે.
શ્રી રમણલાલ જોષી કહે છે. તેમ લેખિકા તરીકે શ્રી કુન્દનકાબહેનની વિશિષ્ટતા ટૂંકીવાર્તામાં જ છે. કોક ગૂઢ સંવેદનામાંથી તે વાર્તાઓ લખે છે. કોઈ અભિગ્રહથી તે સંચાલિત થતા નથી જીવનને પ્રગટ થવા દે છે. અને પ્રગટ થવાની પ્રક્રિયામાં જ કોઈ રહસ્ય એનું કોઈ સૌંદર્ય અને કશોક મર્મ ઊઘડતો આવે છે.
તેમણે પોતાની આગવી સંવેદનશીલતાને ટૂંકીવાર્તામાં સ્વાભાવિથી વહેવા દીધી છે. જીવન છે. તો એના પ્રશ્નો પણ છે.પ્રશ્ર્નોને એની પૂરેપૂરી સંકુલતામાં પ્રગટ કરે છે. અને એના ઉકેલ પણ જીવન પ્રત્યેની જોવાની સ્વસ્થ દ્રષ્ટિમાંથી જ પ્રાપ્ત થાય છે. તે જીવન સાધના જનિત ભાવનામયતાથી ઓપતી વાર્તાઓ તેમણે આપી છે. વાર્તામાં ઘટના તો આવે જ નહી ચમત્કૂતિ અમુક બિંદુ એ જ આવવી જોઈએ તેમની કેટલીક વાર્તાઓ સ્ત્રીના હદયને આબેહૂબ પ્રગટ કરે છે. એક લેખિકા જ લખી શકે એવી વાર્તાઓ છે.
તેમણે આલેખેલાં પાત્રોમાં ભિન્ન ભિન્ન અને શહેરી જીવનમાં પુરૂષો, સ્ત્રીઓ અને કિશોરો છે. એમના વિશેની રજે રજ બાબત લેખિકા જાણે છે. જીવનનાં ઉજળાં અને મલીન બંને પાસાને તેમની વાર્તાઓમાં ઊઠાવ મળ્યો છે. આ મનુષ્યનાં નામની સંકુલતા તે યથાવત પ્રગટ કરી આપે છે.
વિવિધ પરિસ્થિતિમાં મૂકાયેલા આ મનુષ્યોમાં ક્યાંક એવી તેજ રેખા પડેલી છે. જે એની જીવનયાત્રાને ઝંઝાવતોમાંથી પાર કરીને એના ચોક્ક્સ સ્થાને લઈ જશે એવું કોઈક તત્વ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતાં મનુષ્યોમાં પણ તેમને મૂકી આપ્યું છે. આમ, તેમની ટૂંકીવાર્તાઓમાં એક નવી જગતનું દર્શન થાય છે.
ફિલસૂફી પ્રક્રૂતિ અને સંગીતમાં પણ રસ ધરાવતા કુન્દનિકા કાપડિયા એક સર્જક તરીકે પોતાના આગવા વ્યક્તિત્વથી અંક્તિ જે રચનઓ આપી છે. તે એમને છેલ્લી પચીસીની લેખિકાઓમાં ઉચ્ચસ્થાનનાં અધિકારી બનાવી આપે છે.
કુન્દનિકા કાપડિયાનં સર્જન વ્યક્તિત્વ :
અભ્યાસનિષ્ઠ સુશિક્ષિત સર્જક તરીકેનું કુન્દનિકા કાપડિયાનું ઓજસ્વી વ્યક્તિત્વ એમની નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓમાંથી પસાર થતા સહુ કોઈ ભાવકોને સ્પર્શે છે.સામાજિક વાસ્તવનું નરવું ગરવું પ્રતિબિંબ અને એમાયે વિશેષ કરીને નારીજીવનની અનેક સંકુલ સંદિગ્ધ સમસ્યાઓ દુ:ખો વગેરે જેમના સર્જનમાં પૂરી હદયસ્પર્શિતાથી ઊઘડ્યું છે. તે દેશના અને વિદેશનાં પ્રતિભાસંપન્ન તથા એમના સમયનાં યુગદ્રષ્ટા કહેવાતા સર્જકો હેનરિક ઈબ્સન શેક્સપીયર રવિન્દ્રનાથ શરદચંદ્ર ધૂમકેતુ વગેરેનાં નાટકો ટૂંકીવાર્તાઓ કાવ્યો ઉપરાંત એમના જેવા આપણી ભાષાના આપણ દેશની અન્ય ભાષાના અને વિદેશી બીજા અન્ય સર્જકોનો એમની સર્જકતા પર પડેલો પ્રભાવ એમને કલાવાદના પ્રશિષ્ટ અને ચોક્કસ દ્રષ્ટિકોણવાળા સાહિત્યજગતના સીમિત કોચલામાંથી બહાર કાઢીને નારીજીવનના વિકાસને પ્રેરક એવું તથા મનુષ્યમાત્રના જીવનના સાંપ્રત સ્થિતિ સંદર્ભે જોવા કે અનુભવવા મળતા ગૂઢ રહસ્યો અંગેનું ચિતન કે યુગાનુંરૂપ દર્શન પ્રગટ કરતી સમાજલક્ષિતા તરફ આગળ લઈ જાય છે.
કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક વાડા વળગણથી તદ્દન પર એવું વેદ ઉપનિષદ અને ભક્તિઆંદોલન સૂફીવાદમાંથી પ્રગટતા સમાનવાદી માનવમૂલ્યો કે માનવજીવનનાં પરમ અને ચરમ સત્યો અંગેનું ચિંતન કે સતત તે મતલબનું ધર્મમંથન તે એમના વ્યક્તિત્વને ઉજાગર કરતું બીજું ઉમદા પાસું છે. જેની અસર પણ એમના સાહિત્યમાં ડોકાય છે.
વ્યાપક અભ્યાસ અને ધર્મચિંતન દ્વારા એમનામાં કેળવાયેલી વિરૂપતાની અસરથી દ્રઢમૂલ થયેલી વૈચારિક પરિપકવતા નારી તરીકે પોતાના સારા વિકાસશીલ જીવન અંગેના નક્કી કરેલા મૂલ્યોને કોઈ પણ ભોગે સ્વીકારી વ્યવહાર જીવનમાં આચરણમાં મૂકી શિસ્ત સહનશીલતા ધૈર્ય જેવા અનેક ગુણોને લાંબા જીવનસંર્ષ દરમ્યાન કસોટીની એરણ પર ચડાવીને એમાંથી પાર ઊતરી સફળતાની રાહે આગળ વધતા રહ્યા છે.
નારીમુક્તિ અને પુરૂષ સમકક્ષ સામાજિક દરજ્જામાં માનનાર અને ખરા અર્થમાં જીવનવિકાસનાં સહપથયાત્રી તરીકે પ્રેરણના અને પ્રોત્સાહન પૂરુ પાડનાર પોતાના જીવનમૂલ્યોને ઉદારભાવે ખુલ્લા મનથી સમજનાર વિચારશીલ એવું સુધારાવાદી પ્રબુધ્ધ પાત્ર મળે તો જ લગ્ન કરવું નહિતર કુંવારા રહીને સાચા અર્થમા કર્મશીલ જીવન વિતાવવું આવા દ્રઢ નિર્ધાર સાથે જીવન જીવતા કુન્દનિકા કાપડિયામાં જીવનમૂલ્યો પ્રત્યેની દ્રઢ આસ્થા અને ધૈર્ય સૌના માટે પ્રેરક બને એમ છે, આના જ કદાચ પરિણામ સ્વરૂપે ૧૯૬૮માં મોટી વયે મકરંદ દવે જેવા પ્રતિભસંપન્ન અને તત્વદર્શી પ્રબુધ્ધ કવિ સાથે એમનાં લગ્ન થયાં.
કચડાયેલી પછાત આદિજાતિ અને શોષણ અન્યાયનો ભોગ બનેલી કૌટુંબિક જીવનની અનેક સમસ્યાઓ નીચે જીવતી મહિલાઓના ઉત્કર્ષ કલ્યાણ માટે નંદિગ્રામ જેવી સંસ્થા સ્થાપીને સતત સેવાકાર્યોમાં સક્રિય રહીને સર્જન પ્રવૂતિ કરતા કુન્દનિકા કાપડિયાનું કર્મશીલ તરીકેનું વ્યક્તિત્વ પણ એમના સર્જકત્વને વિશિષ્ટ અસરકારક પરિણામ પૂરુ પાડે છે.
નારીસ્વાતંત્ર્ય અને વિકાસ માટેના ક્રાન્તિકારી જીવનમૂલ્યોને પોતે સ્વીકારીને સૌ કોઈ મહિલાઓને સ્વીકારવવા તે દિશામાં કેળવી જાગ્રત કરનારા કુન્દનિક કાપડિયા આ બાબતને લઈને અમુક અંશે મહિલાઓ તથા પુરૂષવર્ગ માટે વિવાદનો વિષય બન્યો છે. સંભવિત હોય ત્યાં સુધી એની પ્રતિક્રિયાઓ પણ નિર્ભિકપણે વ્યક્ત કરી છે. જે સ્પષ્ટવક્તા એવા નારીવાદી સર્જક તરીકે એમના વ્યક્તિત્વને ઉજાગર કરતું પાસું છે. સાત પગલાં વાંચીને એક અગ્રણી સાહિત્યકારે કુન્દનિકા બહેનને કહેલું :”પુરૂષ અડધી રાતે ગમે ત્યાં જઈ શકે સ્ત્રી ન જઈ શકે સ્ત્રીઓ તો કાલે પુરૂષોને કહેશે કે અમારી પ્રસૂતિપીડામાં પણ ભાગ પડાવો જવાબદાર વાક્ય વાંચો”.
“સમાનતાનો અર્થ સમજ્યા વિના હાંસી ઉડાવતું મૂર્ખ માનસ પ્રગટ થાય છે...... સમાનતા એ કોઈ સ્પર્ધા નથી હરિજનોને મનુષ્ય લેખે સવર્ણ ગણાતા લોકોની સમાન ગણવા જોઈએ એમ આપણે કહીએ ત્યારે તેમાં સ્પર્ધાની વાત આવતી નથી.
આમ, આ લેખિકામાં સમાજનું હિત અને તેમના વિચારોમાં પણ કેટલા સમાનતા છે તેનો ખ્યાલ આવે છે અને એટલા માટે જ સંવેદનશીલ સાહિત્યકારત તરીકે કુન્દનિકા અન્યથી જુદા પડે છે.