‘કીડીકથા’: એક વિહંગાવલોકન


‘કીડીકથા’ના સર્જક પ્રેમજી પટેલ હાલ તેમના વતન ખેરોલ (તા:તલોદ, જિ. સાબરકાંઠા)માં રહે છે. શેઠ એચ.પી. આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, તલોદમાં તેઓ ગુજરાતીના વરિષ્ઠ પ્રાધ્યાપક છે. પ્રાથમિક શિક્ષણ વતનમાં જ પૂર્ણ કરી તેઓએ અનુસ્નાતક સુધીનું શિક્ષણ તલોદમાં જ લીધું ત્યારબાદ તેઓ એ જ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.

‘ત્રેપનમી બારી’થી શરૂ થયેલી તેમની સર્જનયાત્રા આજ ‘કીડીકથા’ સુધી પહોંચી છે .‘કીડીકથા’ એ તેમનો પાંચમો લઘુકથા સંગ્રહ છે. આ અગાઉ તેમણે ‘ત્રેપનમી બારી’, ‘અમૃતવર્ષા’ , ‘સ્પર્શમણિ’ , ‘અવેર’ એમ કુલ ચાર સંગ્રહો આપેલા છે. અહીં તેમના પાંચમા લઘુકથા સંગ્રહ ‘કીડીકથા’માંની દસ લઘુકથાઓનું વિષયવસ્તુ અને એમાં થયેલો ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલીનો વિનિયોગ ભાવકો સુધી પહોંચાડવાનો મારો ઉપક્રમ છે.

આ સંગ્રહનું અગ્રઅવતરણ હૃદયવેધક રીતે રજૂ થયું છે :
“કેવો સહ્યો ! કેવું ત્રુટ્યા ! ભીની સમજ,
સાથે ઉડ્યા , ભરચક કૂજ્યા, નમણું તરલ.

‘કીડીકથા’માં લેખકે ૬૧ લઘુકથાઓનો સંચય કર્યો છે. તેમાં આ સંગ્રહનું જેના પરથી નામકરણ થયું છે તે ‘કીડીકથા’ લેખકે આડત્રીસમા ક્રમે રાખી છે . પ્રથમ ક્રમે છે ‘ સારું થયું તે...’ આમાં સુનંદાના પહેલા પતિનું અકસ્માતે મૃત્યુ થતાં તે બીજે પરણીને આવે છે. પહેલો પતિ તેને મારઝૂડ કરતો નિર્દયી માણસ તરીકે ચિતરાયો છે. જ્યારે બીજો હસમુખો અને પત્નીની દરકાર રાખતો સંસ્કારી છે! પહેલા પતિના ત્રાસમાંથી છૂટેલી સુનંદાને પહેલા પતિના મૃત્યુનો કોઇ રંજ નથી! તે તો કહે છે ‘સારું થયું તે...(મરી ગયો !)’

‘તરકટ’ લઘુકથામાં ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલીનો લેખકે સુંદર વિનિયોગ કર્યો છે જુઓ :
“અગાઉ તૈણ્ય ફેરા તેડવા જ્યો પણ ‘ના’ જ પાડી દેતી” (પૃષ્ઠ.૫)
---
“ કાકા, ભૂલ તો ... મૉણસ માતરની થાય. વાતો કરી લોકને દેખાડવાનું કે બીજું કાંય ?” (પૃષ્ઠ.૬)

‘તુલના’ લઘુકથામાં લેખકે એહમદ અને તરલિકા એમ બે અલગ અલગ પાત્રોના મનોભાવો વ્યક્ત કર્યા છે. ભાડૂઆત તરીકે કૃષ્ણ સોસાયટીમાં રહીને જતા રહેલા એહમદને પંદર વર્ષ પછી પણ સોસાયટીની માયા છૂટતી નથી જ્યારે એ જ સોસાયટીમાં ત્રીસ વરસથી રહેતી તરલિકાને સોસાયટી અને સોસાયટીના લોકો ‘ઝેર’ જેવા લાગે છે . લેખક ચા પીતાં પીતાં મનોમન આ બન્નેની ‘તુલના’ કરે છે.

‘ડબ્બલ પાપ’માં લેખકે મા વગરના સંતાનોની કેવી દશા થાય છે તે એક ચકલીના બચ્ચાના મરી જવા સાથે અનુબંધ સાધીને કહ્યું છે.

‘રામસેતુ’ લઘુકથામાં સુખી દામ્પત્યજીવનના કારણરૂપ સીડીની વાત રજૂ કરી છે. દિલીપના મતે તો સીડી ઘરમાં અસ્થાને પડેલી એક વસ્તુ- ‘ડફાકો’ છે ! પણ લેખક અને સુલેખાને તે રામસેતુ સમ લાગે છે ! લેખક પોતે રમૂજ કરતાં કહે છે: “સીડી અમારો રામસેતુ એ ના હોય તો રામ લંકા જાય કઇ રીતે ?” (પૃષ્ઠ.૧૨)

‘જાંબલી’ લઘુકથામાં ચિંતનના હસવાનો ભાવાર્થ અને ‘સ્ટોપવૉચના કાંટાની જેમ જડાઇ જવાનો’ ભાષાપ્રયોગ ધ્યાન ખેંચે એવો છે .

‘સોપો’માં આધુનિક યુગની વ્યસ્તતા અને તેના કારણે સંબંધોની ઊંડાઇમાં આવતી ઓટ વિશે લેખકે નિરૂપણ કર્યું છે .

‘તોરણ’ લઘુકથાના પાછળના પાને આવેલી ‘કાળું ધાબું’ લઘુકથા વારંવાર વાંચવાનું મન થાય તેવી છે. પોતાની સાસુના કહેવાથી નાયિકા પોતાની પંજાબની બહેનપણી ‘સૈફી’ને ફોન લગાડવા ફોન નંબરોની ડાયરીમાં તેનો નંબર શોધે છે. ‘એસ’ પરના પાના ઉપર શોધતાં શોધતાં તેની નજર છઠ્ઠા નંબરના નામ ‘સાવન’ પર પડે છે ! ત્યાં જ લગ્ન પહેલાંની તેની સ્મૃતિઓ જાગૃત થાય છે અને તે પ્રેમ મિશ્રિત તિરસ્કારથી એ નામને બ્લેક પેનથી ‘કાળું ધાબું’ પડી જાય ત્યાં સુધી છેક છેક કરે છે ! સ્ત્રી સહજ ભાવ અહીં સુપેરે વ્યક્ત થયો છે.

ઉપરની બધી લઘુકથાઓમાં આગળની હરોળમાં બેસે એવી લઘુકથા ‘કુહાડો’ આપણી ‘વિચારવેલ’ને વધુ મજબૂત કરે છે. પતિના ત્રાસથી ગાડી નીચે પડીને જીવન ટૂંકાવી નાખવાના વિચારે ઉપડેલી નાયિકા મધીમાનું દુ:ખ સાંભળી ડગી જાય છે. તે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળે છે.

“મનખાવતાર છે તે તડકી છાંયડી તો રહેવાની....બધું મન પર લઇએ તો જીવાય ના.” (પૃષ્ઠ.૩૨) એવો મધીમાનો ઉપદેશ આ લઘુકથાને જીવંત બનાવી મૂકે છે. વળી પન્નાલાલ પટેલની તળપદી બોલી યાદ આવી જાય એવી બલિષ્ઠ ભાષા-બોલીનો સુભગ સમન્વય અહીં થયેલો જોઇ શકાય છે જુઓ:
“અત્યારમાં છોરી ચ્યૉ હેડી?” (પૃષ્ઠ.૩૧)
“કાલની તમારા ગામમાં મૂઇ છું. છોડીના ત્યાં... “(પૃષ્ઠ.૩૧)

અને છેલ્લે... આ લઘુકથાનું જેના નામ પરથી કલેવર બંધાયું છે તે ‘કીડીકથા’ની વાત કરીએ તો અહીં સાવ નાની ઘટનાને લેખકે એટલી કુનેહથી રજૂ કરી છે કે આપણું સંવેદન ઝંકૃત થયા વિના ન રહે ! પગના અંગૂઠેથી ચડેલી કીડીને સલવારની બાંયમાંથી સરકતી અટકાવવા લેખક મથામણ કરે છે. પણ ‘ કીડી તો કીડી’ છે ! ત્યાંથી ઉછળી તે ‘એના’ પર પડે છે ! લેખકને ‘એના’ પરથી કીડી ખંખેરવાનું મન થયું પણ એ જ ક્ષણે ‘એને’ ઝાપટ મારી. ઝાપટ લેખકને વાગી પણ કીડી બચી ગઈ ! ‘એ’ કીડી લેખકના માનસપટ પર આજ લગી ચાલ્યા કરે છે ! લેખકે ‘એના’ નામનો ઉલ્લેખ કર્યો નથી પણ ભાષાપ્રયોગ સમજાઇ જાય એવો છે !

આ ઉપરાંત ‘ફોસી’, ‘ગાંધારી’, ‘ફૂલ’, ‘કઠારો’,’કૂકા’, ‘માવઠું’ જેવી લઘુકથાઓ ધ્યાનાર્હ છે પણ આગળ કહ્યું એમ અહીં દસ જ લઘુકથાઓનો જ ઉપક્રમ સેવ્યો હોવાથી લંબાણ ટાળ્યું છે .

લેખક પોતે એક સફળ નીવડેલા લઘુકથાકાર છે. તેમણે પોતે આ લઘુકથા સંગ્રહમાં ‘થોડી અંગત વાત...’માં કહ્યું છે તેમ એમની ઘણી લઘુકથાઓના હિન્દીમાં અનુવાદ થયા છે એ આપણી ભાષા માટે ગૌરવની વાત છે! તેમના ‘ત્રેપનમી બારી’ લઘુકથા સંગ્રહને ગુજરાત યુનિવર્સિટીના એમ.એ. (એક્ષ્ટર્નલ)ના અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે તે નાનીસૂની બિના નથી ! છતાં મારે અહીં એક વાત લેખકને થોડા નજીક બોલાવી કરવી છે. ‘તોરણ’, ‘ટાંપું’, ‘ચિત્રરૂપ’ જેવી લઘુકથાઓના અત્યંત ટૂંકાણ અને ઘટનાની પ્રચુરતાના કારણે એક બે વાર વાંચવાથી સહજ સમજાઇ જાય તેવી નથી. અલબત્ત લઘુકથાના સ્વરૂપ પ્રમાણે તો તે બરાબર છે જ !

સંદર્ભ :::

  1. 1. ‘કીડીકથા’(લઘુકથા સંગ્રહ) લે. પ્રમજી પટેલ, અરાવલી પ્રકાશન,પ્રથમ આવૃત્તિ -૨૦૧૬ , મૂલ્ય : રૂ ૧૨૫

કિશનસિંહ પરમાર, મુ: વક્તાપુર, તા: તલોદ, જિ: સાબરકાંઠા, પીન: ૩૮૩૨૧૫ મો: ૯૪૨૮૧૦૪૭૦૩ ઇ-મેઇલ:kishansinhp@gmail.com